Saturday, March 29, 2014

મલ્ટિપ્લેક્સ : વેલ ડન, બોલિવૂડ!


Sandesh - Sanskar Purty - 30 March 2014

મલ્ટિપ્લેક્સ 

'ક્વીન'ની કંગના અને 'અર્થ'ની શબાના આઝમીના ડીએનેએ એકસરખા છે. 'હાઈવે'ની આલિયા અને 'થેલમા એન્ડ લુઈસ'ની સુસન સેરન્ડનનું કુળ એક છે. જીવનનાં મૂળભૂત મૂલ્યો અને સંઘર્ષો બધે એકસમાન જ હોવાના. કોણ કહે છે કે આ બધી ફેમિનિસ્ટ ફિલ્મો છે?

૨૧ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ દરમિયાન ત્રણ પ્રભાવશાળી ફિલ્મો રિલીઝ થઈ - 'હાઈવે', 'કવીન' અને 'લક્ષ્મી'. ત્રણેયમાં સશક્ત સ્ત્રીપાત્રો છે. 'હાઈવે'માં આલિયા ભટ્ટ બાળપણમાં ભોગવેલી પીડામાંથી ધક્કા સાથે બહાર આવે છે, 'ક્વીન'ની કંગના અપમાન અને તૂટેલા સંબંધના ભંગારને દૂર હડસેલીને નવો આત્મપરિચય કેળવે છે, જ્યારે શરીરબજારમાં વેચાઈ ગયેલી 'લક્ષ્મી' હિંમત કરીને નર્કની યાતના પર પૂર્ણવિરામ મૂકે છે. પરિસ્થિતિઓ જુદી જુદી છે, તીવ્રતા અલગ અલગ છે, પણ ત્રણેય ફિલ્મોમાં જિંદગીને કચડી નાખતા ઘટનાક્રમને ઓળંગીને મુક્તિ થવાનો સંઘર્ષ છે, પોતાની જાતને નવેસરથી ઓળખવાની છે, ખુદની ગરિમા અને આત્મસન્માનની રક્ષા કરવાની વાત છે.
આ જ કુળની બે ફિલ્મો યાદ આવે છે. શબાના આઝમી-સ્મિતા પાટિલને ચમકાવતી 'અર્થ' (૧૯૮૨) અને સુસન સેરન્ડન-જીના ડેવિસની 'થેલમા એન્ડ લુઈસ' (૧૯૯૧). 'ક્વીન'ની કંગનાનો સંબંધ ધારો કે બાવીસ-ત્રેવીસને બદલે પાંત્રીસ-ચાલીસ વર્ષની ઉંમરે તૂટયો હોત તો એણે કદાચ એનું વર્તન 'અર્થ'ની શબાના આઝમી જેવું હોત. 'કવીન'ની કંગના અને 'અર્થ'ની શબાનાનાં પાત્રોનાં ડીએનએ એક છે!
'અર્થ'માં શબાના આઝમીનું કિરદાર પૂજા પોતાના પતિ પર સંપૂર્ણપણે નિર્ભર છે. આર્થિક રીતે, લાગણીના સ્તરે, બધી રીતે. પતિ ઈન્દર (કુલભૂષણ ખરબંદા) સિવાય દુનિયામાં એના કોઈ સ્વજનો નથી. પતિ ફિલ્મ ડિરેક્ટર છે. કવિતા (સ્મિતા પાટિલ) નામની ગ્લેમરસ હિરોઈન સાથે એનું એકસ્ટ્રા-મેરિટલ અફેર ચાલે છે. પૂજાને અફેર વિશે ખબર પડે ત્યારે એ માની શકતી નથી. એ પતિને કરગરે છેઃ "ઈન્દર, જે થયું તે થયું, તું બસ ભૂલી જા કવિતાને. આપણે નવેસરથી જિંદગી શરૂ કરીશું..." પણ ઈન્દર પ્રેમિકાથી છેડો ફાડી શકે તેમ નથી. શબાના સ્મિતાને પણ ફોન કરીને કરગરે છેઃ "કવિતા, પ્લીઝ મારું ઘર ન ભાંગ. ઈન્દર સિવાય દુનિયામાં મારું કોઈ નથી..." કવિતા ધડામ કરતી ફોન મૂકી દે છે. અદ્ભુત સીન છે આ. શબાના આઝમીની અભિનયકળાના ઉત્કૃષ્ટ નમૂના એકઠા કરવા હોય તો આ સીનને ટોપ-થ્રીમાં મૂકવો પડે.
'Arth'

ફિલ્મમાં એક ત્રીજું સ્ત્રીપાત્ર પણ છે- રોહિણી હટંગડી, જે શબાનાના ઘરે સાફસફાઈ-વાસણ-કપડાંનું કામ કરવા આવે છે. એનો પતિ દારૂડિયો છે, બીજી સ્ત્રી પાસે જાય છે. હવે શબાના અને એની કામવાળી બાઈ બન્ને એકસરખી સ્થિતિમાં મૂકાઈ ગઈ છે.
દરમિયાન આપણને એટલે કે દર્શકોને ખબર પડે છે કે કવિતાને સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારી લાગુ પડી છે. પૂજા ઘર છોડીને વુમન હોસ્ટેલમાં રહેવા લાગે છે. એને કમાવું છે, પગભગ થવું છે. સદ્ભાગ્યે એની પાસે મિત્રોની હૂંફ છે. રાજ (રાજ કિરણ) નામનો એક ખુશનુમા ગાયક સાથે એનો પરિચય થાય છે. પૂજાને એ ખૂબ આદર અને મોરલ સપોર્ટ આપે છે.
આ બાજુ કવિતા ઈન્દર પ્રત્યે વધુ ને વધુ પઝેસિવ બનતી જાય છે. એને ઈન્દર તરફથી કમિટમેન્ટ જોઈએ છે. પૂજાને જન્મદિવસના દિવસે જ ઈન્દર તરફથી ડિવોર્સના કાગળિયાં મળે છે. પૂજા સહી કરી આપે છે, પણ કવિતાના જીવને તોય નિરાંત નથી. પોતે કોઈનું ઘર ભાંગ્યું છે તે વાતનું ગિલ્ટ તીવ્ર બનતું જાય છે કે પોતાના બિસ્તરની ચાદરમાંથી એને પૂજાની વાસ આવે છે.
દરમિયાન કામવાળી બાઈ રોહિણી હટંગડીના હાથે પોતાના નઠારા પતિની હત્યા થઈ જાય છે. એ જાતે પોલીસ સ્ટેશન જઈને ગુનો કબૂલે છે. એને ચિંતા એક જ વાતની છેઃ "મારી પાંચ-છ વર્ષની દીકરીનું શું થશે? એનું ધ્યાન કોણ રાખશે?" શબાના એને ભરોસો આપે છેઃ "તું ચિંતા ન કર. હું છુંને. હું સાચવીશ તારી દીકરીને."
રાજ પૂજાને પ્રપોઝ કરે છે, પણ પૂજા ના પાડે છે. કહે છેઃ "તું બહુ સારો માણસ છો, રાજ. બહુ સારો દોસ્ત, પણ ઈમોશનલી એટલી બધી ખાલી થઈ ચૂકી છું કે તને આપવા માટે મારી પાસે કંઈ નથી." જોકે, પોતે હજુ ડિઝાયરેબલ છે અને હજુય રાજ જેવો પુરુષ પોતાને પ્રેમ કરી શકે છે તે હકીકતથી પૂજાના આત્મસન્માનને ખૂબ બળ મળે છે. આ બાજુ કવિતાનું ગાંડપણ વધતું જાય છે ને આખરે ઈન્દર સાથેનો સંબંધ તોડી નાખે છે. પ્રેમિકાએ કાઢી મૂકયો એટલે ઈન્દર પાછો પત્ની પાસે આવે છેઃ "પૂજા, આઈ એમ સોરી. મારાથી ભૂલ થઈ ગઈ. કવિતા સાથે મારે હવે કંઈ નથી. મને અપનાવી લે."
શબાના શાંતિથી એની વાત સાંભળે છે. પછી એક જ સવાલ કરે છેઃ "ધારો કે તારી જગ્યાએ હું હોત, મેં પરપુરુષ સાથે સંબંધ બાંધ્યો હોત ને પછી તારી પાસે પાછી ફરી હોત તો શું તું મને અપનાવી લેત?" ઈન્દર કહે છેઃ "ના." શબાના ચહેરા પર પીડાભર્યું વ્યંગાત્મક સ્મિત લાવીને કહે છેઃ "ગુડબાય ઈન્દર." આટલું કહીને એ અંદર જતી રહે છે. પૂજાને હવે પુરુષના સહારાની જરૂર નથી. ઈન્દરના સહારાની તો બિલકુલ નહીં. કામવાળીની દીકરીએ એના જીવનની શૂન્યતાની ભરી દીધી છે, એના જીવનને નવો અર્થ આપ્યો છે. પૂજાના વ્યકિતત્વમાં હવે નવાં આત્મસન્માન, નવી ગરિમાની ચમક આવી ચૂકી છે. 'અર્થ'ની શબાના અને 'ક્વીન'ની કંગના આ બિંદુ પર જાણે કે એકરૂપ થઈ જાય છે.
'Highway' and 'Queen'

'થેલમા એન્ડ લુઈસ' નામની હોલિવૂડની અફલાતૂન ફિલ્મમાં શું છે? બે પાક્કી બહેનપણીઓ છે. થેલમા (જીના ડેવિસ) ભીરુ હાઉસવાઈફ છે. એનો વર એક નંબરનો જડભરત છે. લુઈસ (સુસન સેરેન્ડન) સ્વતંત્ર દિમાગની મજબૂત ઔરત છે. એક રેસ્ટોરાંમાં વેઈટ્રેસ તરીકે કામ કરે છે. એને પતિ નહીં, પણ એક બોયફ્રેન્ડ જરૂર છે.
બન્ને જણીઓ રોડ ટ્રિપ પર નીકળી પડે છે અને રસ્તામાં એક પછી એક અકલ્પ્ય અનુભવો થાય છે. શરૂઆત ક્લબના અંધારિયા પાર્કિંગ લોટથી થાય છે. થેલમાએ એક અજાણ્યા માણસ સાથે જરા હસી-બોલીને વાત કરી તો એણે સમજી લીધું કે આ બાઈ મને લાઇન આપી રહી છે. એ થેલમા પર રેપ કરવાની અણી પર આવી જાય છે. થેલમા રોકે છે તો પેલો જબરદસ્તી પર ઊતરીને એને લાફો મારી દે છે. ત્યાં લુઈસ આવી પહોંચે છે. એ ત્રાડ પાડે છેઃ "આંધળો છે તું? દેખાતું નથી તને? આ છોકરી રડી રહી છે, કરગરી રહી છે તોય તને લાગે છે કે એને મજા આવી રહી છે?" પેલો આદમી થેલમાને છોડી દે છે. બન્ને સ્ત્રીઓ બહાર નીકળવા પગ ઉપાડે છે ત્યાં જ પાછળથી પેલો ગંદી ગાળ બોલીને કંઈક ઘટિયા અને અપમાનજનક કોમેન્ટ કરે છે. લુઈસની કમાન છટકે છે. ક્રોધથી કાળઝાળ થઈને એ ગોળી મારી દે છે. પેલાના રામ રમી જાય છે.
પોલીસ પાછળ પડે છે ને પછી શરૂ થાય છે ઉંદર-બિલાડાની રમત. થેલમાને સમજાતું નથી કે પેલા માણસને જાનથી મારી નાખવાની શી જરૂર હતી? કેમ એની કોમેન્ટથી લુઈસ આટલી ભયાનક રીતે ભડકી ઊઠી? પ્લાનિંગ એવું છે કે કારમાં દક્ષિણ તરફ ભાગતા રહેવું અને અમેરિકાની બોર્ડર ક્રોસ કરીને મેક્સિકોમાં ઘૂસી જવું. આમ કરવા માટે ટેક્સાસમાંથી પસાર થવું પડે, પણ આ શહેરનું નામ પડતાં જ લુઈસ આતંકિત થઈ જાય છે. એ થેલમાને ચોખ્ખું કહે છેઃ "તું આના વિશે મને ક્યારેય કશુંય પૂછતી નહીં."
'Thelma and Louise'

ફિલ્મનો અંત દર્દનાક છે. પોલીસના હાથે પકડાઈ જવા કરતાં સ્ત્રીઓ કાર સહિત ખીણમાં કૂદી પડીને જીવ દઈ દેવાનું પસંદ કરે છે. અંતિમ ઘડીએ બન્નેની આંખોમાં ખુમારી છે. જીવન પોતાની રીતે જીવાયું કે ન જીવાયું, પણ મોત પર પોતાનો અંકુશ છે તે વાતનો સંતોષ છે.
'થેલમા એન્ડ લુઈસ'માં કેવળ એક્શન અને એડવેન્ચરની સપાટીની નીચે ઘણું બધું બનતું રહે છે. આ સ્ત્રીઓ શું કામ આ રીતે વર્તી રહી હતી? લુઈસનાં જીવનમાં એવું તે શું બની ગયું હતું? શું લુઈસ સાથે ભૂતકાળમાં કોઈ દર્દનાક ઘટના બની ચૂકી છે, જેનો સંબંધ ટેકસાસ સાથે હતો? 'હાઈવે'માં આલિયા ભટ્ટ બાળપણમાં થયેલી પોતાના જાતીય શોષણ વિશે લાંબા ડાયલોગ બોલે છે, પણ 'થેલમાં એન્ડ લુઈસ'માં ક્યારેય લુઈસ આ વિશે ફોડ પાડીને કશું જ કહેતી નથી. આ અસ્પષ્ટતા ફિલ્મને વધારે અર્થગંભીર, વધારે ખૂબસૂરત બનાવી દે છે.
કોણ કહે છે કે આ બધી ફેમિનિસ્ટ ફિલ્મો છે? આત્મસન્માન જાળવી રાખવાનો સંઘર્ષ, ગરિમા ટકાવી રાખવાની ખેવના, આઈડેન્ટિટી ક્રાઈસિસ, ખુદની નજરમાં સન્માનનીય બનવાની ઝંખના, વ્યકિતત્વને મૂરઝાવી નાખતી ગ્રંથિઓમાંથી બહાર આવવાનાં તરફડિયાં... આ બધી યુનિવર્સલ લાગણીઓ છે અને તે સ્ત્રી-પુરુષ બન્નેને એકસરખી લાગુ પડે છે.
હિન્દી સિનેમા પર પાછા આવીએ તો, બેક-ટુ-બેક આટલી સરસ ફિલ્મો આપીને બોલીવૂડે આપણને આનંદના આંચકા આપી રહ્યું છે. વેલ ડન, બોલિવૂડ!
0 0 0

2 comments:

  1. very well written.. thank u.

    ReplyDelete
  2. Thelma and louise had superb layering which I felt Queen lacked. Queen is still a nice film, but like Thelma...it lacks the sustainability depth and character unfolding which binds viewer curiosiry...Queen works on "moments" and after a point for a cinema enthusiast (likeme) u have to have depth n layering going to "hook" my interest!
    But I liked the comparission of films u have chosen...sir u missedvon English Vinglish...also a well made film!

    ReplyDelete