ચિત્રલેખા - અંક તા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૨
કોલમ: વાંચવા જેવું
એકવીસ વર્ષનો એક ભારતીય છોકરો અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો હતો. ભારતમાં એના પિતાનું અણધાર્યું અવસાન થતા ફેમિલી બિઝનેસ સંભાળી લેવા છોકરાને ભણવાનું અધૂરું છોડાવીને પાછો બોલાવી લેવામાં આવ્યો. કંપનીના શેરહોલ્ડરોએ મનોમન વિચાર્યું: આ લબરમૂછિયો છોકરડો આવડું મોટું ઉદ્યોગસામ્રાજ્ય શી રીતે સંભાળી શકવાનો? કોઈએ એને મોઢામોઢ સંભળાવી પણ દીધું: ‘જો ભાઈ, આ ઉંમરે આવડી મોટી કંપની સંભાળવાનું તારું ગજું નહીં. અમે તારા શેરો ખરીદીને પ્રોફેશનલ મેનેજમેન્ટથી કંપની ચલાવીશું. તું તારો ભાગ અમને વેચી દે.’
આ શબ્દો છોકરાની છાતીમાં ખંજરની જેમ ભોંકાઈ ગયા. એણે દઢ નિશ્ચય કર્યો: ‘હું કાળી મજૂરી કરીશ, રાત-દિવસ કામ કરીશ અને જ્યાંથી શીખવા મળે ત્યાંથી શીખીશ, પરંતુ આ કંપનીને ડૂબવા નહીં દઉં!’ આ છોકરો એટલે અઝીમ પ્રેમજી. ઊંચા દરજ્જાની સોફ્ટવેર કંપની ‘વિપ્રો’ના માલિક. આજે અસંખ્ય ઉદ્યોગસાહસિકો અઝીમ પ્રેમજીને પોતાના રોલ-મોડલ તરીકે જુએ છે.
આજના પુસ્તક ‘બિઝનેસમેનની ભગવદગીતા’માં આ અને આના જેવા કેટલાય પ્રેરણાદાયી કિસ્સાને આવરી લેવાયા છે. પુસ્તકનું મૂળ અંગ્રજી શીર્ષક છે, ‘ક્રેઝી પીપલ ક્રિએટ હિસ્ટરી, વાઈસ પીપલ નોર્મલી રીડ હિસ્ટરી.’ લેખક કહે છે કે આજના જમાનામાં પોતાની કંપની ચલાવવી અને પ્રોફેશનલ તરીકે પ્રગતિ કરવી એ કુરુક્ષેત્રનું યુદ્ધ જીતવા જેવી કપરી બાબત છે. મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે દાયકાઓનો સમૃદ્ધ અનુભવ ધરાવતા લેખકે ઊભરતા બિઝનેસ-બહાદૂરોને ધ્યાનમાં રાખીને આ પુસ્તક લખ્યું છે. ગીતામાં જેમ અઢાર અધ્યાય છે, તેમ અહીં અઢાર પ્રકરણો ડિઝાઈન કરવામાં આવ્યા છે. ધંધા-રોજગારમાં નડતા પ્રશ્નો અને મૂંઝવણોેમાંથી માર્ગ કાઢીને શી રીતે સફળતા તરફ કૂચકદમ ચાલુ રાખવી એની ચર્ચા એમાં કરવામાં આવી છે.
વાત બિઝનેસની હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રની હોય, સફળતા માટે પેશનનું હોવું ખૂબ જરૂરી છે. લેખક કહે છે કે પેશન એટલે પેટમાંની આગ. ભીતર જુસ્સો જગાવતી જ્વાળા. અશક્યને શક્ય બનાવવાની પ્રેરણા આપનાર દીવાનગી. ‘લગે રહો’ની ભાવના ટકાવનાર શક્તિ. તમારી હોશિયારી કરતાં જુસ્સો વધારે મહત્ત્વની બાબત બની જાય છે. કામ પ્રત્યે જેને લગાવ હોય એ જરૂર પડે ત્યારે સો વ્યક્તિઓની સામે સહેલાઈથી પોતાનો મુદ્દો રજૂ કરી શકે છે. બધા તેને સાવ જ અંતર્મુખી અને શાંત માનતા હોય, પરંતુ તે સૌને ખોટા પાડી દે છે.
લેખક વજનદાર અને અસરકારક વાતો નાનકડાં તેમજ ચોટડૂક સ્લોગનો દ્વારા સમજાવી દે છે. જેમકે, સપનાં સાકાર કરવાં હોય તો આ ત્રણ ‘પી’ પર ધ્યાન આપવું: પર્પઝ (કારણ), પ્રોસિજર (પ્રક્રિયા) અને પરસિવિયરન્સ (ખંત). સૌથી પહેલાં તો કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં એ કાર્ય કરવાનાં કારણો અને વ્યૂહરચનાઓ વિશે સ્પષ્ટ થઈ જાઓ. એકવાર આ સ્પષ્ટતા થઈ જાય પછી તમે કઈ રીતે યા તો કઈ પ્રક્રિયાથી આગળ વધવા માગો છો એ નક્કી કરો. પછી બસ, કામ આરંભી દો પછી સફળતા ન મળે ત્યાં સુધી મચી પડો!
સેલ્ફ બિલીફ યા તો પોતાની જાતમાં વિશ્વાસ એ બહુ મોટી વાત છે. ‘કર્મનું મહત્ત્વ’ લેખમાં કહેવાયું છે: ‘શ્રેષ્ઠ સમય આજે જ છે. તમારી પાસે જબરદસ્ત આઈડિયા છે? તો આ પળે જ એનો અમલ કરો. ‘બજાર સુધરશે ત્યારે કરીશ’, ‘ભાઈ નાણાં રોકશે પછી માલ લઈશ’ કે ‘ટુ-વ્હીલર’ ન હોય તો ક્યાંથી શરૂ કરું’ એવાં અનેક બહાનાં તમને મળી આવશે. બધું જ સાનુકૂળ ક્યારેય નહીં હોય. ‘શ્રેષ્ઠ સમય’ જેવું કંઈ છે જ નહીં. તેથી આજની ઘડી રળિયામણી ગણી કામ શરૂ કરી દો.
સાયરસ ડ્રાઈવર નામના મહાશયના ‘જબરદસ્ત આઈડિયા’ વિશે જાણવા જેવું છે. આઈઆઈએમમાંથી સ્નાતક થયા પછી એ સિંગાપોરમાં એક વિશ્વવિખ્યાત કંપનીમાં ફાંકડી જોબ કરતા હતા. એમણે પોતાની આસપાસ અનેક નોકરિયાતોને સાત્ત્વિક ભોજન મેળવવા માટે સંઘર્ષ કરતા જોયા. કોઈ પાતળા થવા માટે જાતજાતના નૂસખાં અપનાવતા હતા તો કોઈ વળી આકરું ડાયેટિંગ કરીને ભૂખે મરતા હતા. સાયરસ પોતે વજન ઘટાડવા માગતા હતા. એમની પાતળા થવાની પ્રબળ ઈચ્છામાંથી જ ‘કેલરી કેર’ નામની કંપનીનો જન્મ થયો! એમને બ્રહ્મજ્ઞાન થયું કે ઉપવાસ-એકટાણાંને બદલે સાત્ત્વિક અને નિયમિત ભોજન જ વજનને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ‘કેલરી કેર’ કંપનીનો આખો બિઝનેસ આ જ થિયરી પર ખડો છે. ખરેખર, આંખ-કાન ખુલ્લા રાખીએ અને સામાન્ય બુદ્ધિ ઉપયોગમાં લઈએ તો આઈડિયાઝની જરાય કમી હોતી નથી!
જીવનમાં જોખમ લીધા સિવાય કશું જ હાંસલ થતું નથી. અલબત્ત, મૂર્ખામીભર્યા જોખમ અને ગણતરીપૂર્વકનું હોશિયારીભર્યું જોખમ વચ્ચે નિષ્ફળતા અને સફળતા જેટલો તફાવત હોય છે. જ્યારે તમે ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું નક્કી કરો છો ત્યારે નસીબના પાસાંની બાદબાકી અનાયાસે જ થઈ જાય છે. લોજિક એટલે ડહાપણની શરૂઆત. બિઝનેસ કરવો એ હાર્ડકોર બાબત છે, પણ તોય અમુક નાજુક બાબતોને ભુલવા જેવી નથી. લેખક આંતરસ્ફૂરણાને ખૂબ મહત્ત્વ આપે છે. એ કહે છે: ‘અંતરાત્માનો અવાજ તમારા આત્મામાં સંતાઈને પડેલ માહિતીના પૃથક્કરણમાંથી આવે છે. તેથી એનો વિશ્વાસ કરજો.’
પુસ્તક રૂપકડું છે. લખાણ રસાળ અને સરળ છે. લેખક જગદીશ જોષી એક મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે કંઈકેટલીય કંપનીઓના માલિકો તેમજ સીઈઓના સંપર્કમાં આવ્યા છે. તેથી તેમની કલમમાં સતત અધિકારી વજન છે. ભાવાનુવાદ પણ મજાનો થયો છે. અલબત્ત, આ પુસ્તકમાં ભલે કશુંય નવું કહેવાયું ન હોય, છતાંય પોતાનો બિઝનેસ જમાવવા માગતા ઉત્સાહીઓ અને પ્રોફેશનલોને તે અપીલ જરૂર કરશે.
૦ ૦ ૦
બિઝનેસમેનની ભગવદગીતા
લેખક: જગદીશ જોષી
અનુવાદિકા: સોનલ મોદી
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
વિક્રેતા: બૂકમાર્ક, આશ્રમરોડ, અમદાવાદ-૧
ફોન: (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭, ૨૨૧૩ ૯૨૫૩
કિંમત: ‚. ૨૦૦ /
પૃષ્ઠ: ૨૨૬
શિશિર સર , આભાર આપનો , આ સુંદર પુસ્તક ચીંધવા બદલ .
ReplyDeleteસરસ માહિતી-
ReplyDeleteThank you Shishirbhai, i will get it ASAP.
ReplyDelete