Wednesday, February 26, 2020

વાત એક કુસ્તીબાજની...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 26 Feb 2019, બુધવાર
ટેક ઓફ 
બે ટંક પેટ ભરીને ખાવાનું પણ ન મળતું હોય એવી ગરીબીમાં ઊછરેલો અમદાવાદનો મેહુલ રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી શી રીતે બન્યો? 
મારે અમદાવાદમાં કશેક જવું છે. તમે બુક કરેલી ઑલા ટૅક્સીની રાઇડ છેલ્લી ઘડીએ કૅન્સલ થઈ ગઈ એટલે તમે તરત ઑલા બાઇક બુક કરી નાખો છો, કેમ કે અમદાવાદના વિચિત્ર ટ્રાફિકમાં કાર કે રિક્ષા કરતાં બાઇક ગંતવ્યસ્થાન પર ઝડપથી પહોંચાડી દે છે. થોડી મિનિટોમાં એક ઑલા બાઇક તમારી પાસે આવીને ઊભી રહે છે. તમે ટ્રેક સુટ પહેરેલા ડ્રાઇવરની પાછળ ગોઠવાઓ છો. પ્રદૂષણથી બચવા ડ્રાઇવરે ચહેરા પર બુકાની બાંધી રાખી છે એટલે એનો ચહેરો તો દેખાતો નથી, પણ એ સ્વભાવે વાતોડિયો છે તે તમને સમજાય છે. ડ્રાઇવર વાતવાતમાં કહે છે કે ઑલા બાઇક ચલાવવાથી જે થોડીઘણી કમાણી થાય છે એનાથી ઘર ચલાવવામાં મદદ મળે છે, બાકી મૂળ તો એ રેસ્લર એટલે કે કુસ્તીબાજ છે. તમે પૂછો છો, પણ અમદાવાદમાં કુસ્તી ક્યાં થાય છે?’ એ કહે છે, અમદાવાદ નહીં, સર, હું નેશનલ લેવલ પર કુસ્તી રમું છું.
તમને આશ્ચર્ય થાય છે. રાષ્ટ્રીય સ્તરના ખેલાડીએ પેટનો ખાડો પૂરવા માટે ઑલા બાઇકના ડ્રાઇવર બનવું પડે? તમને સ્થળ પર પહોંચાડ્યા પછી એ પોતાની બુકાની હટાવે છે. તમે એનો યુવાન ચહેરો જુઓ છો. એની સાફ, પારદર્શક આંખોમાં વિસ્મય અને પરિપક્વતાનું અજબ સંયોજન છે. તારું નામ શું છે, ભાઈ? તમે પૂછો છો. મેહુલ, એ કહે છે, મેહુલસિંહ પરમાર.
મેહુલની ઉંમર ફક્ત એકવીસ વર્ષ છે. એ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના એટલા બધા મેડલ જીતી ચુક્યો છે કે એની પાસે ખરેખર કોઈ હિસાબ રહ્યો નથી. કાષ્ઠના અમુક મેડલ તો નકામાં થઈ ગયાં છે, કારણ કે એના મકાનની છતમાંથી સતત થયા કરતા લીકેજને લીધે જે કોથળામાં આ બધાં મેડલ ઠાંસીને ભર્યાં હતાં તે બધા ભીનાં થઈને ખવાઈ ગયાં છે. મકાન ખરેખર તો સન્માનનીય શબ્દ કહેવાય. બાકી અમદાવાદના શાપુર વિસ્તારની જે જગ્યાએ એનું જીવન વીત્યું છે તે શંકરભુવનનાં છાપરાં તરીકે ઓળખાતી ઝૂંપડપટ્ટી છે. બંગલા કે લક્ઝુરીયસ ફ્લૅટ્સના બાથરૂમ હોય એટલા કદની, સમજોને કે સાત બાય સાત ફૂટની તે નાનકડી ખોલી છે, જેમાં એક સમયે મેહુલનો દસ-અગિયાર માણસોનો પરિવાર રહેતો હતો. ઘોબાવાળાં, તૂટેલાં ફૂટેલાં, એકની ઉપર એક ખડકાયેલાં જૂનાં વાસણોની માફક આ માણસો પણ રાતે ધક્કામૂક્કી કરતાં એકબીજાની ઉપર ખડકાઈ જાય. મેહુલ સહિત ઘરના ચારેક પુરુષોએ તો ઘરમાં સૂવાનો વિચાર પણ નહીં કરવાનો. એમણે બહાર ફૂટપાથ પર જ્યાં જગ્યાં મળે ત્યાં અથવા રિવર ફ્રન્ટ પર જઈને રાત ટૂંકી કરવાની. પેટ અડધુંપડધું ખાલી હોય કેમ કે પૂરતું ખાવાનું મળ્યું ન હોય. માએ જે દાળ-રોટલી રાંધ્યાં હોય તે ખાવા માટે ભાઈભાંડુડા વચ્ચે છીનાઝપટી ચાલતી હોય. એમાંથી થોડુંઘણું પોતાના ભાગે આવ્યું હોય. આમ છતાંય ઊંઘ આવી જાય, કેમ કે આખો દિવસ શરીર તૂટી જાય એટલી મહેનત કરી હોય. તમને થાય કે આવી ગરીબી અને વિષમ માહોલમાં મોટો થયેલો છોકરો રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી કેવી રીતે બન્યો?            
                                 
મેહુલને તમે પછી નિરાંતે મળો છો. તમને જાણકારી મળે છે કે હજુ ગયા જ વર્ષે મેહુલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પછી ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવતા હોય છે. ભારતમાં હિંદ કેસરી એ કુસ્તી-રેસલિંગ માટેનું સૌથી મોટું ટાઇટલ છે. તેમાં ત્રણ વખત ભાગ લઈ ચૂકેલો મેહુલ ગુજરાત કેસરીનો ખિતાબ જીતી ચૂક્યો છે. ઑલ ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી રેસલિંગ ચેમ્પિયનશિપ, ઑલ ઇન્ડિયા જુનિયર રેસલિંગ, ઑલ ઇન્ડિયા સિનિયર રેસલિંગ, ઑલ ઇન્ડિયા જુડો ચેમ્પિયનશિપ જેવી કંઈકેટલીય સ્પર્ધાઓમાં ક્યાંક સિલ્વર મેડલ, ક્યાંક બ્રોન્ઝ મેડલ, ક્યાંક ટૉપ-ફાઇવ, એનસીસી રાઇફલ શૂટિંગમાં બે વખત ગોલ્ડ મેડલ... જોતાં થાકી જવાય એટલો લાંબો મેહુલનો સ્પોર્ટિંગ બાયોડેટા છે.    
મારા પપ્પા ત્રિકમસિંહ પરમાર પેટિયું રળવા રાજસ્થાનથી અમદાવાદ આવેલા, મેહુલ વાત માંડે છે, એ રસ્તા પર ફળો વેચતા, સિઝનલ ધંધા કરતા. ધીમે ધીમે કરીને આખા પરિવારને તેમણે અમદાવાદ તેડાવી લીધો. મારાં મમ્મી ભગવતીબેન કાઠિયાવાડી છે, સુરેન્દ્રનગરનાં. અમે ચાર ભાઈ-બહેન. ચારેયનો જન્મ આ સ્લમ એરિયામાં જ થયો છે. પપ્પા ગુજરી ગયા ત્યારે હું છ વર્ષનો હતો. મારી મમ્મી અને બહેનો પારકાં કામ કરતી. ભાઈ લોખંડ વીણવા જાય, હાથલારી ચલાવે. હું પણ દસ વર્ષનો થયો ત્યારથી કમાવા લાગ્યો હતો. મને વેઇંગ મશીનમાં કાંટા ફિટ કરવાનું કામ મળેલું. રોજના ચાલીસ રૂપિયા કમાઈ લેતો.
ભલું થજો સંગીતા પંચાલ નામની મહિલાનું જેના ઘરે મેહુલના મમ્મી કામ કરવા જતાં. સંગીતા પંચાલે મેહુલને બળજબરીથી ભણવા મોકલ્યો. મેહુલનાં મમ્મી જ્યાં કામ કરતાં એ ઘરની બાજુમાં રાયફલ ક્લબ છે. મેહુલ અહીં અવારનવાર છોકરાઓને રમતાં, કરાટે અને બૉક્સિંગ કરતાં જુએ. એકવાર એણે મમ્મીને કહ્યું, મમ્મી, મારે પણ આ બધું કરવું છે. સિક્યોરિટીના માણસને પૂછપરછ કરતાં ખબર પડી કે અહીં મહિને 1400 રૂપિયાની ફી ભરવી પડે છે. મમ્મી મહિને માંડ સો-દોઢસો રૂપિયા કમાય, આટલી મોંઘી ફી કેવી રીતે પોસાય? નિરાશ થઈને મા-દીકરો નીકળી ગયાં. મેહુલના નસીબમાં જોકે ખેલકૂદ લખાયાં હતાં. નિશાળમાં ગુલ્લી મારીને એ ભાઈબંધો સાથે એક બગીચામાં ફરવા નીકળી જતો. અહીં એમને જય પંચાલ નામનો અઢારેક વર્ષનો એક જુવાનિયો મળી ગયો. જય હિન્દી ફિલ્મો જોઈજોઈને કિકીંગ, પંચિંગ, જમ્પિંગ વગેરે શીખી ગયેલો. એની પાસેથી મેહુલ અને એની ટોળકીએ આ બધું શીખવા માંડ્યું. મેહુલ સ્પ્લિટ મારતાં (બન્ને પગ 180 ડિગ્રીએ સીધા કરીને બેસતાં) પણ શીખી ગયેલો.
આકસ્મિક રીતે મળી જતી વ્યક્તિઓ ક્યારેક જીવનમાં નક્કરપણે કશુંક ઉમેરી દેતી છે. એક વાર મેહુલ લૉ ગાર્ડનમાં ભાઈબંધોને આ બધા દાવ દેખાડતો હતો. ટિંક કામા નામના અજાણ્યા મહાશય આ બધું જોઈ રહ્યા હતા. આ નેપાળી સજ્જને ટાબરિયાઓને કરાટેની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું – ફ્રીમાં. એક આખું વર્ષ આ ટ્રેનિંગ ચાલી. કરાટેના દાવ આવડતાં જ મેહુલકુમારે સ્કૂલમાં દાદાગીરી શરૂ કરી દીધી! કોઈને ક્યાંય રાડા થયા હોય તો સામેની પાર્ટીને મારવા માટે મેહુલને બોલાવવામાં આવે. ઝૂંપડપટ્ટીમાં આડોશપાડોશના છોકરાઓ સાથે ધમાલ ચાલ્યા જ કરતી હોય. સહેજ અમથું બાખડવાનું થાય એટલે તરત કહેવામાં આવેઃ ચાલ નદીમાં! ને પછી નદીના ખુલ્લા પટમાં છુટ્ટા હાથની મારામારી થાય!
દરમિયાન ટિંગસરને અમદાવાદ છોડીને જવાનું થયું, મેહુલ કહે છે, જતાં પહેલાં એમણે મને ગુજરાત વિદ્યાપીઠના કિરણ સર પાસે મોકલી આપ્યો કે જેથી મારી કરાટેની ટ્રેનિંગ અટકે નહીં. અહીં હું વુશુ માર્શલ આર્ટ્સ શીખ્યો. ત્રણ નેશનલ લેવલના અવોર્ડ જીત્યો. હું ઇન્ટરનેશનલ કોમ્પિટીશન માટે સિલેક્ટ થઈ ગયો હતો, રમવા માટે સિંગાપોર જવાનું હતું, પણ પચાસ હજાર રૂપિયા ભરવા પડે તેમ હતા. આટલી મોટી રકમ સાંભળતાં જ મેં ના પાડી પાડી.

આ વર્ષો દરમિયાન મેહુલે ગાંધી બ્રિજના છેડે આવેલી નેશનલ સાઇકલ નામની દુકાનમાં પંચર કરવાનું કામ કરવા માંડ્યું. સ્કૂલની ફી આ રીતે નીકળી જતી. આ સિલસિલો લાંબો સમય ન ચાલ્યો, કેમ કે સ્કૂલના છોકરાઓ એ... હવા ભર! એ... હવા ભર ને એવું બધું બોલીને એને ચીડવતા. નાનપણથી જ હાઇટ-બૉડી સારાં એટલે મેહુલને એક જગ્યાએ નાઇટ શિફ્ટમાં સિક્ટોરિટીનું કામ મળી ગયું. લગભગ આખી રાત જાગવાનું હોય છતાંય વહેલી સવારે ગાંધી બ્રિજથી જમાલ બ્રિજ અને જમાલ બ્રિજથી ગાંધી બ્રિજ સુધી દોડવાની દોડવાની કસરત તો કરવાની જ. તે વખતે રિવર ફ્રન્ટ હજુ બનતો હતો.   
નવમા ધોરણના વેકશનની આ વાત છે, મેહુલ પોતાની હિન્દીમિશ્રિત ગુજરાતીમાં વાત આગળ વધારે છે, લાલ દરવાજા પાસે મેં એક જગ્યા જોઈ. ત્યાં ખુલ્લામાં છોકરાઓ દંડબેઠક કરતા હતા. બાજુમાં એક દાદરો દેખાતો હતો. મેં પૂછપરછ કરી તો કહેવામાં આવ્યું કે શામ કો આના. સાંજે મને અહીં એક આદમી મળ્યો. મેં એમને વુશુ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ ને મેં જીતેલાં મેડલ વિશે વાત કરી. એ મને કહે, છોકરા, તું સાચી જગ્યાએ આવ્યો છે. તું અહીં નિયમિતપણે આવવા માંડ. અહીં ટ્રેનિંગ લેવાની કોઈ ફી નથી.
એ સાંજ, એ જગ્યા અને એ આદમીની મુલાકાતે મેહુલની જિંદગીને નિર્ણાયક વળાંક આપી દીધો. આ નવો વળાંકદાર રસ્તો એને ક્યાં લઈ જવાનો હતો? પેલા દાદરાનાં પગથિયાં ઉપર જઈને ક્યાં ખૂલતાં હતાં? મેહુલના નાનકડી પણ ઘટનાપ્રચુર જીવનનાં વધારે પાનાં આવતા બુધવારે ખોલીશું.
0 0 0


No comments:

Post a Comment