Monday, February 23, 2015

મલ્ટિપ્લેક્સ : મેક્સિકન માસ્ટર

Sandesh - Sanskaar purti - 22 Feb 2015
મલ્ટિપ્લેક્સ 
"આપણે બધાએ આપણી ખુદની મીડિયોક્રિટી સામે, આપણા મામૂલીપણા સામે સતત યુદ્ધ કરતા રહેવું પડે છે." મલ્ટિપલ ઓસ્કરવિનર 'બર્ડમેન' ફિલ્મના સુપર ડિરેક્ટર અલજેન્દ્રો ઇનારીટુ કહે છે, "આપણને સૌને મીડિયોકર બની જવાનો ભયંકર ડર હોય છે. સૌને સ્પેશિયલ બનવું છે. વાલીઓ પોતાનાં સંતાનોને કહેતાં હોય છે કે બેટા, યુ આર સ્પેશિયલ... પણ વાસ્તવમાં આપણામાંથી કેટલા ખરેખર સ્પેશિયલ હોય છે? બહુ જ ઓછા. આપણને સૌને સ્વીકૃતિ જોઈએ છે, અટેન્શન જોઈએ છે, કોઈ આપણને ચાહે છે, આપણને પસંદ કરે છે તેવી ખાતરી જોઈએ છે. 'બર્ડમેન'માં આ લાગણીને એક્સપ્લોર કરવાની મેં કોશિશ કરી છે."


જે એક અદભુત સાઉથ અમેરિકન ફિલ્મમેકરની વાત કરવી છે. અલજેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીટુ એમનું નામ. આ માણસ એવી ફિલ્મો બનાવી જાણે છે, જેનો નશો દિવસો, અઠવાડિયાં, મહિનાઓ સુધી ઊતરતો નથી. આ વખતે ઓસ્કરમાં  'ધ ગ્રેટ બુડાપેસ્ટ હોટલ' અને અલજેન્દ્રોએ બનાવેલી 'બર્ડમેન'ને સૌથી વધારે નોમિનેશન્સ મળ્યાં છે. બન્નેને નવ-નવ. તેમાંથી કેટલાં નોમિનેશન્સ એવોર્ડ્ઝમાં પરિવર્તિત થાય છે તે આપણને આવતી કાલે વહેલી સવારે શરૂ થઈ જનારા ઓસ્કર સેરિમનીના લાઇવ કવરેજ જોતાં જોતાં ખબર પડી જવાની. ખેર, 'બર્ડમેન' કેટલા ઓસ્કર તાણી જાય છે તે વાત અત્યારે ગૌણ છે. મુખ્ય વાત છે, હાલ વિશ્વના સૌથી તેજસ્વી અને સૌથી ઇમ્પોર્ટન્ટ ફિલ્મમેકરોમાં સ્થાન પામનારા અલજેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીટુ છે કોણ? 
(તા.ક. 'બર્ડમેને' ચાર ઓસ્કર જીત્યાં- બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર, સિનેમેટોગ્રાફી અને ઓરિજિનલ સ્ક્રીનપ્લે. 'ઘ ગ્રેટ બુડાપેસ્ટ હોટલ'ને પણ ચાર ઓસ્કર મળ્યાં - બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન, કોસ્ચ્યુમ ડિઝાઈન, ઓરિજિનલ સ્કોર અને મેકઅપ-હેરસ્ટાઈલ.)
એમણે અત્યાર સુધીમાં એક સે બઢકર એક પાંચ ફિલ્મો બનાવી - 'અમરોસ પેરોસ' (૨૦૦૦), 'ટ્વેન્ટી વન ગ્રામ્સ' (૨૦૦૩), 'બેબલ' (૨૦૦૬), 'બ્યુટીફૂલ' (૨૦૧૦) અને 'બર્ડમેન' (૨૦૧૪). આ પાંચેપાંચ ફિલ્મો ઓસ્કરની વિવિધ કેટેગરીમાં નોમિનેટ થઈ ચૂકી છે. જાતજાતના એવોર્ડ્ઝનો આ ફિલ્મો પર વરસાદ વરસી ચૂક્યો છે. બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીતી જનારા એ મેક્સિકોના પહેલા ફિલ્મમેકર બન્યા. એમની ફિલ્મોમાં કામ કરનારા એક્ટરોને પણ નોમિનેશન્સ મળ્યાં જ સમજો.
૫૧ વર્ષના અલજેન્દ્રો ગોન્ઝાલેઝ ઇનારીટુની ફિલ્મોનું સ્ટ્રક્ચર પણ એના નામ જેવું જ આડુંટેઢું હોય છે. અભિષેક બચ્ચન-વિવેક ઓબેરોય-અજય દેવગણવાળી પેલી મસ્તમજાની 'યુવા' ફિલ્મ યાદ છે? બસ, ભારતીય ફિલ્મજગત જેને મસ્તક પર બેસાડે છે એવા મોંઘેરા મણિરત્નમને 'યુવા' બનાવવાની સોલિડ પ્રેરણા ઇનારીટુની સૌથી પહેલી સ્પેનિશ ફિલ્મ 'એમરોસ પેરોસ' પરથી મળી હતી. ઇનારીટુની ફિલ્મોમાં સામાન્યપણે એકસાથે અનેક વાર્તાઓ પોતપોતાની રીતે એકસાથે આકાર લેતી હોય. કોઈક બિંદુ પર આ બધી કથા એકમેક સાથે ઇન્ટરકનેક્ટ થતી હોય. જેમ કે, 'બેબલ'માં ચાર વાર્તાઓ છે, જે મોરોક્કો, મેક્સિકો, અમેરિકા અને જાપાનમાં લગભગ સમાંતરે આગળ વધે છે. ક્યાંક બની જતી ઘટનાના તરંગો દુનિયાના દૂર દૂરના છેડે કલ્પના પણ ન થઈ શકે તે રીતે પહોંચી જતા હોય તેવી વાત 'બેબલ'માં થઈ છે. 'બર્ડમેન' પોતાને ક્રિએટિવ સમજતી કોઈ પણ વ્યક્તિને ઝંકૃત કરી મૂકે તેવી ફિલ્મ છે. વર્ષો પહેલાં પક્ષીમાનવ ટાઇપના સુપરહીરો તરીકે હિટ ફિલ્મો આપી ચૂકેલો ને પછી હાંસિયામાં ધકેલાઈને અપ્રસ્તુત થઈ ચૂકેલો એક આધેડ એક્ટર ભયંકર ક્રિએટિવ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. બાપડાની કરિયર ખતમ થઈ ચૂકી છે, પણ હવે એને રંગભૂમિ પર એક્ટર-ડિરેક્ટર તરીકે ત્રાટકીને નવેસરથી તહેલકો મચાવી દેવાના ધખારા છે.
"આપણે બધાએ આપણી ખુદની મીડિયોક્રિટી સામે, આપણા મામૂલીપણા સામે સતત યુદ્ધ કરતા રહેવું પડે છે." ઇનારીટુ કહે છે, "આપણને સૌને મીડિયોકર બની જવાનો ભયંકર ડર હોય છે. સૌને સ્પેશિયલ બનવું છે. વાલીઓ પોતાનાં સંતાનોને કહેતાં હોય છે કે બેટા, યુ આર સ્પેશિયલ... પણ વાસ્તવમાં આપણામાંથી કેટલા ખરેખર સ્પેશિયલ હોય છે? બહુ જ ઓછા. આપણને સૌને સ્વીકૃતિ જોઈએ છે, અટેન્શન જોઈએ છે, કોઈ આપણને ચાહે છે, આપણને પસંદ કરે છે તેવી ખાતરી જોઈએ છે. 'બર્ડમેન'માં આ લાગણીને એક્સપ્લોર કરવાની મેં કોશિશ કરી છે."


'બર્ડમેન' ફિલ્મનું ચકિત કરી નાખે એવું પાસું એ છે, એનું સ્વરૂપ. આ આખી ફિલ્મ એક પણ કટ વગરના સળંગ શોટની જેમ આગળ વધે છે. જાણે રંગભૂમિ પર બે-અઢી કલાકનું નાટક ન જોતા હોઈએ! યાદ કરો, ૨૦૧૩માં આવલી 'ગ્રેવિટી' નામની જબરદસ્ત ફિલ્મ જેમાં લાંબા લાંબા શોટ્સ હતા. 'ગ્રેવિટી'ના ઓસ્કર વિનર સિનેમેટોગ્રાફર ઇમેન્યુએલ લુબેઝ્કીએ જ 'બર્ડમેન' શૂટ કરી છે. સહેજે સવાલ થાય કે ઇનારીટુએ આ ફિલ્મનું અશક્ય લાગતું શૂટિંગ એક્ઝેક્ટલી કેવી રીતે કર્યું હશે?
"આ ફિલ્મ વિચારી તે જ વખતે તેનું ફોર્મ પણ મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું હતું." તેઓ કહે છે, "મેં લાઇફમાં ક્યારેય નાટકો કર્યાં નથી એટલે ત્રણ વર્ષ તો મેં થિયેટરને સમજવામાં ગાળ્યાં હતાં. ફિલ્મની આખેઆખી સ્ક્રિપ્ટ આગોતરી તૈયાર હતી એટલે એક્ટરો ડાયલોગ્ઝ ગોખીને જ સેટ પર આવતા. તે લોકો આવે તે પહેલાં હું મારા આસિસ્ટન્ટ્સ વગેરેનો ડમી તરીકે ઉપયોગ કરીને કલાકારોની મૂવમેન્ટ્સ નક્કી કરી નાખતો. એક વાર સીન આ રીતે બ્લોક થઈ જાય પછી એક્ટરો સાથે ઇમોશન્સ અને ઝીણી ઝીણી સૂક્ષ્મતાઓ પર કામ કરવાનું બાકી રહે. સ્ક્રીન પર તમે જે જુઓ છો તે બધું જ પાક્કા રિહર્સલનું પરિણામ છે. આ ફિલ્મ એવી છે કે એમાં ઇમ્પ્રોવાઇઝેશનને સ્થાન જ નહોતું. કઈ લાઇન વખતે એક્ટરે કઈ તરફ વળવાનું, કેટલાં ડગલાં ભરવાનાં, કઈ ક્ષણે કયો દરવાજો ખૂલશે, એમાંથી કોણ કેવી રીતે બહાર નીકળશે એ બધ્ધેબધ્ધું પહેલેથી નક્કી હતું. સદ્ભાગ્યે મારા એક્ટરો એટલા મજબૂત હતા કે હું જે અચીવ કરવા ધારતો હતો તે કરી શક્યો." 
ટાઇટલ રોલમાં અસરકારક પર્ફોર્મન્સ આપનાર માઇકલ કિટન ખુદ અસલી જીવનમાં બેટમેનનો હિટ કિરદાર નિભાવી ચૂક્યા છે. ઇનારીટુએ જ્યારે માઇકલ કિટનને ફિલ્મની વાર્તા સંભળાવ્યા બાદ મેઇન રોલ ઓફર કર્યો ત્યારે સૌથી પહેલાં તો કિટને એમની સામે તાકીને પૂછી લીધું હતું: મારી મજાક કરો છો? ઇનારીટુએ એમને સમજાવવા પડયા કે, ના સર, તમને રોલ ઓફર કરવાનાં મારી પાસે નક્કર કારણો છે. વિચાર કરો, તમારા જેવો એક્ટર કે જે સ્વયં સુપરહીરો રહી ચૂક્યો હોય, તે બર્ડમેનની ભૂમિકામાં કેટલો બધો ઓથેન્ટિક લાગે! વળી, તમે ઇમોશનલ સીન્સ અને કોેમેડી બન્નેમાં એકસરખા કમ્ફર્ટેબલ છો. પછી એક્ટર-ડિરેક્ટર બન્ને ડિનર પર ગયા, વાઇનની આખી બોટલ ઢીંચી ગયા. વળતી વખતે માઇકલ કિટન મને ઘર સુધી મૂકી ગયા અને ગૂડબાય કહેતા પહેલાં કહી દીધું: આઈ એમ ઇન. હું કરીશ તારી ફિલ્મ!
આ ફિલ્મ ખરેખર જોખમી છે. તે ઊંધા મોંએ પછડાઈ શકી હોત. ઇનારીટુ આ શક્યતાથી સભાન હતા? હા, સારી રીતે. અગાઉ ચાર-ચાર અદ્ભુત ફિલ્મો બનાવી ચૂકેલા ઇનારીટુનો જવાબ સાંભળવા જેવો છે, "મને લાગતું હતું કે આળસુનો પીર થઈ ગયો છું ને મને કમ્ફર્ટ ઝોનમાં રહેવાની આદત પડી ગઈ છે. તમે ટિપિકલ સ્ટાઇલથી ફિલ્મ બનાવો ત્યારે તમારી નીચે સેફ્ટી નેટ તૈયાર જ હોય છે, એટલે પડો તોય હાડકાં ભાંગવાનો સવાલ જ ઊભો થતો નથી. તમે શૂટિંગમાં ગોટાળા કર્યા હોય તોય એડિટિંગ દરમિયાન તમારી ભૂલો આરામથી છુપાવી શકો છો. મને થવા માંડયું હતું કે હું એડિટિંગ પર વધારે પડતો આધાર રાખવા માંડયો છું કે શું? આથી મારે 'બર્ડમેન'માં જાણીજોઈને એવું રિસ્ક ઉઠાવવું હતું જેમાં ભૂલો કરવાની લક્ઝરી જ ન મળે."

અલજેન્દ્રો ઇનારીટુએ અંગત જીવનમાં ઘણી ભૂલો કરી છે. અલબત્ત, એ ભૂલો પરિપકવ બનવાની પ્રક્રિયાનો જ એક હિસ્સો હતી. સાત ભાઈ-બહેનોમાં એ સૌથી નાના. ટીનેજર અવસ્થામાં એટલા વંઠી ગયા હતા કે એમની મા ત્રાસી જતી. સોળ વર્ષની ઉંમરે એમને હિપ્પી બનવું હતું. અનલિમિટેડ સેક્સ અને ડ્રગ્ઝ મળતાં રહે તે માટે નહીં, પણ સતત એક સ્વપ્નિલ અવસ્થામાં જીવતા હોવાનો ભાસ થતો રહે તે માટે. હિપ્પીઓની જિંદગી એમને અતિ શુદ્ધ અને કવિતા જેવી લાગતી!
"મારા પપ્પા જેવા મસ્ત માણસ મેં ક્યાંય જોયા નથી." તેઓ કહે છે, "એ કંઈ બહુ પૈસાદાર નહોતા, પણ તોય એ જમાનામાં એમણે મને એક હજાર ડોલર રોકડા ગણી આપ્યા કે જેથી હું યુરોપ અને આફ્રિકામાં એક આખું વર્ષ મારી રીતે એકલો રખડપટ્ટી કરી શકું. આ એક હજાર ડોલર અને એક વર્ષે મને એટલા અદ્ભુત અનુભવો આપ્યા કે એનું ભાથું આખી જિંદગી સુધી ચાલશે. મને સમજાયું કે જે ક્ષણે તમે આઝાદ થાઓ છે તે જ ક્ષણથી તમારે જવાબદાર પણ બની જવું પડે છે. માણસ સાવ એકલો હોય અને આસપાસ કોઈ સપોર્ટ સિસ્ટમ ન હોય ત્યારે એણે પોતાની રીતે ત્રીજું નેત્ર વિકસાવવું જ પડે છે."
અલજેન્દ્રો ઇનારીટુ કરિયરની શરૂઆતમાં એક રેડિયો સ્ટેશન પર હોસ્ટ બન્યા. એમને ફિલ્મમેકર બનવું હતું એટલે શૂટિંગનો અનુભવ લેવા માટે એડવર્ટાઇઝિંગના ક્ષેત્રમાં ગયા. ચિક્કાર એડ્સ બનાવી, જાતે એડિટ કરી, બહુ બધા અખતરા કર્યા. એમણે જ્યારે પહેલી ફિલ્મ બનાવવાની શરૂ કરી ત્યારે મેક્સિકોના કોઈ ફિલ્મમેકર પાસે ન હોય એટલો બધો શૂટિંગનો અનુભવ મેળવી ચૂક્યા હતા. અલબત્ત, એડ બનાવવી અને ફિલ્મ બનાવવી બન્ને અલગ બાબતો છે, પણ એડ્સનો રિયાઝ એમને ફિલ્મમેકિંગમાં ખૂબ ઉપયોગી નીવડયો. આજે તેઓ એવા મુકામ પર પહોંચી ગયા છે કે દુનિયાભરના ફિલ્મમેકરોને તેમનું કામ જોઈને પ્રેરણા મળે છે. હાલ તેઓ ઔર એક ફિલ્મ બનાવવામાં બિઝી થઈ ગયા છે, જેનું ટાઇટલ છે, 'ધ રેવેનન્ટ'. ઐતિહાસિક બેકગ્રાઉન્ડ ધરાવતી આ થ્રિલરમાં 'ટાઇટેનિક'વાળો લિઓનાર્ડો દ કેપ્રિયો મેઇન હીરો છે.
લાખ લાખ અભિનંદન, સર! 

Wednesday, February 18, 2015

ટેક ઓફ : સ્ટીવ જોબ્સ જીવતા હોત તો આઈ-કાર બનાવવામાં બિઝી હોત... કદાચ!

Sandesh - Ardh Saptahik purti - 18 Feb 2015
ટેક ઓફ 
"નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતોમારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હોજો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો."


સ્ટીવ જોબ્સ જીવતા હોત તો સૌથી પહેલાં તો છ દિવસ પછી, ૨૪ ફેબ્રુઆરીએ આવનારા પોતાના સાઠમા બર્થડેની તૈયારી કરતા હોત. સ્ટીવ કરતાં ખાસ તો એ જેમના કો-ફાઉન્ડર અને ચેરમેન હતા એ એપલ કંપનીની હરખપદૂડી ટીમ પોતાના સુપર બોસનો સાઠમો બર્થડે ભવ્ય રીતે સેલિબ્રેટ કરવા થનગન થનગન થતી હોત. પર્સનલ કમ્પ્યૂટરની દુનિયામાં ક્રાંતિ આણનાર સ્ટીવ જોબ્સ છપ્પન વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. આ માણસ માત્ર
એક-દોઢ દાયકો વધુ જીવી ગયો હોત તો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની દુનિયામાં કોણ જાણે ઔર કેવા કેવા ચમત્કાર કરી ગયો હોત!
આઇમેક, આઇપોડ, આઇપેડ, આઇટયૂન્સ અને આઇફોન પછી સ્ટીવ જોબ્સે આઇકાર શબ્દપ્રયોગ વિશ્વવિખ્યાત કરી નાખ્યો હોત... કદાચ! ટેસ્લા મોટર્સ નામની અમેરિકન કંપનીએ ૨૦૦૮માં દુનિયાની સૌથી પહેલી ટેસ્લા રોડસ્ટર નામની પેટ્રોલ વગર કેવળ બેટરીના જોરે ચાલતી ફુલ્લી ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ માર્કેટમાં મૂકી હતી. એપલના બોર્ડ મેમ્બરો કહે છે કે તે વખતથી જ સૌને લાગતું હતું કે કારના જબરા શોખીન સ્ટીવ વહેલા-મોડા આઇકાર એટલે કે ઇલેક્ટ્રિક કારના ક્ષેત્રમાં ઝંપલાવવાના.
લેટેસ્ટ ન્યૂઝ પ્રમાણે એપલ કંપનીમાં કામ કરતા સ્ટીવના પ્રોફેશનલ વારસદારોએ ઇલેક્ટ્રિક કાર ડેવલપ કરવાનો પ્રોજેક્ટ ઓલરેડી શરૂ કરી દીધો છે. તાજેતરમાં ટેસ્લા કંપનીના સીઈઓએ ખુદ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એપલવાળા અમારા કાબેલ માણસોને ખેંચી જવા માટે અઢી લાખ ડોલરનું તોતિંગ સાઇન-અપ બોનસ (મતલબ કે કંપનીમાં પગ મૂકતાંની સાથે જ અપાતું વેલકમ બોનસ!), સાઠ ટકા જેટલો વાર્ષિક પગારવધારો અને બીજા જાતજાતના પર્ક્સનાં પ્રલોભનો આપી રહ્યાં છે. ઓલરેડી પચાસ જણા ટેસ્લા છોડીને એપલમાં જોડાઈ ગયા છે, જેમાંથી મોટાભાગના એન્જિનિયર છે.
એક થિયરી એવી છે કે એપલવાળા એક્ચ્યુઅલી પોતાની જાતે ચાલતી સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ડેવલપ કરી રહ્યા છે. સેલ્ફ-ડ્રાઇવિંગ કાર જોકે ઘણું કરીને બેટરી ઓપરેટેડ જ હોવાની. ગૂગલ કંપનીએ ગયા વર્ષે ડ્રાઇવર અને સ્ટિયરિંગ વગરની સ્વયંસંચાલિત કારનું મોડલ દુનિયા સામે મૂક્યું હતું. આ વર્ષે સાન ફ્રાન્સિસ્કોના રસ્તાઓ પર એની ટ્રાયલ શરૂ થવાની છે. બીજી એક થિયરી કહે છે કે,આ કાર-બારની વાતો ખોટી છે. એપલવાળા વાસ્તવમાં એમના આઇફોન માટેની મેપ્સ એપ્લિકેશનને વધુ એક્યુરેટ બનાવવા માટે કસરત કરી રહ્યા છે!
Tesla Roadster

સ્ટીવ જોબ્સના જીવન પરથી 'જોબ્સ' નામની એસ્ટન કુચરના અભિનયવાળી એક ફિલ્મ ઓલરેડી બની ચૂકી છે. હવે 'સ્લમડોગ મિલિયોનેર'વાળા ડિરેક્ટર ડેની બોયલ નવેસરથી સ્ટીવ જોબ્સની બાયોપિક બનાવી રહ્યા છે. મૃત્યુને ચાર વર્ષ પણ પૂરાં થાય તે પહેલાં જ હોલિવૂડની બબ્બે બિગ બજેટ ફિલ્મોના વિષય બની જવા માટે માણસે કેટલું બધું ઘટનાપ્રચુર, ભરપૂર અને અર્થપૂર્ણ જીવન જીવવું પડે?
સ્ટીવ જોબ્સે દાયકા પહેલાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે આપેલું ભાષણ અમર બની ગયું છે. જેટલી વાર એ સ્પીચનો વીડિયો જોઈએ અથવા એના અંશો વાંચીએ ત્યારે દર વખતે આપણામાં ગજબનાક જોશ ફૂંકાઈ જાય છે. વક્રતા જુઓ કે સ્ટેનફોર્ડના તેજસ્વી વિદ્યાર્થીઓ સામે ભાષણ આપનાર સ્ટીવ જોબ્સ પોતે કોલેજ ડ્રોપઆઉટ હતા!
"મેં જે કોલેજમાં એડમિશન લીધું હતું તે સ્ટેનફોર્ડ જેટલી જ મોંઘીદાટ હતી" સ્ટીવે કહેલું, "મારાં નોકરિયાત મા-બાપે બિચારાઓએ આખી જિંદગી મહેનત કરીને જે પૈસા બચાવ્યા હતા તે તમામ મારી ફી ભરવામાં ખર્ચાઈ રહ્યા હતા. પહેલાં છ જ મહિનામાં મને કોલેજનું ભણતર નકામું લાગવા માંડયું. તે ઉંમરે હું ખુદ નક્કી નહોતો કરી શકતો કે લાઇફમાં હું શું કરવા માગું છું. મને એય સમજાતું નહોતું કે આ નક્કી કરવામાં કોલેજનું આ ભણતર મને કેવી રીતે કામમાં આવવાનું છે, તેથી મેં નિર્ણય લીધો કે મારે આગળ નથી ભણવું. કમ સે કમ મારાં મમ્મી-પપ્પાનું સેવિંગ તો બચશે. મનમાં ભરોસો હતો કે આખરે સૌ સારાં વાનાં થઈ જશે,પણ સાથે સાથે સખત ગભરાટ પણ થઈ રહ્યો હતો. આજે જ્યારે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે કોલેજનું ભણતર પડતો મૂકવાનો નિર્ણય મારા જીવનના શ્રેષ્ઠ નિર્ણયોમાંનો એક હતો. જિંદગીનું ચિત્ર બનાવવા માટે ટપકાં જોડવાનાં હોય ત્યારે એક ટપકા પરથી બીજા ટપકા પર જતી વખતે (એટલે કે જીવનમાં નેક્સ્ટ લેવલ પર જવાની કોશિશ કરતી વખતે) કશાક પર તો ભરોસો રાખવો જ પડે. આ કશુંક તમારી અંતઃસ્ફુરણા, નસીબ, કર્મ કંઈ પણ હોઈ શકે. આ ભરોસો હોય તો એક-એક ટપકું જોડાતું જાય છે ને આખરે એક સળંગ સુરેખ ચિત્ર બને જ છે."
કલ્પના કરો, જે માણસે એપલ કંપની સ્થાપી હતી અને સફળ કરી દેખાડી હતી એ જ માણસને એની જ કંપનીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી! ત્રીસ વર્ષના સ્ટીવ જોબ્સ એ વખતે ઓલરેડી સેલિબ્રિટી બની ચૂક્યા હતા. સરેઆમ થયેલા આ નીચાજોણાથી અને ભયંકર નિષ્ફળતાથી ભાગી પડયા હતા એ. એવો વિચાર પણ આવી ગયો કે કમ્પ્યૂટરની આ લાઇન જ છોડી દઉં?
વાસ્તવમાં એપલમાંથી થયેલી હકાલપટ્ટી સ્ટીવના જીવનની લાઇફની શ્રેષ્ઠ ઘટના સાબિત થઈ!

એકધારી સફળતા અથવા ખૂબ મોટી સફળતા પછી નિષ્ફળતાનો ડોઝ મળવાથી પગ જમીન પર સ્પર્શેલા રહે છે. સ્ટીવ કહે છે, "નિષ્ફળતાના પીડાદાયી તબક્કામાં એક જ વસ્તુએ મને ટકાવી રાખ્યો હતો અને એ હતી, મારા કામ પ્રત્યેનો મારો પ્રેમ. આઈ લવ્ડ વોટ આઈ ડિડ. તમારે એ વસ્તુ કે એ કામ શોધવું જ પડે જેમાંથી તમને સૌથી વધારે આનંદ મળતો હોય. આપણું કામ, આપણી કરિયર જીવનનો બહુ મોટો ભાગ રોકે છે. સંતોષભર્યું જીવન તો જ જીવી શકાય છે જો તમે મનપસંદ ક્ષેત્રમાં હો, જો તમે એ કામ કરતા હો જેમાં તમે શ્રેષ્ઠ હો. જો તમને હજુ સુધી એ કામ મળ્યું ન હોય અથવા હજુ સુધી તમે સ્પષ્ટ ન હોય કે કયા કામમાં તમને સૌથી વધારે આનંદ મળે છે તો ટ્રાય કરતા રહો, ચકાસતા રહો. જે પહેલું કામ મળ્યું એ પકડીને બેસી ન જાઓ. શોધતા રહો. આ દિલ કા મામલા જેવું છે. સાચું પાત્ર સામે આવતાં દિલ જે રીતે એને ઓળખી લે છે એવું જ કામનું છે. જેવા તમે સાચા ક્ષેત્રમાં આવશો કે તમારું હૃદય તરત તે પારખી લેશે. સાચા પાત્ર સાથે બંધાયેલો પ્રેમસંબંધ સમયની સાથે વધારે સુંદર બનતો જાય છે. કામનું પણ એવું જ છે. તમે કરેક્ટ ફિલ્ડમાં હશો તો સમયની સાથે નિખરતા જશો."
 સ્ટીવ જોબ્સના મૃત્યુ પછી એક અદ્ભુત ડોક્યુમેન્ટરી બની હતી - 'બિલિયન ડોલર હિપ્પી'. એકાદ કલાકની આ ફિલ્મમાં સ્ટીવના દોસ્તો, પરિવારના લોકો, કલીગ્ઝ વગેરેએ જે વાતો કહી છે એમાંથી એમનું લાર્જર-ધેન-લાઇફ વ્યક્તિત્વ કમાલનું ઉપસ્યું છે. શ્વાસ અધ્ધર કરીને જોતા રહેવાનું મન થાય એવી આ મોટિવેશનલ ડોક્યુમેન્ટરી યુ-ટયૂબ અવેલેબલ છે. જરૂર જોજો, જો હજુ સુધી ન જોઈ હોય તો.
0 0 0 

Friday, February 6, 2015

ટેક ઓફ : ઉમાશંકર જોશીએ જ્યારે પન્નાલાલ પટેલને લેખનની દીક્ષા આપી...

Sandesh - Ardh Saptahik purti - 4 Feb 2015
ટેક ઓફ 
"... જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો."
Pannalal Patel

ન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી. બન્ને ગુજરાતી સાહિત્યજગતનાં અમર નામ. બન્ને સમવયસ્ક અને સમકાલીન. પન્નાલાલનો જન્મ ૧૯૧૨માં. ઉમાશંકર તેમના કરતાં એક વર્ષ મોટા. બન્ને ભર્યાભાદર્યા પરિવારના ફરજંદ. પન્નાલાલના કુટુંબમાં માતા-પિતા, બે મોટા ભાઈ, ત્રણ મોટી બહેનો, ઓરમાન મા અને તેમનાં દીકરા-દીકરી. ઉમાશંકરને છ સગાં ભાઈઓ ને બે બહેનો. કિશોરવયમાં બન્ને ઈડરની એક જ ર્બોિંડગમાં રહીને ભણ્યા. આમ તો ર્બોિંડંગ હાઉસ અંગ્રેજી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જ હતી, પણ આ બન્નેને સ્પેશિયલ કેસ તરીકે તેમાં એડમિશન મળ્યું હતું. પન્નાલાલ તીવ્ર આર્થિક ભીંસ વચ્ચે માંડમાંડ ભણતરનું ગાડું ચલાવવા મથતા હતા. ઉમાશંકરે એડમિશન લીધું ત્યારે પન્નાલાલ ચોથા ધોરણમાં ભણતા હતા. અભ્યાસમાં પન્નાલાલ એટલા બધા તેજસ્વી નહીં, પણ સ્વાવલંબી પૂરેપૂરા. આત્મવિશ્વાસ પણ ભરપૂર. ઉમાશંકરે કિશાર વયના પન્નાલાલનું સુંદર સ્મૃતિચિત્ર ઉપસાવ્યું છેઃ "પન્નાલાલની કિશોર આકૃતિ છાત્રાલયમાં જુદી તરી આવતી. શરીર નાનકડું હૃષ્ટપુષ્ટ, ગોળમટોળ કહી શકાય એવું. લગભગ યુરોપીય લાગે એવો ગોરો - બલકે લાલ લાલ ચહેરો. ચૂંટી ખણો તો લોહી નીકળે. અવાજ ઊંડો, ઘેરો, પણ સૌથી વિશેષ તો મીઠાશભર્યો - કહો કે ગળ્યો ગળ્યો. આંખમાં અચૂક વરતાતી "હું સમજું છું બધું" એવી ચમક. મને સૌથી વધારે આકષર્તી વસ્તુ તે એમની મોકળાશભરી વર્તણૂક. કશી રોકટોક અનુભવ્યા વગર બધી પરિસ્થિતિઓમાં એ એક જાતના આત્મવિશ્વાસ સાથે લીલાપૂર્વક વિચરતા."
ઉમાશંકરે દસથી સોળ વર્ષની ઉંમર ઈડરના આ છાત્રાલયમાં વિતાવી. અહીં ગામડાના કેટલાક મોટી ઉંમરના કદાવર પટેલ,રાજપૂત અને આદિવાસી છોકરાઓ પણ રહેતા. સૌ માથે સાફો બાંધતા અને પરીક્ષા વખતે પાસેની ધનેશ્વરની ડુંગર પરની દેરીઓમાં અથવા પડખેની સડકો પરના આંબાઓની ડાળો ઉપર બેસીને વાંચતા.
કમનસીબે પન્નાલાલ આઠમા ધોરણના વેકેશનમાં ગયા પછી પાછા આવ્યા જ નહીં. એમના નિશાળના ભણતર પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. ર્બોિંડગમાં ડિપોઝિટ રૂપે એક પૂરો રૂપિયો એમણે જમા કરાવ્યો હતો. અભ્યાસ અટકી ગયો એટલે ડિપોઝિટનો રૂપિયો એમને મનીઓર્ડરથી પાછો મોકલવાનું કામ ઉમાશંકરને સોંપવામાં આવ્યંુ હતું. ફોર્મ જોઈને પોસ્ટમાસ્તરે પૂછેલું: "રૂપિયો આખેઆખો મોકલવાનો છે? મનીઓર્ડરનો ખર્ચ કાપ્યા વિના?"
ઉમાશંકર એ વખતે પન્નાલાલથી છૂટા પડેલા તે છેક બાર વર્ષ પછી એમનો ભેટો થયો - અમદાવાદમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં. એ વર્ષ ૧૯૩૬નું. પ્રેમાભાઈ હોલમાં યોજાયેલા આ અધિવેશનના પ્રમુખ કોણ હતા? સ્વયં મહાત્મા ગાંધી! પચીસ વર્ષના ઉમાશંકર જોશી યુવા તેજસ્વી કવિ તરીકે એસ્ટાબ્લિશ થઈ ચૂક્યા હતા. એકલા ઉમાશંકર જ નહીં, તેમના હમઉમ્ર કવિમિત્ર સુંદરમ્ની ખ્યાતિ પણ ફેલાઈ ચૂકી હતી. એ પણ સંમેલનમાં આવવાના હતા. ઉમાશંકર તે વખતે મુંબઈ રહેતા. મુંબઈથી અમદાવાદ પહોંચે તે પહેલાં પન્નાલાલે એમને કાગળ લખ્યો હતો. પન્નાલાલને તે વખતે પન્નાલાલ પટેલ બનવાની ઘણી વાર હતી, પણ એમણે લખેલા પત્રની ભાષા એટલી દમદાર હતી કે ઉમાશંકરને તેમની સર્જનશક્તિનો અણસાર તો એ જ વખતે મળી ગયો હતો.
પ્રમોદકુમાર પટેલ લિખિત અને રમણલાલ જોશી સંપાદિત 'પન્નાલાલ પટેલ' નામના પુસ્તકમાં આપેલી વિગતો પ્રમાણે, બાર વર્ષે ઉમાશંકર એમના બાળસખા પન્નાલાલને સંમેલનમાં ઉષ્માપૂર્વક મળે છે, વચ્ચેના સમયમાં શું શું બન્યું તેની વીતકકથા સાંભળે છે.

"... અને લેખક માટે જરૂરી જીવનાનુભવનું ભાથું તૈયાર થયું છે એવી જ કોઈ પ્રતીતિ તેમના (એટલે કે ઉમાશંકરના) અંતરમાં જન્મી હશે. એટલે પન્નાલાલને તેઓ લેખનની દીક્ષા આપે છે અને પન્નાલાલે કલમ પકડી."
સ્થૂળ રીતે કહી શકાય કે, પન્નાલાલ પટેલે લેખક તરીકે જન્મ લીધો તે આ ક્ષણ હતી. ઉમાશંકર તે દિવસોમાં મુંબઈ રહેતા હતા એટલે એમણે પન્નાલાલનો હવાલો સુંદરમ્ને સોંપ્યો. આ રીતે પન્નાલાલ તે સમયના બન્ને ઉચ્ચ કોટિના યુવાન સર્જકોના સીધા સંપર્કમાં આવ્યા. મીટર રીડિંગનું કામ કરતાં કરતાં પન્નાલાલે શરૂઆતમાં તો કવિતાઓ રચી. સુંદરમ્ને તે બતાવી, પણ સુંદરમ્ જેવા સુંદરમ્ નબળી કૃતિ માટે ઠાલેઠાલા વાહ વાહ શાના કરે? શક્ય છે કે સુંદરમે્ કદાચ સ્પષ્ટપણે ટીકા ન પણ કરી હોય, પણ તેમના ચહેરાના હાવભાવ જોઈને પન્નાલાલ સમજી ગયા કે કવિતામાં આપણું કામ નહીં. ગુજરાતી સાહિત્યના એ સદ્ભાગ્ય કે પન્નાલાલ વહેલાસર પદ્ય છોડીને ગદ્ય તરફ વળી ગયા. એમણે ટૂંકી વાર્તાઓ લખવાની કોશિશ કરી જોઈ. એમની વાર્તાઓ વાંચતી વખતે સુંદરમ્ના ચહેરા પણ સ્મિત આવી જતું એટલે અડધી સફળતા તો ત્યાં જ મળી જતી. 'શેઠની શારદા' શીર્ષકધારી વાર્તા 'ફૂલછાબ'માં સ્વીકારાઈ અને છપાઈ એટલે પન્નાલાલને પાનો ચડયો. એ વખતે રામનારાયણ પાઠક 'પ્રસ્થાન' સામયિક સંભાળતા હતા. સંપાદક-વિવેચક તરીકે તેઓ અત્યંત કડક, પણ એમની કસોટીમાંથીય પન્નાલાલ પાસ થઈ ગયા. 'ધણીનું નાક' અને 'સુખદુઃખના સાથી' નામની બબ્બે વાર્તાઓને 'પ્રસ્થાન'માં સ્થાન મળ્યું એટલે સમજોને કે પન્નાલાલ પટેલ પર વાર્તાકારનો આઈએસઆઈ માર્કો લાગી ગયો!


પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યજગતનો એક સર્વસ્વીકૃત ચમત્કાર છે. માંડ આઠ ચોપડી ભણેલા માણસમાં સાહિત્યનો અજાયબ ઝરો કેવી રીતે ફૂટી નીકળ્યો કે ક્યારેય ન ભૂલી શકાય એવી કંઈકેટલીય નવલિકાઓ અને 'માનવીની ભવાઈ' તેમજ 'મળેલા જીવ'કક્ષાની માતબર નવલકથાઓ વગેરે એમની કલમમાંથી ટપકતું રહ્યું? 'મળેલા જીવ' નવલકથા આખેઆખી એમણે ફક્ત બાવીસ-ચોવીસ દિવસમાં લખી નાખી હતી! 'પન્નાલાલ પટેલ' પુસ્તકમાં કહેવાયું છેઃ
"બીજાઓને તો ઠીક, ખુદ પન્નાલાલને પોતાની અંદરથી ફૂટી નીકળેલી સર્જકચેતનાનું વિસ્મય રહ્યા કર્યું છે. તેમણેે 'મળેલા જીવ'નું લેખન માત્ર બાવીસ-ચોવીસ દિવસમાં એકધારી ચાલતી કલમે પૂરું કરેલું, એ ઘટનાને "સર્જન નહીં, અવતરણ કરું" એવું કહીને તેઓ બિરદાવતા રહ્યા છે. કોઈ દૈવી પ્રેરણાથી આખીય કથા સીધેસીધી તેમના માનસમાં ઊતરી આવી હતી એવી તેમની માન્યતા બંધાઈ ચૂકી છે."
સાહિત્ય પરિષદના એક અધિવેશનમાં પોતાના વક્તવ્યમાં તેમણે કહેલું કે, "બીજા સર્જકોની તો મને ખબર નથી, પણ મારા વિશે તો ઘણી વાર એવું બનતું આવેલું છે કે અણધારી રીતે બધું પ્રગટતું ને ગોઠવાતું આવતું હોય છે. પૌરાણિક સર્જનો વખતે તો એવો એવો અનુભવ થયેલો છે કે મારે એને ચમત્કાર જ કહેવો પડે."
પન્નાલાલ ખરેખર નસીબદાર કે એમના પર મા સરસ્વતીની આવી કૃપા ઊતરી. બાકી અસંખ્ય લેખકો બિચારા મહેનત કરી કરીને આખી જિંદગી ઘસી નાખે તોય ચિરંજીવ તત્ત્વવાળું તો ઠીક, સાધારણ સારું સાહિત્ય પણ સર્જી શકતા નથી. અલબત્ત, પન્નાલાલના સર્જકકર્મનો સઘળો જશ માત્ર એમના સદ્ભાગ્યને આપી દેવાની ભૂલ કરવા જેવી નથી. એમના ખુદના જીવનના અનુભવોએ એમની કલમને નિખારી છે. એક જગ્યાએ પન્નાલાલે કહ્યું છેઃ
"... જીવન મને કરોળિયાના જીવન જેવું લાગે છે. પોતે જ લાળ કાઢતા જવું ને લાળનો આધાર લઈને આગળ વધતા જવું. એ જ રીતે હું પણ સમજદારીના આધારે જગતમાં માર્ગ કરતો ગયો, ઠોકરો ખાતો ગયો, શીખતો ગયો ને ઘડાતો ગયો. હું અત્યારે જોઈ શકું છું કે મારી આ સમજદારી ચિંતનથી, વાચનથી કે અમુક વ્યક્તિઓના સંસર્ગમાંથી આવેલી નથી, પણ જીવનના અનુભવોમાંથી પ્રગટેલી હોય એવું મને લાગે છે."
નાનપણમાં ઉમાશંકર જોશીની સાથે છાત્રાલયમાં રહેનારા અને જુવાનીમાં એમની પાસેથી લેખનની દીક્ષા લેનારા પન્નાલાલ પટેલ બન્ને જુદી જુદી ભ્રમણકક્ષાઓમાં ખૂબ ઊંચાઈ પર બિરાજ્યા. બન્ને જ્ઞાાનપીઠ પારિતોષિક વિજેતા બન્યા અને માંડ ચારેક મહિનાના અંતરે મૃત્યુ પામ્યા તે પણ કેવો યોગાનુયોગ!

0 0 0