પુસ્તક-સમીક્ષા
- જ્યોતિ દવે
ફલક
લેખક : શિશિર રામાવત
પ્રકાશક : ગૂર્જર પ્રકાશન
પૃષ્ઠ : 108
મૂલ્ય : રૂ. 150/-
દૂરભાષ : (079) 22144663

જ્યારે આપણી સમજ એક નિશ્ર્ચિત વિસ્તાર, વિચાર કે ખ્યાલ પૂરતી સીમિત થઈ જાય ત્યારે વિકાસનો તબક્કો જાણે કે સ્થિર થતો ભાસે છે... આથી સતત વિચારવંત રહેવું, વેગવંત રહેવું એ અનિવાર્ય છે, તેની સાથોસાથ વિચારોના નાવીન્યને અપ્નાવવું અને કૂપમંડૂક જેવી પરિસ્થિતિમાંથી બહાર આવવું એ ગતિશીલતાની નિશાની છે. આથી જ આ પુસ્તકમાં લેખક શિશિર રામાવતે વિધવિધ વિષયોને અલગ જ રીતે મૂલવવાનો પ્રયાસ કર્યો છે, જે થકી વાચક પોતાના વિચારબિંદુને વ્યાપક ફલક પર મૂકી વાસ્તવિકતાની વધુ નજીક પહોંચે છે.
એકાંત અને એકલતામાં શું ફેર છે ? એકાંતમાં પસંદગીનો ભાવ છે, તો એકલતામાં કદાચ અણગમાની કે અવગણનાની ભાવના વ્યક્ત થાય છે. પેશન હોવું એ આપણા જીવન માટે કેટલું આવશ્યક ? ગિલ્ટી ફીલ કરવાનો અનુભવ કેવોક ? ગુણ ગ્રાહ્ય કરવાની અને અવગુણને ત્યજવાની કોઈ ક્ટ-ઓફ્ફ લિમિટ ખરી ?, કોઈને એક ક્ષણ પૂરતો માફ કરવો શું શક્ય નથી ?, શું અમુલ ગર્લ સોશિયલ ઓબ્ઝર્વર છે ? વર્લ્ડકપ ફિવર અને અધ્યાત્મ ક્યાંય જોડાયેલા છે ? શું તમે આઈસ્ક્રીમને પ્રેમ કરો છો ?
ઉપરોક્ત પ્રશ્ર્નાવલીને તપાસવામાં આવે તો પણ ખ્યાલ આવે છે કે અહીં વિચારોનું વૈવિધ્ય છે. આપણી વિચાર-મનન-ચિંતનની શક્તિઓને વધુ વેગવંત બનાવે તેવી વાતો ઉપરોક્ત પ્રશ્ર્નોના ઉત્તરોમાં વણાઈ છે. પ્રત્યેક પ્રકરણ એકબીજાથી અલગ છે પણ સ્વયંમાં કાંઈક આગવો સંદેશો આપ્નાર એક શ્રેષ્ઠ પ્રકરણ બની રહે છે. આમ આ પુસ્તકમાં કલા, ક્રિએટિવિટી, ભાષા, સાહિત્ય, સંબંધો અને લાગણીઓની અભિવ્યક્તિ થઈ છે જીવંત ઉદાહરણો મારફતે, તો ક્યાંક દંતકથા સ્વરૂપે, તો ક્યાંક ઇન્ટરવ્યુના શબ્દો દ્વારા તો વળી ક્યાંક છે જુદા જુદા ખ્યાતનામ વ્યક્તિઓનાં વિચારબિંદુઓની સામ્યતા દ્વારા.
આમ, વાચકને વિવિધ વિષયોનું રસપાન કરાવતું આ પુસ્તક વાંચવું ગમે એવું છે.
No comments:
Post a Comment