Tuesday, April 8, 2014

મલ્ટિપ્લેક્સ: સત્યજિત રાયને બે સવાલ

Sandesh - Sanskar Purti - 7 April 2014

મલ્ટિપ્લેક્સ 

"દરેક ડિરેક્ટર અગાઉ થઈ ગયેલા મહાન ફિલ્મમેકર્સ અને વર્તમાન માસ્ટર્સ પાસેથી કશુંક તો શીખ્યો જ હોય છે. આ વાત કોઈ નકારી ન શકે. સૌથી વધારે મનમાં નોંધાતું હોય તો એ છે ડિરેક્ટરનો એટિટયૂડફિલ્મમાં ઊભરતી એની ખુદની પર્સનાલિટી."

ભારતીય સિનેમાને વિશ્વના નક્શામાં મૂકી દેનાર મહાન બંગાળી ફિલ્મમેકર સત્યજિત રાયે (૧૯૨૧ - ૧૯૯૨) એક સુંદર પુસ્તક લખ્યું છે - 'અવર ફિલ્મ્સ ધેર ફિલ્મ્સ'. સિનેમાને કેવળ ટાઇમપાસ નહીં પણ એક ક્રિએટિવ આર્ટફોર્મ તરીકે જોતાં વાચકોને મજા પડી જાય એવો અલગ અલગ લેખોનો આ સંગ્રહ છે. ૧૯૫૫માં એમની મશહૂર ફિલ્મ 'પાથેર પાંચાલી' આવી. ૨૧ વર્ષ પછી ૧૯૭૬માં આ પુસ્તક આવ્યું.
સિનેમામાં આવતા પહેલાં રાય એક એડવર્ટાઇઝિંગ કંપનીમાં ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતા હતા. સાબુનું રેપર અને એવી બધી વસ્તુઓની ડિઝાઇનો બનાવતા. દેશ-વિદેશનાં પિક્ચરો જોવાના શોખ સિવાય ફિલ્મલાઇન સાથે એમને સ્નાનસૂતકનોય સંબંધ નહોતો. જાહેરાત બનાવવાનું કામ કરતાં કરતાં તેઓ અચાનક ફિલ્મોમાં કેવી રીતે આવી ગયા? તે પણ કોઈ જાતની ટ્રેનિંગ કે બેકગ્રાઉન્ડ વગર? 'પાથેર પાંચાલી' એમની પહેલી જ ફિલ્મ છે, જે દંતકથારૂપ બની ગઈ છે. કરિયરની પહેલી જ અવરના છ બોલમાં તેઓ છ સિક્સર કેવી રીતે ફટકારી શક્યા?
"કોઈ મને આવું પૂછે એટલે સૌથી પહેલાં તો હું ભેદી સ્માઇલ કરું!" સત્યજિત રાય એક લેખમાં કહે છે, "હકીકત એ છે કે એડવર્ટાઇઝિંગ અને સિનેમા બન્ને કન્ઝ્યુમેબલ કોમોડિટી છે. એકમાં આર્ટિસ્ટનાં માથા પર મેન્યુફેક્ચરર બેઠો હોય, તો બીજામાં પ્રોડયુસર. આ બન્નેમાંથી એકેયને કળા સાથે કોઈ લેવાદેવા ન હોય. આર્ટિસ્ટ બિચારો જાતજાતનાં બંધનો વચ્ચે પોતાની કળા દેખાડવા મથતો હોય. બેઝિકલી એડવર્ર્ટાઈઝિંગ અને સિનેમા બન્ને ક્રિએટિવ ફીલ્ડ્સ છે અને મને નથી લાગતું કે એકમાંથી બીજામાં ગતિ કરવા માટે મારે વધારે પડતો સંઘર્ષ કરવો પડયો હોય. કોઈએ સરસ કહ્યું છે કે સિનેમા એટલે કમર્શિયલ આર્ટનું સૌથી ઊંચું સ્વરૂપ. આ વ્યાખ્યા સાથે અસહમત થવાનું મારી પાસે કોઈ કારણ નથી."
સલામત ડેસ્ક જોબ છોડીને અનિશ્ચિતતાવાળી ફિલ્મલાઇનમાં જતી વખતે સત્યજિત રાય સ્પષ્ટ હતા કે એમણે સૌથી પહેલી વિભૂતિભૂષણ બંદોપાધ્યાય લિખિત 'પાથેર પાંચાલી' નવલકથા પરથી ફિલ્મ બનાવવી છે. એમણે કામ શરૂ કર્યું ત્યારે બંગાળી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ એમનું નામ પણ સાંભળ્યું નહોતું. પરંપરાગત માન્યતા એવી હતી કે ડિરેક્ટર બનતાં પહેલાં છ સાત વર્ષ સ્ટુડિયોમાં કોઈ ને કોઈ પોસ્ટ પર ખૂબ મહેનત કરવી પડે. કાં ફર્સ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે યા તો કેમેરામેન તરીકે અથવા કમ સે કમ સ્ક્રિપ્ટ રાઈટર તરીકે. સત્યજિત રાયે આમાંનું કશું નહોતું કર્યું. તેમણે ફક્ત થિયેટરમાં જઈને ફિલ્મો જોઈ હતી. નાનપણથી ફિલ્મો જોવાનો બહુ શોખ હતો. મોટા થયા પછી ગંભીર વિદ્યાર્થીની જેમ ફિલ્મોનો અભ્યાસ કરતા, ટેક્નિક વિશે જે કંઈ મટીરિયલ મળે તે વાંચતા, થિયેટરના અંધકારમાં ડાયરીમાં નોંધ કર્યા કરતા. આ નોટ્સ ઘણું કરીને એડિટિંગ પેટર્ન વિશેની હોય. ખાસ કરીને ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા ('ધ ગોડફાધર'), ફ્રેન્ક કાપ્રા ('ઈટ હેપન્ડ વન નાઈટ'), જોન હ્યુસ્ટન ('ધ ટ્રેઝર્સ ઓફ ધ સિએરા માડ્રી'), બિલી વાઈલ્ડર ('સનસેટ બુલેવાર્ડ') અને વિલિયમ વાઈલર ('બેન-હર') જેવા અમેરિકન ડિરેક્ટરોની ફિલ્મો જોતી વખતે આ એક્સરસાઈઝ વિશેષ થતી.
સત્યજિત રાયના મનમાં અહીંના અને ત્યાંના ડિરેક્ટરો વચ્ચે સરખામણી થયા કરતી. આપણે ત્યાં કેવી રેઢિયાળ રીતે ફિલ્મો બને છે તે વધારે ને વધારે સમજાતું ગયું. "પણ આને લીધે ફિલ્મમેકર બનવાનો મારો ઉત્સાહ વધતો જતો હતો," રાય કહે છે, "મને ખાતરી જ હતી કે ડિરેક્ટર ભલે બિનઅનુભવી હોય, પણ જો એના આઇડિયાઝ અને સમજ ટકોરાબંધ હશે તો એ એટલી બધી ખરાબ ફિલ્મ તો નહીં જ બનાવે. વળી, મારે જેના પરથી ફિલ્મ બનાવવી હતી તે 'માલ' પણ સારો હતો (સત્યજિત રાયે 'પ્રોપર્ટી' શબ્દ વાપર્યો છે), નીવડેલો હતો એટલે મને બહુ ચિંતા નહોતી."
એવું નહોતું કે ૧૯૫૦ના દાયકાની બંગાળી ફિલ્મોમાં બધું ખરાબ જ હતું. વચ્ચે વચ્ચે અમુક ફિલ્મોમાં સરસ એક્ટિંગ, કલ્પનાશીલ ફોટોગ્રાફી, સારી રીતે પ્લાન થયેલા અને એડિટ થયેલા સીન, બનાવટી ન લાગે એવા ડાયલોગ્ઝ દેખાઈ જતા. તકલીફ એ હતી કે આ બધું છૂટુંછવાયું જોવા મળતું. આખેઆખા પિક્ચરના તમામ પાસાં હાઈક્લાસ હોય એવું કદી ન બનતું.
"મને સમજાયું છે કે ઇન્ડિયન ડિરેક્ટરો ફિલ્મના સ્ટ્રક્ચરમાં મ્યુઝિકલ પાસાંની સાવ અવગણના કરતા હતા," રાય કહે છે, "ફિલ્મના ઓવરઓલ સ્વરૂપ અને સિનેમેટિક રિધમની જે સેન્સ હોવી જોઈએ, તેની એમનામાં કમી વર્તાતી."
Pather Panchali

બેઠા બેઠા ટીકા કરવી સહેલી છે, કરી દેખાડવું અઘરું છે. આ સચ્ચાઈ સત્યજિત રાયને શૂટિંગના પહેલા જ દિવસે સમજાઈ ગઈ. એમની જિંદગીનો એ પહેલો શોટ હતો. નાનકડો અપ્પુ ઊંચા ઘાસના મેદાનમાં પોતાની બહેનને શોધવા નીકળ્યો છે. અપુ બનેલા બાળકલાકારે આટલું જ કરવાનું હતું - થોડાં ડગલાં ચાલવાનું, પછી ડાબે જોવાનું, જમણે જોવાનું અને ફરી થોડાંક ડગલાં આગળ વધવાનું.
"મેં કલ્પના પણ નહોતી કરી કે આટલો સાદો શોટ લેતાં મારા મોઢે ફીણ આવી જશે," સત્યજિત રાય કહે છે, "બાળકલાકારની ચાલ ચોક્કસ પ્રકારની જોઈએ, એના ચહેરા પર ચોક્કસ પ્રકારના ભાવ જોઈએ, એણે અમુક રીતે જ ઊભા રહેવું પડે, અમુક રીતે જ ગરદન ડાબે-જમણે ઘુમાવવી પડે અને આ ક્રિયા અમુક સમયમાં પૂરી કરી જ નાખવી પડે. અધૂરામાં પૂરું એ બાળકલાકાર પણ મારી જેમ સાવ બિનઅનુભવી હતો. જિંદગીમાં પહેલી વાર કેમેરા જોઈ રહ્યો હતો. એની સાથે પિષ્ટપેષણ પણ કેટલી કરવી."
ખેર, ટ્રાયલ-એન્ડ-એરર કરતાં કરતાં શૂટિંગ આગળ વધતું ગયું. 'પાથેર પાંચાલી' બની અને તે પછી જે કંઈ બન્યું એ ઇતિહાસ છે.
"તમે ફિલ્મોમાં કેવી રીતે આવ્યા?" પછીનો બીજા નંબરનો સૌથી વધારે પુછાતો પ્રશ્ન હોય તો તે છે, "તમારા પર કયા ફિલ્મમેકર્સની સૌથી વધારે અસર છે?" એકલા સત્યજિત રાયને નહીં, લગભગ દરેક સફળ ફિલ્મમેકરને આ બે સવાલ સૌથી વધારે પુછાતા હોય છે.
"દરેક ડિરેક્ટર અગાઉ થઈ ગયેલા મહાન ફિલ્મમેકર્સ અને વર્તમાન માસ્ટર્સ પાસેથી કશુંક તો શીખ્યો જ હોય છે. આ વાત કોઈ નકારી ન શકે," સત્યજિત રાય કહે છે, "સૌથી વધારે એ જો કંઈ શીખતો હોય તો તે છે ટેક્નિક. જેમ કે, કોઈ ફિલ્મના ચોક્કસ ક્લોઝ-અપની લાઇટિંગ મનમાં રહી જાય, ગ્રૂપ-સીન હોય તો કેમેરા એક્ઝેક્ટલી કઈ રીતે ફરે છે તે યાદ રહી જાય, જોશીલી ડાયલોગબાજીના સીનમાં સામસામા બન્ને પાત્રોના હાવભાવ વારાફરતી અને અસરકારક ઊભરે તે રીતે કરવામાં આવેલું એડિટિંગ - આ બધું મનના કોઈ ખૂણામાં નોંધાઈ જતું હોય છે. એક લેખક બીજા લેખકનું લખાણ વાંચે ત્યારે એના મનમાં અમુક શબ્દપ્રયોગ કે વાક્યરચના નોંધાઈ જતા હોય છે, તેમ. જોકે સૌથી વધારે મનમાં નોંધાતું હોય તો એ છે ડિરેક્ટરનો એટિટયૂડ, ફિલ્મમાં ઊભરતી એની ખુદની પર્સનાલિટી."
સારી ફિલ્મ હોય કે સારું પુસ્તક, ઓડિયન્સ સુધી પણ આખરે તો આ જ પહોંચતું હોય છે - કૃતિમાંથી ઝળકતું કલાકારના વ્યક્તિત્વનું પ્રભાવશાળી પાસું.
0 0 0

No comments:

Post a Comment