Saturday, January 25, 2014

ટેક ઓફ : નોવેલિસ્ટ તરીકે લાંબું લખવું હોય તો ફિટ રહેવું!


Sandesh - Ardh Saptahik Purti - 22 Jan  2014  

ટેક ઓફ 

જાપાનના સુપરસ્ટાર લેખક હારુકી મુરાકામીને 'રનિંગ નોવેલિસ્ટ'નું બિરુદ મળ્યું છે. ઊંચા ગજાનો સાહિત્યકાર એક અઠંગ મેરેથોન રનર પણ હોય તેવું કમાલ કોમ્બિનેશન કેવી રીતે સર્જાયુ?

પુસ્તકનું નામ જ કેવું કેચી છેઃ 'વોટ આઈ ટોક વ્હેન આઈ ટોક અબાઉટ રનિંગ'. મતલબ કે, હું જ્યારે દોડવાની વાત કરતો હોઉં છું ત્યારે ખરેખર કોના વિશે કરતો હોઉં છું? હારુકી મુરાકામી નામના વિખ્યાત જાપાની નવલકથાકારના એક પુસ્તકનું આ ટાઈટલ છે. ૬૫ વર્ષના મુરાકામી 'રનિંગ નોવેલિસ્ટ' તરીકે દુનિયાભરમાં જાણીતા છે. જાપાનના તેઓ બેસ્ટસેલિંગ લેખક છે. એમની કૃતિઓ અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પ્રગટ થઈ છે. ખૂબ બધા એવોર્ડ્ઝ પણ જીત્યા છે તેમણે. વિશ્વના મહાનતમ જીવિત નવલકથાકારોની સૂચિમાં તેઓ મુકાયા છે. ઈન ફેક્ટ, ગયા વર્ષે સાહિત્ય માટેના નોબેલ પ્રાઈઝના ટોપ-ફાઈવ દાવેદારમાં એમનું નામ હતું.
મુરાકામીની સૌથી આકર્ષક વાત એ છે કે તેઓ અઠંગ દોડવીર પણ છે. ઊંચા ગજાનો સાહિત્યકાર મેરેથોન રનર તરીકે પણ વેટરન એટલે કે અનુભવી ગણાતા હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. મુરાકામીમાં આ રેર કોમ્બિનેશન થયું છે. ચંદ્રકાંત બક્ષી કોલેજકાળમાં ખૂબ દોડતા. તેમણે એક વાર ફુલ મેરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) પણ આશ્ચર્ય થાય એટલા ઓછા સમયમાં પૂરી કરી હતી. જોકે તેમનું દોડવાનું થોડાં વર્ષોમાં છૂટી ગયું હતું. મુરાકામીએ લખવાનું શરૂ કર્યું ત્યારે ૨૯-૩૦ વર્ષના અને દોડવાનું શરૂ કર્યું ત્યારે તેંત્રીસના હતા. લોકો સામાન્યપણે જુવાની ફૂટતા જ કવિતા લખવાનાં ટાયલાં શરૂ કરી દેતા હોય છે. જીવનભર કોઈ સ્પોર્ટ સાથે નિષ્ઠાથી જોડાયેલી વ્યક્તિ ઘણું કરીને સ્કૂલ-કોલેજના જમાનાથી જ ખેલકૂદમાં એક્ટિવ બની જતી હોય છે. તે દૃષ્ટિએ મુરાકામીએ લખવાનું અને દોડવાનું પ્રમાણમાં મોડું શરૂ કર્યું એમ કહેવાય. જોકે લખવાને અને દોડવાને ઉંમરના કોષ્ટક સાથે ક્યાં કંઈ લાગેવળગે છે.    
લેખક બન્યા તે પહેલાં મુરાકામી ટોકિયોમાં એક મધ્યમ કદની રેસ્ટોરાં-કમ-બાર ચલાવતા હતા. દિવસે ચા-કોફી અને ખાવાનું પીરસાય, રાત્રે આલ્કોહોલ. બારમાં એક બાજુ જાયન્ટ સાઈઝનો પિયાનો ગોઠવવામાં આવ્યો હતો. વીકએન્ડમાં ત્યાં લાઈવ પર્ફોર્મન્સીસ થાય. વહેલી સવારથી મુરાકામીનું કામ શરૂ થાય જે મધરાત સુધી નોનસ્ટોપ ચાલે. 'વોટ આઈ ટોક વ્હેન આઈ ટોક અબાઉટ રનિંગ' પુસ્તકમાં તેઓ કહે છે, "મારી પાસે બાર ચલાવવાનો કે બિઝનેસ કરવાનો કોઈ અનુભવ નહોતો. એવું કોઈ પેશન પણ નહોતું. મારો એક જ પ્લસ પોઈન્ટ હતો અને તે એ કે મારો ફિઝિકલ સ્ટેમિના શરૂઆતથી જ ખૂબ સારો છે. હું થાક્યા વગર સખત પરિશ્રમ કરી શકું છું."
આ ગુણ તેમને દોડતી અને લખતી વખતે પણ ખૂબ કામ આવ્યો. બાર ચલાવતાં ચલાવતાં મુરાકામી નવલકથાકાર કેવી રીતે બની ગયા? એક બપોરે એ બેઝબોલની મેચ જોવા ગયા હતા. મેચ જોતાં જોતાં અચાનક એમના મનમાં વિચાર ઝબકી ગયોઃ યુ નો વોટ, હું ધારું તો નવલકથા લખી શકું તેમ છું!

"લેખક બનવાના ધખારા મને ક્યારેય નહોતા, તો પણ કોણ જાણે કેવી રીતે તે દિવસે મેચ જોતા જોતાં મને નવલકથા લખવાની તીવ્ર ઇચ્છા થઈ આવી!" મુરાકામી કહે છે, "મને એ તારીખ પણ બરાબર યાદ છે - પહેલી એપ્રિલ ૧૯૭૮! હું એક્ઝેક્ટલી શું લખવા માગું છું તેનો મને બિલકુલ ખ્યાલ નહોતો. ફક્ત એટલું ફીલ થઈ રહ્યું હતું કે હું જે કંઈ લખીશ તે વાંચનારને રસ પડે એવું તો હશે જ. ઘરે જઈને લખવા બેઠો ત્યારે મને ખબર પડી કે મારી પાસે લખવા માટે સારી બોલપેન કે ફાઉન્ટનપેન પણ નથી. હું પછી સ્ટેશનરીની દુકાને જઈને કોરા કાગળ અને સારી પેન ખરીદતો આવ્યો."
આમ, મુરાકામીએ એકાએક નવલકથા લખવાના શ્રીગણેશ કર્યા. ચારેક મહિનામાં જાપાની ભાષામાં બસ્સો પાનાંની એક નોવેલ લખી નાખી. એ અરસામાં કોઈ સાહિત્યિક મેગેઝિને નવોદિત લેખકો માટે સ્પર્ધા જેવું શરૂ કરેલું. કોઈ પણ અપેક્ષા વગર તેમાં પોતાની કૃતિ મોકલી આપી. તે પછી ધંધામાં એવા બિઝી થઈ ગયા કે નવલકથાવાળી વાત લગભગ વિસરાઈ ગઈ. થોડા મહિનાઓ પછી મેગેઝિને પરિણામની ઘોષણા કરી. મુરાકામીની નવલકથાને પહેલું ઈનામ મળ્યું. નવલકથા (અંગ્રેજી ટાઈટલ-'હીઅર ધ વિન્ડ સિંગ') પ્રકાશિત થઈ, ખૂબ વખણાઈ. મુરાકામી પર ઊભરતા નવયુવાન નવલકથાકારનું બિરુદ લાગી ગયું. આખો ઘટનાક્રમ એટલો અણધાર્યો હતો કે એમને ખુદને સમજાઈ રહ્યું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે!
કહેવાતું હોય છે કે લેખક બનવા ઇચ્છનારે સૌથી પહેલાં તો ડાયરી વગેરે લખીને લખવાનો ખૂબ રિયાજ કરવો જોઈએ, કમસે કમ પચ્ચીસ-પચાસ ટૂંકી વાર્તાઓ લખવી જોઈએ, પોતાની ભાષા અને શૈલીની ધાર ઉતારવી જોઈએ અને તે પછી જ નવલકથા પર હાથ અજમાવવાની હિંમત કરવી જોઈએ. મુરાકામીના કિસ્સામાં આ થિયરીનો ભુક્કો બોલી ગયો. તેમણે સીધા નવલકથા લખવાથી જ શરૂઆત કરી અને પહેલા બોલમાં સિક્સર ફટકારી દીધી. ખરેખર, ક્રિએટિવિટીના મામલામાં કોઈ જડ નિયમો કે સલાહો કામ કરતાં નથી.   


તે બીજી નવલકથા 'પિનબોલ' લખાઈ. ટૂંકી વાર્તાઓ લખાઈ. બન્ને નવલકથાઓ પ્રતિષ્ઠિત એવોર્ડ્ઝ માટે નોમિનેટ થઈ. આ બધાની વચ્ચે રેસ્ટોરાં-કમ-બાર તો ચાલતાં જ રહ્યાં. હકીકતમાં મુખ્ય કામ જ એ હતું. દિવસભર માલ ચેક કરવાનો, એકાઉન્ટ્સ મેન્ટેન કરવાનાં, સ્ટાફ સાથે કામ પાર પાડવાનું, ખુદ કાઉન્ટર પાછળ ઊભા રહીને કોકટેલ્સ મિક્સ કરવાનાં અને ઈવન કિચનમાં જઈને રાંધવાનું પણ ખરું. મધરાતે બાર બંધ થયા પછી સાફસફાઈ ચાલતી હોય ત્યારે એક ટેબલ પર ચૂપચાપ લખવા બેસી જવાનું. લગભગ પરોઢ સુધી લખવાનું ચાલે. પછી ઘરે જઈ કિચનમાં ટેબલ પર બેસીને ઝોલાં આવવા લાગે, હવે સૂતા વગર નહીં જ ચાલે એવું લાગે ત્યાં સુધી લખ્યા કરવાનું. આ સિલસિલો ત્રણ વર્ષ ચાલ્યો. ત્રીજી નવલકથા 'અ વાઈલ્ડ શીપ ચેઝ' પછી એમણે બાર બંધ કરીને સંપૂર્ણપણે કલમજીવી બનવાનો, એક પ્રોફેશનલ રાઈટર તરીકે ઘર ચલાવવાનો નિર્ણય લીધો. આપણી ભાષામાં લેખક ફુલટાઈમ નવલકથાકાર બનીને આખા ઘરનો શું, પોતાના એકલાનાં ચા-પાન-બીડી-પેટ્રોલનો ખર્ચ પણ કાઢી ન શકે, પણ જાપાનની સ્થિતિ જુદી હોવી જોઈએ.
"હવે સવાલ એ આવ્યો કે હું મારી જાતને ફિઝિકલી ફિટ કેવી રીતે રાખી શકું," મુરાકામી કહે છે, "બાર ચાલતો હતો ત્યારે ખૂબ શારીરિક પરિશ્રમ કરવો પડતો હતો, પણ પ્રોફેશનલ રાઈટર તરીકે મારું જીવન બેઠાડુ થઈ જવાનું હતું. વળી, એ વર્ષોમાં હું રોજની સાઠ-સાઠ સિગારેટ પી જતો. મારી આંગળીઓ પીળી થઈ ગઈ હતી અને આખા શરીરમાંથી સિગારેટની સ્મેલ આવતી. મને સમજાયું કે મારે નોવેલિસ્ટ તરીકે લાંબું જીવન જીવવું હશે તો હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવ્યા વગર છૂટકો નથી. તેથી મેં બે નિર્ણય લીધાઃ એક, સિગારેટને હાથ પણ નહીં લગાડવાનો અને બે, ડેઈલી એક્સરસાઈઝના ભાગરૂપે દોડવાનું શરૂ કરવાનું."
આમ, લખવાના શોખે એક નવલકથાકારને જ નહીં એક રનરને પણ જન્મ આપ્યો. તે વખતે ક્યાં કલ્પના સુધ્ધાં કરી હતી કે એક રનર તરીકે પોતે ભવિષ્યમાં શું શું કરવાના છે. નોવેલિસ્ટ હારુકી મુરાકામીએ એક દોડવીર તરીકે એક્ઝેક્ટલી કેવી કમાલ કરી? એની વાત આવતા અઠવાડિયે.
                                             0 0 0 

1 comment:

  1. વાહ! મસ્ત માહિતી.
    ભારત માં નવલકથા લખીને જીવન નિર્વાહ તો ના જ ચલાવી શકાય પરંતુ, દોડવા પણ ના નીકળાય નહીતો લોકો 'ફેસબુક' ઉપર ફોટા મૂકી મજાક નું પાત્ર બનાવી નાખે.
    સલામ છે હારુકી ને.

    ReplyDelete