Thursday, February 13, 2020

ગાંધીજીનો બૂક રિવ્યુ અને શરીરનો રોટલો


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ટેક ઓફ 
‘‘પૃથિવીવલ્લભ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો?’

પુસ્તકો વાંચવાનો કે ફિલ્મો-નાટકો જોવાનો મારી પાસે સમય જ નથી. કામમાંથી ફૂરસદ મળે તોને?’
આવું બોલતા પહેલાં કે ઇવન વિચારતા પહેલાં અટકી જજો. દેશને આઝાદી અપાવવા જેવું વિરાટ કામ કરવાનું હોવા છતાં ગાંધીજી જો વચ્ચે વચ્ચે નવલકથાઓ વાંચવાનો, એટલું જ નહીં, એનો રિવ્યુ કરવાનો સમય કાઢી લેતા હોય તો આપણે કઈ વાડીના મૂળા? 1935માં બ્રિટનની પાર્લામેન્ટમાં ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ પાસ થયો ને તે ભારતમાં લાગુ પણ પડ્યો. ભારતને આઝાદી તરફ દોરી જતું અંગ્રેજોનું આ પહેલું કાયદેસરનું પગલું. આ અરસામાં ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત પૃથિવીવલ્લભ નવલકથા વાંચી. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ 170 પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. પૃથિવીવલ્લભ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે.  
પૃથિવીવલ્લભ વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી પૃથિવીવલ્લભનું શૉર્ટ ફૉર્મ પ્ર. વ. એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી 26 સપ્ટેમ્બર 1936ના રોજ ગાંધીજી લખે છેઃ
ભાઈ મુનશી,
કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે પૃથિવીવલ્લભ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. કાકાસાહેબ આ વાંચશે, તમે તો મને તમારાં કેટલાંક પુસ્તક જેલમાં જ મોકલ્યાં હતાં ત્યાં તો તેમાંનું કંઈ વાંચવા ન પામ્યો. તમે તે વખતે જ મારો અભિપ્રાય માગ્યો હતો. પ્ર. વ. બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.
હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું. રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? છૂંદો થઈ રહ્યું ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.
બાપુના આર્શીવાદ

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, 1936ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ
પૂજ્ય બાપુજીની સેવામાં,
પૃથિવીવલ્લભ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.
પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.
આપે Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે પૃ. વ. સૂચવ્યું હતું એમ કહેતા હતા.
આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ માનવતાના આર્ષદર્શનો નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિમાં આવે છે.)
કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, પૃથિવીવલ્લભ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.
જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?
સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક પૃ. વ. છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કૈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.
મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!
પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ
પૃથિવીવલ્લભ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા વેરની વસૂલાત ગણે છે. એમાં કર્મયોગની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.
આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું પૃ. વ. ને બ્રહ્મચર્યાશ્રમ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.
લિ.
ક. મા. મુનશીના પ્રણામ
મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યા છે! ગાંધીજીને શરીરનો રોટલો થઈ ગયો શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ
તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.
ખરેખર, ભવ્ય પુરુષો હતા ગાંધીજી અને મુનશી. આ આખા પત્રવ્યવહાર પરથી આપણે એક જ વસ્તુ શીખવાની છેઃ મારી પાસે સમય નથી એવા બહાનાં ભુલેચુકેય નહીં કાઢવાનાં! દેશને આઝાદી અપાવવા જેવા ભગીરથ કાર્યની વચ્ચે મુનશી જો નવલકથાઓ લખી શકતા હોય અને ગાંઘીજી તે ધ્યાનપૂર્વક વાંચીને પત્રમાં એનો રિવ્યુ લખી શકતા હોય તો આપણને મારી પાસે ટાઇમ નથી એવું વિચારવાનો પણ હક નથી!  

 0  0  0 

    

No comments:

Post a Comment