Monday, September 10, 2012

બ્લડ કેન્સરથી બરફી સુધી


 દિવ્ય ભાસ્કર-  રવિવાર પૂર્તિ - 9 સપ્ટેમ્બર 2012

સ્લગ: મલ્ટિપ્લેક્સ

ફિલ્મમેકર અનુરાગ બાસુને બ્લડ કેન્સર ડિટેક્ટ થાય છે. ડોક્ટરોના હિસાબે એમનું આયુષ્ય માત્ર ત્રણેક મહિના જેટલું છે. અનુરાગ હિંમત હાર્યા વિના આ ઘાતક બીમારીનો આત્મવિશ્વાસપૂર્વક મુકાબલો કરે છે. આજે આઠ વર્ષ પછી એ હણહણતા અશ્વ જેવા છે. વતા શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મ ‘બરફી’નાં બન્ને પાત્રો દુન્યવી દષ્ટિએ નોમર્લ નથી. એક શારીરિક રીતે વિકલાંગ છે, બીજું માનસિક રીતે. નાયક રણબીર કપૂર મૂક-બધિર છે, જ્યારે નાયિકા પ્રિયંકા ચોપડા ઑટિસ્ટિક છે. છતાંય બન્ને જલસાથી જીવે છે. તેઓ જબરાં શરારતી છે, મોજ-મસ્તીમાં રત રહે છે અને કહેવાતા ‘નોર્મલ’ લોકોને ઈર્ષ્યા આવી જાય એવી પ્રસન્ન જિંંદગી જીવે છે. જીવનરસથી છલોછલ આ પાત્રોને રચનાર ડિરેક્ટર-રાઈટર અનુરાગ બસુએ મૃત્યુને પોતાની આંખોની સાવ સામે જોયું છે. વાત વિગતે જાણવા જેવી છે.

2008નું એ વર્ષ. કેટલીટ ટીવી સિરિયલો પછી ‘કુછ તો હૈ’ અને ‘સાયા’ જેવી નબળી અને ‘મર્ડર’ જેવી સુપરહિટ ડિરેક્ટ કર્યા  બાદ અનુરાગ બસુ ‘તુમસા નહીં દેખા’ નામની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા હતા. ફિલ્મ અડધી શૂટ થઈ ગઈ હતી. એક દિવસ અનુરાગ સખત બીમાર પડી ગયા. એમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.  જાતજાતના ટેસ્ટ્સને અંતે નિદાન થયું: અનુરાગ બસુ લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરથી પીડાય છે. આટલું જાણે ઓછું હોય તેમ ડોક્ટરે બીજો વિસ્ફોટ કયોર્ર્: પ્રત્યેક સેકન્ડે અનુરાગની તબિયત વધુને વધુ ગંભીર થતી જાય છે. એમનું આયુષ્ય હવે માંડ ત્રણથી ચાર મહિના જેટલું છે, બસ.


પરિવાર આઘાતથી મૂઢ થઈ ગયો. બ્લડ કેન્સર? ચાર મહિના? આવી ભયાનક વાત હોસ્પિટલના બિસ્તર પર પડેલા અનુરાગને કહેવી કેવી રીતે? પત્ની અને અન્ય સ્વજનો સતત અનુરાગની સાથે રહેતાં હતાં, પણ કોઈના મોંમાથી એક શબ્દ સુધ્ધાં નીકળી શકતો નહોતો. પીડાથી એમના ચહેરા કાળા પડી ગયા હતા. એક દિવસ મહેશ ભટ્ટ એમને જોવા હોસ્પિટલ આવ્યા. તેઓ ‘તુમસા નહીં દેખા’ના પ્રોડ્યુસર હતા. એમણે અનુરાગના મસ્તક પર હાથ ફેરવ્યો અને પછી મોટેથી રડી પડ્યા. અનુરાગ ચોંકી ઉઠ્યા. મહેશ ભટ્ટ જેવો મજબૂત માણસ આમ ધ્રૂસકે ધ્રૂસકે રડે? અનુરાગે પૂછ્યું: ભટ્ટસાબ, શું વાત છે? આખરે મહેશ ભટ્ટે કઠણ થઈને કહી દેવું પડ્યું: અનુરાગ, તને બ્લડ કેન્સર છે. અનુરાગ ઘા ખાઈ ગયા, પણ એમણે ચહેરા પરથી કશું કળાવા ન દીધું. પ્રયત્નપૂર્વક હળવા રહીને એમણે કહ્યું: તાવ, શરદી, બ્લડ કેન્સર... શું ફરક પડે છે? મને તો આ હોસ્પિટલના એરકન્ડીશન્ડ કમરામાં મજા આવે છે!

...અને કેન્સર સામે ભીષણ યુદ્ધની શ‚આત થઈ. મહિનાઓ વીત્યા. વર્ષો વીત્યાં. જીવલેણ બીમારી સામે મુકાબલો ચાલતો રહ્યો. આને જબરદસ્ત માનસિક તાકાત કહો, તીવ્ર જીજીવિષાનું પરિણામ કહો, મેડિકલ સાયન્સનો પ્રતાપ કહો  કે ઉપરવાળાના આશીર્વાદ... અનુરાગ બસુ આજે આઠ વર્ષ પછી પણ રાતી રાયણ જેવા છે.

અધૂરી રહી ગયેલી ‘તુમસા નહીં દેખા’ પછી મહેશ ભટ્ટ અને મોહિત સૂરિએ પૂરી કરી નાખી. બીમારીમાંથી પૂરેપૂરા બહાર આવે ન આવે તે પહેલાં જ અનુરાગ બસુ બમણાં જોશથી કામે ચડી ગયા. એમનું વ્યક્તિત્ત્વ વધારે જીવંત બની ગયું. એ વધુ માનવીય, વધુ પ્રેમાળ બની ગયા હતા. કેન્સર સામે લડતા દર્દીઓ માટે અનુરાગ બસુ એક ઉત્તમ ઉદાહરણ ગણાય. કેન્સર એટલે કેન્સલ નહીં, પ્લીઝ. 2006 અને 2007માં અનુરાગે બે ફિલ્મો બનાવી - અનુક્રમે ‘ગેંગસ્ટર’ અને ‘અ લાઈફ ઈન અ મેટ્રો’. બેસ્ટ સ્ક્રીનપ્લે અને ડિરેક્શન માટે એમના પર અવોર્ડઝનો વરસાદ વરસ્યો. એ પછીની હૃતિક રોશનને લઈને બનાવેલી મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કાઈટ્સ’ જોકે ફ્લોપ થઈ ગઈ. હવે બે વર્ષે તેઓ ‘બરફી’ લઈને આવ્યા છે.રણબીર જેવો તગડો એક્ટર હોય, ખૂબસૂરત કહાણી હોય અને ફિલ્મનો હાઈક્લાસ પ્રોમો દિવસમાં કેટલીય વાર ટીવી સ્ક્રીન પર રોટેટ થયા કરતા હોય ત્યારે ઓડિયન્સની ઉત્સુકતાને વળ ચડે જ. અનુરાગ બસુ એક મુલાકાતમાં કહે છે, ‘રણબીરને દશ્ય પોતાની રીતે ભજવવાની આદત છે. હું એને સીન સમજાવું ત્યારે એ ધ્યાનપૂર્વક સાંભળશે, મૂંડી હલાવીને હા-હા કરતો રહેશે, મોંમાંથી એક શબ્દ નહીં ઉચ્ચારે, પણ એક વાર કેમેરા ચાલુ થાય પછી એને એ સમયે જે મનમાં આવે એ જ કરશે! રણબીર એવી કોઈક ચેષ્ટા કરી નાખશે કે કોઈ એક્સપ્રેશન આપી દેશે જે સીનમાં હોય જ નહીં. આ બધું સ્પોન્ટેનિયસ હોય, રણબીરને ખુદને ખબર ન હોય કે કેમેરા ઓન થયા પછી પોતે શું કરવાનો છે. મારે કેેમેરામેનને કહી રાખવું પડે કે ભાઈ, તું સતર્ક રહેજે, રણબીર એક્ટિંગ કરતાં કરતાં ગમે ત્યાં ઉડી જશે, પણ એ ફ્રેમની બહાર જતો ન રહે એનું ધ્યાન તારે રાખવું પડશે! એક ઉદાહરણ આપું. મેં એનાં પાત્ર માટે ચાર્લી ચેપ્લિન જેવાં જેસ્ચર આખી સ્ક્રિપ્ટમાં ક્યાંય નહોતા લખ્યાં. એક વાર અચાનક રણબીરે ચાર્લી ચેપ્લિન જેવું કશુંક કર્યું, મને ગમ્યું અને અમે સેટ પર જ ઈમ્પ્રોવાઈઝ કરતા ગયા. રણબીર ઈઝ અ ગ્ર્ોટ ફન, રિઅલી!’નવી પેઢીના અદાકારોમાં એક પ્રકારનું આકર્ષક ખૂલ્લાપણું છે. અગાઉ ક્હ્યું તેમ, ‘બરફી’માં પ્રિયંકા ચોપડાએ ઑટિસ્ટિક છોકરી બની છે. ઑટિઝમથી પીડાતા લોકોની બુદ્ધિમત્તા સરસ હોય, પણ એનાં વર્તન-વ્યવહાર મંદ અને વિચિત્ર લાગી શકે એવાં હોય. ‘માય નેમ ઈઝ ખાન’માં શાહ‚ખ ખાનનું પાત્ર ઑટિસ્ટિક હતું. શ‚આતમાં અનુરાગને બિલકુલ ખાતરી નહોતી કે પ્રિયંકા ઑટિસ્ટિક કેરેક્ટર ભજવી શકશે કે કેમ, પણ પ્રિયંકાએ ખાતરી આપી: સર, હું કરી લઈશ. મારા પર ભરોસો મૂકો. અનુરાગ કહે છે, ‘આ કેરેક્ટર એટલું બધું મહત્ત્વનું છે કે માત્ર સ્ટારનું સ્ટેટસ જોઈને એને રોલ આપી શકાય નહીં. હું તો સાવ જ નવી છોકરીને લેવા પણ તૈયાર હતો. ઈન ફેક્ટ, એક તબક્કે મને ખાતરી થઈ ગઈ હતી કે આ ભુમિકામાં તો ઓડિયન્સે ક્યારેય જોઈ ન હોય એવી અજાણી એક્ટ્રેસ જ જોઈએ! પણ પ્રિયંકા કોન્ફિડન્ટ હતી. અમે ત્રણ દિવસની વર્કશોપ રાખી. પ્રિયંકાએ એમાં કમાલ કરી દેખાડી. એની લગની અને ઈન્વોલ્વમેન્ટ એટલાં બધાં હતાં કે ઑટિસ્ટિક છોકરીનો રોલ એને આપવા સિવાય કોઈ છૂટકો નહોતો.’

વેલ, અનુરાગ-રણબીર-પ્રિયંકા અને નવોદિત ઈલેના ડી’ક્રુઝની ટોળકીએ કેવીક સ્વાદિષ્ટ બરફી બનાવી છે એ બહુ જલદી સ્પષ્ટ થઈ જશે. આ પાત્રો જીવંત લાગે તો એમનાં કેરેક્ટરાઈઝેશનમાં અનુરાગે અનુભવેલી મોતની નિકટતાનો ફાળો અવશ્ય હોવાનો.

શો- સ્ટોપર 

મારી આગામી ફિલ્મ ‘બેગમ સમરુ’ માટે મેં કરીના કપૂર, રાની મુખર્જી અને વિદ્યા બાલન ત્રણેયનો અપ્રોચ કર્યો છે. જે મને સૌથી પહેલાં હા પાડશે... ટાઈટલ રોલ એનો! 

- તિગ્માંશુ ધૂલિયા (ડિરેક્ટર)

-----------------

Official Trailer of Barfi

Click here: http://www.youtube.com/watch?v=yZxrao3zou4

1 comment:

  1. શિશિર સર , બરફી જોઈ અને હજી સુધી તેને મમળાવું છું !

    રણબીર , પ્રિયંકા , ઈલીએના , સૌરભ , અનુરાગ , દાર્જીલિંગ , પ્રીતમ નો અદભુત સંગમ . હૃદયથી બનાવેલ હૃદયંગમ બરફી !

    ReplyDelete