Sunday, March 10, 2013

સૂર્ય, સિનેમા ઔર પોલિટિક્સ


દિવ્ય ભાસ્કર - સન્ડે સપ્લીમેન્ટ - 10  માર્ચ 2013

કોલમ: મલ્ટિપ્લેક્સ

બેકારીના દિવસોમાં ફિલ્મ ડિરેક્ટર તિગ્માંશુ ધુલિયાએ એક કૂતરો પાડ્યો હતો અને એને ‘એક્શન’ એવું નામ આપ્યું હતું. કૂતરાને બોલાવવાના બહાને દિવસમાં કેટલીય વાર ‘એક્શન... એક્શન...’ પોકારીને તેઓ પોતાની ડિરેક્ટર તરીકેની ભૂખ ભાંગતા!  
1999-2000ના અરસામાં સ્ટાર પ્લસ ચેનલ પર ‘સ્ટાર બેસ્ટસેલર્સ’ નામનો એક સરસ વીક્લી શો આવતો હતો. એક કલાકનો શો હોય, સાહિત્યિક મૂલ્ય ધરાવતી જુદી જુદી ભાષાઓની ટૂંકી વાર્તા પરથી એક આખો એપિસોડ બનાવવામાં આવ્યો હોય. તેમાં ચંદ્રકાંત બક્ષીની અફલાતૂન નવલિકા ‘એક સાંજની મુલાકાત’ પર આધારિત એક એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. રસિક યુવાન, ભીરુ પત્ની અને જે ઘરમાં તેઓ ભાડે રહે છે તે મકાનની નખરાળી માલિકણ. માલિકણ આધેડ છે, પણ એની જુવાની હજુ શાંત થઈ નથી. એનાં નખરાં અને ઈશારાથી યુવાનના અરમાન ખીલી ઉઠ્યા છે. બસ, તક મળે એટલી વાર છે. આખરે વાર્તાના અંત ભાગમાં મોકો મળે છે. માલિકણ થનગન થનગન થઈ રહેલા યુવાનને એકાંતમાં મળે છે અને બોમ્બ ફોડે છે: હું તમને કેટલાય દિવસોથી એક વાત કહેવાની કોશિશ કરી રહી છું... તમે દુકાને જાઓ પછી તમારી પીઠ પાછળ રોજ બપોરે કોઈ પુરુષ તમારી પત્નીને મળવા આવે છે... ચેતજો!

 બેવકૂફ બની જતા લોલુપ યુવાનનું પાત્ર ઈરફાન ખાને ભજવેલું. ઈરફાન તે વખતે હજુ ઈરફાન નહોતો બન્યો. તિસ્કા ચોપડા (કે જેણે ‘તારે જમીં પર’ના બાળકલાકારની મમ્મીનો રોલ ભજવેલો) છૂપી રુસ્તમ પત્ની બની હતી અને નખરાળી મકાન-માલિકણનો રોલ હિમાની શિવપુરીએ ભજવેલો. એપિસોડના ડિરેક્ટર તરીકે એક નવું અને અજાણ્યું નામ હતું - તિગ્માંશુ ધુલિયા. ‘બેસ્ટસેલર્સ’ના આ સિવાયના પણ બીજા કેટલાક એપિસોડ્સ એમણે ડિરેક્ટ કરેલા. સાહિત્યકૃતિ વાંચવામાં અને એને પડદા પર જોવામાં બન્નેમાં એકસરખો જલસો પડે એવું બહુ ઓછું બનતું હોય છે. ‘એક શામ કી મુલાકાત’માં એવું બનેલું. પુત્રનાં લક્ષણ પારણામાં. આ ડિરેક્ટર દાદો માણસ છે એવી પ્રતીતિ બાર-તેર વર્ષ પહેલાં જ કરાવી ચુકનાર તિગ્માંશુ ધુલિયાએ આગળ જતાં ‘પાનસિંહ તોમર’ જેવી અદભુત ફિલ્મ બનાવી. ઓસ્કરની બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરી માટે ‘પાનસિંહ તોમર’ જેવી ઓરિજિનલ અને અફલાતૂન ભારતીય સોડમ ધરાવતી ફિલ્મ પસંદ કરવાને બદલે નિર્ણાયકોએ ‘બરફી!’ને મોકલીને મૂર્ખતા અને બદમાશીનું પ્રદર્શન કર્યું. ખેર, તિગ્માંશુને આ પ્રકારના અપસેટ કોઈ નવાઈ નથી. પોતાની કરિઅરમાં તેઓ આવું ઘણું જોઈ ચુક્યા છે.

અલાહાબાદમાં જન્મેલા અને ઊછરેલા તિગ્માંશુને મૂળ બનવું હતું એક્ટર, પણ દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ત્રણ વર્ષની ટ્રેનિંગ દરમિયાન સમજાઈ ગયું કે એક્ટિંગ આપણું કામ નહીં. જોકે અભિનયના જે થોડાઘણા કીડા સિસ્ટમમાં બાકી રહી ગયા હતા તે વર્ષો પછી ‘ગેંગ્સ ઓફ વાસેપુર’માં એમણે સંતોષ્યા ખરા! તિગ્માંશુ સુશિક્ષિત પરિવારના ફરજંદ છે. એમના પિતાજી અલાહાબાદ હાઈકોર્ટમાં જજ હતા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા સાથે  સંકળાયેલા હતા. મમ્મી સંસ્કૃતનાં પ્રોફેસર. તિગ્માંશુનું નામ એમનાં મમ્મીએ જ પાડ્યું હોવું જોઈએ. સંસ્કૃત ભાષામાં ‘તિગ્માંશુ’ શબ્દના બે અર્થ થાય છે - તીક્ષ્ણ આંખ ધરાવતી વ્યક્તિ અને સૂર્ય. બહુ સુંદર નામ છે આ. એમના બે મોટા ભાઈઓ પૈકીનો એક આગળ જતા નેવીમાં જોડાયો. બીજો પપ્પાની જેમ ન્યાયાધીશ બન્યો. નાના હતા ત્યારે રોજ રાત્રે ડિનર લેતી વખતે ડાઈનિંગ ટેબલ પર મમ્મી-પપ્પા અલકમલકની વાતો કરતાં. આ વાતોએ તિગ્માંશુનું નક્કર ઘડતર કર્યું.પહેલાં તિગ્માંશુ અલાહાબાદ યુનિવર્સિટીમાં ભણતા હતા ત્યારે સ્ટુડન્ટ્સ મુવમેન્ટમાં જોડાયા હતા. પાનો ચડાવતાં ગીતો લખે, સ્ટ્રીટ-પ્લેઝ કરે. સ્ટુડન્ડ પોલિટિક્સનો એમણે ર્ફ્સ્ટ-હેન્ડ અનુભવ લીધો, જે તેમની પહેલી ફિલ્મ ‘હાસિલ’ (2003)માં સરસ રીતે ઉતર્યો. ‘હાસિલ’ એક અસરકારક ફિલ્મ હતી. ‘ચરસ’ (2004) એમની બીજી ફિલ્મ. એ રિલીઝ થયા પછીનાં લાગલગાટ સાત વર્ષ સુધી તિગ્માંશુ એક પણ ફિલ્મ ન આવી. સેટ પર ‘એક્શન...!’ કહેવાનો મોકો નહોતો મળતો એટલે આ ભૂખ ભાંગવા તેમણે એક કૂતરું પાડ્યું અને તેને નામ આપ્યું ‘એક્શન’. આ રીતે કૂતરાને બોલાવવાને બહાને તેઓ દિવસમાં કેટલીય વાર ‘એક્શન... એક્શન..’ પોકારી શકતા! ત્યાર બાદ, નબળો પૂરવાર થયેલા સમયગાળાનું સાટું વાળી નાખવું હોય તેમ 2011-12 દરમિયાન દસ મહિનામાં ધડાધડ ત્રણ ફિલ્મો રિલીઝ થઈ ગઈ - નાના પાટેકરને ચમકાવતી ‘શાગિર્દ’ (સાધારણ), ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર’ (સરસ) અને ‘પાનસિંહ તોમર’ (અતિ સરસ). સાચું પૂછો તો ‘પાનસિંહ તોમર’ તિગ્માંશુની સૌથી પહેલી ફિલ્મ હોવી જોઈતી હતી, કારણ કે તેમના મનમાં આ આઈડિયા 1991થી ઘુમરાયા કરતો હતો. તેમણે શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’ માટે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરેલું. આ ફિલ્મનું ચંબલની ભુલભુલૈયા જેવી કોતરોમાં ખૂબ શૂટિંગ થયેલું. તિગ્માંશુ ત્યારથી આ વિસ્તારથી પરિચિત હતા. ‘પાનસિંહ તોમર’ આ જ લોકાલમાં આકાર લે છે.

તિગ્માંશુ સામાન્યપણે ખરબચડા અને હાર્ડ-હિટિંગ વિષયો તરફ આકર્ષાય છે. એમની ફિલ્મો સાચા અર્થમાં ‘દેસી’ હોય છે. તેઓ નવી પેઢીના તેજસ્વી ફિલ્મમેકર્સમાંના એક ગણાય છે. એ ડિરેક્ટર ઉપરાંત લેખક અને હવે તો પ્રોડ્યુસર પણ છે. જોકે જતે દહાડે તેમને રાજકારણમાં ઝંપલાવવાની ખ્વાહિશ છે. એક મુલાકાતમાં એ કહે છે, ‘તમે કંઈ ફિલ્મો બનાવીને સમાજમાં પરિવર્તન લાવી ન શકો. ફિલ્મો બનાવવી તો સહેલી છે. જો ખરેખર સિસ્ટમ બદલવી હોય કે કશુંક નક્કર કરવું હોય તો રાજકારણમાં ઝંપલાવવું પડે.’

એક જ્યોતિષે એમને કહ્યું છે કે 16 ફિલ્મો બનાવી લઈશ પછી તારો રાજકારણ-પ્રવેશનો યોગ ઊભા થશે. તિગ્માંશુ હસતા હસતા કહે છે, ‘જુઓને,  મારી છ ફિલ્મો તો થઈ ગઈ. હવે દસ બાકી રહી!’

45 વર્ષના તિગ્માંશુની છઠ્ઠી ફિલ્મ એટલે આ શુક્રવારે રિલીઝ થયેલી ‘સાહબ, બીબી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ’. આ ફિલ્મ કેવીક છે અને બોક્સઓફિસ પર કેવોક કરી કમાલ દેખાડી શકે એ તો નીવડ્યે વખાણ. હવે પછી આવનારી ફિલ્મોનાં ટાઈટલ છે, ‘બુલેટ રાજા’ અને ‘મિલન ટોકીઝ’. સૈફ અલી ખાન, જિમી શેરગિલ અને સોનાક્ષી સિંન્હાને ચમકાવતી ‘બુલેટ રાજા’, અગેન, એક ગેંગસ્ટર ફિલ્મ છે. એનું અમુક શૂટિંગ કચ્છમાં પણ થયું છે. ‘મિલન ટોકીઝ’માં પ્રિયંકા ચોપડા અને ઈમરાન ખાન દેખાશે. એમાં એક નાનકડા નગરનું સિંગલ-સ્ક્રીન થિયેટર તે ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે અને તેમાં પાયરસીના મુદ્દાને હલકીફુલકી શૈલીમાં સ્પર્શવામાં આવ્યો છે. ટૂંકમાં, તિગ્માંશુની ફિલ્મોમાં મેઈનસ્ટ્રીમ એ-લિસ્ટ કલાકારો દેખાશે ખરા.તિગ્માંશુના મનમાં એક ઓર ડ્રીમ સબ્જેક્ટ લાંબા સમયથી ઘુમરાયા કરતો હતો- ‘કિલિંગ ઓફ અ પોર્ન ફિલ્મમેકર’! એક ચક્રમ આદમી છે, જે વાહિયાત પોર્ન ફિલ્મો બનાવે છે અને એને લાગે છે કે ગયા ભવમાં પોતે એડોલ્ફ હિટલર હતો! તિગ્માંશુ અને ઈરફાન એનએસડીના જમાનાથી મિત્રો છે. તિગ્માંશુની પહેલી ચોઈસ મોટે ભાગે ઈરફાન જ હોય. ઈરફાન ખાનને લઈને એમણે ‘કિલિંગ ઓફ અ પોર્ન ફિલ્મમેકર’ પર કામ કરવાનું શરુ પણ કર્યું, પણ કોઈક કારણસર કામકાજ અટકી પડ્યું. દોઢેક વર્ષ પહેલાં ‘જય રામજી’ નામની ફિલ્મ શરુ કરી, જેમાં ઈરફાન ઉપરાંત અર્જુન રામપાલ અને પ્રીતિ ઝિન્ટા પણ છે. આ પ્રોજેક્ટ પણ અત્યારે તો સ્થગિત થઈ ગયો છે.

ખેર, બોલીવૂડમાં આવું બધું સામાન્ય કહેવાય. ભલભલા સુપરસ્ટાર્સ અને સુપર ડિરેક્ટરોની ફિલ્મો અટકી પડતી હોય ત્યારે તિગ્માંશુ ધુલિયા જેવા ‘ન્યુ વેવ ફિલ્મમેકર’ના પ્રોજેક્ટમાં વિઘ્નો ન આવે તો જ નવાઈ.

શો-સ્ટોપર

પ્રેમ વિશે મારા મનમાં કોઈ ફુલગુલાબી ખ્યાલો નથી. મને સમજાઈ ગયું છે કે આપણે રોમેન્ટિક-કોમેડી ફિલ્મોમાં જે કંઈ જોઈએ છીએ એમાંનું કશું જ રિઅલ લાઈફમાં બનતું હોતું નથી.

- અનુષ્કા શર્મા        
‘’

4 comments:

 1. બક્ષી, તિગ્માંશુ અને શિશિર રામાવત નો સંગમ અદ્-ભૂત્ રસ દર્શન કરાવે છે.

  ReplyDelete
 2. તિગ્માંશુ એક સારા ડીરેક્ટર હોવાની સાથે સારા એક્ટર પણ છે (ગેંગસ ઓફ વાસેપુર નું રામાધીર સિંહનું પાત્ર). Best sellersનો એક શામ કી મુલાકાત વાળો એપિસોડ યુ ટ્યુબ પર જોયો, મજા આવી.

  ReplyDelete
 3. તમે પણ એક સારા વાર્તાકાર છો શિશિરભાઈ... નાનકડી વાત પણ રસાળ શૈલીમાં રજૂ કરો છો. તમને એવું નથી લાગતું કે, તમારે પણ હવે એક ફિલ્મ બનાવવાની તૈયારી કરવી જોઈએ? :-)

  ReplyDelete
 4. @ k. R. Chaudhari, Saksharthakkar, Vishah Shah.... Thanks!

  ReplyDelete