Saturday, January 19, 2013

એન્ડ ઓસ્કર ગોઝ ટુ...


 દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 20 જાન્યુઆરી 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

 ઓસ્કરની સિઝન જામી ચૂકી છે. આ વખતે કઈ ફિલ્મો હોટ-એન્ડ-હેપનિંગ ગણાય છે?  વર્ષે ઓસ્કરની બેસ્ટ પિક્ચર કેટેગરીમાં નવ ફિલ્મો સામેલ છે. કઈ ફિલ્મ બાજી મારી જશે? શું છે આ ફિલ્મોમાં? પ્રત્યેકની વાત કરીએ, વન-બાય-વન.લિંકન: ફિલ્મમાં શું હશે એ સમજવા માટે સિર્ફ નામ હી કાફી હૈ. આપણા સૌના ફેવરિટ સ્ટીવન સ્પીલબર્ગ એના ડિરેક્ટર-પ્રોડ્યુસર છે. ડોરિસ ગુડવિન નામની લેખિકાએ ‘ટીમ ઓફ રાઈવલ્સ’ નામના પુસ્તકમાં અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અબ્રાહમ લિંકનની જીવનકથા આલેખી હતી, જે આ ફિલ્મનો મુખ્ય આધાર છે. ફિલ્મને 12 ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. ‘લિંકન’ને જોકે સાત-સાત ગોલ્ડન ગ્લોબ નોમિનેશન્સ પણ જાહેર થયાં હતાં, પણ જીત્યો ફક્ત એક - બેસ્ટ એક્ટર (ડેનિયલ ડે-લેવિસ), ટાઈટલ રોલ માટે. જોઈએ, ઓસ્કરમાં આ ફિલ્મ કેવુંક જોર કરે છે.લાઈફ ઓફ પાઈ: એન્ગ લીની આ અફલાતૂન ફિલ્મ લગભગ ભારતીય છે, ‘સ્લમડોગ મિલિયોનેર’ની જેમ. ફિલ્મમાં તબુ છે, ઈરફાન ખાન છે, નવોદિત સૂરજ શર્મા છે, બેંગાલી ટાઈગર છે અને ‘જેને રામ રાખે એને કોણ ચાખે’ પ્રકારની આધ્યાત્મિક ફિલોસોફી પણ છે. એક તરુણ અને ખૂંખાર વાઘ ભરદરિયે જે રીતે લાગલગાટ 227 દિવસ સુધી જીવસટોસટની બાજી ખેલે છે  તે વાત એટલી સરસ રીતે પેશ થઈ છે કે દર્શકની આંખો ચાર થઈ જાય. આ ફિલ્મ વિશે આપણે આ કોલમમાં નિરાંતે વાત કરી ચૂક્યા છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 18 નવેમ્બર 2012) અને ઘણા વાચકો બિગ સ્ક્રીન પર તેને માણી પણ ચૂક્યા છે. આ વર્ષના ઓસ્કરમાં ‘લાઈફ ઓફ પાઈ’ મોસ્ટ ફેવરિટ ગણાય છે. જોકે તે એક જ ગોલ્ડન ગ્લોબ અવોર્ડ જીતી શકી છે -  બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો. ‘સ્લમડોગ મિલિયોનર’ને દસ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં હતાં. એમાંથી આઠ અવોર્ડ એણે જીતી લીધેલાં. ‘લાઈફ ઓફ પાઈ’ને 11 નોમિનેશન્સ મળ્યાં છે. તે ‘સ્લમડોગ...’ જેવો સપાટો બોલાવી શકશે? લેટ્સ સી.સિલ્વર લાઈનિંગ્સ પ્લેબૂક: આ એક સરસ મજાની રોમેન્ટિક કોમેડી છે. ફિલ્મનો હીરો તાજો તાજો પાગલખાનામાંથી છૂટ્યો છે.  એણે પોતાની પત્નીના પ્રેમીને બરાબરનો ધીબેડ્યો હતો. પછી નિદાન થયું કે હીરો બાપડો બાયપોલર ડિસઓર્ડર નામના માનસિક રોગથી પીડાય છે. એ પાગલખાનામાંથી મા-બાપ પાસે આવી તો ગયો પણ એનું પાગલપણું પૂરેપૂરું ગયું નથી. એને હવે કોઈ પણ ભોગે પત્ની પાછી જોઈએ છે. દરમિયાન એનો ભેટો એક અતરંગી સ્ત્રી સાથે થાય છે. એ તો આના કરતાંય મોટી પાગલ છે. ‘હેંગઓવર’ ફેમ બ્રેડલી કૂપર મુખ્ય ભુમિકામાં છે. એના પિતાના રોલમાં રોબર્ટ દ નીરોને જોવા એક લહાવો છે. ફિલ્મમાં અનુપમ ખેર પણ છે, ગુજરાતી માનસચિકિત્સકના રોલમાં. ઓસ્કર નોમિનેશન્સની સંખ્યા? આઠ. હિરોઈન જેનિફર લોરેન્સ ઓલરેડી બેસ્ટ એક્ટ્રેસનો ગોલ્ડન ગ્લોબ જીતીને બેઠી છે.લે મિઝરેબલ્સ: ખાસ નોંધ. આ ફિલ્મના ફ્રેન્ચ ટાઈટલનું સાચું ઉચ્ચારણ કેમેય કરીને ગુજરાતી લિપિમાં લખી શકાય એમ નથી એટલે હાલપૂરતું ‘લે મિઝરેબલ્સ’થી ચલાવજો. મૂળ આ વિક્ટર હ્યુગોની નવલકથાનું નામ છે. બિનફ્રેન્ચો જોકે ઘણું કરીને એ આ જ રીતે બોલે છે. એની વે. આ એક હળવી મ્યુઝિકલ ફિલ્મ છે. ઓગણીસમી સદીના લગભગ પ્રારંભમાં જ્યોં નામનો એક કેદી ઓગણીસ વર્ષના જેલવાસ પછી મુક્ત થાય છે. ધીમે ધીમે એ પોતાની ઓળખ ઊભી કરે છે. પોતાની અનૌરસ દીકરીની સંભાળ લેતા લેતા ફ્રાન્સના એક નગરનો મેયર સુદ્ધાં બને છે. જોકે એક પોલીસ ઈન્સપેક્ટર (અદભુત રસલ ક્રો) એની પાછળ આદુ ખાઈને પડ્યો છે. રાજકીય ઉથલપાથલના પશ્ચાદભૂમાં આકાર લેતી આ કથા 17 વર્ષના અંતરાલમાં ફેલાય છે. આ ફિલ્મને આઠ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. એણે ચાર મહત્ત્વનાં ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ ઓલરેડી જીતી લીધા છે.અર્ગો: આ એક અમેરિકન થ્રિલર છે. હેન્ડસમ હીરો બેન એફ્લેક એનો ડિરેક્ટર છે. 2007માં પ્રકાશિત થયેલા એક લેખના આધારે આ ફિલ્મ બનાવવામાં આવી છે. વાત એમ હતી કે 1979માં ઈરાન ખાતની અમેરિકન એમ્બેસી પર સ્થાનિક ક્રાંતિકારીઓએ હલ્લો કરીને કેટલાય અમેરિકનોને બંદી બનાવીને લઈ ગયા હતા. છ અમેરિકનો જોકે છટકવામાં સફળ રહ્યા. એમને ઈરાનમાંથી બહાર કેવી રીતે કાઢવા? સીઆઈએ એક દિલધડક પ્લાન ઘડી કાઢે છે. કેનેડિયન ફિલ્મના શૂટિંગના બહાને સીઆઈએની ટોળકી ઈરાન પહોંચી જાય છે. એમનો ઉદ્દેશ એક જ છે - શૂટિંગનું નાટક કરતા રહીને પેલા છ અમેરિકનોનું  ‘સ્મગલિંગ’ કરીને દેશભેગા કરવા.  આ ફિલ્મને સાત ઓસ્કર નોમિનેશન મળ્યાં છે.જેન્ગો અનચેઈન્ડ: આ ફિલ્મના હોટશોટ ડિરેક્ટર છે, ક્વેન્ટિન ટેરેન્ટિનો. ‘ટાઈટેનિક’ ફેમ લિયોનાર્ડો દકેપ્રિયો અહીં નેગેટિવ રોલમાં છે. વાર્તાનો સમયગાળો ઓગણીસમી સદીનો છે. જેન્ગો એક મુક્ત થઈ ગયેલો ગુલામ છે, જેની પત્ની એક ક્રૂર અને ધનવાન આદમી (લિઓનાર્ડો)ના સકંજામાં છે. જેન્ગોનું મિશન છે, કોઈ પણ ભોગે પત્નીને છોડાવવી. આ ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. તાજેતરમાં ઘોષિત થયેલા ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝમાં આ ફિલ્મે બેસ્ટ સપોટિર્ંગ એક્ટર (ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ) અને બેસ્ટ સ્ક્રીનપ્લે માટેના પુરસ્કાર ઓલરેડી જીતી લીધા છે.આમોર: અહા, આ અદભુત ફ્રેન્ચ વિશે આપણે આ કોલમમાં વિગતવાર વાત કરી ચૂક્યાં છીએ (‘મલ્ટિપ્લેક્સ’, 4 નવેમ્બર 2012). એંસીના દાયકામાં પ્રવેશી ચુકેલાં પતિ-પત્ની છે. પેરિસનાં એક નાનકડાં પણ સરસ મજાના ફ્લેટમાં એકલાં રહે છે. બન્ને વચ્ચે ગજબનો મનમેળ છે. અચાનક ડોસીમાનું અડધું શરીર પેરેલાઈઝ્ડ થઈ જાય છે. એમનું શાંત, ગોઠવાયેલું જીવન વેરવિખેર થઈ જાય છે. બીમારી એટલી હદે તીવ્ર બની જાય છે કે... આ હૃદયદ્રાવક ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. આ વર્ષે ઓસ્કરમાં બેસ્ટ એક્ટ્રેસની રેસમાં એક છેડા પર ‘બીસ્ટ્સ ઓફ સધર્ન વાઈલ્ડ’ની નવ વર્ષની બાળ અભિનેત્રી છે તો તદ્ન વિરુદ્ધ અંતિમ પર ‘આમોર’નાં 85 વર્ષીય ઈમેન્યુએલ રીવા છે. બેસ્ટ એક્ટ્રેસના ઓસ્કર માટે નામાંકિત થનારાં એ અત્યાર સુધીનાં સૌથી સિનિયર અભિનેત્રી છે. આ ફિલ્મને બેસ્ટ ફોરેન ફિલ્મનો ગોલ્ડન ગ્લોબ અવોર્ડ ઓલરેડી મળી ચૂક્યો છે.ઝીરો ડાર્ક થર્ટી: આ એક સ્પાય-થ્રિલર છે. અમેરિકાએ જે રીતે ઓસામા બિન લાદેનનો ખાત્મો કર્યો એનું આ ફિલ્મમાં દિલધડક ચિત્રણ છે. ઓસ્કર વિનર ‘ધ હર્ટ લોકર’નાં ડિરેક્ટર કેથરીન બિગેલોએ  આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું સારું એવું શૂટિંગ ભારતમાં પણ થયું હતું. ફિલ્મને પાંચ ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે. એણે ચાર ગોલ્ડન ગ્લોબ અવોર્ડઝ ઓલરેડી જીતી લીધા છે.
બીસ્ટ્સ ઓફ ધ સધર્ન વાઈલ્ડ: આ એક ફેન્ટસી ફિલ્મ છે, જે ‘જ્યુસી એન્ડ ડેલિશિયસ’ નામના એકાંકી પર આધારિત છે. આ ફિલ્મમાં એક તામસી સ્વભાવના બાપ અને એની છ વર્ષની દીકરીની વાત છે. તેઓ ધરતીના સાવ છેડે ધ્રુવપ્રદેશમાં રહે છે. બરફ પીગળે ત્યારે ઓરોચસ નામના ખૂંખાર જનાવર ગાંડા થાય છે, જેમનાથી કેવી રીતે બચવું એ અહીં સ્કૂલોમાં બચ્ચાઓને શીખવવામાં આવે છે. બને છે એવું કે બાપ સખ્ખત માંદો પડે છે. એ હવે ઝાઝું જીવે એમ નથી. આવી હાલતમાં દીકરી પોતાની વિખૂટી પડી ગયેલી માને શોધવા નીકળી પડે છે. આ ફિલ્મને ચાર ઓસ્કર નોમિનેશન મળ્યાં છે. દીકરીનો રોલ કરનાર ક્વેન્ઝહેન વોલિસ માત્ર નવ વર્ષની બેબલી છે, પણ એનેે બેસ્ટ એક્ટ્રેસ માટેનું નોમિનેશન મળ્યું છે! ઓસ્કારના ઈતિહાસમાં આટલી નાની એક્ટ્રેસનું અગાઉ ક્યારેય નામાંકન થયું નથી.

85મા ઓસ્કર અવોર્ડ સમારોહ 24 ફેબ્રુઆરીના રોજ લાઈવ ટેલિકોસ્ટ થશે. તમારી ડાયરીમાં નોંધી રાખજો.

શો-સ્ટોપર

મારી કેટલીય ફિલ્મો એવી છે જે પચાસ વર્ષ પહેલાં બની હોત તો પણ ચાલી જાત. એટલા માટે તો હું કહું છું કે હું થોડો જુનવાણી માણસ છું.

- સ્ટીવન સ્પીલબર્ગ (ફિલ્મમેકર)

No comments:

Post a Comment