Sunday, February 23, 2014

મલ્ટિપ્લેક્સ: વેર, વિવાદ અને વૂડી


Sandesh - Sanskaar Purti - 23 Feb 2014
મલ્ટિપ્લેક્સ
ઓસ્કર એવોર્ડ્ઝની ઘોષણાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે હોલિવૂડના ગ્રેટ ફિલ્મમેકર વૂડી એલન અપ્રિય વિવાદમાં ફસાઈ ગયા છે. શું એમણે ખરેખર પોતાની સાત વર્ષની દત્તક દીકરી સાથે દુષ્કર્મ કર્યું હતું?

પણી નિસબત કોની સાથે હોવી જોઈએ - આર્ટ સાથે કે આર્ટિસ્ટ સાથેઆપણે કોના પર ફોકસ કરવું જોઈએ - કલાકાર પર કે એણે સર્જેલી કલાકૃતિ પરમાણસ આખરે શાનાથી ઓળખાય છે - પોતાની ટેલેન્ટ અને સિદ્ધિઓથી કે એના અંગત જીવનથીઆ પ્રશ્નો સતત ચર્ચાતા આવ્યા છે. ધારો કે એકાએક આપણને ખબર પડે કે અમિતાભ બચ્ચન વાસ્તવિક જીવનમાં અત્યંત કુટિલભયાનક ઝેરીલાએક નંબરના કૌભાંડિયા માણસ છે અને ખાનગીમાં કેટલીય સ્ત્રીઓ સાથે આડા સંબંધ ધરાવે છે, તો શું એક કલાકાર તરીકેની તેમની મહાનતા ઓછી થઈ જશેઆપણે એમને પ્રેમ કરવાનું બંધ કરીને ધિક્કારવા માંડીશુંમાઈકલ જેકશન જેવા દંતકથારૂપ કલાકાર બહુ ઓછા પાકે છે. એના પર ખરેખર ચાઈલ્ડ મોલેસ્ટેશન એટલે કે બાળકોનું જાતીય શોષણ કરવાના આરોપ લાગ્યા હતા. ઇતિહાસ એને કેવી રીતે યાદ રાખશેસંગીત-નૃત્યની દુનિયામાં ક્રાંતિ લાવનાર ઊંચા દરજ્જાના આર્ટિસ્ટ તરીકે કે એક વિકૃત પુરુષ તરીકે?
આ ચર્ચા અત્યારે ફરી જાગી છે અને આ વખતે વિવાદના કેન્દ્રમાં છે હોલિવૂડના માસ્ટર ફિલ્મમેકર વૂડી એલન. ૭૮ વર્ષના આ રાઈટર-ડિરેક્ટર-એક્ટરના બાયોડેટામાં ૪૦ કરતાં વધારે ફિલ્મો બોલે છે. એમાં 'એની હોલ' અને 'મેનહટન' જેવી યાદગાર ફિલ્મો પણ આવી ગઈ. પચાસ વર્ષની કરિયરમાં તેમને ચોવીસ વખત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં છે અને ચાર ઓસ્કર અવોર્ડ્ઝ જીત્યાં છે. ત્રીજી માર્ચની વહેલી સવારે આપણે જેનું લાઈવ ટેલિકાસ્ટ જોવાના છીએ તે ઓસ્કર સમારોહમાં આ વખતે એમની 'બ્લૂ જાસ્મિન' નામની ફિલ્મ ત્રણ કેટેગરીમાં નોમિનેટ થઈ છે- બેસ્ટ સ્ક્રીનપ્લેબેસ્ટ એકટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસ. હવા એવી બની છે, રાધરબની હતી કે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર આ વખતે 'બ્લૂ જાસ્મિન'ની હિરોઈન કેટ બ્લેન્ચેટ જ લઈ જશે. હજુ ગયા મહિને ગોલ્ડન ગ્લોબ ફંક્શનમાં હોલિવૂડ ફોરેન પ્રેસ અસોસિયેશને વૂડી એલનને લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ઘોષિત કર્યો હતો. ઓસ્કરનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું હતું ને ત્યાં આ મોકાણ સર્જાઈ.
Wood Allen and Mia Farrow with children Dylan and Ronan in January 1988

આ મહિનાના પ્રારંભમાં 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ' અખબારના બ્લોગ પર એક લેખ મુકાયો. એનું મથાળું હતું, 'અન ઓપન લેટર ફ્રોમ ડાયલન એલન.ડાયલન એટલે વૂડી એલનની દત્તક દીકરી. આ ખુલ્લા પત્રમાં ડાયલને વૂડી પર ખળભળી જવાય એવા આક્ષેપો કર્યા. એ સાત વર્ષની હતી ત્યારે કેવી રીતે વૂડી એલને એને ઘરનાં માળિયાં પર લઈ જઈને સેકસ્યુઅલી અબ્યુઝ કરી હતી એનું ઉકળી જવાય એવું ઝીણવટભર્યું વર્ણન કર્યું. ડાયલન અત્યારે ૨૯ વર્ષની છે. એ લખે છે કે મારા બાપે મારી સાથે દુષ્કર્મ કરીને મને એવી તોડી નાખી કે આટલાં વર્ષો પછી હું એની અસરમાંથી બહાર નથી આવી. આ બધું વાંચીને એક ત્વરિત પ્રતિક્રિયા રૂપે એવો વિચાર આવ્યા વિના ન રહે કે આખી દુનિયાએ જેને મહાન ફિલ્મમેકર... મહાન ફિલ્મમેકર કહીને માથે ચડાવ્યો છે એ માણસ આટલી હદે વિકૃત?
યાદ રહે, આ વાત સાવ નવી નથી. ૧૯૯૨માં વૂડી અને એની તે સમયની પાર્ટનર મિઆ ફેરોના સંબંધનો અંત આવ્યો અને બાળકોની કસ્ટડી માટે મામલો કોર્ટમાં ગયો હતો. મિઆએ પહેલી વાર વૂડી પર આક્ષેપ મૂક્યો હતો કે એણે અમારી નાનકડી દત્તક દીકરીનું શોષણ કર્યું છે. વૂડીની કેટલીય ફિલ્મોમાં મિઆ હિરોઈન રહી ચૂકી છે. વૂડી અને મિઆનો સંબંધ બાર વર્ષ રહ્યો. મિઆના આક્ષેપનાં પગલે કાનૂની છાનબીન થઈ. વૂડી લાઈ ડિટેક્ટર ટેસ્ટમાંથી હેમખેમ પસાર થયા. મિઆને પણ લાઈ ડિટેક્ટર ટેસ્ટ આપવાનો આગ્રહ થયોપણ એણે ધરાર ટેસ્ટ ન જ આપી. વૂડીએ દીકરી સાથે દુષ્કૃત્ય કર્યું હોવાના કોઈ પુરાવા ન મળ્યા. મામલો આમ તો ત્યાં પૂરો થઈ ગયો હતોપણ આટલાં વર્ષ પછી ડાયલને ઓચિંતા આ ખુલ્લો પત્ર લખીને કબરમાં દટાયેલાં મડદાં પાછાં બહાર કાઢયાં છે. ડાયલને પહેલી વાર મોં ખોલ્યું એટલે જૂની સ્ટોરીને નવો એન્ગલ મળ્યો છે.
Dylan and Mia Farrow as on today
સવાલ આ છેઃ મિઆ ફેરોએ પોતાના પ્રેમી અને પાર્ટનર રહી ચૂકેલા વૂડી એલન પર જે ભયાનક આક્ષેપ મૂક્યા હતા તેમાં કેટલું તથ્ય હતું? હમણાં સુધી મૌન રહેલી ડાયલનની વાચા કેમ અત્યારે એકાએક ફૂટી?
આગળ વધતાં પહેલાં રંગીલા વૂડી એલનની કોમ્પ્લિકેટેડ લવલાઈફ અને ચક્કર આવી જાય એવા ફેમિલી સ્ટ્રક્ચરની ઝલક લઈ લઈએ. બે લગ્ન અને બે ડિવોર્સમાંથી પસાર થયા પછી વૂડીભાઈના જીવનમાં મિઆ ફેરો આવી. બાર વર્ષની રિલેશનશિપ દરમિયાન તેમણે લગ્ન ન કર્યાં અને પોતપોતાનાં અલગ ઘર પણ જાળવી રાખ્યાં. વૂડી સાથે સંબંધમાં બંધાઈ ત્યારે મિઆ ત્રણ દત્તક બાળકોને આંગળીએ સાથે લેતી આવી હતી. એમાંની એક દીકરીનું નામ સૂન-યી. વૂડી અને મિઆએ બીજાં બે બચ્ચાં દત્તક લીધાં - ડાયલન અને મોઝીસ. મિઆએ વૂડીથી, ફોર અ ચેન્જ, એક બાયોલોજિકલ દીકરો પણ જણ્યો. ટૂંકમાંતારાં-આપણાં-દત્તક-સગાં એમ બધાં મળીને એલન દંપતી કુલ પાંચ બાળકોનાં માબાપ બન્યાં. આમ તો મિઆ ફેરોએ આખા જીવનમાં અલગ અલગ પુરુષોથી કુલ ચાર બાળકો જણ્યાં છે અને નવ દત્તક લીધાં છે.
પહેલો બોમ્બ બાવીસ વર્ષ પહેલાં પડયો. મિઆના હાથમાં સૌથી મોટી સાવકી દીકરી સૂન-યીનાં નગ્ન ફોટોગ્રાફ્સ આવી ગયા. સૂન-યી તે વખતે ૧૯ વર્ષની હતી. આ તસવીરો ખેંચી હતી વૂડી એલનેજે તે વખતે ૫૬ વર્ષના હતા. મિઆ પર પહાડ તૂટી પડયોઃ વૂડી મારી પીઠ પાછળ મારી જ દત્તક દીકરી સાથે છિનાળાં કરે છે?! વૂડી સાથેના સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જવું સ્વાભાવિક હતું.

Woody Allen with Soon-Yi
એક તરફ મિઆની એક્ઝિટ થઈ અને બીજી તરફ વૂડીએ દત્તક દીકરી સાથે લગ્ન કરી લીધાં! વૂડીના આ પગલાંથી મોટો હોબાળો મચી ગયો. વૂડી કહેઃ મને સૂન-યી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે મેં લગ્ન કર્યાં. આમાં સ્કેન્ડલ ક્યાં આવ્યુંસૂન-યીએ પણ કહ્યું: વૂડી મને ક્યારેય ફાધર કે ફાધર ફિગર લાગ્યા જ નથી. હું તો અમેરિકન પણ નથી. મને મિઆ અને એના એક્સ-પાર્ટનર એન્દ્રે પ્રેવીને દત્તક લીધી હતી. હું એન્દ્રેને જ મારા પિતા ગણું છું. વૂડીના પક્ષે આશ્વાસનરૂપ બાબત એ હતી કે સૂન-યીને મિઆએ કાયદેસર અડોપ્ટ કરી હતીવૂડીએ નહીં. સૂન-યી મિઆ સાથે 'પેકેજ ડીલતરીકે આવી હતી.
વૂડીથી અલગ પડતી વખતે બાળકોની કસ્ટડીનો મામલો કોર્ટમાં ગયો. બસતે વખતે મિઆએ આક્ષેપ મૂક્યો હતો કે વૂડી પર્વર્ટ માણસ છે અને એણે અમારી સાત વર્ષની ડાયલનને પણ છોડી નથી.
ડાયલનનો ઓપન લેટર 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ'માં પ્રગટ થયો પછી એ જ અખબારમાં વૂડીનો સામો જવાબ આપતો પત્ર પણ છપાયો. વૂડીએની ટીમ અને એના સમર્થકો જે દલીલો કરે છે તેનો સૂર આ છેઃ વૂડીએ દત્તક દીકરી સાથે સંબંધ બાંધીને જે ભયાનક બેવફાઈ કરી હતી તેનો મિઆ બદલો લઈ રહી છે. એના જીવને આટલાં વર્ષો પછી પણ શાંતિ થઈ નથી અને એ હજુ પણ ખુન્નસ ખાઈને બેઠી છે. વૂડી-એન્ડ-પાર્ટીનું કહેવું છે કે જાતીય શોષણવાળી આખી વાત જ ઉપજાવી કાઢેલી છે. મિઆએ માસૂમ ડાયલનનું આટલાં વર્ષોમાં સખ્ખત બ્રેઈનવોશ કરી નાખ્યું છેએના મનમાં વૂડી વિરુદ્ધ ભયંકર ઝેર ભરી દીધું છે. સાત વર્ષના બાળકનું મન બહુ જ કુમળું હોવાનું. એ ઉંમરે એના મનના ફલક પર જે કંઈ અંકિત કરી દેવામાં આવે તે જિંદગીભર ભુલાતું નથી. આટલાં વર્ષોમાં મિઆએ દીકરીના મનમાં વૂડીના કથિત શોષણ વિશે એટલું બધું ભૂસું ભરાવી દીધું હશે કે ડાયલનને એ બધું હવે સાચું જ લાગે છે. એણે ઓપન લેટરમાં આબેહૂબ દૃશ્ય ઊભું કરતું જાતીય શોષણનું જે વર્ણન કર્યું છે તે આ 'ફોલ્સ મેમરી'નો પ્રતાપ છે. ટૂંકમાં, વૂડીની ઇમેજ બગાડવા, એનું ચારિત્ર્યહનન કરવા મિઆ દીકરીનો એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરી રહી છે. વૂડીના સમર્થકો ઉમેરે છે કે તમે ટાઇમિંગ જુઓ. ઓસ્કર ફંક્શન પાસે આવી રહ્યું છેવૂડીની ફિલ્મને એક કરતાં વધારે અવોર્ડ મળે તેવી શક્યતા ઊભી થઈ છે ત્યારે જ આખો માહોલ બગાડવા લાગ જોઈને મિઆએ ડાયલન પાસે પેલો ખુલ્લો કાગળ લખાવ્યો છે.
મામલો ગૂંચવાયેલો છે. કોણ કેટલું સાચું બોલે છે ને કેટલું જૂઠ ચલાવે છે તે નક્કી કરવું મુશ્કેલ છે. વૂડી ઓલરેડી એક દત્તક દીકરી (સૂન-યી) પર નજર બગાડીને એને પરણી ચૂક્યા છે તે વાત લોકો ભૂલ્યા નથી. વૂડીના જીવનમાં નૈતિક સાતત્ય જળવાયું નથી તે વાત સ્વીકારવી પડે. અલબત્ત, નૈતિકતા કોને ગણવીતેની વ્યાખ્યા શીતે કોણ નક્કી કરેઆ પાછી સાવ અલગ ચર્ચા થઈ.
વૂડી એલન પરનો આરોપ ક્યારેય પુરવાર થયો નથી, પણ રોમન પોલન્સ્કી પર તો ૧૩ વર્ષની છોકરી પર બળાત્કાર કરવા બદલ જેલવાસ ભોગવી ચૂક્યા છે. 'રોઝમેરીઝ બેબી' જેવી કેટલીય યાદગાર ફિલ્મો બનાવનાર રોમન પોલન્સ્કી પણ વિશ્વના મહાન ફિલ્મમેકર્સની સૂચિમાં બોલે છે. ચાર્લી ચેપ્લિન એક ઔર દંતકથારૂપ ફિલ્મી હસ્તી - તેમણે ચાર લગ્નો કરેલાં. એમની ચાર પૈકીની ત્રણ પત્નીઓ લગ્ન વખતે સગીર વયની હતી. બે સોળ-સોળ વર્ષની અને એક સત્તરની!
હોલિવૂડમાં પર્સનલ લાઇફના વિવાદોને કારણે કોઈ ફિલ્મમેકરની કરિયર રોળાઈ ગઈ હોય તેવું બન્યું નથી. ટૂંકમાં, વાત પાછી ત્યાં જ આવીને ઊભી રહે છેઃ આપણી નિસબત કોની સાથે હોવી જોઈએ - આર્ટ સાથે કે આર્ટિસ્ટ સાથે? આપણે કોના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ - કલાકાર પર કે એણે સર્જેલી કલાકૃતિ પર? તમે શું કહો છો?
0 0 0 

3 comments:

  1. શિશિર, સમતોલ રવૈય્યા સાથે માહિતી-- અભિનંદન.

    ReplyDelete
  2. India ma hoia to artist par baki bahar to matra ne matra art uparj. (U knw indian mentality)

    ReplyDelete