Friday, December 15, 2017

કામ પાછળ ધકેલ્યા કરવાની કુટેવ

Sandesh - Ardh Saptahik Purti - November 29, 2017
ટેક ઓફ

કામ શરૂ ન કરવા માટે આપણે સૌ અલગ-અલગ ટેક્નિક અજમાવતા હોઈએ છીએ. જેમ કે, ફ્રેશ થઈને, ચાનો મગ લઈને કામ કરવા કમ્પ્યૂટર સામે ગોઠવાયા પછી કામ શરૂ કરી દેવાને બદલે અમુક લોકો ઇ-મેઇલ ચેક કરવા માંડશે. કોઈ વળી ઇન્ટરનેટ પર સર્ફિંગ શરૂ કરી દેશે. કોઈને કામ કરવાના સમયે જ એકાએક ડ્રોઅર સાફ્ કરી નાખવાની તલબ લાગે. કોઈ પેન્સિલની અણીઓ કાઢવા લાગે. કોઈ ટેબલ પર આડાઅવળાં પડેલાં કાગળિયાંમાંથી ઉપયોગી અને બિનઉપયોગી કગળ અલગ કરવા બેસી જાય. ઠાગાઠૈયા કરવાની પણ એક પેટર્ન હોય છે. 


શું તમે કામઢા માણસ છો? તમારાં બધાં કામ સમયસર કરી નાખો છો? શકય છે કે તમે સ્વભાવે આળસુ ન હો તો પણ અમુક કામ પાછળ ઠેલ્યા કરતા હો. તમને કામ શરૂ કરવાનો જ કંટાળો આવે. કામ તરત હાથમાં લઈને, ટાઇમ પર પૂરું કરીને ફ્રી થઈ જવાને બદલે સતત પોસ્ટપોન કરતાં રહેવાનું મન થાય. કયારેક ભલભલા સિન્સિયર માણસો પણ અમુક કામ પાછળ ધકેલ્યા કરતા હોય છે. આ બૂરી આદતને અંગ્રેજીમાં પ્રોક્રાસ્ટિનેશન કહે છે. આ કુટેવ આપણામાંના મોટા ભાગના લોકો વત્તેઓછે અંશે ધરાવતા હોય છે.
બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ નામનાં એક અમેરિકન મહિલાએ લોકોના કામમાં વિલંબ કર્યા કરવાની વર્તણૂકનો સરસ અભ્યાસ કર્યો છે. તેઓ અમેરિકાની ઇન્ડિયાના યુનિવસિર્ટીમાં વિદ્યાર્થીઓને કમ્યુનિકેશન સંબંધિત વિષયો તેમજ કૌશલ્ય શીખવે છે. દુનિયાભરમાં ફ્રીને એમબીએ ક્રતા વિદ્યાર્થીઓને કેચિંગ આપે છે. તેઓ કહે છે કે સૌથી પહેલાં તો, તમને ખરેખર કામ પાછળ ઠેલ્યાં કરવાની બીમારી છે કે કેમ વિશે એકદમ સ્પષ્ટ થઈ જાઓ. શકય છે તમને આ બીમારી ન પણ હોય. ધારો કે આજે તમારે આખા દિવસમાં દસ કામ કરવાનાં છે. તમે અમુક કામ પહેલાં હાથમાં લેશો, અમુક કામ સાંજ માટે બાકી રાખશો. માની લો કે દિવસ પૂરો થાય ત્યાં તમારાં લિસ્ટમાંથી દસમાંથી સાત કામ થયાં હોય અને ત્રણ રહી ગયાં હોય. તો એનો અર્થ એવો ન થાય કે તમને કામ પાછળ ઠેલવાની કુટેવ છે એટલે ત્રણ કામ કરવાનાં રહી ગયાં. આનો અર્થ એ થાય કે તમે તમારાં કામોનો અગ્રતાક્રમ નક્કી કર્યો હતો. કામની પ્રાયોરિટી સમજવી અને એ પ્રમાણે આગળ વધવું એ તો ગુણ કહેવાય. ત્રણ કામ બાકી રહી ગયાં એનો મતલબ એટલો જ કે જે-તે કામ પૂરાં કરતાં કેટલો સમય લાગશે તેનો અંદાજ બાંધવામાં તમે થોડી ભૂલ કરી બેઠા, એટલું જ.
માનો કે મામલો પ્રાયોરિટી પ્રમાણે કામ કરવાનો નહીં, પણ તમને સાચ્ચે જ કામને પાછળ ઠેલ્યા કરવાની બૂરી આદત છે. તમે એક મોટો અને મહત્ત્વનો પ્રોજેકટ હાથમાં લીધો હોય, જે ચાર મહિનામાં પૂરો કરવાનો હોય, એમાંથી બે મહિના ઓલરેડી પસાર થઈ ગયા હોય છતાંય ‘અરે, હજુ તો બહુ વાર છે’ એવું વિચારીને તમે તે પાછળ ધકેલ-ધકેલ કર્યા જ કરતા હો તો એ સો ટક પ્રોક્રાસ્ટિનેશનનું જ લક્ષણ છે. આવી વર્તણૂક શી રીતે સુધારવી?
સૌથી પહેલાં તો એ જુઓ કે તમે સામાન્યપણે કયાં પ્રકારના કામ પાછળ ઠેલો છો? કેવાં કામ કરવામાં તમને મજા આવતી નથી? બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ કહે છે કે તમે કાગળ-પેન લો અને કંટાળાજનક કે અઘરાં લાગતાં કામોનું લિસ્ટ બનાવો. શું આ લિસ્ટમાં કોઈ પેટર્ન જોવા મળે છે? શકય છે કે આ કામોમાં અમુક વસ્તુ કોમન હોય. રોહન મહેતા નામના એક કાલ્પનિક મહાશયનું ઉદાહરણ લઈએ. કોઈ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરતા રોહનભાઈ સામાન્યપણે આ ત્રણ કામ પાછળ ઠેલતા હોય છેઃ એક, રિપોર્ટ લખીને મોકલવો. બે, ઇ-મેઇલ કે પત્રોના જવાબ આપવો. ત્રણ, થેન્કયુ નોટ્સ મોકલવી. આ ત્રણેય કામમાં લખવું કોમન છે એ તમે નોંધ્યું? આનો અર્થ એ કે ફ્લ્ડિ વર્ક, મિટિંગો અને એવાં બીજા કેટલાય કામ કરવામાં કયારેય ઢીલ કરતા રોહનભાઈ ફ્કત કશુંક લખવાનું કામ આવે ત્યારે જ ઠાગાઠૈયા શરૂ કરી દે છે.
જો તમને અણગમતાં કામનું લિસ્ટ બનાવવાનું ન ફવે તો મનગમતાં કામોનું લિસ્ટ બનાવો. પછી જુઓ કે લિસ્ટમાં કયાં કામોનો સમાવેશ ન થયો? આ એ કામો હોવાનાં જે તમે સામાન્યપણે પોસ્ટપોન કરતાં રહો છો.
આપણે ઠાગાઠૈયા કઈ રીતે કરીએ છીએ? આનીય એક ડિઝાઇન હોય છે. કામ પાછળ ઠેલવાનું શરૂ કરીએ ત્યારે આપણા મનમાં અમુક પ્રકારના વિચાર આવતા હોય છે. જેમ કે, ‘ઓહ, આ પ્રોજેકટ તો માટે છેક જાન્યુઆરીમાં સબમિટ કરવાનો છે. હજુ તો ઘણી વાર છે’ અથવા ‘ડેડલાઇનનું પ્રેશર હોય તો જ હું વધારે સારું કામ કરી શકું છું’ અથવા ‘આ કામ હાથમાં લેતાં પહેલાં મને ફ્લાણું-ફ્લાણું કામ કરી નાખવા દે’… અને બસ, પત્યું. તમારું કામ પાછળ ઠેલાઈ ગયું. આ આપણા અળવીતરા મનની અવળચંડાઈ છે, કામને પાછળ ધકેલવાની. આથી મનમાં આવા વિચારો જાગે તે સાથે જ સભાન બની જાઓ. તરત પોતાની જાતને કહો કે, દોસ્ત, આ વિચારો ડેન્જર સાઇન છે, સંભાળજે!
કામ શરૂ ન કરવા માટે આપણે સૌ અલગ-અલગ ટેક્નિક અજમાવતા હોઈએ છીએ. જેમ કે, ફ્રેશ થઈને, ચાનો મગ લઈને કામ કરવા કમ્પ્યૂટર સામે ગોઠવાયા પછી કામ શરૂ કરી દેવાને બદલે અમુક લોકો ઇ-મેઇલ ચેક કરવા માંડશે. કોઈ વળી ઇન્ટરનેટ પર સર્ફિંગ શરૂ કરી દેશે. અવળચંડું મન તે વખતે બહાનું તૈયાર રાખે કે ના ના, આ તો હું મારા કામને લગતી વેબસાઇટ્સ પર જ લટાર મારી રહૃાો છું. કોઈને કામ કરવાના સમયે જ એકાએક ડ્રોઅર સાફ્ કરી નાખવાની તલબ લાગે. કોઈ પેન્સિલની અણીઓ કાઢવા લાગે. કોઈ ટેબલ પર આડાઅવળાં પડેલાં કાગળિયાંમાંથી ઉપયોગી અને બિનઉપયોગી કગળ અલગ કરવા બેસી જાય. કોઈ ડેસ્કટોપ પરથી નકામા ફોલ્ડર્સ અને ફાઇલોને યોગ્ય જગ્યાએ સેવ કરવાનું કે ડિલીટ કરવાનું શરૂ કરી દે. અમુક્ લોકો આખા દિવસનાં કે આખા અઠવાડિયાના કે આખા મહિનાના કામોનું પ્લાનિંગ કરવા માંડે.
આ કામમાં પા-અડધી-પોણી કલાક કયાં જતી રહે એની ખબર પણ ન પડે. પછી એવું વિચારીને જાતને છેતરીએ કે આ તો પ્રોડકિટવ એકિટવિટી હતી, આને કંઈ સમય વેડફ્યો ન કહેવાય! સચ્ચાઈ એ છે કે આપણે જે કામ કરવા બેઠા હતા તે હજુ શરૂ થયું નથી ને પાછળ ધકેલાઈ ગયું છે. કામ શરૂ કરવાના સમયે તમે કઈ બિનજરૂરી એકિટવિટીઝ કરો છો? વિચારજો.
સો મણનો સવાલ એ છે કે આપણી આવી વર્તણૂકનું કારણ શું છે? શા માટે આપણે કામને પાછળ ઠેલીએ છીએ? આનાં એકાદ-બે નહીં, પૂરાં પાંચ કારણો છેઃ પહેલું, આત્મવિશ્વાસનો અભાવ. તમારે કામ તો કરવું છે, પણ એ કામ સારી રીતે કરતાં આવડશે કે કેમ એની ખાતરી નથી. બીજું, એકાગ્રતાનો અભાવ. તમારું ધ્યાન આસાનીથી બીજી વાતો તરફ્ તણાઈ જાય છે. ત્રીજું કારણ, તમે ગભરાઈ ગયા છો. કામ એવડું મોટું છે કે કયાંથી શરૂ કરવું તે જ સમજાતું નથી. ચોથું કારણ, ક્રિયેટિવ અથવા મેન્ટલ બ્લોક. તમે ધમાકેદાર કામ કરવા માગો છો, પણ મનમાં આઇડિયાઝ જ આવતા નથી. પાંચમું અને છેલ્લું કારણ, તમને તમારા કામથી સખ્ખત ત્રાસ થાય છે.
હવે પાંચેપાંચ કારણોની વારાફ્રતી ચર્ચા કરીએ અને તે દૂર કરવાના ઉપાયો જોઈએ.
આત્મવિશ્વાસનો અભાવઃ તમને એવું લાગતું હોય કે જે કામ હાથ પર લેવા માગો છો તે માટેનાં જરૂરી કૌશલ્ય, આવડત કે ટેલેન્ટ તમારામાં નથી. તમને થાય કે આ કામ કરવામાં હું કાચો પડીશ તો? કોન્ફ્ડિન્સની આવી ઓછપને કારણે તમે કામ પાછળ ઠેલ્યા કરતા હો, એવું બને. ધારો કે તમારે અંગ્રેજીમાં રિપોર્ટ તૈયાર કરવાનો છે, પણ તમારું અગ્રેજી કાચું છે. તમારી ભાષા, વાકયરચના આ બધામાં બહુ લોચા છે. તમને ડર હોય કે જો હું રિપોર્ટ તૈયાર કરીશ તો બધાને ખબર પડી કે તમારું લિખિત અંગ્રેજી કેટલું ખરાબ છે.
તો આવી પરિસ્થતિમાં શું કરવાનું? આ પ્રશ્નનો ઉત્તર અને આગળની વાત હવે પછીના લેખમાં.

0000

પહેલાં પ્રોડક્શન, પછી પરફેક્શન!


ટેક ઓફ 


તો, વાત કામને પાછળ ધકેલ્યા કરવાની કુટેવ યા તો પ્રોક્રાસ્ટિનેશન વિશે ચાલતી હતી. બ્રેન્ડા બેઇલી-હૃાુજીસ નામનાં અમેરિકાની ઇન્ડિયાના યુનિવસિર્ટી સાથે સંકળાયેલાં કમ્યુનિકેશન એકસપર્ટ કહે છે કે જેને આટોપ્યા વગર આપણો છૂટકો જ ન હોય એવાં મહત્ત્વનાં કામોને આપણે પોસ્ટપોન કર્યા કરતા હોઈએ તો એવી વતર્ણૂક પાછળ પાંચ પરિબળ કામ કરતાં હોઈ શકે. પહેલું પરિબળ અથવા કારણ છે, આપણે ગયા લેખમાં જોયું તેમ, આત્મવિશ્વાસનો અભાવ. તમે કામ હાથ પર લેવા માગતા તો હો, પણ મનમાં ડર હોય કે મને આ નહીં આવડે તો? હું કાચો પડીશ તો?
ધારો કે તમે રિપોર્ટ્સ તૈયાર કરવાનું અને ઇમેઇલ્સના જવાબ આપવાનું કામ કાયમ પાછળ ઠેલતા હો છો. એનું મુખ્ય કારણ તમારું કાચું અંગ્રેજી છે. તો શું કરવાનું? ખુદની કચાશ દૂર કરવાના નક્કર પ્રયત્ન કરવાના. અંગ્રેજી ગ્રામરના પદ્ધતિસર કલાસ લો. અંગ્રેજીનું ટયુશન રાખો. વ્હાય નોટ? ખુદને વધારે સજ્જ બનાવવા માટે જે કંઈ થઈ શકે તે બધું જ કરવાનું. હવે તો ઓનલાઇન પણ ઘણું બધું શીખી શકાય છે. શબ્દભંડોળ વધે તે માટે અંગ્રેજી વાંચન વધારો. તમારી દષ્ટિએ જેમને ઇમેઇલ્સ જવાબ અને રિપોર્ટ્સ લખતાં સરસ આવડે છે એનો અભ્યાસ કરો. આ રીતે આત્મવિશ્વાસ વધશે. આટલું કર્યા પછી ઇમેઇલ કે રિપોર્ટ લખવા બેસો ત્યારે જાત સાથે સંવાદ કરો કે, ‘હું ભલે શ્રેષ્ઠ લેખક ન હોઉં, પણ મેં પ્રયત્નો કર્યા છે. ભુલો તો બધાથી થાય, મારાથી પણ થશે, એમાં શું? હું સતત ઇમ્પ્રુવ થઈ રહૃાો છું એટલું ઓછું છે?’
એ પણ ચકાસો કે પોતાની જાત માટે તમે વધારે પડતાં ઊંચા ધારાધોરણો કે અપેક્ષાઓ તો નથી રાખ્યાંને? હું અંગ્રેજીમાં ચાર વાકય લખું તો એ શેકસપિયરના અંગ્રેજીને ટકકર મારે એવાં જ લખું એવું માઇન્ડસેટ નહીં રાખવાનું. કામ પાછળ ઠેલ્યા કરવાની કુટેવ ધરાવનારાઓએ આ સૂત્ર હંમેશાં યાદ રાખવાનું: પહેલાં પ્રોડક્શન, પછી પરફેક્શન! સૌથી પહેલાં તો કામ પૂરું કરી નાખો, પછી એને પરફેક્ટ કરવાની કોશિશ કરો.
કામને પોસ્ટપોન કરવાનું બીજું સંભવિત કારણઃ સતત ધ્યાનભંગ થતાં રહેવું. તમે કામમાં પૂરેપૂરું મન પરોવી શકતા નથી? તે માટે તમારી કામની જગ્યા અનુકૂળ હોવી જોઈએ. તમારું ટેબલ, કયુબિકલ, કેબિન કે રુમ અસ્તવ્યસ્ત પડયાં હોય તો પહેલાં એને ઠીકઠાક કરો. બહાર બહુ ઘોંઘાટ થતો હોય તો દરવાજો અને બારી બંધ કરો. મોબાઇલ ફોન સાઇલન્ટ કરીને હાથ ન પહોંચે એટલો દૂર મૂકી દો. તમારા કમ્પ્યુટરનું ઇન્ટરનેટ કે વાઇ-ફાઇ કનેકશન ઓફ કરો કે જેથી થોડી થોડી વારે ફેસબુક પર આંટો મારવાનું મન ન થાય. કોઈ કલીગ આવીને કહે કે, ‘ચાલ, કેન્ટીનમાં નાસ્તો કરતા આવીએ’ અથવા ‘ચાલ, જરા બહાર સિગારેટ પીતા આવીએ ને પગ છુટ્ટો કરતા આવીએ’ અથવા ‘ચાલ, આ શનિ-રવિમાં માથેરાન (કે દીવ-દમણ) જવાનું પ્લાનિંગ કરીએ’, તો એને પ્રેમથી કહેવાનું કે દોસ્ત, મને ફ્કત ત્રીસ મિનિટ આપીશ? આ કામ પુરું થાય એટલે હું જ સામેથી તારી પાસે આવું છું.
ત્રીસ મિનિટનું જ ટાર્ગેટ રાખો. આ સળંગ અડધી કલાક દરમિયાન નો ફેન, નો ઇન્ટરનેટ, નો સોશિયલ મિડીયા, નો કેન્ટીન. ફ્કત કામ. દર ત્રીસ મિનિટ પછી દસ મિનિટનો મસ્ત બ્રેક લઈ લેવાનો. દસ-પંદર જ મિનિટ હં, વધારે નહીં.
પ્રોક્રાસ્ટિનેશનનું ત્રીજું કારણઃ કામનું કદ જોઈને થતી ગભરામણ. કયારેક કામ એટલું મોટું હોય કે એ ક્યારે પૂરું થશે તેનો વિચાર કરતાં જ ગાત્રો ઠંડાં થઈ જાય, પરસેવો છૂટી જાય ને આપણે કામ શરુ જ ન કરીએ. આવા કેસમાં કામને નાના નાના હિસ્સાઓમાં વિભાજિત કરી દેવા જોઈએ. ધારો કે તમારા કામમાં નાનાં-મોટાં કુલ એકસો સ્ટેપ છે. તો આખા કામને, ફોર એકઝામ્પલ, પચાસ ટુકડાઓમાં પહેંચી દો. મારે રોજ બે સ્ટેપ કરવાનાં છે એટલું જ મનમાં રાખો અને એટલા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરો. એક ફયનલ ડેડલાઇનને બદલે વચગાળાની ત્રણ-ચાર ડેડલાઇન નકકી કરો. દર અમુક્ દિવસે આટલું-આટલું કામ થઈ જવું જોઈએ. આ રીતે આગળ વધવાથી કામ ઓછું ડરામણું લાગશે.
મેન્ટલ બ્લોક. આ છે ચોથું સંભવિત કારણ. કામ કરવું તો છે, પણ મનમાં આઇડિયા સૂઝે નહીં.
ક્રિયેટિવિટી પર કોઈએ તાળું મારી દીધું હોય એવું લાગે. આવી સ્થિતિમાં કયારેક કામ કરવાની જગ્યા બદલવાથી ફયદો થતો હોય છે. તમારી કેબિન કે કયુબિકલમાંથી બહાર આવીને ઓફ્સિમાં બીજી કોઈ જગ્યાએ જઈને બેસો. ગાર્ડન, બાલ્કની કે ટેરેસમાં જઈને બેસો. ક્યારેક સવારે સાત વાગ્યામાં ઓફ્સિ આવી જાઓ. આખો દિવસ કમ્પ્યુટર સાથે ચોંટેલા રહેેતા હો તો, ફેર અ ચેન્જ, પેન અને પેપર લઈને કામ કરી જુઓ. ટૂંકમાં, કામનો માહોલ બદલો.
ક્રિયેટિવ કામમાં કોઈ બાઉન્સિંગ બોર્ડ એટલે કે તમારા કામમાં ઊંડો રસ લઈને યોગ્ય સવાલો પૂછી શકે એવો સરસ શ્રોતા મળી જાય તો ખૂબ ફયદો થતો હોય છે. તમારા દોસ્ત કે કલીગ સાથે ડિસ્કસ કરો. કયારેય મૂંગા મૂંગા કામ કરવાને બદલે બોલવાથી મનમાં નવા વિચારો પ્રગટતા હોય છે. પોતાની જાત પાસેથી વધારે પડતાં અપેક્ષા કે અશકય કહેવાય એટલાં ઊંચાં ધારાધોરણ ન રાખવાની વાત અહીં પણ લાગુ પડે છે.
કમ પાછળ ઠેલવાનું પાંચમું અને છેલ્લું સંભવિત કારણ. કામનો ત્રાસ. જે કામ કરવાનું છે એ તમને દીઠું ગમતું ન હોય. તમને એના વિચાર માત્રથી ત્રાસ છૂટતો હોય. આવી સ્થિતિમાં શું કરવું? પોતાની જાતને ઇનામ આપવાનું શરુ કરો. વીસ ટકા કામ પૂરું થાય ત્યારે આટલું ઇનામ, ચાલીસ ટકા પૂરું થાય ત્યારે આટલું ઇનામ અને આખું પૂરું થઈ જાય ત્યારે જમ્બો ઇનામ! આ ઇનામ તમારે જ નક્કી કરવાનું. જેમ કે, આટલું કામ પૂરું થયા પછી હું મસ્તમજાની ફ્લ્મિ જોવા જઈશ અને એયને કોઈ પણ જાતના ગિલ્ટ વગર ટેસથી પોપકોર્ન-બર્ગર-પેપ્સીનો કોમ્બો ખાઈશ! અથવા, આટલું કામ પૂરું થયા પછી હું મારા માટે હાઇક્લાસ જીન્સ-ટીશર્ટ (અથવા સલવાર કમીઝ, સાડી, વોટેવર) ખરીદીશ! આખું કામ પૂરું થયું થયા પછી હું ચાર દિવસની રજા લઈશ અને ફેમિલી અથવા ફ્રેન્ડ્સ સાથે ગોવા-બોવા ફરી આવીશ! આ ઇનામની લાલચે તમે કામ કર્યે રાખશો.
નક્કી કરો કે હું કામ રોજ પા કલાક કરીશ જ. રીતસર પા કલાકનું એલાર્મ સેટ કરો. પંદર મિનિટ થાય એટલે ઊભા થઈ જવાનું. પછી પોતાની જાતને સવાલ કરોઃ શું આ કામ ખરેખર હું ધારું છું એટલું ભયંકર છે? જવાબ મોટે ભાગ ‘ના’ મળશે. એક વાર શરુઆત થશે એટલે પછી ગાડી એને મેળે ચાલવા લાગશે. પા કલાક કયારે અડધી કલાક અને અડધી કલાક કયારે એક-બે કે ઇવન ત્રણ કલાક થઈ જશે એની ખબર પણ નહીં પડે.
બસ, એક વાર આ ઢીલ અથવા પ્રોક્રાસ્ટિનેશન નામના ભૂતની ચોટલી હાથમાં આવી જાય એટલે ગંગા નાહૃાા. વાત પાતાની જાત પાસેથી કામ લેવાની છે. માઇન્ડસેટમાં જરુરી ફેરફર કરવાની છે. તો ચાલો, કાગળ-પેન હાથમાં લો. એક ખાનામાં તમે કયાં કયાં કામ કરવામાં ઢીલ કરો છો એનું લિસ્ટ બનાવો, બીજા ખાનામાં ‘હું કઈ રીતે કામ પાછળ ધકેલું છું?’ એની યાદી તૈયાર કરો અને ત્રીજા ખાનામાં ‘હું શા માટે કામને ધકેલ્યા કરું છું?’ તે લખો. પછી હું આ અને ગયા લેખમાં જે ચર્ચા કરી એના આધારે મનોમન પ્રોક્રાસ્ટિનેશનથી પીછો છોડાવવાની સ્ટ્રેટેજી ઘડી કાઢો ને એનો અમલ શરુ કરી દો. શુભસ્ય શીધ્રમ!

0 0 0 

Wednesday, December 13, 2017

દૃુનિયાભરની સ્ત્રીઓએ મતાધિકાર માટે સંઘર્ષ કરવો પડ્યો છે!

સંદૃેશ - અર્ધસાપ્તાહિક પૂર્તિ - બુધવાર  - ૧૩ ડિસેમ્બર ૨૦૧૭ 

ટેક ઓફ

કારને સહેજ દૃૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદૃાન કરતી ગામડાગામની મહિલાઓનાં દૃશ્યો આજે ચૂંટણીપ્રક્રિયાનાં સર્વસામાન્ય દૃશ્યોે છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દૃુનિયાભરના દૃેશોમાં સામાન્યત: સ્ત્રીઓને મતદૃાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે.





તો, ગુજરાતની ચૂંટણીના બીજા તબકકા હેઠળ આવતી કાલે મતદૃાન થશે. ગુજરાતના કુલ પુરુષ મતદૃારોનો ઓફિશિયલ આંકડો ૨,૨૫,૫૭,૦૩૨ છે. કુલ સ્ત્રી મતદૃારોની સંખ્યા છે ૨,૦૭,૫૭,૦૩૨. જે સંપૂર્ણ નર પણ નથી કે સંપૂર્ણ માદૃા પણ નથી એવા થર્ડ જેન્ડર મતદૃાતાઓની સંખ્યા ૧૬૯  છે! કુલ મતદૃારો: ૪,૩૩,૧૧,૩૨૧.

કારને સહેજ દૃૂર સાઇડમાં પાર્ક કરીને, મેનીક્યોર કરેલી આંગળી પર કાળું ટપકું મૂકાવીને વોટિંગ કરતી શહેરની આધુનિકાઓ કે સાડલાનો છેડો માથા પર ખેંચીને મતદૃાન કરતી ગામડાગામની મહિલાઓનાં દૃશ્યો આજે ચૂંટણીપ્રક્રિયાનાં સર્વસામાન્ય દૃશ્યોે છે, પણ આ સ્થિતિ હંમેશાં નહોતી. દૃુનિયાભરના દૃેશોમાં સામાન્યત: સ્ત્રીઓને મતદૃાન કરવાનો અધિકાર પુરુષો કરતાં મોડો મળ્યો છે. સ્ત્રીઓને મતાધિકાર આપનાર દૃુનિયાનો સૌથી પહેલો દૃેશ ન્યુઝીલેન્ડ છે. ૧૮૯૩માં, એટલે કે આજથી લગભગ સવાસો વર્ષ પહેલાં, બ્રિટીશરોમાં તાબા હેઠળના ન્યુઝીલેન્ડમાં કાયદૃો બનાવવામાં આવ્યો કે સ્ત્રી મતદૃાન કરી શકશે, પણ પાર્લામેન્ટની ચૂંટણી લડી નહીં શકે! પછીના વર્ષે, ૧૮૯૪માં ઓસ્ટ્રેલિયાએ કાયદૃો બનાવ્યો કે સ્ત્રીઓ મતદૃાન પણ કરી શકશે અને પાર્લામેન્ટની ચૂંટણી માટે ઉમેદૃવારી પણ નોંધાવી શકશે.

સ્ત્રીઓ અને પુરુષો બન્નેને એકસાથે મતાધિકાર આપનાર ફિનલેન્ડ દૃુનિયાનો પહેલો દૃેશ બન્યો, ૧૯૦૬માં. સ્ત્રીઓને મતાધિકાર પ્રદૃાન કરનાર  આ પહેલો યુરોપિયન દૃેશ હતો. દૃુનિયાની સૌથી પહેલી મહિલા સાંસદૃ પણ ફિનલેન્ડની વતની હતી (૧૯૦૭). મહિલાઓને મતાધિકાર પ્રદૃાન કરનાર છેલ્લો યુરોપિયન દૃેશ સ્વિત્ઝર્લેન્ડ હતો. આ ગ્લેમરસ બર્ફીલા દૃેશમાં છેક ફેબ્રુઆરી ૧૯૭૧માં સ્ત્રીઓને રાઇટ-ટુ-વોટ મળ્યો. અગાઉ ૧૯૫૯માં મહિલાઓને મતાધિકાર આપવો જોઈએ કે નહીં તે માટેનો જનમત લેવામાં આવ્યો હતો ત્યારે ૬૭ ટકા સ્વિસ પુરુષોએ અભિપ્રાય આપ્યો હતો કે ના, સ્વિસ મહિલાઓને મતાધિકાર આપવાની કશી જરુર નથી! અમેરિકન મહિલાઓ ૧૯૨૦થી વોટ આપતી થઈ. 

ભારતમાં મહિલાઓના મતાધિકારનો ઇતિહાસ શો છે? આ સંદૃર્ભમાં સૌથી પહેલાં તો આ બે અંગ્રેજ અધિકારીઓને યાદૃ કરવા જોઈએ - લોર્ડ એડવિન મોન્ટેગ્યુ કે જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા હતા અને બીજા, લોર્ડ ચેમ્સફોર્ડ કે જે તે સમયના વાઇસરોય હતા. ભારતમાં તે વખતે સ્વરાજની માગણી વધુ ને વધુ ઊંચા અવાજે થવા માંડી હતી. આની પ્રતિક્રિયામાં ઉદૃારમતવાદૃી મોન્ટેગ્યુએ બ્રિટિશ કેબિનેટ સામે ‘ધ ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ ઓફ ફ્રી ઇન્સ્ટિટ્યુશન ઇન ઇન્ડિયા વિથ અ વ્યુ ટુ અલ્ટિમેટ સેલ્ફ ગવર્મેન્ટ', એટલે કે સાદૃી ભાષામાં, ભારતમાં સંપૂર્ણ સ્વરાજ સ્થપાય તે લક્ષ્યને ધ્યાનમાં રાખીને ધીમે ધીમે સ્વતંત્ર રાજકીય સંસ્થાઓની સ્થાપનાની શરુઆત કરવાનો પ્રસ્તાવ મૂક્યો.

લંડનમાં બેઠેલા રાજકારણીઓને, ખાસ કરીને લોર્ડ કર્ઝનને મોન્ટેગ્યુનો આ પ્રસ્તાવ કડવો લાગ્યો. મોન્ટેગ્યુનો પ્રસ્તાવ માન્ય ન થયો, લોર્ડ કર્ઝને રજૂ કરેલો વૈકલ્પિક પ્રસ્તાવ સ્વીકારાઈ ગયો. લોર્ડ કર્ઝને પોતાના પ્રસ્તાવમાં સેલ્ફ-ગવર્મેન્ટ (સ્વરાજ)ની નહીં, પણ માત્ર ગવર્મેન્ટની વાત કરી હતી. આ રીતે ભારતમાં બાઇકેમેરલ (દ્વિપક્ષી) સેન્ટ્રલ લેજિસ્લેચરની સ્થાપના થઈ, જેમાં થોડાક ભારતીય મિનિસ્ટરોની નિમણૂક પણ કરવામાં આવી. આપણી આજની લોકસભા અને રાજ્યસભાનાં બીજ આ રીતે રોપાયાં. મોન્ટફોર્ડ રિફોર્મ્સ (યા તો મોન્ટફોર્ડના સુધારા, ૧૯૧૭) અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એકટ (૧૯૧૯) અનેક રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થયા.


આપણે આજે જેમ પાસવર્ડમાં ઘણીવાર પહેલાં ચાર અક્ષર નામના અને છેલ્લા ચાર અક્ષર અટકના વપરાય છે તેમ ‘મોન્ટફોર્ડ' શબ્દૃ પણ બે અલગ અલગ ઓળખનું જોડકું છે. મોન્ટ એટલે લોર્ડ મોન્ટેગ્યુ અને ફોર્ડ એટલે લોર્ડ ચેમ્સફોર્ડ. અગાઉ નોંધ્યું તેમ, મોન્ટેગ્યુ ભારત આવ્યા ત્યારે ચેમ્સફોર્ડ ભારતના વાઇસરોય હતા. રાજકીય સુધારા લાગુ પાડતા પહેલાં તેઓ ભારતની પ્રવર્તમાન મિજાજનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા માગતા હતા. કેટલીક મહિલા અગ્રણીઓને આમાં સ્ત્રીઓ માટે રાજકીય અધિકારોની માગણી કરવાની ફાંકડી તક દૃેખાઈ. સરોજિની નાયડુની નેતાગીરી હેઠળ મહિલાઓના એક પ્રતિનિધિમંડળે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ સાથે મિટીંગ કરી. કોણ કોણ હતું આ પ્રતિનિધિમંડળમાં? એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ, ડોરોથી જિનારાજાડસા, બેગમ હસરત મોહિની, ડો. જોશી, રાણી રાજવાડે, હીરાબાઈ અરદૃેસર ટાટા, એમની દૃીકરી મિથાન ટાટા, રમાબાઈ રાનડે, સરલાદૃેવી ચટ્ટોપાધ્યાય અને ઉમા નેહરુ.

એની બેસન્ટ, માર્ગારેટ કઝિન્સ અને ડોરોથી જિનારાજાડસાએ સમય પારખીને વીમેન્સ ઇન્ડિયન અસોસિએશનની સ્થાપના કરી. આ ત્રણેય થિયોસોફિકલ સોસાયટી સાથે સંકળાયેલી આઇરિશ મહિલાઓ હતી. આયરલેન્ડ મેં તે વખતે મહિલાઓને મતાધિકાર મળી ચુકયો હતો. મતાધિકારનો જેટલો અને જેવો અધિકાર ભારતીય પુરુષોનો હશે એવો અને એટલો જ અધિકાર ભારતીય મહિલાઓને પણ મળવો જોઈએ એવા મતલબનો પત્ર લખવામાં આવ્યો, તેના પર ભારતના જુદૃા જુદૃા હિસ્સાઓમાં કાર્યરત એવી ત્રેવીસ મહિલા અગ્રણીઓની સહી લેવામાં આવી. તે પત્ર પછી મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડને સુપરત કરવામાં આવ્યો. યાદૃ રહે, ભારતીય મહિલાઓના રાજકીય અધિકારની માગણી ત્યારે થઈ રહી જ્યારે હજુ અમેરિકા અને યુરોપના કેટલાય દૃેશોની મહિલાઓને પણ મતાધિકાર અપાયો નહોતો!

એની બેસન્ટના અધ્યક્ષપદૃે ૧૯૧૭માં કલકત્તામાં યોજેયેલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની મહિલાઓના મતાધિકારની આ ડિમાન્ડ દૃોહરાવવામાં આવી. મુસ્લિમ લીગે ટેકો આપ્યો. આ ડિમાન્ડની પ્રતિક્રિયારુપે પરિસ્થિતિનો તાગ મેળવવા સાઉથબોરો ફ્રેન્ચાઇઝી કમિટીના સભ્યો ૧૯૧૮માં ભારતના પ્રવાસે આવ્યા.  શરુઆતમાં તેમને એવું જરુર લાગ્યું કે ભારતીય મહિલાઓ હજુ મતાધિકાર માટે તૈયાર નથી, પણ સમગ્રપણે તેમને મહિલાઓની આ માગણી સ્વીકાર્ય લાગી. જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટીએ ભારતીય મહિલાઓના મતાધિકારને માન્યતા આપી.  જોેકે લટકામાં એવું પણ ઉમેર્યું કે આ મતાધિકારનો અમલ કયારથી શરુ કરવો તે નક્કી કરવાનો અધિકાર પ્રાંતીય વિધાનસભાનો રહેશે.

પહેલ ત્રાવણકોર-કોચીને કરી.  ૧૯૨૦માં ત્રાવણકોર-કોચીન રજવાડાની સ્ત્રીઓ મત આપવાનો અધિકાર ધરાવતી ભારતની સર્વપ્રથમ મહિલાઓ બની. ૧૯૨૧માં મદ્રાસ અને બોમ્બે સ્ટેટે આ નવા સુધારાનું અનુસરણ કર્યું. ધીમે ધીમે અન્ય પ્રાંતો પણ જોડાયા. ૧૯૨૬માં કમલાદૃેવી ચટ્ટોપાધ્યાય મદ્રાસ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભાં રહ્યાં. બહુ ઓછા માર્જિનથી તેઓ હાર્યાં, પણ ચૂંટણી લડનાર ભારતની સર્વપ્રથમ મહિલા હોવાનું બહુમાન તેમના નામે નોંધાઈ ગયું! ભારતનાં સર્વપ્રથમ ચૂંટાયેલાં લેજિસ્લેટર કાઉન્સિલર ડો. મુથુલક્ષ્મી રેડ્ડી બન્યાં, ૧૯૨૭માં, મદ્રાસમાં. દૃેવદૃાસી કુપ્રથા નાબૂદૃ કરવામાં ડો. મુથુલક્ષ્મી રેડ્ડીનું મોટું યોગદૃાન છે. આ શરુઆત હતી, ભારતીય મહિલાઓના રાજકીય યાત્રાની, જે ૧૯૬૬માં ઇંદિૃરા ગાંધી દૃેશનાં પહેલીવાર વડાંપ્રધાન બન્યાં ત્યારે ચરમસીમા પર પહોંચી ગઈ. આવતી કાલે વોટિંગ કરવા જાઓ ત્યારે કતારમાં મતદૃાતા મહિલાઓને જોઈને ઇતિહાસનો આ ટુકડો યાદૃ કરજો.

બાય ધ વે, સ્ત્રીઓને મતાધિકાર આપનાર દૃુનિયાનો સૌથી છેલ્લો દૃેશ કયો? સાઉદૃી એરેબિયા. સાઉદૃી મહિલાઓને સૌથી પહેલી વાર મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓમાં મત આપવાનો હક છેક હમણાં આપવામાં આવ્યો, ડિસેમ્બર ૨૦૧૫માં! 
000

Friday, December 1, 2017

સ્વામી, સંઘ અને સ્મારક

Sandesh - Ardh Saptahik Purti - November 15, 2017
ટેક ઓફ
સરદાર પટેલે એકવાર એકનાથ રાનડે માટે કહેલું કે, 'લોકો મને લોખંડી પુરુષ કહે છે, પણ એકનાથજીમાં મને પોલાદી માણસ દેખાય છે.' 



સૌથી પહેલાં તો, કેટલી નફ્ટાઈથી અને બેશર્મીથી સોશિયલ મીડિયા પર બનાવટી સમાચાર ચગાવી શકાય છે એનું એક તાજું ઉદાહરણ જોઈ લો. થોડા દિવસો પહેલાં ટ્વિટર પર કોઈ દુષ્ટ અળવીતરાએ ‘બ્રેકિંગ ન્યૂઝ’ વહેતા કર્યા ક્ે, ‘ઉત્તરપ્રદેશના ભદોહી નગરમાં મુસ્લિમોએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું માથું ધડથી અલગ કરી નાખ્યું એવો આક્ષેપ મુકાયો છે. શું ભારત સાઉદી એરેબિયા બની ગયું છે? મીડિયા મૌન ધારણ કરીને બેઠું છે.’ સાથે ખંડિત પ્રતિમાની તસવીર પણ મૂકી હતી.
જોતજોતામાં લાખો-કરોડો લોકો સુધી આ સમાચાર પહોંચી ગયા. આ ‘સમાચાર’ને ક્રોસચેક કરવાની તસદી કોણ લે? ટ્વિટને યથાતથ સ્વીકારીને પ્રતિક્રિયા આપનારાઓની સંખ્યા જોતજોતામાં હજારોમાં પહોંચી ગઈ.
હકીકત શું હતી? અલાહાબાદથી લગભગ ૮૦ કિલોમીટરના અંતરે આવેલા ભદોહી નામના નગરમાં સ્વામી વિવેકાનંદના એક પૂતળાનો શિરચ્છેદ થયો હતો તે વાત સાચી. સૌથી પહેલાં અખંડ ભારત નામની કોઈ ઓછી જાણીતી વેબસાઇટ પર આ સમાચાર મુકાયા હતા. પછી પત્રિકા નામની બીજી વેબસાઇટે આ ન્યૂઝ લીધા. બંને વેબસાઇટના રિપોર્ટમાં કહેવાયું હતું કે વિવેકાનંદની પ્રતિમા ખંડિત કરવાનું કૃત્ય અસામાજિક તત્ત્વોએ કર્યું છે. બેમાંથી એકેય જગ્યાએ આ અસામાજિક તત્ત્વો મુસ્લિમ છે એવો કોઈ ઈશારો સુદ્ધાં નહોતો. મૂર્તિને નુકસાન પહોંચાડનારાની ધરપકડ કરવામાં આવી છે તે વાત પણ આ જ સમાચારમાં સમાવી લેવામાં આવી હતી. ટૂંક્માં, એક ઘટના બની, પ્રશાસને તરત પગલાં લીધાં, વાત પૂરી થઈ ગઈ. ઉત્તરપ્રદેશના મેઇનસ્ટ્રીમ મીડિયાએ આ બનાવની નોંધ સુદ્ધાં ન લીધી.
પણ પેલા ટ્વિટર મહાશયે (એનું નામ લખીને ખોટી પબ્લિસિટી શું કમ આપવી?) આખા ઘટનાક્રમને વિકૃત વણાંક આપી દીધો. વિવેકાનંદની મૂર્તિનું મસ્તક ધડથી અલગ કરી દેનારા સંભવતઃ મુસ્લિમ છે એવું ઉમેરીને આખી વાતને કોમી રંગ આપવાની એણે કુચેષ્ટા કરી નાખી. ટ્વિટર પર તડાફ્ડી બોલી ગઈ પછી આખરે ભદોહીના પોલીસ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરવી પડી કે મૂર્તિને નુકસાન પહોંચાડનાર આરોપી માનસિક રીતે અસ્થિર છે, એને તરત જ એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને એ મુસ્લિમ નહીં, પણ હિંદુ છે.
સોશિયલ મીડિયા પર સેન્સરશિપ ખાસ્સી ઢીલી છે એટલે લોકોને ઉશ્કેરી મૂકે એવા અર્ધસત્યોથી માંડીને મરી-મસાલા ઉમેરેલાં હળહળતાં જૂઠાણાંની ક્યારેક રેલમછેલ બોલતી રહે છે. આ સ્થિતિ ગંભીર જોખમ ઊભાં કરી શકે છે. આવા માહોલમાં ફેસબુસ-વોટ્સએપ-ટ્વિટર વગેરે પર જે કંઈ વાંચવા મળે એમાંથી સતર્ક રહીને સાચું-ખોટું સૂંઘી શકવાની સજ્જતા કેળવવાની જવાબદારી આપણી પોતાની. સ્વામી વિવેકાનંદની પ્રતિમા અથવા સ્મારકની વાત આવે ત્યારે સૌથી પહેલાં આપણાં મનમાં દક્ષિણ ભારતના સાવ છેડે કન્યાકુમારી નજીક આવેલા વિવેકાનંદ શિલા સ્મારકનું સ્મરણ થઈ જાય. આ સ્મારક સાથે એકનાથ રાનડેનું નામ જોડાયેલું છે. ૧૯ નવેમ્બરે, એકનાથજીની ૧૦૩મી જન્મ-જયંતી ઊજવાઈ. ૧૯૧૪માં મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના નાનકડા ગામમાં જન્મેલા એકનાથ રાનડે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નિષ્ઠાવાન કાર્યકર્તા હતા. એમના નામથી આજે લોકો ખાસ પરિચિત નથી એનું મોટું કારણ એ છે કે એમણે પ્રસિદ્ધિની કદી પરવા નહોતી કરી. એમને હંમેશાં માત્ર પોતાના કામથી મતલબ હતો.
આરએસએસના સ્થાપક કે.બી. હેડગેવરનું ૧૯૪૦માં મૃત્યુ થયું પછી માધવ ગોળવળકરે (ગુરુજી) સંઘનું સુકાન હાથમાં લીધું હતું. દેશને આઝાદી મળ્યા પછી નથુરામ ગોડસેના હાથે ગાંધીજીની હત્યા થતાં હાહાકાર મચી જવો સ્વાભાવિક હતો. ગોડસે થોડા સમય માટે સંઘની શાખામાં આવેલો, પણ સંઘની વિચારધારા નરમ લાગતાં એ હિન્દુ મહાસભામાં જોડાઈ ગયો હતો. જવાહરલાલ નહેરુની સરકારે ગાંધીહત્યાને આગળ કરીને સંઘ પર પ્રતિબંધ મૂકયો. ગુરુજી સહિત કેટલાય સ્વયંસેવકોને જેલમાં પુરવામાં આવ્યા. આવા માહોલમાં દેશવ્યાપી સત્યાગ્રહની જવાબદારી એકનાથ રાનડેને સોંપવામાં આવી હતી. ભૂગર્ભમાં રહીને તેઓ સફ્ળતાપૂર્વક સત્યાગ્રહનું સંચાલન કરતા રહૃાા. સરકાર સાથે મંત્રણાનો દોર પણ ચાલુ રાખ્યો. આખરે સત્ય બહાર આવ્યું અને આરએસએસ પરનો પ્રતિબંધ હટાવી દેવો પડયો.
એકનાથ રાનડે સતત કામ કરતા રહૃાા. એમના ભરપૂર પરિશ્રમને પરિણામે બંગાળ, આસામ જેવાં પૂર્વના રાજ્યોમાં સંઘની શાખાઓ ખૂલી. ૧૯૫૩થી ૧૯૫૬ દરમિયાન તેઓ સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ બન્યા, પછીના છ વર્ષ સંઘના જનરલ સેક્રેટરી તરીકે કાર્યરત રહૃાા અને ત્યાર બાદ અખિલ ભારતીય બૌદ્ધિક પ્રમુખ બન્યા. ૧૯૬૩માં ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ ઉજવાઈ. સ્વામીના વિચારોના પ્રચાર-પ્રસારની જવાબદારી એકનાથજીએ ઉપાડી લીધી. એમણે સ્વામીજીનાં સાહિત્યનો ઊંડો અભ્યાસ કર્યો અને ‘રાઉઝિંગ કૉલ ટુ હિન્દુ નેશન’ (હિન્દીમાં ‘ઉતિષ્ઠમ્ જાગ્રત’) નામનું પુસ્તક લખ્યું.

Swami Vivekanand Rock Memorial, Kanyakumair

કન્યાકુમારીથી થોડે દૂર દરિયામાં એક વિરાટ શિલા છે, જે શ્રીપાદ શિલા તરીકે ઓળખાય છે. શિકાગોની પ્રસિદ્ધ વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતા પહેલાં વિવેકાનંદે આ શિલા પર સાધના કરી હતી. રાષ્ટ્રીય સેવક સંઘે નિર્ણય લીધો કે વિવેકાનંદની જન્મ શતાબ્દિ નિમિત્તે શ્રીપાદ શિલા પર એમનું યાદગાર સ્મારક ઊભું કરવું. વિવેકાનંદ શિલા સ્મારક સમિતિની રચના કરવામાં આવી, જેના સંગઠન મંત્રી એકનાથ રાનડેને બનાવવામાં આવ્યા.
કન્યાકુમારીમાં ખ્રિસ્તીઓની સારી એવી વસ્તી. એમની નજર આ શ્રીપાદ શિલા પર હતી. તેઓ ત્યાં મધર મેરીનું દેવળ ઊભું કરવા માગતા હતા. એમણે શિલાને ‘સેન્ટ ઝેવિયર શિલા’ એવું નામ પણ આપી દીધું હતું. સ્વામી વિવેકાનંદના નામની તકતીને ઉખાડીને સમુદ્રમાં ફેંકી દેવાની ઘટના બની હોવાથી આ જગ્યા વિવાદાસ્પદ બની ગઈ હતી. કેરળ અને તામિલનાડુમાં ખ્રિસ્તી પ્રજા ઘણી હોવાથી સરકારે વિવેકાનંદ શિલા સ્મારક સમિતિને વિવેકાનંદનું મેમોરિયલ ઊભું કરવાની પરવાનગી ન આપી.
એકનાથ રાનડેએ તામિલનાડુના તે વખતના મુખ્યમંત્રી ભકતવત્સલમ્ સાથે ઘણી મંત્રણાઓ કરી, પણ પરિણામ શૂન્ય. એકનાથજી તત્કાલીન વડાપ્રધાન નહેરુને પણ મળ્યા, પણ નહેરુજી પોતાની સેક્યુલર ઇમેજ અખંડ રાખવા માગતા હોવાથી વિવેકાનંદના સ્મારકમાં રસ ન દેખાડયો. એકનાથ રાનડેએ ઢીલા પડયા વગર એક પછી એક સાંસદોને વ્યકિતગત સ્તરે મળવાનું શરૂ કર્યું. સ્મારકના સમર્થનમાં એમની સહીઓ લીધી. એકનાથજીએ કુલ ૩૨૩ સાંસદોના દસ્તખતવાળું આવેદનપત્ર નહેરુને સુપરત કર્યું. આવું કશુંય બનશે એવી નહેરુજીએ કલ્પના કરી નહોતી. તેઓ કૂણા પડયા, પોતાનું વલણ બદલ્યું. તામિલનાડુના ચીફ્ મિનિસ્ટરે પણ આખરે હા પાડવી પડી.
સ્વામી વિવેકાનંદના સ્મારક માટે મંજૂરી તો મળી ગઈ, પણ હવે તે માટે જરૂરી ભંડોળ કયાંથી કાઢવું? એકનાથ રાનડે આખા દેશમાં ફ્રી વળ્યા. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદની તસવીરો એક-એક રૂપિયામાં વેચી. તેઓ નાના-મોટા સૌની પાસે દાન લેવા જતા. જે કંઈ રકમ મળે તે સ્વીકારી લેતા. બંગાળ અને કેરળની સામ્યવાદી સરકારોએ પણ યથાયોગ્ય ફળો નોંધાવ્યો. એકનાથે પાઈ-પાઈનો પાક્કો હિસાબ રાખ્યો. કુલ એકત્રિત થયેલી રકમ હતી, એક કરોડ સત્તર લાખ દસ હજાર ચારસો છ રૂપિયા અને છ પૈસા!
૧૯૭૦માં સ્મારકનું નિમાર્ણકાર્ય પૂરું થયું. તેનું ઉદ્ઘાટન કરનાર તત્કાલીન રાષ્ટ્રપતિ વી.વી. ગિરિએ કર્યું, તેઓ સંઘના પ્રખર વિરોધી હતા તો પણ. એકનાથ નહોતા ઇચ્છતા કે શિલા સ્મારક માત્ર એક ટૂરિસ્ટ સ્પોટ બનીને અટકી જાય. તેમણે વિવેકાનંદ કેન્દ્ર નામની સંસ્થા ઊભી કરી. વિવેકાનંદના વિચારોને અનુરૂપ ગરીબો અને વંચિતો માટે એકાધિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. ‘યુવભારતી’ નામના માસિક, ‘બ્રહ્મવાદિન’ નામના ત્રિમાસિક અને ‘વિવેકાનંદ કેન્દ્ર પત્રિકા’ નામના અર્ધવાર્ષિકનું પ્રકાશન હાથ ધરવામાં આવ્યું. આ ત્રણેય સામયિકોના તંત્રી એકનાથ રાનડે હતા. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં વિદેશ મંત્રાલય હેઠળ ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશન્સના સભ્ય બનાવવામાં આવ્યા. એકનાથ રાનડેનું વ્યકિતત્વ એવું હતું કે વિરોધીઓમાં પણ તેઓ સ્વીકૃતિ પામતા. સરદાર પટેલે એકવાર એમના માટે કહેલું કે, ‘લોકો મને લોખંડી પુરુષ કહે છે, પણ એકનાથજીમાં મને પોલાદી માણસ દેખાય છે.’ ભરપૂર જીવનને અંતે ૨૨ ઓગષ્ટ ૧૯૮૨ના રોજ ૬૮ વર્ષીય એકનાથ રાનડેનું નિધન થયું.
સહેજે વિચાર આવે છે. સ્વામી વિવેકાનંદ, ગાંધીજી અને એકનાથ રાનડેના જમાનામાં સોશિયલ મીડિયા આવી ગયું હોત તો કેવો તરખાટ મચી જાત!

0 0 0