Sunday, December 30, 2012

સોલિડ સંકલ્પ


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 30 ડિસેમ્બર 2012 

કોલમ: મલ્ટિપ્લેક્સ

નવું વર્ષ બેસે એટલે નવા સંકલ્પ લેવાની ફેશન છે. ધારો કે આપણા ફિલ્મી સિતારાઓએ નવા વર્ષને દહાડે સંકલ્પો લેવાના હોય તો એ કેવા હોય? 



વા વર્ષના ભવ્ય સંકલ્પોની (કાલ્પનિક) યાદીની શરુઆત બાદશાહ ખાનથી કરીએ. સાંભળો.


શાહરુખ ખાન: દિવાળી રિલીઝ મારા માટે બુંદિયાળ છે. 2011ની દિવાળી પર ‘રા.વન’ રિલીઝ કરી હતી. પબ્લિકે બહુ ગાળો આપી. 2012ની દિવાળીએ ‘જબ તક હૈ જાન’ રિલીઝ કરી. પબ્લિકે ઓર ગાળો આપી. અરે, અનુષ્કા શર્મા જેવી નવીસવી છોકરડીના મારા કરતાં વધારે વખાણ થયા. ન ચાલે. હું સંકલ્પ કરું છું કે 2013માં હું દિવાળી પર તો ફિલ્મ રિલીઝ નહીં જ કરું. ગાળો સહન કરવાની પણ એક હદ હોય, યાર.



સલમાન ખાન: ઝાઝું વિચારવાની જરુર જ ક્યાં છે? હું સંકલ્પ કરું છું કે 2013માં તો શાદી કરી જ લેવી છે. કોણ છે લાયક કન્યા? કેટરીના? નહીં! એણે મને બહુ જલાવ્યો છે. મારા જાની દુશ્મન શાહરુખને એણે ‘જબ તક હૈ જાન’માં કિસ કરી જ કેમ? એનાં નામ પર ચોકડી મૂકાઈ ગઈ છે. તો પછી... ‘બિગ બોસ’ની પાર્ટિસિપન્ટ સના ખાન? માશાલ્લાહ, બહુ ક્યુટ છોકરી છે. પાછી મારા કરતાં બાવીસ વર્ષ જ નાની છે. આમેય હું એને ફ્લર્ટ કરી રહ્યો છું એ આખો દેશ જોઈ રહ્યો છે. એક મિનિટ. કુંવારી છોકરી સાથે જ શાદી કરવી જોઈએ ક્યાં નિયમ છે? કરીના, કરિશ્મા, શિલ્પા, વિદ્યા જેવી બોલીવૂડની ટોપ હિરોઈનો જો સેકન્ડ-હેન્ડ ડિવોર્સી પુરુષો સાથે લગ્ન કરી શકતી હોય તો હું કેમ નિર્દોષ છુટાછેડાવાળી મહિલા સાથે લગ્ન ન કરી શકું? સાંભળ્યું છે કે ટોમ ક્રુઝથી છુટા પડ્યા પછી કેટી હોમ્સ હજુય સિંગલ છે. એમ તો ડેમી મૂરના ડિવોર્સ પણ થાઉં થાઉં થઈ રહ્યા છે. આ બન્નેમાંથી કોઈ પણ ચાલશે આપણને.



આમિર ખાન: નવા વર્ષમાં ઈમેજ બદલવી પડશે. ‘સત્યમેવ જયતે’ શોમાં હું વાતે વાતે પીલુડાં પાડતો હતો તેથી મારી છાપ રડકુ માણસની થઈ ગઈ છે. ‘તલાશ’માંય મેં બહુ રડ-રડ કર્યું. પુરુષ કાયમ જડભરતની જેમ ન વર્તવું જોઈએ અને એણે પોતાનાં વ્યક્તિત્ત્વની ‘સોફ્ટ સાઈડ’ના સંપર્કમાં પણ રહેવું જોઈએ તે બરાબર છે, પણ યાર, આટલું બધું રડવાનું? ગરબડ થઈ ગઈ. નોટ અ પ્રોબ્લેમ. હું સંકલ્પ લઉં છું ેકે 2013માં હું ‘ફીઅર ફેક્ટર’ જેવા હથોડાછાપ એડવન્ચર શોનો એન્કર બનીશ અને જનતા જનાર્દન સમક્ષ મારી રફ-એન્ડ-ટફ સાઈડનું મર્દાના પ્રદર્શન કરીશ. એકાદ વાર જાહેરમાં દારુ પીને કોઈની સાથે મારામારી પણ કરી લઈશ. વ્હાય નોટ?



અમિતાભ બચ્ચન: પહેલાં હું કોંગ્ર્ોસમેન હતો. કોંગ્ર્ોસ સાથે સંબંધ તૂટ્યો. પછી સમાજવાદી પક્ષ સાથે દોસ્તી વધારી. એ સંબંધ પણ કપાયો. આથી ગુજરાત ટુરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર બનીને નરેન્દ્ર મોદી તેમજ ભાજપની ગુડ બુકમાં આવી ગયો. પણ મોદીસાહેબનું ભલું પૂછવું. એમની મારા પ્રત્યેની સદભાવના બહુ લાંબી ન ટકી તો પ્રોબ્લેમ થઈ જવાનો. આજકાલ આ આમજનતા પાર્ટીવાળો અરવિંદ કેજરીવાલ બહુ પાવરફુલ થઈ ગયો છે, નહીં? ઓલરાઈટ, હું સંકલ્પ કરું છું કે 2013માં ધીમે ધીમે એની સાથે દોસ્તી કરવાનું શરુ કરી દઈશ. અરવિંદ ભવિષ્યમાં બહુ મોટો માણસ બને તો જો અત્યારથી જ એની સાથે થોડું થોડું સેટિંગ કરી રાખ્યું હોય તો સારું પડે, યુ સી.



સૈફ અલી ખાન: મેં ‘એજન્ટ વિનોદ’માં ઓડિયન્સને બસ્સો રુપિયામાં દુનિયાભરના અડધા ડઝન દેશોની ટૂર કરાવી. ફિલ્મ પીટાઈ ગઈ. મને લાગે છે કે પ્રેક્ષકો ફોરનનાં ગ્લેમરસ લોેકેશન્સ જોઈ જોઈને બોર થઈ ગયા છે. હું સંકલ્પ કરું છું કે 2013માં હું ‘એજન્ટ વિનોદ’ની સિક્વલ બનાવીશ એનું સમગ્ર્ શૂટિંગ ડાંગના આદિવાસી વિસ્તારમાં કરીશ.



કેટરીના કૈફ: લોકો મારી તુલના દેશનાં બે સૌથી ઈમ્પોર્ટન્ટ માણસો સાથે કરે છે - મનમોહન સિંહ અને સોનિયા ગાંધી સાથે! આહા, મારી જેમ આપણા પ્રાઈમ મિનિસ્ટર પણ ‘એક્સપ્રશનલેસ વંડર’ છે. એમને કોઈ પણ લખાણ વાંચવા આપો, એમના ચહેરાના હાવભાવ એકસરખા જ રહે છે. આઈ એમ સો પ્રાઉડ ઓફ હિમ! અને સોનિયા ગાંધી? મારી જેમ એમને પણ આટલાં વર્ષો પછી સરખું હિન્દી બોલતાં આવડતું નથી. સો ક્યુટ, ના? હું સંકલ્પ કરું છું કે 2013માં હું આ બન્ને મહાન હસ્તીઓને પર્સનલી મળીને એમનો ઓટોગ્ર્ાફ લઈશ અને એમની સાથે ફોટા પડાવીશ.



સંજય લીલા ભણસાલી: મારી ‘સાંવરિયા’ અને ‘ગુઝારિશ’ જેવી ભવ્ય કલાત્મક ફિલ્મો ફ્લોપ થઈ ગઈ, પણ ‘રાઉડી રાઠોડ’ પ્રોડ્યુસ કરી તો સુપરડુપર હિટ થઈ. ઓડિયન્સને આવો જ માલ જોઈતો હોય તો યહી સહી. હું સંકલ્પ કરું છું કે 2013માં રાખી સાવંત અને મિકાને મેઈન હીરો-હિરોઈન તરીકે સાઈન કરીને ઓર એક હાઈક્લાસ સી-ગ્ર્ોડની ફિલ્મ બનાવીશ અને એમાં ગ્ર્ોટ ખલી પાસે આઈટમ સોંગ પર ડાન્સ કરાવીશ.



સુનિધિ ચૌહાણ: નશીલાં, નખરાળાં સેક્સી આઈટમ સોંગ ગાવામાં આપણી મોનોપોલી હતી. મ્યુઝિક કંપોઝરો મારાં ઘરની બહાર લાઈન લગાડતા હતા, પણ આ શ્રેયા ઘોષાલે ‘ચીકની ચમેલી’ અને પછી ‘ખિલાડી 786’નું ‘બલમા’ ગીત ગાઈને મારું માર્કેટ તોડી નાખ્યું. એને જરુર શી છે અવાજ બદલી બદલીને સુપરહિટ આઈટમ સોંગ્સ ગાવાની? રોમેન્ટિક ગીતોથી ધરવ નથી થતો એને?  મારે હવે નવું માર્કેટ શોધવું પડશે. હું સંકલ્પ કરું છું કે 2013માં હું ભજનોનાં કમસે કમ બે આલબમ બહાર પાડીશ અને સિનિયર સિટીઝનોમાં મારું ફેન-ફોલોઈંગ વધારીશ.

તમારું ન્યુ યર રિઝોલ્યુશન શું છે, બાય ધ વે?

શો સ્ટોપર 

આપણે નવા વર્ષની રાહ શા માટે જોતા હોઈએ છીએ? જૂની બૂરી આદતોની ફરી પાછી એકડે એકથી શરુઆત થઈ શકે એ માટે! 

- અનામી


1 comment:

  1. ha...ha... maja padi gayi,a yadi lambai hot vidyabalan,vivek oberoy,karina,karan johar pan add thai shakya hot.pan bahu j majja avi.thanks

    ReplyDelete