Wednesday, January 1, 2014

ટેક ઓફ : માસૂમ બાળક જન્નતનશીન થાય છે ત્યારે ફરિશ્તા એના પગ નીચે પોતાની પાંપણો બિછાવે છે...

Sandesh_Ardh Saptahik Purti_1 Jan 2014ટેક ઓફ


એક સ્કૂલ વેનમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળે છે અને છ માસૂમ બચ્ચાં બળીને ભડથું થઈ જાય છે. શું છ વર્ષ પછી પણ એમનાં માબાપ સ્વાભાવિક થઈ શક્યાં છે? એમને જખમની સાથે જીવતાં આવડી ગયું છે ? કે પછી... 

થોડા દિવસો પહેલાં મુંબઈનાં અખબારોમાં એક એવા સમાચાર છપાયા જે વાંચીને મુંબઈગરાઓ ધ્રૂજી ઊઠયા હતા. મુંબઈના જોગેશ્વરી (પશ્ચિમ) વિસ્તારમાં બરાબર એસ.વી. રોડને સ્પર્શીને એક સ્કૂલ છે - મિલ્લત હાઈસ્કૂલ. ૧૪ ડિસેમ્બરે દિવસ પૂરો થયો એટલે કિન્ડરગાર્ટનનાં આઠ ટપુકડાં ચુન્નુમુન્નુઓને લઈને સ્કૂલબસ રવાના થઈ. બસ માંડ બે-એક કિલોમીટર આગળ ગઈ હશે ત્યાં અચાનક ડ્રાઈવરને લાગ્યું કે કશીક વિચિત્ર દુર્ગંધ આવી રહી છે અને બસમાંથી ધુમાડો નીકળી રહ્યો છે. એક પણ પળનો વિલંબ કર્યા વિના એણે બસને સાઈડમાં પાર્ક કરી. આઠેય બાળકોને હજુ તો ફટાફટ નીચે ઉતારે છે ત્યાં થોડી જ મિનિટોમાં બસ ભડકે બળવા માંડી. કદાચ એન્જિનમાં સ્પાર્ક થવાને કારણે આગ લાગી હતી અથવા બીજું કોઈ કારણ હતું, પણ જો ડ્રાઈવરે સહેજ અમથું મોડું કર્યું હોત તો ન થવાનું થઈ ગયું હોત.

ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે બાળકો બચી ગયાં એ તો સારા સમાચાર કહેવાય. તો પણ મુંબઈગરાઓ એટલા માટે કાંપી ઊઠયા હતા કે આ જ સ્કૂલ સાથે સંકળાયેલી એક અત્યંત પીડાદાયક સ્મૃતિ આ ઘટનાને લીધે સપાટી પર આવી ગઈ હતી. છ વર્ષ પહેલાં, ચોક્કસ તારીખ સાથે વાત કરીએ તો ૨૮ જાન્યુઆરી, ૨૦૦૮ના દિવસે, મિલ્લત હાઈસ્કૂલનાં આટલી જ ઉંમરનાં બાળકોને લઈ જતી સ્કૂલ વેન સાથે એક ભયંકર દુર્ઘટના થઈ ગઈ હતી.
 બોરીવલીસ્થિત રાજપૂત ચાલમાં રહેતા અને કોઈ દુકાનમાં મામૂલી નોકરી કરતા અબ્દુલ હલીમની પાંચ વર્ષની મીઠડી દીકરી રુકૈયા મિલ્લત હાઈસ્કૂલમાં કેજીમાં ભણતી હતી. બપોરે સાડાબાર વાગ્યે એમના પર ફોન આવે છેઃ તમે તાત્કાલિક સ્કૂલે આવી જાઓ. અબ્દુલે કહ્યું બસ, નમાજ પઢીને તરત નીકળું છું. ફોન કરનારના અવાજમાં ન સમજાય એવો ઉચાટ ભળી ગયો : નમાજ પઢવા ન રોકાતા. એક્સિડન્ટ જેવું થઈ ગયું છે. તમે ફટાફટ આવી જાઓ.

Abdul Halim
અબ્દુલ હલીમને ગભરાટ થઈ ગયો. શું થયું હશે? મારી રુકૈયાને કંઈ...? લોકલ ટ્રેન પકડીને બને એટલી ત્વરાએ સ્કૂલે પહોંચીને જુએ છે કે બહાર ટીવી ચેનલોની ઓબી વેન્સ, પોલીસ અને લોકોનો જમઘટ થઈ ગયો છે. અંધાધૂંધીનો માહોલ છે. અબ્દુલને તરત સમજાઈ ગયું કે મામલો ગંભીર છે.          
એક્ઝેક્ટલી શું બન્યું હતું? જેમાં રુકૈયા અને બીજાં બાળકો રોજ આવ-જા કરતાં હતાં તે વેનનું એલપીજી સિલિન્ડર ખાલી થઈ ગયું હતું તેથી ડ્રાઈવર રફીક કુરેશી પાણીની બોટલોમાં પેટ્રોલ ભરી, તેને પાઇપથી કાર્બ્યુરેટર સાથે જોડી વેન ચલાવતો હતો. અત્યંત ખતરનાક ટેકનિક હતી આ વાહન ચલાવવાની. ડ્રાઈવર એ પણ જાણતો હતો કે વેનમાં શોર્ટ-ર્સિકટનો પ્રોબ્લેમ છે,પણ તેને એ ખબર નહોતી કે બોટલોમાંથી પેટ્રોલ લીક થવાથી વેનનો પાછળનો હિસ્સો પેટ્રોલથી પલળી ગયો છે. સ્કૂલ પૂરી થઈ એટલે રોજની જેમ એણે બાળકોને વેનમાં બેસાડયાં. એઇટ-સીટર વેનમાં એણે બાર બચ્ચાંને ઠાંસ્યાં હતાં. પાંચથી લઈને નવ વર્ષની ઉંમરનાં માસૂમ બાળકો. બધાં બેસી ગયાં એટલે જેવી ડ્રાઈવરે ઈગ્નિશન-કી ઘુમાવીને વેન સ્ટાર્ટ કરી કે શોર્ટ-ર્સિકટને કારણે ક્યાંકથી તણખો ઊડયો. પેટ્રોલથી ભીંજાયેલા હિસ્સાએ તરત આગ પકડી લીધી. હજુ કોઈ કશું સમજે તે પહેલાં વેનમાંથી આગની જ્વાળાઓ ભડકી ઊઠી. ડ્રાઇવર અને બીજા લોકોએ બાળકોને બહાર કાઢવાની કોશિશ કરી, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ચૂક્યું હતું. આગ એટલી ભયાનક હતી કે પાછલી સીટ પર બેેઠેલી ત્રણ બાળકીઓ ત્યાં જ બળીને ભડથું થઈ ગઈ.
અબ્દુલ ગાંડાની જેમ ઓફિસ તરફ ભાગ્યોઃ ક્યાં છે મારી બચ્ચી? ક્યાં છે મારી રુકૈયા? જવાબ મળ્યોઃ તમારી દીકરી હવે નથી રહી! અબ્દુલનો જીવ ઊડી ગયો. મારી દીકરી હવે નથી રહી એટલે? આઘાત એટલો પ્રચંડ હતો કે દિમાગ સુન્ન થઈ ગયું. શું વેનમાં ફાટી નીકળેલી આગ મારી રુકૈયાને ભરખી ગઈ? જોકે ઓફિસમાંથી અર્ધસત્ય કહેવામાં આવ્યું હતું. રુકૈયા હજુ જીવતી હતી. બીજાં બાળકોની સાથે તેને પણ હોસ્પિટલમાં ખસેડીને ઓક્સિજન પર રાખવામાં આવી હતી.
Rukaiya
અબ્દુલ અને બીજાં વાલીઓ હોસ્પિટલ તરફ દોડયાં. બધાં બાળકોને કતારમાં સૂવડાવવામાં આવ્યાં હતાં. ફૂલ જેવાં કોમળ બચ્ચાં એટલાં ભયાનક રીતે દાઝી ગયાં હતાં કે સૌનાં શરીર કોલસા જેવાં કાળાં થઈ ગયાં હતાં. આમાંથી રુકૈયાને ઓળખવી કેવી રીતે? રુકૈયાની અમ્મીએ ફોન પર કહ્યું, એણે હાથ પર મેંદી મૂકી છે. એક બાળકની કાળીભઠ્ઠ થઈ ચૂકેલી આંગળીનાં ટેરવાં પર સહેજ મેંદી દેખાઈ ગઈ. એના પરથી ખબર પડી કે આ જ રુકૈયા છે. રાત્રે બારેક વાગ્યે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા પછી થોડી વારમાં કહી દેવામાં આવ્યુંઃ તમારી દીકરીએ શ્વાસ છોડી દીધા છે.   
જીવ કરતાંય વધારે વહાલું સંતાન આવી રીતે જતું રહે ત્યારે મા-બાપની દુનિયા તૂટી પડે છે. આજે છ વર્ષ પછી અબ્દુલ હમીલ પોતાની દીકરીને યાદ કરતાં કહે છે, "સૌથી પ્યારી બચ્ચી હતી મારી રુકૈયા. સૌથી સમજદાર, મજબૂત, કોઈથી ડરતી નહીં, મારા માટે બહુ લગાવ હતો. કોઈના બર્થડેમાં જાય અને રિટર્ન ગિફ્ટ મળે તો સંભાળીને ઘરે લઈ આવતી અને મને કહેતી, અબ્બુ, આ તમારા માટે..." અબ્દુલની આંખો પાછી છલકાઈ ઉઠે છે, "તહેઝીબવાળી પણ એવી જ. ઘરમાં દોડતી આવશે, પણ મને જોઈને ચાર ડગલાં પાછળ જઈને ફરીથી ઘરમાં આવશે અને કહેશે, અબ્બુ, સલામ વાલેકુમ..."
કેટલી બધી વાતો, કેટલી બધી યાદો. ભૂતકાળમાં રિક્ષા ડ્રાઈવર તરીકે કામ કરી ચૂકેલા અર્ધશિક્ષિત અબ્દુલ સમજદારીપૂર્વક કહે છે, "અગર ઈન્સાનને બધી વસ્તુઓ એવી ને એવી યાદ રહેતી હોત તો એ જીવી જ ન શકે, પણ સમયની સાથે આપણે જખમ સાથે જીવતાં શીખી જઈએ છીએ. મારી દીકરીના હિસ્સામાં આટલી જ જિંદગી આવી હતી. તે જિવાઈ ગઈ એટલે જતી રહી. અમારા ધર્મમાં કહે છે કે માસૂમ બાળક મરીને જન્નતનશીન થાય છે ત્યારે ફરિશ્તા એના પગ નીચે પોતાની પાંપણો બિછાવે છે..."
Muddasar

દુર્ઘટના પછી અબ્દુલની ઈશ્વર પરની આસ્થા ખંડિત ન થઈ, બલકે વધારે મજબૂત બની. કદાચ ધર્મને કારણે જ તીવ્ર પીડા સહન કરવાની તાકાત મળી છે. હાદસામાં રુકૈયા સહિત કુલ છ બાળકોએ જીવ ગુમાવ્યો. બચી ગયેલાં બાકીનાં છ બાળકો અને તેના પરિવારજનો શું આ દુર્ઘટનાની અસરમાંથી મુક્ત થઈ ગયાં છે? ના. મુદસ્સર નામના છોકરનાં રંગરૃપ એટલાં ભયાનક થઈ ગયાં છે કે બીજાં બાળકો તેને જોઈને ડરી જાય છે. તેના પર ૧૭ વખત બહુ જ કઠિન રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી કરવામાં આવી હોવા છતાં હજુય તે કુરૃપ છે. કાળું પડી ગયેલું શરીર તો કપડાં નીચે ઢંકાઈ જાય છે, પણ નાકની જગ્યાએ માત્ર બે છિદ્રો દેખાય છે. આંગળીઓ એવી છે જાણે અડધી કપાઈ ગઈ હોય. એનાથી પેન માંડ પકડાય છે. મા-બાપને એ વાતનો સંતોષ છે કે દીકરાની હાલત ભલે ખરાબ છે, પણ એ જીવે તો છે!

શું વિચારતાં હશે બારેય બાળકોનાં વાલીઓ પેલી સ્કૂલ વેનના ડ્રાઈવર રફીક વિશે કે જેની બેદરકારી જીવલેણ સાબિત થઈ?ડ્રાઈવર પર ઈન્ડિયન પિનલ કોડ હેઠળ કલમ ૩૦૪-એ (ડેથ બાય નિગ્લિજન્સ) અને કલમ ૩૦૪ (કલ્પેબલ હોમિસાઈડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર) લગાવવામાં આવી હતી. આશ્ચર્યની વાત જુઓ. મૃત કે ઘાયલ બાળકોનાં માબાપ ઇચ્છતાં નહોતાં કે ડ્રાઈવરને સજા મળે. બલકે, તેઓ એના સપોર્ટમાં આગળ આવ્યાં! આજની તારીખે પણ કોઈ વાલીના મોઢેથી ડ્રાઈવર માટે નફરતનો એક શબ્દ નથી નીકળતો. મુદસ્સરના પિતા સૈયદ મિનહાજ સ્વાભાવિકતાથી કહે છે, "જે કંઈ થયું તે એક અકસ્માત હતો. ડ્રાઈવરે જાણીજોઈને થોડી આગ લગાડી હતી? બલકે એણે તો બાળકોને બચાવવાની કોશિશ કરી હતી. આ કોશિશને કારણે એના ખુદના હાથ દાઝી ગયા હતા. અમે ક્યારેય નથી ઇચ્છ્યું કે એને કોઈ સજા થાય."
ક્યાંથી આવતી હોય છે ક્ષમા કરી દેવાની આવી તાકાત? દુર્ઘટના પછી રફીકે ડ્રાઈવર તરીકેનું કામ  બંધ કરી દીધું હતું. હવે એ ઠેલો લગાડીને ચિકન વેચે છે. એનો ખુદનો દીકરો આજે એ જ સ્કૂલમાં નવમા ધોરણમાં ભણે છે.આંખ બંધ થઈ જાય છે આવા કિસ્સા સાંભળીએ છીએ ત્યારે. અંદરથી હલી જવાય છે આવા કમનસીબ વાલીઓને મળીએ છીએ ત્યારે. સંતાનનું મૃત્યુ જોવાનું દુઃખ ઈશ્વર કોઈને ન આપે. 
                                          0 0 0

2 comments:

  1. Heart wrenching. So tragic. Thanks for sharing this.

    ReplyDelete
  2. ankho bhini kri nakhi tme sirji...

    ReplyDelete