Tuesday, February 18, 2014

ટેક ઓફ : આપણે કેટલું સાચૂકલું જીવીએ છીએ?


Sandesh - Ardh Saptahik Purty- 19 Feb 2014 

ટેક ઓફ 

'ફોલો યોર ઇન્સ્ટિંક્ટ. આપણું સઘળું તેજસઘળું ડહાપણ તો જ બહાર આવશે જો આપણે દિલનું સાંભળીને તે પ્રમાણે વર્તતા હોઈશું. પેશન એક એનર્જી છેજેમાં સૌથી વધારે જલસો પડતો હોય તે કામ કરીશું ત્યારે જ ખરી તાકાતનો અનુભવ થતો હોય છે."

મેરિકાના કોઈ ગામડાના સાવ ગરીબ ઘરમાં જન્મેલી એક નીગ્રો છોકરી. ખરેખર તો એને જન્મેલી કહેવા કરતાં આકસ્મિક રીતે પેદા થઈ ગયેલી કહેવી જોઈએકારણ કે એની મા તરુણાવસ્થામાં પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી. માનો પ્રેમી ખાણમાં કામ કરનારો મજૂર હતોજે પછી કેશકર્તનકાર અને ત્યાર બાદ આર્મીનો જવાન બન્યો. દાયકાઓ પછી એકાએક બીજો એક આદમી ફૂટી નીકળ્યો હતો અને દાવો કર્યો કે આ છોકરીનો અસલી બાયોલોજિકલ બાપ તો હું છું! ખેરછોકરી જન્મી ત્યારે એના હાલચાલ જાણવા એકેય બાપ ફરક્યો નહોતો. મા કોઈના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. છોકરીને બીજા કોઈ ગામમાં રહેતી એની નાનીએ ઉછેરી. ગરીબી એટલી ભીષણ હતી કે છોકરીનું અંગ ઢાંકવા નાનીમાએ શણના કોથળા ફાડી ફાડીને ફ્રોક સીવવાં પડતાં.
Oprah's childhood
મા અલગ-અલગ પુરુષોથી બચ્ચાં જણતી રહી. છોકરી માંડ નવ વર્ષની થઈ ત્યારે એનું પહેલી વાર જાતીય શોષણ થયું,માસિયાઈ ભાઈ દ્વારા. સિલસિલો શરૂ થઈ ગયો. માસિયાઈ ભાઈ પછી કોઈ અંકલપછી પરિવારનો કોઈ પરિચિત પુરુષ. સેક્સ્યુઅલ અબ્યુઝથી ત્રાસી ગયેલી છોકરી તેર વર્ષની ઉંમરે ઘરેથી નાસી ગઈ. પરિસ્થિતિ કહો કે મા તરફથી વારસામાં મળેલી ચંચળતા કહોપણ ૧૪ વર્ષની ઉંમરે છોકરી પણ પ્રેગ્નન્ટ થઈને એક દીકરાની મા બની. બચ્ચું ફક્ત બે જ મહિના જીવ્યું. આવા કંગાળ અને સ્ફોટક બેકગ્રાઉન્ડમાંથી આવેલી છોકરીનું કેવું ભવિષ્ય કલ્પી શકો છોઆ રહ્યો જવાબઃ ૩૨ વર્ષની ઉંમર સુધીમાં તે અત્યંત લોકપ્રિય સેલિબ્રિટી તરીકે ઊભરે છે. અમેરિકાના ઇતિહાસની સૌથી ધનિક આફ્રિકન-અમેરિકન બિલિયોનેર મહિલા તરીકે તેનું નામ નોંધાય છે. આંખ ચાર થઈ જાય એવા મહેલ જેવા એના વિરાટ બંગલા છે. ખુદના પ્રાઇવેટ જેટમાં દુનિયાભરમાં ઊડાઊડ કરે છે.
આ સ્ત્રી એટલે ઓપ્રા વિન્ફ્રે. લાગલગાટ પચ્ચીસ વર્ષ સુધી સુપરહિટ 'ધ ઓપ્રા વિન્ફ્રે શો' નામનો ચેટ-શો હોસ્ટ અને પ્રોડયુસ કરીને ભારત સહિત દુનિયાભરના દેશોના ડ્રોઇંગરૂમમાં પહોંચી ગયેલી જાડુડી-પાડુડી-વહાલુડી સ્ત્રી. થોડા દિવસો પહેલાં એણે સાઠમો બર્થડે સેલિબ્રેટ કર્યો.

કોણ કહે છે બાળપણ સોલિડ હોય તો જ જીવનમાં આગળ આવી શકાયઘણા લોકો પોતાની નિષ્ફળતાઓ અને અધૂરપને ઢાંકવા માટે બાળપણને આગળ ધરી દેતા હોય છે. શું થાયપાયો જ કાચો રહી ગયો. મા-બાપે સારી સ્કૂલમાં ભણાવ્યો હોત તો આજે ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત. નાનપણમાં મારી સાથે ફલાણી ફલાણી ઘટના થઈ એમાં પર્સનાલિટી કાચી રહી ગઈનહીં તો શુંનું શું કરી નાખત વગેરે. આવા લોકો માટે ઓપ્રાનું જીવન ખાસ ઉદાહરણરૂપ છે.
"મને બહુ નાની ઉંમરે સમજાઈ ગયું હતું કે મારી જાત માટે જો કોઈ જવાબદાર હોય તો એ હું પોતે જ છું," ઓપ્રા કહે છે, "મને એ પણ સમજાઈ ગયું હતું કે જીવનમાં મારે ખૂબ કરવાનું છે. કોઈ પણ જાતના ભેદભાવનો સામનો કરવાનું સૌથી મોટું સાધન એક જ છે- શ્રેષ્ઠતા. જો હું મારા કામમાં બેસ્ટ હોઈશ તો મને કોઈ જ રોકી શકવાનું નથી. આખી જિંદગી હું આ જ એટિટયૂડ સાથે જીવી છું."

ઓપ્રા નાની હતી ત્યારથી બહુ વાતોડિયણ હતી. એને ઇન્ટરવ્યૂ-ઇન્ટરવ્યૂ રમવાની બહુ મજા આવતી. સ્કૂલ-કોલેજમાં રેડિયો પર ન્યૂઝ વાંચવાની પાર્ટટાઇમ જોબ કરતી. લોકો સાથે જોડાવામાંતેમની સાથે કમ્યુનિકેટ કરવામાં એને જબરી મજા પડતી. પોતાના આ જ શોખને એણે કરિયર બનાવ્યો. એ કહે છે, "ફોલો યોર ઇન્સ્ટિંક્ટ. આપણું સઘળું તેજસઘળું ડહાપણ તો જ બહાર આવશે જો આપણે દિલનું સાંભળીને તે પ્રમાણે વર્તતા હોઈશું. પેશન એક એનર્જી છેજેમાં સૌથી વધારે જલસો પડતો હોય તે કામ કરીશું ત્યારે જ ખરી તાકાતનો અનુભવ થતો હોય છે."
પોતે નાનપણમાં વર્ષો સુધી સેક્સ્યુઅલી અબ્યુઝ થઈ હતી અને તરુણાવસ્થામાં મા બની ગઈ હતી તે વાત ઓપ્રાએ હિંમતપૂર્વક પોતાના શો દરમિયાન આખી દુનિયાને કહી હતી. એણે પોતાની કોઈ હકીકત છુપાવી નથી. અંગત વાતો શેર કરતી વખતે એનો ઇરાદો સનસનાટી ફેલાવવાનો નહીંપણ પોતાના શોમાં આવતા લોકો સાથે એક આત્મીય સંધાન કરવાનોએક પ્રકારનો ભરોસો ઊભો કરવાનો રહેતો. આ જ કારણ હતું કે ઓપ્રાના ચેટ-શોમાં લોકો પોતાના અત્યંત અંગત ઘા ખુલ્લા કરી શકતા. માનસ ચિકિત્સક સાથે પણ કર્યા ન હોય તેવા એકરાર લોકો ઓપ્રાની સામે નેશનલ ટીવી પર કરતા. જાણે ગ્રૂપ થેરાપી ચાલી રહી હોય તેવો માહોલ બની જતો.
ખુલ્લી કિતાબ જેવું જીવન જીવવું આસાન નથી હોતું, જરૂરી પણ નથી હોતું. બધી વાતો બધાને કરવાની ન હોયપણ આપણે જ્યારે અમુક મહત્ત્વની બાબત સ્વજનોથી કે દુનિયાથી છુપાવીએ છીએ ત્યારે તેનો અદૃશ્ય ભાર મન પર લદાઈ જતો હોય છે. ધીમે ધીમે જમા થતો બોજ એક તબક્કે એટલો વધી જાય કે વ્યક્તિત્વ કચડાવા માંડે. આપણે ખરેખર જેવા છીએ તેવા બની રહેવા જેવી બીજી કોઈ કળા નથી. ઓપ્રા કહે છે, "મને ખરેખર કલ્પના નહોતી કે દંભ દેખાડા કર્યા વગર ઓથેન્ટિક બનીને જીવવાથી આટલાં અદ્ભુત પરિણામ મળતાં હશે. જીવતા હોવાનો આ જ મતલબ છે- તમે જે હોવા માટે સર્જાયા છો તે તરફ ગતિ કરતા રહેવું."

ઓપ્રાની સિદ્ધિઓનું લિસ્ટ એટલું લાંબું છે કે એને ગણાવવા બેસીએ તો આખું પાનું ભરાઈ જાયપણ આ બે બાબતોનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. ૧૯૯૩માં અમેરિકામાં નેશનલ ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ બન્યો તેની પાછળ ઓપ્રાએ પોતાના શો દ્વારા પેદા કરેલા રાષ્ટ્રવ્યાપી માહોલનું યોગદાન એટલું તગડું હતું કે તેને આજે પણ 'ઓપ્રા બિલતરીકે ઓળખવામાં આવે છે. ૨૦૦૮માં અમેરિકામાં એક ઓર ખરડો કાનૂન બન્યો- કોમ્બેટિંગ ચાઇલ્ડ એક્સપ્લોટેશન બિલ. આના માટે પણ ઓપ્રાએ જનજાગૃતિ ફેલાવવાનું મોટું કામ કર્યું હતું. ઓપ્રાનું નામ અમસ્તા જ મોસ્ટ પાવરફુલ પીપલના લિસ્ટમાં નથી મુકાતું.
"મારી સૌથી મોટી સિદ્ધિ તો આ છે- સતત પોઝિટિવ રહી શકવાની ક્ષમતા!" ઓપ્રા કહે છે, "એક જીવતાજાગતા માણસ સાથે જે કંઈ ખરાબ થઈ શકે તે બધું જ મારી સાથે થઈ ચૂક્યું છેપણ મેં ક્યારેય મારા હૃદયના દરવાજા બંધ કર્યા નથીક્યારેય આશા ખોઈ નથી. સામેની વ્યક્તિએ મારી સાથે ખરાબમાં ખરાબ વર્તન કર્યું હોય તોપણ મેં હંમેશાં એનામાં સારું શું છે એ જ જોવાનો પ્રયત્ન કર્યો છે."
અઘરું છે, પણ અજમાવવા જેવું જરૂર છે.
0 0 0

4 comments: