Friday, March 14, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ: 64: ‘ધ એક્સોર્ઝિસ્ટ’

Mumbai Samachar - Matinee Purty - 14 March 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ : મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

ફિલ્મ 64: ‘ધ એક્સોર્ઝિસ્ટ’ : જાન હથેલી પે

ચાલીસ વર્ષ પહેલાં ‘ધ એકઝોર્સિસ્ટ’ રિલીઝ થઈ ત્યારે કોઈએ કલ્પના કરી નહોતી કે કોઈ ફિલ્મ આટલો જબરદસ્ત ખોફ પેદા કરી શકે. બેસ્ટ પિકચર માટે કોઈ હોરર ફિલ્મને ઓસ્કર નોમિનેશન મળ્યું હોય તેવું ‘ધ એક્ઝોર્સિસ્ટ’ના કેસમાં પહેલી વાર બન્યું. તમે ભૂતપ્રેતમાં માનતા હો કે ન માનતા હો, આ ફિલ્મ અચુક માણવા જેવી છે. 



લાંબી પ્રસ્તાવના બાંધ્યા વગર સીધા હાંજા ગગડાવી દેતી આ સુપર હોરર ફિલ્મની કથાવસ્તુ પર આવી જઈએ.

ફિલ્મમાં શું છે?

ક્રિસ મેકનીલ (એલેન બ્લેર) નામની એક અભિનેત્રી પોતાની બાર વર્ષની મીઠડી દીકરી રેગન (લિન્ડા બ્લેર) સાથે મોજથી રહે છે. રાધર, રહેતી હતી. ઢગલાબંધ અમેરિકન ફિલ્મોની માફક અહીં પણ મુખ્ય પાત્ર એટલે કે ક્રિસ સિંગલ પેરેન્ટ છે. ઘરમાં ક્રિસની પર્સનલ આસિસ્ટન્ટ અને બે હાઉસકીપરનો આવરોજાવરો છે. અચાનક એક દિવસ ઘરનાં માળિયામાંથી વિચિત્ર અવાજો આવવા લાગે છે. ક્રિસને એમ કે, હશે કંઈ ઉંદર-બુંદર. ધીમે ધીમે દીકરી રેગનનું વર્તન બદલાવા માંડે છે. એક દિવસ રાત્રે મમ્મીને ઉઠાડીને કહે છે, મોમ, મારો પલંગ ધ્રૂજે છે. એ અદશ્ય આત્માઓ સાથે એકલી એકલી વાતો કરે છે. માટીમાંથી ઘાટઘૂટ વગરના પ્રાણીઓની મૂર્તિઓ બનાવે છે.

એક દિવસ ક્રિસ ઘરે ગોઠવાયેલી પાર્ટીમાં રેગન ગુડ ગર્લની જેમ મહેમાનો સાથે હળેમળે છે. મોડું થાય છે સૂવા માટે પોતાના રુમમાં જાય તો છે, પણ થોડી વારમાં પાછી બહાર આવીને મહેમાનોની સામે હૉલમાં પેશાબ કરે છે. આટલું ઓછું હોય તેમ પુરુષ જેવો અવાજ કાઢીને એક મહેમાનને કહે છે: તું હવે મરવાનો છે! મહેમાનોએ વિદાય લીધા પછી ક્રિસ એને નવડાવીને સૂવડાવે છે. થોડી વાર પછી અચાનક રેગનના રુમમાંથી ભયાનક અવાજ સંભળાય છે. ક્રિસ દોડીને શું જુએ છે? રેગનનો પલંગ હવામાં અધ્ધર ધ્રૂજી રહ્યો છે. ક્રિસ કૂદકો મારીને પલંગ મારીને ચડી જાય છે તો પણ પલંગ શાંત થવાનું નામ લેતો નથી. રેગનની જાતજાતની મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે છે. બધા ટેસ્ટ નોર્મલ આવે છે. દિવસે દિવસે રેગનનો રુપકડો ચહેરો વધુ ને વધુ વિકૃત થતો જાય છે. એક દિવસ ઘરે આવેલા ડોક્ટરો પલંગ પર ઊછાળા મારતી રેગનને જોઈને આભા થઈ જાય છે. એને શાંત કરવા ઈન્જેક્શન મારવાની કોશિશ કરે છે તો અમાનવીય તાકાતથી રેગન ડોક્ટરોને ઓરડામાં ફંગોળે છે. 




આટલી ધમાલ હજુય સ્વીકાર્ય ચલાવી લવાય, પણ એક દિવસ ક્રિસની હાઉસકીપરની લાશ કઢંગી હાલતમાં ઘરની સીડી પરથી મળી આવે છે. એની આખી ગરદન મરડાઈ ગઈ છે. કોઈએ જાણે એને ઉપરથી નીચે ફંગોળી દીધી હતી. કિંડરમેન (લી જે. કોબ) નામનો ડિટેક્ટિવ આ કમોતનાં કારણો શોધવા કામે લાગે છે. ક્રિસ એકવાર બેડરુમમાં રેગનને ક્રોસ હાથમાં પકડીને પોતાના શરીર સાથે બીભત્સ ચાળા કરતી જુએ છે. ક્રિસ એને અટકાવવાની કોશિશ કરે છે. રેગન ભયાનક તાકાતથી એવો પ્રહાર કરે છે કે પેલી ફંગોળાય જાય છે. ઓરડાની ચીજવસ્તુઓ એકાએક હલવા લાગે છે અને રેગનનું મસ્તક ધડ પર ગોળ ગોળ ફરવા લાગે છે. છાતીના પાટિયાં બેસી જાય એવું ખોફનાક દશ્ય છે. ભારે પુરુષસ્વરમાં રેગન ગંદી ગાળ આપીને ચિલ્લાય છે: તને ખબર છે તારી કામવાળી તારી દીકરી સાથે શું કરતી હતી? ક્રિસને સમજાય જાય છે કે હાઉસકીપરનો જીવ રેગને જ લીધો છે.

                                                              



લાચાર ક્રિસ ફાધર કેરેસને (જેસન મિલર) કહે છે કે ફાધર, તમે એક્સોર્સિઝમ (મતલબ કે શરીરમાંથી વળગાડ દૂર કરવા માટેની અતિ ખતરનાક વિધિ) કરો, કંઈ પણ કરો, પણ મારી દીકરીને ઠીક કરો. અંગત જીવનના અનુભવોને લીધે ફાધરનો ભગવાન પરથી ય ભરોસો ઉઠી ગયો હોય ત્યારે ભૂત-બૂતમાં ક્યાંથી માનતા હોય, પણ રેગનની હાલત જોઈને એ સ્તબ્ધ થઈ જાય છે. ફાધર કેરેસ અને ઓર એક ફાધર કિંડરમેન (મેક્સ વોન સિડો) છોકરીના શરીરમાંથી શેતાને દૂર કરવાનો નિર્ણય લે છે. બહુ જ જોખમી વિધિ છે આ. વિધિ કરનારનો જીવ પણ તેમાં જઈ શકે છે. દિમાગ કામ ન કરે તેવી ભયંકર ઘટનાઓનો સિલસિલો ચાલતો રહે છે.

આખરે શું થાય છે? બીજા કેટલા લોકોના જીવ જાય છે? છોકરીનો વળગાડ દૂર થાય છે? એ પાછી નોર્મલ બને છે? બન્ને ફાધરોનું શું થયું? આ બધા સવાલોના જવાબ ફિલ્મની ડીવીડીમાંથી શોધી લેવાના છે.

કથા પહેલાંની અને પછીની

ફિલ્મ તમે જોઈ ન હોય તો એની સ્ટોરી વાંચીને થશે કે આમાં નવું શું છે. આ બઘું તો કેટલીય હિન્દી ફિલ્મોમાં ને ટીવી પર હોરર સિરિયલોમાં આવી ગયું છે. મુદ્દો એ છે કે કોઈ પણ ક્લાસિક ફિલ્મને એના સંદર્ભો સહિત માણવી જોઈએ. ‘ધ એસ્ઝોર્સિસ્ટ’ છેક ૧૯૭૩માં આવેલી ફિલ્મ છે. ચાલીસ વર્ષ પહેલાં સિનેમા સંબંધિત ટેકનોલોજી ક્યાં એટલી વિકસેલી હતી. છતાં ‘ધ એસ્ઝોર્સિસ્ટ’ આજેય કેવી ગજબનાક અસર પેદા કરી શકે છે તે જુઓ. આજની તારીખે પણ સિનેમાના ઈતિહાસની સૌથી ખોફનાક ફિલ્મોની સૂચિ બનાવવાની આવે ત્યારે ‘ધ એક્ઝોર્સિસ્ટ’ને સૈાથી પહેલાં યાદ કરવામાં આવે છે. 




ફિલ્મ રિલીઝ થઈ થિયેટરમાં ઓડિયન્સ છળી ઊઠતું હતું. પ્રેક્ષકો બેભાન થવાના કિસ્સા બનવા લાગ્યા પછી અમુક થિયેટરોમાં રીતસર ડોક્ટરો હાજર રાખવા પડ્યા હતા. ‘ધ એક્ઝોર્સિસ્ટ’ની ચર્ચા થાય ત્યારે આ ડોક્ટરાવાળી વાત જરુર થાય છે. તે કેટલી ઓથેન્ટિક છે એ તો જિસસ જાણે. ઑર એક કિસ્સો એવો છે કે એક દર્શક એટલો બધો ડરી ગયો કે બેહોશ થઈને ઢળી પડ્યો ને ખુરસીનો હાથો એની જડબાંને લાગી ઘાયલ થઈ ગયો. પછી એણે નિર્માતા વોર્નર્સ બ્રધર્સ પર કેસ ઠોકી દીધો કે મને જે શારીરિક નુક્સાન થયું છે તે માટે તમે બનાવેલી ફિલ્મ જવાબદાર છે. મામલો પછી મોટી રકમ ભરપાઈ કરીને આઉટ-ઓફ-કોર્ટ સુલઝાવી નાખવામાં આવ્યો!

કિશોરીને વળગાડ થતાં એ પુરુષ જેવા ઘોઘરા અવાજમાં બોલવા માંડે છે, ચીસો પાડે છે. આ અવાજ મર્સિડીઝ મેકકેમ્બ્રિજ નામની અભિનેત્રીનો છે. રેગનનું કિરદાર જે પ્રચંડ અસર પેદા કરી શકે છે એમાં મર્સિડીઝના ઓરલ પર્ફોેર્મન્સનું મોટું યોગદાન છે. ડબિંગ કરતાં પહેલાં મર્સિડીઝ કાચા ઈંડા ખાતી અને ઉપરાઉપરી સિગારેટો ફૂંકતી કે જેથી અવાજમાં કુદરતી ખારાશ આવે. થોડો શરાબ પણ પીતી કેમ કે દારુથી એનો અવાજ ઑર તરડાતો અને કામચલાઉ પાગલપણું અનુભવી શકાતું. એણે ડિરેક્ટર વિલિયમ ફ્રીડકિન આગ્રહ કરેલો કે મને રેકોર્ડિંગ રુમમાં ખુરસી સાથે બાંધી દેવામાં આવે કે જેથી સંઘર્ષ કરી રહેલા શેતાનની માફક ચિલ્લાતી વખતે એ વઘારે વાસ્તવિક અસર પેદા કરી શકે. ડબિંગ આર્ટિસ્ટ તરીકે એણે જીવ રેડી દીધો હતો. તેથી જ રેગન બનેલી ચાઈલ્ડ આર્ટિસ્ટ લિન્ડા બ્લેરને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટેનું ઓસ્કર નોમિનેશન મળ્યું હતું ત્યારે વિવાદ પેદા થઈ ગયો હતો. મર્સિડીઝનું કહેવું હતું કે રેગનનું પાત્ર એકલી લિન્ડાએ અસરકારક નથી બનાવ્યું, તેમાં મારો પણ મોટો ફાળો છે. લિન્ડાને ઓસ્કર ન મળ્યો એની પાછળ આ વિવાદ સંભવત: મોટું કારણ હતું. 





ફિલ્મમાં કિશોરીના બેડરુમમાં ઠુઠવાઈ જવાય એવી ટાઢ પડતી દેખાડી છે. કલાકારો બોલતા હોય ત્યારે મોંમાંથી વરાળ નીકળતી દેખાય છે. ક્લાઈમેક્સના શૂટિંગ દરમિયાન લિન્ડાના બેડરુમના સેટને ખરેખર તોતિંગ મશીનો વડે રેફ્રિજરેટેડ કરવામાં આવ્યો હતો. લિન્ડાએ ફક્ત પાતળું નાઈટગાઉન પહેરવાનું હતું. કલ્પના કરો, શૂટિંગ વખતે બાળકલાકારના કેવા હાલ થયા હશે.

ધારી અસર પેદા કરવા માટે ડિરેક્ટર કંઈ પણ કરવા માટે તૈયાર હતા. દીકરી જાનવરી તાકાતથી થપ્પડ મારતાં મા ઉછળી પડે છે તે દશ્યના શૂટિંગ દરમિયાન દેખીતી રીતે જ હાર્નેેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હાર્નેેસને જાણી જોઈને એટલા જોરથી ઝાટકા મારવામાં આવતા કે માનું પાત્ર ભજવનાર એલીન બર્સ્ટીન ખરેખર પીડાથી રાડ પાડી ઉઠતી. આ જ ટ્રિક લિન્ડા સાથે પણ અજમાવવામાં આવતી. એક કલાકારનો ઓચિંતા ચમકી જવાનો શોટ હતો. એક્સપ્રશન્સ પરફેક્ટ આવે તે માટે ડિરેક્ટરે સાવ એની કાનની બાજુમાં સાચી બંદૂકનો ધડાકો કર્યો હતો!

ફિલ્મના એક યાદગાર સીનમાં છોકરી શરીરને કમાનની માફક ઊંધું વાળીને પછી કરોળિયાની જેમ દાદરા ઉતરતી બતાવી છે. તે માટે ડુપ્લિકેટની મદદ લેવામાં આવી હતી. એના શરીરને હાર્નેેસ તેમજ પાતળા વાયરથી બાંધવામાં આવ્યું હતું. પોસ્ટ પ્રોડક્શન દરમિયાન ડિરેક્ટરને લાગ્યું કે આ સીન ફિલ્મમાં બહુ વહેલો આવી જાય છે. વળી, યોગ્ય ટેક્નોલોજીના અભાવે પેલા વાયર પણ કેમેરામાં દેખાઈ જતા હતા. તેથી આ સીનને ઉડાવી દેવામાં આવ્યો. ૨૭ વર્ષ પછી ૨૦૦૦ની સાલમાં ફિલ્મની નવી એડિશન બહાર પડી. તેમાં પેલા વાયર ડિજિટલી દૂર કરીને સીન ઉમેરવામાં આવ્યો. મૂળ આયોજન પ્રમાણે ફિલ્મનું શૂટિંગ ૮૪ દિવસ ચાલવાનું હતું, જે ૨૨૪ દિવસ સુધી ખેંચાઈ ગયું. આ સમયગાળા દરમિયાન ફિલ્મ સાથે સંકળાયેલા નવ માણસોનું મૃત્યુ થયું. એક વાર સેટ પર રહસ્યમય રીતે આગ લાગી હતી. આવું બધું થાય એટલે ફિલ્મના યુનિટ પર ખરેખર અશુભ તત્ત્વોની કાળી છાયા છે એવી વાત કાં તો આપોઆપ ફેલાવા લાગી હતી યા તો આવી અફવા ફેલાવામાં આવી હતી. 




ખેર, ફિલ્મ સુપરહિટ પૂરવાર થઈ. ૧૯૭૩ના સમયમાં કોઈએ આ પ્રકારની ફિલ્મની અપેક્ષા નહોતી રાખી. આપણે ભૂત-પ્રેતમાં માનતા ન હોઈએ તો પણ ફિલ્મ જોતી વખતે એમાં ખોવાઈ જઈએ છીએ, આંચકા અનુભવ્યા કરીએ છીએ. ‘આવું તે થોડું કંઈ હોય?’ ટાઈપના સવાલો ફિલ્મ પૂરી થયા પછી જ મનમાં સળવળે છે. ‘ધ એસ્ઝોર્સિસ્ટ’ની આ સિદ્ધિ છે. કોઈ હોરર ફિલ્મને બેસ્ટ પિક્ચરનું નોમિનેશન મળ્યું હોય તેવું ‘ધ એક્ઝોર્સિસ્ટ’ના કેસમાં પહેલી વાર બન્યું હતું. આ ફિલ્મના મેકિંગ વિશે ‘ફિઅર ઓફ ગોડ: ધ મેકિંગ ઓફ ધ એસ્ઝોસિસ્ટ’ નામની ડોક્યુમેન્ટરી પણ બની છે.

૧૯૭૭માં સિકવલ આવી- ‘એક્ઝોર્સિસ્ટ ટુ: ધ હેરેટિક’. આ ફિલ્મની જોકે સારી એવી ટીકા થઈ હતી. ૧૯૯૦માં મૂળ નવલકથાકાર વિલિયમ બ્લેટીએ ખુદ ફિલ્મ બનાવી - ‘ઘ એસ્ઝોર્સિસ્ટ થ્રી’. આ એમની ‘લિજિયન’ નામની ઓર એક નવલકથા પર આધારિત હતી. સિક્વલ પાસે નહીં જાઓ તો ચાલશે, પણ ઓરિજિનલ ‘ધ એક્ઝોર્સિસ્ટ’ તો જોવી જ પડે.

‘ધ એક્સોર્ઝિસ્ટ’ ફેક્ટ ફાઈલ 



ડિરેક્ટર : વિલિયમ ફ્રેડકિન

મૂળ નવલકથાકાર : વિલિયમ પીટર બ્લેટી

રાઈટર : લેરી ગેલબર્ટ, મુર્રે શિસગલ,

બેરી લેવિન્સન, ઈલેન મે

કલાકાર : લિન્ડા બ્લેર, એલેન બર્સ્ટીન, જેસન મિલર, મેક્સ વોન સિડો,લી. જે. કોબ


રિલીઝ ડેટ : ૨૬ ડિસેમ્બર, ૧૯૭૩

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે અને સાઉન્ડ માટેના ઓસ્કર અર્વોેડ્ઝ. બેસ્ટ ફિલ્મ, ડિરેક્ટર, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટર, એડિટિંગ અને સેટ ડિઝાઈન માટેના ઓસ્કર નોમિનેશન્સ

1 comment:

  1. khub saras sir, tame aa 64 ma movie sudhi pahochi gaya chho pan mare aagal na movie vishe badha lekh vachva chhe pan aa blog par mane nathi malta. to madad karva ninati...

    ReplyDelete