Wednesday, February 19, 2020

જાહેર જીવન અને શાલીનતા વચ્ચે શો સંબંધ છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 ફેબ્રુઆરી 2020, બુધવાર 
ટેક ઓફ 
દાંત વડે જીભ કચરાઈ જાય તો દાંતને તોડી ન નખાય. જે આપણા છે એમનાથી આપણને જાણ્યે અજાણ્યે ઈજા પહોંચી હોય તો એને આપણાથી દૂર કરી શકાતા નથી.

જે 19 ફેબ્રુઆરી 2020. બરાબર 114 વર્ષ પહેલાં, 1906ની સાલમાં નાગપુરમાં માધવરાવ સદાશિવરાવ ગોળવલકરનો જન્મ થયો હતો. તેમનું હુલામણું નામ ગુરૂજી. ગુરૂજી એટલે રાષ્ટ્રીય સેવક સંઘ યા તો આરએસએસના દ્વિતીય સરસંઘચાલક. સંસારમાં રહીને પણ સાધુ જેવું જીવન કેવું જીવાય એનું ઉત્તમ ઉદાહરણ ગુરૂજીએ પૂરું પાડ્યું. આજે ભાજપના કેટલાક નેતાઓ ઉશ્કેરાટમાં એલફેલ બોલી નાખે છે.  ગુરૂજી જે શાલીનતાથી જાહેર જીવન જીવ્યા હતા તેનાથી આ બટકબોલા નેતાઓ જોજનો દૂર નીકળી ગયા છે.   
1947માં દેશ આઝાદ થયો તે પછી સંઘનું કામ ખરેખર તો આસાન થવું જોઈતું હતું. થયું તેના કરતાં સાવ ઊલટું. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી ને આ દુર્ઘટનાએ સંઘ સામે વિપત્તિઓ પેદા કરી નાખી. ગોડસે  શરૂઆતમાં સંઘની શાખોમાં જરૂર આવતો હતો, પણ એને સંઘની હિંદુત્વ પ્રત્યેની વિચારધારા નરમ લાગી. આથી સંઘને ત્યજીને એ હિંદુ મહાસભામાં જોડાઈ ગયો. આમ, ગોડસે સંઘથી છેડો ફાડી ચૂક્યો હતો છતાં સંઘ દ્વેષથી પીડાતા તત્કાલીન કૉંગ્રેસી નેતાઓએ ગાંધીહત્યાના મામલામાં સંઘને સંડોવી દીધો. ગાંધીહત્યાને કારણે સંઘવિરોધીઓને તો જાણે સુવર્ણ તક મળી ગઈ હતી.
30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ ને 31 જાન્યુઆરીએ ગુરૂજીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને નાગપુરથી પત્ર લખ્યો. શું લખ્યું હતું એમાં? વાંચોઃ  
પ્રિય આદરણીય પં. જવાહરલાલ નેહરુ,
પ્રણામ.
કાલે મદ્રાસમાં મેં અત્યંત હૃદયવિદારક સમાચાર સાંભળ્યા કે કોઈ અવિવેકી એવા દુરાગ્રહી આત્માએ ગોળીબાર દ્વારા પૂજ્ય મહાત્માજીના જીવનના અકસ્માત એવમ્ ભયંકર અંત લાવીને એક નીચ દુષ્કૃત્ય કરી નાખ્યું છે. સંસારની દષ્ટિએ આ નીચ કર્મ આપણા સમાજ પર એક કલંક છે. જો આ કાર્ય કોઈ શત્રુદેશના કોઈ વ્યક્તિ દ્વારા થયું હોત તો પણ અક્ષમ્ય હોત  કેમ કે મહાત્માજીનું જીવન તો જનસમૂહના વિશિષ્ટ વર્ગોની પરિસીમાઓને પાર કરીને સંપૂર્ણ માનવતા માટે અર્પિત હતું. અતઃ આપણા જ દેશના એક નિવાસીએ આ કલ્પનાતીત ઘૃણિત કુકર્મ કર્યું એ જોઈને આપણો પ્રત્યેક દેશવાસી અસહ્ય વેદનાથી પરિપૂર્ણ થઈ જાય એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી. જે ક્ષણે મેં આ સમાચાર સાંભળ્યા ત્યારથી મારા હૃદય પર એક રિક્તતા છવાઈ ગઈ છે. એ મહાન સંગઠનકર્તાની અનુપસ્થિતિ નિકટ ભવિષ્યમાં ભયંકર દુષ્પરિણામોની આશંકાથી મારું હૃદય વ્યગ્રતાથી ભારે થઈ ગયું છે. જેણે અનેક પ્રતિકૂળ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને એક સૂત્રમાં બાંધી દઈને યોગ્ય માર્ગ પર પ્રવૃત્ત કર્યા એવા આ કુશળ કર્ણધર ઉપરનું આ આક્રમણ એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર દેશના વિશ્વાસઘાત સમાન છે.
ગોળવલકર પત્રમાં આગળ નેહરુજીને લખે છેઃ 
નિઃસંદેહ આપ અર્થાત આજની સરકારી સત્તાઓ આવા દેશદ્રોહી વ્યક્તિ પ્રત્યે તેને યોગ્ય વ્યવહાર કરશે. એ વ્યવહાર ગમે એટલો કઠોર હશે તો પણ હાનિની તુલનામાં કોમળ જ ઠરશે. આ અંગે મારે કંઈ કહેવાની આવશ્યકતા નથી. પરંતુ આજે આપણે બધા માટે પરીક્ષાની ઘડી આવી છે... સંગઠન તરફથી હું આ સંકટકાળમાં આ રાષ્ટ્રીય શોકમાં સહભાગી છું.
ગાંધીજીની હત્યાથી શોકાતુર થઈ ગયેલા ગુરૂજી 31 જાન્યુઆરીની રાતે નેહરુજીની સાથે સાથે એમ તો દેશના તે વખતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને પણ પત્ર લખ્યો હતોઃ     
આદરણીય સરદાર પટેલ,
પ્રણામ.
કાલે મદ્રાસમાં મેં એ ભયાનક ઘટનાના સમાચાર સાંભળ્યા કે જેણે સમગ્ર માનવતાને હચમચાવી દીધી છે. કદાચિત્ આવી નિન્દનીય તથા ઘૃણિત ઘટના અગાઉ ક્યારેય જોવામાં નથી મળી.... એ મહાન સંગઠનકર્તાના અકાળ પ્રયાણથી આપણા ઉપર જે જવાબદારી આવી પડી છે તેને આપણે હવે સંભાળી લેવાની રહી છે.... એ માટે આપણે સાચી અનુભૂતિઓ, સંયત વાતાવરણ અને બંધુભાવ દ્વારા આપણા બળને સંચિત કરવું જોઈએ અને રાષ્ટ્રીય જીવનને ચિરસ્થાયી એકાત્મતાથી આબદ્ધ કરવું જોઈએ.
એક આડવાત. પત્રરૂપ શ્રી ગુરૂજી નામના પુસ્તકમાં ગોળવલકરના આ અને બીજા કેટલાય પત્રોનો સંચય થયો છે. આ સંપાદન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદીએ. આડવાત પૂરી.

ગુરૂજીએ નેહરુને લખેલા પેલા પત્રથી કશો ફરક ન પડ્યો. પત્ર લખાયાની થોડી જ કલાકો પછી, 1 ફેબ્રુઆરી 1948ની મધરાતે ગુરુજીની ધરપકડ કરવામાં આવી. ગાંધીહત્યામાં સંઘનો કોઈ હાથ નહોતો છતાંય દેશભરમાં ચાલતી સંઘની પ્રવૃત્તિઓને ગેરકાયદે ઘોષિત કરીને તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. સરદાર પટલ ગૃહપ્રધાન હતા તોય નેહરુના નિર્ણયો સામે લાચાર હતા. ગુરૂજીના જેલવાસનો આખા દેશમાં વિરોધ થયો. આખરે 6 ઓગસ્ટ 1948ના રોજ એમને જેલમાંથી છોડવામાં આવ્યા. જોકે તેમની ગતિવિધિઓ પર અમુક નિયંત્રણો કાયમ રહ્યા. પાંચ દિવસ પછી, 11 ઓગસ્ટ 1948ના રોજ ગુરૂજીએ નાગપુરથી ઑર એક પત્ર લખ્યોઃ
માનનીય પં. નેહરુ, 
1-2-48ના રોજ મારી ધરપકડ થયા પહેલાં અને પૂજ્ય મહાત્માજીની હત્યાને કારણે ઉત્પન્ન થયેલા અસાધારણ વાતાવરણમાં મેં આપને એક પત્ર લખ્યો હતો. 6 ઓગસ્ટ 1948ના દિવસે કારાવાસમાંથી મુક્ત થતાં ફરીથી હું એ જ પ્રેમ, આદર તથા સન્માનપૂર્વક સહયોગની ભાવનાથી આપને લખી રહ્યો છું.
એ એક હકીકત છે કે મારી તથા મારા અસંખ્ય મિત્રોની ધરપકડ કરીને અટકાયત હેઠળ શા માટે રાખવામાં આવ્યા હતા એ વાત હું એ વખતે સમજી શક્યો ન હતો. અને હું જે સંગઠનનું પ્રતિનિધિત્વ કરું છું તેની સામે આદરાયેલી કાર્યવાહીને પણ હું સમજી શક્યો ન હતો. અત્યંત અસાધારણ પરિસ્થિતિને કારણે આવી અસંયમિત કાર્યવાહી આચરાઈ ગઈ હોવાની વારંવાર પુનરાવર્તિત થઈ રહેલી દલીલ વડે હું મારા મનને સમજાવવાનો પ્રયાસ કરું છું. વળી, ઉચ્ચ તથા જવાબદારીઓભર્યા હોદ્દાઓ પર બેઠેલી વ્યક્તિઓ ઉશ્કેરાઈ જઈને ઉતાવળિયાપણું આચરી શકે કે માનસિક સંતુલન ગુમાવી શકે એ વાત પણ હું માની શકતો નથી. તેમ છતાં મારા પર તથા મારા કાર્ય પર મુકાયેલા બધા આક્ષેપોમાંથી તેમને નિર્દોષ સાબિત કરવા માટે પૂરતા પુરાવાઓ બહાર આવી ચૂક્યા છે ત્યારે છ મહિનાની મારી અટકાયતની મુદત પૂરી થયા બાદ બાધ્ય થઈને મારે એ નિષ્કર્ષ સ્વીકારવો પડ્યો છે...
એક વખતના જેલવાસથી વાત અટકી નહીં. ગુરૂજીએ બીજી વાર જેલ જવું પડ્યું, પણ લોકજુવાળ એવો હતો કે સરકાર એમને લાંબો સમય બંદીવાન બનાવી શકતી નહીં. આઝાદ ભારતની નેહરુ સરકારે આટલું દમન કર્યું તોય ગુરૂજીના મનમાં કોઈના પ્રત્યે કડવાશ નહોતી. તેમણે તો ઊલટાનું એવું કહ્યું કે, દાંત વડે જીભ કચરાઈ જાય તો દાંતને તોડી ન નખાય. જે આપણા છે એમનાથી આપણને જાણ્યે અજાણ્યે ઈજા પહોંચી હોય તો એને આપણાથી દૂર કરી શકાતા નથી.
કેટલી સંયમિત ભાષા. કેટલી નમ્રતા. કેટલી ગરિમા. આની તુલના આજે બેફામ વર્તન ને વિધાનો કરતા કેટલાક ભાજપી નેતાઓ સાથે કરો. ગુરૂજીએ તો સંઘનો કાર્યકર્તા કેવો હોય તે વિશે ઘણી વાતો કરી છે. જેમ કે તેમણે કહ્યું છે કે, (સંઘનો) સાચો કાર્યકર્તા કદી પોતાના કામથી સંતોષ અનુભવતો નથી. પોતાના કામના પ્રમાણથી સાત્ત્વિક અસંતોષ એ તો અણનમ કાર્યકર્તાનું મુખ્ય લક્ષણ છે.
બીજી એક જગ્યાએ તેઓ કહે છે, કષ્ટ સહન કરવું એ સ્વયંસેવકનું સ્વાભાવિક કર્તવ્ય છે, પરંતુ તેનાથી કોઈ અધિકાર, પદ વગેરેની લાલસા રાખવી એ ભૂલ છે. ઘા ઝીલનાર સૈનિક કેટલાક ગુણોને કારણે શ્રેષ્ઠ સૈનિક તો ગણાશે, પણ તેને કારણે તે મંત્રી બનવાને યોગ્ય સિદ્ધ નહીં થાય... આપણે કાર્યકર્તા પ્રત્યે જરૂર સંવેદનશીલ રહી શકીએ, પરંતુ તેના અવગુણો પ્રત્યે નહીં.
ગુરૂજીનાં અમુક અવતરણો તો સંઘ સિવાયના લોકોને પણ આકર્ષે એવા છે. જેમ કે, મનુષ્યના ચારિત્ર્ય, તપશ્ચર્યા અને ત્યાગના બળે તેના શબ્દ એક મંત્રની શક્તિ ધારણ કરી લે છે. તેની સામે કોઈ ચર્ચા કે દલીલ ટકી શકતી નથી... કાર્યને કોઈ કાળમર્યાદા હોતી નથી. ધ્યેયપ્રાપ્તિ એ જ મર્યાદા છે.
 0 0 0

No comments:

Post a Comment