Tuesday, February 4, 2014

ટેક ઓફ : લોકથી પરલોક સુધીનો અંતિમ પ્રવાસ તમારો હાથ પકડીને કરું...


Sandesh - Ardh Saptahik Purti - 5 Feb 2014

ટેક ઓફ 

પીડા અને ફરિયાદોની ક્યારેય દૂર ન થયેલી કરચલીઓ પર મૃત્યુ અનાયાસ ઇસ્ત્રી ફેરવી દે છે, સંબંધને સુંવાળો અને સરળ બનાવી દે છે. જીવતા બાપને અને મૃત્યુ પામેલા બાપને નિહાળતી સંતાનની આંખોનો રંગ એક હોય છે કે જુદો જુદો?


કેવો હોય છે જીવતી દીકરી અને મૃત્યુ પામેલા પિતા વચ્ચેનો સંબંધ? કઈ રીતે જુદો હોય છે તે જીવતા દીકરા અને દિવંગત પિતા વચ્ચેના સંબંધ કરતાં? મૃત્યુ કદાચ સૌથી મોટું 'લેવલર' છે. તે ક્ષિતિજ સુધી ફેલાયેલા ઊબડખાબડ જીવન પર, પીડા અને ફરિયાદોની ક્યારેય દૂર ન થયેલી કરચલીઓ પર અનાયાસ ઇસ્ત્રી ફેરવી દે છે,સંબંધને સુંવાળો અને સરળ બનાવી દે છે. જીવતા બાપને અને મૃત્યુ પામેલા બાપને નિહાળતી સંતાનની આંખોનો રંગ એક હોય છે કે જુદો જુદો?
મનીષા જોષીના લેટેસ્ટ કાવ્યસંગ્રહ 'કંદમૂળ'ના એક હિસ્સામાં આ પ્રશ્નો અને તેના સંભવિત જવાબોનું એક સંવેદનશીલ વાતાવરણ ઊભું થયું છે. મનીષા આપણી ભાષાની એક ઉત્તમ કવયિત્રી છે. એણે ઓછું પણ મહત્ત્વનું કામ કર્યું છે. એ કવિતા લખે છે, લખ-લખ કરતી નથી. એ કચ્છમાં જન્મે છે, વડોદરામાં ભણે છે, મુંબઈમાં કામ કરે છે, પછી ન્યૂઝીલેન્ડ, પછી ઇંગ્લેન્ડ, પછી અમેરિકા. એનું જીવન પૃથ્વીના ચાર ખંડોમાં આસ્તે આસ્તે કોઈ પૂર્વનિશ્ચિત ડિઝાઇનના ભાગરૂપે પ્રસરે છે. ટેક્નિકલી એ અમેરિકા સેટલ થઈ કહેવાય, પણ એના જેવી નિત્ય પ્રવાસી માટે સ્થાયીભાવને ઘૂંટવો જરા મુશ્કેલ છે. 'કંદમૂળ' પહેલાં એના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયાં હતાં - 'કંદરા' (૧૯૯૬) અને 'કંસારા બજાર' (૨૦૦૧). કેલિફોર્નિયાવાસી મનીષા સ્પષ્ટતા કરે છે, "મારા ત્રણેય કાવ્યસંગ્રહોનાં શીર્ષક 'ક'થી શરૂ થાય છે એ માત્ર એક યોગાનુયોગ છે. બાકી મને 'કે' માટે એકતા કપૂર કે કરણ જોહર જેવું કોઈ વળગણ નથી, પ્લીઝ." ઓકે, ચલો માન લિયા.  
મનીષાની અછાંદસ રચનાઓ હંમેશાં ખૂબ અંગત રહી છે. અંગત, ઈમાનદાર અને શાંત. આ શાંતિ ક્યારેક વિસ્ફોટોને પોતાની ભીતર દબાવી દીધા પછી પ્રગટી હોય છે. 'કંદમૂળ'માં 'કંદરા' અને 'કંસારા બજાર' કરતાં એક જુદી મનીષા સામે આવી છે. આજે ફક્ત એમાં આવરી લેવાયેલાં સ્મૃતિ કાવ્યોની વાત કરવી છે. અઢળક વહાલ કરનારા પિતા લક્ષ્મીકાંત જોષી એના માટે પ્રોટેક્ટિવ બની રહેવાને બદલે સાવ નાની ઉંમરથી વિચારશીલ સ્વતંત્રતા કેવી રીતે આપી શક્યા? મનીષાને એ વાતની હંમેશાં નવાઈ લાગતી રહી છે. એ લખે છે, "પપ્પા સતત હસતા અને હસાવતા રહેતા, પણ હું જાણી ગઈ હતી કે અંદરથી તેમને જીવન પ્રત્યે ખાસ લગાવ નહોતો. પોતાની નજર સામેથી જીવનને પસાર થતું જોઈ શકવાની ક્ષમતા તેમનામાં હતી. તેમની આ શાંતિ, નિરપેક્ષતા અને આંતરિક ઉદાસી મને પણ જાણે વારસામાં મળી છે."
મેં વારસામાં મેળવી છે
આ ઉદાસી
તમારી પાસેથી.
ભરપૂર જિવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે
પિતા-પુત્રી
પોતપોતાના એકાંતમાં,
અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ એમ
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ
લૂંછી નાખતા હોઈએ.
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતાં આપણે,
જાણીએ છીએ
આ અજંપો ઘર કરી ગયો છે શરીરમાં.

કવિતામાં આગળ લખે છે-

ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલાં,
આપણે પિતા-પુત્રી,
લોહી કરતાં પણ સાચો
આપણો સંબંધ છે
ઉદાસીનો.

જન્મદાતા સાથેનો સંબંધ માત્ર વહાલ, આત્મીયતા, સન્માન યા તો નફરત કે ઉપેક્ષાનો જ નહીં, ઉદાસીનો પણ હોઈ શકે છે. સંબંધનો આ જ રંગ સૌથી પ્રામાણિક, સૌથી ઓથેન્ટિક હોય એવુંય બને.

Manisha Joshi

મૃત્યુ ઘણી બધી સ્પષ્ટતાઓ કરી નાખે છે. ઘણાં ટપકાં જોડી આપે છે, અધૂરી આકૃતિ પૂરી કરી નાખે છે. આનાથી વિપરીત પણ શક્ય છે. મૃત્યુ વાર્તા અધૂરી રાખી દે, હવામાં કેટલાક છેડા અધ્ધર લટકતા રહેવા દે, કશંુક વ્યાખ્યાયિત થતું અટકાવી દે તેમ પણ બને. મૃત્યુ શારીરિક ઘટના છે અને ક્યારેક એનો સંબંધ આશ્ચર્યકારક રીતે ભૌતિક ચીજો સાથે જોડાઈ જતો હોય છે.'સજીવ શર્ટ' નામની કવિતામાં આ વાત સરસ ઊપસી છેઃ
કપડાંમાં સરી જતાં જીવન
અને જીવનમાં સરી જતાં કપડાં
અને એ બે વચ્ચેથી પસાર થઈ જતા
કંઈકેટલાયે પ્રસંગો,
સારા ને માઠા.
કેટલાંક કપડાં એ પ્રસંગોમાં એવાં ભળી જાય
કે જાણે એ કપડાં એ પ્રસંગો માટે જકે એ પ્રસંગો એ કપડાં માટે જ સર્જાયાં હોય.
તમને અગ્નિદાહ આપતી વખતે
ભૂજના સ્મશાનગૃહમાં મેં પહેરેલું
કાળા અને સફેદ રંગના પોલકા ડોટવાળું એ શર્ટ-
મારી સ્મૃતિમાં એવું સ્થિર થઈ ગયું છે
જાણે તમારું એ નિશ્ચેતન શરીર.
તમારા નિર્જીવ શરીર પર મેં આગ ચાંપી ત્યારે
એ શર્ટ જાણે સજીવન થઈ ગયું હતું
અને તમામ વિષાદથી પર થઈ ગયું હતું.
હું જાણું છું કે એ શર્ટને
હું ક્યારેય ફેંકી નહીં શકું.

સંતાનના જન્મની પળ અને પિતાના મૃત્યુની ક્ષણ - આ બન્ને પ્રસંગોએ એકમેકની હાજરી હોય કે ન પણ હોય. અલબત્ત, બાળકના જન્મ વખતે ઉપસ્થિત ન રહી શકનારો પિતા જાણતો હોય છે કે સંતાનનું ભવિષ્ય પોતાના બે હાથો વચ્ચેથી, પોતાની તકદીરની લકીરોમાંથી પસાર થવાનું છે, પણ પિતા વિદાય લઈ રહ્યા હોય ત્યારે ગેરહાજર રહેલા સંતાનના હાથમાં ફક્ત એ ક્ષણની કોરી સ્મૃતિ આવે છે. મનીષાએ 'દેવદૂત' નામની એક અસરકારક કવિતા લખી છે. સાંભળોઃ
તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા
ત્યારે હું હાજર નહોતી.
તમારા ચહેરા પર
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત
એ હું નથી જાણતી.
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે.
તેમાં એક ચહેરો મારો પણ હશે.
મારા જન્મ પહેલાં
મારાથી અજાણ,
એક જીવન તમે જીવ્યા
અને હવે,
એક જીવન હું જીવીશ,
તમારા ગયા પછી તમારાથી અજાણ.
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલાં
આપણે પિતા-પુત્રી
કોને કહીએ પરિચિત
ને કોને માનીએ અપરિચિત?
હું તમારી યાદમાં કાગવાસ નહીં આપું,
પણ તમે આવજો
પાંખો ફફડાવતા,
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને
મારા ઘરનો.

હું મૃત્યુ પામું અને ફરિશ્તાઓ મને લેવા આવે ત્યારે હે પિતા! તમે એને રસ્તો દેખાડજો, એની સાથે આવજો. કદાચ તમે જ ફરિશ્તા બનીને મને તેડવા આવો, કોને ખબર? નાનપણમાં પા-પા પગલી કરતી વખતે તમે મારી આંગળી પકડતા હતા. હે પિતા! હું ઇચ્છું છું કે લોકથી પરલોક સુધીનો મારો અંતિમ પ્રવાસ પણ તમારો હાથ પકડીને જ કરું. કોઈ પણ સંતાન પોતાના જન્મદાતા પાસે આનાથી વિશેષ કશું માગી શકતું નથી!

                                                                              0 0 0 

1 comment:

  1. અત્યંત અદભુત અભિવ્યક્તિ . . . ખાસ તો છેલ્લી અછંદાસ રચના

    ReplyDelete