Wednesday, February 26, 2020

વાત એક કુસ્તીબાજની...


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 26 Feb 2019, બુધવાર
ટેક ઓફ 
બે ટંક પેટ ભરીને ખાવાનું પણ ન મળતું હોય એવી ગરીબીમાં ઊછરેલો અમદાવાદનો મેહુલ રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી શી રીતે બન્યો? 
મારે અમદાવાદમાં કશેક જવું છે. તમે બુક કરેલી ઑલા ટૅક્સીની રાઇડ છેલ્લી ઘડીએ કૅન્સલ થઈ ગઈ એટલે તમે તરત ઑલા બાઇક બુક કરી નાખો છો, કેમ કે અમદાવાદના વિચિત્ર ટ્રાફિકમાં કાર કે રિક્ષા કરતાં બાઇક ગંતવ્યસ્થાન પર ઝડપથી પહોંચાડી દે છે. થોડી મિનિટોમાં એક ઑલા બાઇક તમારી પાસે આવીને ઊભી રહે છે. તમે ટ્રેક સુટ પહેરેલા ડ્રાઇવરની પાછળ ગોઠવાઓ છો. પ્રદૂષણથી બચવા ડ્રાઇવરે ચહેરા પર બુકાની બાંધી રાખી છે એટલે એનો ચહેરો તો દેખાતો નથી, પણ એ સ્વભાવે વાતોડિયો છે તે તમને સમજાય છે. ડ્રાઇવર વાતવાતમાં કહે છે કે ઑલા બાઇક ચલાવવાથી જે થોડીઘણી કમાણી થાય છે એનાથી ઘર ચલાવવામાં મદદ મળે છે, બાકી મૂળ તો એ રેસ્લર એટલે કે કુસ્તીબાજ છે. તમે પૂછો છો, પણ અમદાવાદમાં કુસ્તી ક્યાં થાય છે?’ એ કહે છે, અમદાવાદ નહીં, સર, હું નેશનલ લેવલ પર કુસ્તી રમું છું.
તમને આશ્ચર્ય થાય છે. રાષ્ટ્રીય સ્તરના ખેલાડીએ પેટનો ખાડો પૂરવા માટે ઑલા બાઇકના ડ્રાઇવર બનવું પડે? તમને સ્થળ પર પહોંચાડ્યા પછી એ પોતાની બુકાની હટાવે છે. તમે એનો યુવાન ચહેરો જુઓ છો. એની સાફ, પારદર્શક આંખોમાં વિસ્મય અને પરિપક્વતાનું અજબ સંયોજન છે. તારું નામ શું છે, ભાઈ? તમે પૂછો છો. મેહુલ, એ કહે છે, મેહુલસિંહ પરમાર.
મેહુલની ઉંમર ફક્ત એકવીસ વર્ષ છે. એ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના એટલા બધા મેડલ જીતી ચુક્યો છે કે એની પાસે ખરેખર કોઈ હિસાબ રહ્યો નથી. કાષ્ઠના અમુક મેડલ તો નકામાં થઈ ગયાં છે, કારણ કે એના મકાનની છતમાંથી સતત થયા કરતા લીકેજને લીધે જે કોથળામાં આ બધાં મેડલ ઠાંસીને ભર્યાં હતાં તે બધા ભીનાં થઈને ખવાઈ ગયાં છે. મકાન ખરેખર તો સન્માનનીય શબ્દ કહેવાય. બાકી અમદાવાદના શાપુર વિસ્તારની જે જગ્યાએ એનું જીવન વીત્યું છે તે શંકરભુવનનાં છાપરાં તરીકે ઓળખાતી ઝૂંપડપટ્ટી છે. બંગલા કે લક્ઝુરીયસ ફ્લૅટ્સના બાથરૂમ હોય એટલા કદની, સમજોને કે સાત બાય સાત ફૂટની તે નાનકડી ખોલી છે, જેમાં એક સમયે મેહુલનો દસ-અગિયાર માણસોનો પરિવાર રહેતો હતો. ઘોબાવાળાં, તૂટેલાં ફૂટેલાં, એકની ઉપર એક ખડકાયેલાં જૂનાં વાસણોની માફક આ માણસો પણ રાતે ધક્કામૂક્કી કરતાં એકબીજાની ઉપર ખડકાઈ જાય. મેહુલ સહિત ઘરના ચારેક પુરુષોએ તો ઘરમાં સૂવાનો વિચાર પણ નહીં કરવાનો. એમણે બહાર ફૂટપાથ પર જ્યાં જગ્યાં મળે ત્યાં અથવા રિવર ફ્રન્ટ પર જઈને રાત ટૂંકી કરવાની. પેટ અડધુંપડધું ખાલી હોય કેમ કે પૂરતું ખાવાનું મળ્યું ન હોય. માએ જે દાળ-રોટલી રાંધ્યાં હોય તે ખાવા માટે ભાઈભાંડુડા વચ્ચે છીનાઝપટી ચાલતી હોય. એમાંથી થોડુંઘણું પોતાના ભાગે આવ્યું હોય. આમ છતાંય ઊંઘ આવી જાય, કેમ કે આખો દિવસ શરીર તૂટી જાય એટલી મહેનત કરી હોય. તમને થાય કે આવી ગરીબી અને વિષમ માહોલમાં મોટો થયેલો છોકરો રાષ્ટ્રીય કક્ષાનો ખેલાડી કેવી રીતે બન્યો?            
                                 
મેહુલને તમે પછી નિરાંતે મળો છો. તમને જાણકારી મળે છે કે હજુ ગયા જ વર્ષે મેહુલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પછી ઇન્ટરનેશનલ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ માટે તૈયાર કરવામાં આવતા હોય છે. ભારતમાં હિંદ કેસરી એ કુસ્તી-રેસલિંગ માટેનું સૌથી મોટું ટાઇટલ છે. તેમાં ત્રણ વખત ભાગ લઈ ચૂકેલો મેહુલ ગુજરાત કેસરીનો ખિતાબ જીતી ચૂક્યો છે. ઑલ ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી રેસલિંગ ચેમ્પિયનશિપ, ઑલ ઇન્ડિયા જુનિયર રેસલિંગ, ઑલ ઇન્ડિયા સિનિયર રેસલિંગ, ઑલ ઇન્ડિયા જુડો ચેમ્પિયનશિપ જેવી કંઈકેટલીય સ્પર્ધાઓમાં ક્યાંક સિલ્વર મેડલ, ક્યાંક બ્રોન્ઝ મેડલ, ક્યાંક ટૉપ-ફાઇવ, એનસીસી રાઇફલ શૂટિંગમાં બે વખત ગોલ્ડ મેડલ... જોતાં થાકી જવાય એટલો લાંબો મેહુલનો સ્પોર્ટિંગ બાયોડેટા છે.    
મારા પપ્પા ત્રિકમસિંહ પરમાર પેટિયું રળવા રાજસ્થાનથી અમદાવાદ આવેલા, મેહુલ વાત માંડે છે, એ રસ્તા પર ફળો વેચતા, સિઝનલ ધંધા કરતા. ધીમે ધીમે કરીને આખા પરિવારને તેમણે અમદાવાદ તેડાવી લીધો. મારાં મમ્મી ભગવતીબેન કાઠિયાવાડી છે, સુરેન્દ્રનગરનાં. અમે ચાર ભાઈ-બહેન. ચારેયનો જન્મ આ સ્લમ એરિયામાં જ થયો છે. પપ્પા ગુજરી ગયા ત્યારે હું છ વર્ષનો હતો. મારી મમ્મી અને બહેનો પારકાં કામ કરતી. ભાઈ લોખંડ વીણવા જાય, હાથલારી ચલાવે. હું પણ દસ વર્ષનો થયો ત્યારથી કમાવા લાગ્યો હતો. મને વેઇંગ મશીનમાં કાંટા ફિટ કરવાનું કામ મળેલું. રોજના ચાલીસ રૂપિયા કમાઈ લેતો.
ભલું થજો સંગીતા પંચાલ નામની મહિલાનું જેના ઘરે મેહુલના મમ્મી કામ કરવા જતાં. સંગીતા પંચાલે મેહુલને બળજબરીથી ભણવા મોકલ્યો. મેહુલનાં મમ્મી જ્યાં કામ કરતાં એ ઘરની બાજુમાં રાયફલ ક્લબ છે. મેહુલ અહીં અવારનવાર છોકરાઓને રમતાં, કરાટે અને બૉક્સિંગ કરતાં જુએ. એકવાર એણે મમ્મીને કહ્યું, મમ્મી, મારે પણ આ બધું કરવું છે. સિક્યોરિટીના માણસને પૂછપરછ કરતાં ખબર પડી કે અહીં મહિને 1400 રૂપિયાની ફી ભરવી પડે છે. મમ્મી મહિને માંડ સો-દોઢસો રૂપિયા કમાય, આટલી મોંઘી ફી કેવી રીતે પોસાય? નિરાશ થઈને મા-દીકરો નીકળી ગયાં. મેહુલના નસીબમાં જોકે ખેલકૂદ લખાયાં હતાં. નિશાળમાં ગુલ્લી મારીને એ ભાઈબંધો સાથે એક બગીચામાં ફરવા નીકળી જતો. અહીં એમને જય પંચાલ નામનો અઢારેક વર્ષનો એક જુવાનિયો મળી ગયો. જય હિન્દી ફિલ્મો જોઈજોઈને કિકીંગ, પંચિંગ, જમ્પિંગ વગેરે શીખી ગયેલો. એની પાસેથી મેહુલ અને એની ટોળકીએ આ બધું શીખવા માંડ્યું. મેહુલ સ્પ્લિટ મારતાં (બન્ને પગ 180 ડિગ્રીએ સીધા કરીને બેસતાં) પણ શીખી ગયેલો.
આકસ્મિક રીતે મળી જતી વ્યક્તિઓ ક્યારેક જીવનમાં નક્કરપણે કશુંક ઉમેરી દેતી છે. એક વાર મેહુલ લૉ ગાર્ડનમાં ભાઈબંધોને આ બધા દાવ દેખાડતો હતો. ટિંક કામા નામના અજાણ્યા મહાશય આ બધું જોઈ રહ્યા હતા. આ નેપાળી સજ્જને ટાબરિયાઓને કરાટેની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું – ફ્રીમાં. એક આખું વર્ષ આ ટ્રેનિંગ ચાલી. કરાટેના દાવ આવડતાં જ મેહુલકુમારે સ્કૂલમાં દાદાગીરી શરૂ કરી દીધી! કોઈને ક્યાંય રાડા થયા હોય તો સામેની પાર્ટીને મારવા માટે મેહુલને બોલાવવામાં આવે. ઝૂંપડપટ્ટીમાં આડોશપાડોશના છોકરાઓ સાથે ધમાલ ચાલ્યા જ કરતી હોય. સહેજ અમથું બાખડવાનું થાય એટલે તરત કહેવામાં આવેઃ ચાલ નદીમાં! ને પછી નદીના ખુલ્લા પટમાં છુટ્ટા હાથની મારામારી થાય!
દરમિયાન ટિંગસરને અમદાવાદ છોડીને જવાનું થયું, મેહુલ કહે છે, જતાં પહેલાં એમણે મને ગુજરાત વિદ્યાપીઠના કિરણ સર પાસે મોકલી આપ્યો કે જેથી મારી કરાટેની ટ્રેનિંગ અટકે નહીં. અહીં હું વુશુ માર્શલ આર્ટ્સ શીખ્યો. ત્રણ નેશનલ લેવલના અવોર્ડ જીત્યો. હું ઇન્ટરનેશનલ કોમ્પિટીશન માટે સિલેક્ટ થઈ ગયો હતો, રમવા માટે સિંગાપોર જવાનું હતું, પણ પચાસ હજાર રૂપિયા ભરવા પડે તેમ હતા. આટલી મોટી રકમ સાંભળતાં જ મેં ના પાડી પાડી.

આ વર્ષો દરમિયાન મેહુલે ગાંધી બ્રિજના છેડે આવેલી નેશનલ સાઇકલ નામની દુકાનમાં પંચર કરવાનું કામ કરવા માંડ્યું. સ્કૂલની ફી આ રીતે નીકળી જતી. આ સિલસિલો લાંબો સમય ન ચાલ્યો, કેમ કે સ્કૂલના છોકરાઓ એ... હવા ભર! એ... હવા ભર ને એવું બધું બોલીને એને ચીડવતા. નાનપણથી જ હાઇટ-બૉડી સારાં એટલે મેહુલને એક જગ્યાએ નાઇટ શિફ્ટમાં સિક્ટોરિટીનું કામ મળી ગયું. લગભગ આખી રાત જાગવાનું હોય છતાંય વહેલી સવારે ગાંધી બ્રિજથી જમાલ બ્રિજ અને જમાલ બ્રિજથી ગાંધી બ્રિજ સુધી દોડવાની દોડવાની કસરત તો કરવાની જ. તે વખતે રિવર ફ્રન્ટ હજુ બનતો હતો.   
નવમા ધોરણના વેકશનની આ વાત છે, મેહુલ પોતાની હિન્દીમિશ્રિત ગુજરાતીમાં વાત આગળ વધારે છે, લાલ દરવાજા પાસે મેં એક જગ્યા જોઈ. ત્યાં ખુલ્લામાં છોકરાઓ દંડબેઠક કરતા હતા. બાજુમાં એક દાદરો દેખાતો હતો. મેં પૂછપરછ કરી તો કહેવામાં આવ્યું કે શામ કો આના. સાંજે મને અહીં એક આદમી મળ્યો. મેં એમને વુશુ માર્શલ આર્ટ્સની ટ્રેનિંગ ને મેં જીતેલાં મેડલ વિશે વાત કરી. એ મને કહે, છોકરા, તું સાચી જગ્યાએ આવ્યો છે. તું અહીં નિયમિતપણે આવવા માંડ. અહીં ટ્રેનિંગ લેવાની કોઈ ફી નથી.
એ સાંજ, એ જગ્યા અને એ આદમીની મુલાકાતે મેહુલની જિંદગીને નિર્ણાયક વળાંક આપી દીધો. આ નવો વળાંકદાર રસ્તો એને ક્યાં લઈ જવાનો હતો? પેલા દાદરાનાં પગથિયાં ઉપર જઈને ક્યાં ખૂલતાં હતાં? મેહુલના નાનકડી પણ ઘટનાપ્રચુર જીવનનાં વધારે પાનાં આવતા બુધવારે ખોલીશું.
0 0 0


Wednesday, February 19, 2020

જાહેર જીવન અને શાલીનતા વચ્ચે શો સંબંધ છે?


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 19 ફેબ્રુઆરી 2020, બુધવાર 
ટેક ઓફ 
દાંત વડે જીભ કચરાઈ જાય તો દાંતને તોડી ન નખાય. જે આપણા છે એમનાથી આપણને જાણ્યે અજાણ્યે ઈજા પહોંચી હોય તો એને આપણાથી દૂર કરી શકાતા નથી.

જે 19 ફેબ્રુઆરી 2020. બરાબર 114 વર્ષ પહેલાં, 1906ની સાલમાં નાગપુરમાં માધવરાવ સદાશિવરાવ ગોળવલકરનો જન્મ થયો હતો. તેમનું હુલામણું નામ ગુરૂજી. ગુરૂજી એટલે રાષ્ટ્રીય સેવક સંઘ યા તો આરએસએસના દ્વિતીય સરસંઘચાલક. સંસારમાં રહીને પણ સાધુ જેવું જીવન કેવું જીવાય એનું ઉત્તમ ઉદાહરણ ગુરૂજીએ પૂરું પાડ્યું. આજે ભાજપના કેટલાક નેતાઓ ઉશ્કેરાટમાં એલફેલ બોલી નાખે છે.  ગુરૂજી જે શાલીનતાથી જાહેર જીવન જીવ્યા હતા તેનાથી આ બટકબોલા નેતાઓ જોજનો દૂર નીકળી ગયા છે.   
1947માં દેશ આઝાદ થયો તે પછી સંઘનું કામ ખરેખર તો આસાન થવું જોઈતું હતું. થયું તેના કરતાં સાવ ઊલટું. નથુરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી ને આ દુર્ઘટનાએ સંઘ સામે વિપત્તિઓ પેદા કરી નાખી. ગોડસે  શરૂઆતમાં સંઘની શાખોમાં જરૂર આવતો હતો, પણ એને સંઘની હિંદુત્વ પ્રત્યેની વિચારધારા નરમ લાગી. આથી સંઘને ત્યજીને એ હિંદુ મહાસભામાં જોડાઈ ગયો. આમ, ગોડસે સંઘથી છેડો ફાડી ચૂક્યો હતો છતાં સંઘ દ્વેષથી પીડાતા તત્કાલીન કૉંગ્રેસી નેતાઓએ ગાંધીહત્યાના મામલામાં સંઘને સંડોવી દીધો. ગાંધીહત્યાને કારણે સંઘવિરોધીઓને તો જાણે સુવર્ણ તક મળી ગઈ હતી.
30મી જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની હત્યા થઈ ને 31 જાન્યુઆરીએ ગુરૂજીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુને નાગપુરથી પત્ર લખ્યો. શું લખ્યું હતું એમાં? વાંચોઃ  
પ્રિય આદરણીય પં. જવાહરલાલ નેહરુ,
પ્રણામ.
કાલે મદ્રાસમાં મેં અત્યંત હૃદયવિદારક સમાચાર સાંભળ્યા કે કોઈ અવિવેકી એવા દુરાગ્રહી આત્માએ ગોળીબાર દ્વારા પૂજ્ય મહાત્માજીના જીવનના અકસ્માત એવમ્ ભયંકર અંત લાવીને એક નીચ દુષ્કૃત્ય કરી નાખ્યું છે. સંસારની દષ્ટિએ આ નીચ કર્મ આપણા સમાજ પર એક કલંક છે. જો આ કાર્ય કોઈ શત્રુદેશના કોઈ વ્યક્તિ દ્વારા થયું હોત તો પણ અક્ષમ્ય હોત  કેમ કે મહાત્માજીનું જીવન તો જનસમૂહના વિશિષ્ટ વર્ગોની પરિસીમાઓને પાર કરીને સંપૂર્ણ માનવતા માટે અર્પિત હતું. અતઃ આપણા જ દેશના એક નિવાસીએ આ કલ્પનાતીત ઘૃણિત કુકર્મ કર્યું એ જોઈને આપણો પ્રત્યેક દેશવાસી અસહ્ય વેદનાથી પરિપૂર્ણ થઈ જાય એ વાતમાં કોઈ આશ્ચર્ય નથી. જે ક્ષણે મેં આ સમાચાર સાંભળ્યા ત્યારથી મારા હૃદય પર એક રિક્તતા છવાઈ ગઈ છે. એ મહાન સંગઠનકર્તાની અનુપસ્થિતિ નિકટ ભવિષ્યમાં ભયંકર દુષ્પરિણામોની આશંકાથી મારું હૃદય વ્યગ્રતાથી ભારે થઈ ગયું છે. જેણે અનેક પ્રતિકૂળ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને એક સૂત્રમાં બાંધી દઈને યોગ્ય માર્ગ પર પ્રવૃત્ત કર્યા એવા આ કુશળ કર્ણધર ઉપરનું આ આક્રમણ એક વ્યક્તિ પર નહીં પરંતુ સમગ્ર દેશના વિશ્વાસઘાત સમાન છે.
ગોળવલકર પત્રમાં આગળ નેહરુજીને લખે છેઃ 
નિઃસંદેહ આપ અર્થાત આજની સરકારી સત્તાઓ આવા દેશદ્રોહી વ્યક્તિ પ્રત્યે તેને યોગ્ય વ્યવહાર કરશે. એ વ્યવહાર ગમે એટલો કઠોર હશે તો પણ હાનિની તુલનામાં કોમળ જ ઠરશે. આ અંગે મારે કંઈ કહેવાની આવશ્યકતા નથી. પરંતુ આજે આપણે બધા માટે પરીક્ષાની ઘડી આવી છે... સંગઠન તરફથી હું આ સંકટકાળમાં આ રાષ્ટ્રીય શોકમાં સહભાગી છું.
ગાંધીજીની હત્યાથી શોકાતુર થઈ ગયેલા ગુરૂજી 31 જાન્યુઆરીની રાતે નેહરુજીની સાથે સાથે એમ તો દેશના તે વખતના ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને પણ પત્ર લખ્યો હતોઃ     
આદરણીય સરદાર પટેલ,
પ્રણામ.
કાલે મદ્રાસમાં મેં એ ભયાનક ઘટનાના સમાચાર સાંભળ્યા કે જેણે સમગ્ર માનવતાને હચમચાવી દીધી છે. કદાચિત્ આવી નિન્દનીય તથા ઘૃણિત ઘટના અગાઉ ક્યારેય જોવામાં નથી મળી.... એ મહાન સંગઠનકર્તાના અકાળ પ્રયાણથી આપણા ઉપર જે જવાબદારી આવી પડી છે તેને આપણે હવે સંભાળી લેવાની રહી છે.... એ માટે આપણે સાચી અનુભૂતિઓ, સંયત વાતાવરણ અને બંધુભાવ દ્વારા આપણા બળને સંચિત કરવું જોઈએ અને રાષ્ટ્રીય જીવનને ચિરસ્થાયી એકાત્મતાથી આબદ્ધ કરવું જોઈએ.
એક આડવાત. પત્રરૂપ શ્રી ગુરૂજી નામના પુસ્તકમાં ગોળવલકરના આ અને બીજા કેટલાય પત્રોનો સંચય થયો છે. આ સંપાદન કોણે કર્યું છે? નરેન્દ્ર મોદીએ. આડવાત પૂરી.

ગુરૂજીએ નેહરુને લખેલા પેલા પત્રથી કશો ફરક ન પડ્યો. પત્ર લખાયાની થોડી જ કલાકો પછી, 1 ફેબ્રુઆરી 1948ની મધરાતે ગુરુજીની ધરપકડ કરવામાં આવી. ગાંધીહત્યામાં સંઘનો કોઈ હાથ નહોતો છતાંય દેશભરમાં ચાલતી સંઘની પ્રવૃત્તિઓને ગેરકાયદે ઘોષિત કરીને તેના પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. સરદાર પટલ ગૃહપ્રધાન હતા તોય નેહરુના નિર્ણયો સામે લાચાર હતા. ગુરૂજીના જેલવાસનો આખા દેશમાં વિરોધ થયો. આખરે 6 ઓગસ્ટ 1948ના રોજ એમને જેલમાંથી છોડવામાં આવ્યા. જોકે તેમની ગતિવિધિઓ પર અમુક નિયંત્રણો કાયમ રહ્યા. પાંચ દિવસ પછી, 11 ઓગસ્ટ 1948ના રોજ ગુરૂજીએ નાગપુરથી ઑર એક પત્ર લખ્યોઃ
માનનીય પં. નેહરુ, 
1-2-48ના રોજ મારી ધરપકડ થયા પહેલાં અને પૂજ્ય મહાત્માજીની હત્યાને કારણે ઉત્પન્ન થયેલા અસાધારણ વાતાવરણમાં મેં આપને એક પત્ર લખ્યો હતો. 6 ઓગસ્ટ 1948ના દિવસે કારાવાસમાંથી મુક્ત થતાં ફરીથી હું એ જ પ્રેમ, આદર તથા સન્માનપૂર્વક સહયોગની ભાવનાથી આપને લખી રહ્યો છું.
એ એક હકીકત છે કે મારી તથા મારા અસંખ્ય મિત્રોની ધરપકડ કરીને અટકાયત હેઠળ શા માટે રાખવામાં આવ્યા હતા એ વાત હું એ વખતે સમજી શક્યો ન હતો. અને હું જે સંગઠનનું પ્રતિનિધિત્વ કરું છું તેની સામે આદરાયેલી કાર્યવાહીને પણ હું સમજી શક્યો ન હતો. અત્યંત અસાધારણ પરિસ્થિતિને કારણે આવી અસંયમિત કાર્યવાહી આચરાઈ ગઈ હોવાની વારંવાર પુનરાવર્તિત થઈ રહેલી દલીલ વડે હું મારા મનને સમજાવવાનો પ્રયાસ કરું છું. વળી, ઉચ્ચ તથા જવાબદારીઓભર્યા હોદ્દાઓ પર બેઠેલી વ્યક્તિઓ ઉશ્કેરાઈ જઈને ઉતાવળિયાપણું આચરી શકે કે માનસિક સંતુલન ગુમાવી શકે એ વાત પણ હું માની શકતો નથી. તેમ છતાં મારા પર તથા મારા કાર્ય પર મુકાયેલા બધા આક્ષેપોમાંથી તેમને નિર્દોષ સાબિત કરવા માટે પૂરતા પુરાવાઓ બહાર આવી ચૂક્યા છે ત્યારે છ મહિનાની મારી અટકાયતની મુદત પૂરી થયા બાદ બાધ્ય થઈને મારે એ નિષ્કર્ષ સ્વીકારવો પડ્યો છે...
એક વખતના જેલવાસથી વાત અટકી નહીં. ગુરૂજીએ બીજી વાર જેલ જવું પડ્યું, પણ લોકજુવાળ એવો હતો કે સરકાર એમને લાંબો સમય બંદીવાન બનાવી શકતી નહીં. આઝાદ ભારતની નેહરુ સરકારે આટલું દમન કર્યું તોય ગુરૂજીના મનમાં કોઈના પ્રત્યે કડવાશ નહોતી. તેમણે તો ઊલટાનું એવું કહ્યું કે, દાંત વડે જીભ કચરાઈ જાય તો દાંતને તોડી ન નખાય. જે આપણા છે એમનાથી આપણને જાણ્યે અજાણ્યે ઈજા પહોંચી હોય તો એને આપણાથી દૂર કરી શકાતા નથી.
કેટલી સંયમિત ભાષા. કેટલી નમ્રતા. કેટલી ગરિમા. આની તુલના આજે બેફામ વર્તન ને વિધાનો કરતા કેટલાક ભાજપી નેતાઓ સાથે કરો. ગુરૂજીએ તો સંઘનો કાર્યકર્તા કેવો હોય તે વિશે ઘણી વાતો કરી છે. જેમ કે તેમણે કહ્યું છે કે, (સંઘનો) સાચો કાર્યકર્તા કદી પોતાના કામથી સંતોષ અનુભવતો નથી. પોતાના કામના પ્રમાણથી સાત્ત્વિક અસંતોષ એ તો અણનમ કાર્યકર્તાનું મુખ્ય લક્ષણ છે.
બીજી એક જગ્યાએ તેઓ કહે છે, કષ્ટ સહન કરવું એ સ્વયંસેવકનું સ્વાભાવિક કર્તવ્ય છે, પરંતુ તેનાથી કોઈ અધિકાર, પદ વગેરેની લાલસા રાખવી એ ભૂલ છે. ઘા ઝીલનાર સૈનિક કેટલાક ગુણોને કારણે શ્રેષ્ઠ સૈનિક તો ગણાશે, પણ તેને કારણે તે મંત્રી બનવાને યોગ્ય સિદ્ધ નહીં થાય... આપણે કાર્યકર્તા પ્રત્યે જરૂર સંવેદનશીલ રહી શકીએ, પરંતુ તેના અવગુણો પ્રત્યે નહીં.
ગુરૂજીનાં અમુક અવતરણો તો સંઘ સિવાયના લોકોને પણ આકર્ષે એવા છે. જેમ કે, મનુષ્યના ચારિત્ર્ય, તપશ્ચર્યા અને ત્યાગના બળે તેના શબ્દ એક મંત્રની શક્તિ ધારણ કરી લે છે. તેની સામે કોઈ ચર્ચા કે દલીલ ટકી શકતી નથી... કાર્યને કોઈ કાળમર્યાદા હોતી નથી. ધ્યેયપ્રાપ્તિ એ જ મર્યાદા છે.
 0 0 0

Thursday, February 13, 2020

ગાંધીજીનો બૂક રિવ્યુ અને શરીરનો રોટલો


દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 12 ફેબ્રુઆરી 2020, બુધવાર
ટેક ઓફ 
‘‘પૃથિવીવલ્લભ બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો?’

પુસ્તકો વાંચવાનો કે ફિલ્મો-નાટકો જોવાનો મારી પાસે સમય જ નથી. કામમાંથી ફૂરસદ મળે તોને?’
આવું બોલતા પહેલાં કે ઇવન વિચારતા પહેલાં અટકી જજો. દેશને આઝાદી અપાવવા જેવું વિરાટ કામ કરવાનું હોવા છતાં ગાંધીજી જો વચ્ચે વચ્ચે નવલકથાઓ વાંચવાનો, એટલું જ નહીં, એનો રિવ્યુ કરવાનો સમય કાઢી લેતા હોય તો આપણે કઈ વાડીના મૂળા? 1935માં બ્રિટનની પાર્લામેન્ટમાં ગર્વમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ પાસ થયો ને તે ભારતમાં લાગુ પણ પડ્યો. ભારતને આઝાદી તરફ દોરી જતું અંગ્રેજોનું આ પહેલું કાયદેસરનું પગલું. આ અરસામાં ગાંધીજીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની વિખ્યાત પૃથિવીવલ્લભ નવલકથા વાંચી. એને નવલકથાને બદલે ખરેખર તો લઘુનવલ કહેવી જોઈએ. માંડ 170 પાનાંની, એક જ બેઠકમાં વાંચી શકાય એવી રસાળ અને ઘટનાપ્રચુર એવી આ ઐતિહાસિક કથા છે. માલવપતિ મુંજ તેના નાયક છે. પૃથિવીવલ્લભ પરથી હિન્દી અને ગુજરાતી એમ બન્ને ભાષામાં ફિલ્મો પણ બની છે.  
પૃથિવીવલ્લભ વાંચ્યા પછી ગાંધીજીએ મુનશીને એક પત્ર લખ્યો. તેમાં નવલકથાની વિગતવાર સમીક્ષા કરી. પોતાને શા માટે આ નવલકથા ખાસ ન ગમી તેનાં કારણો પણ લખ્યાં. મુનશીએ સામો પત્ર લખીને ખુલાસા કર્યા. વાંચીને મજા પડી જાય એવો આ પત્રવ્યવહાર છે. ગાંધીજી પૃથિવીવલ્લભનું શૉર્ટ ફૉર્મ પ્ર. વ. એ રીતે કરે છે. સેગાંવ, વર્ધા (મહારાષ્ટ્ર)થી 26 સપ્ટેમ્બર 1936ના રોજ ગાંધીજી લખે છેઃ
ભાઈ મુનશી,
કાકાસાહેબ તમારા પરિચયમાં ખૂબ આવી રહ્યા છે, તેથી તમારાં લખાણો વાંચવાની તક મેળવી લે છે. તેમણે પૃથિવીવલ્લભ વાંચ્યું ને મને વાંચી જઈ તેની ઉપર અભિપ્રાય આપવાનો આગ્રહ કર્યો. ચાર દિવસ પહેલાં વાંચી નાખ્યું ને હવે મારો અભિપ્રાય તમને જ મોકલું છું. કાકાસાહેબ આ વાંચશે, તમે તો મને તમારાં કેટલાંક પુસ્તક જેલમાં જ મોકલ્યાં હતાં ત્યાં તો તેમાંનું કંઈ વાંચવા ન પામ્યો. તમે તે વખતે જ મારો અભિપ્રાય માગ્યો હતો. પ્ર. વ. બહુ રસપૂર્વક વાંચી ગયો. તેમાંનું એક્કેય પાત્ર મને ગમ્યું નહીં. મુંજ જેવા થવાની ઇચ્છા પણ ન થઈ. એમ કેમ? પાત્રોને હોય તેવાં તમે ચીતર્યાં છે એમ કહું તો એ બરોબર બંધ નહીં બેસે. આ પંચરંગી દુનિયામાં કોઈક તો સારા હશે, દંભ વિનાના હશે, કોઈક તો વફાદાર હશે. મૃણાલના તમે ચૂરા કર્યા, વિલાસ બિચારી રસનિધિ આગળ મીણ થઈ ગઈ. પુરુષો એવા ધૂર્ત ને ચાલીસ વર્ષની કદરૂપી સ્ત્રી પણ પુરુષની મોહક વાતમાં ને તેના ચાળામાં પોતાના હાથ હેઠે નાખી દે? માણસ વાંચે શાને સારું? કેવળ મોજ માણવા ને તે પણ કેવી? કાલિદાસે એવું ન લખ્યું, શેક્સપિયરની છાપ મારી ઉપર એવી ન પડી. તેઓની પાસેથી કંઈક શીખ્યો. તમારી પાસેથી કેમ નહીં? તમે પોતે તો મને રૂપાળા લાગો છો. તમારી તરફ હું આકર્ષાયો છું. તમ બંનેની પાસેથી ઘણું મેળવવાની આશાઓ બાંધી રહ્યો છું. તમારી જે સારામાં સારી કૃતિ ગણાય છે (પૃ. વ. ગણાય છે ના?) તેમાં હું કેમ તમારું દર્શન ન કરી શક્યો? આ મારી ગૂંચ કાકા થોડી જ ઉકેલી શકે? એ તો તમે જ ઉકેલી શકો. આનો જવાબ તુરંત આપવાપણું હોય જ નહીં.
હવે થોડો વિનોદ કરી લઉં. તમારું છેલ્લું વાક્ય કંઈક આમ છેઃ મુંજનું શબ હાથીના પગ તળે છૂંદાઈ રોટલો બની પડ્યું. રોટલો શબ્દ તો સારો લાગ્યો પણ શરીરનો રોટલો બની જ ન શકે એ વિચાર્યું છે? છૂંદો થઈ રહ્યું ચાલે. શરીરનો મુરબ્બો થાય, ચૂર્ણ થાય, રોટલો બનવો અશક્ય છે.
બાપુના આર્શીવાદ

કનૈયાલાલ મુનશીએ નવ દિવસ પછી એટલે કે પાંચમી ઑક્ટોબર, 1936ના રોજ ગાંધીજીને જવાબ લખ્યો, મુંબઈથી. મુનશીએ ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી તેનાં બે વર્ષ પહેલાંની આ વાત. એમણે શું લખ્યું કાગળમાં? વાંચોઃ
પૂજ્ય બાપુજીની સેવામાં,
પૃથિવીવલ્લભ સંબંધી આપનો પત્ર વાંચી મને અજાયબી નથી થઈ. આ બાબતમાં આપનું દષ્ટિબિંદુ હું જાણું છું. અને ‘Gujarat and Its Literature’માં તે લખ્યું પણ છે.
પણ મારા સ્વભાવે સાહિત્યસર્જનનો જુદો માર્ગ બતાવ્યો છે. હું સાહિત્ય માટે ઉપયોગિતાનું ધોરણ સ્વીકારી શક્યો નથી.
આપે Art for Art’s Sake’નો નમૂનો કાકાસાહેબ પાસે માંગ્યો હતો અને તેમણે પૃ. વ. સૂચવ્યું હતું એમ કહેતા હતા.
આ વાર્તાનું વસ્તુ ગુજરાતમાં 9મી કે 10મી સદીમાં અપભ્રંશમાં લખાયેલા કાવ્યના અવશેષો અને 15મી સદીમાં એક જૈન સાધુએ લખેલા પ્રબંધમાંથી લીધું છે. 1914-15માં યોગસૂત્રે કલ્પેલા વૈરાગ્યપ્રધાન Superman અને જર્મન તત્ત્વજ્ઞાની નિત્શેએ કલ્પેલા વૃત્તિવિલાસમાં અપૂર્વ એવો Blonde Beastની ભાવનાઓ વચ્ચે હું ઝૂલતો હતો, આમ ઝૂલતાં મુંજ અને મૃણાલનાં વ્યક્તિત્ત્વો જન્મ્યાં. આ ભેદ માનવતાના આર્ષદર્શનો નામના આદિવચનમાં દર્શાવ્યો છે. (આ સાથે મોકલાવેલ ગુજરાત, એક સાંસ્કૃતિક વ્યક્તિમાં આવે છે.)
કાલિદાસ અને શેક્સપિયર જેવું હું લખી શકું તો હું ગાંગો તેલી શા માટે રહું? રાજા ભોજ ન બનું?
બીજું, પૃથિવીવલ્લભ ‘Literature of Inspiration’નો નમૂનો નથી, ‘Literature of Escape’નો છે, શીખવવાનો કે પ્રેરવાનો હેતુ એમાં નથી, કલ્પનાવિલાસી લેખકના મનમાં ઉદભવતાં ચિત્રોને શબ્દદેહ આપવાનો છે. એ ચિત્રો ચિત્રકારની કલ્પનામાં પ્રચંડ સચોટતાથી તરી આવે છે એ જ એમનો જન્મી પડવાનો હક અને માતાની માફક ધારેલા એ બાળકને – પછી જેવું હોય તેવું – જન્મ દેવામાં જ લેખકનું સાફલ્ય.
જો એ રસદાયી નીવડે તો પછી શા સારુ એને બીજાં ધોરણો વડે ડામવું? રસદાયિત્વ એ ધોરણ શા માટે નહીં?
સેફોનાં ઉર્મિગીત, જયદેવનું ગીતગોવિંદ, નરસિંહની રામસહસ્ત્રપદી, શેલીનું Epipsychidion, આનાતોલ ફ્રાન્સનું Thais – આ બધાં આવા કોઈ જ નિયમને વશ થઈ, સર્જકની કલ્પનામાંથી બહાર પડ્યાં. એમાંથી શીખવાનું ન જડે, પણ યુગે યુગે માનવહૃદય એ વાંચવા ઝંખે છે.
આવા જ કુલનું એક નજીવું પુસ્તક પૃ. વ. છે. સાહિત્યપ્રવૃત્તિમાં હું કલ્પનાવિલાસી છું – આચારે કૈંક સીધો છું. તો પણ મને ધૂન થાય, વિચાર આવે કે આદર્શ આકર્ષે તે વસ્તુ ને પાત્રો બની બહાર પડે છે, અને પછી તેમને લખી નાખું છું – કે લખી નાખવાં પડે છે. એટલે મેં સારાંનરસાં માણસો ને પ્રસંગો આલેખ્યાં છે – શીખવવાના કે પ્રેરવાના હેતુઓ નહીં – પણ સર્જકતાની ધૂનમાં અને આત્મકથનની અણદબાતી વૃત્તિથી.
આ સર્જકતાને મેં સ્વધર્મ માન્યો છે. स्वभावनियतं कर्म कुर्वंन्नाप्नोति किल्विषम् – એ ન્યાયે એ સ્વધર્મ પર સાહિત્ય સિદ્ધાંત રચ્યો છેઃ કલ્પના જે સરસ વસ્તુ સર્જે તેને સાહિત્યમાં સ્થાન પામવાનો સંપૂર્ણ અધિકાર છે.
મુંજ કંઈક અંશે અવાસ્તવિક છે, તો તે જ પ્રમાણે કૈવલ્યપદ પામેલો યોગી પણ અવાસ્તવિક લાગી જાય છે. જો બંને રીતે દુખનો आत्यन्तिक अभाव – પરમ આનંદ – મળી શકે તો એ બે પ્રયોગ સરખા થઈ રહે – આ એક દષ્ટિબિંદુ!
પછી આ જ પત્રમાં બીજી થોડી વાતો લખીને મુનશી અંતે ઉમેરે છેઃ
પૃથિવીવલ્લભ મારી સારામાં સારી કૃતિ કેટલાક ગણે છે. ઘણા વેરની વસૂલાત ગણે છે. એમાં કર્મયોગની ભાવના પર કેટલાંક સ્ત્રીપુરુષો ચીતર્યા છે. આપ હિંદુસ્થાન આવ્યા તે પહેલાં લખી હતી – એટલે કેટલાક રંગ પૂરવા રહી ગયા છે.
આ બધાં પુસ્તકો વાંચવા માટે નથી મોકલાવતો. કોઈક વાર વખત ને રુચિ હોય તો ડોકિયું કરજો. એમ તો નહીં જ લાગે કે હું પૃ. વ. ને બ્રહ્મચર્યાશ્રમ જ લખ્યા કરું છું.
હવે તો પરિષદમાં મળશું.
લિ.
ક. મા. મુનશીના પ્રણામ
મુનશીના આ પત્રમાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદરભાવ છલકાય છે. તેમણે ખૂબ વિવેકપૂર્વક લખ્યું છે અને છતાંય એક નવલકથાકાર તરીકે માનસિક સ્પષ્ટતા છે અને ખુદની સર્જનશક્તિ પર એમને જ ગર્વ છે તે ભરપૂર દઢતાથી વ્યક્ત કર્યા છે! ગાંધીજીને શરીરનો રોટલો થઈ ગયો શબ્દપ્રયોગ સામે વાંધો પડ્યો હતો. તેના વિશે ખુલાસો કરવાનું મુનશી ચૂકતા નથી. આ જ પત્રમાં સાવ છેલ્લે તાજા કલમ કરીને તેઓ ઉમેરે છેઃ
તા.ક. શરીરનો દબાઈને રોટલો કેમ ન થાય – ચપ્પટ બની જાય તો? એ ભરૂચી ઇડિયમ છે.
ખરેખર, ભવ્ય પુરુષો હતા ગાંધીજી અને મુનશી. આ આખા પત્રવ્યવહાર પરથી આપણે એક જ વસ્તુ શીખવાની છેઃ મારી પાસે સમય નથી એવા બહાનાં ભુલેચુકેય નહીં કાઢવાનાં! દેશને આઝાદી અપાવવા જેવા ભગીરથ કાર્યની વચ્ચે મુનશી જો નવલકથાઓ લખી શકતા હોય અને ગાંઘીજી તે ધ્યાનપૂર્વક વાંચીને પત્રમાં એનો રિવ્યુ લખી શકતા હોય તો આપણને મારી પાસે ટાઇમ નથી એવું વિચારવાનો પણ હક નથી!  

 0  0  0 

    

Sunday, February 9, 2020

1917: એક સિનેમેટિક વંડર


દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 9 February 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
1917ના કલાકાર-કસબીઓએ સિંગલ શૉટ ફૉર્મેટમાં આખેઆખી વૉર ફિલ્મ કેવી રીતે શૂટ કરી?

મ તો આવતી કાલે સવારે ટીવી પર થનારા લાઇવ ટેલિકાસ્ટના પ્રતાપે આપણને ખબર પડી જ જવાની છે કે દસ-દસ ઑસ્કર નૉમિનેશન તાણીને બેઠેલી 1917 નામની ગજબનાક ફિલ્મ કઈ કેટેગરીમાં વિજયપતાકા લહેરાવે છે, પણ એની પહેલાં એડવાન્સમાં આપણે જાણી લઈએ કે આ ફિલ્મમાં  એવું તે શું ખાસ છે જેના લીધે તેને સિનેમેટિક વંડરનું બિરુદ અપાયું છે.   
ફિલ્મના 54 વર્ષીય બ્રિટીશ ડિરેક્ટરનું નામ છે, સેમ મેન્ડીસ. એમની ઓળખાણ બે રીતે આપી શકાય. એક તો અમેરિકન બ્યુટી, રોડ ટુ પર્ડીશન, રિવોલ્યુશનરી રોડ જેવી ગુણવત્તાસભર ફિલ્મોની સાથે સાથે સ્કાયફૉલ તેમજ સ્પેક્ટર જેવી મસાલા જેમ્સ બોન્ડ ફિલ્મોના હિટ ડિરેક્ટર તરીકે અને બીજી, ટાઇટેનિકની રૂપકડી હિરોઈન કેટ વિન્સલેટના ભૂતપૂર્વ પતિદેવ તરીકે. 1917ના દિગ્ગજ સિનેમેટોગ્રાફર રોજર ડિકીન્સ વિશે પણ શરૂઆતમાં જ માનભેર વાત થઈ જવી જોઈએ. આ 70 વર્ષીય મહાશયના બાયોડેટામાં ધ શૉશન્ક રિડમ્પ્શન અને અ બ્યુટીફુલ માઇન્ડ જેવી ઑસ્કરવિનિંગ ફિલ્મો, નવ ઑસ્કર નૉમિનેશન્સ અને એક ઑસ્કર વિક્ટરી (ધ બ્લેડ રનર 2049 માટે) બોલે છે.
શું છે 1917માં? સાદી વ્યાખ્યા બાંધીએ તો, આ એક વૉર મૂવી છે. પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું તે દરમિયાન એક સાચુકલી ઘટના બની હતી. બે બ્રિટીશ સૈનિકો છે. લાન્સ કોર્પોરલ ટૉમ બ્લૅન્ક અને લાન્સ કૉર્પોરલ વિલ સ્કોફિલ્ડ. ફાન્સની ઉત્તરે યુદ્ધરેખા પર તેઓ તૈનાત છે. એમનો ઉપરી એક બંધ પરબિડીયું તેમના હાથમાં સોંપીને આદેશ આપે છેઃ આપણી સાથી બ્રિટીશ બટાલિયન અત્યારે જ્યાં તૈનાત છે ત્યાં તમારે પગપાળા જવાનું છે અને કર્નલ મેકેન્ઝીને આ કાગળ હાથોહાથ સોંપવાનો છે. કાગળમાં શું લખ્યું છે? એ જ કે દુશ્મનોએ આ પ્રદેશ ખાલી કરી નાખ્યો છે એવું માની લઈને તમે આગળ કૂચકદમ કરવાનું આયોજન કર્યું છે, પણ મહેરબાની કરીને એવું ન કરતા, કારણ કે અહીં જર્મન સૈન્યે છટકું ગોઠવ્યું છે. આ પ્રદેશ ખાલી કરી દીધો હોવાનું જર્મનો માત્ર નાટક કરી રહ્યા છે. જો બ્રિટીશ બટાલિયન આગળ વધશે તો તે જર્મનોએ ગોઠવેલી જાળમાં ફસાઈ જશે ને 1600 સૈનિકોના જીવ પર ભયંકર જોખમ ઊભું થશે. જો ટૉમ અને વિલ કોઈ પણ ભોગે આવતી કાલની સવાર પહેલાં પેલો પત્ર બટાલિયનના કર્નલને સોંપે તો જ તેઓ પોતાના સૈનિકોને તાત્કાલિક અટકી જવાનો આદેશ આપી શકે ને સૌનો જીવ બચી શકે.
ટૉમ અને વિલ સામે ખતરો આ છેઃ પત્ર પહોંચાડવા માટે એમણે નવ માઇલ જેટલું ખતરનાક અંતર દુશ્મનોના ઇલાકામાંથી થઈને પગપાળા કાપવાનું છે. અહીં ડાયનેમાઇટ બિછાવેલી હોઈ શકે, સ્નાઇપર છૂપાયા હોઈ શકે. આ બધા વિઘ્નો પાર કરીને એમણે લક્ષ્યસ્થાન પર જીવતા પહોંચવાનું છે. વિલ માટે આ મિશન ઑર મહત્ત્વનું છે, કેમ કે પેલા સોળસો સૈનિકોમાં એનો સગો મોટો ભાઈ પણ છે.
દેખીતી રીતે 1917 એક વૉર ફિલ્મ છે, પણ સેમ મેન્ડીસે તેને એક થ્રિલરની માફક ટ્રીટ કરી છે. તેથી જ જેમને ફર્સ્ટ વર્લ્ડ વૉરના સંદર્ભની ખાસ ખબર ન હોય તેવા દર્શકો પણ હે ભગવાન! હવે શું થશે... હવે શું થશે... કરતાં પોતાની સીટ પર સજ્જડ ચોંટેલા રહે છે. આપણને ચકિત કરી નાખે એવી ફિલ્મની ખૂબી તો આ છેઃ આ ફિલ્મને વન-શોટ ફૉર્મેટમાં શૂટ કરવામાં આવી છે. વન-શોટ ફૉર્મેટ એટલે ફિલ્મ શરૂ થાય પછી કૅમેરા અટક્યા વગર પાત્રોને ફૉલો કર્યા કરે. જુદી જુદી ગતિવિધિઓ થતી જાય, આસપાસનો માહોલ બદલાતો જાય, પણ સીન એક પણ વાર કટ ન થાય. તેથી ફિલ્મ જોતી વખતે આપણે ખુદ વાર્તાનો ભાગ હોઈએ અને જાણે બધું રિઅલ ટાઇમમાં આપણી સામે બની રહ્યું હોય તેવી અનુભૂતિ થાય. વન-શૉટ ફૉર્મટમાં બનેલી બર્ડમેન (2014) નામની અફલાતૂન ઑસ્કરવિનિંગ મૂવી આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ફર્ક એ છે કે બર્ડમેન મુખ્યત્ત્વે એક થિયેટર, તેનો મંચ, બૅકસ્ટેજ, અગાસી તેમજ ન્યુ યૉર્કની શેરીઓમાં શૂટ થઈ છે ને એકના એક લોકેશન વારે વારે આવ્યા કરે છે. 1917માં એક પણ લોકેશન રિપીટ થતું નથી! કલ્પના કરો કે આ એક વૉર ફિલ્મ છે જેનાં મુખ્ય કિરદારોની આસપાસ પૂરક પાત્રોની જમઘટ છે, વિસ્ફોટો થતા રહે છે, ગોળા-બારૂદ વરસતા રહે છે, ટ્રેન્ચ – બોમ્બમારીને કારણે નાશ પામેલાં ઉજ્જડ નગરો - ઘસમસતી નદી વગેરે પસાર કરતાં કરતાં મુખ્ય પાત્રો નવ માઇલ જેટલું અંતર કાપે છે ને આ સઘળું સિંગલ શૉટ ફૉર્મેટમાં ફિલ્માવાયું છે! ફિલ્મ જોતી વખતે આપણને સતત થતું રહે કે ડિરેક્ટર અને કલાકાર-કસબીઓએ આ બધું કેવી રીતે એક્ઝિક્યુટ કર્યું હશે!

સેમ મેન્ડીસના દાદાજી આલ્ફ્રેડ મેન્ડીસ ખુદ વર્લ્ડ વૉરમાં ભાગ લઈ ચૂક્યા છે. મેન્ડીસ નાના હતા ત્યારે દાદાજી છોકરાઓને ભેગા કરીને યુદ્ધની વાતો કરતા. એમાંની એક વાર્તા આ બે બ્રિટીશ સૉલ્જર્સની પણ હતી. સેમ મેન્ડીસ મોટા થયા, પહેલાં સફળ થિયેટર ડિરેક્ટર અને પછી એના કરતાંય વધારે સફળ ફિલ્મમેકર બન્યા, પણ દાદાજીએ કહેલી પેલી વાર્તા એમના દિમાગમાંથી ભૂંસાઈ નહીં. 2017માં સેમની બીજી પત્ની એલિસને દીકરીને જન્મ આપ્યો. સેમે નક્કી કર્યું કે બેબલી સાવ નાની છે ત્યાં સુધી મારે ઘરની બહાર જવું પડે એવું કોઈ કામ કરવું નથી. હું દીકરીને રમાડીશ, એનાં બાળોતિયાં બદલીશ, પત્ની સાથે સમય પસાર કરીશ ને બેબી સૂઈ જશે ત્યારે વાંચીશ-લખીશ. એમને થયું કે નાનપણમાં દાદાજીએ પેલી જે વાર્તા કહી હતી એને શબ્દોમાં ઉતારવા માટે આ સરસ મોકો છે. સેમ મેન્ડીસે લખવા માંડ્યું.
વીસ પાનાં લખ્યાં બાદ સેમને સમજાયું કે પ્રોફેશનલ લેખકની મદદ લેવી પડશે. આથી તેમણે ક્રિસ્ટી વિલ્સન-કેર્ન્સ નામની સ્કૉટિશ ટીવી રાઇટરને પોતાની પ્રોસેસમાં શામેલ કરી. સેમે એને પહેલાં જ કહી દીધું હતું કે આ વન-શૉટ ફિલ્મ છે. રિસર્ચના ભાગરૂપે ક્રિસ્ટી લંડનનાં મ્યુઝિયમોમાં ગઈ, સરહદેથી સૈનિકોએ લખેલા પત્રો વાંચ્યા, જ્યાં સૈનિકોને દફનાવ્યા હતા તે જગ્યા અને જ્યાં ફિલ્મ શૂટ થવાની હતી તે લોકેશનની મુલાકાત લીધી. ચાર જ વીક પછી ક્રિસ્ટીએ સ્ક્રીપ્ટનો પહેલો ડ્રાફ્ટ સેમ મેન્ડીસ સામે ધરી દીધો. તે વખતે ક્રિસ્ટીને કદાચ ખબર નહોતી કે વૉર ફિલ્મ લખનારી સિનેમાના ઇતિહાસની પહેલી મહિલા લેખિકા તરીકે એનું નામ નોંધાઈ જશે!    
સેમ મેન્ડીસે પછી સિનેમેટોગ્રાફર રોજર ડિકીન્સને સ્ક્રિપ્ટ મોકલી. સ્ક્રિપ્ટના પહેલા જ પાના પર લખ્યું હતું કે આ એક રિઅલ-ટાઇમ વૉર મૂવી છે, જે સિગલ શૉટ ફૉર્મેટમાં શૂટ થઈ છે! રોજરને ચક્કર આવી ગયાઃ વૉર મૂવી ને એ પણ વન-શૉટમાં? જોકે સ્ક્રિપ્ટ વાંચતી વખતે તેમને સમજાયું કે આ કોઈ ગિમિક નથી.

 કાસ્ટિંગ થયું. મુખ્ય સંદેશાવાહક સૈનિકના રોલમાં જ્યૉર્જ મૅકે અને ડીન-ચાર્લ્સ ચેમ્પમેન જેવા પ્રમાણમાં અજાણ્યા એક્ટરોની વરણી કરવામાં આવી. ફૌજી જેવા દેખાય એવા પાંચસો કરતાં વધારે એકસ્ટ્રા કલાકારો પસંદ કરવામાં આવ્યા. છએક મહિના સુધી રિહર્સલ થયાં. પછી પહેલી એપ્રિલ 2019ના રોજ શૂટિંગ શરૂ થયું જે જૂનના અંત સુધી ચાલ્યું. 1917 આપણને વન-શૉટ દેખાય છે, પણ વાસ્તવમાં આખી ફિલ્મને નાના નાના ટુકડાઓમાં શૂટ કરવામાં આવી છે. સૌથી મોટો ટુકડો નવ મિનિટનો છે. આ ટુકડાઓને એડિટિંગ અને સ્પેશિયલ ઇફેક્ટ્સની મદદથી એવી રીતે સીવી લેવામાં આવ્યા છે કે જેથી સ્ક્રીન પર આખેઆખી ફિલ્મ સળંગ સિંગલ શોટ જેવી અસર ઊભી કરે છે.
ખરેખર તો આ ફિલ્મ ઇન્ડોર અને આઉટડોરમાં કેવી રીતે શૂટ થઈ  તે વિશે અલાયદો લેખ થઈ શકે. હાલ પૂરતું આપણે એ જોવાનું છે કે આવતી કાલે 1917 કેટલા અને ક્યા ઑસ્કર અવૉર્ડ્ઝ જીતે છે. આ ફિલ્મ હજુ સુધી જોઈ ન હોય તો વહેલામાં વહેલી તકે જોઈ લેવી એવી તાકીદ કરવાની જરૂર છે ખરી?     
0 0 0


Saturday, February 1, 2020

...તો ‘દીવાર’માં અમિતાભની માતા વૈજયંતિમાલા હોત!

દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 2 February 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ 
વૈજયંતિમાલાની માફક 84 વર્ષની વયે સંપૂર્ણપણે સક્રિય રહેવા માટે અને મંચ પર સોલો ડાન્સ પર્ફોર્મન્સીસ આપવા માટે કેટલી નિષ્ઠા, મહેનત ને શિસ્ત જોઈએ? લંબાતા જતા આયુષ્યની સાથે ચેતન્ય પણ વધતું જાય ને જીવન પ્રત્યેના વિસ્મયભાવને વળ ચડતી જાય તે માટે શું કરવું જોઈએ?  

મના કપાળમાં ચાંદલા ફરતે લાલચટ્ટાક ઊભી રેખા ખેંચાયેલી છે. કાનમાં મોટાં ઝુમ્મર લટકે છે. હોઠ ડાર્ક મેચિંગ લિપ્સ્ટિકથી રંગાયેલા છે. એમની પહોળી આંખોમાં નિર્દોષ બાળક જેવું પારદર્શક વિસ્મય સતત અંજાયેલું રહે છે. પક્વ ઉંમરે નિર્દોષતા કદાચ સહજપણે સપાટી પર આવી જતી હશે. ચમકતી રેડ-ગોલ્ડન સાડીમાં તેઓ આજેય અત્યંત જાજરમાન દેખાય છે. તમે નાના હતા ત્યારથી એમને સ્ક્રીન પર જોતાં આવ્યા છો. આજે તેમને પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો. તમને બરાબર યાદ છે કે તમે બાર-તેર વર્ષના હતા ત્યારે તમારાં મમ્મી-પપ્પા એક વાર એક જૂની ફિલ્મના સ્ક્રીનિંગમાં તમને લઈ ગયાં હતાં. તે બ્લેક-એન્ડ-વ્હાઇટ ફિલ્મનું નામ મધુમતી (1958) હતું. તમને એ પણ બરાબર યાદ છે ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં તમે એ ફિલ્મની હિરોઈનના પ્રેમમાં પડી ચુક્યા હતા. એ નાયિકાનું નામ હતું, વૈજયંતિમાલા. તમારા બાળપણનો એ પહેલો ઑફિશિયલ ક્રશ!
વૈજયંતિમાલા આજે 84 વર્ષનાં થઈ ગયાં છે અને આજે પણ તમને નવેસરથી ક્રશ થઈ જાય એવાં વહાલાં તેમજ પ્રભાવશાળી દેખાય છે. અમદાવાદની પ્રતિષ્ઠિત ગ્રામોફોન ક્લબ દ્વારા યોજાયેલા એક અફલાતૂન ઑડિયો-વિઝ્યુઅલ પ્રોગ્રામમાં ભાગ લેવા તેઓ ખાસ ચેન્નાઈથી આવ્યાં છે. ઇન ફેક્ટ, આ પ્રોગ્રામ ખાસ તેમને કેન્દ્રમાં રાખીને જ સૂઝપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યો છે. મંચ પર ગોઠવાયેલી વિરાટ ડિજિટલ સ્ક્રીન પર વૈજયંતિમાલાની ફિલ્મોનાં ચુનંદાં ગીતો (અને થોડાં દશ્યો પણ) પેશ થતાં જાય ને  પ્રશ્નોત્તરીના ભાગરૂપે વૈજયંતિમાલા સ્વયં તે ગીતો કે ફિલ્મો સાથે જોડાયેલી સ્મૃતિઓ ઑડિયન્સ સાથે શૅર કરતાં જાય.
1949માં વઝાકી નામની પહેલી તમિળ ફિલ્મ કરી ત્યારે વૈજયંતિમાલા માંડ તેર વર્ષનાં હતાં. નૃત્યોથી ભરપૂર આ ફિલ્મ સુપરહિટ થઈ એટલે હિન્દીમાં બહાર (1951) નામે ફરીથી બનાવવામાં આવી. તેમાં વૈજયંતિમાલાને જ હિરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં. તેમની આ પહેલી હિન્દી ફિલ્મ પણ સફળ રહી. પછી તો એક પછી એક હિન્દી ફિલ્મોની કતાર થઈ ગઈ - નાગિન (1954), બિમલ રૉયની દેવદાસ (1955)...   વૈજયંતિમાલા પહેલાં સાઉથ ઇન્ડિયન એક્ટ્રેસ છે, જેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ધાક જમાવી હોય. તેમની સફળતાને કારણે જ પછી દક્ષિણની નૃત્યપ્રવીણ અભિનેત્રીઓને મુંબઇ ઇમ્પોર્ટ કરવાનો ટ્રેન્ડ શરૂ થયો. વહીદા રહેમાન, હેમા માલિની, રેખાથી માંડીને શ્રીદેવી સુધીની બોલિવુડની તમામ સફળતમ દક્ષિણ ભારતીય અભિનેત્રીઓએ વૈજયંતિમાલાને થેન્ક્યુ કહેવું જોઈએ.  
વૈજયંતિમાલાનો કરીઅરગ્રાફ તો ખેર આપણે જાણીએ છીએ. એમની કેટલીય યાદગાર ફિલ્મો, ગીતો અને નૃત્યોએ આપણું અપાર મનોરંજન કર્યું છે. એમનું કામ આપણી સામૂહિક સ્મૃતિનો હિસ્સો બની ગયું છે. એ વાત અલગ છે કે આજે વૈજયંતિમાલા ખુદ પોતાનાં જ કેટલાંક ગીતોને સહેજ કાં તો સદંતર ભુલી ગયાં છે! કાર્યક્રમમાં પોતાનાં અમુક ગીત-નૃત્યો જોઈને એમને ખુદને હેરત થતી હતી. કાર્યક્રમના એન્કર આરજે યુનુસ ખાને યોગ્ય જ કહેલું કે આપણે આલ્બમ ખોલીને જૂના ફોટાગ્રાફ્સ જોતા હોઈએ ત્યારે ઘણી વાર ખુદને માન્યામાં આવતું હોતું નથી કે આ ફોટામાં દેખાય છે તે ખરેખર હું જ છું? વૈજયંતિમાલાને અત્યારે પોતાનાં અમુક જૂનાં ગીતો જોઈને એક્ઝેક્ટલી એવી જ ફીલિંગ થઈ રહી છે!   

વૈજયંતિમાલાએ આ ઉંમરે પણ પોતાનું રમતિયાળપણું જાળવી રાખ્યું છે. મંચ પર વૈજયંતિમાલા અને એન્કરની ખુરસી સામસામે નહીં, પણ બાજુબાજુમાં, સહેજ ત્રાંસી ગોઠવામાં આવી હતી. એન્કર સાથે વાત કરતી વખતે વૈજયંતિમાલાને પોતાની ગરદન વધારે ઘુમાવવી પડતી હતી. આથી તેમણે ખુરસીઓનો એંગલ બદલવાની સૂચના આપી. સાથે સાથે મસ્તીથી યુનુસ ખાનને કહી પણ દીધુઃ તમે મારાથી આટલા દૂર કેમ બેઠા છો? મારી નજીક બેસશો તો હું વિરોધ નહીં કરું!’
જોકે વીસ વર્ષ ભરપૂર કામ કર્યા બાદ 1968માં ફિલ્મજગતને તિલાંજલિ આપ્યા પછી વૈજયંતિમાલા ફરી ક્યારેય કોઈ ફિલ્મી કિરદારની નજીક ન ફરક્યાં. વીતેલાં વર્ષોની કેટલીય અભિનેત્રીઓ પુનઃ આગમન કર્યું છે, પણ મારે ફરીથી ફિલ્મોમાં કામ નથી જ કરવું તેવા નિર્ણય પર વૈજયંતિમાલા અડગ રહ્યાં. એટલેસ્તો ક્રાંતિ (1981) ફિલ્મમાં વૈજયંતિમાલાને લેવાની મનોજકુમારની ઇચ્છા પૂરી ન થઈ શકી. વૈજયંતિમાલા આવી કેટલીય અજાણી કે ઓછી જાણીતી વાતો ઑડિયન્સ સાથે શૅર કરે છે. જેમ કે, યશ ચોપડા દીવાર (1975)માં અમિતાભ બચ્ચનની માતાના રોલમાં વૈજયંતિમાલાની વરણી કરવા માગતા હતા. વૈજયંતિજીને મનાવવા યશ ચોપડા અને સુપરહિટ લેખકજોડી સલીમ-જાવેદ ચૈન્નાઈ ગયા હતા. વૈજયંતિમાલાને જોઈને યશ ચોપડા બોલી ઉઠેલા, તમે તો બહુ યંગ દેખાવ છો. તમને બુઢા દેખાડવા માટે ખૂબ બધો મેકઅપ કરવો પડશે. જો જ તમે અમિતાભ અને શશી કપૂરની મા તરીકે કન્વિન્સિંગ લાગશો!’ જોકે વૈજયંતિમાલા ન માન્યાં તે ન જ માન્યાં. આખરે દીવારમાં નિરુપા રૉયને કાસ્ટ કરવામાં આવ્યાં.
શું તમે એ જાણો છો કે આંધી (1975) ફિલ્મ ગુલઝારસાહેબે વૈજયંતિમાલાને ધ્યાનમાં રાખીને લખી હતી? મેં ગુલઝારસાહેબને પૂછેલું કે આ ફિલ્મ શાના વિશે છે? તેમણે કહ્યું, ઇંદિરા ગાંધી વિશે. હું ગભરાઈ ગઈ. મેં કહ્યું, ના રે ના, મારે કંઈ પોલિટિશિયન નથી બનવું. તે વખતે મને કલ્પના સુધ્ધાં ક્યાંથી હોય કે ભવિષ્યમાં હું વિધિવત્ રાજકારણમાં પ્રવેશ કરીને મેમ્બર ઑફ પાર્લામેન્ટ બનીશ!’ આટલું કહીને વૈજયંતિમાલા ઉમેરે છે, મેં આંધી ન કરી તે વાતનો મને અફસોસ ક્યારેક થાય છે. એમ તો મેં ગુરુ દત્તની મિસ્ટ એન્ડ મિસિસ ફિફ્ટીફાઇવ પણ ઠુકરાવી દીધી હતી.
એવી કોઈ ફિલ્મ છે જે વૈજયંતિમાલા પોતાનાં સક્રિય વર્ષો દરમિયાન કરવા માગતાં હતાં, પણ ન કરી શક્યાં? હા. દેવદાસઅને મધુમતી જેવી બબ્બે શાનદાર ફિલ્મ બનાવ્યા બાદ બિમલ રૉય વૈજયંતિમાલા સાથે ત્રીજી ફિલ્મ બનાવવા માગતાં હતાં - બંદિની (1963). વાતચીત પણ શરૂ થઈ ચુકી હતી, પણ કોઈક કારણસર વૈજયંતિમાલા બંદિની ન જ કરી શક્યાં ને તે ફિલ્મે નૂતનના બાયોડેટામાં સ્થાન મેળવી લીધું.       
દરેક કિરદાર જ્યારે કાગળ પર સર્જાય છે ત્યારે ઉપરવાળો તેને ભજવનારનું નામ અદશ્યપણે લખી નાખતો હશે? ભારતનાટ્યમનો રિયાઝ કરવાનું, ડાન્સ પર્ફોર્મન્સીસ આપવાનું વૈજયંતિમાલાએ જીવનના કોઈ તબક્કે બંધ કર્યું નથી. અભિનેત્રી તરીકે કરીઅર પૂર્ણ કળાએ ખીલી હતી ત્યારે પણ નહીં. આજે 84 વર્ષ વયે પણ તેઓ ભરતનાટ્યમનાં સોલો પર્ફોર્મન્સીસ આપે છે. કેટલી નિષ્ઠા, કેટલી મહેનત, કેટલી શિસ્ત ને કેટલો સ્ટેમિના જોઈએ તેના માટે? વૈજયંતિમાલા કંઈ અમસ્તા જ લેજન્ડ નથી કહેવાયાં!
0 0 0