Tuesday, January 1, 2013

હોલીવૂડ હંડ્રેડ: ‘ડેડ મેન વોકિંગ’ : અય માલિક તેરે બંદે હમ...મુંબઈ સમાચાર- ઈન્ટરવલ પૂર્તિ (બુધવાર) - તા. ૨ જાન્યુઆરી ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો
.
નિર્દોષ તરુણી પર બળાત્કાર કરનાર અને એના બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતારી દેનાર માણસ કરુણાને પાત્ર હોઈ શકે? હા કે ના? ડેડ મેન વોકિંગ નામની દભુત ફિલ્મમાં આ વિવાદાસ્પદ મુદ્દાને બહુ જ સ્વસ્થતાથી, તટસ્થતાપૂર્વક અને સહેજ પણ ચાલાકી કર્યા વગર એક્સપ્લોર કરવામાં આવ્યો છે.ફિલ્મ નંબર ૪: ડેડ મેન વોકિંગ

દિલ્હીમાં હબકી જવાય એટલા ભયાનક ગેંગરેપનો ભોગ બનનાર યુવતી આખરે મૃત્યુ પામી. દેશ ગુસ્સાથી પાગલ થઈ ગયો. ચારે બાજુથી અવાજ ઉઠ્યો: આ નરાધમોને ફાંસીએ ચડાવો, એમનો એટલી જ ક્રૂરતાથી જીવ લો. આ સંદર્ભમાં ડેડ મેન વોકિંગની વાત કરવી છે. એ ફિલ્મના નાયકે પણ આવી જ કંઈક હેવાનિયત કરી છે. આ ફિલ્મ આગલી ત્રણ ફિલ્મોની જેમ બ્લેક-એન્ડ-વ્હાઈટ જમાનાની નથી. હોલીવૂડ હંડ્રેડ કોલમમાં સ્થાન પામતી ફિલ્મોનાં ક્રમનું મહત્ત્વ નથી એ વાત યાદ રાખવી.   

ફિલ્મમાં શું છે?

મેથ્યુ પોન્સીલેટ (શૉન પેન) નામના આદમીએ પોતાના સાગરીતના સંગાથમાં ભયાનક અપરાધ કર્યો છે. એકમેકને પ્રેમ કરતાં સાવ નિર્દોષ તરુણ-તરુણીની એમણે હત્યા કરી છે. આ છોકરો-છોકરીએ કોઈનું કશું જ બગાડ્યું નહોતું. છતાંય આ હેવાનોએ એમનો જીવ લઈ લીધો. ગુનો સાબિત થઈ ચૂક્યો છે. મેથ્યુને દેહાતદંડની સજા થઈ છે, જ્યારે સાગરીત કાર્લને આજીવન કેદ મળી છે. મેથ્યુમાં જેલમાં છ વર્ષ  ઓલરેડી થઈ ચૂક્યાં છે. એ સિસ્ટર હેલન (સુઝન સેરેન્ડન)ને વિનંતી કરે છે કે તમે મારા વતી કોર્ટમાં છેલ્લી વાર અપીલ કરી જુઓ..સિસ્ટર હેલનના મનમાં હતું કે આ માણસ જડભરત હશે, પોતાના અપરાધનો એને સહેજે અફસોસ નહીં હોય. પણ એ મેથ્યુને પહેલી વાર મળે છે ત્યારે અલગ જ ચિત્ર ઉપસે છે. મેથ્યુ વારંવાર એક જ વાત દોહરાવ્યા કરે છે કે પોતે નિર્દોષ છે. ટીનેજરોની હત્યા તો મારા સાથી કાર્લે કરી હતી, મેં નહીં. સિસ્ટર હેલન હવે ઈચ્છે છે કે મેથ્યુની મોતની સજા ઘટીને આજીવન કારાવાસની થાય. સિસ્ટર હેલન જેલમાં મેથ્યુને અવારનવાર મળવા આવે છે. એમની વચ્ચે એક વિશિષ્ટ સંબંધ સ્થપાય છે. કરુણાનો સંબંધ, સમસંવેદનનો સંબંધ. સિસ્ટર મેથ્યુની માને મળે છે, મૃતકોનાં પરિવારોને મળે છે. મરનાર છોકરા-છોકરીનાં મા-બાપ દઢપણે માને છે કે પોતાનાં સંતાનના હત્યારાનો જીવ લેવામાં  આવે તો જ ખરો ન્યાય મળ્યો ગણાશે. એક વાલી કહે છે: સિસ્ટર, તમે આવા હેવાનની તરફેણ કેવી રીતે કરી શકો? એની બાજુમાં ઊભા રહેવામાં પણ પાપ છે. સિસ્ટર કહે છે: હું તો ફક્ત જિસસને અનુસરવાની કોશિશ કરું છું. જિસસે કહ્યું છે કે કોઈ પણ માણસ એણે કરેલા સૌથી જઘન્ય અપરાધ જેટલો ખરાબ હોતો નથી...

અદાલત સિસ્ટર હેલનની અપીલને નકારી દે છે. મેથ્યુ ઈચ્છે છે કે સિસ્ટર એના સ્પિરિચ્યુઅલ એડવાઈઝર બનીને છેલ્લી ઘડી સુધી સાથે રહે. સિસ્ટર એક વાર એને કહે છે: મેથ્યુ, તું ઈશ્વરનું સંતાન છે. મેથ્યુ રડી પડે છે: થેન્ક્યુ સિસ્ટર. આખી જિંદગી લોકોએ મને સન-ઓફ--બીચ કહીને ગાળો આપી છે, આજે પહેલાં કોઈએ મને ઈશ્વરનું સંતાન કહ્યો. મૃત્યુનો દિવસ નજીક આવતો જાય છે. સિસ્ટર કહે છે: હું ઈચ્છું છું કે જગતમાંથી વિદાય લેતી વખતે તું છેલ્લો જે ચહેરો જુએ એ પ્રેમનો ચહેરો હોય. આ લોકો તને જીવલેણ ઈંજેક્શન આપતા હોય ત્યારે તું મારી સામે જોજે. તારા માટે એ પ્રેમનો ચહેરો હું છું...અંતિમ દિવસ આવી જાય છે. મેથ્યુને  કાચની દીવાલવાળી કેબિનમાં લઈ જવાય છે. એ હજુ સુધી પોતાને નિર્દોષ જ ગણાવ્યા કરતા હતો. સિસ્ટર કહે છે કે મેથ્યુ, તું તારા અપરાધની જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ તો જ તને મુક્તિ મળશે. આખરે સાવ છેલ્લી ઘડીએ મેથ્યુ પોતાનો ગુનો કબૂલી લે છે: સિસ્ટર, મેં તરુણી પર બળાત્કાર કર્યો હતો અને એના બોયફ્રેન્ડની હત્યા કરી હતી... મેથ્યુ છોકરાનાં મા-બાપની ક્ષમા માગીને કહે છે કે મારા મરવાથી કદાચ તમારો સંતાપ ઓછો થશે. મેથ્યુને આખરે સ્ટ્રેચર પર સૂવડાવી, એના હાથ-પગ બાંધી ઘાતક ઈંજેક્શન આપવામાં આવે છે. પારદર્શક કાચની દીવાલની બીજી બાજુથી સિસ્ટર હેલન અને મૃતકોનાં વાલીઓ આ પ્રક્રિયા જુએ છે. મેથ્યુના મૃતદેહને વિધિસર દફન કરવામાં આવે છે. મૃતકના પિતા પોતાના દીકરાના હત્યારાની અંતિમ વિધિ વખતે હાજર રહે છે. સિસ્ટર હેલનની સાથે એ પણ મેથ્યુના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે...

કથા પહેલાંની અને પછીની ‘’

ડેડ મેન વોકિંગ આ જ નામનાં એક નોન-ફિક્શન પુસ્તક પરથી બનાવવામાં આવી છે. ગુનેગારને એની કોટડીમાંથી એક્ઝિક્યુશન ચેમ્બર તરફ લઈ જતા જેલના ગાર્ડ માટે ડેડ મેન વોકિંગ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. બહુ જ જોખમી અને કઠિન છે આ ફિલ્મનો વિષય. નિર્દોષ ટીનેજર પર રેપ કરનાર અને ખૂન કરનાર માણસ કરુણાનો પાત્ર કેવી રીતે હોઈ શકે? આવું વિચારવું પણ ગુનો ગણાઈ જાય. પણ ડેડ મેન વોકિંગમાં આ વિવાદાસ્પદ મુદ્દાને બહુ જ સ્વસ્થતાથી, તટસ્થતાપૂર્વક અને સહેજ પણ ચાલાકી કર્યા વગર એક્સપ્લોર કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ક્રાઈમ છે, માનવીય સંવદેનાઓ છે, આધ્યાત્મિક એંગલ છે અને આ બધું સહેજ પણ બોર ન થવાય એ રીતે જબરી વેધકતાથી રજૂ થતું રહે છે.રિલીઝ થતાં જ ફિલ્મ ખૂબ વખણાઈ. એને ઓસ્કર સહિત ઘણા અવોર્ડઝ મળ્યા. સુઝન સેરેન્ડન અગાઉ ચાર વખતે બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર માટે નોમિનેટ થઈ ચુકી હતી. આખરે ડેડ મેન વોકિંગ માટે એ અવોર્ડ જીતી ગઈ. બ્રુસ સ્પ્રિંગ્સ્ટને ગાયેલાં ટાઈટલ સોંગની ઘણી પ્રશંશા થઈ. આ ફિલ્મમાં નૂસરત ફતેહ અલી ખાને પણ બે ગીત પર્ફોર્મ કર્યાં છે - ફેસ ઓફ ગોડ અને ધ લોંગ રોડ. ફિલ્મ જોતી વખતે બેકગ્રાઉન્ડમાં આ ગીત તેમજ ભારતીય શાસ્ત્રીય વાદ્યોનો ઉપયોગ ખાસ નોંધજોડિરેક્ટર ટિમ રોબિન્સ માટે આ ફિલ્મ બનાવવાની પ્રક્રિયા એક પારિવારિક ઘટના બની રહી. સુઝન સેરેન્ડન એ વર્ષોમાં એની કંપેનિયન હતી. ટિમના પિતાજી ફિલ્મમાં પાદરી બન્યા છે, માતા સરકારી અધિકારી તેમજ બહેન નર્સ બની છે. ટિમે પોતાના બન્ને દીકરાઓને પણ નાના નાના રોલ આપ્યા છે. ૨૦૦૨માં એમણે ફિલ્મ પરથી નાટક પણ લખ્યું.

કેટલીક ફિલ્મો અને એનાં પાત્રો ફિલ્મ પૂરી થયાં પછી પણ આપણાં ચિત્તમાંથી ખસતાં નથી. ડેડ મેન વોકિંગ એ કક્ષાની અદભુત ફિલ્મ છે.                                                                       0 0 0 

ડેડ મેન વોકિંગ ફેક્ટ ફાઈલડિરેક્ટર-પ્રોડ્યુસરટિમ રોબિન્સ  
કલાકાર          :  શૉન પેન, સુઝન સેરેન્ડન  
મૂળ પુસ્તક       : સિસ્ટર હેલન પ્રેજાઁ  
સ્ક્રીનપ્લે          : ટિમ રોબિન્સ
દેશ               : અમેરિકા
રિલીઝ ડેટ        : ૨૯ ડિસેમ્બર ૧૯૯૫
અવોર્ડઝ        : ચાર ઓસ્કર નોમિનેશન- એક જીત (બેસ્ટ એક્ટ્રેસ), ત્રણ ગોલ્ડન   
                            ગ્લોબ નોમિનેશન - એક જીત  (બેસ્ટ સ્ક્રીનપ્લે)                               
                       

5 comments:

 1. Yes Shishir-- it is heart moving movie

  ReplyDelete
 2. ખૂબ જ સરસ શિશિરભાઈ... બહુ ઓછા શબ્દોમાં ઘણું બધુ કહી દીધું છે...

  ReplyDelete
 3. i am just surprise......a prakarni filmo pan bane chhe???? i will must watch.

  ReplyDelete
 4. Shishirbhai, i usually read your articles on films and I find it very informative, but i think there is a little mistake in this article, you credited TIM BURTON as Director and Producer and screenplay while in reality it is TIM ROBBINS....

  ReplyDelete