Tuesday, January 29, 2013

મણિનગરથી મેનહાટન સુધી


ચિત્રલેખા - અંક તા. 28 January 2013

કોલમ: વાંચવા જેવું


                                                                                                                              
વાન્ડા નામની એક વેશ્યા છે. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહે છે. કાળી પણ કામણગારી છે. બે છોકરાની માતા છે. એનામાં ધમધમતો રુઆબ પણ છે અને પાંત્રીસ વર્ષની ઉંમરમાં ભેગો થઈ ગયેલો સિત્તેર-એંસી વર્ષનો થાક પણ છે. એ નાની હતી ત્યારે મા-બાપ બેય કોકેન વેચવાનો ધંધો કરતાં. બાર વર્ષની થઈ ત્યારે શિયાળાની એક રાત્રે સગા બાપે એનો ઉપભોગ કર્યો, એક રાક્ષસની જેમ. આ સિલસિલો લાગલગાટ બે વર્ષ ચાલ્યો. એક રાતે બાપ બે દોસ્તારોને લઈને એના રુમમાં પ્રવેશ્યો. વાન્ડા બારીમાંથી ભુસકો મારીને છટકી ગઈ. ભયે એને ભાગતી કરી મૂકી. આખરે હારી થાકીને વેશ્યા બની.

બે દાયકા પછી પેન્સિલવેનિયાની સ્ટેટ જેલમાંથી સંદેશો આવે છે કે તમારો એઈડ્સગ્રસ્ત બાપ મરવા પડ્યો છે. જો કોર્ટમાં અરજી કરશો તો જીવનના છેલ્લા દિવસો એ કુટુંબ સાથે ગાળી શકશે. વાન્ડાને થાય છે કે જેવો છે એવો, બાપ છે મારો, લાચાર છે. એ કાનૂની વિધિ કરે છે, બાપને છોડાવે છે, એના છેલ્લા દિવસો સુખથી ભરી દે છે. બાપ કબૂલે છે કે દીકરી, મેં તારી જિંદગી છૂંદી નાખી, પણ તેં તો મારું મોત સુધારી દીધું. તું મારી દીકરીને બદલે સાક્ષાત મા બની ગઈ. બની શકે તો મને માફ કરજે. આટલું કહીને બાપ હંમેશ માટે આંખો મીંચી દે છે

સુચિ વ્યાસે લખેલી આ હૃદયદ્વાવક સત્યકથનાત્મક કહાણી આનંદયાત્રા - ગુર્જરી ડાયજેસ્ટના પચીસ વર્ષ પુસ્તકનો એક અંશ છેગુર્જરી ડાયજેસ્ટ એટલે, મધુ રાયના શબ્દોમાં કહીએ તો, અમેરિકાવાસી ગુજરાતી લેખકોને લાડ કરતું અને પોષણ આપતું કોડીલું મેગેઝિન. આ પુસ્તક એટલે અમેરિકામાં વસતા ગુજરાતી લેખકોના પચીસ વર્ષનો માટીડા જેવો જુવાન ચહેરો. પચીસ વર્ષની યાત્રા દરમિયાન આ સામયિકમાં છપાયેલા અસંખ્ય અભ્યાસલેખો, વાર્તાઓ, કવિતાઓ, નિબંધો અને પ્રતિભાવોમાંથી ઉત્તમ સામગ્રી ચૂંટીને એનો આખેઆખો બૂફે પુસ્તકમાં પેશ કરવામાં આવ્યો છે

કેટકેટલા લેખકો અને કેટકેટલી કલમો. મધુ રાયની હરિયા શ્રેણીની અફલાતૂન નવલિકા જુઠ્ઠાઈ તરત ધ્યાન ખેંચે છે. મન-હૃદયના ભાવો અને લાગણીઓને યથાતથ કમ્યુનિકેટ કરવા માટે શબ્દો અને ભાષા ટૂંકા પડે છે એની આમાં વાત છે. લેખક એમની લાક્ષણિક શૈલીમાં ભગવાનના મોઢે હરિયાને ઉદ્ેશીને બોલાવડાવે છે કે, જુઠ્ઠાઈ તો સંબંધોની સિમેન્ટ છે, ગાંડા. એના વિના દુનિયા ન ચાલે, જુઠ્ઠાઈ વિના બધું કડડભૂસ થઈને ભાંગી પડે. ધોતિયામાં બધા નાગા! ગગા, શબ્દો જુઠ્ઠાઈનાં ધોતિયાં પહેરે છે.કિશોર રાવળ લિખિત ટુ બી ઓર નોટ ટુ બીમાં સ્કૂલટીચર મિસિસ રુથ ઈઝો કેટલી સરસ વાત કરે છે: જીવનના સોગઠાં અવળાં પડે કે માણસ ગમે તેટલી ભુલ કરી બેસે તે છતાં એને આનંદ માણવાનો હક સૌને પૂરો છે અને કોઈએ એ જતો કરવો ન જોઈએ.  કન પટેલમાં ભોળી પત્નીને ભૂલી જઈને અમેરિકનને પરણી જતા અને પછી અહીંનું અહીં જ ભોગવતા પ્રોફેસરની કહાણી છે.

કવિતા વિભાગમાં ગીત, છંદોબદ્ધ, અછાંદસ, ગઝલ એવાં રીતસર વિભાજન થયાં છે. ચંદ્રકાન્ત શાહ અહીં ડિઝાઈનર લેબલ્સનું ગીત ગાય છે. વિજય દોશી શ્રદ્ધાંધને કોલોરોડોની કોતરોમાં પાર્વતીના નર્તનનો ઝણકાર સંભળાય છે, તો હિમાંશુ પટેલ ન્યુયોર્કના મેનહાટનને એના દાંતાવાળા મિશ્રણ સહિત સ્વીકારે છે ને ચાહે છે. વિરાફ કાપડિયાએ પોતાની કવિતામાં એક સુંદર શબ્દપ્રયોગ કર્યો છે- ભૂમિસ્વામીત્વ. પ્રશાંત પટેલ કલ્પના કરે છે કે જુગટું હાર્યા પછી પાંડવો દેશવટો ભોગવવા અમેરિકા આવ્યા છે

પ્રીતિ સેનગુપ્તા કર્મભૂમિ-મર્મભૂમિ લેખમાં સ્વાનુભાવને ટાંકતા કહે છે કે, શરુઆતમાં અમેરિકામાં કાંઈ ગમતું નહીં. દેશઝુરાપો અને દેશપ્રેમ તો એવો કે હું સાવ અન્યાયી અને એકપક્ષી બની ગઈ હતી. અમેરિકાનું બધું જુદું તો લાગતું જ, પણ ખરાબ પણ લાગતું. જાણે કશું ન ગમાડવાનો નિર્ણય કર્યો હતો. પણ પછી તો એ ખૂબ ઘુમ્યાં. અમેરિકાની વિસંગતીઓમાં તર્કયુક્તતા જોતાં થયાં. એકસમાન દેખાતી બાબતોમાં પણ આંખો પહોળી થઈ જાય એટલું વૈવિધ્ય જોઈ શક્યાં. આમ કરતાં કરતાં દેશની કંઈક સમજણ પડી. ગમી જાય એનો આનંદ માણી શકાય, અને ન ગમે તેને સહન કરી શકાય એવી સમજણ. લેખિકા ઉમેરે છે કે, ભારતમાં કદાચ એવો ખ્યાલ પ્રવર્તે છે કે અમેરિકામાં આવી વસનારાં બધાં બદલાઈ જતાં હોય છે - રીઢા, ધનપ્રેમી અને ભૌતિકવાદી થઈ જતા હોય છે. અહીં બધા બદલાય છે એવું નથી હોતું, ને તે જ રીતે ભારતમાં રહેનારું કોઈ બદલાતું જ નથી તેવું પણ નથી હોતું.આ ડાયાસ્પોરા સાહિત્ય છે. પુસ્તકમાં એનઆરઆઈ સાથે સંકળાયેલાં ક્લિશે એટલે કે બીબાંઢાળપણું ક્યાંક ક્યાંક જરુર ડોકાય છે. એ જોકે સ્વાભાવિક પણ છે. મજાની વાત એ છે કે લાગણીના આવેશમાં કંડારાયેલા લખાણમાંથી સાહિત્યિક પીઢતા તરફની ગતિ પણ સ્પષ્ટ વર્તાય છે. સંપાદક કિશોર દેસાઈ આ મામલે પૂરેપૂરા સભાન છે. તેથી જ એક જગ્યાએ એ નોર્થ અમેરિકન લેખકોને ઉદ્દેશીને લખે છે:

ભારતનું વાતાવરણ, ઘરઝુરાપો અને એવા માહોલમાં લખવાના આકર્ષણને દેશવટો આપો. તમારા કથાનાયક કે નાયિકાને બોરીવલીથી ચર્ચગેટ કે વડોદરાથી અમદાવાદને બદલે ન્યુયોર્કથી ટોરન્ટો કે લોસ એન્જલસથી લાસ વેગાસ કે સાન ફ્રાન્સિસ્કો જેવા સ્થળે વિહરવા દો. ગોકુળ કે વૃંદાવનની કુંજગલીઓમાં વિહરતા કાનજીને થોડા સમય માટે વિરામ આપો અને અહીંની હડસન, મિસીસિપી કે કોલોરાડો જેવી નદીઓમાં છબછબિયા કરવા દો... આ માત્ર તમારી જવાબદારી જ નહીં, પણ સમયની માગ પણ છે.

આ દળદાર પુસ્તક જહેમતપૂર્વક તૈયાર થયુંં છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓની માનસિકતા અને ભાવવિશ્વને સમજવા માટે એ  દૂરબીન અને માઈક્રોસ્કોપ બન્નેનું કામ કરે છે. વાંચવું અને મમળાવવું ગમે એવું સુંદર પુસ્તક.                                                                                        ૦ ૦ ૦


                                                            આનંદયાત્રા                                
સંપાદકકિશોર દેસાઈ
        પ્રકાશકગુર્જરી ચેરિટેબલ સોસાયટીમુંબઈ-૯૨
વિક્રેતા:  રંગદ્વાર પ્રકાશનઅમદાવાદ-
ફોન: (૦૭૯૨૭૯૧ ૩૩૪૪
કિંમત:  ૨૦૦ /
પૃષ્ઠ૫૯૮

No comments:

Post a Comment