Saturday, November 28, 2015

મલ્ટિપ્લેક્સ : ઇમ્તિયાઝ આજકલ : માણસ પોતાનું બેસ્ટ વર્ઝન કેવી રીતે બની શકે?

Sandesh - Sanskar Purti - 29 Dec 2015
મલ્ટિપ્લેક્સ 
'સેલ્ફ-ડાઉટ અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે.'ફિલ્મને જોયા વગર તેના મેકિંગ વિશે કે તેની ટીમ વિશે પોઝિટિવ સૂરમાં લખવું હંમશાં ખૂબ જોખમી હોય છે, જેનાં ખૂબ ઢોલનગારાં વાગ્યાં હોય અને જેણે ખૂબ અપેક્ષાઓ જન્માવી હોય એવી ફિલ્મ તદ્દન નબળી સાબિત થઈ શકે છે. 'બોમ્બે વેલ્વેટ'થી 'શાનદાર'સુધીના તાજા દાખલા આપણી આંખ સામે છે. આવું બને ત્યારે ભોંઠપની લાગણી જાગે અને થાય કે અરેરે, નાહકનો આવડો મોટો લેખ એક ફાલતુ ફિલ્મ વિશે લખી નાખ્યો. આ લખાઈ રહ્યુંું છે ત્યારે'તમાશા' રિલીઝ થવાને થોડા દિવસની વાર છે પણ આજનો અંક તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં ફિલ્મ રિલીઝ થઈ ચૂકી હશે, તે ઉત્તમ છે, સાધારણ છે, નિરાશાજનક છે કે સાવ બકવાસ છે તે વિશે ચુકાદો આવી ગયો હશે. 'તમાશા' જોઈ નથી એટલે ફિલ્મ વિશે ઝાઝી વાત ન કરીએ પણ એના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી વિશે ચર્ચા જરૂર કરી શકાય. આ માણસનો ટ્રેકરેકોર્ડ એટલો મસ્ત-મજાનો છે કે આટલું રિસ્ક લેવામાં વાંધો નથી.
'સોચા ન થા'થી 'જબ વી મેટ'થી 'લવ આજકલ'થી 'રોકસ્ટાર'થી 'હાઈવે'... ઇમ્તિયાઝઅલીની ફિલ્મો આપણને શા માટે ગમે છે?પ્રેમનું હોવું, પ્રેમનું ન હોવું, પ્રેમ હોવા અને ન હોવા વચ્ચેની કોઈ સ્થિતિ હોવી, પ્રેમને પુનઃ નવા સ્વરૂપમાં સમજવો, ટૂંકમાં, પ્રેમ અથવા તો રોમેન્ટિક સંબંધના અલગ અલગ શેડ્ઝને ઇમ્તિયાઝઅલી ખૂબસૂરતીથી અને તાજગીભર્યા અંદાજમાં પેશ કરી શકે છે એટલે આપણને એમની ફિલ્મો અપીલ કરે છે. હા, મજાની વાત એ છે કે પ્રેમ વિશેના ઇમ્તિયાઝઅલીના ખુદના વિચારો ચમકાવી દે તેવા છે.
'હું પ્રેમ શબ્દથી જોજનો દૂર રહું છું!' ઇમ્તિયાઝ કહે છે, 'પ્રેમ જેવી કન્ફ્યુઝિંગ વસ્તુ બીજી એકેય નથી. અલગ અલગ લોકો માટે પ્રેમનો અલગ અલગ અર્થ છે, વળી, પ્રેમ વિશેના આપણા ખયાલો પણ બદલાતા રહે છે. તમે આજે જેને પ્રેમ કહેતા હો તેને કાલે પ્રેમ ન ગણો તે બિલકુલ શકય છે. મને મિસકોમ્યુનિકેશન ગમતું નથી, આથી 'પ્રેમ'ને બદલે હું 'અફેક્શન'(કુમાશભરી લાગણી હોવી, ગમવું) જેવા સ્પેસિફિક શબ્દ વાપરવાનું પસંદ કરું છું. શૂટિંગ વખતે હું હીરોને એવું કયારેય નહીં કહું કે આ લાઈન બોલતી વખતે તને 'પ્રેમની ફીલિંગ' થઈ રહી છે. હું એક્ટરને એ રીતે સૂચના આપીશ કે, 'આ ડાયલોગ બોલતી વખતે તને હીરોઈનને ભેટી પડવાની ઇચ્છા થઈ રહી છે' અથવા 'તારા મનમાં આ ક્ષણે હીરોઈનને ચૂમી લેવાની તીવ્ર ઇચ્છા જાગી છે' વગેરે. આ રીતે એક્ટરને સમજવામાં આસાની રહે છે. અરે, હું તો મારી દીકરીને વહાલ કરતી વખતે પણ 'આઈ લવ યુ' કહેતો નથી!'
તો શું લવ અને લસ્ટ(વાસના) વચ્ચે શું ભેદ છે એવો ચાંપલો સવાલ પૂછો તો ઇમ્તિયાઝઅલીનો જવાબ હશે : 'સૌથી પહેલાં તો આવો ભેદ હોવો જોઈએ જ શા માટે? લવ અને લસ્ટ જેવી પ્રોફાઉન્ડ લાગણીઓને શબ્દોમાં કેવી રીતે સમજાવી શકાય?'
ઇમ્તિયાઝ અલી ડિવોર્સી છે. ફિલ્મમેકર તરીકે સફળ થયા પછી તેઓ લગ્નનાં બંધનમાંથી મુક્ત થયા. વચ્ચે એક અખબારને ઇમ્તિયાઝે આપેલો ઇન્ટરવ્યૂએ ઠીક ઠીક વિવાદ પેદા કર્યો હતો. ઇમ્તિયાઝે કહેલું કે લગ્નને કારણે માણસ ખુદના અતિ નબળા વર્ઝન જેવો બની જાય છે.('અતિ નબળા'ની જગ્યાએ ઇમ્તિયાઝે ગાળનો પ્રયોગ કર્યો હતો.) તાજેતરમાં 'તમાશા'નાં પ્રમોશન દરમિયાન 'ફિલ્મ કંપેનિયન' નામની એક મસ્ત-મજાની ફિલ્મી વીડિયો-ચેનલે ઇમ્તિયાઝઅલી અને રણબીર કપૂર વચ્ચે સંવાદ ગોઠવ્યો હતો.(સુપર્બ વીડિયો-ચેનલ છે આ. દરેક સિનેમાપ્રેમીએ યૂ ટયૂબ પર જઈને 'ફિલ્મ કંપેનિયન' ખાસ સબસ્ક્રાઇબ કરવી.) વાતવાતમાં રણબીરે ઇમ્તિયાઝને પેલો ઇન્ટરવ્યૂ યાદ કરાવીને હસીને પૂછે છે : 'તમે પેલું લગ્ન વિશેનું સ્ટેટમેન્ટ શા માટે આપેલું?શું તમે લગ્નવિરોધી છો? નેશન વોન્ટ્સ ટુ નો...' જવાબમાં ઇમ્તિયાઝે જોકે વાત વાળી લીધી હતી.
નાનપણમાં ઇમ્તિયાઝ સાવ સાધારણ હતા. ભયંકર શરમાળ, ભણવામાં ઢ, સ્પોર્ટ્સમમાં ય મીંડું. ભલું થજો થિયેટરનું કે જેને કારણે ઇમ્તિયાઝમાં અભિનય અને ડિરેક્શનની રુચિ પેદા થઈ. 'આકસ્મિકપણે' ફિલ્મલાઈનમાં આવી ગયેલા ઇમ્તિયાઝ અલી આજે ચુમાલીસ વર્ષની વયે પણ નાનપણમાં જે જાતજાતની ગ્રંથિઓ અનુભવતા હતા એમાંથી બહાર આવી શકયા નથી, તેઓ કહે છે, 'કોઈ સામાજિક પ્રસંગ હોય કે પાર્ટી-બાર્ટી હોય ત્યારે લોકો સાથે વાતો કરતાં મને આજેય આવડતું નથી. આવા માહોલમાં મને બહુ જ ઓકવર્ડ ફીલ થવા લાગે છે. સેલ્ફ-ડાઉટ(પોતાની ક્ષમતા વિશે શંકા હોવી) અને લઘુતાગ્રંથિ-આ બેય વસ્તુ આજની તારીખેય મારામાં છે. હું જાણું છું કે હું એક સફળ ડિરેક્ટર છું અને લોકો મારી પ્રશંસા કરે છે પણ મારી અસલામતીનો સંબંધ હું એક વ્યક્તિ તરીકે કેવો છું એની સાથે છે. લોકોને લાગે છે કે હું બહુ ક્રિયેટિવ છું ને જિંદગી વિશે ઊંડી સમજ ધરાવું છું પણ મારી બેવકૂફી અને અપરિપકવતા વિશે હું જ જાણું છું. મારે સતત મારી જાત સાથે યુદ્ધ કરતાં રહેવું પડે છે. અમુક લોકો મને સૂફી કહે છે. મને થાય કે જે ખરેખર સૂફી લોકો છે એમને થતું હશે કે ઇમ્તિયાઝ અલી જેવા નૈતિકતાના મામલે દેવાળું કાઢી ચૂકેલા ખોખલા માણસને તમે સૂફીની પંગતમાં કેવી રીતે બેસાડી શકો ?'

લોકો ઇમ્તિયાઝ અલીની ફિલ્મો પર રોમ-કોમ(રોમેન્ટિક કોમેડી)નો થપ્પો લગાવે છે પણ તેઓ પોતાની ફિલ્મોને લવસ્ટોરીનાં ખાનામાં મૂકતાં નથી. એમના હિસાબે, 'જબ વી મેટ'માં આકસ્મિકપણે ભેગા થઈ ગયેલા અને એકબીજાની પર્સનાલિટી પર પ્રભાવ પાડતાં બે પાત્રોની વાર્તા છે. એન્ડમાં હીરો-હીરોઈન ભેગાં થાય છે કે કેમ યા તો પરણે છે કે નહીં તે વાતનું ખાસ મહત્ત્વનું નથી.'લવ આજકલ', 'રોકસ્ટાર' અને 'હાઈવે'માં કોમ્પ્લીકેટેડ માનવીય સંબંધોની વાર્તા છે.
'જબ વી મેટ'નું કરીના કપૂરનું કિરદાર ઓડિયન્સને વર્ષો સુધી યાદ રહેવાનું છે અને અન્ય ફિલ્મમેકરો માટે મહત્ત્વનો રેફરન્સપોઇન્ટ બની રહેવાનું છે. આ પાત્ર ઇમ્તિયાઝ અલીને કેવી રીતે સૂઝ્યું હતું? દિલ્હીની કોલેજમાં ભણતા હતા ત્યારે એક વાર બસમાં મુસાફરી કરતી વખતે એક અતિ વાચાળ યુવતી એમની બાજુની સીટ પર બેઠી હતી. કશી ઓળખાણ નહીં છતાંય એની નોનસ્ટોપ વાતો અટકવાનું નામ લેતી નહોતી. મનમાં આવે તે બધું જ વગર વિચાર્યે ભરડી નાખતી હતી, જેમ કે, વાતવાતમાં એ બોલી પડી કે, 'છેને તે દિવસે મારે એક મેરેજમાં જવાનું હતું પણ હું ન ગઈ, કેમ કે, મારા પિરિયડ ચાલુ થઈ ગયા હતા. મેં મસ્ત વ્હાઈટ ડ્રેસ કરાવ્યો હતો પણ પિરિયડમાં વ્હાઇટ ડ્રેસ કેવી રીતે પહેરાય? એટલે પછી મેં જવાનું જ માંડી વાળ્યંુ...' છેલ્લે છૂટાં પડતાં પહેલાં એવુંય બોલી ગઈ કે, ઈતના કુછ બોલ રહી હું ઈસકા મતલબ યે નહીં હૈ કિ મેરે બારે મેં આપ કુછ ભી સોચો! આ અતિ વાતોડિયણ છોકરીમાં એક પ્રકારની નિર્દોષતા હતી. વર્ષો પછી 'જબ વી મેટ'માં કરીના કપૂરનું કિરદાર ઘડતી વખતે એ છોકરી મહત્ત્વનો રેફરન્સ સાબિત થઈ.
'મેં 'જબ વી મેટ' લખવાનું શરૂ કર્યું ત્યારે મારા મનમાં વાર્તા જેવું કશું હતું જ નહીં,' ઇમ્તિયાઝ અલી કહે છે, 'હું જસ્ટ જોઈ રહ્યો હતો કે આ જે કંઈ લખાઈ રહૃાું છે એમાંથી વાર્તા જેવું કશું નીપજે છે કે કેમ, એક પ્રસંગ એવો લખાયો કે નાયિકાને છોકરાવાળા જોવા આવ્યા છે. છોકરાનાં મનમાં ગેરસમજ પેદા કરવા માટે નાયિકા હીરોને-કે હજુ પૂરો દોસ્ત પણ બન્યો નથી-એને ભેટી પડે છે અને પૂછે છે : આદિત્ય, કયા વો દેખ રહા હૈ? બસ, આ પ્રસંગ લખાયો ત્યારે પહેલી વાર મને લાગ્યું હતું કે આમાંથી ફિલ્મની સ્ક્રિપ્ટ જેવું કશુંક બનાવી શકાશે ખરુંં!'

જરૂરી નથી કે કોઈ વ્યક્તિ કે ઘટના પરથી જ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળે. કયારેક કોઈ વિચાર યા તો અનુભૂતિ ફિલ્મની પ્રક્રિયા ટ્રિગર કરી શકતી હોય છે, જેમ કે, 'રોકસ્ટાર' રિલીઝ થયા પછી ઇમ્તિયાઝ અલી અને રણબીર કપૂર એકવાર મુંબઈની બાંદરાસ્થિત 'ઇન્ડિગો' રેસ્ટોરાંમાં બેઠા બેઠા ગપ્પાં મારી રહ્યા હતા. વાતવાતમાં ઇમ્તિયાઝે કહ્યું કે જો યાર, મારા મનમાં એક વિચાર કયારનો ઘૂમરાયા કરે છે. કદાચ એના પરથી કશુંક બનાવી શકાય. વિચાર એવો છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન વિન્ડો સીટ પર બેસીને બારીની બહાર જોવાનું આપણને ગમતું હોય છે. બહારનું દૃશ્ય સતત બદલાયા કરતું હોય. બહાર ઝાડ, પહાડ, તળાવ, ખેતર, ખેતરમાં કામ કરતાં લોકો દેખાય. આપણને એમની પાસે પહોંચી જવાનું મન થાય પણ એવું કરી ન શકીએ, કેમ કે, આપણે ટ્રેનના બંધિયાર ડબ્બામાં બેઠા છીએ. બહાર આઝાદી છે, મોકળાશ છે જ્યારે ટ્રેનના ડબ્બામાં શિસ્તમાં રહેવું પડે, કાયદા પ્રમાણે ચાલવું પડે. અહીં એક સિસ્ટમ ગોઠવાયેલી છે, જો આ સિસ્ટમને તોડીને બહાર નીકળીએ તો જ આઝાદીનો અહેસાસ થઈ શકે, બસ, વિચારના આ તણખામાંથી 'તમાશા' ફિલ્મનો જન્મ થયો. શરૂઆતમાં ફિલ્મનું વર્કિંગ ટાઇટલ પણ 'વિન્ડો સીટ' રાખવામાં આવ્યું હતું.
ઇમ્તિયાઝ અલી કહે છે, 'આપણા સૌની એક સેલ્ફ-ઈમેજ હોય છે, જેમાં આપણે ખુદને બહુ જ સ્માર્ટ, હોશિયાર અને સર્વગુણસંપન્ન મનુષ્ય તરીકે જોતાં હોઈએ છીએ. આ એક પાસું થયું. આપણાં વ્યક્તિત્ત્વનું બીજું પાસું પણ છે, જે બહુ બોરિંગ હોય છે. આપણે સતત આ બંને પાસાંને એકબીજામાં ભેળવીને તેમની વચ્ચેનો ફર્ક દૂર કરવાની કોશિશ કરતા હોઈએ છીએ. સાચો, લાગણીથી છલોછલ અને ઈમાનદાર સંંબંધ માણસને એનું બેસ્ટ વર્ઝન બનવામાં મદદ કરે છે. 'તમાશા'માં હું આ જ કહેવા માગું છું.'
શો-ટાઇમ

સબ-ટાઇટલ્સ વગર હું ઇંગ્લિશ ફિલ્મો જોઈ શકતી નથી. થિયેટરમાં ચલાવી લેવું પડે પણ કમ્પ્યૂટર પર કે હોમથિયેટરમાં જો સબ-ટાઇટલ્સ આવતાં ન હોય તો ફિલ્મ જોવાનું જ બંધ કરી દઉં છું.
-વિદ્યા બાલન

Monday, November 23, 2015

મલ્ટિપ્લેક્સ : કેઈ પણ એક ફિલ્મનું નામ બોલો તો!

Sandesh - Sanskaar Purti - 22 Nov 2015
મલ્ટિપ્લેક્સ
આપણે જેમ અમુક ફિલ્મો જોઈને થાકતા નથી, તેમ શું હીરો-િહરોઈનોને પણ પોતપોતાની ફેવરિટ ફિલ્મો હોતી હશે? શું તેઓ નિર્ભેળ ઓડિયન્સ બનીને ફિલ્મો માણી શકતા હશે? બીજા કોઈની એક્ટિંગ જોઈને એમનેય વધારે સારું કામ કરવાની ચાનક ચડતી હશે? જવાબ છેઃ હા. 

સિન્ડી પર્લમેન નામની અમેરિકન લેખિકાએ હોલિવૂડના સો કરતાં વધારે મોટાં માથાંઓને સવાલ પૂછ્યોઃ તમને સૌથી વધુ ગમેલી ફિલ્મ કઈ? એવું તે શંુ છે એે ફિલ્મમાં? સેલિબ્રિટીઓએ જે જવાબો આપ્યા તેના આધારે સિન્ડીએ પોતાની સિન્ડીકેટેડ કોલમમાં લેખો લખ્યા. સિરીઝ પૂરી થઈ પછી તેનું પુસ્તક બહાર પાડયું જેનું શીર્ષક છે, 'યુ ગોટ ટુ સી ધિસ'. આવો, આ પુસ્તકનાં થોડાં પાનાં ફેરવીએ. શરુઆત જેનિફર એનિસ્ટનથી કરીએ. 
'ફ્રેન્ડ્ઝ' ટીવી સિરીઝથી વર્લ્ડફેમસ બની ગયેલી અને બ્રેડ પિટની એક સમયની પત્ની જેનિફર એનિસ્ટને 'ટર્મ્સ ઓફ એન્ડીઅરમેન્ટ' અસંખ્ય વાર જોઈ છે. એન્ડીઅરમેન્ટ એટલે પ્રેમ, વહાલ. ૧૯૮૩માં આવેલી આ ફિલ્મમાં મા-દીકરીની કહાણી છે. શર્લી મેકલીન માના રોલમાં છે, ડેબ્રા વિન્ગર દીકરીના. દીકરી માટે માને વળગણ કહી શકાય એટલી હદે પ્રેમ છે. દીકરી મોટી થતી જાય છે તેમ બન્ને સ્ત્રીઓ વચ્ચેનો સંબંધ લવ-હેટ રિલેશનશીપમાં બદલાતો જાય છે. બન્ને સ્ત્રીઓ પ્રેમની, આદર્શ પુરુષની શોધમાં છે. પાંચ ઓસ્કર અવોર્ડ્ઝ જીતી ચુકેલી આ ફિલ્મમાં મા-દીકરીના સંબંધમાં આવતા ચડાવઉતારને હ્ય્દયસ્પર્શી રીતે દર્શાવવામાં આવ્યો છે.
 'આ એવી ફિલ્મ છે જેને તમે કોઇપણ સીનથી જોવાનું શરુ કરી શકો,' જેનિફર એનિસ્ટન કહે છે, 'જેટલી વાર જોઉં છું ત્યારે દર વખતે રડી રડીને મારી હાલત ખરાબ થઈ જાય છે. મને પેલો શર્લી મેકલીન અને જેક નિકલસન ડેટ પર જાય છે તે સીન બહુ ગમે છે. તમને સતત લાગ્યા કરે કે ગ્રાન્ડમધર બની ગયેલી શર્લી જેક સાથે શરીરસુખ માણવા માગે છે, પણ એના મનમાં ફફડાટ છે. આ ફિલ્મમાં હ્યુમર છે, હૃદય વલોવી નાખે એવી મોમેન્ટ્સ છે, સુપર્બ એકિટંગ છે અને વળી ફિલ્મ અદભુત રીતે લખાયેલી છે. આનાથી વધારે બીજું શંુ જોઈએ?'
'Terms of Endearment'

યોગાનુયોગે 'ટર્મ્સ ઓફ એન્ડીઅરમેન્ટ' ટોપ સ્ટાર નિકોલ કિડમેનની પણ મોસ્ટ ફેવરિટ ફિલ્મ છે. 'ધ પિઆનિસ્ટ' (૨૦૦૨) માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતી લેનાર એડ્રીન બ્રોડીની ફેવરિટ ફિલ્મ 'ટેકસી ડ્રાઈવર' છે. માર્ટિન સ્કોર્સેઝીએ ડિરેક્ટ કરેલી અને રોબર્ટ દ નીરોને ટાઈટલ રોલમાં ચમકાવતી આ ફિલ્મ દુનિયાભરના સિનેમાપ્રેમીઓના ફેવરિટ લિસ્ટમાં હોવાની. એમાંય પેલો 'આર યુ ટોકિંગ ટુ મી?'વાળો સીન તો ઓલ-ટાઈમ-કલાસિક છે. આ ફિલ્મમાં અનિદ્રાથી પીડાતો એકલવાયો રોબર્ટ દ નીરો સમય પસાર કરવા એ આખી રાત ન્યુયોર્કમાં ટેકસી ચલાવતો રહે છે. જાતજાતના લોકો સાથે એનો ભેટો થાય છે. એમાં પેલી બાળવેશ્યા જુડી ફોસ્ટર પણ આવી ગઈ.
એડ્રીન બ્રોડી કહે છે, 'મારી જુવાની ફૂટી રહી હતી તે વર્ષોમાં હું આખો દિવસ રોબર્ટ દ નીરો અને અલ પચીનોની ફિલ્મો જોયા કરતો. જો મારે રોબર્ટ દ નીરોની કોઈ એક જ ફિલ્મ પસંદ કરવાની હોય તો હું 'ટેકસી ડ્રાઈવર' સિલેકટ કરુ. આમાં દ નીરોએ એકલતાથી પીડાતા માણસની ભુમિકા જે રીતે ભજવી છે તે અલ્ટિમેટ છે. મને એવુંય લાગે કે આપણે સૌ થોડેઘણે અંશે આ કેરેક્ટર જેવા છીએ. આપણે સૌ એકલતાની ભયંકર લાગણીથી છૂટવા માટે તરફડિયાં મારતા હોઈએ છીએ. આ ફિલ્મ એકદમ સ્ટાઈલાઈઝ્ડ છે, વિઝ્યુઅલી ખૂબસૂરત છે, પણ એમાં કયાંય કશી બનાવટ નથી. તમને સતત સચ્ચાઈનો અહેસાસ થતો રહે છે.'
'Taxi Driver'

હોલિવૂડના હેન્ડસમ અભિનેતા જ્યોર્જ કલૂની પ્રિય ફિલ્મ છે, લાંબુલચ્ચ ટાઈટલ ધરાવતી 'ડો. સ્ટ્રેન્જલવ ઓર હાઉ આઈ લર્ન્ટ ટુ સ્ટોપ વરીઈંગ એન્ડ લવ ધ બોમ્બ' (૧૯૬૪). સ્ટેન્લી કુુબ્રિકની આ માસ્ટરપીસ ફિલ્મ. યુદ્ધના ભયાનક વાસ્તવને પેશ કરતી આ એક બ્લેક કોમેડીમાં કોઈ ચસકેલ માણસના હાથમાં ન્યુકિલઅર વોરની લગામ આવી જાય તો કેવી ખતરનાક પરિસ્થિતિ પેદા થાય તેનું ચિત્રણ છે. સુપર કોમેડીઅન પીટર સેલર્સે આમાં ટ્રિપલ રોલ કર્યા છે.
'મને આ જ થીમ પર બનેલી 'ફેઈલ-સેઈફ' (૧૯૬૪) પણ ખૂબ ગમે છે,' જ્યોર્જ કલૂની કહે છે, 'આ ફિલ્મ સિડની લ્યુમેટે બનાવી છે. આમાંય અમેરિકા-રશિયા વચ્ચેના કોલ્ડ વોરની અને સંભવિત અણુયુદ્ધની વાત છે. 'ડો. સ્ટ્રેન્જલવ' ફની ફિલ્મ છે, તો 'ફેઈલ-સેફ' આપણને ખળભળાવી મૂકે એવી ફિલ્મ છે. બન્ને બ્રિલિયન્ટ છે અને બન્ને અમેરિકા-તરફી છે.'
'ગુડ વિલ હન્ટીંગ' ફિલ્મના સહલેખક તરીકે ઓસ્કર જીતનાર મેટ ડેમનને આપણે એકટર તરીકે વધારે ઓળખીએ છીએ. છેલ્લે આપણે એને 'ધ માર્શિઅન'માં જોયો. એની મોસ્ટ ફેવરિટ ફિલ્મ? 'ગોડફાધર પાર્ટ ટુ'. ૧૯૭૪માં આવેલી ફ્રાન્સિસ ફોર્ડ કપોલાની આ એવરગ્રીન ફિલ્મને આજની તારીખેય કેટલાય ફિલ્મી પંડિતો સિનેમાના ઈતિહાસની બેસ્ટ સિકવલ ગણે છે. આમાં માફિયા બોસ માઈકલ કોર્લીઓન (અલ પચીનો) ફ્લેશબેકમાં જઈને પોતાના પિતા વિતો કોર્લીઓન (માર્લોન બ્રાન્ડો) શી રીતે ન્યુયોર્કમાં પાવરફુલ બન્યા એની વાત કરે છે. યુવાન વિતો કોર્લીઓનનો રોલ રોબર્ટ દ નીરોએ ભજવ્યો છે. આ ભુમિકા માટે દ નીરોને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર પણ મળ્યો હતો.
'હું વર્ષમાં કમસે કમ એક વાર 'ગોડફાધર પાર્ટ ટુ' જોઉં જ છું,' મેટ ડેમન કહે છે, 'ઓહ ગોડ, કયા પાસાંના વખાણ કરવા મારે?બધા જ એકટરોનો અભિનય એવો કમાલનો છે કે મને થાય કે લાઈફમાં મને આવો રોલ કયારે મળશે? અસંખ્ય વખત જોઈ છે તોય દર વખતે આ ફિલ્મ પહેલી વાર જોતા હોઈએ એટલી સુપર-ફ્રેશ લાગે છે.'
ટકલુ વિન ડિઝલ ભલે હથોડાછાપ એક્શન હીરો રહ્યો, પણ એની ફેવરિટ ફિલ્મ ક્લાસિક લવસ્ટોરી 'ગોન વિથ ધ વિન્ડ' (૧૯૩૯) છે. અલબત્ત, સિવિલ વોરની પશ્ચાદભૂ ધરાવતી આ ફિલ્મને હોલિવૂડની પહેલી ઓફિશિયલ એક્શન મૂવી પણ ગણવામાં આવે છે. વિન ડિઝલ કહે છે, 'સ્ક્રીન પર 'ગોન વિથ ધ વિન્ડ' કરતાં બહેતર લવસ્ટોરી આજ સુધીમાં કોઈ આવી છે ખરી? નાયક (કલર્ક ગેબલ) અને નાયિકા (વિવિઅન લી) બન્ને ડિફિકલ્ટ માણસો છે, પણ એકબીજા માટે પરફેક્ટ છે. પહેલી વાર ફિલ્મ જોઈ ત્યારે હું વિવિઅલ લીના પ્રેમમાં પડી ગયો હતો. શી ઈઝ ગોર્જિયસ!'
માઈકલેન્જેલો એન્ટોનિયોનીની 'ધ પેસેન્જર' (૧૯૭૫) રિચર્ડ ગેરની અતિ પ્રિય ફિલ્મોના લિસ્ટમાં સૌથી ઉપર છે. આ ફિલ્મમાં આઈડેન્ડિટી ક્રાઈસિસ અનુભવતો એક રિપોર્ટર (જેક નિકલસન) ઉત્તર આફ્રિકાનું સિવિલ વોર કવર કરવા ગયો છે. એ જે હોટલમાં ઉતર્યો છે એની બાજુના કમરામાં રહેતા માણસનું આકસ્મિક મૃત્યુ થાય છે. જેક નિકલસન એ મૃત આદમીની ઓળખ ધારણ કરીને નવું જીવન શરુ કરે છે. રિચર્ડ ગેર કહે છે, 'આપણું જીવન, આપણું હોવું એક રહસ્ય છે. સ્વ એટલે ખરેખર શું? હું કોણ છું? શું આપણે કયારેય 'સ્વ'થી છૂટકારો મેળવી શકીએ ખરા? 'ધ પેસેન્જર'માં આ બધા પ્રશ્નો એકસપ્લોર થયા છે અને તે પણ એટલી કમાલ રીતે કે આપણને અહેસાસ પણ ન થાય કે ફિલ્મમાં આવા ગહન વિષયને સ્પર્શવામાં આવ્યો છે.'
'Rosemary's Baby'

જો તમને હોરર ફિલ્મોનો શોખ હશે તો રોમન પોલન્સ્કીની ઓસ્કરવિનિંગ ફિલ્મ 'રોઝમેરી'ઝ બેબી' જરુર જોઈ હશે. કલ્પના કરો કે મહાનગરમાં સરસ લાઈફસ્ટાઈલ ધરાવતી કોઈ સ્ત્રી પ્રેગનન્ટ થઈને શેતાનને જણે તો કેવી હાલત થાય? ઓસ્કરવિનિંગ એકટ્રેસ જુલિયન મૂર કહે છે, 'આ ફિલ્મમાં એકપણ વાર શેતાન બાળ સ્ક્રિન પર આવતું નથી, છતાંય તમે એની કલ્પના માત્રથી છળી મરો છો. કલાકારોના ચહેરાના હાવભાવથી, સંગીતથી અને સમગ્ર મૂડથી પોલન્સ્કીએ ગજબનાક માહોલ ઊભો કર્યો છે. મને નથી લાગતંુ કે રોઝમેરીનું કિરદાર બીજી કોઈ એકટ્રેસે મિઆ ફેરો કરતાં બહેતર રીતે નિભાવ્યું હોત. તમે માનશો, આજ સુધી આ ફિલ્મ એકેય વાર મેં થિયેટરમાં જોઈ નથી. મને વિચાર આવે છે કે જો ટીવીસ્ક્રિન પર આ ફિલ્મ જોઈને મારી હાલત થતી હોય તો બિગ સ્ક્રિન પર તો આના કરતાં સો ગણો વધુ ઈમ્પેકટ આવતો હશે!'
'માય લેફ્ટ ફૂટ', 'ધેર વિલ બી બ્લડ' અને 'લિંકન' માટે ત્રણ-ત્રણ વખત બેસ્ટ એક્ટરનો ઓસ્કર જીતીને ઈતિહાસ રચનાર ડેનિયલ ડે-લેવિસ ઓફિશિયલી વિશ્વનો સર્વશ્રેષ્ઠ એક્ટર છે. એેણે પોતાની ફેવરિટ ફિલ્મોનું આખું લિસ્ટ આપી દીધું છેઃ 'કેસ', 'હબસન્સ ચોઈસ', 'મીન સ્ટ્રીટ્સ', 'ઓન ધ વોટરફ્રન્ટ', 'સબ્રિના' અને 'રોમન હોલીડે'.
શું છે આ ફિલ્મોમાં? 'કેસ' (કે-ઈ-એસ, ૧૯૬૯)માં એકલા પડી ગયેલા એક છોકરાની વાત છે. એની ટેગલાઈનમાં આખી ફિલ્મનો હાર્દ આવી જાય છેઃ 'ધે બીટ હિમ. ધે ડિપ્રાઈવ્ડ હિમ. ધે રિડીકયુલ્ડ હિમ. ધે બ્રોક હિઝ હાર્ટ. બટ ધે કુડ નોટ બ્રેક હિઝ સ્પિરિટ.' 'હબસન્સ ચોઈસ' (૧૯૫૪)માં ત્રણ દીકરીઓ સાથે પનારો પાડતા બાપની કહાણી છે. ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝી અને એક્ટર રોબર્ટ દ નીરોની જોડીએ 'મીન સ્ટ્રીટ્સ' (૧૯૭૩)માં ફરી એક વાર કમાલ કરી છે. આમાં દ નીરો રસ્તા પર ધમાલ કરતા પન્ક ટપોરી બન્યા છે. 'ઓન ધ વોટરફ્રન્ટ' (૧૯૫૪)માં ભ્રષ્ટ માહોલમાં સપડાયેલા પ્રામાણિક એકસ-બોકસરની વાત છે. માર્લોન બ્રાન્ડોએ આ ફિલ્મથી અભિનયની નવી શૈલી ઈન્ટ્રોડયુસ કરી હતી. 'સબ્રિના' (૧૯૫૪)માં પ્રણયત્રિકોણ છે, તો 'રોમન હોલીડે' (૧૯૫૩)માં ઊંચે મહેલોવાલી હીરોઈન ઔર ગલીયોં કા રાજા જેવા હીરોથી પુલકિત થઈ જવાય એવી મસ્તમજાની લવસ્ટોરી છે.
'મને લાગે છે કે નાનો હતો ત્યારે મારી હાલત પણ કયારેક કયારેક 'કેસ'ના પેલા અવગણાયેલા છોકરા જેવી થઈ જતી હતી. હું આ કિરદાર સાથે આજે પણ આઈડેન્ટિફાય કરી શકું છંું,' ડેનિયલ ડે-લેવિસ કહે છે, 'માર્ટિન સ્કોેર્સઝીની સૌથી પહેલી ફિલ્મ મેં જોઈ હોય તો તે હતી 'મીન સ્ટ્રીટ્સ'. ઓહ જિસસ, આ ફિલ્મ વિશે હું શું કહું? તમે જેનાથી સાવ અજાણ હો એવી દુનિયામાં કોઈ તમારો હાથ પકડીને ખેંચી જાય ત્યારે તમને કેવી ફિલિંગ થાય? માર્ટિનની ફિલ્મોમાં જીવન ધબકતું હોય છે, સચ્ચાઈ સળવળતી હોય છે. મને એ પણ સમજાય છે કે કઈ રીતે માર્ટિન આ ફિલ્મ પછી 'ટેકસી ડ્રાઈવર', 'રેજિંગ બુલ' અને દ નીરોવાળી અન્ય ફિલ્મો તરફ વળ્યા હશે.... અને માર્લોન બ્રાન્ડો! વોટ અ મેગ્ન્િફિસન્ટ મેન! 'ઓન ધ વોટરફ્રન્ટ'માં શું કામ કર્યું છે એમણે! અભિનેત્રીઓની વાત કરુ તો... ઑડ્રી હેપ્બર્ન! મને 'સબ્રિના' અને 'રોમન હોલીડે' બન્નેમાં ઑડ્રી ખૂબ જ ગમે છે. એને જુઓ તો એવું જ લાગે કે જાણે એ જન્મી તે દિવસથી તમે એને ઓળખો છો. એટલી ફ્રેશ, એટલી ગમતીલી!'
'યુ ગોટ ટુ સી ધિસ' પુસ્તકમાં સેંકડો ફિલ્મો વિશે આ ઢાળમાં વાતો થઈ છે, પણ આપણે અહીં પૂર્ણવિરામ મૂકીએ. આ લેખમાં ઉલ્લેખ પામેલી તમામ ફિલ્મો વીણી વીણીને જોઈ કાઢજો. ઓલરેડી જોઈ ચુકયા હો તો બીજી વાર જોજો. જલસો પડશે.
શો-સ્ટોપર

સમય વહી રહૃાો છે. લાઈફમાં જે કંઈ કરવા માગો છો તે અત્યારે જ કરી નાખો. કશાયની રાહ ન જુઓ.
- રોબર્ટ દ નીરો

Saturday, November 21, 2015

ટેક ઓફ : ઈશ્વર... તું કશુંય આપે તો આનંદ, તું કશુંય ન આપે તો પણ આનંદ !

Sandesh - Ardh Saptahik Purti - 11 Nov 2015

ટેક ઓફ 
પ્રાર્થના ઈશ્વર સાથે સભાનપણે થતું કોમ્યુનિકેશન છે, જે ગમે ત્યાં થઈ શકે છે. કામ કરતાં કરતાં, ડ્રાઇવ કરતાં કરતાં, સૂઈને, બેસીને, ચાલતાં ચાલતાં, એકાંતમાં, મંદિરમાં, સમૂહમાં! દિવાળીનાં શુભ પર્વ પર કેટલીક ચુનંદી પ્રાર્થનાઓ પ્રસ્તુત છે...


દિવાળીનું પર્વ છે. નવું વર્ષ બિલકુલ આંખ સામે આવીને ઊભું છે. કશુંક નવું શરૂ થઈ રહ્યું હોય ત્યારે ઈશ્વરની પ્રાર્થના કરતાં બહેતર કામ બીજું કયું હોવાનું. આપણે આપણા સર્જનહાર સાથે સતત જોડાયેલાં હોઈએ છીએ, છતાં પ્રાર્થના આ સંધાનને એક વિશિષ્ટ સમતલ પર મૂકી આપવાનું કામ કરે છે. પ્રાર્થના ઈશ્વર સાથે સભાનપણે થતું કોમ્યુનિકેશન છે, જે ગમે ત્યાં થઈ શકે છે, કામ કરતાં કરતાં, ડ્રાઇવ કરતાં કરતાં, સૂઈને, બેસીને, ચાલતાં ચાલતાં, એકાંતમાં, મંદિરમાં, સમૂહમાં...
કેટલીક અતિ પ્રિય પ્રાર્થનાઓ આજે અહીં શેર કરવાનું મન થાય છે. પ્રારંભ રવીન્દ્રનાથ ટાગોરની ઓલ-ટાઇમ-ક્લાસિક પ્રાર્થનાથી કરીએ. જેટલી વાર આ પ્રાર્થના વાંચીએ ત્યારે દર વખતે ચિત્તમાં નવા દીવડા પ્રગટાવી દે છે. સાંભળો :
'પ્રભુ ! વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, વિપત્તિમાં હું ભય ન પામું એમ ઇચ્છું છું. દુઃખ, તાપમાં કે વ્યથિત ચિત્તમાં ભલે સાંત્વના ના આપ પણ દુઃખ પર વિજય મેળવું એમ ઇચ્છું છું. ભલે મને સહાય ન મળે પણ પોતાનું બળ ન તૂટે એમ ઇચ્છું છું. સંસારમાં ક્ષતિ પામવા છતાં, માત્ર વંચના મેળવવા છતાં, પોતાનાં મનમાં ક્ષતિ ન પામું તેમ ઇચ્છું છું. તું મારો બચાવ કરજે, એ મારી પ્રાર્થના નથી, હું તરી શકું એટલી શક્તિ રહે એમ ઇચ્છું છું. ભલે મારો ભાર હળવો કરીને સાંત્વના ન આપે પણ હું એ વેંઢારી શકું એમ ઇચ્છું છું. નમ્ર મસ્તકે, સુખના દિવસે તારો ચહેરો ઓળખી લઈશ-દુઃખની રાતે સમગ્ર પૃથ્વી જે દિવસે વંચના કરે ત્યારે તારા પર સંશય ન કરુંં તેમ ઇચ્છું છું...'
કવિ સુરેશ દલાલે 'મારી પ્રાર્થનાનું વિશ્વ' નામનું આખું પુસ્તક લખ્યું છે. કવિહ્ય્દય અને ભક્તિરસ વચ્ચે કયો વિશિષ્ટ સંબંધ હોય છે? કવિ કહે છે કે, પ્રભુ, તારી પાસે અમે માગી માગીને શું માગીએ, કેમ કે,
'...અમે અશક્તિમાન છીએ અને તું શક્તિમાન. એથી તો તું ભગવાન. અમારી નિર્બળતાને અમે બરાબર જાણીએ છીએ. હે પ્રભુ! તું અમને મન-વચન-કર્મની એકતા આપ. અમારામાં અસંખ્ય વિરોધો અને વિરોધાભાસો છે. અમને સંવાદિતા આપ, પછી પવિત્ર શાંતિ અને શાંત પવિત્રતા આપોઆપ પ્રગટશે. અમારો ચહેરો સોનાનો હોય અને પગ માટીના હોય એ મારાથી સહેવાતું નથી, તું અમને માટીપગા ન બનાવ. તારે રસ્તે ચાલીએ એવું અમારા ચરણમાં બળ આપ-અને તારે રસ્તે યાત્રા કરતાં ચહેરો સુવર્ણનો થતો જાય અને અમે જ અમારા આકાશમાં સૂર્ય થઈને પ્રગટી શકીએ એવી ભક્તિ-શક્તિ આપ, હે પ્રભુ ! અમને ચિંતાના ચકરાવામાંથી મુક્ત કર. અમારે જે કંઈ કામ કરવાનાં છે એને માટે પૂરેપૂરો અવકાશ આપ, તું આવ, અમારો હાથ હાથમાં લે, અમને રસ્તો અને દિશા બંને બતાવ. તું આવે એની અમે રાહ જોઈએ છીએ.'


પરમ પિતા પાસે સાચા દિલથી કશુંક માગીએ ને એ ન મળે એવું બને ખરુંં ? ન બને. ખુદ ઈશુ ખ્રિસ્તના શબ્દો છે કે-
'માગો એટલે મળશે, શોધો એટલે જડશે, ખખડાવો એટલે બારણાં ખૂલશે, કારણ, જે માગે છે તેને મળે છે, જે શોધે તેને જડે છે, જે ખખડાવે તેને માટે બારણાં ખૂલે છે. તમારામાં એવો કોણ છે, જે પુત્ર રોટી માગે તો પથ્થર આપે? તમે ખરાબ હોવા છતાં તમારાં બાળકોને સારી વસ્તુ આપવાનું જાણો છો, તો પરમ પિતા પોતાની પાસે માગનારને સારી વસ્તુ જ આપે એમાં શંકા શી? તમે સાંકડા દરવાજેથી દાખલ થજો, કારણ કે વિનાશ તરફ જતો માર્ગ પહોળો છે, તેનો દરવાજો મોટો છે અને ત્યાં જનારા ઘણા છે પણ જીવન તરફ જતો માર્ગ સાંકડો છે, તેનો દરવાજો નાનો છે અને તેને શોધી કાઢનારા ઓછા છે.'
ઈશા-કુન્દનિકાએ 'ઝરૂખે દીવા' નામનો અદ્ભુત સંગ્રહ સંપાદિત કર્યો છે, એમાં મન-હ્ય્દય વિષાદથી છલકાતાં હોય ત્યારે આખા માંહ્યલાની બેટરી તરત ચાર્જ કરી નાખે એવી પ્રાર્થનાઓ પણ છે અને ઊંડી સમજ તેમજ ડહાપણથી ભરેલી વિચારકણિકાઓ પણ છે. ઉદાહરણ તરીકે, હજરત ઈનાયતખાંએ અંતરાત્માને ઉદ્દેશીને કરેલી આ બંદગી. અંતરાત્મા એટલે આપણી ભીતર વસેલા ભગવાનનો અવાજ, આપણાં ચારિત્ર્ય માટેનું દિશાસૂચક યંત્ર. ઈનાયતખાં કહે છે કે-
અંતરાત્મા !
તું સમૃદ્ધ દશામાં હો કે દુર્દશામાં, તારા સિદ્ધાંતોને જાળવી રાખજે. જીવનની કસોટીઓ અને પરીક્ષાઓમાં તારી શ્રદ્ધા દઢ રાખજે. મિત્રોની ગોપન વાતોને પવિત્ર વિશ્વાસની જેમ સાચવજે. પ્રેમમાં સ્થાયી ભાવ રાખજે. ગમે તેવી આફત આવી પડે, વચનભંગ કરીશ નહીં. જીવનની સઘળી પરિસ્થિતિમાં, દુનિયાને હાસ્યોથી નવાજજે. તારી પાસે કંઈક હોય ત્યારે, જેની પાસે એ નથી તેનો વિચાર કરજે. ગમે તે ભોગે તારૂુંં ગૌરવ જાળવજે. બધા જ સંજોગોમાં તારા આદર્શની મશાલ ઊંચી રાખજે. તારા પર જેઓ આધાર રાખે છે તેમની અવગણના કરીશ નહીં.
અંતરાત્મા !
કર્તવ્યને ધર્મ જેટલું પવિત્ર ગણજે. દરેક પ્રસંગે કુનેહ વાપરજે. લોકોનું યથાર્થ મૂલ્યાંકન કરજે. પ્રત્યેક વ્યક્તિની ભાવનાનું માન રાખજે. તારો સમોવડિયો ન હોય તેને પડકાર ફેંકીશ નહીં. તારી ઉદારતાનો દેખાડો કરીશ નહીં. જેઓ આપી શકે તેમ ન હોય તેમની મહેરબાની યાચીશ નહીં. તારી ઊણપોને તારા આત્મગૌરવની ધારથી વીંધજે. વિપત્તિમાં તારા ચિત્તને દીનહીન બનવા દઈશ નહીં.
મારા અંતરાત્મા !
તારી જવાબદારી પવિત્ર ગણજે. બધા પ્રત્યે નમ્ર થજે. તારુંં અંતઃકરણ ડંખ અનુભવે એવું કશું કદી કરીશ નહીં, જેમને મદદ કરવાની જરૂર છે તેમની પ્રત્યે સ્વેચ્છાએ હાથ લંબાવજે. જે તારા ભણી ઊંચું જુએ તેના ભણી નીચું જોઈશ નહીં. તારા નિયમથી બીજાનો ચુકાદો તોળીશ નહીં. તારા ખરાબમાં ખરાબ દુશ્મન પ્રત્યે પણ દુર્ભાવ સેવીશ નહીં. કોઈના પર ખોટું કરવા માટે પ્રભાવ પાડીશ નહીં. કોઈના પ્રત્યે પૂર્વગ્રહ રાખીશ નહીં. તારાં બધાં કાર્યોમાં વિશ્વસનીય બનજે.
મારા અંતરાત્મા !
ખોટા દાવાઓ કરીશ નહીં. બીજાઓની ગેરહાજરીમાં તેમની વિરુદ્ધ બોલીશ નહીં. કોઈનાં અજ્ઞાાનનો લાભ લઈશ નહીં. તારાં સારાં કામોની બડાઈ હાંકીશ નહીં. બીજાનું હોય તેના પર હક નોંધીશ નહીં. બીજાઓને ઠપકો આપીને તેની ભૂલો વધુ દૃઢ કરીશ નહીં. જે કામ પૂરુંં કરવાનું હોય તે કરવામાં સહેજ પણ કસર રાખીશ નહીં. જેમને તારી સેવાઓની જરૂર હોય તેમને શ્રદ્ધાપૂર્વક તારી સેવાઓ આપજે. કોઈને ખાડામાં ઉતારીને તારો લાભ શોધીશ નહીં. તારા ફાયદા માટે કોઈને નુકસાન પહોંચાડીશ નહીં.'


ખરેખર, આપણું સદ્વર્તન એ જ આપણી પ્રાર્થના છે. મંદિરમાં મૂર્તિ સામે હાથ જોડીને ઊભા રહી જવાથી કે ટીલાં-ટપકાં કરવાથી ઈશ્વર સાથે સંવાદ થતો નથી. પ્રાર્થના એક સક્રિય સ્થિતિ છે. શ્રીમદ્ રાજચંદ્ર શું કહે છે ?
 'સત્ય પણ કરુણામય બોલવું. વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું. સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું.
સર્વ પ્રાણીમાં સમભાવ રાખું. સુખદુઃખ પર સમભાવ કરુંં. આત્મપ્રશંસા ઇચ્છંુ નહીં.
વેરીના ગુણની પણ સ્તુતિ કરુંં. મનના આનંદ કરતાં આત્માનંદને ચાહું. અધિકારનો ગેરઉપયોગ કરુંં નહીં.
કોઈ કાળે ખુદને દુઃખી માનું નહીં. શક્તિનો ગેરઉપયોગ કરુંં નહીં.
આપત્તિકાળે પણ ધર્મનું દઢપણું ત્યાગવું નહીં. ગુપ્ત તપ કરવું, નિર્લોભતા રાખવી.
દુર્જનતા કરીને ફાવવું એને હારવું જ માનવું. શાંત સ્વભાવ એ જ સજ્જનતાનું ખરુંં મૂળ છે.
કોઈ બાંધનાર નથી, સહુ પોતાની ભૂલથી બંધાય છે. કોઈની ગુપ્ત વાત કોઈને કરશો નહીં.
પરદુઃખ પોતાનું દુઃખ સમજવું. પરહિત એ જ નિજહિત સમજવું. પરનિંદા એ સબળ પાપ માનવું. આત્મજ્ઞાની અને સજ્જનની સંગત રાખવી.'
શ્રીમદ્ રાજચંદ્ર સત્ય કડવાશથી નહીં પણરુણામય રીતે બોલવાની વાત કરે છે. સત્ય એક વિરાટ શબ્દ છે જે કેટલીય સંકલ્પનાઓને પોતાનામાં સમાવી લે છે, તેથી જ હેનરી ડેવિડ થોરો પ્રભુને કહે છે કે, હે ઈશ્વર, તું મને પૈસા આપે તે કરતાં, પ્રતિષ્ઠા આપે તે કરતાં, પ્રેમ આપે તે કરતાં, સત્ય આપ !
સુરેશ દલાલ કહે છે ભગવાન પાસે માગી માગીને શું માગીએ પણ ફાધર લેસરની માગણીઓ બહુ જ સ્પષ્ટ છે, કહે છે :
'ઓ ઈશ્વર !

મને સદા મુક્ત રાખજે... અભિમાન અને વધારે પડતી આત્મસભાનતાથી, બીજાઓ મારા મોટી કિંમત આંકે એવી લાલસાથી, બીજાઓ મને ચાહે એવા મોહથી.
ઓ ઈશ્વર !
મને બચાવજે... બીજાઓ મને શોધતા આવે એવી વૃત્તિથી, બીજાઓ મારું બહુમાન કરે એવી ઇચ્છાથી, બીજાઓ મારાં વખાણ કરે એવી ઝંખનાથી.
ઓ ઈશ્વર !
મને સદાય બચાવજે... બીજાઓ કરતાં મને વધારે પસંદગી આપવામાં આવે એવી ઇચ્છાથી, બીજાઓ મારી સલાહ પૂછે એવા મોહથી.
-અને મને મુક્તિ આપજે હે ઈશ્વર!

...બીજાંઓ મારુંં અપમાન કરશે, મારો તિરસ્કાર કરશે, મને વીસરી જશે, મારી મશ્કરી કરશે, મને હાનિ પહોંચાડશે, મારા પ્રત્યે વહેમ અને શંકાથી જોશે એવા ભયથી.'ઈશ્વર પાસે માગવામાં વળી શરમ શાની. આ મામલામાં કન્હનગઢના માતા કૃષ્ણાબાઈનો સ્પિરિટ ગજબનો છે. શી રીતે? આનંદનો મહાસાગર ઉછાળતી એમની પ્રાર્થનામાં તેનો જવાબ છે :
'હે ભગવાન,

તારી સાથે વાત કરવાની મજા, તારી સાથે ચૂપ રહેવાની મજા.
આંખ ખુલ્લી રાખું તો આનંદ, આંખ બંધ રાખું તો પણ આનંદ.
તું કાંઈ આપે તેમાં આનંદ, તું કાંઈ ન આપે તેથી પણ આનંદ.
તારી પાસેથી માગવાની મજા, તારી પાસેથી મેળવવાની મજા.
તારી પાસેથી કાંઈ ન મળે તો પણ આનંદ. તારી અંદર આનંદ. તારી બહાર આનંદ...'
આનંદની આ અનુભૂતિ પર, પ્રાર્થનાપર્વ પર અહીં પૂર્ણવિરામ મૂકીએ...
હેપી દિવાલી... નૂતન વર્ષાભિનંદન...

0 0 0 

Thursday, November 19, 2015

ટેક ઓફ : લક્ષ્મી, સરસ્વતી અને જોન ગ્રિશમ

Sandesh - Ardh Saptahik Purti - 18 Nov 2015
ટેક ઓફ 
અમેરિકાના સુપરસ્ટાર નવલકથાકાર જોન ગ્રિશમ પુસ્તકો લખી લખીને ૨૨૦ મિલિયન ડોલર એટલે કે ઓલમોસ્ટ ૧૫ અબજ રૂપિયાના માલિક બન્યા છે. દર વર્ષે તેઓ સરેરાશ ૨૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧ અબજ ૩૨ કરોડ રૂપિયા પોતાની કલમના જોરે કમાય છે. રાંક ગુજરાતી લેખકો બાપડા બેહોશ થઈને ઢળી પડે એવા તોતિંગ આ આંકડા છે. શું છે જોન ગ્રિશમની લેખન-કસબનું રહસ્ય ?
મેરિકાના સુપર સ્ટાર નવલકથાકાર જોન ગ્રિશમ આજકાલ ન્યૂઝમાં છે, એમની લેટેસ્ટ બેસ્ટસેલર નવલકથા 'રોગ લોયર'ને કારણે. જોન ગ્રિશમ માટે જોકે આ રૂટિન છે. તેઓ દર વર્ષે નવી નવલકથાનું પુસ્તક બહાર પાડે છે, જે દર વખતે સુપરહિટ પુરવાર થાય છે. 'રોગ લોયર' એમની બત્રીસમી નવલકથા છે. એમણે એક ટૂંકી વાર્તાનો સંગ્રહ અને એક નોન-ફિક્શનનું પુસ્તક પણ લખ્યું છે. જોન ગ્રિશમ પોતે વકીલ રહી ચૂકયા છે એટલે એમની નવલકથાઓ મોટેભાગે કાયદાકાનૂન, કોર્ટ અને ક્રિમિનલ્સની આસપાસ ઘૂમરાતી હોય છે. એમણે લખેલાં પુસ્તકોની ૩૩ કરોડ કરતાં વધારે નકલ વેચાઈ ચૂકી છે. દુનિયાભરની ૪૨ ભાષાઓમાં તેમની નવલકથાઓના અનુવાદ થઈ ચૂકયા છે. ૬૦ વર્ષીય જોન ગ્રિશમ હાલ કેટલી સંપત્તિના માલિક છે ? ૨૨૦ મિલિયન ડોલર એટલે કે ઓલમોસ્ટ ૧૫ અબજ રૂપિયા! દર વર્ષે તેઓ સરેરાશ ૨૦ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧ અબજ ૩૨ કરોડ રૂપિયા પોતાનાં પુસ્તકોના જોરે કમાય છે. રાંક ગુજરાતી લેખકો બાપડા બેહોશ થઈને ઢળી પડે એવા તોતિંગ આ આંકડા છે.
જોન ગ્રિશમ પર સરસ્વતી અને લક્ષ્મી બન્નેના ચચ્ચાર હાથ છે. આ કેવી રીતે શકય બન્યું? માણસે નાનપણથી લેખક બનવાનાં સપનાં જોયાં હોય, કાચી ઉંમરે ટૂંકી વાર્તા, જોડકણાં, કવિતા, ડાયરી ને એવું બધું લખવાનું શરૂ કરી દીધું હોય તો જ મોટપણમાં એ લેખક બની શકે એવું જરૂરી નથી, જોન ગ્રિશમે નાનપણમાં શું, કોલેજમાં આવી ગયા ત્યાં સુધી લેખક બનવાનો વિચાર નહોતો કર્યો. નાના હતા ત્યારે કન્સ્ટ્રક્શન વર્કર તરીકે કામ કરતા તેમના પિતાજીની ખૂબ બદલીઓ થયા કરતી. પાંચ સંતાનોને ઠીક ઠીક રીતે ઉછેરી શકાય તે માટે પિતાજી અઠવાડિયાના સાતેય દિવસ બાર-બાર કલાક કામ કરતા. મમ્મી ટીવીની જબરી વિરોધી. સંતાનોને ટીવી જોવાને બદલે પુસ્તકો વાંચવા માટે સતત પ્રોત્સાહન આપે, જેવી નવાં શહેરમાં ટ્રાન્સફર થાય કે તરત મા છોકરાઓને સ્થાનિક લાઈબ્રેરીના મેમ્બર બનાવી દે. ઘરમાં પુસ્તકોના ઢગલા પડયા હોય. ભાઈ-ભાંડુડાં અને મા મોટે મોટેથી એકબીજાને પુસ્તક વાંચી સંભળાવે. આમ, જોન ગ્રિશમને નાનપણથી જ ચિક્કાર વાંચવાની ટેવ પડી.
આમ છતાંય જોન ગ્રિશમે લખવાનું બહુ મોડું શરૂ કર્યું, કોલેજ પૂરી કરી લીધા પછી ને વકીલાત શરૂ કરી દીધા બાદ. કોલેજના થર્ડ યરમાં નવલકથા જેવું લખવાની કોશિશ કરી હતી ખરી પણ એકાદ પ્રકરણ લખાયા પછી ગાડી અટકી ગઈ એટલે પ્રોજેક્ટ પડતો મૂકેલો.
જોન ગ્રિશમે કયારે સિરિયસલી લખવાનું વિચાર્યું ? બન્યું એવંુ કે એક વાર કોર્ટમાં બળાત્કારનો કેસ આવ્યો. પીડિતા છોકરી માત્ર બાર વર્ષની હતી, એના પિતાજી કોર્ટમાં હાજર હતા. છોકરીના બાપને જોઈને વકીલ જોન ગ્રિશમના મનમાં વિચાર આવ્યો : ધારો કે આ માણસે ક્રોધે ભરાઈને કાયદો પોતાના હાથમાં લઈ લે તો? પોતાની દીકરી સાથે રેપ કરનારનું એ ખૂન કરી નાખે તો? કોઈ વકીલ પાસે આ કેસ આવે તો એ કેવી રીતે કોર્ટમાં દીકરીના બળાત્કારીનું ખૂન કરનારનો કેસ લડે અને એને સજામાંથી ઉગારે?
૨૮ વર્ષના જોન ગ્રિશમને લાગ્યું કે આ આઈડિયા પરથી તો હાઈક્લાસ નવલકથા લખી શકાય એમ છે. ૧૯૮૪ની એક સુંદર સવારે એમણે લખવાનું શરૂ કરી દીધું. જસ્ટ એમ જ, હોબી તરીકે. એક પછી એક પાનું લખાતું ગયું. ગ્રિશમને મજા પડતી ગઈ. નવલકથા પૂરી કરતાં એમને ત્રણ વર્ષ લાગ્યાં. આ ત્રણ વર્ષ શું રૂટિન હતું એમનું ? સવારે લગભગ સાડાચારે વાગે ઊઠી જવાનું. ફટાફટ તૈયાર થઈને પાંચ વાગે પોતાની ઓફિસ ખોલવાની, સ્ટ્રોંગ કોફી બનાવવાની અને પછી લખવા બેસી જવાનું. બે કલાક સુધી નીરવ શાંતિમાં લખ્યા કરવાનું. નવ વાગે કોર્ટમાં હાજર થઈ જવાનું હોય એટલે સાતથી નવ કેસની તૈયારી કરવી પડે. ઊઘડતી કોર્ટે ગ્રિશમની હાલત કોથળા જેવી થઈ ગઈ હોય, કેમ કે, લેખનકાર્ય માણસને નીચોવી નાખે છે. દિવસ દરમિયાન વચ્ચે ફક્ત અડધો કલાક ખાલી મળે તો પણ ગ્રિશમ એટલા સમયનો ઉપયોગ પોતાનાં વાર્તાલેખન માટે કરી લેતા. તે અરસામાં તેઓ મિસિસિપી સ્ટેટ લેજિસ્લેચરના સભ્ય પણ હતા એટલે એનુંય ઠીક ઠીક કામ રહેતું.
લખતાં લખતાં કેટલીય વાર અટકી જવાતું. આગળ કઈ રીતે વધવું તે સમજાય નહીં. પોતાને ખરેખર લખતાં આવડે છે કે નહીં એવી શંકા જાગે, નાહિંમત થઈ જવાય. એમ થાય કે હું શું કામ આ કારણ વગરની મજૂરી કરૂું છું? કોના માટે? 'બસ, બહુ થયું,નથી લખવું મારે! એક આખો મહિનો એક શબ્દ સુદ્ધાં ન લખ્યો હોય એવુંય બનતું. બુકસ્ટોરમાં લટાર મારે ત્યારે શેલ્ફ પર ગોઠવાયેલાં હજારો પુસ્તકો જોઈને વિચાર આવે કે બીજાં લોકોએ ઓલરેડી આટલું બધું લખી નાખ્યું છે ત્યારે હું શું નવું લખી શકવાનો? કોઈને શા માટે મારાં લખાણમાં રસ પડે? સદ્ભાગ્યે નિરાશાના આવા તબક્કા બહુ લાંબા ન ચાલતા. લખવાનુંુ શરૂ કર્યું છે તો બસ, હવે ગમે તેમ કરીને પૂરુંં કરવું જ છે એવા જુસ્સા સાથે ગ્રિશમ પાછા લખવા બેસી જતા.
ત્રણ વર્ષે પૂરી કરેલી પહેલી નવલકથાનું શીર્ષક હતંુ, 'અ ટાઇમ ટુ કિલ.' નવલકથા તો લખાઈ ગઈ પણ તેને છાપશે કોણ?ચાલીસથી પચાસ પ્રકાશકોએ ના પાડી દીધી. આખરે ન્યૂયોર્કના એક નાના પ્રકાશકે માંડ પાંચ હજાર કોપી છાપી. છાપ્યા પછી વેચવાની સમસ્યા ઊભી થઈ. પ્રકાશકનું માર્કેટિંગ નબળું હતું એટલે હજાર નકલો જોન ગ્રિશમે પોતે જ ખરીદી લીધી અને પછી ગામેગામ ફરીને વેચવાની કોશિશ કરી. આ સઘળી કસરત દરમિયાન જોન ગ્રિશમે બીજી નવલકથા લખવાનું શરૂ કરી દીધું હતું. એનું ટાઇટલ હતું, 'ધ ફર્મ'. બીજી નવલકથા પ્રમાણમાં ઝડપથી લખાઈ. આ નવલકથાનું પુસ્તક બહાર પડે તે પહેલાં એનો ફાઇનલ ડ્રાફ્ટ હોલિવૂડમાં સરકયુલેટ થવા માંડયો હતો. પેરેમાઉન્ટ સ્ટુડિયોને વાર્તામાં રસ પડયો. એમણે જોન ગ્રિશમને પૂરા પાંચ લાખ ડોલર ચૂૂકવીને નવલકથા પરથી ફિલ્મ બનાવવાના હક ખરીદી લીધા. ૧૯૯૧માં પુસ્તક બહાર પડયું. સુપર હિટ! 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ના બેસ્ટ-સેલર લિસ્ટમાં લાગલગાટ પચાસ વીક સુધી આ નવલકથાએ અડિંગો જમાવી રાખ્યો. ૧૯૯૩માં 'ધ ફર્મ' ફિલ્મ રિલીઝ થઈ તે પણ સુપર હિટ. ટોમ ક્રુઝ જેવો હોલિવૂડનો સુપર સ્ટાર એનો મેઈન હીરો હતો. બીજી જ નવલકથાએ જોન ગ્રિશમને પુસ્તક પ્રકાશનની દુનિયાના સ્ટાર બનાવી દીધા. એમની કૃતિઓ પરથી પછી તો ઘણી ફિલ્મો અને ટીવી સિરીઝો બની છે.


જોન ગ્રિશમના કાને વાત પડી કે સ્ટાર રાઇટરો વર્ષે એક નોવેલ તો બહાર પાડે જ છે. આ વાત એમના મનમાં ચોંટી ગઈ. વકીલાત અને રાજકારણને અલવિદા કહી ચૂકેલા જોન ગ્રિશમ વર્ષે એક નવલકથા લખે છે, તેઓ કહે છે, 'દર વર્ષે સમજોને કે ઓગસ્ટ-સપ્ટેમ્બર-ઓક્ટોબર-નવેમ્બર આ ચાર મહિના દરમિયાન હું નવી નવલકથા લખી નાખું છું. સવારે છથી બપોરના સાડાબાર સુધી, અઠવાડિયાના પાંચ દિવસ લખવાનું મારુંં રૂટિન છે. રોજ પુસ્તકનાં પાંચથી છ છપાયેલાં પાનાં જેટલું મેટર લખાય. રોજના પાંચ પાનાં ગણો તોય ચાર મહિનામાં ૪૮૦ પાનાંની નવલકથા લખાઈ જાય. મને હવે આ રીતે લખવાની આદત પડી ગઈ છે. હું વર્ષોથી એ જ જગ્યાએ, એ જ ટેબલ-ખુરસી પર, એવી જ સ્ટ્રોન્ગ કોફી બનાવીને, એક જ ટાઈપનો મગ ભરીને લખવા બેસું છું. મારુંં કમ્પ્યૂટર પણ એનું એ જ છે. છેલ્લી પંદરેક-સત્તર નવલકથાઓ મેં આ જ કમ્પ્યૂટર પર લખી છે.'
જોન ગ્રિશમ નવલકથા લખવાનું શરૂ કરતાં પહેલાં રૂપરેખા(આઉટલાઈન) તૈયાર કરવા પર બહુ ભાર આપે છે. કયારેક તો એક્ચ્યુઅલ નવલકથા કરતાં રૂપરેખા તૈયાર કરવામાં વધારે સમય ગાળે. રૂપરેખામાં શું હોય? પ્રત્યેક પ્રકરણનો ટૂંકસાર. ગ્રિશમ કહે છે, 'નવલકથા લખી નાખ્યા પછી એને એડિટ કરવામાં પણ ઘણો સમય લાગી જાય છે પણ રૂપરેખા તૈયાર કરવાનું કામ તો સૌથી વધારે કડાકૂટભર્યું છે. આઉટલાઈન લખવામાં હું જેટલો વધારે સમય આપું એટલી નવલકથા લખવાનું મારા માટે આસાન બનતું જાય. વિગતવાર રૂપરેખા તૈયાર કરો એટલે તરત સમજાય જાય કે આખી વાર્તામાં કયા સબ-પ્લોટ નકામા છે, કયાં કથાપ્રવાહ ઢીલો પડી શકે તેમ છે, કયાં નવાં પાત્રો ઉમેરવાની જરૂર છે, વગેરે. નવલકથાની શરૂઆત વાચકને બાંધી દે તેવી હોવી જોઈએ. પહેલાં ચાલીસ પાનાં દરમિયાન વાચક જકડાઈ જાય એવો સ્ટ્રોન્ગ હૂકપોઈન્ટ ન આવ્યો તો વાચક આગળ વાંચવાનું છોડી દેશે. નવલકથાનો વચ્ચેનો પોર્શન સૌથી પડકારજનક છે, તે સહેજ પણ ઢીલો પડવો ન જોઈએ અને અંત વાચકે કલ્પ્યો ન હોય તેવો હોવો જોઈએ. આ હું મારી પહેલી નવલકથાના અનુભવ પરથી જ શીખી ગયો હતો. મેં નવસો પાનાં ઘસડી માર્યા હતા, પણ આખી વાર્તા વેરવિખેર લાગતી હતી. આથી નિર્દયપણે મારે ત્રણસો પાનાં જેટલું મેટર કાપી નાખવું પડેલું. મેં નક્કી કયુ ં કે આવી ડબલ હજામત ભવિષ્યમાં તો નહીં જ થવા દઉં. આથી બીજી નવલકથા 'ધ ફર્મ' વખતે મેં પહેલેથી જ આઉટલાઈન બનાવી નાખી હતી. એનું પરિણામ સરસ આવ્યું. નવલકથાના પ્લાનિંગ-આઉટલાઈનિંગને હું સૌથી વધારે મહત્ત્વ આપું છું.'


નવલકથાકાર બનવા માગતા નવોદિતોને જોન ગ્રિશમ એક ઓર ઉત્તમ સલાહ આપે છે કે રોજનું એક આખું પાનું તો લખવાનું જ. જો તમે રોજનું એક પાનું પણ ન લખી શકતા હો તો સમજી લો કે તમારું પુસ્તક કોઈ દિવસ પૂરુંં નહીં થાય.
જોન ગ્રિશમને જોન સ્ટિનબેક નામના લેખક બહુ જ ગમે છે. પોતાની શૈલી પર એમની અસર છે તેવું તેઓ ખુદ સ્વીકારે છે. દર ત્રણ વર્ષે સ્ટિનબેકની 'ધ ગ્રેપ્સ ઓફ રેથ' નવલકથા નવેસરથી વાંચી કાઢે છે.
જોન ગ્રિશમ કહે છે, 'વાચક અંત સુધી જકડાઈ રહે એવી ચારસો-પાંચસો પાનાંની નવલકથા લખી શકવી એ એક કુદરતી બક્ષિશ છે. લખવું એ ધોમધખતા તાપમાં ડામરની સડક બનાવવા માટે જે મજૂરી કરવી પડે તેના કરતાંય વધારે મહેનત માગી લેતું કામ છે. ફ્રેસ્ટ્રેટિંગ પણ એટલું જ છે પણ મને એનું ફળ સારુંં મળ્યું છે. લેખનપ્રવૃત્તિને કારણે જ હું કાયદાની પે્રક્ટિસ તેમજ પોલિટિક્સ છોડી શકયો. લખવાનું કામ મને આજની તારીખે પણ સૌથી કઠિન લાગે છે, બટ ઇટ્સ વર્થ ઈટ.'

0 0 0

Saturday, November 7, 2015

મલ્ટિપ્લેક્સ : મામી આવી... શું શું લાવી?

Sandesh - Sanskaar Purti - 8 Nov 2015
મલ્ટિપ્લેક્સ  
મામી (મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો. મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું?


'એક મિનિટ, સૌથી પહેલાં મને તમારા સૌનો ફોટો પાડી લેવા દો!'
મુંબઈના એક મલ્ટિપ્લેકસમાં 'અજનિશ્કા' નામની પોલિશ-જર્મન ફિલ્મ શરૂ થાય તે પહેલાં સ્ક્રીનની સાવ પાસે હાથમાં માઇક લઈને ઊભેલો તોમાઝ રૂડઝિક નામનો ડિરેક્ટર હકડેઠઠ ભરાયેલાં ઓડિયન્સને કહે છે. શરૂઆતમાં સૌને એમ કે આ દાઢીધારી ઉત્સાહી ડિરેક્ટર ટીખળ કરી રહ્યા હશે પણ એણે ખરેખર માઇક બાજુમાં મૂકીને પોતાના મોબાઇલથી પ્રેક્ષકોનો રીતસર ફોટો પાડી લીધો. પછી હસીને કહ્યું, 'આ તસવીર એ વાતની સાબિતી છે કે મારી ફિલ્મ જોવા સાચે જ આટલાં બધાં લોકો આવ્યાં હતાં!'
વાત મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલની છે. મામી(મુંબઈ એકેડમી ઓફ મુવિંગ ઇમેજિસ) તરીકે ઓળખાતો આ આઠ દિવસીય ફિલ્મોત્સવ હમણાં જ પૂરો થયો, જસ્ટ ગુરુવારે. કેટલીય ફિલ્મોનાં સ્ક્રીનિંગ વખતે શો શરૂ થતાં પહેલાં ઓડિટોરિયમના ગેટની બહાર રાક્ષસી એનાકોન્ડા જેવી લાઈનો લાગતી હતી. ઉત્સાહી ફિલ્મરસિયાઓ લાઈનોમાં દોઢ-દોઢ કલાક ઊભા રહીને તપ કરતા હતા. ફિલ્મ ફેસ્ટિવલ્સમાં જોકે આવાં દૃશ્યો કોમન છે. અચ્છા, મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે દુનિયાભરમાંથી આવેલી સેંકડો ફિલ્મોમાંથી કઈ કઈ સૌથી ધમાકેદાર સાબિત થઈ? કોણે સૌથી વધારે ધ્યાન ખેંચ્યું? એવું તે શું હતું એ ફિલ્મોમાં? જોઈએ.
લેખના પ્રારંભમાં જેનો ઉલ્લેખ કર્યો એ 'અજનિશ્કા' મોસ્ટ હેપનિંગ ફિલ્મોમાંની એક ભલે નહોતી પણ ધ્યાન ખેંચે એવી જરૂર હતી. જેલવાસ પૂરો કરીને બહાર આવેલી અજનિશ્કા નામની માથાભારે નાયિકાને ઘરમાં કોઈ સંઘરે એમ નથી, આથી કામની તલાશમાં એ બીજા શહેરમાં પહોંચી જાય છે. અહીં એને કઈ જોબ મળે છે? બોલ-બસ્ટિંગની. બોલ-બસ્ટિંગ એટલે? પુરુષોના બે પગની વચ્ચે નિશાન લઈને ગોઠણથી ઈજા પહોંચાડવી! આને વિકૃતિ ગણો કે ગમે તે ગણો પણ અમુક પુરુષોને ગુપ્તાંગ પર પ્રહાર થાય ત્યારે જોરદાર કામોત્તેજના થતી હોય છે. મજાની વાત એ છે કે ક્લાયન્ટને એક્સાઇટ કર્યા પછી નાયિકાએ એની સાથે સેક્સ માણવાનું નથી. અરે, કપડાં પણ ઉતારવાનાં નથી. પુરુષને ધીબેડવાના, પૈસા લેવાના અને ચુપચાપ ગુડબાય કહીને જતા રહેવાનું. આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે. ડિરેક્ટરને આવી એક યુવતીનો ભેટો એક લિફ્ટમાં થઈ ગયો હતો. ધીમે ધીમે દોસ્તી થઈ અને પેલીએ પોતાની દાસ્તાન શેર કરી. ફિલ્મમાં યુવતીની બોસ બનતી મહિલા પોતાના આધેડ વયના દીકરાને હડય હડય કરે છે. મહિલાનાં મોઢે એક સરસ ડાયલોગ બોલાવવામાં આવ્યો છે : યુ હેવ ટુ અર્ન યોર મધર. માનો પ્રેમ એમ જ ન મળે, તે માટે કાબેલિયત કેળવવી પડે!
'Taxi'
ફિલ્મ ફેસ્ટિવલની મજા જ એ છે કે અહીં તમને વિષયોનું અપાર વૈવિધ્ય જોવા મળે. ફિલ્મરસિયાને આ વખતે કદાચ સૌથી વધારે તાલાવેલી 'ટેક્સી' નામની ઈરાનિયન ફિલ્મ જોવાની હતી. ઓલરેડી એકાધિ એવોર્ડ્ઝ જીતી ચૂકેલી આ ફિલ્મ પર ઈરાન પર પ્રતિબંધ મુકાયો છે. ફિલ્મ બનાવનાર જાફર પનાહીનું નામ ઈરાનિયન ન્યૂ વેવ સિનેમાનું બહુ મોટું છે પણ ઈરાનની સરકાર માટે એ માથાના દુઃખાવા સમાન છે. સરકારનું કહેવું છે કે આ માણસ ધરાર ઈરાનની છાપ દુનિયામાં ખરાબ પડે એવી ફિલ્મો બનાવે છે. જાફરની કેટલીય ફિલ્મોને બેન કરવામાં આવી છે. કેટલીય વાર એમને પોલીસ પકડી ગઈ છે. ૨૦૧૦માં સરકારે એમને છ વર્ષ માટે જેલમાં પૂરી દીધા, વીસ વર્ષ માટે કોઈ પણ ફિલ્મ લખવા કે શૂટ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. જેલમાંથી બહાર આવ્યા પછી પણ વિદેશ જવાની મનાઈ પણ જાફર પનાહી જેનું નામ. પેરોલ પર જેલની બહાર આવ્યા તે દરમિયાન દસ દિવસમાં સાદા વીડિયા કેમેરા અને આઈફોન પર ગુપચુપ એક ફિલ્મ શૂટ કરી નાખી, તેને એડિટ કરી, પેન-ડ્રાઇવમાં ડાઉનલોડ કરી, પેન-ડ્રાઇવને કેકમાં છુપાવી દીધી, પછી રીતસર સ્મગલિંગ કરીને પેન-ડ્રાઇવને ૨૦૧૧ના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલી આપી! ફેસ્ટિવલમાં જાહેર કરવામાં આવ્યું કે આ વખતે એક સરપ્રાઇઝ એન્ટ્રી છે. જાફરની ફિલ્મનું સ્ક્રીનિંગ થયું, જેનું ટાઇટલ હતું 'ધિસ ઈઝ નોટ અ ફિલ્મ'! પ્રેક્ષકો ફિલ્મ કઈ રીતે બની છે એની કહાણી સાંભળીને રોમાચિંત થઈ ગયાં. ૨૦૧૨માં ઓસ્કરની બેસ્ટ ડોકયુમેન્ટરી ફીચર સેક્શનમાં આ ફિલ્મ નોમિનેટ સુદ્ધાં થઈ.
'ટેક્સી' ફિલ્મ પણ જાફરે આ જ રીતે બનાવી છે. તેઓ તહેરાન શહેરમાં ટેક્સીડ્રાઇવર બનીને ફરતા રહ્યા અને અંદર કેમેરા જડીને શૂટ કરતા રહ્યા. આ પ્રતિબંધિત ફિલ્મ જોવા માટે મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે રસિયાઓએ પડાપડી કરી મૂકી હોય તો એમાં નવાઈ પામવા જેવું ખરું? ફિલ્મમાં તહેરાનનાં શહેરી જીવનની ઝલક ડોકયુમેન્ટરી શૈલીમાં ઝડપવામાં આવી છે.
'The Second Mother'
'ધ સેકન્ડ મધર' નામની પોર્ટુગીઝ ભાષામાં બનેલી બ્રાઝિલિયન ફિલ્મમાં એક ગરીબ મા અને એની તુંડમિજાજી દીકરીની વાત છે. ગરીબ બાઈ બિચારી સાઓ પાઉલો શહેરના એક પૈસાદાર પરિવારમાં ફુલટલઇમ કામવાળી તરીકે પેટિયું રળે છે. એની દીકરી પિયરમાં ઊછરી રહી છે. દસ વર્ષથી દીકરીને જોઈ સુદ્ધાં નથી. એક દિવસ એકાએક દીકરીનો ફોન આવે છે : મારે સાઓ પાઉલો યુનિવર્સિટીમાં થોડું કામ છે, હું તારી પાસે આવી રહી છું. જુવાન થઈ ગયેલી રૂપકડી દીકરીને જોઈને માના હરખનો પાર રહેતો નથી. સદ્ભાગ્યે પોતાનાં ટચૂકડા ર્ક્વાટરમાં દીકરીને થોડા દિવસ માટે સાથે રાખવાની પરવાનગી શેઠ તરફથી મળી ગઈ છે. તકલીફની શરૂઆત ત્યારે થાય છે જ્યારે દીકરી ઘરમાં આવીને મોંઘેરા મહેમાન જેવો એટિટયૂડ દેખાડવા લાગે છે. પોતે નોકરાણીની દીકરી છે એ હકીકત એને વારંવાર યાદ કરાવવી પડે છે. મા-દીકરી વચ્ચે ચકમક ઝરવી સ્વાભાવિક છે. ગરીબ-પૈસાદાર વચ્ચેના વર્ગભેદની વાત કરતી આ એવોર્ડવિનિંગ ફિલ્મને ઓલરેડી આગામી ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે બ્રાઝિલિયન એન્ટ્રી તરીકે પસંદ કરી લેવામાં આવી છે. 
'રૂમ' નામની અંગ્રેજી ફિલ્મમાં પણ મા અને સંતાનની વાત છે પણ જુદા ફ્લેવરની. એક સ્ત્રીને ભોળવીને, કિડનેપ કરીને એક ઓરડામાં પૂરી દેવામાં આવે છે. એ એકલી નથી, સાથે પાંચ વર્ષનો દીકરો પણ છે. ઓરડો કિડનેપરના ઘરના બગીચામાં જ ઊભો કરવામાં આવ્યો છે. સાત-સાત વર્ષ પછી મા-દીકરો બંધ કમરામાંથી નાસી છૂટવામાં સફળ થાય છે. છોકરો એકાએક બહારની દુનિયાના સંપર્કમાં આવે છે. એના માટે બધું નવું છે, જુદું છે. ફકત એક જ ચહેરો, એક જ સ્પર્શ, એક જ અવાજથી એ પરિચિત છે અને એ છે એની મા!

Enthusiastic audience quieng for a film at MAMI 2015

'ધ બિગર સ્પ્લેશ'ના હીરો અને હીરોઈન બંને ઓસ્કરવિનર છે-રાલ્ફ ફિનેસ અને ટિલ્ડા સ્વિન્ટન. ટિલ્ડા સેલિબ્રિટી રોકસ્ટાર બની છે,રાલ્ફ એનો ભૂતપૂર્વ પ્રેમી. ટિલ્ડાનો નવો પાર્ટનર મેથિઆસ સ્કોેએનેરેટ્સ ડોકયુમેન્ટરી ફિલ્મો બનાવે છે.બંનેની લવલાઇફ એકદમ સેટ છે ત્યાં ઓચિંતા એક દિવસ રાલ્ફ એમને ત્યાં ટપકે છે. એ એકલો નથી, સાથે જુવાનજોધ દીકરી પણ છે. દીકરીનો રોલ 'ફિફ્ટી શેડ્ઝ ઓફ ગ્રે'ની હીરોઈન તરીકે વર્લ્ડફેમસ બની ગયેલી ડાકોટા જ્હોન્સને ભજવ્યો છે. જબરજસ્ત ચુંબકીય સ્ક્રીન પ્રેઝન્સ છે એની, 'ધ બેઝિક ઇન્સટિંક્ટ'ની હીરોઈન શેરોન સ્ટોનની યાદ અપાવી દે તેવી. ચારેયના આડા-ઊભા-ત્રાંસા સંબંધોનો અંજામ બહુ બૂરો આવે છે. ફિલ્મમાં નગ્નતા ઠાંસીઠાંસીને ભરી છે. ચારેય કલાકારોએ બેધડકપણે ફ્રન્ટલ ન્યૂડિટીવાળાં દૃશ્યો આપ્યાં છે. એમાંય રાલ્ફ ફિનેસ જેવો સિનિયર ઓસ્કરવિનર એક્ટર જે રીતે એક કરતાં વધારે દૃશ્યોમાં નાગડોપૂગડો દોડાદોડી કરે છે તે જોઈને ખરેખર નવાઈ લાગે. 
'બ્લૂ' ટાઇટલધારી ફિલ્મમાં એક એવા એઇડ્ઝગ્રસ્ત કલાકારના અંતિમ દિવસોની વાત છે જેની આંખોની રોશની ધીમે ધીમે ઓછી થઈ રહી છે. 'ધ ક્લબ' નામની ચિલીની એવોર્ડવિનર ફિલ્મમાં ચાર રિટાયર્ડ પાદરીઓની વાત છે. કોઈ નિર્જન સ્થળે ચારેય પાદરીઓ કેરટેકર મહિલા સાથે એક ઘરમાં રહે છે. સૌ પોતે જીવનમાં આચરેલાં પાપોની કબૂલાત કરવાના મૂડમાં છે. કોઈનું સંતાન છીનવી લેવાથી માંડીને બાળકને સેક્સ્યુઅલી અબ્યુઝ કરવા સુધીના ગુનાનો સ્વીકાર આ પાદરીઓ કરે છે. ખાસ્સી બોલ્ડ ફિલ્મ છે આ. આ પણ ઓસ્કરની બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ કેટેગરી માટે ચિલીની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ થઈ છે.
કેટકટેલી ને કેવી કેવી ફિલ્મો. કોની વાત કરવી ને કોની ન કરવી. 'એનોમેલિસા', 'ધીપન', 'લોબ્સ્ટર', 'યૂથ', 'વર્જિન માઉન્ટન', 'સ્વોર્ન વર્જિન'... ફિલ્મફેસ્ટિવલમાં તમે રોજની ચારચાર-પાંચપાંચ ફિલ્મો જોતા હો ત્યારે બધેબધી હાઈક્લાસ જ નીકળે એવું બિલકુલ જરૂરી હોતું નથી. કેટલીય ફિલ્મો ભયંકર બોરિંગ સાબિત થઈ હોય છે, જેમ કે, 'કાઈલી બ્લૂઝ' નામની ચીની ફિલ્મ વિશે વખાણ સાંભળ્યાં હતાં પણ આ ફિલ્મ અડધેથી પડતી મૂકવી પડે એટલી હદે ત્રાસજનક નીકળી. આપણને થાય આવી રેઢિયાળ ફિલ્મને કઈ વાતનો એવોર્ડ મળ્યો હશે? ખેર, સિનેમા એક સબ્જેકિટવ વિષય છે, આમાં તુંડેતુંડે મતિર્ભિન્ના જેવું છે. 
'Haramkhor'

થોડી ભારતીય ફિલ્મોની વાત કરી લઈએ. હંસલ મહેતાની 'અલીગઢ' ફિલ્મમાં મનોજ બાજપાઈનું પર્ફોર્મન્સ યાદગાર સાબિત થવાનું છે એમાં કોઈ શંકા નથી. મનોજ આમાં એક પ્રોફેસર બન્યા છે, જેને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યો છે. શા માટે? એ હોમોસેક્સ્યુઅલ છે એ વાત બહાર આવી ગઈ એટલે. ફિલ્મમાં રાજકુમાર યાદવે પ્રોફેસરની કહાણી દુનિયા સામે લાવનાર રિપોર્ટરનો રોલ કર્યો છે. શ્લોક શર્માની 'હરામખોર' ફિલ્મના પ્રત્યેક સ્ક્રીનિંગ વખતે એટલી ભયંકર લાંબી લાઈનો લાગતી હતી કે ન પૂછો વાત. આ ફિલ્મે ક્બરજસ્ત ઉત્કંઠા જગાવી છે, એનું કારણ છે એનો હીરો, નવાઝુદ્દીન સિદ્દીકી. માત્ર સોળ જ દિવસમાં શૂટ થઈ ગયેલી 'હરામખોર'નું પશ્ચાદ્ભૂ ગુજરાતનું છે. નવાઝ સ્કૂલટીચર બન્યો છે, જેને પોતાની પંદર વર્ષની નાબાલિગ સ્ટુડન્ટ સાથે ઈશ્ક થઈ જાય છે. સ્ટુડન્ટનો રોલ શ્વેતા ત્રિપાઠીએ કર્યો છે. શ્વેતા એટલે 'મસાન'માં બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ આપનારી પેલી ચુલબુલી ન્યૂકમર. નવાઝુદ્દીનને 'હરામખોર' માટે અન્ય ફિલ્મફેસ્ટિવલોમાં એકાધિક બેસ્ટ એક્ટરોના એવોર્ડ્ઝ મળી ચૂકયા છે. આ ફિલ્મે નવાઝમિંયાના ઝળહળતા બાયોડેટાને ઔર તેજસ્વી બનાવી દીધો છે. 'સંસારા' ફેમ કાઠિયાવાડી ફિલ્મમેકર પેન નલિનની લેટેસ્ટ ફિલ્મ 'એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ'નું સ્ક્રીનિંગ પણ મુંબઈ ફિલ્મફેસ્ટિવલમાં થયું. આ એક 'ચિક ફ્લિક' છે. એમાં સાત યુવતીઓની વાત છે. ફિલ્મને મિકસ્ડ રિસ્પોન્સ મળ્યો છે. ઓડિયન્સને પેન નલિન પાસેથી ઘણી ઊંચી અપેક્ષાઓ હતી.
અહીં ઉલ્લેખ પામેલાં નામોમાંથી કેટલીક ફિલ્મો આવતું આખું વર્ષ ન્યૂઝમાં ચમકતી રહેવાની છે એ તો નક્કી.
શો-સ્ટોપર

'શાનદાર'નો તો તમાશો થઈ ગયો, હવે 'તમાશા' શાનદાર સાબિત થવી જોઈએ!
0 0 0 

Thursday, November 5, 2015

ટેક ઓફ : ક્રાઇમનું આકર્ષણ કાતિલ હોય છે

Sandesh - Ardh Saptahik Purti - 4 Nov 2015
ટેક ઓફ 
ક્રાઇમ અથવા ગુનાખોરી શા માટે આકર્ષક લાગે છે ? કયાંક ન બનવાનું બને કે આઘાતજનક ઘટના ઘટે ત્યારે અરેરાટી છૂટતી હોવા છતાં શા માટે તેના વિશે જાણવા-વાંચવા-સાંભળવા-જોવા માટે આપણે ઉત્સુક રહીએ છીએ? શા માટે ક્રાઇમ સાથે જબરજસ્ત રસિકપણું સતત જોડાયેલું રહે છે?

પરાધમાં એવાં તત્ત્વો ભળેલાં હોય છે જે સામાન્ય નથી, સહજ નથી, રૂટિન નથી, જેને આપણે રોજ-બ-રોજની જિંદગીમાં જોતાં-અનુભવતાં નથી. સમાજે કે નૈતિકતાએ એને મંજૂરી આપી નથી. અપરાધી કૃત્ય સાથે અસામાન્યપણું સંકળાયેલું હોય છે અને તેથી જ તે રોમાંચક લાગે છે. રોમાંચ સ્વયં એક તટસ્થ લાગણી છે પણ તે પેદા થવાનું કારણ શુભ કે અશુભ હોઈ શકે. કદાચ ગુનાખોરીની ભ્રષ્ટતા અને કુત્સિતતા જ તેને લાર્જર-ધેન-લાઇફ બનાવી દે છે. અખબારો, સિનેમા, ટીવી અને પુસ્તકો કયારેક સંપૂર્ણ સભાનતા સાથે અને કયારકે અભાનપણે અપરાધજગતને ગ્લેમરાઇઝ કરતાં રહે છે. ચંબલના ડાકુઓ અને સોરઠી બહારવટિયાઓથી લઈને દાઉદ ઇબ્રાહીમ અને ઓસામા બિન લાદેન જેવા ભયંકર અપરાધીઓને 'સેલિબ્રિટી સ્ટેટસ' મળી જાય છે તે શું માત્ર કળિયુગનું કુ-સત્ય છે? રાજા રાવણ પણ એક અપરાધી હતો અને એ મેગા સેલિબ્રિટી હતો!
એક 'સેલિબ્રિટી ક્રિમિનલ' આજકાલ સમાચારમાં છે, એના પર બનેલી ફિલ્મ 'મૈં ઔર શોભરાજ'ને કારણે. ચાર્લ્સ શોભરાજનું અપરાધી જીવન એટલુંબધું ઘટનાપ્રચુર અને ગ્લેમરસ રહૃાું છે કે એના પરથી ફિલ્મો, ડોકયુમેન્ટરી અને પુસ્તકો ન બને તો જ નવાઈ પામવા જેવું છે. આ 'કેરિશ્મેટિક બિકિની કિલર' સાત ભાષા સડસડાટ બોલી શકે છે. વાક્ચાતુર્યથી સામેના માણસને પીગળાવી દેવાની, કન્વિન્સ કરી નાખવાની કે આત્મીય બનાવી દેવાની એનામાં ગજબની આવડત છે, કહે છે કે સ્ત્રીઓ ચુંબકની માફક એની પાસે ખેંચાઈ આવતી. સાઠ વર્ષ વટાવ્યા પછી એણે જે મુગ્ધ યુવતી સાથે લગ્ન કર્યાં એ માંડ વીસેક વર્ષની હતી. આ લગ્ન્ એણે નેપાળની જેલમાં કર્યાંર્ હતાં ! આ બહુરૂપીયાએ કમસે કમ બાર અને વધુમાં વધુ ચાવીસ કતલ કરી છે. કેટલાય દેશોની જેલોમાંથી એ ફરાર થઈ ચૂકયો છે. ફિલ્મમેકર કે લેખક કે મીડિયા માટે આના કરતાં બહેતર વિષય બીજો કયો હોવાનો ?
ચાર્લ્સ શોભરાજ શું કામ આવો પાકયો? ડિસ્ફંકશનલ ફેમિલી? નાનપણમાં પ્રેમ ન મળવો? મા-બાપના ઈતર સંબંધો? સાઈકો-એનેલિસ્ટોને મજા પડી જાય એવું ચાર્લ્સ શોભરાજનું કેરેક્ટર છે, એની માતા વિયેતનામી હતી, પિતા હોતચંદ સિંધી ભારતીય હતા. ૧૯૪૪માં ચાર્લ્સ શોભરાજનો જન્મ થયો ત્યારે વિયેતનામ યુદ્ધનો માહોલ જામેલો હતો. ભારત આઝાદ થયા પછી હોતચંદ વતન પાછા ફર્યા ને બીજાં બે લગ્ન કર્યાં. કુલ સોળ સંતાનો જણ્યાં. આ બાજુ ચાર્લ્સની મા કોઈ ફ્રેન્ચ મિલિટરી ઓફિસરને પરણી ગઈ. શરૂઆતમાં સાવકો બાપ નાનકડા ચાર્લ્સને સારી રીતે રાખતો હતો પણ જેવાં ખુદનાં સંતાન પેદા થયાં કે ચાર્લ્સ પ્રત્યેનો એનો રવૈયો બદલતો ગયો. સાવકા બાપ પ્રત્યે એનો અણગમો વધતો ગયો. ચાર્લ્સ ઘણી વાર પોતાના સગા પિતા વિશે માને પૂછતો. મા ઉડાઉ જવાબ આપી દેતી : તારો બાપ મરી ગયો છે. ચાર્લ્સ મોટો થતો ગયો તેમ તેમ સમજતો ગયો કે મા જૂઠું બોલે છે. મા પ્રત્યેની એની અશ્રદ્ધા વધતી ગઈ.
ચાર્લ્સ દસ વર્ષનો થયો ત્યારે એની માએ એને ભારત મોકલી આપ્યો, સગા બાપ પાસે. ભારતમાં એ જોકે ઝાઝું ટકી ન શકયો. પાછો મા પાસે આવ્યો. મા અને સાવકા બાપ વચ્ચેના સંબંધ વણસી રહ્યા હતા. એમના ડિવોર્સ થઈ ગયા. ચાર્લ્સ અને એની મા એકાએક ગરીબ થઈ ગયાં. આ જ અરસામાં ચાર્લ્સનાં કુલક્ષણો દેખાવા માંડયાં. માત્ર બાર વર્ષની ઉંમરે એણે એક પાર્ક કરેલી કારની ચોરી કરી હતી. પોલીસમાં એના વિરુદ્ધ નોંધાયેલો આ પહેલો કેસ. તેર વર્ષની ઉંમરે એ ઘરેથી પહેલી વાર ભાગી ગયો. ધીમે ધીમે એનાં પરાક્રમો વધતાં ગયાં. દુકાનમાંથી ચીજવસ્તુઓની ચોરી કરવી, મારામારી કરવી, છરી કે પિસ્તોલ દેખાડીને લોકોને લૂંટી લેવાં વગેરે. ઓગણીસ વર્ષની ઉંમરે ફ્રાન્સમાં એ પહેલી વાર જેલ ગયો. અહીં એનો ભેગો એક બડે બાપ કી બિગડી હુઈ ઔલાદ સાથે થયો. ચાર્લ્સનો એ પહેલો ગુરુ. જેલમાંથી બહાર આવ્યા બાદ આ ગુરુઘંટાલે એને પેરિસની હાઈ સોસાયટી અને અન્ડરવર્લ્ડ બંનેનો પરિચય કરાવ્યો.
Charles with Marry

મેરી નામની પેરિસની એક યુવતી સાથે યુવાન ચાર્લ્સનો સંબંધ બંધાયો હતો. જે દિવસે એમનાં લગ્ન થવાનાં હતાં એ જ દિવસે કોઈ ગુનાસર પોલીસ ચાર્લ્સને પકડી ગઈ! આઠ મહિનાની જેલમાંથી બહાર આવ્યા બાદ એણે મેરી સાથે લગ્ન કર્યાં. પોલીસની નજરથી બચવા ચાર્લ્સ એશિયામાં ઘૂૂસવા માગતો હતો એટલે પ્રેગ્નન્ટ પત્ની સાથે એણે યુરોપના પૂર્વીય દેશોમાં રખડપટ્ટી શરૂ કરી. બન્ટી અને બબલીની આ જોડી બીજા ટૂરિસ્ટો સાથે દોસ્તી કરતી. ચાર્લ્સ કયારેક ઇઝરાયલી સ્કોલર બની જતો, કયારેક લેબનીઝ વેપારી તો કયાંક બીજું કંઈક. સહપ્રવાસીઓને ભરોંસો બેસે એટલે લાગ જોઈને એમના પાસપોર્ટ અને માલમતા લૂંટી લેતાં. નકલી પાસપોર્ટના આધારે તેઓ મુંબઈ પહોંચ્યાં. ભારતમાં એમના ગોરખધંધા માત્ર ચાલુ ન રહ્યા, વધતા ગયા.         
લૂંટ અને છતરપિંડી એક વસ્તુ છે, હત્યા તદ્દન જુદી બાબત છે. ચાર્લ્સે હત્યાકાંડનો સિલસિલો શરૂ કર્યો ૧૯૭૨માં, બેંગકોકમાં. એ વખતે એની ઉંમર હશે ૨૮ વર્ષ. અહીં ચાર્લ્સ સાથે મેરી નામની યુવતી હતી, જેણે ચાર્લ્સ માટે પોતાના બોયફ્રેન્ડને છોડી દીધેલો. હેન્ડસમ અને સોફેસ્ટિકેટેડ ચાર્લ્સ મેરીની ઓળખાણ પોતાની સેક્રેટરી તરીકે કરાવતો. થાઈલેન્ડમાં જ અજય ચૌધરી નામના એક ભારતીય સાથે ચાર્લ્સની ઓળખાણ થઈ. કતલની શરૂઆત આ બંનેએ સાથે મળીને કરી. વિદેશીઓને ડ્રગ્ઝ આપીને તેઓ અંતરિયાળ જગ્યાએ લઈ જતા અને બહુ જ ખરાબ રીતે હત્યા કરી નાખતા. ચાર્લ્સે એકલાએ પણ ઘણી હત્યાઓ કરી. બેહોશ કરી નાખેલા ટૂરિસ્ટને એ જીવતા બાળી નાખે, એમનાં શરીર પર છરીઓના ઘા કરી ગળું ચીરી નાખે તો કયારેક ગળોફાંસો આપે. પછી ડેડબોડીને દરિયામાં ફેંકી દે. થાઈલેન્ડના દરિયાકાંઠેથી રહસ્યમય રીતે મળી આવતી બિકિની પહેરેલી યુવતીઓની લાશોને લીધે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ચાર્લ્સ શોભરાજને 'બિકિની કિલર'નું બિરૂદ મળ્યંુ છે એનું કારણ આ. ચાર્લ્સના આ કારનામાં એવાં ગાજ્યાં હતાં કે થાઈલેન્ડની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી પર માઠી અસર પડી. હત્યાઓનો આ ખતરનાક ખેલ ચાર્લ્સે થાઈલેન્ડ ઉપરાંત મલેશિયા, નેપાળ અને ભારતમાં પણ કર્યા હોવાનું મનાય છે.
ચાર્લ્સ આખરે ૧૯૭૬માં દિલ્હીની અશોકા હોટેલમાંથી પકડાયો. એણે ફ્રેન્ચ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સના આખા ગ્રૂપને ઝાડા ન થાય તે માટેની ગોળીનાં નામે બેહોશીની દવા આપી દીધી. થોડી મિનિટોમાં સૌને ભયંકર ઊલટી શરૂ થઈ. ડારઇનિંગ રૂમમાં એક સાથે વીસ કરતાં વધારે લોકોને ઊલટી કરતાં જોઈને હોટેલના સ્ટાફને શંકા ગઈ. પોલીસ બોલાવવામાં આવી, જેમાંના એક પોલીસે ચાર્લ્સને ઓળખી લીધો. આઠ હજાર કેદીઓને સમાવી શકતી ભારતની સૌથી મોટી તિહાર જેલમાં ચાર્લ્સને પૂરવામાં આવ્યો. દસ વર્ષ પછી એ તિહાર જેલમાંથી કેવી રીતે છટકીને ભાગ્યો? આજે મારો બર્થડે છે એમ કહીને એણે જેલના દરવાન, અન્ય સ્ટાફ અને સાથી કેદીઓને બેહોશીની દવા ભેળવેલી બરફી ખવડાવી. અડધી કલાકની અંદર સૌ બેભાન થઈ ઢળી પડયા, આમાં ગેટ નંબર ત્રણ પર તૈનાત થયેલા ત્રણ રાઇફલધારી સિકયોરિટી ગાર્ડ્સનનો સમાવેશ થઈ ગયો. ચાર્લ્સ ભોંયભેગા થઈ ગયેલાં લોકો પરથી કૂદતો કૂદતો, બહોશ પડેલા રાઇફલધારી દરવાનોને સેલ્યુટ કરીને ટેસથી જેલમાંથી બહાર નીકળી ગયો!
જેલમાંથી છટકવાનો આ કંઈ પહેલો કિસ્સો નહોતો. ૧૯૭૧માં મુંબઈની જેલમાં એણે સિરીંજથી પોતાનું લોહી કાઢી મોંમાં ભરી લીધું હતંુ અને પછી લોહીની ઊલટી થઈ હોય એવું નાટક કર્યું હતું, એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યાંથી તે રફુચક્કર થઈ ગયો! આવા તો બીજા ઘણા કિસ્સા છે.
તિહાર જેલમાંથી ભાગ્યા પછી બે જ અઠવાડિયામાં એ ગોવાની એક રેસ્ટોરાંમાં ઝડપાઈ ગયો. આ ધરપકડ એણે ખુદ પ્લાન કરેલી હતી. શા માટે? એને ફરી જેલમાં પૂરી દેવામાં આવે એટલે, શા માટે? થાઈલેન્ડમાં કાયદો છે કે આરોપીને જો વીસ વર્ષ સુધી અદાલતમાં રજૂ કરવામાં ન આવે તો એના પર લગાડેલા આરોપો આપોઆપ નાબૂદ થઈ જાય, જો ચાર્લ્સ જૂની સજા ભોગવીને આઝાદ થાત તો એને તરત થાઈલેન્ડ મોકલી દેવામાં આવત. થાઈલેન્ડમાં એનો દેહાતદંડ નિશ્ચિત હતો, આથી ચાર્લ્સે ચાલાકીપૂર્વક જેલમાંથી ભાગી જઈ અને પછી પાછા પકડાઈ જઈને ભારતમાં પોતાનો જેલવાસ લંબાવ્યો કે જેથી થાઈલેન્ડની વીસ વર્ષવાળી અવધિ ચુકાઈ જાય!

જેલમાં ચાર્લ્સ શોભરાજને સૌ ચાર્લ્સસાહેબ કહેતા. કોઈ ભેદી વિદેશી બેન્ક અકાઉન્ટમાંથી એને પૈસા મળ્યા કરતા. આ નાણાંમાંથી એ ગરીબ કેદીઓની મદદ કરતો અને જેલના અધિકારીઓને પુષ્કળ લાંચ આપતો. તિહારમાં જેલવાસ પૂરો કરીને એ ફ્રાન્સ ગયો ત્યારે સેલિબ્રિટી બની ચૂકયો હતો. પત્રકારોને ઇન્ટરવ્યૂ આપવાના એ પૈસા ચાર્જ કરતો. એક પ્રકાશકે ચિક્કાર પૈસા આપીને એની જીવનકથા લખાવી છે. પુસ્તક તૈયાર કરનાર ઓસ્ટ્રેલિયન પત્રકારને એણે લાંબી લાંબી મુલાકાતો આપી. પુસ્તક છપાઈ ગયા પછી'આ બધી વાતો ખોટી છે' એમ કહીને હાથ ઊંચા કરી નાખ્યા!
ચાર્લ્સ હાલ નેપાળની જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહૃાો છે. એનું સેલિબ્રિટી સ્ટેટસ આજેય અકબંધ છે. ચાર્લ્સ જેવા રીઢા ગુનેગારો પાસે ભયંકર આંતરિક તાકાત, આત્મવિશ્વાસ અને તીવ્ર બુદ્ધિચાતુર્ય હોય છે. આ બાબતોનો તેઓ દુરુપયોગ કરે છે તે અલગ વાત થઈ પણ શું એના આ 'ગુણો' જ સામાન્ય માણસનાં મનના એક પ્રકારનો વિકૃત અહોભાવ જન્માવી દેતાં હોય છે?
                                              0 0 0 

Wednesday, November 4, 2015

ટેક ઓફ : ઘરેથી ભાગી ગયેલો એ છોકરો નાગા બાવાની જમાતમાં કેમ ભળી ગયો?

Sandesh - Ardh Saptahik Purti - 28 Oct 2015

ટેક ઓફ 
'બીજો બાવો થોડું ભણેલો, ગંદો નહોતો. નહાય-ધુએ, શરીરે રાખ ચોળે, ટીલાંટપકાં કરે. ગુટકો વાંચે. બે દિવસ રહીને એનેય મેં છોડયો. ત્રીજો નાગો. તે વખતે તો હું ખાસ્સો કિશોરવય વટાવી જવા આવેલો. નાગાબાવાઓની જમાતમાં ભળીને પહાડી જાત્રામાં ગયો. અલબત્ત, એ બધાની જેમ જ સાવ ઉઘાડો. નીકર મને એ લાકો જમાત જોડે ચાલવા શેના દે ?'હિંમતલાલ રામચંદ્ર મહાશંકર દવેનું નામ કદાચ અપરિચિત લાગશે પણ સ્વામી આનંદને ગુજરાતી સાહિત્યનો ચટકો ધરાવતો પ્રત્યક બંદો પ્રેમ કરે છે. ઊંચી કક્ષાના આ લેખક અને શૈલીસમ્રાટનો જન્મ ૧૮૮૭માં, મૃત્યુ ૧૯૭૬માં. માણસ ભણ્યો ન હોય છતાંય કોઠાસૂઝ,અનુભવ અને ઉપરવાળાના આશીર્વાદનાં જોરે કેટલું ઉત્તમ સાહિત્યસર્જન કરી શકે છે એનાં બે ઉત્ક્ૃષ્ટ ઉદાહરણ આપણી સામે છે : પન્નાલાલ પટેલ અને સ્વામી આનંદ. સ્વામી આનંદનાં મુગ્ધ કરી દે એવાં ગતિશીલ લખાણના કેટલાક અંશ આજે શેર કરવા છે.
 સ્વામી આનંદ ફકીર હતા. સાધુ બનવા સાવ કાચી વયે ઘરેથી નાસી ગયેલા. સાધુ-જીવને તેમને શું શીખવ્યું ? જવાબ એમના જ શબ્દોમાં સાંભળવા જેવો છે. લખાણની જોડણી યથાવત્ રાખી છે, આથી 'કષ્ટ'ને બદલે 'કશ્ટ' વંચાશે અને 'પુરુષાર્થ'ને બદલે 'પુરુશારથ' વંચાશે, સાંભળો :
'હું બચપણથી જ ઘેરથી ભાગી સારા-નરસા સાધુબાવાઓની દુનિયામાં ખોવાઈ ગયેલો. એણે બે નરવા સંસ્કાર આપ્યા. એક એ કે વિદ્યા વેચાય નહિ, હવાઉજાસ અન્નજળની જેમ જ જ્ઞાાનસમજણ રૂપિયા-આનામાં કદી મૂલવાય નહિ.
બીજો સંસ્કર મળ્યો તે એ કે, સાધુ 'દો રોટી એક લંગોટી'નો હકદાર. એથી વધુ જેટલું એ સમાજ પાસેથી લે, તેટલું અણહકનું,હક્બહારનું. સાધુ લે એનાથી સહસ્ત્રગણી સેવા કરે ત્યાં સુધી તો એણે નકરી અદાયગી કરી, દુનિયાની ઘરેડે જ ચાલ્યો. અદકું કશું ન કર્યું. એથી વધુ કરે તેની વશકાઈ. આ બે સંસ્કારને હું અથવા બાબકંબલ ન્યાયે કહો કે, એ સંસ્કાર મને, જિંદગીભર ચોંટી રહૃાા.'                                                            
અગાઉના જમાનામાં હરિદ્વાર-ઋષિકેશ જેવી પવિત્ર જગ્યાએ કેવા સાધુઓ રહેતા? ચોવીસ કલાકમાં અક જ વાર હાથ ફેલાવીને ભિક્ષા માગે. ઊંચી કક્ષાના સાધુઓ માટે બીજી વાર ભિક્ષા માગવી કે મૂઠી ચવાણું ખાવું એ પણ શરમજનક ગણાતું. સાધુસંન્યાસીઓને અન્નક્ષેત્રોમાંથી વરસમાં બે વાર વસ્ત્ર પૂરાં પાડવામાં આવે. બે કફની કે ધોતી, બે લંગોટી અને અક પોણાચોરસ વારનો ભિક્ષા ઝોળીનો ટુકડો. એથી વધુ કશું ન લે. સાધુઓને ફ્રી હજામત કરાવવાની કૂપન યા તો પરચી (ચિઠ્ઠી) પણ મળે. સાધુ નિવાસોમાં ફરતા નાઈઓને બોલાવીને મુંડન કરાવી લેવાનું. નાઈ આ પરચીઓ એકઠી કરીને અન્નક્ષેત્રના કાર્યાલયમાં જમા કરાવે એટલે એમને હજામતનું મહેનતાણું ક્ષેત્ર તરફથી મળી જાય. સાધુ માંદા પડે તો ડોકટરની દવા ન લે કેમ કે, એમાં અભક્ષ્ય પદાર્થ કે મદ્ય નાખેલા હોય એવી માન્યતા. માંદગીમાં દેશી વૈદુ અજમાવવામાં આવે. સાધુ મૃત્યુ પામે ત્યારે એમના અંતિમસંસ્કાર ન થાય. બીજા સાધુઓ અથવા અન્નક્ષેત્રવાળા મૃતદેહ સાથે વજનદાર પથ્થર બાંધીને એમ ને એમ ગંગામાં પધરાવી દે!
સ્વામી આનંદ સ્વયં સાધુવેશે ભ્રમણ કરી રહૃાા હતા ત્યારે એમણે શું જોયું?
'આ પરંપરાઓ છેલ્લાં પચાસ વર્ષમાં (એટલે કે આજથી સો-સવાસો વર્ષ પહેલાં) આધુનિક દુનિયાના હુમલા હેઠળ લગભગ સાવ લુપ્ત થઈ. આજે ગંગોત્રી, ઉત્તર કાશી જેવા સ્થાનોમાં અતિ જૂજ દાખલાઓ સિવાય એ અભ્યાસ, એ શાસ્ત્રનિરૂપણ, એ ગુરૂઓ કે એ શ્રદ્ધાભકિતપરાયણ તપોવૃદ્ધ શિષ્યવૃંદો - કશું ન રહૃાું! ઘણા (સાધુઓ) તો સેવાના નામે દાનીધનીઓ સેવકો જોડે ચાલુ સંપર્ક રાખી નાણાં અકઠાં કરે. તેમાંથી મંદિરોના જીર્ણોદ્ધાર, મઠમકાનો, 'અસ્થાનો', અન્નક્ષેત્રો, પાઠશાળા, ગૌશાળા એવી એવી પ્રવૃત્તિઓ ઉદારનિમિત્તે કે મોટાઈ કમાવાના હેતુથી કરે.
 હવે વળી સરકાર કે રાજદ્વારીઓના હુકમ આશરા હેઠળ 'સાધુસુધારા'ના સંગઠન થવા માંડયાં! સંગઠન કરનારા સાધુઓ, ને તેમની પાછળ રાજદ્વારીઓ. દિલ્હી, લખનૌ, મુંબઈ, પ્રયાગ કાશીથી હુકમો છૂટે તે મુજબ સાધુસંન્યાસીઓ બગલમાં બિસ્તરા મારી સાધુસુધાર કમિટીઓની બેઠકોમાં હાજરીઓ ભરે ને સરકારી સંગઠનની ઓફિસમાં પોતાનાં ટી.એ. (ટ્રાવેલિંગ એલાઉન્સ) બીલો પેશ કરે!'
વીસમી સદી શરૂ થાય તે પહેલાં જો આવી સ્થિતિ પેદા થઈ ગઈ હોય તો અંદાજ લગાવો કે, અેકવીસમી સદી આવતા સુધીમાં સાધુ પરંપરાનું કેટલું ભયાનક અવમૂલ્યન થયું હશે. સમાજમાં આસારામ બાપુઓ અને રાધેમા જેવાં ચલતાપૂર્જા ફૂટી નીકળે ને પાછાં પૂજાતાં પણ રહે એ સમજી શકાય એવું છે.
ખરો સાધુ કેવો હોય?
'સાચો સાધુ સંસારનો મેરૂમણિ છે. એ માગી ખાય છે, પણ પામર નથી. એ કીડીને કણ ને હાથીને મણનોને પૂરણહારને વિશ્વંભરનો આશ્રિત છે. એને જ આશરે જીવે છે. સંસારની સેવાને એ શ્રેશ્ઠ પુરુશારથ અને કર્મને મોક્ષની નિસરણી સમજે છે.
સાચો વેદાંતી, સાચો વૈષ્ણવ, સાચો સત્સંગી, સાચો શ્રમણભિખ્ખુ, સાચો રૉમનકેથલિક, સાચો સાધુ,
ફકીર કે સંન્યાસી - કોઈને પણ ચીરો, અદંરથી એનું હાડ અક જ વરતાશેઃ ઈશ્વર આસ્થાનું કે ખુદાની ખલકતમાં પોતાના પ્રભુનું જ દર્શન કરીને તેની સેવાભલાઈ અર્થે ઘસાઈ મરવાનું.'
સ્વામી આનંદ અન્યત્ર લખે છેઃ
'સાધુ એટલે જટા વધારી, રાખ ચોળી, પંચાગ્નિ તાપનારા બાવા નહીં: સાધુ એટલે જીવનને સાધના ગણીને જીવનારા, પ્રાચીન રૂષિમુનિઓથી માંડીને મધ્યયુગીન સંતો કે આધુનિક કાળના ગાંધીજી સમા ઘણાખરા મહાનુભાવો ગૃહસ્થજીવન જીવ્યા. સંસારના લાખાે-કરોડો દુન્યવી માણસોની જેમ જે એમણે પોતપોતાનાં કામકાજ-વહેવાર-માનવધર્મ અદા કર્યા તેમ કરતાં -કરતાં માટીપગાં માણસોની જેમ એમણે પણ ભૂલો કરી, નબળાઈઓ બતાવી, પડયાઆખડયા, છક્કડો ખાધી, પણ દરક વેળા જાગીસમજીને પાછા ઊભા થયા અને નમ્રપણે પોતાની ભૂલથાપ કબૂલીને આગળ ધપ્યા.
આપણાં ઈતિહાસ પુરાણોયે સંન્યાસને જિગરજાનથી બિરદાવ્યા છતાં સરવાળે ગૃહસ્થાશ્રમનો જ મહિમા ગાયો. ભલભલા જતિજોગી તપસ્વીઓને જીવનદર્શનમાં સંતુલન અને સમન્વય શીખવા સારૂ એમણે ગૃહસ્થાશ્રમથી રૂષિઓના આશ્રમોમાં અગર તો અભણ ઘરવાળી બાઈ કે કસાઈઓને ઘેર માકલ્યા. નામદેવ, તુકારામ, નરસી, નાનક, કબીર, રામકૃષ્ણ ઠાકુર બધા જ ગૃહસ્થાશ્રમી હતા.'
'મારા પિતરાઈઓ' જેવું છેતરામણું શીષર્ક ધરાવતા લેખમાં સ્વામી આનંદે ખરેખર તો પોતાના જમાતની અથવા તો અન્ય સાધુ-સંન્યાસીબાવાઓ સાથેના પોતાના અનુભવોની વાતો મસ્ત રીતે પેશ કરી છે. સાંભળોઃ
'અક સાધુ મારી ૧૦ વરસની ઉંમરે 'ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું,' કહીને (મુંબઈના) માધવબાગ સી.પી. ટેેંકથી મને ઉપાડી ગયો. દાદર લગી પગેને પછી વગર ટિકિટે રેલમાં નાશીક લઈ ગયો. ગાંજો પીતો ને સાવ ગંદો, સાવ અઘોરી.
ત્રીજે દિવસે કાનખજૂરાની જેમ મેં એને ફેંકયો, પણ તે બીજા બાવા જોડે જવા લાગ્યો,એમ તો થોડા મહિના અગાઉ.... કલકત્તા સુધી અકલો (સંગાથ હતો) જઈ આવેલો, પણ ઘરવાળાનો ધાક ને ફજેતીની બીક. તેથી ઘેર પાછા જવાનો વિચાર ન જ કર્યો.
આ બીજો બાવો થોડું ભણેલો. ગંદો નહોતો. નહાય ધુએ, ચાળીને રાખ ચોળે. ટીલાંટપકાં કરે.ગુટકો વાંચે. રામાયણ, દોહાચોપાઈ ગાય. એ મને બનારસ લઈ ગયો. પણ એની જોડેય મારૂ ગાડું ન ગબડયું.
એક દિવસ કહે, 'ગુટકો ભર.' મેં ના પાડી. એણે મને જોરથી તમાચો માર્યો. પછી પોતે જ પાક મેલીને રડયો ને મારા ગાલે ગોપીચંદનનો લેપ કર્યો.
બે દિવસ રહીને એનેય મેં છોડયો.
ત્રીજો નાગો. તે વખતે તો હું ખાસો કિશોર વય વટાવી જવા આવેલો. નાગાબાવાઓની જમાતમાં ભળીને પહાડી જાત્રામાં ગયો. અલબત્ત, એ બધાની જેમ જ સાવ ઉઘાડો. નીકર મને એ લાકો જમાત જોડે ચાલવા શેના દે? મગજમાં દેવદર્શન સેવાયાત્રાનો નશો.'તરુણ વયના સ્વામી આનંદ સૌની સેવા કરે, ધૂણી ધખાવી આપે, પાણી ભરી લાવે, રાખ ચોળે, પગચંપી પણ કરે. નાગા બાવાની તાસીર અતિ ક્રોધી અને ઝનૂની, પણ સ્વામી આનંદ એ વખતે ઉંમરમાં નાના ને કંઈક બુદ્ધિશાળી જેવા દેખાય એટલે એમની સાથે સારો વર્તાવ કરે. કમનસીબે અક દિવસ અક નાગા બાવાએ પરચો દેખાડી દીધોઃ
 'એક સાંજે અક નાગાને મેં ઘૂણી જલાવી આપી. પેલો કહેઃ
'ચલમ (ગાંજાની) ભર.'

'ના જી. એ નહિ કરૂ. બીજું કંઈ કામ હોય તો કહો.'

'કયોં નહિ ભરતા?'

'ગાંજા પીના ગંદી ચીજ હૈ.'

પેલાનો પિત્તો ફાટયો.
'સાલે સસુરે! શિવજી બમ્ભોલે કી ચીજ કો તૂ ગંદી કહતા હૈ?'

'હાં.'

'તૂ આરિયા (આર્યસમાજી) હૈ?'

'ઐસા હી સમઝો.'

પેલો મારાથી આઠક ફૂટ દૂર બેઠેલો. એણે એના હાથમાંથી વેંત લાંબી ચલમ મારૂ કપાળ નોંધીને છુટ્ટી લગાવી. સીધી આવીને કપાળના ઉપરવાડે ચોંટી. અરધા ઈંચનો જખમ. લોહીથી વાળ ભીના થયા. ટપકવા લાગ્યું.
'ઔર ભી માર સકતે હો. ફિર ભી કહૂંગા, ગાંજા પીના ગંદી આદત હૈ.'
પેલો ઘટિંગણ મને બગલ તલે દાબીનેય ડાક ખેડવી નાખે એવો અલમસ્ત, પણ મારા માથામાંથી લોહી ટપકતું જોતાં જ આસપાસના નાગાઓ મારી તરફ થઈ ગયા. પેલા ખવીસ ક્રોધી તરીકે નામચીન હતો જ. 'છોટા હૈ ઈસ વાસ્તે તું એને સતાવે છે? હરામખોર! બિચારાનું માથું ફાડી નાખ્યું.' કહીને ફરી વળ્યા ને એેને કૂણો કર્યો.
પછી એની જ સાફી ચીમટા વડે ધૂણી પર બાળીને મારા ઘા ઉપર દાબી. નાગાઓની જમાતમાં બીજું કપડું ચીંદરડું પણ કયાંથી લાવે?
આ નાગાએ મારે માથે જિંદગીભરને સારૂ એના સંભારણાની મહોર મારી. વર્ષો પછી અક દાકતરે ઘાની નિશાનીવાળી જગા જોઈને કહેલું કે,ઘા સળીપૂર વધુ ઊંડો ગયો હોત તો તત્કાળ મૃત્યુ નીપજ્યું હોત.'
સ્વામી આનંદનાં લખાણ ફરી ફરીને વાંચવાનું મન થયા કરતું હોય તો એમાં કશું નવાઈ પામવા જેવું ખરૂ?

                                            0 0 0