Tuesday, August 27, 2013

Take off : કૃષ્ણ : અલ્ટિમેટ યુથ આઇકોન... અલ્ટિમેટ લવર


Sandesh - Krishna Special - 28 August 2013

માણસનું હૃદય અને આત્મા એક ખાસ વ્યક્તિને ઝંખ્યા કરતા હોય છે. જે વ્યક્તિ પર આ શોધ આવીને અટકે એ સોલ-મેટ. પરફેક્ટ પાર્ટનર ઝંખતા યુવાનો અને યુવતીઓનો પ્રશ્ન છેઃ શું કૃષ્ણ અને રાધાની જેમ આપણને પણ સોલ-મેટ ન મળી શકે?


 
જના સુખી મધ્યમવર્ગીય યંગસ્ટર્સની એક વાત બહુ આકર્ષક છે. આ જુવાનિયાઓ મોડર્ન છે, અનેકવિધ માધ્યમોના પ્રતાપે પશ્ચિમની પોતાની હમઉમ્ર પેઢીની ગતિવિધિઓથી સતત પરિચિત છે, પણ એમણે વારસામાં મળેલાં ભારતીય મૂલ્યોને સરસ રીતે પકડી રાખ્યાં છે. તેમના માટે એવું કહી શકાતું નથી કે વેસ્ટર્ન કલ્ચરની તીવ્ર અસરમાં તેઓ નથી ઘરના રહ્યા કે નથી ઘાટના. બલકે, તેમની પાસે બેસ્ટ-ઓફ-બોથ-ધ-વર્લ્ડ્ઝ છે. આ પોઝિટિવ દૃષ્ટિકોણ છે. નેગેટિવ ચશ્માં પહેરીને જોયા કરીશું તો યુવાનો જ નહીં, બચ્ચાંઓ અને વયસ્કોમાંથી પણ અસંખ્ય ખામીઓ દેખાશે. આજના યુુવાનમાં પૂર્વની સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ- આ બન્નેનાં શ્રેષ્ઠ તત્ત્વો અપનાવતા જવાની આંતરસૂઝ છે તે સચ્ચાઈ છે. જ્યાં લાંબી કતાર લગાવીને ઊભા રહેવું પડે તેવાં ધાર્મિક સ્થળોમાં તરવરિયા મુગ્ધ ચહેરાની સંખ્યા ક્યારેય ઓછી હોતી નથી. ફેસબુક અને વોટ્સએપ પર બિઝી રહેતા અનેક ચહેરાઓ છે. ધાર્મિક સ્થળે યુવાનોની ભીડ જોઈને, ધાર્મિક વિધિઓ કરી રહેલા યંગસ્ટર્સને જોઈને હંમેશાં સરસ ફીલ થાય છે.

યંગસ્ટર્સને 'પારિવારિક ભગવાન' ઉપરાંત કૃષ્ણ પ્રત્યે વિશેષ આકર્ષણ હોય છે. કૃષ્ણ અલ્ટિમેટ યુથ આઇકોન (અર્થાત્ યુુવાનો માટે સૌથી આદર્શરૃપ) છે જ. કૃષ્ણ આજ સુધીની તમામ યુવાપેઢીઓના આદર્શ હતા અને ભવિષ્યમાં પણ રહેવાના. જુવાનિયાઓ-પુરુષ અને સ્ત્રી બન્ને કૃષ્ણ સાથે સંભવતઃ સૌથી વધારે આઇડેન્ટિફાય કરી શકે છે. કૃષ્ણ એ તમામ અનુભવો અને અનુભૂતિઓમાંથી પસાર થયા હતા જેમાંથી આજના યુવાને પસાર થવું પડે છે. મસ્તી, તોફાન, દોસ્તી, પ્રેમ, પીડા, મહત્ત્વાકાંક્ષા, લક્ષ્યપ્રાપ્તિ, લગ્ન,બદલાની ભાવના, કાવાદાવા, વાર્ધક્ય અને છેલ્લે મૃત્યુ.

કૃષ્ણ પાસેથી યુવાને શું શીખવાનું છે? જીવનરસથી છલછલતા રહેવું, પ્રચંડ હિંમત અને સામર્થ્ય કેળવવાં (બાળકૃષ્ણે કંસને હણ્યા હતા, ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડયો ને પછી આજીવન અશુભ તત્ત્વોનો નાશ કરતા રહ્યા), દૂરંદેશી બનવું, વજ્ર જેવું મનોબળ વિકસાવવું, પોતાના વિચારોને અત્યંત અસરકારક રીતે વ્યક્ત કરવા (અર્જુનને કન્વિન્સ કરવા માટે કરેલું ગીતાનું ગાન કૃષ્ણના જીવનની શ્રેષ્ઠતમ અભિવ્યક્તિ છે), ઉત્તમ મિત્ર બની રહેવું (વાત સુદામાની હોય કે દ્વૌપદીની, કૃષ્ણ કરતાં ચડિયાતો સખા બીજો કયો હોવાનો?), ઉત્તમ પ્રેમી બનવું, ઇન ફેક્ટ તમામ સંબંધોને શ્રેષ્ઠતાની કક્ષા સુધી લઈ જવાની કોશિશ કરવી, વિવિધ કળા અને શાસ્ત્રોમાં વિદ્વત્તા કેળવવી, ઉત્તમ એડમિનિસ્ટ્રેટર બનવું (એ વખતના દ્વારકાને સર્વકાલીન શ્રેષ્ઠતમ નગર કહેવામાં આવ્યું છે),સૌ પ્રત્યે સમાન આદરભાવ અને પ્રેમભાવ રાખવો, સમય આવ્યે મુત્સદ્દી બનવું અને બદલે જરૃર પડયે સામ-દામ-દંડ-ભેદ અજમાવવાની તૈયારી સુધ્ધાં રાખવી.


કૃષ્ણ અલ્ટિમેટ લવર છે. સર્વાંગસંપૂર્ણ પ્રેમી. શૃંગાર શબ્દનો સંબંધ શણગાર અને પ્રેમની અભિવ્યક્તિ બન્ને સાથે છે. કૃષ્ણ અને ગોપીઓએ શૃંગાર રસના કુદરતી વહાવનો સ્વીકાર કર્યો ને રાસલીલા સર્જાઈ. રાસલીલાનાં અનેક અર્થઘટનો થયાં છે. ઓશો રાસને સમગ્ર બ્રહ્માંડની ગતિવિધિઓના સંદર્ભમાં જુએ છે. તેઓ કહે છે કે, રાસલીલા એ કૃષ્ણ અને ગોપીઓનું સામાન્ય નર્તન નથી. આ તો સમષ્ટિમાં ચાલી રહેલા વિરાટ રાસની એક નાની અમથી ઝલક માત્ર છે. કૃષ્ણ-ગોપીની રાસલીલામાં સેક્સ્યુઅલ અર્થછાયાઓ શોધવાની નથી. 'એવું નથી કે રાસલીલાનો સેક્સ્યુઅલ અર્થ શોધવા પર નિષેધ છે,' ઓશો કહે છે, 'પણ આ સ્થિતિ બહુ પાછળ છૂટી ગઈ છે. કૃષ્ણ અહીં કૃષ્ણની જેમ નહીં, પણ પુરુષ તત્ત્વ બનીને નર્તન કરે છે. ગોપીઓ સ્ત્રીની જેમ પણ પ્રકૃતિ બનીને નર્તન કરે છે. રાસલીલા પુરુષ અને પ્રકૃતિનું નૃત્ય છે. રાસલીલામાં ઇન્ડિવિઝ્યુઅલ્સનો બહુ મતલબ નથી. એટલે જ કૃષ્ણ એકસાથે અનેક ગોપીઓ સાથે નૃત્ય કરી શક્યા. એક હજાર ગોપીઓની સામે એક હજાર કૃષ્ણ ખડા થઈ ગયા.'    
                                                                                                                                                   Visual courtesy: Mamta Joshi
             
પ્રેમીઓમાં કૃષ્ણ અને રાધાની જોડી આદર્શ છે. તેઓ પતિ-પત્ની નથી, પ્રેમીઓ છે. એકબીજાના સોલ-મેટ્સ છે તેઓ. સોલ એટલે આત્મા. માણસનું હૃદય અને આત્મા એક ખાસ વ્યક્તિને ઝંખ્યા કરતા હોય છે. જે વ્યક્તિ પર આ શોધ આવીને અટકે એ એનો (કે એની) સોલ-મેટ. પરફેક્ટ પાર્ટનર ઝંખતાં નવયુવાનો અને નવયુવતીઓ મુદ્દાનો સવાલ કરે છેઃ શું કૃષ્ણ અને રાધાની જેમ આપણને પણ સોલ-મેટ ન મળી શકે? ઓશો ડિપ્રેશન લાવી દે તેવો જવાબ આપે છે, 'આ લગભગ અશક્ય વાત છે. તમારી પાસે સંપૂર્ણ આઝાદી અને તમામ સુવિધા હોય તોપણ! આવડી મોટી દુનિયા છે, કરોડો-અબજો સ્ત્રી-પુરુષો છે. તેમાંથી આવડીક અમથી જિંદગીમાં તમે કેવી રીતે સોલ-મેટ શોધી શકશો? તકલીફની વાત એ છે કે આપણી પાસે સંપૂર્ણ આઝાદી કે સુવિધાઓ પણ નથી. જાતજાતનાં બંધનો લદાયેલાં છે. આમાં સોલ-મેટ કેવી રીતે મળે? માણસને સાચો સાથીદાર ભાગ્યે જ મળે છે.'
તો પછી શું કરવાનું? કદાચ આનો જવાબ કૃષ્ણે જ આપી દીધો છે. ગીતામાં કહેવાયંુ છે કે જે આત્મા 'સ્વ'ની સાધના કરે છે અને'સ્વ'થી સંતુષ્ટ રહે છે એને બીજું કશું સિદ્ધ કરવાની કે હાંસલ કરવાની જરૃર પડતી નથી! કાળા માથાના સામાન્ય દુન્યવી માનવીએ આ વાતને સોલ-મેટના સંદર્ભમાં સ્વીકારી લેવી જોઈએ? તમે જ નક્કી કરો!                                         0 0 0 

No comments:

Post a Comment