Showing posts with label Spirituality. Show all posts
Showing posts with label Spirituality. Show all posts

Thursday, January 30, 2020

પ્રકાશ, પાણી અને પાથરણું


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 29 જાન્યુઆરી 2019, બુધવાર 
ટેક ઓફ 
માણસો શા માટે એકઠા થતા હોય છે? ફક્ત સમૂહમાં જ નહીં, પણ વ્યક્તિગત સ્તરે એક માણસ જ્યારે બીજા માણસને મળે ત્યારે એની પાછળ કયું ચાલકબળ કામ કરતું હોય છે?


મદાવાદની બી.જે. મેડિકલ કૉલેજના સ્ટુડન્ટ રિ-યુનિયનમાં દુનિયાભરમાંથી ડૉક્ટરો આવ્યા છે. પોતપોતાનાં ક્ષેત્રમાં સ્થાપિત અને સફળ થઈ ચૂકેલા ડૉક્ટરો. ઓગણીસ વર્ષ પછી જૂનાં મિત્રોને મળીને ઇએનટી સર્જન ડો. સતીશ પટેલ પોતાની વ્હાઇટ હોન્ડા સિટીમાં મહેસાણા તરફ રવાના થાય છે. તેમની સાથે અમેરિકાના કેલિફૉર્નિયા સ્ટેટમાં સ્થાયી થયેલા એમના ફિઝિશીયન મિત્ર ડૉ. જિગર પટેલ પણ છે. તેઓ હવે જે ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેને મેડિકલ પ્રોફેશન સાથે કોઈ સંબંધ નથી.
વિપુલ પનારા બિઝનેસમેન છે. તેઓ ક્લાસરૂમ અને હોમ થિયેટર માટે વપરાતાં પ્રોજેક્ટરની એસેસરીઝનું મેન્યુફેક્ચરિંગ કરે છે. દીપક વેદ એક સિનિયર ગર્વમેન્ટ ઑફિસર છે. આ બન્ને વ્યસ્ત સજ્જનો પણ પેલી ઇવેન્ટના હિસ્સેદાર છે. તેમના વ્યવસાયને પણ આ ઇવેન્ટ સાથે કોઈ દેખીતો સંબંધ નથી. શિયાળાની એક ઠંડી સાંજે તેઓ સૌ જે કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા છે તે મહેસાણા નજીક ખુલ્લા મેદાનમાં યોજાયો છે. લગભગ ત્રણેક લાખ લોકોની વિરાટ જનમેદની અહીં એકત્રિત થઈ છે, જેમાં બૌદ્ધિકો અને વ્હાઇટ કૉલર પ્રોફેશનલ્સથી લઈને અલ્પશિક્ષિત ગ્રામ્યજનો સુધીનું ભરપૂર વૈવિધ્ય છે.
માણસો શા માટે એકઠા થતા હોય છે? ફક્ત સમૂહમાં જ નહીં, પણ વ્યક્તિગત સ્તરે એક માણસ જ્યારે બીજા માણસને મળે ત્યારે એની પાછળ કયું ચાલકબળ કામ કરતું હોય છે? આ પ્રશ્નના સ્થૂળ ઉત્તરો ઘણા હોઈ શકેઃ સામેની વ્યક્તિ સાથે પારિવારિક-સામાજિક-વ્યાવસાયિક સંધાન હોય, કોઈ તહેવાર કે ઊજવણી હોય, કોઈ નેતા-અભિનેતા આવ્યો હોય, દેશ-દુનિયામાં થઈ રહેલી કોઈ ગતિવિધિનું સમર્થન કે વિરોધ કરવો હોય કે એવું કંઈ પણ. માણસ તદ્દન અજાણી કે અલ્પપરિચિત વ્યક્તિને કશા જ સ્વાર્થ વગર સામેથી મળે, પ્રેમભાવ-ભાતૃભાવનું વાતાવરણ પેદા કરીને એની સાથે આત્મીય સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ કરે અને એનું ભલું થાય તેવી કામના જ નહીં, પણ સક્રિય પ્રયત્નો કરે તેવું આજના જમાનામાં સામાન્યપણે બનતું નથી. મહેસાણાના કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોમાં આ એક વાત કૉમન છેઃ તે સૌને જીવનના કોઈક બિંદુએ નિઃસ્વાર્થ પ્રેમભાવનો સ્પર્શ જરૂર થયો છે. પ્રેમભાવ અને ભક્તિભાવ, બન્નેનો સ્પર્શ. તેઓ દાદાજીના હુલામણા નામે ઓળખાતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (જન્મઃ 1920, મૃત્યુઃ 2003)એ સ્થાપેલા સ્વાધ્યાય પરિવારના સદસ્યો છે.
જો તમે સ્વાધ્યાય પ્રવૃત્તિથી ખાસ પરિચિત ન હો તો મહેસાણાની ઇવેન્ટ જેવો માહોલ જોઈને કૌતુક જરૂર અનુભવો. મહેસાણા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે વિસ્તારોમાંથી આવેલા ચૌધરી પરિવારના લાખો લોકો એકઠા થયા હોય, પણ કશે આંધાધૂંધી નહીં, બલ્કે આશ્ચર્ય થાય એટલી શાંતિ વચ્ચે કાર્યક્રમ ગતિપૂર્વક આગળ વધતો હોય. લાખોની જનમેદની સમાવી લેતા કાર્યક્રમોમાં આવી શિસ્ત અને લય બહુ ઓછી જોવા મળે.

તમે સ્વાધ્યાય પરિવાર અને તેની પ્રવૃત્તિઓ વિશે ખૂબ સાંભળ્યું છે, પાંડુરંગ શાસ્ત્રીના નિધન પછી સ્વાધ્યાય પરિવાર એક તબક્કે વિવાદગ્રસ્ત બન્યો હતો તે પણ તમે જાણો છો, પણ આ ઇવેન્ટ દરમિયાન હવામાં એટલી હકારાત્મક ઉર્જા પ્રસરેલી છે કે બીજું બધું તમને હાલ અપ્રસ્તુત લાગે છે. તમને અત્યારે કેવળ આ સાત્ત્વિક ઉર્જાનાં સ્પંદનોને સમજવામાં રસ છે. આ ત્રણ લાખ લોકોમાં ઑર એક વાત કૉમન છેઃ તેઓ સૌ  ત્રિકાળ સંધ્યાના શ્લોક કંઠસ્થ કરીને આવ્યા છે. શ્લોક કે બીજું કશું પણ કંઠસ્થ કરવું તે એક પ્રકારનો સ્થૂળ બૌદ્ધિક વ્યાયામ હોઈ શકે છે, પણ અહીં અપેક્ષા એવી છે કે ત્રિકાળ સંધ્યાના શ્લોક યાદ કરનાર વ્યક્તિએ તેની પાછળનો ભાવ આત્મસાત કર્યો છે, અથવા કમસે કમ, એવી પ્રામાણિક કોશિશ તો જરૂર કરી છે.
શું છે ત્રિકાળ સંધ્યા? ત્રિકાળ સંધ્યા સંભવતઃ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની ફિલોસોફીમાં પ્રવેશવાનું  પ્રવેશદ્વાર છે. આ દ્વાર ઓળંગ્યા પછી સ્વાધ્યાય પરિવારની અનેકાનેક પ્રવૃત્તિઓ પાછળની દષ્ટિને વધારે સ્પષ્ટતાપૂર્વક સમજી શકાય છે. ત્રિકાળસંધ્યાનો સીધો સંબંધ કૃતજ્ઞતાના ભાવ સાથે છે. જેણે મારું અને આ સમગ્ર બહ્માંડનું સર્જન કર્યું છે, જે મારામાં ચૈતન્યરૂપે વસે છે એ સર્જનહાર, પરમ શક્તિ અથવા સાદી ભાષામાં કહીએ તો ભગવાન પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ મારામાં હંમેશાં ધબકતો રહેવો જોઈએ. ત્રિકાળ સંધ્યાના શ્લોક (જે ભગવદગીતાના અંશ છે) આ કૃતાર્થતાની લાગણીની અભિવ્યક્તિ છે. કવિ સુરેશ દલાલે 1997માં દાદાજીની પ્રલંબ મુલાકાત લીધી હતી. તેમાં પાંડુરંગ દાદાએ સ્વયં ત્રિકાળ સંધ્યા વિશે સરસ સમજૂતી આપી હતીઃ  
ત્રિકાળ સંધ્યા મોઢે કરાવવી એટલે ત્રણ-ત્રણ શ્લોકો ઊઠતી વખતે, જમતી વખતે અને સૂતી વખતે બોલવાના. માણસમાં ભગવાન છે તેની આપણને કલ્પના છે, પણ રાતદિવસ જો ભગવાન-ભગવાન કરતાં રહીશું તો ભગવાનને પણ નહીં ગમે. મા-મા કરતા બેસીએ તો માવડિયા થઈ જવાય અને મા પણ પછી છોકરાને લપડાક મારે! આમ રામ-રામ કરતા બેસો તો પછી થઈ રહ્યું. કેમ જીવવું તે તમારે જાણવું જોઈએ. પહેલાં આ વૃત્તિ તમારામાં જાગ્રત થવી જોઈએ અને તે આ ત્રણ ક્રિટિકલ વાતોમાં (એટલે કે દિવસમાં ત્રણ વખત બોલાતા શ્લોકોમાં) થાય છે. આપણે જે ખાઈએ છીએ તેનું લોહી કેવી રીતે બને છે? એમ ને એમ બને છે? કૃતિ આવી એટલે કર્તા આવવો જ જોઈએ. આમ ને આમ લોહી બનતું હોય તો તે ભૌતિક નાદારી છે. આપણા શરીરમાં લોહી કોણ બનાવે છે તે મહત્ત્વની વાત છે. તેવી રીતે હું ઊંઘ્યો એ શું છે? કયું બટન બંધ કર્યું કે જેથી હું ઊંઘી ગયો? ઊંઘ શું છે? હું ડૉક્ટરોને પૂછું છું કે ઊંઘમાં સંવેદના ચાલે કે બંધ? અંદરનું મેટાબોલિઝમ ચાલે છે, હાર્ટ ચાલે છે, ફેંફસા ચાલે છે, રુધિરાભિસરણ ચાલે છે. અરે, મગજ બંધ થાય પછી સંવેદના બંધ થવી જોઈએ કે નહીં? ત્યારે આ લોકો કહે છે કે સંવેદના આંશિક ચાલુ રહે છે. આ વાત જો ફિલસૂફને પૂછીએ તો તેથી પણ ઊંચે જાય છે - પ્રોજેક્શન ઑફ સુપરફિશિયલ એન્ડ અનકોન્શિયસ માઇન્ડ ઇઝ સ્લીપ! પણ એટલે શું? ટૂંકમાં, ઊંઘ શું છે તેની આપણને સમજ નથી. કોઈ અજ્ઞાત શક્તિના જોરે ઊંઘ આવી જાય છે. આવી જ રીતે જાગવું એટલે શું તેની આપણને ખબર નથી. ઊઠ્યા પછી હું પાંડુરંગ છું. ત્યાર પહેલાંનો જે ધક્કો ઊઠવા માટે લાગ્યો તે શું છે તે આપણે જાણતા નથી. આ જે વસ્તુ છે તેનું મહત્ત્વ ધ્યાનમાં રાખવું જોઈએ. તેથી ત્રણ-ત્રણ શ્લોક તૈયાર કર્યા છે. અને તે શ્લોકો મોઢે કરવામાં આવે છે. તેથી અમારે ત્યાં લોકોનો જે સમૂહ આવે છે તે એમ ને એમ નથી આવતો. તૈયાર થઈને આવે છે.
આ સમૂહને તૈયાર કરવા માટે, આમઆદમીમાં ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વિકસે તે માટે સ્વાધ્યાયના કાર્યકરો આશ્ચર્ય થાય એટલો પરિશ્રમ કરે છે. તેના માટે ભાવફેરી એવો શબ્દપ્રયોગ થાય છે. સ્વાધ્યાયી કાર્યકરો ઘરે-ઘરે ફરીને, અજાણ્યા લોકો સાથે સંધાન કરીને, તેમનો વિશ્વાસ જીતીને તેમને ત્રિકાળ સંધ્યાની ફિલોસોફીથી અવગત કરાવે છે. ઉદાહરણ તરીકે, લેખના પ્રારંભમાં જેનો ઉલ્લેખ થયો છે એ વિપુલ પનારાએ છેક ચીનનાં કેટલાંક ઘરોમાં ત્રિકાળ સંધ્યાની ફિલોસોફી પહોંચાડી છે. પોતાના બિઝનેસના કામે તેમને અવારનવાર ચીનની મુલાકાત લેવાનું થાય છે. સ્થાનિક ચાઇનીઝ વેપારીઓ સાથે તેમણે આત્મીય સંબંધો કેળવ્યા છે. તેઓ જ્યારે ચીનીઓના ઘેર જઈને તેમને સર્જનહાર પ્રત્યેની કૃતાર્થતાનો કોન્સેપ્ટ સમજાવે ત્યારે તેઓ રસપૂર્વક સાંભળે છે. વિપુલ પનારા કહે છે, અમારો નિયમ છે કે ત્રિકાળ સંધ્યાની વાત કરવા અમે કોઈની પણ ઘરે જઈએ આ ત્રણ જ વસ્તુ લેવાની - પ્રકાશ, પાણી અને પાથરણું... અને હા, તેમનો થોડો સમય પણ!’ ડૉ. જિગર પટેલ પોતાના ખર્ચે ફક્ત અમેરિકાનાં જુદાં જુદાં શહેરોમાં જ નહીં, બલ્કે છેક ઓસ્ટ્રેલિયા જઈને ભાવફેરી કરી આવ્યા છે. ભાવફેરીને તેઓ પોતાની ભક્તિનું એક્સપ્રેશન ગણે છે.  

પાંડુરંગ શાસ્ત્રી પેલા પ્રલંબ ઇન્ટરવ્યુમાં કહે છે, મૂર્તિને ફૂલ ચડાવીએ એટલે શું ભક્તિ થઈ ગઈ? આરતી બોલો કે હાર પહેરાવો એટલે ભક્તિ થઈ એવું જ્યાં સુધી માનશો ત્યાં સુધી ભક્તિનો સાચો અર્થ ખબર નહીં પડે. ભક્તિ એ તો સામાજિક બળ છે, તત્ત્વજ્ઞાનનો સામાજિક ક્ષેત્રે કરેલો ઉપયોગ છે.
એક થિયરી પ્રમાણે પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ભારતના સૌથી અન્ડર-રેટેડ ફિલોસોફર છે. આ થિયરીમાં તથ્ય પણ છે. સ્વાધ્યાયની સાત્ત્વિક પ્રવૃત્તિઓ ચુપચાપ, સહેજ પર ઢોલનગારાં વગાડ્યાં વગર અવિરત ચાલે છે. અત્યંત લૉ-પ્રોફાઇલ હોવું તે આ પ્રવૃત્તિઓની સ્વભાવિકતા છે. અધ્યાત્મ સદીઓથી ભારતનો સોફ્ટ પાવર રહ્યો છે. આપણું ભારતીયપણું આ સોફ્ટ પાવરની ધરી પર ઊભું છે. જ્યાં સુધી ભારતની આધ્યાત્મિક તાકાત હેમખેમ છે ત્યાં સુધી આપણે બહુ ચિંતા કરવા જેવું નથી!     
 0 0 0 

Tuesday, December 4, 2018

તમારો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ કેટલો છે?


દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 5 ડિસેમ્બર 2018
ટેક ઓફ 
સુખી અને શાંતિમય જીવન જીવવા માટે આઇક્યુ (બુદ્ધિમત્તા) અને ઇક્યુ (લાગણીઓ મેનેજ કરવાની ક્ષમતા)ની સાથે તમારો એસક્યુ (આધ્યાત્મિક આંક) પણ સારો હોવો જોઈએ!


ઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં જે બન્યું તે શું ધાર્મિક ઘટના હતી? તે ઘટનાના કેન્દ્રમાં એવું તે કયું પ્રચંડ શક્તિશાળી તત્ત્વ હતું કે જેની તીવ્રતા આજે 26 વર્ષ પછી પણ અનુભવી શકાય છે? અમુક બાબતો બુદ્ધિ કે તર્કથી સમજાવી શકાતી નથી. ભારત દેશ સદીઓથી આધ્યાત્મિકતાની વિશ્વ-રાજધાની રહ્યો છે. દુનિયાભરના લોકો આધ્યાત્મિક અનુભૂતિની ખોજમાં ભારત આવે છે. છઠ્ઠી ડિસેમ્બર 1992ના ઘટનાક્રમને આધ્યાત્મિકતાની ફૂટપટ્ટીથી પણ માપી શકાય તેમ નથી!

ધર્મ અને અધ્યાત્મ બન્ને અલગ વસ્તુઓ છે. જ્ઞાનીઓ કહે છે તેમ, ધર્મ અને અધ્યાત્મ ક્યારેક તદ્દન વિરુદ્ધ સ્થિતિઓ હોઈ શકે છે! ધર્મ, અથવા મોટા ભાગના લોકો જેને ધર્મ સમજે છે તે, શ્રદ્ધાળુ માણસને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી દે છેઃ આ ભગવાનની વાણી છે, આ ભગવાનના આદેશો છે, આ ભગવાને દોરી આપેલી હદરેખા છે, આ જ સત્ય છે. જીવનમાં આટલું કરવાનું, આટલું બિલકુલ નહીં કરવાનું! સામે પક્ષે, આધ્યાત્મિકતા માણસને ખોજ કરતાં પ્રેરે છે. ધર્મની જડ સંકલ્પના સીમાઓ દોરે છે, ચોકઠાં પાડે છે – આ હિંદુનું ચોકઠું, આ મુસ્લિમનું ચોકઠું, આ ખ્રિસ્તીનું ચોકઠું... જ્યારે અધ્યાત્મ આ વાડાબંધી અને સીમારેખાઓને ભૂંસી નાખે છે. ધર્મ રેડીમેડ જવાબો આપી દે છે, જ્યારે અધ્યાત્મ સવાલો પૂછતાં શીખવે છે - હું કોણ છું? શા માટે છું? મારું ખરું સ્વરૂપ શું છે? મારા જીવનનું પ્રયોજન શું છે? અધ્યાત્મ કહે છે કે જીવનના આ મૂળભૂત પ્રશ્નોના ઉત્તર તમારે જાતે શોધવાના છે, અનુભૂતિના સ્તરે સમજવાના છે. ધર્મગ્રંથોમાં લખાયું ને તમે વાંચી લીધું, એમ નહીં. ધાર્મિક વડાઓએ કહ્યું ને તમે માની લીધું, એમ પણ નહીં. ધર્મ પાસે ચુકાદા છે, પૂર્ણવિરામો છે, જ્યારે અધ્યાત્મ પાસે પ્રશ્નાર્થચિહ્નો ભરમાર છે!

ભારતીયો વધારે ધાર્મિક છે કે આધ્યાત્મિક? આધ્યાત્મિક ખોજ માટે ભારત આવેલા પશ્ચિમના લોકો આજના શહેરી ભારતીયોની મહત્ત્વાકાંક્ષી તાસીર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારતની મહાયાત્રા કરી રહેલો એક અમેરિકન યુવાન કહી રહ્યો હતો કે હું અને મારા દોસ્તારો કાયમ શહેરી જીવન છોડીને કન્ટ્રી-સાઇડ એટલે કે શાંત ગામડામાં સેટલ થઈને સીધુંસાદું જીવન જીવવાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ જ્યારથી હું ભારત આવ્યો છું ત્યારથી મેં ઇન્ડિયનોના મોઢે પૈસા કમાવાની અને ભૌતિકવાદી સુખ-સુવિધાઓની વાતો જ સાંભળી છે! ભારતીયો વધારે વેસ્ટર્નાઇઝ્ડ થઈ ગયા છે અને પશ્ચિમના લોકો વધારે આપણા જેવા બની રહ્યા છે. કદાચ એટલે જ પશ્ચિમે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એવો શબ્દપ્રયોગ પેદા કરી લીધો છે.    
     
વીસમી સદીના પ્રારંભમાં ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ એટલે કે આઇક્યુ (બુદ્ધિઆંક) શબ્દપ્રયોગનો જન્મ થયો. 1990ના દાયકાના પ્રારંભથી ઇમોશનલ ક્વોશન્ટ એટલે કે ઈક્યુ ચલણમાં આવ્યો. પશ્ચિમને પછી જ્ઞાન લાધ્યું કે સુખી અને સંતુલિત રીતે જીવવા માટે માત્ર આઇક્યુ અને ઇક્યુ પૂરતા નથી, માણસ પાસે સારો એસક્યુ પણ હોવો જોઈએ. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આધ્યાત્મિક આંક! 

1997માં ડાના ઝોહર નામની લેખિકાએ રિવાયરિંગ ધ કોર્પોરેટ બ્રેઇન નામનાં પુસ્તકમાં સૌથી પહેલી વાર સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એવો ચોટડુક શબ્દપ્રયોગ કર્યો. અન્ય લેખકો અને અભ્યાસુઓએ તે ઊંચકી લીધો. બે વર્ષ પછી ડાના ઝોહરે બીજું પુસ્તક લખ્યું – એસક્યુઃ કનેક્ટિંગ વિથ અવર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. ધીમે ધીમે આ શબ્દપ્રયોગ એક મર્યાદિત વર્તુળમાં જાણીતો બન્યો. આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ફોર્ડ, બોઇંગ, એટી એન્ડ ટી, નાઇકી, આજે વિપ્રો, ટાટા ટી જેવી મોટી કંપનીઓની કોર્પોરેટ પોલિસીથી માંડીને સ્કૂલે જતાં બાળકોના રિપોર્ટ કાર્ડ સુધી સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટના તરંગો ફેલાઈ ચુક્યા છે. મુંબઇ-દિલ્હી અને અન્ય મહાનગરોનાં સ્કૂલી બચ્ચાઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ (બાળકના ગમા-અણગમા, વલણો વગેરે ચકાસતી કસોટી)નાં પરિણામમાં આજે બાળકના આઇક્યુ અને ઈક્યુ ઉપરાંત એનો અધ્યાત્મ આંક કેટલો છે તે પણ લખાયેલું હોય છે. 


આઇક્યુનો સંબંધ માણસની સમજશક્તિ, તર્ક-ગણતરી-વિષ્લેષણ કરી શકવાની શક્તિ વગેરે જેવી કોગ્નિટિવ સ્કિલ્સ સાથે છે. ઇક્યુનો સંબંધ બીજાઓની અને ખુદની લાગણીઓને સમજી શકવાની ક્ષમતા, પારસ્પરિક સંબંધો જાળવવાની આવડત, પોતાની જાત પરનો અંકુશ અને આત્મવિશ્વાસ સાથે છે. એસક્યુ (સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ) આ બન્ને કરતાં એક ડગલું આગળ વધે છે. એ નીતિમૂલ્યો અને નૈતિકતાને ગણતરીમાં લે છે. સાદી રીતે કહીએ તો, એસક્યુ આપણને સવાલ કરે છે કે તમે જે કરો છો યા કરવા માગો છો એની આસપાસના માણસો, સમાજ, સમગ્ર માનવજાત કે પર્યાવરણ પર માઠી અસર તો નહીં થાયને? એસક્યુ કોઈ પણ પરિસ્થિતિમાં આંતરિક તેમજ બાહ્ય શાંતિ જાળવી રાખીને, સ્વાર્થ છોડીને, અન્યો પ્રત્યે કરૂણામય વર્તન કરવાનો આગ્રહ કરે છે, આ વિરાટ બ્રહ્માંડમાં તમારું સ્થાન સૂક્ષ્મ કણ જેટલું પણ નથી તે વાસ્તવ પ્રત્યે સતત સભાન રહેવા પ્રેરે છે. નોકરીધંધા-પરિવાર-મિત્રો અને આંતરિક વિકાસનું આ તમામ વચ્ચે સંતુલન જાળવવાનું સૂચન કરે છે.

આપણી પાસે આજે જેટલી સુખસુવિધાઓ છે એટલી માણસજાત પાસે ભૂતકાળમાં ક્યારેય નહોતી. ભૌતિક સવગડ ઉત્તરોત્તર વધતી જાય છે, પણ શું એની સાથે આપણે વધારે સુખી અને સંતુષ્ટ બનતા જઈએ છીએ? ના. આપણે ઊલટાના વધારે એકલવાયા ને બેચેન બનતા જઈએ છીએ. માણસનો આઇક્યુ બહુ ઊંચો હોય, એ સાધનસંપન્ન હોય છતાંય સુખી ન હોય એવું ચોક્કસ બની શકે. આધ્યાત્મિકતાની જરૂર અહીં પડે છે.

એક નિરીક્ષણ એવું છે કે માણસ દુન્યવી સ્તરે જેટલો વધારે સફળ અને સંપન્ન બનતો જાય છે એટલી એની આધ્યાત્મિક જરૂરિયાત તીવ્ર બનતી જાય છે, કેમ કે અધ્યાત્મનો સંબંધ આંતરિક સ્થિરતા અને માનસિક શાંતિ સાથે છે. મોટી કોર્પોરેટ કંપનીઓના સાહેબલોકોના કેઆરએ (કી રિસ્પોન્સિબિલિટી એરિયા, મુખ્ય જવાબદારીઓ)માં આજકાલ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકાય છે. કંપનીમાં ચાવીરૂપ પોઝિશન ધરાવતા સિનિયર ઓફિસરોને પોતાની હાથ નીચે કામ કરતા સ્ટાફનું સ્ટ્રેસને મેનેજ કરતાં આવડવું જ જોઈએ! આજે મોટી કોર્પોરેટ કંપનીઓ પોતાની ઇવેન્ટ્માં સદગુરુ, શ્રી શ્રી રવિશંકર જેવા અધ્યાત્મના ક્ષેત્રમાં આદરપાત્ર ગણાતી વ્યક્તિઓને વકતવ્યો આપવા માટે આમંત્રિત કરે છે. હાઇ-પ્રોફાઇલ બિઝનેસ કોન્ફરન્સીસમાં દેશ-વિદેશના બિઝનેસમેન અને ડિપ્લોમેટ્સની સાથે ઘણી વાર સદગુરુ પણ દેખા દે છે. આ બદલાઈ રહેલા સમયની જરૂરિયાતનું પ્રતિબિંબ છે.    

એક લેટેસ્ટ થિયરી એવી છે સારા કોર્પોરેટ લીડર બનવા માટે માણસમાં આ ચાર વસ્તુઓ હોવી અનિવાર્ય છે – એકક્યુ, આઇક્યુ, ઇક્યુ અને પીક્યુ. પીક્યુ એટલે ફિઝિકલ ક્વોશન્ટ. સાદી ભાષામાં, ફિટનેસ. માણસમાં બીજા બધા ગુણ હોય, પણ જો એ સરખો ઊભો પણ રહી ન શકતો હોય તો શું કામનો! સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને બાકીના ત્રણેય ક્વોશન્ટની પહેલાં મૂકવામાં આવ્યો છે એ તમે નોંધ્યું?

આઇક્યુની માફક સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને માપી શકાય ખરો? આ દિશામાં પ્રયત્નો જરૂર થયા છે. અમેરિકામાં વસતા ભારતીય ચિંતક-લેખક દીપક ચોપરાએ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ માપવાની એક સરળ ફોર્મ્યુલા સૂચવી છે. તેઓ કહે છે કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે કર્મ (ડીડ, ડી) ભાગ્યા અહમ (ઇગો, ). એસક્યુ ઇઝ ઇક્વલ ટુ ડી ડિવાઇડેડ બાય ’! માણસ કર્મ ખૂબ કરે, પણ અહમ ન રાખે તો એનો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ વધે. જો અહમ તદ્દન નામશેષ થઈ જાય તો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ અનંત જેટલો વિરાટ બની જાય. આપણે ગણિતમાં શીખ્યા છીએ કે કોઈપણ આંકડાને ઝીરો વડે ભાગીએ તો જવાબ ઇન્ફિનિટી (અનંત) આવે. માણસ જોકે સંપૂર્ણપણે અહમશૂન્ય થઈ શકતો નથી. છેલ્લે હું માણસ છું યા તો હું જીવું છું એટલી આત્મસભાનતા તો બચે જ છે. દીપક ચોપરા ઉપરાંત અમુક ઉત્સાહી અભ્યાસુ-સંશોધકોએ પણ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ માપવા માટે આપણને ચક્કર આવી જાય એવી કોમ્પ્લિકેટેડ મેથેમેટિકલ ફોર્મ્યુલાઓ બનાવી છે. 

સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટની સંકલ્પનાની ટીકા પણ થઈ છે. એક વર્ગ કહે છે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સને કંઈ તમે બુદ્ધિમત્તાનું એક સ્વરૂપ ન ગણી શકો. આઇક્યુની જેમ કંઈ એસક્યુને માપી ન શકાય. આધ્યાત્મિક હોવું તે માણસની અંગત અને આંતરિક બાબત છે. અધ્યાત્મના રસ્તે તમે ક્યાં પહોંચ્યા છે ને કેટલો વિકાસ કર્યો તે બાહ્ય ફોર્મ્યુલા વડે કેવી રીતે જાણી શકાય? જે ખરેખર આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છે છે, જેણે આ દિશામાં ઓલરેડી પગલાં માંડી દીધાં તે જો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટની ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈને ગુણાકાર-ભાગાકાર કરવા બેસશે તો ઊલટાનું નુક્સાન થશે.   

સો વાતની એક વાત એ છે કે એકવીસમી સદીમાં, આ ડિજિટલ યુગમાં, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર આલ્ગોરિધમ વડે સંચાલિત થનારા આવનારા સમયમાં માણસજાતને આધ્યાત્મિક સ્થિરતાની સૌથી વધારે જરૂર પડવાની છે. યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન વગેરેનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતું જવાનું છે. આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરીશું તો ભવિષ્યમાં કદાચ છઠ્ઠી ડિસેમ્બર 1992 પ્રકારના ઘટનાક્રમ સર્જાવાની આવશ્યકતા નહીં રહે!


0 0 0

Thursday, May 18, 2017

આધ્યાત્મિકતાનો સ્પર્શ જુવાનીમાં જ થઈ જવો જોઈએ

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૭ મે ૨૦૧૭

ટેક ઓફ

શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, િંજદૃગીની ઈમારતનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ તરંગો સર્જ્યાં કરતાં હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું હજુ બાકી હોય અને િંજદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે.




માણસે કયારે આધ્યાત્મિક બનવું જોઈએ? જીવનના કયા તબક્કે માણસને આધ્યાત્મિકતાનો સ્પર્શ થઈ જવો જોઈએ? આધ્યાત્મિકતાને કઈ રીતે ડિફાઈન કરી શકાય? આધ્યાત્મિક હોવું અને ધાર્મિક હોવું - આ બન્ને એક જ વસ્તુ છે કે અલગ અલગ? જિંદૃગીમાં એક સમય આવે છે જ્યારે આપણું મન આ બધા પ્રશ્ર્નોના ઉત્તર તીવ્રતાથી ઝંખવા માંડે છે.

મા-બાપે કે દૃાદૃા-દૃાદૃીએ શીખવ્યું હતું એટલે ભગવાનની મૂર્તિ સામે યાંત્રિકપણે અગરબત્તી-દૃીવા કરી નાખવા કે ઘરમાંથી બહાર પગ મૂક્તાં પહેલાં ભગવાન સામે માથું નમાવીને ફટાફટ નીકળી જવું તે ધાર્મિકતા નથી. રુદ્રાક્ષની માળા હાથમાં લઈને સમજ્યા વગર બંધ આંખે જાપ જપવા બેસી જવું તે પણ ધાર્મિકતા નથી. સાચા ધર્મ અને અધ્યાત્મને બાહ્ય વિધિઓ સાથે ક્યાં કશો સંબંધ હોય છે? સ્વામી વિવેકાનંદૃે યોગ્ય જ કહ્યું છે કે, ‘યજ્ઞયાગ, સાષ્ટાંગ દૃંડવત પ્રણામ, અસ્પષ્ટ મંત્રોચ્ચાર એ કંઈ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો ઊચ્ચ થાય કે આપણે ઈશ્ર્વરી પૂર્ણતાનો સાક્ષાત્કાર કરી શકીએ અને સુંદૃર તથા સાહસિક કાર્યો કરવાને પ્રરાઈએ, તો જ આ બધામાં કંઈ સાર છે. જ્યાં સુધી ‘મને અડકશો નહીં' એ તમારો પંથ છે અને રસોડાનું હાંડલું તમારો દૃેવ છે ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ અસંભવિત છે.'

પ્રચલિત રીતે જેને ‘ધર્મ' કહેવામાં આવે છે તેનો સંદૃર્ભ ખરેખર તો સંપ્રદૃાયો સાથે હોય છે. હિંદૃુ ઘરમાં જન્મેલું બાળક આપોઆપ હિંદૃુ બને છે. ખ્રિસ્તી કે મુસ્લિમ પરિવારમાં જન્મેલું બાળક આપોઆપ ખ્રિસ્તી કે મુસ્લિમ બને છે. આ અર્થમાં સંપ્રદૃાય માણસને વારસામાં મળે છે, પણ અધ્યાત્મ માણસે ખુદૃ ડિસ્કવર કરવું પડે છે. સંપ્રદૃાય પરંપરાગત રસ્તે થઈને આપણે જેને ઈશ્ર્વર કે પરમપિતા પરમાત્મા કહીએ છીએ તેની નજીક લઈ જવાનું કામ કરે છે, જ્યારે અધ્યાત્મ માણસને પોતાની જાતની નજીક લઈ જાય છે, એને પોતાની પ્રકૃતિ અને વૃત્તિઓ પ્રત્યે જાગૃત બનાવે છે. ધર્મ અને અધ્યાત્મ વાસ્તવમાં ઇન્ટરચેન્જેબલ બાબતો છે. આ બન્નેની વચ્ચે વ્યાખ્યાઓની ઊંચી દૃીવાલ ચણવાની જરુર નથી. તમે ધર્મ કહો કે અધ્યાત્મ, બન્નેનો ઉદ્દેશ આખરે તો એક જ છે - માણસને જીવન જીવવાની કળા શીખવવાનો. જે વસ્તુ માણસને જીવન જીવવાની કલા શીખવી શકતી નથી તે નથી ધર્મ કે નથી અધ્યાત્મ.  

અમુક લોકોના મનમાં એક તદ્દન ફાલતુ માન્યતા ઊભી થઈ ગઈ છે કે આધ્યાત્મિકતા ને એવું બધું તો બુઢાપામાં કરવાનું હોય. જુવાની અને આધ્યાત્મિક્તાને શું લાગેવળગે? આ માન્યતામાંથી ત્વરિત બહાર આવી જવાનું છે. સિનિયર સિટીઝનનું લેબલ લાગી ચુક્યું હોય, શરીર ખખડી ગયું હોય, આંખ-કાન-જીભ ક્ષીણ થવા લાગ્યાં હોય અને જીવનમાં હવે કરવા માટે હવે બીજું કશું બચ્યું ન હોય ત્યારે માણસ સ્પિરિચ્યુઅલ બને તોય શું ને ન બને તોય શું. મોટા ભાગનું જીવન જીવાઈ ગયું હોય પછી જીવન જીવવાની કલા આવડે તોય શું, ન આવડે તોય શું. આધ્યાત્મિકતા કંઈ નવરા બુઢા લોકો માટેની ટાઈમપાસ એકિટવિટી નથી.



જીવનમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ યુવાનીમાં જ થઈ જવો જોઈએ. જ્યારે શરીરમાં હણહણતા અશ્ર્વ જેટલી તાકાત હોય, હોર્મોન્સ ઊછળકૂદૃ કરતા હોય, જિંદૃગીની ઈમારત ઊભી કરવાનો નકશો આકાર લઈ રહ્યો હોય, મનમાં સ્વપ્નો અને મહત્ત્વાકાંક્ષાઓ સતત તરંગો સર્જ્યાં કરતાં હોય, કરીઅર અને લગ્ન જેવાં જીવનના સૌથી મહત્ત્વના નિર્ણયો હજુ લેવાયા ન હોય અથવા તાજા તાજા લેવાયા હોય, સંબંધોની સમૃદ્ધિ તેમજ સંબંધોની ક્રૂરતામાંથી પસાર થવાનું બાકી હોય અને જિંદૃગીનાં સત્યો-માપદૃંડો-હદૃરેખાઓ-વિચારધારાઓ ડિફાઈન થઈ રહ્યાં હોય ત્યારે માણસને આધ્યાત્મિકતાની સૌથી વધારે જરુર પડે છે. જો યુવાનીમાં આધ્યાત્મિકતાના ક્ષેત્રે સાચી દિૃશામાં કદૃમ માંડી દૃીધાં હશે તો અગાઉ ક્યારેય થઈ નહોતી થઈ એવી આંતરિક સ્પષ્ટતાઓ થવા માંડે છે. જીવનનાં નાનામાં નાનાથી લઈને મોટામાં મોટાં યુદ્ધો લડવામાં ખૂબ મદૃદૃ મળે છે. માણસને આધ્યાત્મિકતા યુવાનીમાં સૌથી વધારે શોભે છે.

... અને તેથી જ અધ્યાત્મના ક્ષેત્રમાં પગ મૂકી રહેલા યુવાનોને જોઈને ખૂબ પ્રસન્નતા થાય છે. દૃુનિયાભરમાં પાંડુરંગ શાસ્ત્રી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનાં આશરે ૨૫,૦૦૦ યુવા કેન્દ્રો તેમજ યુવતી કેન્દ્રો સક્રિય છે. દૃર અઠવાડિયે ૧૬થી ૩૦ વર્ષની એજગ્રપુમાં સ્થાન પામતા લાખો યંગસ્ટર્સ આ કેન્દ્રોમાં એકત્રિત થઈને શારીરિક-માનસિક-બૌદ્ધિક અને આધ્યાત્મિક વિકાસના પાઠ શીખે છે. ગૌતમ બુદ્ધે વિશ્ર્વને જેની ભેટ આપી છે વિપશ્યનાની સાધના  ખાસ્સી ચેલેન્જિંગ અને કઠિન છે, પણ વિપશ્યનાની શિબિરોમાં યુવાનોની બહુમતી જોઈને પુલકિત થઈ જવાય છે. આધ્યાત્મિક ગુરુ મોરારીબાપુના બહુ વખણાતા અસ્મિતા પર્વ નામના સાંસ્કૃતિક ઉત્સવોમાં યુવાનો ઉત્સાહભેર ભાગ લે છે. અર્બન અપીલ ધરાવતા પદ્મવિભૂષણ જગ્ગી સદૃગુરુ અધ્યાત્મક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી રહ્યા છે અને યુવાનોમાં તેઓ વિશેષ લોકપ્રિય છે. આવાં અનેક ઉદૃાહરણો છે.

આધ્યાત્મિક સાધના શીખ્યા પછી તેનો ગંભીરતાપૂર્વક નિયમિત રિયાઝ કરતા યુવાનોની જીવનશૈલીમાં અને વર્તન-વ્યવહારમાં આશ્ર્ચર્ય થાય એવાં નક્કર પરિવર્તનો જોઈ શકાય છે. તેઓ પોતપોતાના ક્ષેત્રમાં ઊત્તમ કામગીરી કરશે એવી અપેક્ષા રાખવાનું પણ મન થાય છે. એવી ખાતરી તો મળે જ છે કે આ યંગસ્ટર્સ આગળ જતા મહાન કામો કરે કે ન કરે, પણ કમસે કમ તેઓ ભ્રષ્ટ, લબાડ અને ચરિત્રહીન તો નહીં જ બને.    

આધ્યાત્મિક હોવું એટલે ભગતડા બની જવું એમ નહીં. આધ્યાત્મિક હોવું એટલે નીરસ બની જવું એમ પણ નહીં. આધ્યાત્મિકતાનો ઉપયોગ પ્રમાદૃી કે પલાયનવાદૃી બનવા માટે બિલકુલ કરવાનો નથી. મહેનત કરવાના સમયે જો તમે પલગં પર લાંબા થઈને, સાઈડમાં લેપટોપ ખોલીને, યુટ્યુબ પર ક્લાકો સુધી આધ્યાત્મિક પ્રવચનોના વિડીયો જોયા કરો તે ન ચાલે. જવાબદૃારીથી ભાગીને  ‘ના હોં, મારો મેડિટેશનનો ટાઈમ થઈ ગયો' એમ કહીને તમે પલાંઠી વાળીને બેસી જાઓ તે પણ ન ચાલે. મોરારીબાપુ ક્હે છે તેમ, ક્થામાં તો ઘણા લોકો બેસે છે, પણ લોકોમાં ક્થા બેસતી નથી! આધ્યાત્મિક્તાના મામલામાં પણ આવું જ.

ઘણા લોકોને સ્પિરિચ્યુઆલિટીનું વ્યસન થઈ જાય છે. તેઓ ગંગામાં ધૂબાકા લગાવશે, હૃષિકેશ-હરિદ્વાર જઈને યોગસાધનાના કરી આવશે, વિપશ્યનાની દૃસ-દૃસ દિૃવસની શિબિરો કરશે, આનંદૃમૂર્તિ ગુરુમાના ગન્નોર ખાતે આવેલા રિશી ચૈતન્ય આશ્રમમાં દિૃવસો પસાર કરશે, ગાંજો પીતા પીતા જોરશોરથી ઓશો રજનીશ વિશે તાત્ત્વિક ચર્ચાઓ કરશે ને અઘોરીઓ પાસેથી ભેદૃી વિદ્યા શીખવા જંગલોમાં ડાફરિયા પણ મારશે. આવા લોકોે સ્પિરિચ્યુઅલ જન્કી છે. આપણે એમના જેવા તો જરાય બનવાનું નથી. આપણે અધ્યાત્મમાં સક્રિય બનવાનું છે, આધ્યાત્મિક મનોરંજનમાં નહીં. અધ્યાત્મ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, જો વિવેકબુદ્ધિ અને સંતુલન ન જળવાય તો બધું નકામું છે.  

સ્વામી વિવેકાનંદૃે વર્ષો પહેલાં યુવાનોને ઉદ્દેશીને જે ક્હેલું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છેઃ ‘આપણા દૃેશમાંં હજી ધર્મ અને આધ્યાત્મિકતા છે. ધર્મ અને આધ્યાત્મિકતાના પ્રવાહોએ દૃુનિયા પર પૂરજોશમાં વહેવું પડશે અને દૃુનિયાને તરબતર કરી દૃેવી પડશે... દૃરેક જીવાત્મામાં દિૃવ્યતા સુપ્ત રુપે રહેલી છે. બાહ્ય અને આંતર પ્રકૃતિ પર કાબૂ મેળવી અંદૃર રહેલી દિૃવ્યતા પ્રગટ કરવી એ લક્ષ્યસ્થાન છે. કર્મ, ભકિત અથવા પ્રાણાયામ કે તત્ત્વજ્ઞાન આમાંથી એકથી વધારેની અથવા બધાંની મદૃદૃ લઈને એ કરો અને મુકત થાઓ. આમાં બધો ધર્મ આવી જાય છે. મતમતાંતર, માન્યતાઓ, વિધિઓ, ગ્રંથો, મંદિૃરો, બાહ્ય આચાર - આ બધી ગૌણ વાતો છે.'

0 0 0