મુંબઈ સમાચાર-
ઈન્ટરવલ પૂર્તિ - તા. ૯ જાન્યુઆરી
૨૦૧૩
કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી
ફિલ્મો
ફિલ્મોમાં શહેરી જીવનની વિષમતામાંથી જન્મતા કારુણ્યની વાત આવે ત્યારે ‘ધ બાયસિકલ
થિફ’ આજેય એક સશક્ત રેફરન્સ પોઈન્ટ તરીકે જોવાય છે. મજાની
વાત એ છે કે માસ્ટરપીસ ગણાતી આ ઈટાલિયન ફિલ્મના ડિરેક્ટરે એવા લોકો પાસે એક્ટિંગ કરાવેલી
જેમને એક્ટિંગના ફિલ્ડ સાથે કોઈ લેવાદેવા નહોતી.
આજની ફિલ્મ ઈટાલિયન છે, જેનું ટાઈટલ ખરેખર તો બહુવચન સૂચક છે. ફિલ્મ અમેરિકામાં
‘ધ
બાયસિકલ થિફ’ નામે રિલીઝ થઈ, પણ ઈંગ્લેન્ડમાં રિલીઝ કરતી વખતે લાગતાવળગતાઓએ
ટાઈટલ બદલાવીને ‘બાયસિકલ થિવ્ઝ’ કરી નાખ્યું. મૂળ ઈટાલિયન શીર્ષકનો સાચો શાબ્દિક અનુવાદ ‘બાયસિકલ
થિવ્ઝ’ જ છે. બીજા વિશ્વયુદ્ધ પછીના રોમમાં આકાર લેતી આ હૃદયદ્રાવક
ફિલ્મે દુનિયાભરના ફિલ્મમેકર્સ પર પ્રભાવ પાડ્યો છે. બિમલ રોયની
‘દો
બીઘા જમીન’ અને સત્યજિત રેની ‘પાથાર પાંચાલી’ જેવી મહાન ભારતીય ફિલ્મો પર ‘ધ બાયસિકલ થિફ’ની ઘેરી
અસર છે. આજના હોટશોટ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ તો ત્યાં સુધી કહે છે
કે કાચી ઉંમરે ‘ધ બાયસિકલ થિફ’ જોયા પછી જ મારા મનમાં પહેલી
વાર ડિરેક્ટર બનવાની ખ્વાહિશ જાગી હતી.
ફિલ્મમાં શું છે?
બીજા વિશ્વયુદ્ધ પછીનો સમય છે. રોમના ગરીબ વતની એન્તોેનિયો (લામ્બેર્તો માજ્યોરા)ની હાલત કફોડી થઈ ગઈ છે. બાપડો ઘાંઘો થઈને નોકરી શોધી
રહ્યો છે કે જેથી જેમતેમ કરીને કુટુંબનું ગુજરાન ચાલી શકે. પરિવારમાં
પત્ની મારિયા (લિઆનેલા કરેલ), આઠેક વર્ષનો
દીકરો બ્રુનો (એન્ઝો સ્તઈઓલા) અને નાનકડું
ભુલકું છે. આખરે એક કામ મળવાના યોગ ઊભા થાય છે. આખાં શહેરમાં ફરી ફરીને દીવાલો પર જાહેરાતના ચોપાનિયાં ચોંટાડવાનું કામ.
કઠણાઈ જુઓ કે એન્તોનિયો આ નોકરી સ્વીકારી શકે તેમ નથી, કારણ કે આ કામ માટે સાયકલ જોઈએ અને એની સાયકલ તો ગિરવે મૂકેલી છે. પત્ની અમુક ઘરવખરી એકઠી કરે છે અને એના બદલામાં સાઈકલ છોડાવી લે છે.
પત્નીને સાયકલ પર આગળ બેસાડીને એન્તોનિયા રાજી રાજી થતો ઘરે આવે છે.
હવે નોકરી મળી જવાની છે એટલે એને તમામ સમસ્યાઓનો અંત આંખ સામે દેખાય
છે.
એન્તોનિયોની સુખ જોકે ઝાઝું ટકતું નથી. નોકરીના પહેલાં દિવસે એ નીસરણી પર ચડીને દીવાલ પર ચોપાનિયું લગાવતો હોય છે
ત્યાં કોઈ જુવાનિયો એની સાયકલ ઉઠાવીને નાસી જાય છે. એન્તોનિયો
એની પાછળ દોટ મૂકે છે, પણ પેલો કોણ જાણે ક્યાં રફૂચક્કર થઈ જાય
છે. એન્તોલિયો પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ નોંધાવી તો દે છે,
પણ પોલીસ આમાં કંઈ ઝાઝું ઉકાળી શકે એમ નથી. એને
ખબર પડે છે કે એક ચોક્કસ માર્કેટમાં ચોરીનો માલ-સામાન વેચાવા
આવે છે. એન્તોનિયો દીકરા બ્રુનોને લઈને ત્યાં પહોંચી જાય છે.
અહીં સાયકલ તો મળતી નથી, પણ પેલો ગઠિયો જરુર દેખાય
છે. બાપ-દીકરો પેલાને પકડવાની ઘણી કોશિશ
કરે છે, પણ એ પાછો હાથતાળી દઈને જતો રહે છે. એમનો પકડદાવ ખૂબ લાંબો ચાલે છે. દરમિયાન જાતજાતની ઘટનાઓ
બનતી રહે છે. એન્તોનિયો ચોરનો પીછો કરતાં કરતાં એ વેશ્યાવાડા
સુધી પહોંચી જાય છે. બૂમરાણ મચાવીને એ ટોળું એકઠું કરે છે,
પણ લોકો ઊલટો એના પર જ આક્ષેપ મૂકે છે. એન્તોનિયો
અપમાનિત થઈને દીકરા સાથે નીકળી જાય છે.
બન્ને એક સ્ટેડિયમ પાસે પહોંચે છે. અંદર ફૂટબોલની મેચ ચાલી રહી છે અને બહાર પાર્કિંગમાં સાઈકલોની કતાર ખડી છે.
એન્તોનિયો જુએ છે કે થોડે દૂર એક સાયકલ નધણિયાતી પડી છે. લાચાર એન્તોનિયો હવે જીવ પર આવી ગયો છે. એ દીકરાને થોડા
પૈસા આપીને કહે છે: તું પેલી સ્ટ્રીટકારમાં બેસીને નીકળી જા.
આગળ ફલાણી જગ્યા ઉતરીને મારી રાહ જોજે. બ્રુનો
જાય છે. એન્તોનિયો હિંમત કરીને પેલી એકલીઅટૂલી પડેલી સાયકલ પર
સવાર થઈને રફૂચક્કર થવાની કોશિશ કરે છે.
આ બાજુ સ્ટ્રીટકાર ચુકી ગયેલા બ્રુનોના કાને લોકોની
રડારોડ સંભળાય છે. સામેનું દશ્ય જોતાં જ એ સ્તબ્ધ થઈ જાય
છે. એ જુએ છે કે લોકો એના પિતાજીને સાયકલ પરથી ખેંચી રહ્યા છે.
સાયકલનો માલિક રોષે ભરાઈને એના માથા પરથી હેટ ફેંકી દે છે. એન્તોનિયોને પોલીસ સ્ટેશન તરફ ખેંચી જવાની પેરવી થઈ રહી છે ત્યાં જ સાયકલના
માલિકની નજર બ્રુનો પર પડે છે. હેબતાઈ ગયેલો બ્રુનો બિચારો પપ્પાની
હેટ પકડીને ઊભો છે. સાયકલના માલિકને દયા આવે છે. એ એન્તોનિયોને છોડી મૂકે છે.
બાપ-દીકરો ટોળાથી દૂર
આવે છે. બ્રુનો પપ્પાને હેટ આપે છે. દીકરાની
સામે ભયંકર અપમાનિત થઈ ગયેલો એન્તોનિયો શૂન્ય થઈ ગયો છે. એણે
પ્રયત્નપૂર્વક પોતાનાં આંસુ આંખોની પાછળ ધકેલી દીધાં છે. સાયકલચોરની
તલાશ કરી રહેલો એન્તોનિયો ખુદ દીકરાની નજરમાં સાયકલચોર બની ગયો છે. દીકરો એનો હાથ પકડે છે. ધીમે ધીમે બન્ને ભીડમાં ખોવાઈ
જાય છે.
કથા પહેલાંની અને પછીની
૧૯૪૮માં રિલીઝ થયેલી આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ સેઝરે ઝેવેત્તીની નામના લેખકની નવલકથા
પર આધારિત છે. ઈટાલિયન સિનેમામાં જે વાસ્તવદર્શી સિનેમાનો દૌર
શરુ થયો હતો એમાંની આ શ્રેષ્ઠ ફિલ્મ ગણાય છે. ફિલ્મમેકર વિત્તોરિયો
દી સિકા પાસે આ ફિલ્મ બનાવવાના પૈસા નહોતા, કોઈ મોટો સ્ટુડિયો
એને સાથ આપવા તૈયાર નહોતો, આથી ગાંઠના પૈસેથી અને મિત્રો પાસેથી
ઉછીઉધારા કરીને આ ફિલ્મ બનાવી. ફિલ્મ નિઓ-રિયલિઝમ શૈલીની હતી એટલે તમામ શૂટિંગ અસલી લોકેશન પર કરવામાં આવ્યુંં.
વળી, ડિરેક્ટર એક પણ તાલીમબદ્ધ એક્ટરનો ઉપયોગ કરવા
માગતા હતા. ફિલ્મની આખી કાસ્ટમાંથી કોઈએ જિંદગીમાં અગાઉ ક્યારેય
એક્ટિંગ કરી નહોતી. એન્તોનિયો બનતો નાયક કારખાનાનો કારીગર હતો!
બ્રુનો બનતો આઠ વર્ષનો ટાબરિયો અસલી જીવનમાં પોતાના પિતાજી સાથે રસ્તા
પર ફુલો વેચવાનું કામ કરતો હતો. બન્યું એવું ફિલ્મનું કંઈક કામકાજ
કોઈ જાહેર જગ્યા પર ચાલી રહ્યું હતું ત્યારે અને આ છોકરો ઊભો ઊભો જોઈ રહ્યો હતો.
ડિરેક્ટરસાહેબનું એના પર ધ્યાન પડ્યું અને બ્રુનો જેવા મહત્ત્વના પાત્રમાં
એને ફિટ કરી લીધો!
ફિલ્મમાં કામ કરનારા મોટા ભાગના લોકો અસલી જિંદગીમાં પણ પોતાનાં કિરદાર
જેવા જ હતા તેથી ફિલ્મનું વાસ્તવદર્શી ચિત્રણ ઓર ધારદાર બન્યું.
‘ધ
બાયસિકલ થિફ’ ઈટાલીમાં રિલીઝ થઈ ત્યારે એની ટીકા થઈ હતી, કારણ કે ફિલ્મમાં
ઈટાલિયનોને નકારાત્મક રીતે ચિતરવામાં આવ્યા છે એવી અસર ઊભી થતી હતી. જોકે ઈટાલીની બહાર એની જબરદસ્ત પ્રશંશા થઈ. ઢગલાબંધ અવોર્ડઝ
મળ્યા. એને માસ્ટરપીસનો દરજ્જો મળ્યો. ૧૯૫૦માં
એને એકેડેમી ઓનરરી અવોર્ડ આપવામાં આવ્યો. ફિલ્મ રિલીઝ થઈ એના
ચોથા જ વર્ષ પછી એને ઓલ-ટાઈમ-ગ્રેટ ફિલ્મોની
સૂચિમાં સામેલ કરી દેવામાં આવી. આજની તારીખે પણ સર્વકાલીન મહાનતમ
ફિલ્મોની ચર્ચા ‘ધ બાયસિકલ થિફ’ વગર અધૂરી રહી જાય છે.
શહેરી જીવનની વિષમતા, એમાંથી જન્મતું કારુણ્ય,
માસૂમ સંતાન સામે ગરીબીને કારણે થતું લાચાર બાપનું માનભંગ...
આ બધું સંવેદનશીલ દર્શકના મન-મગજમાં હંમેશ માટે
કોતરાઈ જાય એવું છે.
‘ધ બાયસિકલ થિફ’ ફેક્ટ ફાઈલ
ડિરેક્ટર-પ્રોડ્યુસર : વિત્તોરિઓ દી સિકા
કલાકાર : લામ્બેર્તો માજ્યોરા, લિઆનેલા કરેલ, એન્ઝો સ્તઈઓલા
મૂળ નવલકથાકાર: સેઝરે ઝેવેત્તીની
દેશ : ઈટાલી
રિલીઝ ડેટ : ૨૪ નવેમ્બર
૧૯૪૮
મહત્ત્વના અવોર્ડઝ : ઓનરરી એકેડેમી અવોર્ડ, બેસ્ટ ફોરેન
ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ
No comments:
Post a Comment