Saturday, August 3, 2013

મલ્ટિપ્લેક્સ (Sandesh) : હંસના જરૂરી હૈ!


Sandesh - Sanskaar Purti - 4 August 2013
મલ્ટિપ્લેક્સ
કપિલ શર્મા માત્ર હાસ્યકલાકાર નથી, એ પોતાના શોનો સફળ પ્રોડયુસર પણ છે. ટીવીનો આ કોમેડિયન નંબર વન મૂળ તો ગંભીર નાટકો કરતો થિયેટર એક્ટર છે.


આને કહેવાય ટીવી ઇન્ડસ્ટ્રીનું 'બ્રેઇન ડ્રેઇન'. સોની ટીવીએ સ્ટેન્ડ-અપ કોમેડિયન કપિલ શર્માને 'કોમેડી સરકસ' શોનું તગડું પ્લેટફોર્મ આપ્યું, અનુભવ અને એક્સપોઝર આપ્યા, લગાતાર પાંચ-પાંચ સીઝનમાં વિનર બનાવ્યા. પરિણામ શું આવ્યું? કપિલ શર્માએ સોનીને અલવિદા કહી કલર્સ ચેનલ પર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલ'નામનો સુપરહિટ શો શરૂ કરી ચેનલનો ટીઆરપી વધારવાનું શરૂ કરી દીધું! હજુ ગઈ સીઝન સુધી 'ઝલક દિખલા જા'નું એન્કરિંગ એક મહિલા અને એક પુરુષની જોડી કરતી હતી. આ વખતે પહેલી વાર મનીષ પોલને કો-એન્કર તરીકે રૂપકડી કન્યાને બદલે કપિલ શર્માની ભાગીદારી આપવામાં આવી. શનિ-રવિ દરમિયાન કલર્સ પર 'ઝલક...' અને 'કોમેડી નાઇટ્સ' જેવા બેક-ટુ-બેક બે શોઝ કરીને કપિલ શર્મા લાગલગાટ લગભગ અઢી કલાક સુધી રીતસર છવાઈ જાય છે. એક સમયે ટીવી પર કોમેડીના મામલામાં રાજુ શ્રીવાસ્તવનો જે દબદબો હતો તે આજકાલ કપિલ શર્માનો છે. ઇન ફેક્ટ, રાજુ કરતાંય એ બે ડગલાં આગળ નીકળી ગયા છે.'કોમેડી નાઇટ્સ'માં એ માત્ર રમૂજના દારૂગોળા નથી ફોડતા, તેઓ આ શોના પ્રોડયુસર પણ છે.
પોતાની રમૂજ દ્વારા લાખો લોકોને એન્ટરટેઇન કરતો આ પંજાબી યુવાન મૂળ ગંભીર ભૂમિકાઓ કરતો થિયેટર એક્ટર છે તે કલ્પી શકાય છે. વતન અમૃતસરમાં એણે બાર વર્ષ સુધી રંગભૂમિ પર ગંભીર નાટકો કર્યાં છે. સ્વભાવ મશ્કરો અને રમૂજવૃત્તિ ધારદાર એટલે રિહર્સલ દરમિયાન અને બેક સ્ટેજમાં એમની કમેન્ટ્સ અને જોક્સથી સાથીઓ હસી-હસીને પાગલ થઈ જાય. દોસ્તો કહેતાં કે અરે યાર, તારી સેન્સ-ઓફ-હ્યુમર આટલી તગડી છે તો તું ટીવી શોમાં ભાગ કેમ લેતો નથી? તે અરસામાં સ્ટાર પ્લસ પર 'લાફ્ટર ચેલેન્જ' હિટ થયા પછી એક પંજાબી ચેનલ પર આ જ પ્રકારનો શો શરૂ થયો હતો. કપિલે તેમાં ભાગ લીધો. આ શોમાં પર્ફોર્મન્સ વખણાયું એટલે સ્ટારપ્લસની 'લાફ્ટર ચેલેન્જ' ઉપાડી. આ સીઝન-થ્રીની વાત છે. કપિલ તેમાં વિજેતા બન્યા. ત્યાર બાદ એક પછી એક શોઝની કતાર થઈ ગઈ, જેમાં એણે કાં તો સ્ટેન્ડ-અપ કોમેડી કરી અથવા એન્કરગિં કર્યું. આ શોઝ હતા 'પંજાબી ચક દે', 'છોટે મિયાં', 'લાફ્ટર નાઇટ્સ' અને 'ઉસ્તાદોં કે ઉસ્તાદ'. ત્યારબાદ આવી 'કોમેડી સરકસ'ની શૃંખલા, જેણે કપિલને ઘરેઘરમાં જાણીતા કરી દીધા.


'મને સેન્સ-ઓફ-હ્યુમર મારી મમ્મી તરફથી વારસામાં મળ્યું છે,' કપિલ એક મુલાકાતમાં કહે છે, 'હું અમૃતસરમાં મોટો થયો છું. કામધંધો તો ખાસ કંઈ હોય નહીં. ખા લિયા, પી લિયા, હંસ લિયા એવી લાઇફ હતી. હું થિયેટર કરતો હતો એ ખરું, પણ મારે ગાયક બનવું હતું. એ વખતે પંજાબમાં પૈસાદાર શોખીનો ખિસ્સામાંથી પાંચ-દસ લાખ રૂપિયા ખર્ચીને ખુદનાં આલબમ લોન્ચ કરતા. મારી પાસે એટલા પૈસા ક્યાંથી હોવાના. હું મ્યુઝિક કંપનીઓના સાહેબોને મળીને કહેતો કે ભાઈ, મેરા આલબમ લોન્ચ કર દો, પણ કોઈને મારામાં રસ ન પડયો.'
પણ કપિલના ગાવાના અભરખા ઝી ટીવીના 'સ્ટાર યા રોકસ્ટાર' નામના શોએ સંતોષ્યા. કોમેડિયન તરીકે સફળ થયા પછી કપિલે આ સેલિબ્રિટી સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો, જેમાં એ રનર-અપ બન્યા. તેઓ હસે છે, 'ઝીવાળાઓએ મને ગાવાની તક આપી, બીજા નંબરનો વિજેતા બનાવ્યો અને ઉપરથી પૈસા પણ આપ્યા, બોલો. આને કહેવાય નસીબ!'
લોકોને હસાવવા કંઈ સહેલા નથી. કોઈ પણ અદાકાર માટે કોમેડી કરવી એક પડકાર હોય છે. 'કોમેડી સરકસ'માં કપિલની પ્રોસેસ કંઈક આવી રહેતી. સૌથી પહેલાં તો લેખક સ્ક્રિપ્ટ આપે એટલે એના પર ઝપાટાભેર નજર ફેરવી જવાની. પછી જે પંચલાઇન્સ યા તો રમૂજી વાક્યો જામતાં ન હોય એ હટાવી દેવાનાં. લખાણનો ૫૦-૬૦ ટકા હિસ્સો તો આમ જ ઊડી જાય. પછી પોતાની રીતે નવાં વાક્યો અને ગેગ્સ ઉમેરવાનાં કે જેથી આઇટમમાં ચમક આવે ને એમાંથી હાસ્યનાં તીર છૂટે. મઠારવાનું કામ પૂરું થાય પછી ફાઇનલ સ્ક્રિપ્ટ યાદ કરવાની. કપિલને કોમેડીનો મહાવરો એટલો તગડો છે કે અંતિમ લખાણ પર બે-ત્રણ વાર નજર ફેરવી લે એટલે લાઇન્સ યાદ રહી જાય. મંચ પર ગયા પછી આમેય ઇમ્પ્રોવાઇઝેશન તો થવાનું જ.
'કોઈની ટાંગ ખેંચીને રમૂજ પેદા કરવાની હોય તો એ કામ એવી રીતે થવું જોઈએ કે સામેની વ્યક્તિને માઠું ન લાગે.' કપિલ કહે છે, 'રમૂજ એવી હોવી જોઈએ કે જેની મજાક થઈ રહી હોય તે વ્યક્તિને ખુદને પણ હસવું આવી જાય. જોકે મજાક સહન કરવાની સૌની ક્ષમતા જુદી જુદી હોય છે. 'કોમેડી સરકસ'માં અમે સૌ અર્ચના પુરણસિંહ પર ખૂબ જોક્સ બનાવતા. કોઈક આઇટમમાં એ આખેઆખું ઘેટું ખાઈ જાય એવું બતાવીએ, તો કોઈમાં એને દારૂડિયણ તરીકે પેશ કરીએ. હકીકતમાં અર્ચના સંપૂર્ણ શાકાહારી છે અને આલ્કોહોલથી જોજનો દૂર છે, પણ હાસ્ય પેદા કરવા માટે અમે અર્ચનાની ભળતી જ ઇમેજ ઊભી કરી હતી. મજાની વાત એ છે કે અર્ચનાએ ક્યારેય એની સામે વાંધો લીધો નથી. એ જાણે છે કે આ બધું અમે ફક્ત મજાકમસ્તી માટે અને લોકોને હસાવવા માટે કરીએ છીએ.'

વચ્ચે કલર્સ ચેનલે 'નૌટંકી ધ કોમેડી થિયેટર' નામનો શો કર્યો હતો, જેમાં તુષાર કપૂર અને નેહા ધૂપિયા જજ હતા, ટેલેન્ટેડ આર્ટિસ્ટોની ટીમ હતી, પ્રોડક્શન વેલ્યૂ ખૂબ સારી હતી, પણ આ શો તદ્દન ફ્લોપ થઈ ગયો હતો. એક સવા કલાકના લાંબા સળંગ નાટક જેવું ફોર્મેટ લોકોએ રિજેક્ટ કરી નાખ્યું. 'નૌટંકી'ની નિષ્ફળતાએ જે નુકસાન કરી નાખ્યું હતું એની સંપૂર્ણ કસર 'કોમેડી નાઇટ્સ વિથ કપિલે' પૂરી કરી નાખી. પહેલા જ એપિસોડથી આ શો ક્લિક થઈ ગયો. શોને આટલી હદે ઇન્સ્ટન્ટ સક્સેસ મળશે એવી કલ્પના કપિલ કે કલર્સ બન્નેમાંથી કોઈએ નહીં કરી હોય. શોનું ફોર્મેટ સ્માર્ટ, વેરાઇટીવાળું અને ટીવી સામે બેઠેલા દર્શકોને બાંધી રાખે એવું ગતિશીલ છે. 'નૌટંકી'ની માફક અહીં પણ પતિ-પત્ની, દાદી, ફોઈ, નોકર અને પૂરક પાત્રો કોઈક મુદ્દો લઈને દરેક એપિસોડમાં 'નાટક' જરૂર ભજવે છે, પણ એ સિવાય એમાં બીજો ઘણો મસાલો હોય છે. દર અઠવાડિયે ફિલ્મસ્ટારો પોતાની ફિલ્મોનું પ્રમોશન કરવા આવે ત્યારે હાસ્યનું હુલ્લડ સર્જાય છે. કપિલે આ શોને ઇન્ટરેક્ટિવ બનાવ્યો છે. લાઇવ ઓડિયન્સ સેલિબ્રિટીઓને પ્રશ્નો પૂછી શકે છે. કપિલ આ પ્રશ્નો પૂછનારાઓની અને મહેમાન બનીને આવેલાં હીરો, હિરોઇન, ડિરેક્ટરની જોરદાર ખીંચાઈ કરે છે. બાકીની કસર દાદી બનેલા અલી અસગર અને ફોઈ બનતાં ઉપાસના સિંહ પૂરી કરે છે. વચ્ચે વચ્ચે નવજોતસિંહ સિદ્ધૂ પોતાના આગવા અંદાજમાં શેરો-શાયરી છાંટતા રહે છે. આ શોમાં ગેસ્ટ બનીને આવતા સેલિબ્રિટીઓને ખરેખર પોતાની સેન્સ ઓફ હ્યુમર સતર્ક રાખવી પડે છે, કારણ કે અહીં એમની સાથે કંઈ પણ થઈ શકે છે! 'કોમેડી વિથ કપિલ'નું હ્યુમર કંઈ ઉચ્ચ કક્ષાનું રિફાઇન્ડ હ્યુમર નથી, એમાં ક્યારેક ભદ્દાપણું જરૂર આવી જાય છે. આમ છતાં એ ઓડિયન્સને એન્ટરટેઇન કરવામાં સફળ થયું છે.
કપિલ શર્માનો સિતારો અત્યારે બુલંદી પર છે. શાહરુખ ખાનની 'ચેન્નાઈ એક્સપ્રેસ' અને સલમાન ખાનને ચમકાવતી 'શેરખાન'માં (આ ફિલ્મ જો અને જ્યારે બને તો) કપિલ દેખાશે. ફિલ્મોમાં પણ કપિલનું નસીબ જોર કરે છે કે કેમ એ તો સમય બતાવશે. બાકી ટીવી પર તો હાલ એણે કોમેડીસમ્રાટનું બિરુદ હકથી ધારણ કરી લીધું છે એ તો નક્કી.
શો-સ્ટોપર

મહાન માણસોની આત્મકથામાં ફર્સ્ટ હાફ હંમેશાં સેકન્ડ હાફ કરતાં વધારે ઇન્ટરેસ્ટિંગ હોય છે.
- અનુપમ ખેર

No comments:

Post a Comment