ચિત્રલેખા - અંક તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨
કોલમ: વાંચવા જેવું
‘માણસ ત્રણ ‘વિ’માં જીવે છે. ઘણા માણસો વિદ્રોહમાં જીવે છે, ઘણા માણસો વિનોદમાં જીવે છે અને ઘણા માણસો વિસ્મયમાં જીવે છે.’
ક્યારેક વાક્યની રચના કે વાતને રજૂ કરવાની શૈલી એને કહેનારની ઓળખ બની જતી હોય છે. ઊપરનાં વિધાન વાંચતાની સાથે મનમાં મોરારીબાપુનું ચિત્ર ન ઊપસે તો જ આશ્ચર્ય! આજે જે બે પુસ્તકોની વાત કરવી છે એમાં પહેલાં પાનાંથી છેલ્લાં પૃષ્ઠ સુધી મોરારીબાપુ હાજરાહજૂર એટલા માટે છે કે આ પુસ્તકોનો મુખ્ય આધાર એમની રામકથાઓ છે.
‘આનંદ રાહ બતાવે રામાયણ’ પુસ્તકમાં મોરારીબાપુ કહે છે કે નંદવાય નહીં તે પ્રસન્નતાનું નામ આનંદ! પ્રસન્નતા ક્યારેય જન્મ લેતી નથી. તે તો સદા હાજર જ છે. પ્રસન્નતાનું તો પ્રગટીકરણ થાય છે. આનંદ તો આપોઆપ ફૂટે છે. પ્રસન્ન એ છે જે સમતામાં જીવે છે. પ્રસન્ન એ છે જે બીજાના અવગુણો નહીં, ગુણો જોયા કરે. એમાં ખોટું શું એ ન જુએ, ખરું કેટલું એ જોયા કરે. મરવાની પણ ફૂરસદ ન હોય એ પ્રસન્ન છે. પોતે અપ્રસન્ન રહેવું અને બીજાને અપ્રસન્ન કરવાં એ બન્ને મોટામાં મોટાં પાપ છે.
પ્રસન્નતાનાં સાત લક્ષણો છે: ગુણગ્રહીતા, આનંદસભરતા, રસસભરતા, હૃદયસભરતા, સમતાસભરતા, કર્મસભરતા અને પ્રેમસભરતા. મોરારીબાપુ હરખ અને પ્રસન્નતા વચ્ચે સુંદર વિભાજનરેખા દોરી આપે છે. એ કહે છે કે, ‘હરખાવું એ પ્રસન્નતા નથી. પ્રસન્ન થવું અને હરખાવું એમાં બહુ અંતર છે. હરખાવું એ મનનું લક્ષણ છે - મનનું ક્ષેત્ર છે, જ્યારે પ્રસન્નતા એ ચિત્તનું લક્ષણ છે. આપણને લાભ થાય અને આપણે જે ખુશી અનુભવીએ એ હરખ કહેવાય. બીજાને લાભ થાય અને આપણને જે ખુશી થાય એને પ્રસન્નતા કહેવાય.’
મોરારીબાપુની ધારદાર રમૂજવૃત્તિ વિખ્યાત છે. એ હળવા સૂરે ઉમેરી દે છે કે, ‘તમને ખાનગીમાં કહી દઉં કે માણસ હસે તોય રૂડો ન લાગેને તો એનો ભરોસો ન કરવો!’
‘સુખ-દુખ આનંદના સહોદર’ વિભાગમાં પ્રારંભમાં જ કહેવાયું છે કે અસ્તિત્ત્વે દુખની વ્યવસ્થા કરી જ નથી. દુખની વ્યવસ્થા માણસના મલિન મને કરી છે. પ્રસન્નતા, સુખ અને આનંદ માટેની પૂર્વશરત છે, શાંતિ. શાંતિ વગર પ્રસન્નતા અને સુખ મળશે નહીં અને મળશે તો ટકશે નહીં. માણસની દુખી થવાની પૂર્વતૈયારી જ એને દુખી કરે છે. જેને દુખી નથી થવું એને ઈશ્વર પણ દુખી કરી શકતો નથી! આટલું કહીને મોરારીબાપુ ઉમેરે છે:
‘સમજદારી સાથે જે ભૂલ થાય છે, તે દુખ ઉત્પન્ન કરે છે. આપણા જીવનના મોટા ભાગનાં દુખો ભૂલનું જ પરિણામ હોય છે. ક્યાંક હિસાબમાં ગરબડ છે. આ દુખો ટકાઉ નથી. ભુલ સુધરી, દુખ ગયું. અસત્ય બોલ્યા, ભૂલ કરી, તે ભૂલનું સત્ય બોલો તો દુખ ગયું. દુખ ભોગવો છો તો તે તમારા વિલંબના કારણે છે. ભૂલ સુધરી, દુખ ગયું એ સૂત્ર પાકું છે. કોઈ કોઈને સુખ નથી આપતું. કોઈ કોઈને દુખ નથી આપતું. સુખ અને દુખના દાતા કોઈ નથી. સુખ અને દુખ વ્યવહારનું સત્ય છે. પ્રત્યેક વ્યક્તિના સુખનું મૂળ એ છે કે જીવનમાં પ્રામાણિકતા હોય. જીવનમાં સત્ય છે એ જ સુખ છે, બાકી સુવિધા છે.’
મોરારીબાપુની શબ્દોની પસંદગી અને ભાષા પરનું પ્રભુત્વ શ્રોતાને (અને વાચકને) હંમેશાં પ્રસન્ન કરી મૂકે છે. ગુજરાતી ભાષા જાણે સંપૂર્ણ અભિજાત્ય અને ગરિમા સાથે મન મૂકીને મનોહર નર્તન કરી રહી હોય એવું વાતાવરણ મોરારીબાપુ અત્યંત સહજ રીતે સર્જી જાણે છે. આ પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે હળવા ચિંતનાત્મક વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.
બીજું પુસ્તક ‘જીવન રાહ બતાવે રામાયણ’ બાર પ્રકરણોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. જીવન કોને કહેવાય? જીવન એને કહેવાય, જ્યાં કોઈપણ પ્રકારનો અભાવ ન હોય. જ્યાં સુધી કોઈ ને કોઈ અભાવ છે ત્યાં સુધી જીવન પૂર્ણ નથી. બીજી વ્યાખ્યા છે, જ્યાં પરાધીનતા ન હોય, એનું નામ જીવન. પરાધીનતા જીવનનો પરિચય નથી. જે જીવનમાં મૂર્છા નથી, નિરંતર ચૈતન્યનો અગ્નિ પ્રજ્વલિત છે એ સ્થિતિ પણ જીવનની સમાનાર્થી છે. જ્યાં રસિકતા હિલોળે ચડતી હોય અને જ્યાં શાંતિની, ભક્તિની, શક્તિની શોધ ચાલતી હોય એ જીવન!
આ પુસ્તકોમાંથી પસાર થતી વખતે, અચાનક જ, બજારમાં ઉપલબ્ધ પ્રેરણાનાં કેટલાય પુસ્તકો પોલાં લાગવા માંડે છે. એનું કારણ એ છે કે આ પુસ્તકોનો પાયો રામાયણ તેમજ અન્ય ધર્મગ્રંથો છે અને આ શબ્દો કહેનારી વ્યક્તિ એનાં સત્ત્વ-તત્ત્વને પચાવી ચૂકી છે, એનાથી સંપૂર્ણપણે રસાયેલી છેે. મોરારીબાપુ સ્વયં કહે છે કે મેં પુસ્તકો બહુ વાંચ્યાં નથી, પણ દુનિયાભરમાં ફરીને માણસોનાં મસ્તક ખૂબ વાંચ્યાં છે! વ્યાવહારિકતાના આધારે પર ઊભેલી એમની વાતો સાથે સતત રિલેટ કરી શકાય છે. આ રૂપકડાં પુસ્તકોનો મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એની અપીલ કેવળ મોરારીબાપુના નિયમિત ભક્તો પૂરતી સીમિત નથી, બલકે જીવનકેન્દ્રી અને સત્ત્વશીલ વાંચનમાં રસ ધરાવતી કોઈપણ ઉંમરની વ્યક્તિ પર એ ચોટદાર અસર કરી શકે છે.
સૂઝપૂર્વક તૈયાર થયેલાં આ પુસ્તકો વાસ્તવમાં અંગ્રેજી સહિત ચાર ભાષામાં પ્રગટ થનારી પાંચ પુસ્તકોની શ્રેણીની પ્રથમ બે કડી છે. સંપાદક-પ્રકાશક યોગેશ ચોલેરા ‘ચિત્રલેખા’ને કહે છે: ‘બાપુની ૩૦૯ જેટલી કથાઓ, એમણે જુદા જુદા પ્રસંગોએ આપેલાં પ્રવચનો, મુલાકાતો, અખબારી અહેવાલો, અમુક વેબસાઈટ્સ પર મૂકાયેલું ક્ધટેન્ટ, કોલમ, બાપુએ લખેલાં જૂનાં પત્રો વગેરેમાંથી આ પુસ્તકોની સામગ્રીનું ચયન કરવામાં આવ્યું છે. આ શ્રેણી પોણા-બે વર્ષની મહેનતનું પરિણામ છે.’
વેલ, મહેનત લેખે લાગી છે. વારંવાર વાંચવાં ગમે એવાં સુંદર પુસ્તકો! 0 0 0
આનંદ રાહ બતાવે રામાયણ / જીવન રાહ બતાવે રામાયણ
વકતા-લેખક : મોરારિબાપુ
સંપાદક : યોગેશ ચોલેરા
પ્રકાશક: વંડરલેન્ડ પબ્લિકેશન્સ, રાજકોટ-૧
વિક્રેતા: બુકમાર્ક, આશ્રમ રોડ, અમદાવાદ-૯
ફોન: (૦૨૮૧) ૩૦૫૩૫૭૭, (૦૭૯) ૨૬૫૮ ૩૭૮૭
પ્રત્યેક પુસ્તકની કિંમત: ૧૬૦ /
પૃષ્ઠ: અનુક્રમે ૨૧૦ અને ૧૯૪
આભાર શિશિરભાઈ, સારાં પુસ્તકો વિષે જાણકારી મળી.
ReplyDelete-કિશોર પટેલ
Thanks Kishorebhai.
ReplyDelete