Wednesday, March 5, 2014

ટેક ઓફ: ડોન્ટ એન્ગ્રી મી...!


Sandesh - Ardh Saptahik Purti - 5 March 2014
ટેક ઓફ

તમે વિચારી લીધું છે કે બસ, બહુ થયું. ગુસ્સો વ્યક્ત કરવો જ પડશે. તેના વગર સામેની વ્યક્તિ લાઈન પર નહીં જ આવે. ફાઈન. ગુસ્સો વ્યક્ત કરીને આપણે ખરેખર તો મેસેજ આપવા માગતા હોઈએ છીએ. હવે એ નક્કી કરો કે તમે કયા સ્વરૂપમાં મેસેજ આપવા માગો છો? કઈ રીતે ગુસ્સો પ્રગટ કરવાથી ધારી અસર પેદા થશે? જુદી જુદી અસર પેદા કરવા માટે અલગ અલગ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી અપનાવવી પડે. જનરલ સિમેન્ટિક્સ તેના વિશે પણ સરસ વાત  કહે છે. 


નરલ સિમેન્ટિક્સ. સાંભળવામાં ભારેખમ લાગતી આ વિદ્યાશાખાનો સંંબંધ આપણાં દિલ-દિમાગ-વિચારો અને વર્તણૂક સાથે છે. આલ્ફ્રેડ કોર્ઝીબ્સ્કી નામના પોલિશ-અમેરિકને છેક ૧૯૩૩માં 'સાયન્સ અને સેનિટીઃ અન ઈન્ટ્રોડક્શન ટુ નોન-એરિસ્ટોટેલિઅન સિસ્ટમ્સ એન્ડ જનરલ સિમેન્ટિક્સ' નામનું માતબર પુસ્તક લખીને આ સંકલ્પના અથવા તો પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે ડિફાઈન કરી હતી. આલ્ફ્રેડ કોર્ઝીબ્સ્કી કહે છે કે માણસ તેનો સ્વભાવ ન જ બદલી શકે એવું કોણે કહ્યું? એ જરૂર બદલી શકે છે. જનરલ સિમેન્ટિક્સનો પાયો જ આ છે. અમુક વ્યક્તિ, વસ્તુ, વિચાર કે પરિસ્થિતિને અમુક રીતે જ જોવી,અમુક રીતે જ મૂલવવી એમ નહીં. એને ધીરજપૂર્વક જુદા સંદર્ભોમાં તપાસવી, તેમાંથી નવી અર્થચ્છાયાઓ તારવવી, એમાંથી નવા ઉઘાડ થતા નિહાળવા, નવી ચર્ચાઓ જગાવવી. આમ કરતી વખતે સાઇકોલોજી અને ફિલોસોફીથી લઈને ગાંધીવિચાર જેવાં ઓજારોને કામ લગાડવાં. માત્ર આપણી આસપાસ જ નહીં, પણ વિશ્વસ્તરે માહોલ વધુ ને વધુ તામસી થઈ રહ્યો છે ત્યારે જનરલ સિમેન્ટિક્સની સંકલ્પના વધારે ને વધારે પ્રસ્તુત બની રહી છે. 
હજુય આ બધું બહુ ભારેખમ અને આપણાં વર્તુળની બહારની વસ્તુ લાગે છે, ખરું? તો સાદી ભાષામાં સમજી લો કે જનરલ સિમેન્ટિક્સ ખરેખર તો રોજ-બ-રોજના જીવનનું વિજ્ઞાાન છે. એનો સીધો સંબંધ આપણાં વર્તન, અભિગમ અને બીજા લોકો સાથે આપણે કઈ રીતે કામ પાર પાડીએ છીએ તેની સાથે છે. જેમ કે, ગુસ્સો. ક્રોધ. આ લાગણી વિશે પરસ્પર વિરોધાભાસી સલાહો અપાતી રહે છે. એક તરફ કહેવાય છે  કે ગુસ્સો ન કરવો જોઈએ, તેનાથી સ્વાસ્થ્ય અને પારસ્પરિક સંબંધોને નુકસાન થાય. બીજી તરફ કહેવાય છે કે ગુસ્સો આવે તો તરત વ્યક્ત કરી નાખવો જોઈએ. જે કંઈ દિલ-દિમાગમાં ઘુમરાઈ રહ્યું હોય તે બધું ખાલી કરી નાખવાનું, જો બધું અંદર ને અંદર દબાવી રાખશો તો વહેલામોડો ભયાનક વિસ્ફોટ થયા વગર રહેશે નહીં. ઔર એક થિયરી કહે છે કે ના, ગુસ્સાને વ્યક્ત કરી નાખવાથી ગુસ્સાનો નાશ થતો નથી, ઊલટાનો વકરે છે. ક્રોધ આવે ત્યારે મનોમન એકથી દસ સુધી ગણી નાખવાની યુક્તિ અજમાવવાનું અવારનવાર કહેવામાં આવે છે, પણ ખાટલે મોટી ખોડ એ છે કે આ ટેક્નિક પણ કંઈ દર વખતે કામ આવતી નથી. ગુસ્સાથી કાળઝાળ થયેલો માણસ દસ શું, સો સુધી પહોંચી જાય તોય તેની ગરમી ન ઘટે એવું બને. તો પછી શું કરવાનું?


એન્ગર મેનેજમેન્ટ વિશે જનરલ સિમેન્ટિક્સ સરસ થિયરી પેશ કરે છે. તેને નામ અપાયું છે, સ્ક્રીમ થિયરી. એસ-સી-આર-ઈ-એ-એમ SCREAM. સ્ક્રીમ એટલે આમ તો ચીસ પાડવી, પણ અહીં છ અલગ અલગ શબ્દોના શોર્ટ ફોર્મ તરીકે સ્ક્રીમ શબ્દ વપરાયો છે. વિગતે જોઈએ.
સૌથી પહેલાં 'એસ.' એસ ફોર સેલ્ફ. તમારા માટે તમે ખુદ કેટલા મહત્ત્વના છો? શું બ્લડ પ્રેશર વધારીનેય ગુસ્સો કરવો જરૂરી છે?સામેના માણસે ખરેખર તમને દુભવવા માટે જ અમુક વર્તન કર્યું હતું કે તમે એવું ધારી લીધું છે? તમને સો ટકા ખાતરી છે કે જેને કારણે તમે રાતાપીળા થઈ ગયા છો તે ઘટના ખરેખર બની છે? તમે માત્ર કલ્પનાના ઘોડા દોડાવી રહ્યા હો એવું તો નથીને? વિચારજો.
'સી' ફોર કોન્ટેકસ્ટ. કોન્ટેકસ્ટ એટલે સંદર્ભ, માહોલ. ગુસ્સો વ્યક્ત કરવા માટે આ સમય અને સ્થળ યોગ્ય છે? શું આ જ ઘડીએ, અહીં જ ગુસ્સો ઠાલવી દેવો જરૂરી છે? બહેતર સમય અને જગ્યા માટે રાહ જોઈ શકાય તેમ નથી?
'આર' ફોર રિસીવર. જેના પર ગુસ્સો ઠલવાઈ રહ્યો છે તે માણસ. શું તમે ખરેખર આ જ વ્યક્તિ પર ક્રોધે ભરાયા છો? એવું તો નથીને કે ઓફિસમાં સાહેબ સામે સમસમીને ચૂપ થઈ જવું પડયું હતું એટલે હવે એનો રોષ ઘરે આવીને પત્ની પર કે પરિવારના બીજા કોઈ સદસ્ય પર વરસી પડયા છો?
 'ઈ' ફોર (ઈમિડિએટ) ઈફેક્ટ. ગુસ્સો પ્રગટ કરીને તમે ખરેખર શું હાંસલ કરવા માગો છો? તમારો ઈરાદો મનનો ઉકળાટ ઠાલવવાનો છે? સામેની વ્યક્તિને હર્ટ કરવાનો છે? તમારા ક્રોધથી ડરીને સામેનો માણસ તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શરૂ કરી દેશે એવું તમને લાગે છે? એ શક્યતા વિશે પણ વિચારી રાખો કે તમારા ગુસ્સાથી સામેનો માણસ પણ ક્રોધે ભરાયો તો? અક્ષયકુમારની માફક તમે ફિલ્મી સ્ટાઈલમાં 'ડોન્ટ એન્ગ્રી મી...' કહીને ચિલ્લાશો તો પણ એનું મોઢું બંધ ન થાય ને વાત વણસી ગઈ તો? તમે ધાર્યું હતું તેના કરતાં ઊંધી અસર થઈ ગઈ તો?
'એ' ફોર આફ્ટરમેથ. તમારા ગુસ્સાના લાંબા ગાળાના પરિણામ વિશે પણ વિચારો. ગુસ્સો વ્યક્ત કરી નાખવાથી સંબંધ પર કેવી અસર થશે? ધારો કે તમે ઓફિસમાં બોસ સામે યા તો ક્લાયન્ટ સામે જોરશોરથી રાડારાડી કરી નાખી તો એવું તો શું ન બને કે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે અથવા તો હાથમાંથી કોન્ટ્રેક્ટ જતો રહે?
'એમ' ફોર મેસેજ. તમે વિચારી લીધું છે કે બસ, બહુ થયું. ગુસ્સો વ્યક્ત કરવો જ પડશે. તેના વગર સામેની વ્યક્તિ લાઈન પર નહીં જ આવે. ફાઈન. ગુસ્સો વ્યક્ત કરીને આપણે ખરેખર તો મેસેજ આપવા માગતા હોઈએ છીએ. હવે એ નક્કી કરો કે તમે કયા સ્વરૂપમાં મેસેજ આપવા માગો છો? કઈ રીતે ગુસ્સો પ્રગટ કરવાથી ધારી અસર પેદા થશે? જુદી જુદી અસર પેદા કરવા માટે અલગ અલગ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી અપનાવવી પડે. જનરલ સિમેન્ટિક્સ તેના વિશે પણ સરસ વાત  કહે છે. સૌથી પહેલાં તો,એન્ગર કમ્યુનિકેશન એટલે એન્ગ્રી કમ્યુનિકેશન નહીં. ગુસ્સો ખરેખર તો ઠંડકથી અને ઉશ્કેરાયા વગર વ્યક્ત કરવો જોઈએ. સામેની વ્યક્તિ સુધી ક્રોધ પહોંચવો જોઈએ, ક્રોધભર્યું વર્તન નહીં. કેવી રીતે?


સૌથી પહેલાં તો રિલેક્સ થઈ જાઓ. પોતાની જાતને કહોઃ ઓલ ઈઝ વેલ... ઓલ ઈઝ વેલ... મારે સેન્સિબલ થઈને વિચારવાનું છે, આત્યંતિક બનીને નહીં. શું સામેના માણસે ખરેખર એટલો ભયાનક ગુનો કરી નાખ્યો છે? શું એણે તમારાથી ડરીને ખોટું પગલું ભરી નાખ્યું હતું? ગુસ્સો વ્યક્ત કરવાનાં કયાં માધ્યમો તમારી પાસે છે તે જુઓ. સામસામા બેસીને? ફોન પર? ઈ-મેઇલ કરીને કે કાગળ લખીને? એસએમએસથી? ફેસબુક મેસેજ કે વોટ્સેપ દ્વારા? કયા સમયે અને કયા સ્થળે ગુસ્સો વ્યક્ત કરવાનો છે તે પણ વિચારો.અમુક વાતો મારે કરવાની જ છે અથવા અમુક શબ્દો મારે નથી જ બોલવા તે વિશે પણ આગોતરા સ્પષ્ટ થઈ જાઓ.
મોઢામોઢ રોષ વ્યક્ત કરવામાં જોખમ હોય છે. સામેની વ્યક્તિ કંઈક આડુંઅવળું બોલી જાય તો શક્ય છે કે તમારો ક્રોધ કલ્પના ન કરી હોય એટલો ભડકી ઊઠે અને તમે એવું કંઈક કહી દો કે પગલું ભરી બેસો કે પછી જિંદગીભર તે વાતનો અફસોસ રહી જાય. ખુદના ગુસ્સા પર કાબૂ નહીં રહે એવો ડર લાગતો હોય તો ઈ-મેઇલ-એસએમએસ-પત્રનો વિકલ્પ અજમાવો. આમાં એક ફાયદો એ છે કે તમે ક્રોધને ડીલે કરી શકો છો. જેમ કે, ઈ-મેઇલ કે લેટર લખ્યા પછી તરત મોકલવાની ઉતાવળ ન કરો. થોડી કલાકો કે એકાદ દિવસ લખાણને એમ જ રહેવા દો. આખરે મોકલતાં પહેલાં ફરીથી વાંચો. તમને કદાચ થશે કે સાલું આ વધારે પડતું લખાઈ ગયું છે. કદાચ તમે લખાણમાંથી ગુસ્સાની તીવ્રતા ઓછી કરશો, અમુક લાઈનો કાઢી નાખશો કે અમુક શબ્દો બદલી કાઢશો. એ પણ શક્ય છે કે તમે ઈ-મેઇલ - લેટર મોકલવાનું જ સમૂળગું માંડી વાળો.
ગુસ્સો કોઈ પણ સ્વરૂપમાં વ્યક્ત કરતી વખતે મુદ્દાને વળગી રહો. જૂની વાતો ઉખેડવાને બદલે કે આડીઅવળી, જનરલ વાતો કરવાને બદલે મૂળ વિષય પર જ કમ્યુનિકેટ કરો. યાદ રહે, શબ્દ બોલાયેલો હોય કે લખાયેલો, તીર એક વાર કમાનમાંથી છૂટી જશે પછી પાછું વળવાનું નથી. તેથી સંભવિત પરિણામો માટે તૈયાર રહેવાનું છે.
જનરલ સિમેન્ટિક્સની આ સલાહોને અનુસરવા જેવી છે. તેનાથી સમસ્યા ભલે પૂરેપૂરી સોલ્વ ન થાય, પણ ક્રોધની ખરાબ અસરો ઓછી જરૂર થશે. કદાચ ક્રોધ આખેઆખો વરાળ બની જાય એવુંય બને. જો તમને ઉપરની થિયરીમાં રસ પડયો હોય તો એ વાત જાણવામાં પણ રસ પડશે કે ભારતમાં જનરલ સિમેન્ટિક્સનું એકમાત્ર કેન્દ્ર વડોદરામાં સક્રિય છે. તેનું નામ છે, બળવંત પારેખ સેન્ટર ફોર જનરલ સિમેન્ટિક્સ એન્ડ અધર હ્યુમન સાયન્સીસ. બહુ જ મહત્ત્વનું અને વિદ્વત્તાપૂર્ણ કામ થઈ રહ્યું છે અહીં. આખું ગુજરાત અને મુંબઈ મળીને તેની ૧૧ શાખાઓ બહુ જલદી સક્રિય થવાની છે. આ વિષયમાં ઊંડા ઊતરવા જેવું છે એ તો નક્કી.

                                                                        0 0 0  

No comments:

Post a Comment