Wednesday, March 6, 2013

13. ‘કાસાબ્લાન્કા’: કૈસી હૈ યે જિંદગાની... હમારી અધૂરી કહાની


મુંબઈ સમાચાર- તા. ૬ માર્ચ ૨૦૧૩  

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

કાસાબ્લાન્કાને જો હેપી એન્ડિંગ આપવામાં આવ્યો હોત તો તેની ગણના આજે ક્લાસિક તરીકે ન થતી હોત! કાસાબ્લાન્કા પરફેક્ટ ફિલ્મ ગણવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં રોમાન્સ, દેશપ્રેમ, રહસ્ય અને આદર્શવાદ જેવા તત્ત્વોનું અફલાતૂન કોમ્બિનેશન થયું છે



ફિલ્મ નંબર ૧૩: કાસાબ્લાન્કા

ક્લાસિક વિદેશી ફિલ્મોની વાત માંડી હોય ત્યારે કાસાબ્લાન્કાની ચર્ચા ખરેખર તો પ્રારંભમાં કરી લેવાની હોય, પણ આ શ્રેણીમાં ક્રમને મહત્ત્વ અપાયું નથી એટલે એટલે આ અદભુત અમેરિકન ફિલ્મને આપણે આજે માણીશું. તો પેશ છે...

ફિલ્મમાં શું છે?

બીજા વિશ્વયુદ્ધની શરુઆતના દિવસો છે. મોરોક્કોમાં કાસાબ્લાન્કા નામનું એક નાનકડું શહેર છે. જર્મન નાઝીઓથી પીડિત યુરોપિયન રેફ્યુજીઓનાં ટોળેટોળાં ઉમટી પડે છે. એ સૌ અમેરિકા જતા રહીને શાંતિનું જીવન જીવવાના સપનાં જુએ છે. કાસાબ્લાન્કા યુરોપ છોડીને અમેરિકા જવા માટેનાં પ્રવેશદ્વાર જેવું છે. જોકે અમેરિકા જવું એટલું આસાન નથી. તમારી પાસે લેટર ઓફ ટ્રાન્ઝિટ હોય તો જ પ્લેનમાં સવાર થઈને વાયા લિસ્બન થઈને યુએસએ તરફ પ્રયાણ કરી શકો. કાસાબ્લાન્કામાં એક કેફે અમેરિકન નામની સ્ટાઈલિશ નાઈટ-ક્લબ છે, જેનો માલિક છે રિક બ્લેઈન (હમ્ફ્રી બોગર્ટ). ફિલ્મનો તે મેઈન હીરો છે. પહેલી નજરે એ  સ્વકેન્દ્રી અને એકલપટો લાગે. જોકે વાસ્તવમાં એવો છે નહીં. હૃદયથી એ કોમળ છે અને ભૂતકાળમાં એ ખાસ્સો આદર્શવાદી (એટલે કે રહી ચુક્યો છે. એના કબ્જામાં કોઈક રીતે પેલો મહામૂલો લેટર ઓફ ટ્રાન્ઝિટ આવી ગયો છે. મૂળ પ્લાન તો એવો હતો કે જે કોઈ સૌથી ઊંચી બોલી લગાવે એને આ લેટર વેચી મારવો, પણ બને છે કશુંક જુદું.



એક રાતે રિકની નાઈટ-ક્લબમાં ખૂબસુરત ઈલ્સા લુન્ડ (ઈન્ગ્રિડ બર્ગમેન) પોતાના પતિ વિક્ટર લાઝ્લો (પૉલ હેનરીડ) સાથે એન્ટ્રી મારે છે. વિક્ટર સ્વાતંત્ર્યવીર છે, નાઝીવિરોધી જૂથનો નેતા છે અને સાક્ષાત નર્ક જેવા કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી માંડ માંડ જીવ બચાવીને નાસી છૂટ્યો છે. એ કાસાબ્લાન્કા તો પહોંચી ગયો, પણ અમેરિકા જવા માટે જરુરી લેટર એની પાસે નથી. ઈલ્સાને જોઈને રિક ખળભળી ઉઠે છે, કારણ કે ભૂતકાળમાં બન્ને રહી ચૂક્યાં છે. એમની મુલાકાત પેરિસમાં થઈ હતી. ઈલ્સા થોડી રહસ્યમય સ્ત્રી છે. એણે રિકને કહેલું કે તારે મને કોઈ સવાલો નહીં પૂછવાના, મારા અતીત વિશે જાણવાની ક્યારેય કોશિશ નહીં કરવાની. એક સાંજે બન્ને પેરિસ છોડીને સલામત જગ્યાએ જતાં રહેવાનું નક્કી કરે છે. રિક તો નિશ્ચિત સમયે રેલ્વે સ્ટેશન પહોંચી ગયો, પણ ઈલ્સાને બદલે એની ચિઠ્ઠી મળી. એમાં લખ્યું હતું કે સોરી રિક, હું તારી સાથે નહીં આવી શકું. હું કોઈ ખુલાસો પણ નહીં કરી શકું. અલવિદા...



રિકનું દિલ ભાંગી જાય છે. ખેર, એ સેમ (આર્થર વિલ્સન) નામના પોતાના દોસ્ત સાથે પેરિસ છોડીને જતો રહે છે. વર્ષો વીત્યાં ને વિશ્વાસઘાતી ઈલ્સા અચાનક સામે આવી ગઈ, પોતાના પતિ સાથે. પતિ-પત્ની બન્ને જાણે છે કે લેટર-ઓફ-ટ્રાન્ઝિટ રિકના તાબામાં છે. એ રાતે ઈલ્સા એને એકલી મળે છે અને લેટરની માગણી કરે છે. રિક ચોખ્ખી ના પાડી દે છે. ઈલ્સા એને ગન દેખાડે છે: લેટર આપ નહીં તો તને વીંધી નાખીશ. રિક કહે છે: ચલાવ બંદૂક. ખુશીથી મારી નાખ મને. ઈલ્સા ભાંગી પડે છે. જે સ્પષ્ટતા આટલાં વર્ષોમાં નહોતી થઈ તે હવે કરે છે. એ કહે છે કે હું તને પહેલી વાર મળી ત્યારે વિક્ટર સાથે મારાં લગ્ન થઈ જ ગયેલાં. એ નાઝીઓના હાથમાં ઝડપાઈ ગયો અને મને કહેવામાં આવ્યું કે એ મરી ગયો છે. દરમિયાન હું તને મળી અને તારા પ્રેમમાં પડી. તે સાંજે હું પેરિસ રેલ્વે સ્ટેશને તારી પાસે આવી જ રહી હતી તે જ વખતે મને સમાચાર મળ્યા કે વિક્ટર જીવે છે, ઘાયલ છે અને એને મારી જરુર છે. હું લાચાર હતી. પતિ પાસે ગયા વગર મારો છૂટકો નહોતો... 



ઈલ્સાની જૂની લાગણીઓની તીવ્રતાથી ફરી સપાટી પર આવી જાય છે. કહે છે, રિક, હું તને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું. સાચું શું ને ખોટું શું છે તે સમજવાની શક્તિ મારામાં રહી નથી. હવે તું જ નિર્ણય લે... આપણા બન્ને માટે, આપણા ત્રણેયને માટે. રિક મનોમન કશુંક વિચારી લે છે. પછી કહે છે: સારું. તારા વરને આપણે અમેરિકા મોકલી દઈશું. પછી તું અને હું અહીં સાથે રહીશું, કાસાબ્લાન્કામાં...

દરમિયાન રેનોલ્ટ નામનો ભ્રષ્ટ નાઝી ઓફિસર વિક્ટરને નાના અમથા ગુનાસર જેલમાં પૂરી દે છે. રિક રેનોલ્ટને કહે છે: આના પર તો ગંભીર આરોપ લગાડવો જોઈએ. આના પર ટ્રાન્ઝિટ લેટર ધરાવવાનો અપરાધ હેઠળ કામ ચલાવ. રિક અહીં ચાલાકી કરે છે. એ બંદૂકના નાળચે રેનોલ્ટ પર દબાણ કરે છે કે તું વિક્ટરને પ્લેનમાં બેસાડી દે. એરપોર્ટ પર એ વિલન બની રહેલા એક નાઝી ઓફિસરની રિક હત્યા કરે છે. એ ઈલ્સાને કહે છે: તેં મને કહેલું કે હું આપણા ત્રણેય માટે સાચો નિર્ણય લઉં. મેં નિર્ણય કરી લીધો છે. તું પણ તારા વર સાથે અમેરિકા જઈ રહી છે. હમણાં જ. મારી આ વાત તને અત્યારે આકરી લાગશે, પણ પછી તને સમજાશે કે મેં જે કર્યું છે તે બરાબર કર્યું છે.... અને આપણી પાસે પેરિસની યાદો તો છે જ! આમ, રિક પ્રેમનું બલિદાન આપે છે અને ઈલ્સા આંસુભરી આંખે પતિની સાથે વિદાય લે છે.

કથા પહેલાંની અને પછીની

આ ફિલ્મનાં મૂળિયાં એક ન ભજવાયેલાં નાટકમાં રોપાયેલાં છે. નાટકનું નામ હતું, એવરીબડી કમ્સ ટુ રિક્સ. માનો યા ન માનો, પણ એ જમાનામાં દરેક મોટો સ્ટુડિયો એવરેજ અઠવાડિયામાં એક ફિલ્મ બનાવતો. મતલબ કે વર્ષની પચાસ ફિલ્મો. કાસાબ્લાન્કા ૧૯૪૩માં રિલીઝ થઈ ત્યારે આવી પચાસમાંની જ એક રેગ્યુલર ફિલ્મ હતી. કોઈને કલ્પના પણ નહોતી કે આ ફિલ્મ આગળ જતાં વિશ્વની સર્વકાલીન મહાનતમ ફિલ્મોના ટોપ-હન્ડ્રેડ શુંં, ટોપ-ટેન લિસ્ટમાં હકથી સ્થાન જમાવી દેશે!



વોર્નર બ્રધર્સ સ્ટુડિયોના માલિકોની ઈચ્છા હતી કે આ ફિલ્મ વિલિયમ વાઈલર ડિરેક્ટ કરે (કે જેણે વર્ષો પછી રોમન હોલીડે અને બેન-હર બનાવી), પણ એ અવેલેબલ નહોતા એટલે માઈકલ કર્ટિઝને કેપ્ટન-ઓફ--શિપ બનાવવામાં આવ્યા. આખી કાસાબ્લાન્કા સ્ટુડિયોમાં શૂટ કરવામાં આવી છે. તે વખતે બીજું વિશ્વયુદ્ધ હજુ ચાલતું હતું એટલે એરપોર્ટ પર શૂટિંગ કરવાની મનાઈ હતી. આથી ક્લાઈમેક્સમાં સાચુકલાં પ્લેનને બદલે પ્લેનનાં કટઆઉટ્સ મૂકી દેવામાં આવ્યા. ઠીંગણા એકસ્ટ્રા કલાકારોને વીણી વીણીને એની આસપાસ ફરતા દેખાડવામાં આવ્યા કે જેથી પ્લેન મોટું દેખાય!

હીરો તરીકે રોનાલ્ડ રેગનને (જે પછી અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા) લેવાની વાત ફેલાઈ હતી, પણ આ રોલ મળ્યો હમ્ફ્રી બોગર્ટને. હિરોઈન ઈન્ગ્રિડ બર્ગમેનને એની હાઈટને કારણે ખૂબ પ્રોબ્લેમ થતા હતા, કારણ કે તે હીરો કરતાં બે ઈંચ ઊંચી હતી. આથી બન્નેના સજોડે સીન હોય ત્યારે બોગર્ટને ટચૂકડા સ્ટૂલ પર ખડો કરી દેવામાં આવતો યા તો ઓશિકા ઉપર બેસાડવામાં આવતો! આખી ફિલ્મમાં બોગર્ટ હિરોઈનને વહાલથી કહેતો રહે છે, હિઅર્સ લૂકિંગ એટ યુ, કિડ! આ ડાયલોગ હજુય ખૂબ પોપ્યુલર છે. પ્લે ઈટ અગેન, સેમ! ડાયલોગને સામાન્યપણે કાસાબ્લાન્કા સાથે જોડવામાં આવે છે. હકીકતમાં ફિલ્મમાં ઈન્ગ્રિડ પિયાનોવાદક પ્લે ઈટ, સેમ! એમ કહે છે.



ફિલ્મ ક્લાસિક હોય એટલે એનું મેકિંગ પણ ક્લાસિક અને પરફેક્ટ જ હશે એવું માનવાની ભુલ કરશો નહીં. કાસાબ્લાન્કામાં રોજ સેટ પર ડાયલોગ્ઝ બદલવામાં આવતા. એ તો ઠીક, ફિલ્મનો અંત શું રાખવો છે તે વિશે છેક સુધી સ્પષ્ટતા નહોતી! ઈન્ગ્રિડ સતત ડિરેક્ટરને અને લેખકોનું માથું ખાધા કરતી: એન્ડમાં મારે કોની સાથે જવાનું છે? હસબન્ડ સાથે કે લવર સાથે? લેખકો કહેતા: શાંતિ રાખ. જેવી અમને ખબર પડશે એટલે તરત તને જાણ કરવામાં આવશે! ખેર, બહુ મથ્યા પછી લેખકોએ નક્કી કર્યું કે ઈન્ગ્રિડ અને બોગર્ટને ભેગા કરીને ખાધું પીધું ને રાજ કીધું જેવો રોમેન્ટિક એન્ડ લાવીશું તો મજા નહીં આવે. ભલે બોગર્ટ પોતાના પ્રેમનો ત્યાગ કરે. ભલે એમની  લવસ્ટોરી અધૂરી રહી જાય. એમ જ કરવામાં આવ્યું. ફિલ્મનો વિષાદમય અંત સચોટ પૂરવાર થયો. ફિલ્મી પંડિતો કહે છે કે વાર્તાને જો હેપી એન્ડિંગ આપવામાં આવ્યો  હોત તો કાસાબ્લાન્કાની ગણના આજે ક્લાસિક તરીકે ન થતી હોત! કાસાબ્લાન્કા પરફેક્ટ ફિલ્મ ગણવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં રોમાન્સ, દેશપ્રેમ, રહસ્ય અને આદર્શવાદ જેવા તત્ત્વોનું અફલાતૂન કોમ્બિનેશન થયું છે

મસ્ત મજાનું સ્ટોરીટેલિંગ, તમામ ભુમિકાઓમાં કાસ્ટ કરવામાં આવેલા કલાકારોનો તગડો અભિનય અને ઈન્ગ્રિડ બર્ગમેનનું રુપ જોવા માટે આ બ્લેક-એન્ડ-વ્હાઈટ ફિલ્મ અચુક માણવા જેવી છે.   

કાસાબ્લાન્કા ફેક્ટ ફાઈલ

ડિરેક્ટર           
માઈકલ કર્ટિઝ 
મૂળ નાટ્યલેખક    
મુર્રે બ્રુનેટ, જોન એલિસન
સ્ક્રીનપ્લે         
જુલિયસ ઈપ્સટાઈન, ફિલીપ ઈપ્સટાઈન, હાર્વર્ડ કોચ
કલાકાર            
હમ્ફ્રી બોગર્ટ, ઈન્ગ્રિડ બર્ગમેન, પૉલ હેનરીડ  
રિલીઝ ડેટ          
૨૩ જાન્યુઆરી, ૧૯૪૩
મહત્ત્વના અવોર્ડઝબેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ સ્ક્રીનપ્લે માટેના ઓસ્કર અવોર્ડઝ
                                                         

No comments:

Post a Comment