Tuesday, August 20, 2013

અનેક આઝાદી એન્જોય કરતું બોલિવૂડ


Sandesh - Independence Special - 15 August 2013

સિને-સફર 

પરિવર્તનનું બીજું નામ આઝાદી છે. સિનેમા જેવાં ગતિશીલ માધ્યમને આઝાદી ઔર વહાલી હોવાની. હિન્દી ફિલ્મો કેટલીય બીબાંઢાળ ચીજોમાંથી મુક્ત થઈ છે. જેમ કે...

ચરબીમાંથી આઝાદી 
યાદ કરો એ જમાનો જ્યારે મોટા ભાગના ફિલ્મી હીરો સ્ફૂર્તિલા કાચાકુંવારા યુવાનને બદલે કાયમ બે છોકરાંવના બાપ જેવા પાકટ દેખાતા. ઉદાહરણ તરીકે, બલરાજ સહાની, સુનીલ દત્ત, રાજેન્દ્ર કુમાર, મનોજ કુમાર અને બીજા કેટલાંય. એમનો લુક જ એવો હતો કે જાણે જુવાની એમની બાજુમાંથી બાય-પાસ થઈને પસાર થઈ ગઈ હોય. ઈવન દિલીપ કુમાર, રાજ કપૂર, રાજેશ ખન્નાથી અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર્સ ક્યારેય શરીર સૌષ્ઠવ કે લુક માટે જાણીતા નહોતા. જિમમાં જઈને શરીર-બરીર બનાવવાનો કોન્સેપ્ટ જ ક્યાં હતો એ વખતે. થેન્ક ગોડ, હિન્દી ફિલ્મોના હીરોને આ 'લેઝી લુક' માંથી મુક્તિ મળી. સલમાનની કસાયેલી છાતી અને બાવડાં તેમજ શાહરુખ ખાનના સિક્સ પેક્સને લીધે યંગસ્ટર્સ શારીરિક ચુસ્તીમાં સભાન બન્યાં. 'ભાગ મિલ્ખા ભાગ' માં ફરહાનનું બોડી જોઈને કેટલાંય જુવાનિયાઓએ જિમમાં નામ નોંધાવી દીધાં છે!
કિચનમાંથી આઝાદી 
હિન્દી સિનેમાની અબળા, લાચાર અને સતી સાવિત્રી બ્રાન્ડ નાયિકાએ હવે સાડીનો છેડો માથા પર ચોંટાડી રાખીને રસોડામાં ગોંધાઈ રહેવાની જરૂર નથી. ઈનફેક્ટ, આ બીબાંમાથી તો એને દાયકાઓ પહેલાં મુક્તિ મળી ગઈ હતી.'દામિની'માં મીનાક્ષી શેષાદ્રી બળાત્કારનો ભોગ બનેલી કન્યાને ન્યાય અપાવવા ખુદનાં સાસરિયાં સામે યુદ્ધે ચડે છે અને સગા દિયરને સજા અપાવે છે. આજની હિરોઈન હાથમાં ચા-નાસ્તાની ટ્રે ઝાલીને, શરમાતી શરમાતી બહાર આવીને એને જોવા આવનાર છોકરા સામે નજર ઝુકાવીને બેસતી નથી. એ પોતાની જિંદગી પોતાની રીતે, પોતાની શરતે જીવે છે. 'જિંદગી ના મિલેગી દોબારા'ની કેટરીના કૈફનો સ્પિરિટ જુઓ. એ એટલા માટે સ્કુબા ઈન્સ્ટ્રક્ટર બની છે કે આ કામમાંથી એને પૂર્ણ, લગભગ આધ્યાત્મિક કક્ષાનો સંતોષ મળે છે. ઊંધું ઘાલીને પૈસા કમાતા રિતિક રોશનને સલાહ આપી શકે છે કે સીઝ ધ મોમેન્ટ, માય ફ્રેન્ડ,વર્તમાનની ક્ષણમાં જીવ. મસ્તમૌલી કેટરીના બિન્ધાસ્ત બાઇક પર સવાર થાય છે, વિદાય લઈને રિતિકને રસ્તામાં આંતરે છે અને બધાની સામે એના હોઠ પર લાંબું ચુંબન કરી લે છે. પછી કહે છેઃ જો મેં આ ન કર્યું હોત તો આખી જિંદગી અફસોસ રહી ગયો હોત! સામાન્યપણે આવું બધું હીરો કરતા હોય છે, પણ બોલિવૂડની આજની હિરોઈન્સમાં પોતાની કુમાશ કે ગરિમા સાથે કન્વિક્શન પણ છે. 
ફોર્મ્યુલામાંથી આઝાદી 
બાપ કે ખૂન કા બદલા, કુંભ કે મેલે મેં બિછડા હુઆ ભાઈ, પ્યાર કા દુશ્મન ઝમાના...થેન્ક ગોડ! ચવાઈને ચુથ્થો થયેલી સ્ટોરીઓમાંથી હિન્દી ફિલ્મો બહાર આવી ગઈ છે. આજે અંગ્રેજી શીખવા માગતી મિડલક્લાસ ગૃહિણીની મૂંઝવણ જેવી તદ્દન સાદી અને લગભગ અશક્ય લાગતી થીમ પર 'ઈંગ્લિશ વિંગ્લિશ' જેવી અફલાતૂન ફિલ્મ બની શકે છે. આજનું ઓડિયન્સ વીર્યદાન કરતા 'વિકી ડોનર'ની સ્ટોરીથી ઝૂમી શકે છે. અલગ તરાહની ફિલ્મો અગાઉ પણ આવતી હતી પણ આજે દર્શકોની સ્વીકૃતિની રેન્જ ધરખમ વિકસી છે. તેથી ફિલ્મ-મેકર્સને ફિક્સ્ડ ફોર્મ્યુલામાંથી આઝાદી મળી છે.
મેઈન સ્ટ્રીમમાંથી આઝાદી
આ એક રીતે ફોર્મ્યુલામાંથી આઝાદીનું જ એક્સટેન્શન છે. '૭૦ના દાયકામાં આર્ટ ફિલ્મોનો દોર શરૂ થયો હતો, જેમાં શ્યામ બેનેગલ અને મૃણાલ સેન જેવા મેકરો નસીરુદ્દીન શાહ, ઓમ પુરી, શબાના આઝમી, સ્મિતા પાટિલ જેવાં તગડાં કલાકારોને લઈને રિઅલિસ્ટિક ફિલ્મો બનાવતા. આજે તોતિંગ બજેટ અને મોટાં બેનરની છત્રછાયા વગર સરસ મજાની ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મો બનવા લાગી છે અને મલ્ટિપ્લેક્સીસમાં રિલીઝ પણ થવા લાગી છે. આજે 'શિપ ઓફ થિસિયસ' જેવી તદ્દન ઓફબીટ ફિલ્મ હાઉસફુલ થઈ શકે છે. માત્ર જોહરો કે ચોપડાઓ જ નહીં, બલકે તદ્દન અલગ મિજાજની હટકે ફિલ્મો બનાવતા અનુરાગ ક્શ્યપ પણ આજે સિનેજગતનું પાવરફુલ નામ છે. યો!
મધુર અવાજમાંથી આઝાદી
એક જમાનામાં સૂરીલો અવાજ એટલે લતા-આશા-રફી-કિશોર જેવો મધમીઠો અવાજ, પણ આજે પ્લેબેક સિંગિંગમાં જાતજાતના અવાજોની આખી દુનિયા ખૂલી ગઈ છે. આતિફ અસલમ જેવો પાતળા અવાજવાળો સિંગર સુપરહિટ ગીતોની કતાર ખડી દે છે. નિખિલ જેવા ટીનેજર છોકરા જેવા અવાજવાળો ગાયક 'બરફી!'નાં ગીતોથી ઓડિયન્સને મુગ્ધ કરી શકે છે. શાલ્મલી ખોલગાડેનો સાવ જ જુદો અવાજ 'મૈં પરેશાં' ગાઈને અવોર્ડ્ઝ જીતી શકે છે. આજે 'હીરો જૈસી વોઇસ' કે 'હિરોઈન જેવો વોઇસ'નો કોન્સેપ્ટ જ બદલાઈ ગયો છે.                                           0 0 0

No comments:

Post a Comment