Saturday, September 15, 2012

ફ્રોમ વૂડી વિથ લવ


દિવ્ય ભાસ્કર - રવિવાર પૂર્તિ - 16 સપ્ટેમ્બર 2012 

મલ્ટિપ્લેક્સ
 
વૂડી એલન 76 વર્ષની વયે પણ ફાંકડી ફિલ્મો બનાવી જાણે છે. એમનો થનગનાટ હજુ બીજા પંદર વર્ષ સુધી ઢીલો પડે એવો નથી. સ્ત્રી-પુરુષના સંબંધોને રમતિયાળ ઢબે પડદા પર પેશ કરતા આ ફિલ્મમેકરનું ખુદનું અંગત જીવન  ખાસ્સું ઘટનાપ્રચૂર રહ્યું છે



યુ યુઝ સેક્સ ટુ એક્સપ્રેસ એવરી ઈમોશન્સ એક્સેપ્ટ લવ! 

સ્માર્ટ વનલાઈન જેવો આ ચટાકેદાર સંવાદ ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્ઝ’ ફિલ્મનો છે. એક સ્ત્રી એના પતિને કહી રહી છે કે તું તારી તમામ લાગણીઓ વ્યક્ત કરવા સેક્સનો સહારો લે છે, એક માત્ર પ્રેમને બાદ કરતાં! આ ફિલ્મના યહૂદી રાઈટર-ડિરેક્ટર છે, એલન સ્ટુઅર્ટ કોનિગ્સબર્ગ. અજાણ્યું લાગે છે આ નામ? વેલ, હોલીવૂડના દંતકથા‚પ ફિલ્મમેકર વૂડી એલનનું તે ઓરિજિનલ નામ છે.  ‘હસબન્ડ્સ એન્ડ વાઈવ્સ’ 1992માં રિલીઝ થઈ હતી. તે વર્ષ વૂડી એલનનું અંગત જીવનમાં વિસ્ફોટક પૂરવાર થયું હતું, પણ એની વાત થોડી વાર પછી. આજે આપણે વૂડી એલનની વાત એટલા માટે માંડી છે કે એમની લેટેસ્ટ ફિલ્મ ‘ટુ રોમ વિથ લવ’ ગયાં અઠવાડિયે ભારતમાં ચુપચાપ રિલીઝ થઈ ગઈ. 76 વર્ષના વૂડી એલનની આ ચોપનમી ફિલ્મ છે. એ 47 વર્ષોથી લાગલગાટ ફિલ્મો બનાવી રહ્યા છે. આટલા સમય અંતરાલમાં તેઓ કુલ 23 વખત ઓસ્કર માટે નોમિનેટ થયાં અને એમાંથી ચાર ઓસ્કર જીતી પણ ગયાં - ત્રણ બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે માટે અને એક બેસ્ટ ડિરેક્શન માટે. એ વાત જુદી છે કે આ મૂડી માણસ ઓસ્કર સમારંભમાં દર વખતે ધરાર ગેરહાજર રહે છે, એટલું જ નહીં, ટીવી પર જોવાનું પણ ટાળે છે!

ચપટું નાક, જાડાં ચશ્માં, મામૂલી ચહેરો, પાતળિયું, અતિ સ્ફૂર્તિલું શરીર અને મશીનગનથી જેમ ધડધડાટ શબ્દો ફેંકતી વાણી - વૂડી એલનની બાહ્ય પર્સનાલિટીમાં દાયકાઓથી કશો ફર્ક પડ્યો નથી. મૂળ તો એ લેખક. રમૂજ એમનું મુખ્ય શસ્ત્ર. 19 વર્ષની ઉંમરથી એમણે જુદા જુદા ટીવી શોઝ માટે લખવાનું શ‚ કરી દીધું હતું. તે પછી તેઓ સ્ટેન્ડ-અપ કોમેડિયન બની ગયા. સ્ટેન્ડ-અપ કોમેડીને એક કરીઅર તરીકે પ્રસ્થાપિત અને પોપ્યુલર કરવામાં વૂડી એલનનું મહત્ત્વનું યોગદાન છે. તેઓ ટૂંકી વાર્તાઓ લખતા, જે ‘ન્યુયોર્કર’ જેવા મેગેઝિનોમાં પ્રકાશિત થતી. એ પછી એમણે બ્રોડવે માટે નાટકો લખવાનું અને પ્રોડ્યુસ કરવાનું શ‚ કર્યું. ‘પ્લે ઈટ અગેન, સેમ’ નાટકનાં સાડાસારસો કરતાંય વધારે શોઝ થયા, જેમાં એમણે એક્ટિંગ પણ કરી હતી. હવે પછીનું નેક્સ્ટ લોજિકલ સ્ટેપ હતું, હોલીવૂડ. વૂડી એલન જોકે ફિલ્મી દુનિયામાં પગ મૂકે એ પહેલાં જ ‘લાઈફ’ મેગેઝિનનાં કવર પર ચમકી ગયા હતા.

Diane Keaton with Woody Allen in his most popular film, Annie Hall.
Click below for its trailer 
                                      http://www.youtube.com/watch?v=M85gaKOtKVo

હોલીવૂડમાં તેમણે શ‚આત તો લેખક તરીકે જ કરી. પહેલી જ ફિલ્મમાં જ હીરોલોગ વચ્ચે થયેલી હૂંસાતૂંસીને કારણે જે રીતે સંવાદોમાં કત્લેઆમ થઈ અને અમુક લખાપટ્ટી સેટ પર ચાલુ શૂટિંગ દરમિયાન કરવી પડી, એ જોઈને વૂડી એલનને બ્રહ્મસત્ય સમજાઈ ગયું: હું જો કેવળ લેખક રહીશ તો મારાં લખાણ પર મારો કોઈ ક્રિયેટિવ કંટ્રોલ રહેશે નહીં. તેથી એમણે બહુ જ ત્વરાથી પહેલાં ડિરેક્ટર તરીકે અને પછી પ્રોડ્યુસર તરીકે ગતિ શ‚ કરી દીધી. વૂડી એલનને આખી ફિલ્મની લગામ પોતાના હાથમાં જોઈએ - સ્ક્રિપ્ટ, કાસ્ટિંગથી લઈને છેક એડિટિંગ સુધી. ઈવન, સ્ટાર્સ લોકોને પણ માત્ર એમનાં દશ્યોવાળાં જ પાનાં આપવામાં આવે. વૂડીની ફિલ્મો એક તો ફટાફટ બની જાય. મોટા મોટા સિતારાઓ પોતાની નોર્મલ ફી કરતાં ખૂબ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ જાય. હોલીવૂડના ટોપ સ્ટુડિયોઝની બ્લોકબસ્ટર ફિલ્મોની તુલનામાં વૂડી એલનની ફિલ્મો ખૂબ નાની ગણાય. વળી, એનું બજેટ જ એટલું ઓછું હોય કે કોઈએ પૈસા ગુમાવવાનો વારો ન આવે.

‘એની હૉલ’ અને ‘મેનહટ્ટન’ વૂડી એલનની સંભવત: સૌથી વિખ્યાત ફિલ્મો છે. અમેરિકન સિનેમામાં એમણે ત્વરાથી પોતાનું એક ઊંચું સ્થાન બનાવી કાઢ્યું. એ ‘સિનેમાજગતની કિમતી જણસ’ કહેવાયા. સ્ત્રી-પુરુષના સંબંધો અને રમૂજ - વૂડીની ફિલ્મોમાં આ બે તત્ત્વો સામાન્યપણે સૌથી વધારે જોવા મળે. સ્ત્રી-પુરુષના સંબંધોના મામલામાં વૂડી સ્વયં ખાસ્સા અનુભવ-સમૃદ્ધ છે. પહેલી વાર લગ્ન કયાર્ર્ં ત્યારે એ ફક્ત 19 વર્ષના હતા અને કન્યા હતી સોળની. તેમણે કુલ ત્રણ લગ્નો કર્યાં. છૂટક અફેર્સ અને લિવ-ઈન રિલેશનશીપ્સ લટકામાં. મિઆ ફેરો નામની એક્ટ્રેસ સાથે પ્રેમસંબંધ દસ વર્ષ ચાલ્યો. જોકે બન્નેએ ન લગ્ન કર્યાં, ન એક છત નીચે રહ્યાં. મિઆ એક દત્તક દીકરીને ‘આંગળીએ’ લેતી આવી હતી. નામ એનું સૂન-યી પ્રેવિન. મિઆ અને એના આગલા પાર્ટનરે સૂન-યીને અડોપ્ટ કરી હતી. આમ, સંબંધની દષ્ટિએ વૂડી એલન આ છોકરીના પિતાતુલ્ય વ્યક્તિ ગણાય. વૂડી અને મિઆએ બીજાં બે બાળકોને દત્તક લીધાં. એક સગાં સંતાનનાં મા-બાપ પણ બન્યાં. ધરતીકંપ ત્યારે સર્જાયો જ્યારે વૂડી પાસેથી 20 વર્ષીય સૂન-યીની, એટલે કે પ્રેમિકાની દત્તક દીકરીની, નગ્ન તસવીરો મળી આવી. સંબંધમાં ભંગાણ પડ્યું, બન્ને નોખાં પડી ગયાં અને વૂડીએ પોતાનાં કરતાં 34 વર્ષ નાની સૂન-યી સાથે કાયદેસર લગ્ન કરી લીધાં! હોબાળો મચી જવો સ્વાભાવિક હતો. મિડીયાને જલસો પડી ગયો. વૂડી પર ફિટકાર વરસ્યો. દીકરી સમાન યુવતી સાથે લગ્ન થાય જ કેમ? વૂડીની ઈમેજ ખરડાઈ ગઈ. જોકે વૂડી બહાદૂરીપૂર્વક પોતાના નિર્ણયને વળગી રહ્યા. તેઓ હંમેશા કહેતા રહ્યા, ‘જુઓ, સૂન-યી મારી ભૂતપૂર્વ પ્રેમિકાની દત્તક દીકરી હતી, મારી નહીં. મેં સૂન-યીને ક્યારેય કાયદેસર રીતે ક્યારેય અડોપ્ટ નહોતી કરી. હું એના પ્રેમમાં પડ્યો ને પરણી ગયો. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યું?’

Woody Allen with his wife Soon-Yi and kids


વૂડી અને સૂન-યી હજુય એકમેકની સાથે ટકી રહ્યાં છે. પર્સનલ લાઈફમાં ઊથલપાથલ થતી રહી, પણ વૂડીનું કામ ક્યારેય ન અટક્યું. વૂડી હાડોહાડ ન્યુયોર્કવાસી છે. એમની ફિલ્મોમાં ન્યુયોર્ક શહેર એક મહત્ત્વના કિરદાર તરીકે સતત ઊભરતું રહ્યું છે.  2005માં એમણે ‘મેચપોઈન્ટ’ નામની ફિલ્મ બનાવી જેમાં પહેલી વાર અમેરિકાની બહારનું કોઈ શહેર - લંડન - લોકાલ બન્યું. આ ફિલ્મ હિટ થઈ અને યુરોપિયન દેશોમાં ફિલ્મો બનાવવાનો  દૌર શ‚ થયો - ‘સ્કૂપ’ અને ‘કેસેન્ડ્રાઝ ડ્રીમ’ (બન્ને લંડન), ‘વિકી ક્રિસ્ટીના બાર્સેલોના’, ‘મિડનાઈટ ઈન પેરિસ’, રોમવાળી લેટેસ્ટ ફિલ્મ વગેરે. શહેરોને એક્સપ્લોર કરવાની એક સુંદર દષ્ટિ વૂડી પાસે છે. એમને વિદેશોમાંથી સતત આમંત્રણો મળતાં રહે છે: મિસ્ટર એલન, તમે અમારે ત્યાં આવો, ફિલ્મ બનાવો, ફાયનાન્સની વ્યવસ્થા થઈ જશે! તેઓ કહે છે કે જો મને ઈન્ડિયાથી આમંત્રણ આવે અને કંઈક ફની પ્લોટ મળી જાય તો હું તો ઈન્ડિયામાં પણ ફિલ્મ બનાવવા તૈયાર છું. વૂડીએ આજ સુધી એક પણ ભારતીય ફિલ્મ જોઈ નથી એ અલગ વાત થઈ. જાતે જ થોપી દીધેલા પ્રલંબ સિનેમેટિક ‘દેશનિકાલ’ પછી એમની હવે પછીની ફિલ્મ નખશિખ અમેરિકન છે. ન્યુયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોમાં સાત જ અઠવાડિયામાં આખેઆખી ફિલ્મનું શૂટિંગ થઈ જશે.

‘રિટાયરમેન્ટ જેવો શબ્દ જ મારી ડિક્શનરીમાં છે જ નહીં,’ હોલીવૂડના આ દેવ આનંદ કહે છે, ‘પેરેલિસિસ કે હૃદયરોગનો હુમલો આવે ને મારે ઘરે બેસી જવું પડે યા તો પછી મને ફાયનાન્સ મળવાનું બંધ થાય તો અલગ વાત છે. ધારો કે એવું થાય તો ય હું  નવરો તો નહીં જ બેસું. ઘરે બેઠા બેઠા નાટકો ને પુસ્તકો લખીશ. સિમ્પલ!’

શો-સ્ટોપર

ફિલ્મમેકિંગનો સંબંધ પરફેક્શન સાથે નહીં, કોમ્પ્રોમાઈઝ સાથે છે. ક્યાં કેટલું સમાધાન કરી શકાય એમ છે તેની તમને ખબર હોવી જોઈએ. તમે પરફેક્ટ કોમ્પ્રોમાઈઝ કરતા શીખી જાઓ એટલે જંગ જીતી ગયા.  

- આમિર ખાન 

4 comments:

  1. બહુ સરસ લેખ --શિશીર....થેન્ક્સ.

    ReplyDelete
  2. હંમેશાંની જેમ સુપર્બ લેખ... મજા આવી ગઈ...

    ReplyDelete