Friday, August 23, 2013

હોલીવૂડ હંડ્રેડ: હસતે હસતે કટ જાએ રસ્તે... જિંદગી યું હી ચલતી રહે


 મુંબઈ સમાચાર- મેટિની પૂર્તિ (શુક્રવાર) - હોલીવૂડ હંડ્રેડ - તા. ૨૩ ઓગસ્ટ ૨૦૧૩

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

પિતા-પુત્રના સંબંધ પર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોની વાત આવે ત્યારે ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ નામની આ ઈટાયન ફિલ્મ અનિવાર્યપણે મનમાં ઝબકે. જીવલેણ પરિસ્થિતિમાં સપડાઈ ગયા હોવા છતાં માસૂમ દીકરા પર નેગેટિવિટીનો ઓછાયો સુધ્ધાં ન પડે તે માટે મશ્કરો બાપ શું શું કરે છે? રમૂજથી ભરપૂર આ ફિલ્મ ઓડિયન્સને હસાવતા હસાવતા રડાવી નાખે છે.ફિલ્મ નંબર ૩૬. લાઈફ ઈઝ બ્યુટીફુલ 

નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પના ભયાનક બેકગ્રાઉન્ડમાં કોમેડી ફિલ્મ બની શકે? રોબર્ટો બેનિની નામના ઈટાલિયન ફિલ્મમેકરે આ ફિલ્મથી પૂરવાર કર્યું છે કે હા, બિલકુલ બની શકે! બીજું વિશ્ર્વયુદ્ધ શરુ થયું તે પહેલાંની આ વાત છે. ગાઈડો (રોબર્ટો બેનિની) નામનો ઈટાલિયન જુવાનિયો કામની તલાશમાં શહેરમાં આવે છે. ગાઈડો ભારે મશ્કરો અને રમતિયાળ માણસ છે. લગભગ જોકર જ કહોને. જીવનરસથી છલોછલ. કાયમ હસતો ને હસાવતો હોય. નેગેટિવિટી એનાથી જોજનો દૂર રહે. એ ડોરા (નિકોલેટા બ્રાશ્ચી) નામની એક સ્કૂલ ટીચરને જોતાં જ એના પ્રેમમાં પડી જાય છે. તકલીફ એ છે કે ડોરાની સગાઈ ઓલરેડી એક ફાસિસ્ટ ઓફિસર સાથે થઈ ચુકી છે, પણ એટલી આસાનીથી હિંમત હારે તે ગાઈડો નહીં. એણે હવે કોઈપણ ભોગે ડોરાને પોતાના પ્રેમમાં પાડવી છે. આપણી બોલિવૂડની ફિલ્મોના હીરોની જેમ, ગાઈડો જાતજાતના ‘યોગાનુયોગ’ ઉપજાવી કાઢીને ડોરા સાથે ટકરાતો રહે છે ને પોતાના પ્રેમનો ઈઝહાર કરતો રહે છે. ડોરાને પણ આ છેલછબીલો યુવાન ગમી ગયો છે. આખરે ગાઈડો ડોરાની એંગેજમેન્ટ પાર્ટીમાં રીતસર લીલા રંગના ઘોડા પર સવાર થઈને એન્ટ્રી મારે છે અને ભરી મહેફિલમાંથી ડોરાનું અપહરણ કરી જાય છે!ફિલ્મનો ફર્સ્ટ હાફ રોમાન્સ અને રમૂજથી ભરપૂર છે. તેની વચ્ચે વચ્ચે ગાઈડો એક જ્યુ (યહૂદી) છે તેમજ દેશની રાજકીય પરિસ્થિતિ ધીમે ધીમે પલટાઈ રહી છે એવી માહિતી ઓડિયન્સને મળતી રહે છે. ફિલ્મની વાર્તા હવે જમ્પ મારે છે. ગાઈડો અને ડોરાનો મીઠડો દીકરો જોશુઆ (જ્યોર્જીઓ કેન્ટેરીની) પાંચ વર્ષનો થઈ ગયો છે. બીજા વિશ્ર્વયુદ્ધ એની પરાકાષ્ઠાએ પહોંચી ચુક્યું છે. શહેરમાંથી યહૂદીઓને વીણી વીણીને, ટ્રેનમાં ભરી ભરીને કોન્સન્ટ્રેશન કેમ્પ તરફ ધકેલવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. આ કેમ્પ્સ પહોંચનારાઓની કત્લેઆમ થઈ જવાની છે તે નિશ્ર્ચિત છે. આ ઘમાસાણમાં ગાઈડો અને એના દીકરાનો નંબર પણ લાગી જાય છે. ગાઈડો ઈચ્છતો નથી કે પોતે કેવી ભયાનક પરિસ્થિતિમાં ફસાઈ ચુક્યા છે એની ગંધ સુધ્ધાં માસૂમ બચ્ચાને આવે. એટલે એ ખુશખુશાલ હોવાનું નાટક કરતાં કહે છે: બેટા, તું ક્યારેય ટ્રેનમાં નથી બેઠોને? આહા! ટ્રેનમાં સફર કરવામાં કેવી મજા પડે! બધા એયને એકબીજાને ભીંસાઈને ઊભા હોય... ને ડબામાં સીટ તો હોય જ નહીં, બોલ! જો પેલી લાઈન જુએ છે? એ સૌને ટ્રેનમાં જવું છે. આપણે કેવા લકી છીએ એ તો જો, આપણને ટિકિટ પણ મળી ગઈ!

ડોરા યહૂદી નથી, પણ પતિ અને દીકરાની સાથે રહેવા એ પણ એક ડબામાં ચડી જાય છે. કોન્સન્ટ્રેશન કેમ્પમાં પહોંચી ગયા પછી ગાઈડો નાટક આગળ ધપાવે છે. આ જાણે એક મોટી રમત હોય એવી વાત એ દીકરા સામે ઊપજાવી કાઢે છે. એ કહે છે: ‘જો બેટા, છેને, આ એવી ગેમ છે જેમાં જે જીતશેને એને એક ટેન્ક ઈનામમાં મળશે. રમકડાંની ટેન્ક નહીં હં, પણ સાચુકલી ટેન્ક! કેવી મજા! પણ એ માટે તારે ૧૦૦૦ પોઈન્ટ્સ એકઠા કરવા પડશે. તું મમ્મી પાસે જવાની જીદ કરીશ કે ભૂખ લાગી છે... ભૂખ લાગી છે એવી ફરિયાદ કર્યા કરીશ તો ગેમમાંથી હારી જઈશ. બોલ, ગેમના બધા રુલ્સ તું પાળીશને?’ દીકરો રાજી થઈને હા પાડે છે. ગાઈડોનો એક જ ઉદ્દેશ છે. દીકરાના કુમળા મન પર ભયનો કે કોઈ પણ પ્રકારની નકારાત્મકતાનો પડછાયો પણ પડવો ન જોઈએ. જર્મન ઓફિસર ચિલ્લાતો હોય ત્યારે ગાઈડો એનો પોતાની ભાષામાં ખોટોખોટો અનુવાદ કરતો જાય કે જેથી જોશુઆને લાગે કે પેલો ગેમ વિશે જ કંઈક વાત કરી રહ્યો લાગે છે. જોશુઆ કેમ્પના ગાર્ડ્સની નજરે ન ચડે તે માટે તેને રીતસર સંતાડવો પડે છે. ગાઈડો આને પણ એક રમતનું સ્વરુપ આપી દે છે. કહે છે: જો, પેલા ગાર્ડલોકો આવે ત્યારે તારે બિલકુલ ચુપ થઈને ઉપર ચડીને ત્યાં સુઈ જવાનું. તને જોઈ લેશે તો પોઈન્ટ્સ કપાઈ જશે. એટલે તારે સહેજે હલવાનું પણ નહીં, બરાબર છે? ગાઈડોની વાતો એટલી કન્વિન્સિંગ છે કે દીકરાને શંકા સુધ્ધાં જતી નથી કે ડેડી નાટક કરી રહ્યા છે. આસપાસ જીવલેણ આતંક અને વેદના છે, પણ છોકરો એમ જ સમજે છે કે આ બધું પેલી ગેમના ભાગરુપે બની રહ્યું છે!
ગાઈડો છેક સુધી પોતાની વાર્તા ચાલુ રાખે છે. હવે કોઈ પણ ઘડીએ બાપ-દીકરોનો નંબર લાગી જાય એમ છે. ગાઈડો દીકરાને પોસ્ટઓફિસના ડબા જેવા દેખાતા જંક્શન-બોક્સ પાસે લઈ જઈને કહે છે: જોશુઆ, બધા તને શોધી રહ્યા છે. તું આમાં છુપાઈ જા. જ્યાં સુધી ગેમ પુરી ન થાય ત્યાં સુધી ભુલેચુકેય બહાર ન નીકળતો! ગાઈડો પછી એવા ઉધામા મચાવે છે કે જેથી જર્મન સૈનિકોનું ધ્યાન એના તરફ રહે ને દીકરો બચી જાય. એ જાણી જોઈનો પેલા જંક્શન-બોક્સ પાસેથી લેફ્ટ-રાઈટ-લેફ્ટ-રાઈટ કરતો નીકળે છે કે જેથી બાકોરામાંથી જોઈ રહેલા દીકરાને એમ જ લાગે કે આ પણ રમતનો જ ભાગ છે. એને અંદાજ નથી કે પોતે જીવતો રહે તે માટે બાપ પોતાનું બલિદાન આપી રહ્યો છે ને બાપને એ છેલ્લી વાર જોઈ રહ્યો છે. બીજે દિવસે જોશુઆ બોક્સમાંથી બહાર નીકળે છે. ચારેબાજુ સુનકાર છે. અચાનક સામેથી એક ટેન્ક આવતી દેખાય છે. ભોળિયો જોશુઆ ખુશખુશાલ થઈ જાય છે. ડેડીએ કહ્યું હતું એમ જ થયું. ટેન્ક સાચેસાચ આવી. એ ગેમ જીતી ગયો! એને પોતાની મમ્મી પણ દેખાય છે. અહીં ફિલ્મ પૂરી થાય છે.

 કથા પહેલાંની અને પછીની

નાઝી કત્લેઆમ પર ઘણી ફિલ્મો બની છે, પણ તે સૌમાં ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ એટલા માટે સૌથી હટકે છે કે તે છે. આ ફિલ્મ હસતા હસતા રડાવી દે છે. કમાલ કરી છે રોબર્ટો બેનિનીએ. ફિલ્મના લેખક પણ એ છે, ડિરેક્ટર પણ એ છે અને મેઈન હીરો પણ એ છે. પત્નીનો રોલ નિભાવતી નિકોલેટા બ્રાશ્ચી રોબર્ટોની અસલી પત્ની છે. રોબર્ટોના પિતા નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં ત્રણ વર્ષ રહી ચુક્યા હતા. આ રીતે આ ફિલ્મના વિષય સાથે રોબર્ટોનું વ્યક્તિગત અનુસંધાન છે. એ અસલી જીવનમાં ખરેખર ગાઈડો જેવા જ મશ્કરા અને મજાકિયા. ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’માં એેમણે પોતાની પર્સનાલિટી રેડી દીધી છે. અમુક અદાકારો અમુક પાત્રો એવી અદભુત રીતે ભજવી જતા હોય છે કે આપણને એમ જ લાગે કે આ માણસનો જન્મ જ આ રોલ માટે થયો હશે. રોબર્ટો બેનિની માટે આવું ગાઈડોની ભુમિકા માટે કહી શકાય.‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પની ગંભીરતા સહેજ ઓછી કરી નાખે છે તેવી થોડીઘણી ટીકા થઈ છે. પણ તે જરુરી હતું.  ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’માં ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી તીવ્રતા બતાવાય તો હ્યુમર માટે અવકાશ જ ન રહે. ફિલ્મનો ઉદ્દેશ ઈતિહાસની ઘટનાને આલેખવાનો છે પણ નહીં. આ તો બાપ-દીકરાના સંબંધ વિષેની ફિલ્મ છે. દીકરાને નકારાત્મકતાથી બચાવવા બાપ કેટલી હદે જઈ શકે છે એનું હૃદય ભીંજવી નાખે એવી વાર્તા અહીં કહેવાઈ છે. ભયાનકમાં ભયાનક, ડેડ-એન્ડ જેવી પરિસ્થિતિમાં પણ ધારીએ તો હસતા-રમતા રહી શકાય છે તે પણ આ ફિલ્મનો મેસેજ છે.

‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ ખૂબ વખણાઈ. બોક્સઓફિસ પર પણ સરસ ચાલી. એને સાત ઓસ્કર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી ત્રણ એણે જીતી લીધાં: બેસ્ટ એક્ટર, બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને બેસ્ટ મ્યુઝિક - બેસ્ટ ઓરિજિનલ ડ્રામેટિક સ્કોર. પોતાના જ ડિરેક્શનમાં કોઈ એક્ટરે ઓસ્કર-વિનિંગ પર્ફોર્મન્સ આપ્યું હોય તેવું ભૂતકાળમાં એક જ વખતે બન્યું હતું. લોરેન્સ ઓલિવરની ફિલ્મ ‘હેમલેટ’ના કેસમાં. ૭૧મા ઓસ્કર સમારોહમાં પોતાના નામની ઘોષણા થઈ ત્યારે રોબર્ટો બેનિની અસલી રંગમાં આવી ગયા હતા. પોતાની જગ્યાથી સ્ટેજ સુધી  તેઓ સીટ્સ પર કૂદતા કૂદતા પહોંચ્યા હતા. ઓસ્કરના ઈતિહાસની કેટલીક સૌથી ખૂબસૂરત ક્ષણોમાંની આ એક મોમન્ટ છે. આખેઆખી ફિલ્મ જોવાઈ ગયા પછી યુટ્યુબ પર જઈને ઓસ્કર સમારોહની આ ક્લિપિંગ ખાસ જોજો.

 ‘લાઈફ ઈઝ બ્યુટીફુલ’ ફેક્ટ ફાઈલ 


ડિરેક્ટર           : રોબર્ટો બેનિની
સ્ક્રીનપ્લે          : રોબર્ટો બેનિની, વિન્સેન્ઝો કેરેમી
કલાકાર           : રોબર્ટો બેનિની, નિકોલેટા બ્રાશ્ચી, જ્યોર્જિયો કેન્ટેરીની    
રિલીઝ ડેટ        : ૨૦ ડિસેમ્બર ૧૯૯૭
મહત્ત્વના અવોર્ડઝ: બેસ્ટ એક્ટર, ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને મ્યુઝિક માટેના ઓસ્કર અવોર્ડ્ઝ  ૦ ૦ ૦

No comments:

Post a Comment