Friday, April 11, 2014

હૉલીવૂડ હન્ડ્રેડ: ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર : મૈં તો દીવાની...

Mumbai Samachar - Matinee - 11 April 2014 

હૉલીવૂડ હન્ડ્રેડ


હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો હોલીવૂડના પડદા પર અગાઉ ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતા ડરતા, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં કરેલા માર્લોેન બ્રાન્ડોના બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. બ્રાન્ડોના ચાહકો માટે આ ફિલ્મ મસ્ટ-સી છે.

ફિલ્મ ૬૮ : અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર

ભિનય, ડિરેક્શન યા તો સિનેમાનાં બીજા કોઈ પણ પાસાં પર સજ્જડ છાપ છોડી જતી અને નવો પ્રવાહ પેદા કરી શકતી ફિલ્મો હંમેશાં મૂઠી ઊંચેરી હોવાની. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ આ કક્ષાની ફિલ્મ છે, જેમાં માર્લોેન બ્રાન્ડોએ અભિનયની નવી ભાષા દુનિયા સામે મૂકી. 

ફિલ્મમાં શું છે?

અમેરિકાના ન્યુ ઓર્લિઓન્સની આ વાત છે. ફિલ્મની શરૂઆતમાં જ ભરજુવાની વટાવી ચુકેલી એક મધ્યવયસ્ક સ્ત્રી રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઊતરે છે. એનું નામ બ્લાન્ચ (વિવિઅલ લી) છે. પ્રમાણમાં ગ્લેમરસ કહી શકાય તેવાં કપડાં પહેર્યાં છે. થોડી ગભરાયેલી દેખાય છે. એક ટેક્સીવાળાને કાગળની ચબરખીમાં લખેલું સરનામું બતાવે છે. પેલો કહે છે: સામે એક ટ્રામ (સ્ટ્રીટકાર) આવશે. એના પર ‘ડિઝાયર’ (સ્ટેશનનું નામ) લખ્યું હશે. તેમાં ચડી જજો. સરનામું બ્લાન્ચની નાની બહેન સ્ટેલા (કિમ હન્ટર)નું છે. મોટી બેગ ઊંચકીને બ્લાન્ચ એના ઘરે પહોંચે છે. નિમ્ન મધ્યમવર્ગીય વસ્તીમાં બે માળના બેઠા ઘાટના મકાનમાં ઉપલા માળે મકાનમાલિક અને ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેલા એના વર સાથે રહે છે. બ્લાન્ચને થાય છે કે અરેરે, મારી બેનનું ઘર સાવ આવું? બન્ને બહેનો વર્ષો પછી મળી હતી એટલે સ્ટેલા બ્લાન્ચને જોઈને રાજી રાજી થઈ જાય છે. સ્ટેલાનો પતિ સ્ટેન્લી (માર્લોેન બ્રાન્ડો) સ્વભાવનો માથા ફરેલો આદમી છે. શાલીનતા, સભ્ય વ્યવહાર, સ્ત્રીઓનું સન્માન આવું બધું એ શીખ્યો જ નથી. વાત વાતમાં એની કમાન છટકે. ચીજવસ્તુઓના છુટ્ટા ઘા કરે. પત્ની પર હાથ પણ ઉપાડી લે. સ્ટેલા રડતી કકળતી ઉપર મકાનમાલિક મહિલા પાસે જતી રહે. સ્ટેન્લી જંગલી છે, સોફિસ્ટિકેશન સાથે એને કોઈ લેવાદેવા નથી, પણ એના વ્યક્તિત્વમાં એક ગજબની ચુંબકીય આભા અને કામુક આકર્ષણ છે. સ્ટેલા સાથે એ જનાવરની જેમ વર્તશે, પણ પછી ગુસ્સો ઊતરતાં હિબકાં ભરવાં લાગશે, સ્ટેલાની માફી માગશે. વારે વારે બાખડતાં રહેતાં પતિ-પત્નીને એકબીજા વગર ચાલતું નથી. એકમેક પ્રત્યે અદમ્ય ખેંચાણ હોવાથી તેમના ઝઘડાનો અંત હંમેશાં ‘ગ્રેટ સેક્સ’માં આવે છે. 

સ્ટેલા વરને વિનંતી કરે છે કે તું પ્લીઝ મારી બહેન સાથે સારી રીતે વર્તજે, બિચારીનું મારા સિવાય દુનિયામાં બીજું કોઈ નથી. સ્ટેન્લીને કુતૂહલ છે કે બ્લાન્ચનું ચક્કર શું છે? ધીમે ધીમે બ્લાન્ચની કુંડળી ખૂલતી જાય છે. બન્ને બહેનોને વારસામાં પુષ્કળ જમીન અને ખેતવાડી મળી હતી, પણ કોઈક કારણસર બધી પ્રોપર્ટી બ્લાન્ચના હાથમાંથી જતી રહી છે. સ્ટેન્લીને શંકા છે કે બ્લાન્ચ ખોટું બોલે છે. એ બધા પૈસા દબાવીને બેઠી છે. બ્લાન્ચનાં લગ્ન નાની ઉંમરે થઈ ગયાં હતાં, પણ એના વરની મર્દાનગી ઓછી પડી. બ્લાન્ચનાં મેણાંટોણાંથી ત્રાસીને એણે સાવ કાચી ઉંમરે આત્મહત્યા કરી નાખી હતી. સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી બ્લાન્ચે પછી કેટલાય પુરુષો સાથે સંબંધ બાંધ્યા. હદ ત્યારે થઈ જ્યારે એણે પોતાના જ સત્તર વર્ષના વિદ્યાર્થી પર નજર બગાડી. એને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી. આથી તેણે બહેન સ્ટેલાના ઘરે કાયમી ધોરણે ધામા નાખ્યા હતા. સ્ટેન્લીને પત્તાં રમવાનો શોખ છે. એના ઘરે જુગાર રમવા આવતા દોસ્તારોમાં એક મિચ (કાર્લ માલ્ડન) પણ છે. બીજાઓની તુલનામાં એ જરા જેન્ટલમેન છે. બ્લાન્ચ અને મિચ એકમેક પ્રત્યે આકર્ષાય છે, પણ એમની લવસ્ટોરી આગળ વધતા પહેલાં જ ટાંય ટાંય ફિસ્સ થઈ જાય છે. મિચના કાને બ્લેન્ચના કેરેક્ટર વિશે જાતજાતની વાતો પડે છે. એ બ્લાન્ચને રિજેક્ટ કરીને જતો રહે છે. બ્લાન્ચની માનસિક સ્થિતિ ક્રમશ: વધારે ને વધારે બગડતી જાય છે. એના પોતાના વિશેના ભ્રમ વધારે તીવ્ર બનતા જાય છે. સ્ટેન્લી એને સતત અપમાનિત કરતો રહે છે. પ્રેગનન્ટ સ્ટેલાને વેણ ઊપડતાં એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ડિલીવરી બીજા દિવસે થવાની છે એટલે સ્ટેન્લી રાત્રે ઘરે આવતો રહે છે. ઘરમાં એ અને બ્લાન્ચ એકલાં છે. જે વાતનો ડર હતો તે થઈને રહે છે. બ્લાન્ચ ખુદને બચાવવાની ખૂબ કોશિશ કરે છે, પણ સ્ટેન્લી પર હેવાનિયત સવાર થઈ છે. 

પછી શું થાય છે? બ્લાન્ચનું આખરે શું થયું? સ્ટેલાને જ્યારે ખબર પડે છે કે એના વરે પોતાની સગી બહેન પર બળાત્કાર કર્યો છે ત્યારે એની શી પ્રતિક્રિયા આવે છે? હજુય એ પતિને પ્રેમ કરતી રહે છે? હવે બાળક જન્મી ગયું હોવાથી એણે લાચાર થઈને ઘરસંસાર ચલાવતા રહેવું પડે છે? કે પછી, એનામાં પતિને છોડવાની હિંમત આવે છે?

કથા પહેલાંની અને પછીની

‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ મૂળ તો પુલિત્ઝર પ્રાઈઝ વિનિંગ નાટક. બ્રોડવે પર એલિયા કાઝને તે ડિરેક્ટ કરેલું. ડિસેમ્બર ૧૯૪૭માં તે ઓપન થયું પછી તેના ૮૫૫ શોઝ થયા હતા. નાટકના શુભારંંભના ચાર વર્ષ બાદ એના પરથી ફિલ્મ બની. સામાન્યપણે નાટક પરથી ફિલ્મ બને ત્યારે બધ્ધેબધ્ધા કલાકારો બદલી જતા હોય છે, પણ ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ નાટકના નવ કલાકારોેને સીધા કાસ્ટ કરી લેવામાં આવ્યા હતા. ડિરેક્ટર એલિયા કાઝન પણ એ જ. આવું ભાગ્યે જ બનતું હોય છે. માર્લોેન બ્રાન્ડો, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન ત્રણેયે નાટકમાં પણ અનુક્રમે સ્ટેન્લી, સ્ટેલા અને મિચની ભૂમિકાઓ કરેલી. બ્લાન્ચની ભૂમિકા માટે વિવિઅન લીની વરણી કરવામાં આવી, કારણ કે ફિલ્મમાં કમસે કમ એક સ્ટાર એટ્રેક્શન તો હોવું જોઈએ. સુપરહિટ ‘ગોન વિથ ધ વિન્ડ’માં સ્કારલેટ ઓ’ હારાનો રોલ નિભાવીને વિવિયન લી મોટી હસ્તી બની ગઈ હતી. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’થી એ સાવ અજાણી પણ નહોતી. નાટકના લંડનમાં શો થયેલા ત્યારે બ્લાન્ચનું પાત્ર સ્ટેજ પર વિવિયન લીએ જ ભજવેલું. નાટકનું ડિરેક્શન એના તે વખતના પતિ લોરેન્સ ઓલિવિઅરે કરેલું. વિવિયને વર્ષો પછી સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એલિયા કાઝને ફિલ્મના શૂટિંગ દરમિયાન ડિરેક્શન આપેલું એના કરતાં મારા એક્સ-હસબન્ડનું નાટકનું ડિરેક્શન મને વધારે ઉપયોગી બન્યું હતું. વિવિયન લી અસલી જીવનમાં બાયપોલર ડિસઓર્ડરનો ભોગ બની હતી અને શૂટિંગ વખતે ઘણી વાર રીલ અને રિઅલ વચ્ચેનો ભેદ ભૂલી જતી એવું કહેવાય છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ બની રહી હતી ત્યારે માર્લોેન બ્રાન્ડો હજુ માર્લોન બ્રાન્ડો નહોતા બન્યા. તેથી જ ક્રેડિટમાં એમનું નામ વિવિયન લી પછી મુકાયું છે. આ ફિલ્મમાં બ્રાન્ડોએ આપેલું પર્ફોેર્મન્સ હોલીવૂડના ઈતિહાસનાં સૌથી પ્રભાવશાળી પર્ફોેર્મન્સીસમાંનું એક ગણાય છે. અગાઉ હિંસક શેડ્ઝ ધરાવતાં રફ પુરુષ પાત્રો ફિલ્મી પડદા પર ઘણાં આવેલાં, પણ એક્ટરો જાણે ડરતાં ડરતાં, બ્રેક મારી મારીને, સાચવી સાચવીને અભિનય કરતા. માર્લોેન બ્રાન્ડોએ જે રીતે સ્ટેન્લીનું કિરદાર ભજવ્યું તે જોઈને સૌ ચકિત થઈ ગયા. આટલો બિન્ધાસ્ત, રૉ, આગની જ્વાળા જેવો હિંસક અને પ્રામાણિક અભિનય અગાઉ હોલીવૂડના કોઈ એક્ટરે નહોતો કર્યો. માર્લોેન બ્રાન્ડોના ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ના અભિનયે એક નવી શૈલી, નવો પ્રવાહ પેદા કર્યો. જેક નિકલસન, શૉન પેન જેવા પછીની પેઢીના એક્ટરો પર બ્રાન્ડોનાં આ પર્ફોેર્મન્સની તીવ્ર અસર છે.

વક્રતા જુઓ, આ ફિલ્મ માટે માર્લોેન બ્રાન્ડોને ઓસ્કર ન મળ્યો, પણ ફિલ્મનાં બાકીના ત્રણેય મુખ્ય અદાકાર - વિવિયન લી, કિમ હન્ટર અને કાર્લ માલ્ડન - પોતપોતાની કેટેગરીમાં ઓસ્કર તાણી ગયાં! બેસ્ટ એક્ટરનો ઓસ્કર તે વર્ષે ‘ધ આફ્રિકન ક્વીન’ માટે હમ્ફ્રી બોગર્ટને મળ્યો હતો. માર્લોેન બ્રાન્ડો જેવો સુપર એક્ટર ફિલ્મમાં હોવા છતાં ફિલ્મના બાકીના અદાકારો ઢંકાઈ જવાને બદલે એટલી જ ખૂબસૂરતીથી ઊભરી શક્યા તે રાઈટર-ડિરેક્ટરની કમાલ ગણાય. અભિનયની ચારમાંથી ત્રણ કેટેગરીના ઓસ્કર એક જ ફિલ્મના એક્ટરો જીતી ગયા હોય એવું ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’માં પહેલી વાર બન્યું. પછી છેક્ પચ્ચીસ વર્ષે, ૧૯૭૬માં, ‘નેટવર્ક’ ફિલ્મમાં આ સ્થિતિ રીપીટ થઈ. નાટક પરથી ફિલ્મ બનાવતી વખતે વાર્તામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી પહેલો ફેરફાર એ હતો કે બ્લાન્ચના પતિને નાટકમાં હોમોસેક્સ્યુઅલ બતાવવામાં આવ્યો હતો, પણ ફિલ્મમાં આ વાત ગાળી નાખવામાં આવી છે. નાટકમાં સગી બહેન પર રેપ કરનાર પતિને સ્ટેલા છોડતી નથી. નાટકનું અંતિમ વાક્ય એવું છે કે ‘સ્ટેન્લી સ્ટેલાની બાજુમાં બેઠો અને એની આંગળીઓ સ્ટેલાનાં બ્લાઉઝનાં બટનો ખોલવા લાગી.’ ફિલ્મમાં મોરલ કોડ-ઓફ-ક્ધડક્ટની ચિંતા કરવી પડે તેમ હતી એટલે સ્ટેલા વરને છોડીને બચ્ચાં સાથે જતી રહેતી બતાવવામાં આવે છે. જોકે આ બદલાયેલા અંતને કારણે ધાર્યો પંચ આવતો નથી. મૂળ લેખક ટેનેસી વિલિયમ્સને પણ ફિલ્મ તો પસંદ પડી હતી, પણ અંત અસરહીન લાગ્યો હતો. નાટકનો એન્ડ ઘણો વધારે ધારદાર હતો.

આખી ફિલ્મનું શૂટિંગ ૩૬ દિવસમાં પૂરું થઈ ગયું હતું. ‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ રિલીઝ થઈ ત્યારે વિવાદો થવા સ્વાભાવિક હતા. લોકોનું, ખાસ કરીને રિવ્યુઅર્સનું કહેવું હતું કે આવાં નીતિ મૂલ્યો વિહોણાં ઘૃણાસ્પદ પાત્રોને ગ્લોરિફાય કરવાની જરૂર શી છે? પણ પાત્રો, પાત્રો છે. સિનેમા હોય કે સાહિત્ય, લોકોને માત્ર રામ-સીતા ને જિસસ ક્રાઈસ્ટ જેવાં પવિત્ર-પવિત્ર અને ડાહ્યાં ડાહ્યાં પાત્રોમાં રસ નથી હોતો. જીવનના તમામ રસ, તમામ શક્યતાઓ, તમામ પરિસ્થિતિઓ કળાકૃતિમાં ઝીલાતાં હોય છે, ઝીલાવાં જોઈએ.

સતત જકડી રાખે એવી મસ્ત ફિલ્મ છે આ. વિશ્ર્વના સર્વકાલીન મહાન અભિનેતાઓમાંના એક ગણાતા માર્લોેન બ્રાન્ડોના ચાહકો માટે તો આ ફિલ્મ મસ્ટ-સી છે.


‘અ સ્ટ્રીટકાર નેમ્ડ ડિઝાયર’ ફેક્ટ ફાઈલ 

ડિરેક્ટર : એલિયા કઝાન 

મૂળ નાટ્યલેખક : ટેનેસી વિલિયમ્સ

સ્ક્રીનપ્લે : ટેનેસી વિલિયમ્સ, ઓસ્કર સાઉલ

કલાકાર : માર્લોેન બ્રાન્ડો, વિવિઅન લી, કિમ હન્ટર, કાર્લ માલ્ડન

રિલીઝ ડેટ : ૧૮ સપ્ટેમ્બર, ૧૯૫૧

મહત્ત્વના અવોર્ડ્ઝ : બેસ્ટ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ અને આર્ટ ડેકોરેશન માટેનાં ઓસ્કર. બેસ્ટ પિક્ચર, ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ ડિઝાઈન, મ્યુઝિક અને સાઉન્ડ માટેનાં ઓસ્કર નોમિનેશન્સ.

0 0 0 

2 comments:

  1. Very good. I need your all previous Hollywood 100 article. In this blog there are not all articles. Plz share all.

    ReplyDelete