Wednesday, February 27, 2013

‘ગોન વિથ ધ વિન્ડ’ : જિંદગી કે સફર મેં ગુઝર જાતે હૈ જો મકામ... વો ફિર નહીં આતે


મુંબઈ સમાચાર- હોલીવૂડ હંડ્રેડ - તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩   

કોલમ: હોલીવૂડ હંડ્રેડ: મરતાં પહેલાં જોવી પડે એવી ૧૦૦ વિદેશી ફિલ્મો

હવે તારી સાથે રહેવું મારાથી શક્ય નહીં બને. હું મારી જાતને બચાવીશ નહીં તો આપણો લગ્નસંબંધ મને ખતમ કરી નાખશે. હું એકલો રહીશ, તારાથી દૂર.
                     ફિલ્મ નંબર ૧૧: ગોન વિથ ધ વિન્ડ

હીં તો આપણે હંડ્રેડ ફિલ્મોની વાત માંડી છે, પણ ધારો કે કોઈ તમારા લમણાં પર બંદૂક મૂકીને પૂછે છે કે પાંચ - રિપીટ - ફક્ત પાંચ જ હોલીવૂડ ક્લાસિકનાં નામ ફટાફર બોલી જાઓ, તો તમે જે પાંચ નામ ગણાવો એમાં એક ગોન વિથ ધ વિન્ડ ફિલ્મ જરુર હોવાની. આજે આપણે આ ૭૪ વર્ષ જૂની ફિલ્મ વિશે વિગતે ચર્ચા કરવાના છીએ.

ફિલ્મમાં શું છે?   

આને તમે એક રોમેન્ટિક પિરિયડ ફિલ્મ પણ કહી શકો અને સ્કારલેટ ઓહારા (વિવિયન લી) નામની સુંદર સ્ત્રીની ઘટનાપ્રચૂર જીવનકથા  પણ કહી શકો. અલબત્ત, સ્કારલેટ એક પાત્ર કાલ્પનિક છે, પણ ફિલ્મનો જે સમયગાળો પસંદ કરવામાં આવ્યો છે તે અમેરિકન ઈતિહાસનો એક  સાચુકલો અને પીડાદાયી ટુકડો છે. અમેરિકામાં ૧૮૬૧માં સિવિલ વોર ફાટી નીકળ્યું એની પહેલાં વાર્તાની શરૂઆત થાય છે. સ્કારલેટ અટલાન્ટામાં વસતા એક શ્રીમંત પરિવારનું મોઢે ચડાવેલું ફરજંદ છે. એ જુવાન છે, અતિ ખૂબસૂરત છે. જુવાનિયાઓનું અટેન્શન મેળવવું એને ખૂબ ગમે છે. એશલી (લેસ્લી હાવર્ડ) નામના યુવાનના એ પ્રેમમાં છે, પણ એશલી એની કઝિન મેલેની (ઓલિવિયા દ હેવીલેન્ડ)ને ચાહે છે. સ્કારલેટ જેટલી ઉછાંછળી અને ચંચળ છે એટલી જ મેલેની સરળ અને ડાહી છે. પરણી જાય છે એટલે સ્કારલેટ બળી બળીને રાખ થઈ જાય છે. મેલેનીના ભાઈ માટે એના મનમાં ક્યારેય લાગણી નહોતી, છતાંય તે ગિન્નાઈને, કેવળ એક પ્રતિક્રિયા રુપે તેની સાથે લગ્ન કરી લે છે. સ્કારલેટના મનમાં થયેલી આ ઉથલપાથલ રેટ બટલર (ક્લર્ક ગેબલ ) નામનો એક ધનિક છેલછોગાળો ધનિક પુરુષ બરાબર જાણે છેઅમેરિકન સિવિલ વોર ફાટી નીકળતા જુવાનિયાઓ લડાઈ કરવા જતા રહે છે. સ્કારલેટનો વર હણાઈ જાય છે. સ્કારલેટ વિધવા થઈ જાય છે, પણ એને નથી કોઈ દુખ કે નથી કોઈ અફસોસ. ક્યાંથી હોય! ઊલટાની એશલીને પામવાની એની ઝંખવા પાછી જાગૃત થાય છે. યુદ્ધને કારણે પુષ્કળ વિનાશ થાય છે. આવા ભયાનક માહોલમાં મેલેની દીકરાને જન્મ આપે છે. સ્કારલેટે એશલીને વચન આપ્યું હતું કે હું તારી પત્નીનો ખ્યાલ રાખીશ. સ્કારલેટ જબરદસ્ત હાડમારીઓ વચ્ચે પણ પોતાનું વચન પાળે છે. રેટ બટલર એને ખૂબ મદદ કરે છે. સ્કારલેટ અને રેટ વચ્ચે શરુઆતથી જ લવ-હેટ રિલેશનશિપ છે. લવ સાવ નામ પૂરતો અને હેટ પુષ્કળ. યુદ્ધના દુષ્પરિણામ રુપે સ્કારલેટ અને એનો પરિવાર ભૂખે મરે છે. જો તોતિંગ ટેક્સ ન ભરે તો એ લોકો જ્યાં રહે છે તે જગ્યા પણ હાથમાંથી જાય એમ છે. પોતાનું ઘર બચાવવા સ્કારલેટને હવે કોઈ પણ હિસાબે નાણાં જોઈએ છે. તે ચાલાકી કરીને પોતાની સગી નાની બહેનના શ્રીમંત મંગેતરને પરણી જાય છે. કાળનું કરવું કે આ હસબન્ડ નંબર ટુ પણ ગુજરી જાય છે. નવેસરથી વિધવા થઈ ગયેલી સ્કારલેટ સાથે રેટ બટલરની નિકટતા વધે છે. સ્કારલેટ તેની સાથે ત્રીજાં લગ્ન કરે છે. તકલીફ એ છે કે આ બન્નેની રિલેશનશિપના પાયામાં જ ગરબડ છે. એક યુગલ તરીકે તેઓ નિષ્ફળ છે.

સ્કારલેટ એક દીકરીની મા બને છે, પણ એનું એશલી પ્રત્યેનું આકર્ષણ હજુ ઓસર્યું નથી. રેટ બટલર આ જાણે છે. તે ડિવોર્સની માગણી કરે છે. સ્કારલેટ ના પાડી દે છે. બટલર રોષે ભરાઈને દીકરીને લઈને લંડન ફરવા જતો રહે છે. ત્યાં જે રીતે દીકરી માને યાદ કર્યા કરે છે તે પરથી એને ભાન થાય છે કે બચ્ચાને મા વગરની કરી દેવી યોગ્ય નથી. મા ન હોવા કરતાં ખરાબ મા હોવી બહેતર. એ પાછો ઘરે આવી જાય છે. કમનસીબ જુઓ. નાનકડી મીઠડી દીકરી ઘોડા પરથી પડીને મૃત્યુ પામે છે. બટલર પત્નીને કહે છે: આપણે બન્નેને જોડી રાખતી કડી પણ રહી નથી, હવે સાથે રહેવાનો શો મતલબ છે? દરમિયાન મેલેની પણ મૃત્યુ પામે છે. એશલીનો વિલાપ જોઈને સ્કારલેટને ભાન થાય છે કે હું નકામી આખી જિંદગી એશલી માટે તરફડતી રહી. મને એશલી પ્રત્યે પ્રત્યે ફક્ત આકર્ષણ છે, પ્રેમ નહીં. પ્રેમ તો એ પોતાના પતિને જ કરે છે! પણ હવે બહુ મોડું થઈ ગયું છે. બટલર કહે છે: હવે તારી સાથે રહેવું મારાથી શક્ય નહીં બને. હું મારી જાતને બચાવીશ નહીં તો આપણો લગ્નસંબંધ મને ખતમ કરી નાખશે. હું એકલો રહીશ, તારાથી દૂર. એ બગ પેક કરીને જતો રહે છે. સ્કારલેટ પર દુખનો પહાડ તૂટી પડે છે. પણ એ નિર્ણય લે છે: નહીં. હું હાર નહીં માનું. હું મારા પતિનું દિલ જીતીને જ રહીશ.... બસ, આવા એક આશાભર્યા મોડ પર ફિલ્મ પૂરી થાય છે.

કહાણી પહેલાંની અને પછીની

ગોન વિથ ધ વિન્ડ માર્ગારેટ મિચેલ નામની લેખિકાએ લખેલી પુલિત્ઝર પ્રાઈઝ વિનર નવલકથા પર આધારિત છે. હીરો તરીકે એટલે રેટ બટલરના રોલમાં સુપરસ્ટાર ક્લર્ક ગેબલને જ લેવા એ શરુઆતથી નિશ્ચિત હતું. સ્કારલેટના રોલ માટે અમેરિકાભરમાં ઓડિશન્સ ગોઠવાયાં. ધૂમ ખર્ચ કરીને લગભગ ૧૪૦૦ જેટલી અજાણી યુવતીઓની ટેસ્ટ લેવાઈ. આમાંથી એક પણ ક્ધયા નિર્માતાઓને ગમી નહીં. નાયિકા ભલે ન મળી, પણ આ કસરતને કારણે અમેરિકામાં આ ફિલ્મને જબરદસ્ત હાઈપ જરુર મળી ગઈ. ત્યાર બાદ ચાર અભિનેત્રીઓને અલગ તારવવામાં આવી. એમાંથી આખરે પોલેટ ગોડાર્ડ અને વિવિયન લી શોર્ટલિસ્ટ થઈ. પોલેટ ગોડાર્ડ હિરાઈન તરીકે લગભગ ફાયનલ થઈ ગઈ હતી, પણ ચાર્લી ચેપ્લિન સાથેનો એનો સંબંધ એને ભારે પડી પડ્યો. ચાર્લી અને એ જાહેરમાં દાવો કરતા હતા કે અમે ચીનમાં લગ્ન કરી લીધાં છે, પણ ખાનગીમાં દોસ્તોને કહ્યા કરતા હતા કે અમે તો કાયદેસર પરણ્યાં વગર જ સાથે રહીએ છીએ. આને લીધે વિવાદ થઈ ગયો હતો. નિર્માતાઓએ વિચાર્યું કે સ્કારલેટ જેવા ફિલ્મના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ રોલમાં આવી વિવાદાસ્પદ અભિનેત્રીને લઈશું તો નાહકનું નુક્સાન થઈ જશે. આથી લોરેટ રેસમાંથી આઉટ થઈ ગઈ અને વિવિયન લી નામની ઊભરતી બ્રિટિશ એક્ટ્રેસ આ અવિસ્મરણીય ભુમિકાને લીધે યશસ્વી બની ગઈ! મજા જુઓ. ફિલ્મનો નાયક કે નાયિકા બન્નેમાંથી કોઈ ગુણવાન નથી. સ્કારલેટ ખરેખર તો ક્ધફ્યુઝ્ડ, હવા જોઈને દિશા બદલી નાખતી, સગવડિયા સંબંધોમાં માનતી લુચ્ચી સ્ત્રી છે. છતાંય એનામાં રુપ સિવાય પણ એવું કશુંક છે જેને કારણે તેનું વ્યક્તિત્ત્વ બહુ ગમી જાય તેવું ઊપસે છે. વિવિયન આ પાત્રને જીવી ગઈ છે. માસૂમિયતથી સખ્તાઈ અને ક્ધફ્યુઝનથી કડવાશ સુધીના રંગપલટા એણે જબરદસ્ત ઉપસાવ્યાં છે.ગોન વિથ ધ વિન્ડનો ફર્સ્ટ કટ પાંચેક કલાક જેટલો લાંબો હતો. કાપીકૂપીને ફિલ્મ આખરે ત્રણ કલાક ૫૮ મિનિટ એટલે કે લગભગ ચાર કલાકની કરવામાં આવીજાણે કોઈ પાટવી કુંવરનો રાજ્યાભિષેક થઈ રહ્યો હોય એવી  ધામધૂમથી આ અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મનું પ્રિમીયર યોજાયું. ટેક્નિકલરમાં બનેલી આ ફિલ્મની ભવ્યતા અને અફલાતૂન જોઈને ઓડિયન્સ ચકિત થઈ ગયું. વિવેચકોએ અદભુત રિવ્યુ લખ્યા. બારમા એકેડેમી અવોર્ડઝમાં એને બાર-બાર નોમિનેશન્સ મળ્યાં, જેમાંથી આઠમાં એની જીત થઈ. આ એક રેકોર્ડ હતો, જે છેક ૨૦ વર્ષ પછી બેનહર ફિલ્મે તોડ્યો. બોક્સઓફિસ પર પણ નવા વિક્રમો સ્થાપ્યા. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રકોર્ડઝની ૨૦૧૧ની એડિશનમાં મોસ્ટ સક્સેસફુલ ફિલ્મ ઈન સિનેમા હિસ્ટ્રી તરીકે આ ફિલ્મની ગર્વભેર નોંધ લેવામાં આવી. આનાથી વધુ બીજું શું જોઈએ?

ગોન વિથ ધ વિન્ડ ફેક્ટ-ફાઈલ

ડિરેક્ટર          : વિક્ટર ફ્લેમિંગ 
કલાકાર          :  કલર્ક ગેબલ, વિવિયન લી, લેસ્લી     હાવર્ડ 
મૂળ નવલકથાકાર : માર્ગારેટ મિચેલ   
સ્ક્રીનપ્લે          : સિડની હાવર્ડ
રિલીઝ ડેટ        : ૧૫ ડિસેમ્બર ૧૯૩૯
અવોર્ડઝ         : બેસ્ટ પિક્ચર, એક્ટ્રેસ, સપોર્ટિંગ એક્ટ્રેસ, ડિરેક્ટર સ્ક્રીનપ્લે, સિનેમેટોગ્રાફી, ઈન્ટીરિયર ડેકોરેશન અને એડિટિંગ માટેના ઓસ્કર અવોર્ડઝ       


No comments:

Post a Comment