Saturday, August 17, 2019

હેલ્લારો અને રેવાઃ વોટ નેકસ્ટ?

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 18 ઓગસ્ટ 2019

મલ્ટિપ્લેક્સ

હેલ્લારોઘરઆંગણે રિલીઝ થયા બાદ સંભવતઃ ઓસ્કર તરફ ગતિ કરશે અનૈ રેવાનું ડબ્ડ હિંદી વર્ઝન રિલીઝ થશે.



રેવાને બેસ્ટ ગુજરાતી ફિલ્મ અનેહેલ્લારોને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ... ગયા અઠવાડિયે આવેલા આ સમાચાર અણધાર્યા પણ હતા અને આત્યંતિક પણ હતા. રેવાને મળેલો અવોર્ડ સૌને સમજાયો, કેમ કે આ ફિલ્મ ઓલરેડી ખૂબ ગાજી ચુકી છે, લોકોએ તે જોઈ છે, માણી છે, વખાણી છે, પણ હેલ્લારોએ લોકોને કન્ફ્યુઝ કરી નાખ્યા! બહુમતી લોકોના મનમાં એ સવાલ ઉદભવ્યો કે આ હેલ્લારો એટલે વળી કઈ ફિલ્મ? (આ કૉલમમાં છ મહિના આ સવાલનો જવાબ અપાઈ ગયો છે.) પબ્લિકની મૂંઝવણ સમજાય એવી હતી, કેમ કે આ ફિલ્મ રિલીઝ થઈ જ નથી. ફિલ્મ તો ઠીક, એનું ટીઝર, ટ્રેલર, પોસ્ટર કે કલાકારોનો કોઈ લૂક પણ હજુ હમણાં સુધી બહાર પડ્યાં નહોતાં. હેલ્લારોના રાઇટર-ડિરેક્ટર અભિષેક શાહે છ મહિના પહેલાં પોતાની ફિલ્મના મેકિંગ વિશે તો ખૂલીને વાત કરી હતી, પણ વિધિવત પ્રમોશન શરૂ થાય તે પહેલાં ફિલ્મનું કોઈ વિઝ્યુઅલ તેઓ રિલીઝ કરવા માગતા નહોતા.

ફેર ઇનફ. મજા જુઓ. હેલ્લારોની ટીમ હજુ રિલીઝ અને પ્રમોશનની સ્ટ્રેટેજીને અંતિમ આકાર આપે તે પહેલાં નેશનલ અવોર્ડ્ઝ ઘોષિત થઈ ગયા અને આ ફિલ્મ એકાએક સૌને જીભે ચડી ગઈ. હજુય ઘણા લોકો જોકે હેલ્લારોને મળેલા બેસ્ટ ફિચર ફિલ્મના નેશનલ અવૉર્ડની ગંભીરતા સમજ્યા નથી. આમાં અમુક મિડીયાના પ્રતિનિધિઓ પણ આવી ગયા. વાતને વિગતવાર સમજી લઈએ. આ વખતે નેશનલ અવૉર્ડ્ઝ માટે ભારતભરની કુલ 419 ફિલ્મોએ અલગ અલગ 31 કેટેગરીમાં ભાગ લીધો હતો. દરેક ભાષાની અલાયદી કેટેગરીમાં એક શ્રેષ્ઠ ફિલ્મ ઘોષિત કરવામાં આવે છે. એ ન્યાયે રેવાને ગુજરાતી સિનેમાની કેટેગરીમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો. તો પછી હેલ્લારોને કયો અવોર્ડ મળ્યો? વેલ, હેલ્લારો હિન્દી અને ગુજરાતી સહિતની તમામ ભારતીય ભાષાઓમાં બનેલી બધ્ધેબધ્ધી ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ પૂરવાર થઈને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ જીતી ગઈ છે. અંધાધૂન, બધાઈ હો, પદ્માવત, ઉડી અને ઇવન રેવાને મળેલા નેશનલ અવોર્ડઝ કરતાં પણ હેલ્લારોને મળેલો સ્વર્ણકમલ નેશનલ અવોર્ડ સૌથી ઉપર છે. ગુજરાતી સિનેમા અને નેશનલ અવોર્ડ્ઝના ઇતિહાસમાં પહેલી વાર આવી ઘટના બની છે.

બીજા સવાલ એ આવ્યો કે રિલીઝ થઈ ન હોય એવી ફિલ્મને નેશનલ અવોર્ડ મળી શકે? જવાબ છે, સેન્સર સેર્ટિફિકેટ મેળવી ચુકેલી કોઈ પણ ફિલ્મ નેશનલ અવોર્ડમાં અપ્લાય કરવા માટે અને જીતવા માટે ક્વૉલિફાઇડ ગણાય છે, તેની થિયેટ્રિકલ રિલીઝ બાકી હોય તો પણ. હેલ્લારોએ એટલે જ વેળાસર સેન્સર સર્ટિફિકેટ મેળવી લીધું હતું.

ગુજરાતી સિનેમાના ચાહકોને બાકાયદા ગર્વ થાય એવા આ આનંદના સમાચાર વચ્ચે અપ્રિય લાગે એવી બાબતો પણ ધ્યાનમાં આવી. ગયા વર્ષે વિલેજ રૉકસ્ટાર નામની આસામી ફિલ્મને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ મળ્યો હતો. વિજેતાઓની ઘોષણ થયા પછી થોડા જ કલાકોમાં વિલેજ રૉકસ્ટારનાં મેકર રીમા દાસનો ચહેરો લગભગ તમામ નેશનલ ન્યુઝ ચેનલ્સની સ્ક્રીન પર ચમકતો હતો, એના બાઇટ્સ અને ઇન્ટરવ્યુઝ લેવાતા હતા. હેલ્લારોના કેસમાં આવું ન બન્યું. સર્વશ્રેષ્ઠ પુરવાર થયેલી આ ગુજરાતી ફિલ્મને નેશનલ મિડીયાએ શા માટે અવગણના કરી? જોકે જ્યારે સ્થાનિક મિડીયા જ હેલ્લારોની સિદ્ધિનું ગાંભીર્ય સમજવામાં અને તેને સન્માનપૂર્વક ટ્રીટ કરવામાં કાચી પડી હોય ત્યારે નેશનલ મિડીયા વિશે શી ફરિયાદ કરવી? 

Abhishek Shah

ખેર, મહત્ત્વનો સવાલ આ છેઃ હવે શું? હેલ્લારોના રાઇટર-ડિરેક્ટર અભિષેક શાહ આનંદપૂર્વક કહે છે, નેશનલ અવોર્ડઝની ઘોષણા પછી ઉઠેલી આંધી શમે પછી અમે જરા સ્પષ્ટપણે વિચારી શકીશું કે અમારો હવે પછીનો એકશન પ્લાન એક્ઝેક્ટલી શો છે. હેલ્લારોના પ્રમોશન અને રિલીઝનું પ્લાનિંગ તો અમે એક મહિનાથી ઓલરેડી શરૂ કરી દીધું હતું. મંઝિલ અથવા કહો કે રસ્તો એ જ છે, પણ નેશનલ અવોર્ડને કારણે હવે અમારા પ્લાનિંગની ડિઝાઇન બદલાઈ ગઈ છે.

નેશનલ અવોર્ડ કરતાં વધારે સશક્ત પ્રમોશનલ ટૂલ બીજું કયું હોવાનું! હેલ્લારો ઓક્ટોબરના અંતમાં અથવા મોડામાં મોડું નવેમ્બરમા પ્રારંભમાં દમામભેર રિલીઝ થશે. અભિષેક શાહ કહે છે, અમને ભારતભરમાં ફોન આવી રહ્યા છે. આ ફિલ્મમાં, એની રિલીઝમાં ઘણા લોકોને રસ પડ્યો છે. ગુજરાત કે ભારતમાં જ નહીં, પણ ઓવરસીઝ રિલીઝમાં, એને જુદી જુદી ભાષાઓમાં ડબ કરવામાં રસ ધરાવનારાઓના ફોન આવી રહ્યા છે. અરે, હેલ્લારોને ચીનમાં રિલીઝ કરવામાં રસ ધરાવનારાઓએ પણ અમારો સંપર્ક કર્યો છે. મને તો એ વિચારીને મોજ પડી રહી છે કે આપણા કચ્છનો ભાતીગળ પરિવશ ધરાવતી ફિલ્મ ચીનના થિયેટરોમાં કેવી લાગશે!’

વાત ચાઈનીઝ સબટાઇટલ્સ પૂરતી સીમિત રહેવાની હોય તો બરાબર છે. બાકી કચ્છી કિરદારો ચાઇનીઝ ભાષામાં ડાયલોગબાજી કરવા લાગે તે ન ચાલે! હેલ્લારોનું ચીનગમન થશે કે નહીં તે હાલ આપણે જાણતા નથી, પણ રેવાનું હિંદીકરણ થઈ ચુક્યું છે તે હકીકત છે. રેવાના પ્રોડ્યુસર પરેશ વોરા કહે છે, નર્મદા નદી ગુજરાતને જેટલી પ્રિય છે એટલી જ, કદાચ એના કરતાંય વધારે મધ્યપ્રદેશને વહાલી છે. રેવાના ચાલીસેક ટકા ડાયલોગ્ઝ આમેય હિંદીમાં છે. ફિલ્મનું હિંદી ડબિંગ અમે ગુજરાતી ડબિંગની સાથે સાથે, તેને સમાંતરે કરી નાખ્યું હતું. થોડા દિવસ પહેલાં અમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવત માટે રેવાના હિંદી ડબ્ડ વર્ઝનનું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું હતું. હિંદી વર્ઝન એટલું અસરકાર થયું છે કે મોહનજી માની નહોતા શક્યા આ મૂળ ગુજરાતી ફિલ્મ છે!’

Reva

રેવાનાં અફલાતૂન ગીતો, કે જેમાંના મોટા ભાગનાં નાયક ચેતન ધનાનીએ લખ્યાં છે, તેનું પણ હિંદીકરણ કરીને રિ-કંપોઝ કરવામાં આવ્યાં છે. એક માત્ર કાળો ઘમ્મરિયાળો જામો ગીતને યથાવત રહેવા દેવામાં આવ્યું છે, કેમ કે તે ગુજરાતી લોકગીત છે.

રેવાની વિનિંગ ટીમ એટલે કે ડિરેક્ટરજોડી રાહુલ ભોળે – વિનિત કનોજિયા અને પ્રોડ્યુસર પરેશ શાહ હાલ એમની આગામી ગુજરાતી ફિલ્મની સ્ક્રિપ્ટ લૉક કરીને પ્રિ-પ્રોડક્શનની ગતિવિધિઓમાં બિઝી છે. સુરતમાં બનેલા ઘટનાક્રમ પર આધારિત આ રિયલિસ્ટિક ફિલ્મનું શૂટિંગ બે-ત્રણ મહિનામાં શરૂ થઈ જવાનું.

એક એમ્બિશિયસ સવાલઃ શું હેલ્લારો હવે ઓસ્કરમાં જશે? વેલ, 2011માં નિયમ બનેલો કે બેસ્ટ ફિચર ફિલ્મ તરીકેનો નેશનલ અવોર્ડ જીતી લેનારી ભારતીય ફિલ્મને જ ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરીમાં ઇન્ડિયન એન્ટ્રી તરીકે મોકલી દેવી. આ નિયમનો જોકે અમલ થયો નથી. બેસ્ટ ફિચર ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર જીતી ચુકેલી ફિલ્મ ઓસ્કરમાં જાય પણ ખરા, ન પણ જાય. જેમ કે 2014ની નેશનલ અવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ કોર્ટને ઓસ્કરમાં મોકલવામાં નહોતી આવી. એ જ રીતે ઇન્ટરોગેશન નામની સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઓસ્કર એન્ટ્રી બની, પણ તેણે બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ નહોતો મળ્યો. છેલ્લા બે વર્ષથી એવું બને છે કે નેશનલ અવોર્ડ જીતનાર ફિલ્મો (ન્યુટન અને વિલેજ રોકસ્ટોર)ને જ ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ કરી લેવામાં આવી. શું આ સિલસિલો આ વર્ષે પણ ચાલુ રહેશે? આનો જવાબ અત્યારે કોઈ પાસે નથી, પણ હા, હેલ્લારો ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદ થાય એવા ચાન્સ ઊજળા છે. બહુ જ ઊજળા!         

0 0 0



Tuesday, August 6, 2019

અલગ છતાંય લગોલગ


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 7 ઓગસ્ટ 2019 બુધવાર
ટેક ઓફ 
સરખેસરખા લેખકો, કળાકારો, કસબીઓ, અભ્યાસીઓ કોઈ એક રમણીય સ્થળે સહવાસ ગાળે તો શી ઘટના બને?
બ્દોની રાહ જોતો કોરોકટ કાગળ અથવા તો એકધારું સામું તાકી રહેલી કમ્પ્યુટરની ખાલીખમ સ્ક્રીન – એક લેખક માટે આના કરતાં વધારે ડરામણી વસ્તુ સંભવતઃ બીજી કોઈ નથી. શું લખવું એ ભરપૂર એકાગ્રતા સાથે તંગ દોરડા પર વાંસડો લઈને ચાલવા જેવી એકાકી પ્રવૃત્તિ છે? કે પછી, અધ્ધર ઝુલા પર હિંચકતાં હિંચકતાં, એકબીજાના હાથ કે પગના ટેકે ઊંધાચત્તા લટકતાં લકટતાં, એકમેકને કેચ કરતા સરકસના ખેલાડીઓ જેવી સમૂહપ્રવૃત્તિ?
લેખનપ્રક્રિયા મૂળભૂત રીતે એકાકી પ્રવૃત્તિ છે તે સાચું, લખવું એ નાટક કરવા જેવી પર્ફોર્મિંગ આર્ટ નથી જ નથી તે પણ સાચું, પરંતુ સર્જનાત્મકતા અને એકલતા વચ્ચેનો સંબંધ જેવો દૂરથી દેખાય છે એવો સીધો ને સરળ નથી. કમ સે કમ સાહચર્ય શિબિરલેખનની અનુભવકથાઓ તો આવું જ કહે છે. ગુજરાતી સાહિત્યના સક્રિય પ્રેમીઓને ગદ્યપર્વ સામયિક માટે વિશેષ આદર હોવાનો. આ સામયિકે આધુનિક ગુજરાતી વાર્તા અને વાર્તાકારોને સુંદર રીતે પોષ્યાં છે. ગદ્યપર્વની આયુષ્યરેખા પર ભલે પૂર્ણવિરામ મૂકાયું, પણ સામયિકના આકર્ષક ફાંટા જેવી સાહચર્ય લેખનશિબિરનું આયોજન નિયમિતપણે થતું રહ્યું. તેમાં લેખકો ઉપરાંત દરજ્જેદાર ચિત્રકારો અને નાટ્યકારો પણ ભાગ લે. સળંગ ત્રણચાર દિવસ માટે સૌ એકબીજાનાં બાઉન્સિંગ બોર્ડ બને ને આ રીતે સમૂહની વચ્ચે રહીને પણ વ્યક્તિગત સ્તરે સર્જન થતું રહે.            
આમ તો સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમ હેઠળ વર્ષમાં બે-ત્રણ વાર લેખનશિબિરોનું આયોજન હજુ પણ થાય જ છે. ગદ્યપર્વ અને સાહચર્ય લેખનશિબિરનાં જન્મદાતા ભરત નાયક – ગીતા નાયક પણ સુરેશ જોષીના સાહિત્યવિચારોથી જ દીક્ષિત થયેલાં છેને. એકલા લેખનશિબિર શબ્દ પરથી આ પ્રવૃત્તિનો ભાવ કે જાદુ પકડી શકાતાં નથી. તે માટે દીપક દોશીએ સંપાદિત કરેલા સાહચર્યઃ લેખનશિબિરનાં ત્રીસ વર્ષ નામના મસ્તમજાના પુસ્તકમાંથી પસાર થવું પડે. ભરત નાયક એમના લેખમાં સમૂહલેખન પ્રવૃત્તિને આ રીતે ઊઘાડે છેઃ   

વિચાર એવો જાગ્યોઃ સરખેસરખા લેખકો, કળાકાર, કસબી, અભ્યાસી કોઈ એક રમણીય સ્થળે સહવાસ ગાળે તો શી ઘટના બને? વળી સરખેસરખા મળે તો ગાંઠના ખર્ચે મળે. ખોટ પડ્યે બીજા ઉમેરે. અને મળીએ ત્યારે, દરમિયાન ને પછી કોઈ ઔપચારિકતા ન હોય, કોઈ વિઘિ ન હોય, કોઈ નિષેધ ન હોય તો?... સાહચર્યશિબિરમાં લેખન કોઈએ નવુંનક્કોર આદર્યું. કોઈએ આદર્યું અધૂરું હોય એ પૂરું કર્યું. કોઈએ પૂરું કર્યું હોય એ ભેગું આણ્યું. જેટલું નીવડ્યું એ વખાણ્યું. કોઈએ કાચું કાપ્યું હોય એમણે મઠાર્યું. કોઈકે રદ કર્યું ને નવું માંડ્યું. લેખન કરનારાનાં વિચારવિમર્શ – વાદ – ચર્ચા ચાકમાં ચાલ્યાં... અહીં તો બેઉ નહીં, બધા જ બળિયા. કોઈ જેર થયું. કોઈએ જીવતદાન મેળવ્યું. કોઈ વધેરાયું. કોઈકે ચાંદ મેળવ્યા. કોઈકને મળ્યું ટાઢા પાણીનું સ્નાન.
આ બધા બળિયા ને સરખેસરખા દર વર્ષે ક્યાં ભેગા થાય? દીવ, દમણ, તીથલ, રાજકોટ, લુણાવાડા, નવસારી, સાપુતારા, માથેરાન, લોનાવાલા, ખંડાલા ઇત્યાદિમાંથી ક્યાંય પણ. જગ્યાઓ પણ કેવી આકર્ષક! લેખનશિબિરમાં એકલું લેખન જ ન થાય. એક બાજુ લખાતું જાય ને બીજી બાજુ, ભરત નાયક કહે છે તેમ, બપોરનાં ભાણાંને બિયરનો છંટકાવ થાય, સૂરજ આથમ્યે વાળુમાં વ્હિસ્કી વિથ સોડા’!

સાહચર્ય લેખનશિબિરમાં કેવાં દશ્યો ઊભાં થાય? હર્ષદ ત્રિવેદીના શબ્દોમાં કહીએ તો, સ્ક્રિપ્ટ વિનાના ત્રણ-ચાર દિવસ ચાલે એવા નાટક જેવાં! હર્ષદ ત્રિવેદીએ કેટલાંક સુંદર શબ્દચિત્રો દોર્યાં છેઃ
કિરીટ (દૂધાત) મોટા ફાફડા જેવા ગોળ ગોળ અક્ષરે લખે. લખે ત્યારે આખું શરીર લેખનના લયમાં હલ્યા કરે. એનું મોટું માથું સમગ્ર શરીરના લયમાં ન ગોઠવાય. વારે વારે નાક સાફ કર્યા કરે. એક પેરેગ્રાફ લખે ને ઊભો થાય. બે-ચાર આંટા આંટા મારી આવે. લખતા હોય એને સળી ન કરે, પણ જે વિચાર્યા જ કરતા હોય એમને જઈને કહે, સાલ્લું આ લખવાનો જબ્બર કંટાળો આવે છે નંઈ?’... બિપિન (પટેલ)ની લેખનપ્રક્રિયા તદ્દન જુદી. એકાદ પાનું લખ્યા પછી કોઈને ન બતાવે તો ચેન ન પડે. કહેવું જોઈએ કે આ બધા મિત્રો અદભુત હતા. એને પાનો ચડાવે. બિપિન લખતો રહે ને એની વાર્તા પૂરી થાય ત્યારે સમગ્ર વિશ્વ હાશકારો અનુભવે... ભરતભાઈ (નાયક) એમનું લખાણ વાંચવાના હોય એ સાંજથી જ ગીતાબહેન (નાયક)નાં રુંવાડાં ઊભાં થઈ ગયાં હોય. પઠન દરમિયાન અમે કંઈક હલનચલન કરીએ તો એ અકળાઈ જાય. વણકહ્યે પણ એમની  અપેક્ષા એવી કે રાજાની સવારીમાં ચૂં-ચાં ન ચાલે.
અફ કોર્સ, બૌદ્ધિક તડાફડી પણ થાય જ. જેમ કે, બિપિન પટેલની એક વાર્તાના અંત વિશે ચર્ચા થઈ રહી હતી ત્યારે પ્રબોધ પરીખે ટિપ્પણી કરી કે આપણને સુખાંત ફાવી ગયો છે. ખાધું પીધું ને રાજ કર્યુંમાં મહાલવાની સદીઓથી પડેલી ટેવ જતી નથી. આજની માનવ, આધુનિક માનવ સુખી કેવી રીતે હોઈ શકે? વી ઓલ આર કન્ડેમ્ડ ટુ લિવ. તરત કિરીત દૂધાતે દલીલ કરી કે વિદેશી સાહિત્ય વાંચી વાંચીને આપણે એમની સમસ્યાઓને આપણી કરીને મનમાં રોપી દઈએ છીએ ને આપણાં સર્જનોમાં પણ એનાં ચાળાં પાડીએ છીએ બિપીન પટેલે ઉર્મેયું કે આપણાં ને એમનાં જેમ જીવન નોખાં તેમ દુખ પણ નોખાં. આપણને કઈ એકલતા પીડે છે? આપણે (એટલે કે ભારતીયો, પૂર્વના લોકો) એકલા છીએ જ નહીં. આપણે સમૂહમાં રહેનારા અને મોટેથી બોલનારા છીએ. તેથી વાર્તાનો સુખદ અંત બિલકુલ હોઈ શકે છે!


અહીં ઉલ્લેખ પામેલાં બધાં જ આધુનિક ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલાં આદરપાત્ર નામો છે. આ ઉપરાંત હિમાંશી શેલત, બાબુ સુથાર, કાનજી પટેલ, બકુલ ટેલર, મનોજ શાહ સહિતના બીજાં ઘણાં સર્જકો-અભ્યાસુઓ આ એલિટ અને કેવળ આમંત્રણ દ્વારા જ પ્રવેશી શકાય એવી લેખનશિબિરનાં માનીતાં સભ્યો છે. સાહચર્ય લેખનશિબિરો ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ અને અતુલ ડોડિયા જેવા ચિત્રકારોની વિશ્વસ્તરે પહોંચેલી ક્રિયેટિવિટીના ગ્રાફની પણ સાક્ષી છે. લેખક-નાટ્યકાર નૌશિલ મહેતાને સાહચર્યની શિબિરોએ શું શું આપ્યું? ઘણું બધું. જેમ કે, ભૂપેન ખખ્ખરે શિબિરમાં જ અડધુંપડધું સર્જેલું  અફલાતૂન નાટક મોજીલા મણિલાલ, જેનું ડિરેક્શન જોકે મહેન્દ્ર જોશીએ કર્યું હતું.
હર્ષદ ત્રિવેદીનું આ નિરીક્ષણ પણ સરસ છેઃ (સાહચર્ય લેખનશિબરમાં ભાગ લેનારા) આ સૌ સાહિત્યકારો અલગ અલગ પ્રદેશના. લખે ગુજરાતીમાં જ પણ દરેકની ગુજરાતી જુદી. પાત્ર-પરિવેશ નોખાંનોખાં, પરિણામે વૈવિધ્ય અને આશ્ચર્યનો તો પાર જ નહીં. હાજર હોય એની વાતો તો થાય જ પણ ગેરહાજર હોય ને જેના પરિચયમાં આવ્યા હોય એની પણ વાત થાય. સ્થૂળ-સૂક્ષ્મ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય ઉપસ્થિત થઈ ગયું હોય એવું જગત લાગે.
ફરી એ જ સવાલ. મિત્રોના સંગાથમાં ખીલી શકતા કલાકારોની વાત અલગ છે, પણ સ્વભાવે અંતર્મુખ, ઓછાબોલા, ઇવન સોશિયલી ઑકવર્ડ એવા સર્જકોને આટલા બધા લોકો સાથે રહેવાનું, લખવાનું ને પાછું શેર કરવાનું કેવી રીતે ફાવે? એમના માટે આ પ્રકારની શિબિરો કેવી રીતે ઉપકારક બને? આનો જવાબ કદાચ અજય સરવૈયા પાસે છે. એમને સાહચર્ય લેખનશિબિરમાં જવું એટલા માટે ગમતું કે, કશુંક બને, ઘટે એટલા માટે નહીં, કળા કે જીવનનો અર્થ મળી જાય કે શોઘી લેવાય એવી રોમેન્ટિક ભ્રમણા માટે પણ નહીં, પણ આમ આ રીતે, જુદી જુદી રીતે સાથે હોઈ શકાય એવી અનુભવની શક્યતાનો તાગ કાઢવા, કોઈ ફોર્મલ ચોક્કસ માળખા વિના, જેથી ફ્રીડમ શ્વાસ લઈ શકે, પ્રતિભા આકાર લઈ શકે, જેથી જાતને તપાસી શકાય, અન્યને સમજી શકાય...
જો આટલું મળી શકતું હોય તો વધારે જોઈએ પણ શું! સર્જન અમુક સંજોગોમાં જ થાય ને અમુક સંજોગોમાં ન જ થાય એવી પૂર્વધારણાઓમાં બંધાઈ રહેવા જેવું નથી. ક્રિયેટિવિટીનો તો સ્વભાવ છે માણસને આશ્ચર્યચકિત કરવાનો. આ આશ્ચર્યો એકાંતમાં પણ સર્જાય ને સમૂહમાં પણ સર્જાય, ખરું?
0 0 0   

Sunday, August 4, 2019

કાન્તિ ભટ્ટઃ તમારા માટે, તમારી સાથે, સતત...


કાન્તિ ભટ્ટના 88મા જન્મદિવસની ઉજવણી કેવી રહી? તૃપ્ત થઈ જવાય, ખુદનો પોતાની જાત સાથે નવેસરથી પરિચય થાય એવી.


લાગે છે, મારે હવે સો વર્ષ જીવવું પડશે...

રેડ કાર્પેટ બિછાવેલાં પગથિયાં રેલિંગના ટેકે ટેકે ચડતી વખતે કાન્તિ ભટ્ટ ઉમંગપૂર્વક કહી રહ્યા હતા.  
સો વર્ષનો આંકડો ઓછો છે. નાનો છે. ગુજરાતી પત્રકારજગતના લિવિંગ લેજન્ડ કાન્તિ ભટ્ટને ઉપરવાળાએ સો વર્ષ કરતાં ઘણું વધારે લાંબુ અને સંપૂર્ણપણે સ્વસ્થ આયુષ્ય લખી આપવું જોઈએ. કાન્તિ ભટ્ટે 88 વર્ષ પૂરાં કર્યાં (જન્મતારીખઃ 15 જુલાઈ 1931). તાજેતરમાં એટલે કે 20 જુલાઈએ મુંબઈના શ્રી વિલે પાર્લે પાટીદાર મંડળના સુશોભિત હૉલમાં સરસ રીતે ઊજવાયો.

હૉલના એન્ટ્રેન્સ પાસે જ કાન્તિ ભટ્ટની વિરાટ તસવીરવાળું સરસ મજાનું હોર્ડિંગ મૂકાયેલું હતું.  પાતળા શરીર પર સફેદ પહેરણ, તેની ઉપર બ્રાઉન કોટ, મસ્તક પર લાક્ષાણિક હેટ અને સ્વચ્છ, પારદર્શક આંખોમાં નિર્દોષતા ને જિજ્ઞાસા. કર્મઠ માણસ જેમ જેમ જ્ઞાનવૃદ્ધ અને વયોવૃદ્ધ બનતો જાય છે તેમ તેમ એની આંખોમાં આપોઆપ બાળક જેવી નિર્દોષતા આવતી જતી હોય છે? કાન્તિ ભટ્ટ હૉલમાં પ્રવેશ કરે તે પહેલાં જ આ હોર્ડિંગના બેકગ્રાઉન્ડમાં એમની સાથે તસવીર ખેંચાવાનો દોર શરૂ થઈ ગયો હતો. કાન્તિ ભટ્ટના હાથ નીચે કોણ જાણે કેટલાય ગુજરાતી પત્રકારો તૈયાર થયા હશે. કાન્તિ ભટ્ટ દ્વારા પ્રત્યક્ષ તાલીમ પામ્યા ન હોય, પણ એકલવ્યની માફક એમની પાસેથી ચિક્કાર શીખ્યા હોય તેવા પત્રકારોની સંખ્યા પણ નાની સૂની નથી.    

આ જ વાત શીલા ભટ્ટ માટે પણ લાગુ પડે છે. કાન્તિ ભટ્ટની માફક શીલા ભટ્ટ પણ પત્રકારોની એક કરતાં વધારે પેઢીઓ માટે રોલ મોડલ રહ્યાં છે. પોતાની સાથે કામ કરી ચુકેલા સાથીઓ અને મિત્રો-શુભેચ્છકો સાથે કાન્તિ ભટ્ટનો 88મો જન્મદિવસ ધામધૂમથી શી રીતે સેલિબ્રેટ કરવો તે વિશે શીલા ભટ્ટ સ્પષ્ટ હતાઃ સાથીઓ-સ્વજનો સ્મરણો તો મમળાવશે જ, પણ સાથે સાથે કાન્તિ ભટ્ટનાં પ્રિય ગીતો તેમજ રાસ-ગરબાની રમઝટ પણ બોલવી જોઈએ.

કાન્તિ ભટ્ટ જેમને પોતાના માનસપુત્ર ગણે છે એવા લેખક-પત્રકાર આશુ પટેલે આખો કાર્યક્રમ જહેમતપૂર્વક ડિઝાઇન કર્યો હતો. સંગીતકાર-ગાયક ઉદય મઝુમદારે કાન્તિ ભટ્ટનાં પ્રિય ગીતો તૈયાર કરાવીને પોતે પણ ગાયાં તેમજ રેખા ત્રિવેદી અને સૌરભ મહેતા પણ ગવડાવ્યાં. મંચ પર સાજિંદાઓ અને ગાયકો હતા, સામે પહેલી હરોળમાં મહેમાનોની સાથે કાન્તિ ભટ્ટ બિરાજમાન હતા. સૌરભ મહેતાએ જેવું પંકજ મલિકે કમ્પોઝ કરેલું અને ગાયેલું પિયા મિલન કો જાના... હાં, પિયા મિલન કો જાના... જગ કી લાજ, મન કી મૌજ, દોનોં કો નિભાના... પિયા મિલન કો જાના... ગીત ગાવાનું શરૂ કર્યું ને કૃષકાય કાન્તિ ભટ્ટમાં અચાનક ગજબની ચેતનાનો સંચાર થયો. તેઓ ઊભા થઈને રીતસર ઝૂમવા-ગાવા લાગ્યા. આખી મ્યુઝિકલ સેશન દરમિયાન આવી તો કેટલીય ક્ષણો આવી. હાજર રહેનારા સૌએ સાનંદાશ્ચર્ય અનુભવ્યું. કાન્તિ ભટ્ટની આ એક સહજ, સ્પોન્ટેનિયસ, બાળસહજ અભિવ્યક્તિ હતી.
સંગીતના જાદુમાં સ્વજનો-મિત્રો-ચાહકોની હૂંફનો જાદુ ઉમેરાય ત્યારે આવી ક્ષણ સર્જાય!

                                           0 0 0  
ચેતનાની ક્ષણે.

કાન્તિ ભટ્ટે પોતે સ્થાપેલા અભિયાન સાપ્તાહિકમાં આ અફલાતૂન કટાર લખીને નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. અગાઉ વાંચકો માટે તંત્રી સતત પડદા પાછળ રહેતી એક રહસ્યમય વ્યક્તિ હતી. કાન્તિ ભટ્ટે ચેતનાની ક્ષણેમાં અસરકારકતાપૂર્વક આ ફોર્થ વૉલ તોડી નાખી. તેમણે વાંચકો સાથે સીધો સંવાદ શરૂ કર્યો. આ સંવાદમાં ફિલોસોફીની, અધ્યાત્મની અને ખાસ તો ખુદના જીવનના અનુભવોના નિચોડની સુવાસ આવતી. કાન્તિ ભટ્ટે એક વાર લખેલું કે આ કૉલમનો ઉદ્દેશ કંઈ વાંચકોને ઉપદેશ આપવાનો નથી. ચેતનાની ક્ષણે તો મારું અને વાંચકોનું એક સામુહિક ચિંતન છે.

કાન્તિ ભટ્ટને એક ચિંતક અને લેખક તરીકે શા માટે વ્યાપક સ્વીકૃતિ આપવામાં આવી નથી?’ અભિયાનના મેનેજિંગ એડિટર રહી ચુકેલા સૌરભ શાહ પોતાનાં વકતવ્યમાં કહી રહ્યા હતા, કાન્તિ ભટ્ટનાં પુસ્તકો આજે પણ ધૂમ વેચાય છે, પણ એમને પત્રકાર ઉપરાંત લેખક તરીકે જે યશ મળવો જોઈતો હતો તે મળ્યો નથી.

જે જમાનામાં ગૂગલ કે વિકીપિડીયાની કોન્સેપ્ટ સુધ્ધાં જન્મી નહોતી તે જમાનામાં કાન્તિ ભટ્ટ એમના લેખોમાં વિપુલ માહિતીનો ભંડાર ખડો કરી દેતા. કાન્તિ ભટ્ટના પત્રકારત્વને સેલિબ્રેટ કરવાને બદલે તેના માટે કાતરિયા-ગુંદરિયા પત્રકારત્વ જેવો નિમ્ન કક્ષાનો શબ્દપ્રયોગ કરીને તેને ઉતારી પાડનારાઓ સામે સૌરભ શાહે રોષ પ્રગટ કર્યો હતો. તેમણે ઉમેર્યું, કાન્તિ ભટ્ટ અને શીલા ભટ્ટે ગુજરાતી 
પત્રકારત્વમાં અનેરી સિદ્ધિઓ મેળવી છે. જો કાન્તિ ભટ્ટ અંગ્રેજી ભાષાના પત્રકાર હોત તો આજ સુધીમાં તેમને કેટલાય ઈન્ટરનેશનલ એવોર્ડસ મળી ચુક્યા હોત.

વિખ્યાત વૈજ્ઞાનિક તથા ઈન્ડિયન પ્લૅનેટરી સોસાયટીના ચૅરમેન ડૉક્ટર જે. જે. રાવલે એ જ સૂરમાં કહ્યું કે કાન્તિ ભટ્ટને પદ્મશ્રી નહીં, પણ પદ્મવિભૂષણનો ખિતાબ મળવો જોઈએ.

અવિનાશ પારેખ અભિયાનના માત્ર પ્રકાશક નહોતા, પ્રકાશક કરતાં ઘણું વિશેષ હતા. એમણે પોતાનાં વકતવ્યમાં કેટલાક સરસ કિસ્સા યાદ કર્યા હતાઃ  મને હજી યાદ છે કે કાન્તિભાઈ સાથે ટ્રેનની મુસાફરી કરવાની હોય ત્યારે હું એવી સીટ શોધતો કે જ્યાં તેમને લખવાનું ફાવે, કેમ કે કાન્તિભાઈ ડાબોડી છે. એક વખત અમે એરપોર્ટ પર સાથે હતા. કાન્તિભાઈની પાસે સામાનમાં ઘણાં બધાં પુસ્તકો હતાં એટલે લગેજનું વજન વધારે થઈ ગયું હતું.  અમને કહેવામાં આવ્યું કે તમારે આના એક્સ્ટ્રા પૈસા ચુકવવા પડશે. અમે થોડી દલીલો કરી. મેં એરપોર્ટ અધિકારીને કહ્યું કે કાન્તિભાઈનું ખુદનું વજન ફક્ત 40 કિલો જ છે. ધારો કે તેમનું વજન 60 કિલો હોત તો પણ તમે એમને પ્લેનમાં જવા જ દીધા હોતને. અત્યારે એમ સમજો કે એ વધારાના વીસ કિલો આ પુસ્તકોના છે. અધિકારીએ હસતા-હસતા કહ્યું કે ઇન ધેટ કેસ, કાન્તિભાઈએ કાર્ગોમાં જવું પડે ને પુસ્તકોને સીટ પર ગોઠવવાં પડે!

જાણીતા સેક્સોલોજિસ્ટ અને પદ્મશ્રી પ્રકાશ કોઠારીએ એક કિસ્સો યાદ કરતાં કહ્યું હતું, ‘ચિત્રલેખાના હરકિસન મહેતાએ એક વાર કાન્તિ ભટ્ટને મારો ઈન્ટરવ્યુ લેવા મોકલ્યા હતા. એમણે મને એટલા બધા સવાલો પૂછ્યા કે મને થયું કે મારી કપરી પરીક્ષા થઈ રહી છે.  તે ઈન્ટરવ્યુ પછી હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે સેક્સોલોજીના વિષયમાં દુનિયામાં જો કોઈ માણસ મને ટક્કર આપી શકે તેમ હોય તો એ આ એક જ છે – કાન્તિ ભટ્ટ!

તબિયત નાદુરસ્ત હોવાને કારણે જાણીતા પત્રકાર વિક્રમ વકીલ ખુદ તો હાજર નહોતા રહી શક્યા, પણ તેમનો ઑડિયો મેસેજ કાન્તિ ભટ્ટ અને મહેમાનો સુધી  જરૂર પહોંચ્યો. એમણે કહ્યું,કાન્તિ ભટ્ટ આટલાં વર્ષોમાં ક્યારેય કોઈ આઇડીયોલોજી કે રાજકીય વિચારધારાની કંઠી બાંધી નથી.  જો કૉપી નબળી હોય તો તેઓ તે મોં પર મારશે અને જો સારું કામ કર્યું હોય તો પીઠ થાબડીને શાબાશી પણ આપશે. ફિલ્ડ પર જુવાનિયાઓ કરતાં પણ તેઓ વધારે એનર્જીથી કામ કરે. તેથી જ એમની સાથે કામ કરવાની વધુ મજા આવતી.’

કાન્તિ ભટ્ટે માત્ર પત્રકારોને જ પ્રભાવિત કર્યા નથી, આયુર્વેદ તેમજ નેચરોપથીનાં ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા પંકજ નરમ પણ ખુદને ઇન્ફ્લ્યુન્સ કરનારી ટોપ-ટેન વ્યક્તિઓની સુચિમાં કાન્તિ ભટ્ટને પહેલા નંબર પર મૂકે છે. કાન્તિભાઈએ એમને પહેલાં લેખન તરફ વાળ્યા ને પછી આયુર્વેદ તરફ.  
વર્ષા અડાલજા, સોનલ શુક્લ, મૌલિક કોટક ઉપરાંત વિશાળ વાચકવર્ગના પ્રતિનિધિ એવાં રાજુલ શેઠે ટૂંકાં વકતવ્યો આપ્યાં. મધુરી કોટકે આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. સમગ્ર ઇવેન્ટનું દિલપૂર્વક સંચાલન કરનાર પત્રકાર-લેખિકા ગીતા માણેકે એક સરસ વાત કરી હતી કે, કાન્તિ ભટ્ટ ગુજરાતી પત્રકારત્વની યુનિવર્સિટી નહીં, પણ ગુજરાતી પત્રકારત્વનું ગુરૂકુળ છે, જેમાં મારાં જેવા કેટલાંય શિષ્યો તૈયાર થયાં છે. મીનળ પટેલે પોતાના આગવા અંદાજમાં કંઈક ભાળી ગયેલા કવિ રમેશ પારેખની એક મસ્તમજાની કવિતાનું અસરકારક પઠન કર્યું. ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગને કાન્તિ ભટ્ટને લખેલા પત્રો વિશાળ એલઈડી સ્ક્રીન પર ફ્લેશ થયા ત્યારે કાન્તિ ભટ્ટે સૌને સંબોધતા કહ્યું, ‘આ પ્રામાણિક પત્રકારત્વની તાકાત છે. એ તમને અમેરિકન પ્રેસિડન્ટ કક્ષાના લોકો સુધી પહોંચાડી શકે છે. લોકોને માહિતીમાં રસ છે. એમને માહિતી આપો, તમારાં મંતવ્યો નહીં.

કાર્યક્રમમાં પત્રકાર-લેખક આશુ પટેલે  એક સરસ મજાની જાહેરાત કરી - કાન્તિ ભટ્ટ-શીલા ભટ્ટ ફાઉન્ડેશનની સ્થાપનાની. આ ફાઉન્ડેશન દ્વારા પત્રકારત્વમાં આવવા ઈચ્છતાં યુવક-યુવતીઓને દરેક સ્તરે મદદ કરવામાં આવશે. દર વર્ષે એક પ્રતિભાશાળી યુવા પત્રકારને 21 હજાર રુપિયાના પુરસ્કાર સાથેનો એવોર્ડ પણ આપવામાં આવશે. નાટ્યનિર્માતા મનહર ગઢિયાએ પ્રથમ પુરસ્કાર માટેની રકમ ત્યારે જ ગણી આપી. શીલા ભટ્ટે તાળીઓના ગડગડાટ વચ્ચે આ જાહેરાતને વધાવી લેતા કહ્યું હતું કે મારે આ મુદ્દે બે વાત કરવી છેએક તો આ ફાઉન્ડેશનનું નામ માત્ર ‘કાન્તિ ભટ્ટ ફાઉન્ડેશન’ રાખીએ અને બીજુંપ્રતિભાશાળી પત્રકાર માટે પુરસ્કારની રકમ 21 હજારથી વધારીને 51 હજાર રૂપિયા કરીએ.


અહીં સાથે સાથે એ પણ નોંધી લઈએ કે ધ શક્તિ ભટ્ટ ફાઉન્ડેશન દર વર્ષે ક્રિયેટિવ રાઇટિંગ અને જર્નલિઝમમાં પહેલું પુસ્તક લખનાર તેજસ્વી લેખકો-પત્રકારોને આમંત્રણ આપે છે.  દુનિયાભરમાંથી એન્ટ્રી આવે છે, જેમાંથી વિજેતાને બે લાખ રૂપિયાનું શક્તિ ભટ્ટ ફર્સ્ટ બુક પ્રાઇઝ આપવામાં આવે છે.

સૌથી છેલ્લું વકવ્ય શીલા ભટ્ટનું હતું. હૃદયસ્પર્શી, પ્રામાણિક અને લાગણીભર્યું. એમણે કહ્યું, ‘16 જુલાઈએ અમારાં લગ્નને ચાલીસ વર્ષ પૂરાં થયાં. તે વખતે તો તમે અમારાં લગ્નમાં નહોતા આવ્યા, પણ આજે તમને સૌને અહીં જોઈને લાગે છે કે તમે આજે જાણે અમારાં લગ્નમાં આવ્યા છો. કાન્તિ અને હું જીવનમાં ખૂબ ઝંઝાવાતોમાંથી પસાર થયાં છીએ.  ઘણા ધરતીકંપ સહન કર્યાં, સંજોગોરૂપી પહાડો ચડ્યાં, નદીઓ ઓળંગી, દરિયાઓ તરવા પડ્યાં, જ્વાળામુખીમાં ફેંકાઈ ગયાં હોઈએ એવી લાગણી અનુભવી, ક્યારેક ટૂટી ગયાં, ક્યારેક ફૂરચા ઊડી ગયાં, પણ ટકી ગયાં, જીવી ગયાં. કાન્તિ એકલવાયા જીવ છે. એ પહેલાંય એકલા હતા ને આજે પણ એકલા જ છે. કાન્તિ, તમે ઘણું જીવો અને સરસ જીવો.


શીલા ભટ્ટ આ બોલી રહ્યાં હતાં ત્યારે એમની અતિ તેજસ્વી સ્વર્ગસ્થ પુત્રી શક્તિનું સ્મરણ હાજર રહેલા સૌના ચિત્તમાં એકસાથે ધબકી રહ્યું હતું. શક્તિ, તમે પણ ઘણું જીવો - સૂક્ષ્મ રૂપે, અદશ્યપણે, તમારાં મા-બાપના શ્વાસમાં, એમના પત્રકારત્વમાં, એમનાં સ્મરણમાં, અમારી સૌની સ્મૃતિમાં...   

                                          0 0  0

-અને પછી રાસ-ગરબા. પત્રકારોથી છલકાતા ફંકશનમાં રાસ-ગરબા શા માટે? આનો જવાબ શીલાબહેને પોતાનાં વકતવ્યમાં હસતાં હસતાં આપી દીધો હતોઃ 

મેં કાન્તિ સાથે લગ્ન કર્યાં તે પછી પહેલી નવરાત્રિ આવી ત્યારની આ વાત છે. એમણે મને કહેલુઃ લે! તને ગરબા લેતા આવડતું નથી! આ કહેતી વખતે એમના ચહેરા પર જે દુખનો ભાવ ઊપસ્યો હતો તે મને આજેય બરાબર યાદ છે!’       

પણ આજે કાન્તિ ભટ્ટ પ્રસન્ન-પ્રસન્ન હતા. મંચ પરથી લાઇવ ગરબા ગવાઈ રહ્યા હતા ત્યારે કેટલીય વાર તેઓ ઊભા થઈને થોડી થોડી વાર ઝુમ્યા.

સેલિબ્રેશનનું સમાપન સ્વાદિષ્ટ ભોજનથી થયું. આ મામલામાં પણ શીલા ભટ્ટ પૂરેપૂરાં સ્પષ્ટ હતાઃ ભોજન નિર્ભેળપણે, માત્ર અને માત્ર ગુજરાતી જ હોવું જોઈએ! ભારે ચીવટપૂર્વક એમણે મેનુ નક્કી કર્યું હતું. શું શું હતું જમવામાં? ભરેલા ભીંડાનું શાક, સંભારિયા બટેટા, ગ્રીન ગુજરાતી (એક પ્રકારનું ઉંધિયું), રાયના દેશી ઘીના ચુરમાના લાડુ, ન્યાતના જમણવારમાં પીરસાય એવી દેસી દાળ, ઢોકળાં, ફુલકા, પુરી, ભાત અને છેલ્લે કુલ્ફી વિથ ફાલુદા!

કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ રહ્યો. તૃપ્ત થઈ જવાય, ખુદનો પોતાની જાત સાથે નવેસરથી પરિચય કરાવે એવો. કાન્તિ ભટ્ટોત્સવની આ તો શરૂઆત છે. સંભવતઃ આ શૃંખલા આગળ વધશે અને ગુજરાતનાં જુદાં જુદાં શહેરો તેમાં જોડાતાં જશે.  

ઓવર ટુ રાજકોટ...   

0 0 0


(પૂરક માહિતીઃ દિવ્યકાંત પંડ્યા)