Wednesday, March 26, 2014

ટેક ઓફ : નવું ઉમેરવા માટે જૂનું ખાલી કરવું પડે છે

Sandesh - Ardh Saptahik Purti - 26 March 2014

ટેક ઓફ 

"જિંદગીમાં મને ત્યારે જ કંઈક મળ્યું છેજ્યારે મેં કશુંક છોડયું હોય. આપણી પાસે છોડવા માટે હંમેશાં કશુંક હોય છેએવું કશુંક કે જેનાથી છેડો ફાડવાથી આપણે પોતાની જાતથી વધારે નિકટ આવી શકીએ."

જિંદગીમાં તમારે ખરેખર જે બનવું છે તે બનવા માટે અથવા તીવ્રતાથી જે કંઈ મેળવવા માગો છો તે મેળવવા માટે અત્યારે તમારી પાસે જે કંઈ છે તેમાંથી શું છોડી શકો તેમ છો?
એલિઝાબેથ ગિલ્બર્ટે આ પ્રશ્ન હમણાં સોશિયલ મીડિયા પર રમતો મૂક્યો હતો. એલિઝાબેથ ગિલ્બર્ટ એટલે 'ઇટ, પ્રે, લવ' અને 'ધ સિગ્નેચર ઓફ ઓલ થિંગ્સ' જેવાં પુસ્તકોની બેસ્ટસેલર અમેરિકન લેખિકા, જેના વિશે આપણે આ કોલમમાં અગાઉ વાત કરી ચૂક્યા છીએ. ઉપરનો સવાલ સાંભળવામાં ભલે સાદોસીધો લાગે, પણ તે એટલો ધારદાર છે કે વિચારોની કેટલીય બારીઓ ખૂલી જાય. આપણે અંદરખાને જાણતા હોઈએ છીએ કે આપણને ખરેખર શું જોઈએ છે, કેવી જિંદગી જીવવા માગીએ છીએ, કયા સંબંધો અને માહોલમાંથી છૂટવા માગીએ છીએ, શું ઉમેરીને જીવનને વધારે અર્થપૂર્ણ, વધારે સંતોષકારક બનાવવા ઇચ્છીએ છીએ. તકલીફ એ છે કે આના જવાબ ક્યારેક ઘીના દીવા જેવા સ્પષ્ટ હોય તોપણ આપણે બદલાવ લાવી શકતા નથી, કારણ કે સેટ થઈ ગયેલી રૂટિન જિંદગી ભલે પીડાદાયી હોય તોપણ તેમાં આપણે કમ્ફર્ટ અને સલામતી અનુભવતા હોઈએ છીએ. વાત આંતરિક રૂટિનની પણ છે. અમુક વાતોને આપણે સતત વિચાર્યા કરીએ છીએ, અમુક હાનિકારક લાગણીઓને એકધારા ઘૂંટયા કરીએ છીએ, અમુક નકારાત્મક ગ્રંથિઓને જળોની જેમ ચોંટયા રહીએ છીએ. ખબર હોય કે આ બધું નુકસાન કરે છે તોપણ આપણે એનાથી દૂર થઈ શકતા નથી.
"જિંદગીમાં મને ત્યારે જ કંઈક મળ્યું છે, જ્યારે મેં કશુંક છોડયું હોય." એલિઝાબેથ કહે છે, "આપણી પાસે છોડવા માટે હંમેશાં કશુંક હોય છે, એવું કશુંક કે જેનાથી છેડો ફાડવાથી આપણે પોતાની જાતથી વધારે નિકટ આવી શકીએ."
"સો વોટ આર યુ વિલિંગ ટુ ગિવ અપ, ઇન ઓર્ડર ટુ બિકમ હુ યુ રિઅલી નીડ ટુ બી?" એલિઝાબેથ ગિલ્બર્ટે આ પ્રશ્ન રમતો મૂક્યો અને પ્રતિભાવનું પૂર આવી ગયું.
એક મહિલાએ કહ્યું, "મારું લગ્નજીવન ખાડે ગયું હતું. મારું વ્યક્તિત્વ રૃંધાઈ ગયું હતું. આખરે દસ વર્ષે મારામાં હિંમત આવી ને મેં ડિવોર્સ લીધા. પતિની સાથે વૈભવી લાઇફસ્ટાઇલ પણ છોડવી પડી. મને એ વાતનો અફસોસ છે? જરાય નહીં. શરૂઆતમાં બહુ ડર હતો કે હવે શું થશે, કેવી રીતે એકલી આગળ વધીશ, પણ પછી જે શાંતિ મળી તેનો કોઈ મુકાબલો નથી. મને મારી ઓરિજિનલ પર્સનાલિટી પાછી મળી છે. મારી જિંદગીમાં નવું પ્રકરણ લખાઈ રહ્યું છે... એન્ડ આઈ એમ એક્સાઇટેડ!"

ઘણા વાચકોએ કહ્યું કે અમને જાત સાથે સતત નેગેટિવ વાતો કર્યા કરવાની જે આદત પડી ગઈ છે તે છોડી દઈશું. મોટી કંપનીમાં દરજ્જેદાર પોસ્ટ પર કામ કરી રહેલા પંચાવન વર્ષના એક મહાશયને મંદીને કારણે નોકરી છોડવી પડી. તેઓ એવા ભ્રમમાં હતા કે હું રહ્યો વર્ષોના એક્સપિરિયન્સવાળો સિનિયર આદમી, મને નવી જોબ મળતાં કેટલી વાર લાગવાની. એવું બન્યું નહીં. નોકરીઓ ઓફર થાય, પણ પોસ્ટમાં મજા ન હોય. બેકારી લંબાતી ગઈ. તેઓ કહે છે, "બસ, બહુ થયું. ઊતરતી પોસ્ટ પર હું કામ ન જ કરી શકું એવો જે ઈગો મારા મનમાં ઘર કરી ગયો છે તે મારે છોડી દેવો છે. કામ, કામ છે. મારે કમાવાનું છે, ઘર ચલાવવાનું છે. હું કોઈ પણ નોકરી સ્વીકારી લઈશ. અફકોર્સ, સાથે સાથે વધારે સારી જોબ માટે અરજીઓ કરવાનું ને ઇન્ટરવ્યૂ આપવાનું પણ ચાલુ રાખીશ. બેકારીનો સૌથી મોટો ફાયદો શું થયો, ખબર છે? છેલ્લી ઘડીઓ ગણી રહેલી મારી બીમાર મા સાથે રહેવાનો મને પુષ્કળ સમય મળ્યો. ઉપરવાળો હંમેશાં જાણતો હોય છે કે આપણને શાની જરૂર છે!"
એક મહિલાએ કહ્યું, "હું હંમેશાં ચિંતાતુર હોઉં છું કે મેં જે કામ હાથમાં લીધું છે તે કેવી રીતે પાર પડશે? બધું મેં ધાર્યું હોય તે જ રીતે પાર પડે તે માટે હું પરિસ્થિતિને કંટ્રોલમાં લેવાના ઉધામા કરતી હોઉં છું. મને લાગે છે કે માનસિક શાંતિ મેળવવા માટે સઘળું મારી ઇચ્છા પ્રમાણે જ થાય તેવા આગ્રહને છોડી દેવો પડશે."
"મેં મારો શાનદાર પલંગ છોડી દીધો!" એક યુવાન કહે છે, "મને પેઇન્ટિંગનો શોખ છે. બેડરૂમ ખાલી કરું તો જ એની જગ્યાએ આર્ટ સ્ટુડિયો બનાવી શકાય તેમ હતું. હું હવે હોલમાં નીચે પથારી પાથરીને સૂઈ જાઉં છું, બટ આઈ એમ હેપી! જે વસ્તુનું પેશન હોય તેને પોષવા માટે આટલું તો કરવું જ પડેને."
એકે કહ્યું, "મને સતત એવું થયા કરે છે કે મને જે કંઈ મળ્યું છે એને હું લાયક નથી. બસ, આ ગૂંગળાવી નાખતા ગિલ્ટમાંથી મારે બહાર આવી જવું છે. મારે મનમાં એક હકીકત ઠસાવી દેવી છે કે મેં જે કંઈ હાંસલ કર્યું છે તે મારી પાત્રતાને કારણે જ હાંસલ કર્યું છે."  

ઘણાં લોકોને દોસ્તારોનાં ટોળાં એકઠાં કરવાની ટેવ હોય છે. દોસ્તી વર્ષો પુરાણી હોય એટલે દમદાર જ હોય તે જરૂરી નથી. એક એક્ઝિક્યુટિવ કહે છે, "મારે નકામા મિત્રોને છોડી દેવા છે, એમની સાથે બહુ બધી યાદો સંકળાયેલી હોય, તો પણ. આઈ મીન,મારી સિદ્ધિ જોઈને ખુશ ન થઈ શકતા, મારી પ્રગતિ જોઈને બળતરા કરતા, મને ટોન્ટ મારતા, નીચું દેખાડવાની કોશિશ કરતા ફ્રેન્ડ્ઝ શું કામના? મને સમજાયું છે કે મિત્રોની ક્વોલિટી મહત્ત્વની છે, ક્વોન્ટિટી નહીં. મને પોઝિટિવ ફીલ કરાવે અને મારું ધ્યેય પાર પાડવામાં મદદ કરી શકે એવા મિત્રો સાથે જ હવેથી સંબંધ રાખવો છે."
"બીજા લોકો મારા માટે શું વિચારે છે, મને કેવી રીતે મૂલવે છે એની ચિંતા મારે છોડી દેવી છે. તો જ હું મારી જાત પ્રત્યે પ્રામાણિક રહીને, મારે જે રીતે જીવવું છે તે રીતે જીવી શકીશ," ઔર એક સજ્જન કહે છે આ પણ સાંભળો, "એક તબક્કે મારે પસંદગી કરવાની હતી કે ઓફિસમાં પ્રમોશન લેવું છે કે ખભે બેકપેક ચડાવીને હિપ્પીની જેમ દુનિયાભરના દેશોમાં રખડવું છે? હું ધારત તો જોબ સાચવીને થોડા દિવસોનું વેકેશન લઈ શક્યો હોત, પણ મેં બીજો વિકલ્પ પસંદ કર્યો. આ રીતે વર્લ્ડ-ટૂર કરવાનું અને એ રીતે મારી જાતની નજીક આવવાનું મારું વર્ષો જૂનું સપનું હતું."
એક વ્યક્તિએ સરસ વાત કરી, "મને બીજાઓનાં દુખડા દૂર કરવાના બહુ ધખારા છે. મને સતત થયા કરે કે સામેનો માણસ હર્ટ થવો ન જોઈએ, મારે એના ઘા પર મલમ લગાડવું જ જોઈએ, પણ હવે મને આ ચેષ્ટાની નિરર્થકતા સમજાય છે. સૌએ પોતપોતાના હિસ્સાની પીડા ભોગવવી જ પડે છે. મેં ખુદ ભોગવી છે. આ એક પ્રક્રિયા છે, એમાંથી પાસ થવું જ પડે. એટલે મારે હવે કોઈને ડિસ્ટર્બ કર્યા વગર આ પ્રક્રિયામાંથી પસાર થવા દેવા છે."
સરસ-સરસ જવાબો મળતા ગયા. મારી અંદર એક ક્રિટિક બેઠો છે જે કાયમ ન્યાયાધીશ બનીને મારો ચુકાદો તોળતો રહે છે, મારી ટીકા કર્યા કરે છે. હું આ ઇનર ક્રિટિકને કાઢી મૂકીશ... મને જગ્યાઓનું બહુ વળગણ છે - મારું ઘર, મારી ઓફિસ, મારું ગામ - હું આ વળગણમાંથી મુક્ત થઈશ.... હું મારા ચિંતાખોર સ્વભાવને છોડી દઈશ, કારણ કે ઉપરવાળો બેઠો જ છે મારી ચિંતા કરવા માટે... માત્ર સેક્સ માટે બંધાયેલા સંબંધોને છોડી દઈશ, કારણ કે આવી રિલેશનશિપમાં ક્યારેય દમ હોતો નથી... બધાંએ મને અન્યાય કર્યો છે, બધાં મારો લાભ લઈ ગયા છે જેવી ફાલતુ લાગણી હું છોડી દેવાની છું... હું બધી વાતમાં પરફેક્ટ જ હોઉં એવો દુરાગ્રહ છોડી દેવો છે.... હું ઓથોરિટી છોડી દઈશ, બધી વસ્તુમાં મારું જ ચાલે, બધાં હું કહું એમ જ કરે એવો આગ્રહ છોડી દઈશ.... હું સમાજની અપેક્ષાઓને વધારે પડતું મહત્ત્વ આપવાનું છોડી દઈશ.... મને ગૂંગળાવી નાખતા સત્ત્વહીન સંબંધોને ત્યજી દઈશ.... ડર અને ક્રોધ આ બે વસ્તુમાંથી આઝાદ થઈ જઈશ.
આપણાં સૌના વ્યક્તિત્વનો એક કુદરતી લય હોય છે, એક સ્વાભાવિક પ્રવાહ હોય છે. આ પ્રવાહને જેટલા વધારે વફાદાર રહી શકીશું એટલા વધારે હળવાફુલ થઈને જીવી શકીશું. જેટલા દૂર જઈશું એટલા વધારે દુઃખી થઈશું. નવું ઉમેરવા માટે જૂનું ખાલી કરવું પડે છે. ઓથેન્ટિક જિંદગી જીવવા માટે આપણા નેચરલ ફ્લોમાં અંતરાયરૂપ બનતી વસ્તુ-સંબંધો-પરિસ્થિતિઓને ઓળખી તેને હિંમતપૂર્વક છોડતા જવું પડે છે. તો હવે તમે કહો, તમે શું શું ત્યજી શકો તેમ છો?
0 0 0 

No comments:

Post a Comment