Thursday, January 30, 2014

ટેક ઓફ : લખવું અને દોડવું : એટલીસ્ટ હી નેવર વોક્ડ!

Sandesh - Arth Saptahik purti - 29 Jan 2014

ટેક ઓફ 

"મેરેથોન રનિંગ કંઈ બધાં માટે નથી. આ ઇચ્છા અંદરથી ઊગવી જોઈએ. નવલકથાનું પણ એવું જ છે. કોઈ તમને ભલામણ કે આગ્રહ ન કરી શકે કે ભાઈતું નોવેલિસ્ટ બન!"

'નિંગ નોવેલિસ્ટ'નું બિરુદ પામેલા હારૂકી મુરાકામી વિશેની વાતને આગળ વધારતાં પહેલાં ગયા બુધવારની કડીનો ફ્લેશબેક લઈ લઈએ. મુરાકામી નોબેલ પ્રાઈઝની દાવેદારની કક્ષા સુધી પહોંચી ગયેલા જાપાનના બેસ્ટસેલર નવલકથાકાર છે. લખવાની શરૂઆત કરી ત્યારે તેઓ ટોકિયોમાં રેસ્ટોરાં-કમ-બાર ચલાવવતા હતા. ફુલટાઈમ રાઈટર બનતાંની સાથે જ તેમને સમજાયું કે જો લેખક તરીકે વધારે વર્ષો સક્રિય રહેવું હશે તો હેલ્થ ટિપટોપ રાખવી પડશે. આથી તેમણે દોડવાની શરૂઆત કરી.
"આજે પાછું વળીને જોઉં છું ત્યારે મને સમજાય છે કે સદ્નસીબે મારું બોડી નાનપણથી જ સ્ટ્રોંગ અને હેલ્ધી છે," મુરાકામી કહે છે, "આ જ કારણ છે કે હું ત્રીસ વર્ષથી રોજ નિયમિતપણે દોડી શક્યો છું. પગ દુખવાને કારણે દોડયો ન હોઉં એવું ક્યારેય બન્યું નથી. હું નથી ક્યારેય ઈન્જર્ડ નથી થયો કે નથી ક્યારેય માંદો પડયો. જેમ જેમ વધારે દોડતો ગયો તેમ તેમ શારીરિક તાકાત વધારે નિખરતી ગઈ."

તરત વિચાર આવે કે ત્રણ દાયકાથી રોજેરોજ દોડવાની નિયમિતતા જાળવી રાખવા માટે માણસમાં કેટલું તગડું આત્મબળ જોઈએ. મુરાકામી આ વાતનો છેદ ઉડાડી દે છે. તેઓ કહે છે કે ડેઈલી રનિંગ અને વિલ પાવર વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. તેઓ દોડી શક્યા, કારણ કે ઈટ સ્યુટ્સ હિમ! એમને ફાવે છે રોજેરોજ દોડવું! આપણે જીવનમાં આખરે તો એ જ વસ્તુઓ કરતા હોઈએ છીએ જેમાં આપણી કુદરતી ફાવટ હોય. એમ જ હોવું જોઈએ. કોઈ વસ્તુ પરાણે કરતા રહેવામાં મજા નથી. તમે એક વાર કાયદેસર રનર બની જાઓ એટલે દોડવાની ક્રિયા શ્વાસ લેવા જેવી સહજ બની જાય એવુંય નથી. મુરાકામી એક વાર તોશીહીકો સીકો નામના એક ઓલિમ્પિક રનરનો ઈન્ટરવ્યૂ લેવા ગયા. સવાલ પૂછ્યોઃ "સર, તમારી કક્ષાના રનરને ક્યારેય આળસ આવે ખરી? તમને ક્યારેય સવારે વહેલા ઊઠતી વખતે કંટાળો આવ્યો છે ખરો કે રહેવા દે, આજે નથી જવું દોડવા? ને પછી રજાઈમાંથી બહાર નીકળવાની ઇચ્છા જ ન થાય? આવું બને ક્યારેય?
પેલા દોડવીર મુરાકામીને તાકવા લાગ્યા. એમની નજર કહી રહી કે આ કેવો મૂરખ જેવો સવાલ કર્યો તેં? એમણે જવાબ આપ્યોઃ "મને ક્યારેય દોડવા જવાનો કંટાળો આવે કે કેમ એવું પૂછો છો મને?અફકોર્સ, ઓલ ધ ટાઈમ!"
"વોટ આઈ ટોક અબાઉટ વ્હેન આ ટોક અબાઉટ રનિંગ" પુસ્તકમાં આ કિસ્સો ટાંકીને મુરાકામી કહે છે, "હું અંદરથી જાણતો હતો કે શું જવાબ મળશે, છતાંય મારે આ તોશીહીકોના મોઢેથી સાંભળવું હતું. આ જ હકીકત છે. ભલે તમારામાં વર્લ્ડકલાસ રનર જેવી સ્ટ્રેન્થ હોય, ભલે તમે ચિક્કાર એકસરસાઈઝ કરતા હો કે ભલે તમારામાં સેલ્ફ-મોટિવેશનની કોઈ કમી ન હોય, પણ સવારે પથારીમાંથી બહાર આવીને શૂઝની દોરી બાંધતી વખતે મોટું બગાસું ખાઈને પાછું રજાઈમાં લપાઈ જવાનું મન તો થવાનું જ! ટૂંકમાં, માણસ નવશીખિયો હોય કે વિશ્વકક્ષાનો દોડવીર, અંદરથી તો બધા સરખા જ હોય છે!"

મુરાકામીએ યુવાનીમાં દોડવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં પંદરથી વીસ મિનિટ માંડ દોડાતું. હાંફી જવાતું. સવારે ટ્રેક પેન્ટ ચડાવીને નીકળતા ત્યારે પાડોશીઓ વિચિત્ર નજરે જોયા કરતા. એમને બહુ ઓકવર્ડ લાગતું. "મેં પહેલી વાર મારા નામની પાછળ કૌંસમાં 'નવલકથાકાર' શબ્દ વાંચ્યો હતો ત્યારે પણ મને આવી જ ઓકવર્ડ ફીલિંગ થઈ હતી!" મુરાકામી કહે છે, "મેં દોડવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે શરીર ટેવાતું ગયું, અંતર વધતું ગયું. જો કે સ્પીડ કે ડિસ્ટન્સ કરતાં વધારે મહત્ત્વનું છે રોજેરોજ દોડવું, એક પણ દિવસનો બ્રેક પાડયા વિના નિયમિત દોડવું. તો જ સ્નાયુઓ ટેવાશે અને શરીર તમારું કહ્યું માનશે. વળી,મેરેથોન રનિંગ કંઈ બધા માટે નથી. આ બાબતમાં કોઈની ભલામણ કે આગ્રહ ન ચાલે. આ ઇચ્છા અંદરથી ઊગવી જોઈએ અને પછી એની તાલીમ વગેરેની દિશામાં તમે કુદરતી રીતે ખેંચાવા જોઈએ. નવલકથાનું પણ એવું જ છે. કોઈ તમને ભલામણ કે આગ્રહ ન કરી શકે કે ભાઈ, તું હવે નોવેલિસ્ટ બન!"
યુવાનીમાં એક તબક્કે સ્પષ્ટતા થઈ જવી જોઈએ. ખુદની શક્તિઓ અને આવનારાં વર્ષો કઈ રીતે, કયા કાર્યમાં ગાળવાં છે તે વિશેની સ્પષ્ટતા. આવું ન થાય તો જીવન સંતુલન અને ફોકસ બંને ગુમાવી બેસે છે. મુરાકામી કહે છે, "એક વાત મને જલદી સમજાઈ ગઈ હતી. મારી પ્રાયોરિટી એવી લાઈફસ્ટાઈલ વિકસાવવાની હતી કે જેથી લખવા પર વધુમાં વધુ ફોકસ કરી શકું. મને ચોક્કસ વ્યક્તિઓ સાથે સંબંધો વિકસાવવામાં રસ નહોતો, મારે તો મારા વાચકો સાથે અતૂટ સંબંધ બાંધવો હતો. મારું પ્રત્યેક નવું પુસ્તક મારાં આગલાં પુસ્તકો કરતાં બહેતર અને જુદું હોવું જોઈએ. આ જ અપેક્ષા રહી છે મારા વાચકોની. તો શું વાચકોની અપેક્ષા સંતોષવાના ભરપૂર પ્રયત્ન કરવા એ જ મારી ફરજ અને ટોપ પ્રાયોરિટી ન હોવાં જોઈએ? મેં મારા અસંખ્ય વાચકોને જોયા નથી,પણ તેમની સાથે મારો નાતો અદૃશ્ય છે, વૈચારિક છે. વાચકો સાથેની આ રિલેશનશિપને મેં જિંદગીમાં સૌથી વધારે મહત્ત્વની ગણી છે. તેંત્રીસ વર્ષની ઉંમરે મેં દોડવાની શરૂઆત કરી હતી. એક નવલકથાકાર તરીકેની મારી ખરી શરૂઆત પણ ત્યારે જ થઈ."

એક તરફ મુરાકામી નવલકથાકાર તરીકે ઊંચાઈઓને આંબતા ગયા, તો બીજી બાજુ એક દોડવીર તરીકે પણ નીખરતા ગયા. હાફ મેરેથોન (લગભગ ૨૧ કિલોમીટર), ફુલ મેરેથોન (૪૨ કિલોમીટર)માં અફલાતૂન પ્રદર્શન કર્યા પછી તેમણે દુનિયાની સૌથી કઠિન ગણાતી અલ્ટ્રા મેરેથોન (અધધધ ૮૯ કિલોમીટર) અને ઈવન ટ્રાયાથોનમાં પણ ભાગ લીધો. ટ્રાયાથોનમાં સ્વિમિંગ, સાઈક્લિંગ અને રનિંગ આ ત્રણેય વસ્તુ અટક્યા વગર એક પછી એક કરીને શરીર અને મનની તાકાત અજમાવવાની હોય છે.
"મારી સમાધિ પર કયા શબ્દો કોતરાવવા તે પણ હું મારા પરિવારને કહેતો જવાનો છું," હારૂકી મુરાકામી કહે છે, "લખાણ કંઈક આવું હોવું જોઈએઃ મારું આખું નામ, નીચે ૧૯૪૯ થી મૃત્યુવર્ષ. ત્યાર બાદ રાઈટર અને કૌંસમાં (રનર). એની નીચે લખવાનું : એટલીસ્ટ હી નેવર વોક્ડ!"
0 0 0

1 comment:

  1. ભરતકુમારFebruary 2, 2014 at 10:15 AM

    શિશિરભાઈ, લેખ ગમ્યો.

    ReplyDelete