Wednesday, April 9, 2014

ટેક ઓફ : ભવિષ્યનો નકશો દોરવા અતીતની આંખમાં જોવું પડે છે

Sandesh - Ardh Saptahik Purty - 9 April 2014

ટેક ઓફ 

સુમતિ મોરારજી અને હંસા મહેતા. બન્ને મૂઠી ઊંચેરી મહિલાઓ. બન્ને સુપર અચિવર. એકનો જન્મ વીસમી સદીના પ્રારંભમાં અને બીજાંનો ઓગણીસમી સદીના અંતમાં. એ જમાનામાં પણ ગુજરાતી મહિલા કેટલી પ્રગતિશીલ બની શકતી હતી?




હિલા શિક્ષણ, મહિલા સુરક્ષા, મહિલા સશક્તીકરણ જેવા શબ્દો સતત કાને પડતા રહે છે. આ મુદ્દાઓ ઉછાળવા માટે ચૂંટણીનો માહોલ કે કોઈ મોટી ઘટના કે આઘાતજનક દુર્ઘટનાની જરૂર નથી. આ નિરંતર નિસબતના વિષયો છે. વર્તમાનને સમજવા માટે,ભવિષ્યનું ચિત્ર કલ્પવા માટે અતીતને બન્ને હાથથી પકડીને એની આંખોમાં જોવું પડે છે. ગઈ કાલને સમજ્યા વગર આજની દશા અને દિશા સમજાતાં નથી. આજે બે નોંધપાત્ર ગુજરાતી મહિલાઓ વિશે વાત કરવી છે. સુમતિ મોરારજી, જે વીસમી સદીના પ્રારંભમાં જન્મ્યાં હતાં અને હંસા મહેતા, જે ઓગણીસમી સદીના અંતમાં જન્મ્યાં હતાં!
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના વિશાળ કેમ્પસમાં સમૃદ્ધ એચ. એમ. લાઈબ્રેરી છે. એક ગર્લ્સ હોસ્ટેલને એચ. એમ. હોલ નામ આપવામાં આવ્યું છે. આ એચ. એમ. એટલે હંસા મહેતા. ગુજરાતનાં તેઓ પ્રથમ મહિલા ચાન્સેલર. સર્વપ્રથમ 'ટ્રેઈન્ડ' ગુજરાતી મહિલા પત્રકાર પણ તેઓ જ. હંસા મહેતા સાથે બીજાં એકાધિક પ્રભાવશાળી નામો જોડાયેલાં છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનાં તેઓ પત્ની. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ નવલકથા 'કરણઘેલો'ના લેખક નંદશંકર મહેતાનાં તેઓ પૌત્રી થાય. તેમના પિતા મનુભાઈ મહેતા વડોદરા રાજ્યના પ્રથમ દીવાન હતા.
૧૮૯૭માં એટલે કે ૧૧૭ વર્ષ પહેલાં જન્મેલી અને બાળવયે માતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી ગુજરાતી મહિલા કેટલી પ્રગતિશીલ હોઈ શકતી હતી? ઊંચી ટકાવારી સાથે મેટ્રિક અને તત્ત્વજ્ઞાન સાથે બી.એ. કર્યા બાદ હંસા મહેતા પત્રકારત્વનો અભ્યાસ કરવા ૧૯૧૯માં ઈંગ્લેન્ડ ગયાં હતાં. ઈંગ્લેન્ડમાં જ તેઓ સરોજિની નાયડુના સંપર્કમાં આવ્યાં હતાં. તે સમયગાળામાં જિનિવામાં આંતરરાષ્ટ્રીય મહિલા પરિષદ મળી હતી. હંસા મહેતાએ તેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારત પાછાં આવ્યાં ત્યારે દેશમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું. ગાંધીજી જેલમાં હતા. સરોજિની નાયડુ તેમને મળવા અવારનવાર જેલમાં જતાં. એક વાર હંસા મહેતાને પણ પોતાની સાથે લઈ ગયાં. બાપુના કરિશ્માઈ વ્યક્તિત્વથી પ્રભાવિત ન થવું શક્ય જ નહોતું.
યુરોપ-અમેરિકામાં એ વર્ષોમાં ભારત વિશે ખોટા ખ્યાલો પ્રવર્તતા હતા. પશ્ચિમમાં ઘૂમીને, લોકોને મળીને ભારતનું સાચું ચિત્ર પેશ કરવાનું કામ હંસા મહેતાને સોંપાયું. છવ્વીસ વર્ષીય હંસા મહેતાએ એકલાં અમેરિકાભ્રમણ કર્યું. પ્રવચનો આપ્યાં. અંગ્રેજોના અન્યાયી શાસનની ઉગ્ર ટીકા કરી. આ જ ગાળામાં સાન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ વિશ્વ કેળવણી પરિષદ ગોઠવાઈ. હંસા મહેતાએ એમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. અમેરિકાથી તેઓ જાપાન ગયાં. ત્યાંની મહિલા કોલેજો, સંસ્થાઓ અને મંડળોની મુલાકાત લીધી.
પ્રવાસ દિમાગની બારીઓ ખોલી નાખે છે. વિચારોનો વ્યાપ વિસ્તારે છે. દુનિયા ઘૂમેલાં હંસા મહેતા જેવી તેજસ્વી મહિલા માટે રૂઢિઓમાંથી બહાર આવી જવું સ્વાભાવિક હતું. ભારત પાછા આવ્યાં પછી તેઓ ડો. જીવરાજ મહેતાના સંપર્ક આવ્યાં, પ્રેમ થયો અને પરણી ગયાં. જોકે લગ્ન કરવાં આસાન નહોતાં. હંસા મહેતા રહ્યાં નાગર બ્રાહ્મણ અને ડો. જીવરાજ મહેતા કપોળ. મોસાળ પક્ષે આ આંતરજ્ઞાતીય સંબંધનો ખૂબ વિરોધ કર્યો. જ્ઞાતિનો કોઈ બ્રાહ્મણ વિધિ કરાવી આપવા તૈયાર ન હતો તેથી સાઉથ ઈન્ડિયન બ્રાહ્મણની મદદ લેવામાં આવી.
ડો. જીવરાજ મહેતા મુંબઈના પ્રતિષ્ઠિત ડોક્ટર હતા. બીમારીમાં ગાંધીજી પણ તેમની સલાહ લેતા. પતિને કારણે હંસા મહેતા અને ગાંધીજી વચ્ચેની નિકટતા વધી. આઝાદીની લડાઈમાં તેમણે જોશપૂર્વક ઝુકાવી દીધું. ગર્ભશ્રીમંત પિતાને ત્યાં જન્મેલી આ દીકરી મુંબઈમાં ભુલેશ્વરની વિદેશી કાપડ વેચતી દુકાનો પર પિકેટિંગ કરતાં, જુદાં જુદાં કારણોસર મહિનાઓ સુધી જેલમાં રહ્યાં.
હંસા મહેતાનું એ સદ્ભાગ્ય ગણાય કે બ્રિટિશ સરકાર સામે ખુલ્લો વિરોધ કરતાં હોવા છતાં તેમને આર્ટ એજ્યુકેશન કમિટીનાં અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૪૬માં ભારતીય મહિલા વિશ્વવિદ્યાલયનાં પ્રથમ મહિલા ઉપકુલપતિ બન્યાં. પછીના વર્ષે યુનો ખાતે ભારતનાં પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. હંસા મહેતાના બાયોડેટામાં આવી તો ઘણી સિદ્ધિઓ છે, જેમાં એમ.એસ. યુનિવર્સિટીનંુ એક દાયકાની વાઈસ ચાન્સેલરશિપ પણ આવી ગઈ.
ઈંગ્લેન્ડમાં જર્નલિઝમ ભણેલાં હંસા મહેતાએ 'હિંદુસ્તાન' સાપ્તાહિકનું સહતંત્રીપદ સંભાળ્યું હતું. 'ભગિની સમાજ' પત્રિકાનાં માનાર્હ તંત્રી પણ બન્યાં. ૧૬ ગુજરાતી અને ચાર અંગ્રેજી પુસ્તકો લખ્યાં. શેક્સપિયરના 'હેમ્લેટ' નાટકનો અનુવાદ કર્યો. આ પુસ્તક ગાંધીજીને ભેટ આપવા ગયાં ત્યારે તે દિવસે બાપુએ મૌન પાળ્યું હતું. એમણે કાગળની કાપલી પર લખ્યું કે, "હું ત્યારે આને સારો અનુવાદ ગણું જ્યારે સામાન્ય માણસ પણ સમજી શકે."
ડો. જીવરાજ મહેતાના નિધન પછી હંસા મહેતા મુંબઈ સ્થાયી થયાં હતાં. અંતિમ વર્ષો દરમિયાન તેઓ જાહેરજીવનથી સંપૂર્ણપણે અલિપ્ત રહ્યાં હતાં. ગુજરાતી પ્રજાને ખબર પણ નહોતી કે હંસા મહેતા ૨૦૦૫ સુધી હયાત હતાં. ૯૮ વર્ષની દીર્ઘાયુ ભોગવીને ૨૦૦૫ની ચોથી એપ્રિલે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધો.
સ્ત્રી સશક્તીકરણના વર્તુળમાંથી પુરુષને સદંતર બાદ કરી નાખવાની જરૂર હોતી નથી. સ્ત્રીની મૂઠી ઊંચેરી બનવાની પ્રક્રિયાને પુરુષ વેગવંતી બનાવી શકે છે. સુમતિ મોરારજીનો કિસ્સો આ સંદર્ભમાં જોવા જેવો છે. જિતેન્દ્ર પટેલે '૫૧ જીવનચરિત્રો' પુસ્તકમાં આ બન્ને સન્નારીઓ વિશે વિગતે લખ્યું છે. સૌથી પહેલાં તો, સુમતિ મોરારજીને મોરારજી દેસાઈ સાથે કોઈ સંબંધ નથી. ગુજરાતી યંગસ્ટર્સ આજે શિપિંગનાં ફિલ્ડને ફેવરિટ કરિયર ઓપ્શન તરીકે જોતા નથી, પણ સુમતિ મોરારજીએ દાયકાઓ પહેલાં આ ક્ષેત્રમાં ગજબનું કાઠું કાઢયું હતું.
Sumati Morarjee

૧૦૫ વર્ષ પહેલાં મુંબઈના ભાટિયા પરિવારમાં એમનો જન્મ. પિતા મથુરદાસ ગોકુળદાસ મુંબઈમાં કાપડની મિલો ધરાવે. સુમતિ છ ભાઈઓની એકની એક બહેન એટલે લાડકોડમાં કોઈ કમી નહીં. ભાઈઓની માફક એ પણ ક્રિકેટ રમે, હોકી રમે, સ્વિમિંગ કરે,ઘોડેસવારી કરે. તેર વર્ષની ઉંમરે મુંબઈના પ્રતિષ્ઠિત વેપારી નરોત્તમ મોરારજીના પુત્ર શાંતિકુમાર સાથે તેમનાં લગ્ન થયાં. પ્રથમ વિશ્વયુદ્ધ પછી નરોત્તમ મોરારજીએ સિંધિયા સ્ટીમ નેવિગેશન નામની કંપની સ્થાપી હતી. ગ્વાલિયરના મહારાજાની કૃપાદૃષ્ટિથી કંપની શરૂ થઈ હોવાથી કંપનીના નામમાં એમની અટક જોડવામાં આવેલી. કહે છે કે તે જમાનામાં સાડા ચાર કરોડ રૂપિયાની ગંજાવર મૂડીમાંથી આ કંપની ઊભી કરવામાં આવી હતી. નરોત્તમ મોરારજીને ભારતીય વહાણવટાના પુનરુત્થાનના જનક તરીકે ઓળખવામાં આવે છે તેનું કારણ આ જ.
નરોત્તમ મોરારજીએ પુત્રવધૂ સુમતિનું તેજ પારખી લીધું. એને રસોડામાં પૂરી રાખવાને બદલે કંપનીના વહીવટમાં સામેલ કર્યાં. ક્રમશઃ પોતાની કંપનીમાં એમને ભાગીદાર બનાવ્યાં, એટલું જ નહીં, મોટા ભાગના શેર સુમતિના નામે કરી આપ્યા. સસરાએ પુત્રવધૂને સીધો વારસો આપી દીધો. એ જમાનામાં આ એક ક્રાંતિકારી ઘટના હતી. ૧૯૨૯માં કાર એક્સિડન્ટમાં નરોત્તમ મોરારજીનું અવસાન થયું ત્યારે કંપનીની જવાબદારી સંભાળવા માટે સૌએ સુમતિનું નામ આગળ કર્યું. આમેય નરોત્તમ શેઠે પોતાની હયાતીમાં જ સુમતિના નામે કંપનીના શેર કરીને આડકતરી રીતે પોતાના વારસદાર ઘોષિત કરી દીધા હતા. ફક્ત ૨૩ વર્ષની ઉંમરે સુમતિ કંપનીમાં ડિરેક્ટર બની ગયાં.
સંયોગથી તક મળી જવી એક વાત છે અને પોતાની બુદ્ધિ તેમજ મહેનતથી મળેલા મોકાને ઉજાળવો તે તદ્દન જુદી બાબત છે. સુમતિ મોરારજીએ પોતાની વહીવટી કાબેલિયત દેખાડી અને જોતજોતામાં કંપનીનાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યાં. પતિ શાંતિકુમારે ન ક્યારેય ધણીપણું કર્યું, ન ઈર્ષ્યા દેખાડી,બલકે તેઓ સતત પત્નીને પ્રોત્સાહિત કરતાં રહ્યાં. સુમતિ મોરારજીના હાથ નીચે તેમની કંપની દેશની નંબર વન શિપિંગ કંપની બની.
યાદ રહે, આંતરરાષ્ટ્રીય સ્તરે કામકાજ સંભાળતી જાયન્ટ કોર્પોરેટ કંપનીના એક્ઝિક્યુટિવ બોર્ડમાં મહિલાને ચાવીરૂપ સ્થાન મળે તો એ આજે પણ ન્યૂઝ બની જાય છે, જ્યારે સુમતિ મોરારજી તો આઝાદી પહેલાંનાંં કોર્પોરેટ વુમન હતાં. દેશ સ્વતંત્ર થયો પછી ભારત સરકારે સંસદમાં મર્ચન્ટ શિપિંગ બિલ પેશ કર્યું. સુમતિ મોરારજીએ એનો જોરદાર વિરોધ કર્યો, કેમ કે આ બિલ ભારતીય કંપનીઓ માટે ઓછું અને વિદેશી કંપનીઓ માટે વધારે ફાયદાકારક હતું. જો આમ જ થવાનું હોય તો આઝાદીનો મતલબ શો છે?એમણે બે વર્ષ કાનૂની લડત આપી. આખરે સરકારે નમતું જોખવું પડયું. સુમતિ મોરારજીની લડતને પ્રતાપે અન્યાયી કાનૂન બનતા અટક્યો.
૧૯૭૦માં ઈંગ્લેન્ડમાં શિપિંગના ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય પરિષદ મળી ત્યારે એમાં સુમતિ મોરારજી એકમાત્ર મહિલા પ્રતિનિધિ હતાં. એમનાં વક્તવ્ય સાંભળીને, શિપિંગ વિશેનું એમનું જ્ઞાન જોઈને સૌ અચંબિત થઈ ગયેલા. વિદેશ જતાં ત્યારે પણ તેઓ હંમેશાં ગર્વપૂર્વક ભારતીય પોશાક પહેરતાં. મસ્તક પર સાડીનો પાલવ, કપાળે મોટો લાલ ચાંદલો અને સેંથામાં કંકુ તેમની ઓળખ હતી.
કંપની શિખર પર હતી ત્યારે એમની પાસે કુલ પાંચ લાખ કરતાંય વધારે ટનનો ભાર વહન કરી શકે એવાં ૪૫ જહાજો હતાં. કમનસીબે એંસીના દાયકામાં આખી દુનિયાનો શિપિંગ ઉદ્યોગ મંદીમાં સરી પડયો. તેની અસર સુમતિ મોરારજીની કંપનીને પણ થઈ. ૯૧ વર્ષનું ભરપૂર જીવન જીવ્યાં બાદ મુંબઈમાં સુમતિ મોરારજીનું નિધન થયું.
હંસા મહેતા અને સુમતિ મોરારજી નક્કર અર્થમાં ગુજરાતી નારીરત્નો છે. વર્તમાન અને ભવિષ્યની પેઢીઓ માટે તેઓ સશક્ત રેફરન્ટ પોઈન્ટ બની રહેવાનાં.
0 0 0 

No comments:

Post a Comment