Sunday, December 16, 2018

એક હતા ઓશો...


દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 12 ડિસેમ્બર 2018, બુધવાર 
ટેક ઓફ 
અમેરિકામાં ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!



શો રજનીશ જો જીવતા હોત તો એમના અનુયાયીઓએ ગઈ કાલે એમનો 87 જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હોત. ઓશો (જન્મઃ 11 ડિસેમ્બર 1931, મૃત્યુઃ 19 જાન્યુઆરી 1990) 61મા વર્ષમાં પ્રવેશ કરે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. અત્યંત મેધાવી, ઓરિજિનલ અને અસાધારણ ઓશોનું માત્ર જીવન જ નહીં, મૃત્યુ પણ વિવાદાસ્પદ પૂરવાર થયું.

ઓફિશિયલ જાહેરાત તો એવી થઈ હતી કે ઓશોનું મોત હાર્ટ-અટેકથી થયું છે, પણ શું આ સાચું કારણ હતું? નેટફ્લિક્સની જબરદસ્ત વખણાયેલી વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી નામની ડોક્યુમેન્ટરી સિરીઝમાં ઓશોનાં મૃત્યુ ફરતે ઘેરાયેલાં પ્રશ્નોનાં વાદળને સ્પર્શવામાં જ આવ્યાં નથી. ઓશોના શંકાસ્પદ મોતને કેન્દ્રમાં રાખીને એકાધિક પુસ્તકો લખાયાં છે. અભય વૈદ્ય લિખિત હુ કિલ્ડ ઓશો?’ અને મા આનંદો (મૂળ નામ સૂ એપલટન) લિખિત વોઝ ભગવાન શ્રી રજનીશ પોઇઝન્ડ બાય રોનાલ્ડ રેગન્સ અમેરિકા?’ – આ બન્ને પુસ્તકોનો સૂર એક જ છેઃ અમેરિકન સત્તાવાળાઓએ ઓશોની હકાલપટ્ટી કરી એની પહેલાં જ્યારે એમને ધીમું ઝેર આપ્યું હતું. આ ઝેર જ ઓશોનાં મોતનું કારણ બન્યું.

ઓશોના મૃત્યુ વિશે, ખેર, ઘણી કોન્સિપરસી થિયરી ઘડાઈ છે. એક સમયે ઓશોથી સૌથી નિકટ ગણાતાં એમનાં પર્સનલ સેક્રેટરી મા આનંદ શીલાથી માંડીને સ્વામી દેવરાજ (પર્સનલ ફિઝિશીયન) અને સ્વામી આનંદ જયેશ (કેનેડિયન માઇકલ ઓબાર્ની, જે ઓશોના કેટલાંય ટ્રસ્ટ સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા હતા) જેવાં ઘણા લોકો તરફ આંગળી ચીંધાઈ, પણ આ તમામ થિયરીમાં ઝેરવાળી થિયરી સૌથી વજનદાર છે. ઓશોના નિધન બાદ એમના પૂનાસ્થિત આશ્રમમાંથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટમાં પણ ઝેરને જ મોતનું કારણ ગણાવવામાં આવ્યું હતું.

એક્ઝેક્ટલી શો હતો આ ઝેરનો મામલો? અમેરિકાની સુપ્રીમ કોર્ટ સુધી વકીલાત કરી ચુકેલાં સૂ એપલટન, કે જે પછી ઓશોનાં અનુયાયી બનીને મા આનંદો બની ગયાં હતાં, એમણે પોતાનાં પુસ્તકમાં આ મુદ્દાને માઈક્રોસ્કોપ નીચે મૂકીને ચકાસ્યો છે. અમેરિકામાં રજનીશ અને એમના અનુયાયીઓ વિરુદ્ધ તીવ્ર હવા બની ચુકી હતી ત્યારની આ વાત છે. (ઓશો નામ રજનીશે અમેરિકાથી ભારત પાછા ફર્યા બાદ ધારણ કરેલું.) એમણે કરેલાં કથિત કૃત્યો વિરુદ્ધ સરકાર કડક હાથે કામ ચલાવશે એ સ્પષ્ટ થઈ ચુક્યું હતું. આખરે 28 ઓક્ટોબર 1985ના રોજ નોર્થ કેરોલિના સ્ટેટ સ્થિત શાર્લોટ શહેરમાં રજનીશની ધરપકડ કરવામાં આવી. સરકારી અધિકારીઓએ ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરી કે કે કોર્ટની કાર્યવાહી ચાલે તે દરમિયાન રજનીશને સરકારી હિરાસતમાં રાખવામાં આવે, કારણ કે જો એમ કરવામાં નહીં આવે તો કાં તો રજનીશના અનુયાયીઓ એમને ઝેર આપીને મારી નાખશે અથવા રજનીશ ખુદ આત્મહત્યા કરી નાખશે!

એમને સાત દિવસ સરકારી હિરાસતમાં રાખવામાં આવ્યા. રજનીશને પોર્ટલેન્ડ લઈ જવાના છે એવું કહીને 4 નવેમ્બર 1985ના રોજ એમને સશસ્ત્ર પહેરા હેઠળ કસ્ટડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. પોર્ટલેન્ડ એ અમેરિકાના ઓરેગોન રાજ્યનું સૌથી મોટું શહેર છે. રજનીશપુરમ નામનું રજવાડું ઓરેગોનમાં જ વિકસાવવામાં આવ્યું હતું. શાર્લોટથી પ્લેનમાં પોર્ટલેન્ડ પહોંચતાં માંડ પાંચ કલાક થાય, પણ રજનીશને આટલું અંતર કાપતાં ત્રણ દિવસે લાગ્યા. કેમ આમ થયું? 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન રજનીશ ક્યાં અદશ્ય થઈ ગયા હતા? જો ઝેરવાળી કન્સિપરસી થિયરીને સાચી માનવામાં આવે, તો જે કોઈ કાંડ થયો તે આ ત્રણ દિવસ દરમિયાન થયો હતો. 

રજનીશના વકીલોએ આ ત્રણ દિવસનો હિસાબ માગ્યો ત્યારે અમેરિકાના સરકારી અધિકારીઓએ કશી જ વિગત આપવાની ચોખ્ખી ના પાડી દીધી. એ તો પાછળથી ઓકલાહોમા સ્ટેટના એક ઓફિસરે માહિતી આપી કે રજનીશને 4 નવેમ્બર 1985ની રાતે ઓકલાહોમાની એક ગ્રામ્ય જેલમાં રાખવામાં આવ્યા હતા. મજા જુઓ. આ જેલના ઇન-ચાર્જે કહી દીધું કે અમારી જેલમાં તે રાતે રજનીશ નામની કોઈ વ્યક્તિ આવી જ નહોતી. રજનીશના વકીલે તંત ન મૂક્યો. એણે જેલના વોલ્ટરૂમમાં જઈને ત્યાં કામ કરતા ક્લર્કને વિનંતી કરી. ખાંખાખોળા કરતાં એક દસ્તાવેજ જડી આવ્યો. એમાં લખ્યું હતું કે 4 નવેમ્બર 1985ના રોજ રાતે 8 વાગીને 35 મિનિટે રજનીશપુરમમાં વસતા ડેવિડ વોશિંગ્ટન નામના માણસને જેલમાં લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે બપોરે સવાત્રણે એને છોડી મૂકવામાં આવેલો. ફોર્મના નીચેના ભાગમાં સહીની જગ્યા ઉપર સફેદ પ્રવાહી લગાડીને એ માણસના હસ્તાક્ષર મિટાવી દેવામાં આવ્યા હતા. પ્રવાહીના સફેદ ડાઘા ઉપર વોશિંગ્ટન ડેવિડ એવું ટાઇપ કરવામાં આવ્યું હતું!  

જેલમાંથી બહાર કાઢ્યા પછી રજનીશને ક્યાં લઈ જવામાં આવ્યા હતા? ઓકલાહોમાની બહાર ગુનેગારો માટેના સુધારણા-કેન્દ્રમાં. પાંચમી અને છઠ્ઠી નવેમ્બર રજનીશે અહીં ગાળી. રજનીશની યાદશક્તિ કેટલી પ્રચંડ હતી તે આખી દુનિયા જાણે છે, પણ રજનીશને 5 અને 6 નવેમ્બર 1985ની રાત યાદ જ નહોતી! એમને 4 ડિસેમ્બરની ઓકલાહોમાના જેલમાં વીતાવેલી રાત જ યાદ હતી. તેમણે કહેલું કે મને તે રાતે બહુ જ સરસ ઊંઘ આવેલી. બસ, આટલું જ. તે પછીના બે દિવસ અને બે રાતની તમામ વિગતો એમના દિમાગમાંથી સમૂળગી ભૂંસાઈ ગઈ હતી, અથવા કહો કે, ભૂંસી નાખવામાં આવી હતી.

આ ઘટનાક્રમ પછી રજનીશને સખત ચક્કર અને ઉબકા આવવા, માથું દુખવું, ભૂખ ન લાગવી જેવી શારીરિક તકલીફો શરૂ થઈ ગઈ. 14 નવેમ્બર 1985ના રોજ ચોપન વર્ષીય રજનીશને અમેરિકા છોડવાનું ફરમાન કરવામાં આવ્યું. કેટલાય દેશોમાંથી જાકારો મળ્યા બાદ તેઓ આખરે ભારત પાછા ફર્યા. રજનીશ અગાઉ કડેધડે હતા, પણ હવે એમને નાનીમોટી બીમારીઓ લાગુ પડવા માંડી. વાળ ઊતરવા માંડ્યા, આંખે ઝાંખપ આવવાને કારણે વાંચવાનું ઉત્તરોત્તર ઓછું થતું ગયું, હાથ અને ખભાના સાંધા દુખવા લાગ્યા. 1987ના જાન્યુઆરીથી ઓક્ટોબરની વચ્ચે રજનીશે નાદુરસ્ત તબિયતને કારણે 91 દિવસ પ્રવચન કેન્સલ કરવા પડ્યા.

એક વાર રજનીશના કાનમાં ઇન્ફેક્શન થઈ ગયું. ટ્રીટમેન્ટ શરૂ થયા પછી સામાન્યપણે સાતેક દિવસમાં આ તકલીફ દૂર થઈ જવી જોઈતી હતી. એને બદલે કાન ઠીક થતાં દોઢ મહિનો લાગ્યો. ડોક્ટરો ચેતી ગયા. એમને સમજાયું કે મામલો ગંભીર છે. રજનીશનાં વાળ-લોહી-પેશાબનાં નમૂના, હાડકાંના એક્સ-રે વગેરે લંડન મોકલવામાં આવ્યાં. સારામાં સારી લેબોરેટરીઓમાં કેટલાંય પરીક્ષણો થયાં. તે પછીય ડોક્ટરો કોઈ ચોક્કસ નિદાન પર પહોંચી ન શક્યા, પણ એમણે ત્રણ સંભાવના જરૂર વ્યક્ત કરીઃ રજનીશનાં શરીરમાં જે લક્ષણો જોવા મળે છે એવા કાં તો કેન્સરને લીધે હોય, કાં રેડિયેશનના સંપર્કના કારણે હોય અથવા થેલિયમ પોઇઝનિંગને કારણે હોય. કેન્સર અને રેડિયેશનના વિકલ્પો બંધ બેસતા નહોતા એટલે બચ્યો માત્ર થેલિયમ પોઇઝનિંગવાળો વિકલ્પ.

થેલિયમને ઉંદર મારવાની દવામાં નાખવામાં આવે છે. ઉંદર જ નહીં, માનવહત્યા માટે પણ દુનિયાભરમાં તેનો ઉપયોગ થાય છે. તે રંગહીન, ગંધહીન તત્ત્વ છે, પાણીમાં આસાનીથી ભળી જાય છે. થેલિયમ માણસની ચેપ વિરુદ્ધની પ્રતિકારક્ષમતા સાવ ઘટાડી નાખે છે. થેલિયમનો હેવી ડોઝ આપવામાં આવે તો એ જીવ ખેંચી લે, પણ નાના નાના ડોઝથી માણસની નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર) ધીમે ધીમે ક્ષીણ થઈને આખરે સાવ ખતમ થઈ જાય. થેલિયમ અપાયું હોય તો પણ ત્રણથી છ મહિના બાદ શરીરમાં એની કોઈ નિશાની પકડાતી નથી. એક લીટર પ્રવાહીમાં થેલિયમની માઇક્રોગ્રામથી કરતાં વધારે માત્રામાં હોય તો જ તેને પકડી શકાય. રજનીશનાં પરીક્ષણો તો અમેરિકા છોડ્યા બાદ બહુ મોડાં શરૂ થયેલાં. દેખીતું છે કે જુદી જુદી ટેસ્ટ્સમાં થેલિયમની હાજરી ન જ વર્તાય. 
  
ધારો કે થેલિયમવાળો વિકલ્પ સાચો હોય તો સવાલ એ ઉઠે કે રજનીશને તે કોણે અને ક્યારે આપ્યું? આનો ઉત્તરમાં માત્ર અટકળ થઈ શકે અને તે એ કે 4થી 7 નવેમ્બર 1985 દરમિયાન અમેરિકામાં સરકારી તંત્ર દ્વારા રજનીશને જે રીતે ગાયબ કરી દેવામાં આવેલા ત્યારે આ કુચેષ્ટા થઈ હોવી જોઈએ. અમેરિકાના રૂઢિચુસ્ત વર્ગને  રજનીશ આંખના કણાની જેમ ખૂંચતા હતા. રજનીશના ક્રાંતિકારી અને બોલ્ડ વિચારો એમને ખ્રિસ્તી-વિરોધી લાગતા હતા. થેલિયમના ડોઝ સંભવતઃ રજનીશને અપાયેલી ઓફ-ધ-રેકોર્ડ સજા હતી!   

અગાઉ નોંધ્યુ તેમ, રજનીશના અત્યંત નિકટના અનુયાયીઓએ જ એમનો કાંટો કાઢી નાખ્યો હોય એવી થિયરી પણ છે જ. રજનીશનાં નિધનના ફક્ત 41 દિવસ પહેલાં એમની ખૂબ વિશ્વાસુ ગણાતાં કેર-ટેકર મા પ્રેમ નિર્વાણોનું ભેદી સંજોગોમાં મોત થઈ ગયું હતું. મા પ્રેમ નિર્વાણો ફ્કત ચાલીસ વર્ષનાં હતાં ને એકદમ સાજાસારા હતાં.    
  
અમુક પ્રશ્નો અનુત્તર રહી જવા સર્જાયા હોય છે. અચાનક ત્રાટકેલું અથવા અસ્પષ્ટ રહી જતું મોત અસામાન્ય વ્યક્તિનું કદ વધારે લાર્જર-ધેન-લાઇફ બનાવી દેતું હોય છે. ઓશોની જેમ...

0 0 0 

No comments:

Post a Comment