Monday, December 24, 2018

2018... ઝક્કાસ!


 દિવ્ય ભાસ્કર - રસરંગ પૂર્તિ, રવિવાર – 23 ડિસેમ્બર 2018
મલ્ટિપ્લેક્સ
આ વર્ષે રિલીઝ થયેલી અને વખાણાયેલી ફિલ્મોએ ફરી એક વાર પૂરવાર કર્યું કે, કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ! ઓડિયન્સને સુંદર રીતે કહેવાયેલી મસ્તમજાની કહાણી જોવામાં સૌથી વધારે રસ પડે છે, સ્ટાર્સને જોવામાં નહીં.


લો, તો 2018નું વર્ષ પૂરું પણ થઈ ગયું. વેલ, ઓલમોસ્ટ. તો કેવું રહ્યું ટ્વેન્ટી-એઇટીન, બોલિવૂડની દષ્ટિએ? એક જ શબ્દમાં કહેવું હોય તો, ઝક્કાસ! કેટલી સુંદર ફિલ્મો ને કેટલું બધું વૈવિધ્ય. આ વર્ષે રિલીઝ થયેલી અને વખાણાયેલી ફિલ્મોએ ફરી એક વાર પૂરવાર કર્યું કે, કોન્ટેન્ટ ઇઝ ધ કિંગ! ઓડિયન્સને સુંદર રીતે કહેવાયેલી મસ્તમજાની કહાણી જોવામાં સૌથી વધારે રસ છે, સ્ટાર્સને જોવામાં નહીં.

સામાન્યપણે જાન્યુઆરી મહિનાને બુંદિયાળ ગણવામાં આવે છે, પણ આ વખતે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી પદ્માવત ફિલ્મે 586 કરોડ રૂપિયા જેવો જંગી બિઝનેસ કર્યો. હા, આ ફિલ્મને લીધે લોહીઉકાળા ખૂબ થયા હતા, પણ અંગ્રેજીમાં પેલું કહે છેને કે, ઓલ વેલ ધેટ એન્ડ્સ વેલ. અંત ભલા તો સબ ભલા. પદ્માવત સંજય લીલા ભણસાલીની ઉત્તમ ફિલ્મોમાં સ્થાન નથી જ પામતી, ઇવન, સંજય ભણસાલી-દીપિકા પદુકોણના કોમ્બિનેશનવાળી બાજીરાવ મસ્તાની અને રામ-લીલા પણ આના કરતાં પ્રમાણમાં બહેતર હતી, પણ ફિલ્મ હિટ થઈ એટલે કરણી સેનાના કારસ્તાન ભુલાઈ ગયા. જાન્યુઆરી મહિનામાં જ અનુરાગ કશ્યપની અસરકારક અને ખાસ્સી અન્ડરરેટેડ ફિલ્મ રિલીઝ થઈ - મુક્કાબાઝ. એના એક્ટર વિનીત કુમાર સિંહે (જે અસલી જીવનમાં એમબીબીએસ  ડિગ્રીધારી ડોક્ટર છે) સૌનું ધ્યાન ખેંચ્યું.

ફેબ્રુઆરીમાં અક્ષયકુમાર – આર. બાલ્કીની પેડમેન આવી. હિટ! દાયકા પહેલાં શું, ઇવન પાંચ વર્ષ પહેલાં પણ આપણે કલ્પ્યું હતું ખરું કે મહિલાઓના સેનિટરી પેડ જેવા વિષય પર બોલિવૂડના સુપરસ્ટારને લઈને મેઇનસ્ટ્રીમ ફિલ્મ બની શકે? ફિલ્મના ક્લાઇમેક્સમાં અક્ષય કુમાર તૂટીફૂટી ઇંગ્લિશમાં અસરકારક સ્પીચ આપે છે. અક્ષયે જેમાં સારો અભિનય કર્યો હોય એવાં જે થોડાંઘણાં ઉદાહરણો છે એમાં આ સ્પીચને મૂકવી પડે. નીરજ પાંડેની વૉર-ફિલ્મ ઐયારી (મનોજ બાજપાઈ, સિદ્ધાર્થ મલ્હોત્રા)એ નિરાશ કર્યા, પણ કાર્તિક આર્યનની સોની કે ટિટુ કી સ્વિટીએ ઓડિયન્સને મજા કરાવી. આ ફિલ્મે બોલિવૂડમાં કાર્તિકનું સ્થાન મજબૂત કરવાનું કામ કર્યું. બે યાર અને કેવી રીતે જઈશ?’વાળા ગુજરાતી ફિલ્મમેકર અભિષેક જૈન હાલ કાર્તિકને લઈને એક હિન્દી ફિલ્મ બનાવી રહ્યા છે એ પણ ભેગાભેગું નોંધી લઈએ? 

માર્ચ મહિનામાં રાની મુખર્જીની કમ-બેક ફિલ્મ આવી - હિચકી. ટુરેટ સિન્ડ્રોમ જેવા સાવ નવા વિષય
પર બનેલી હીરો વગરની આ ફિલ્મ સરસ ચાલી. સત્યઘટના પર આધારિત અજય દેવગણની રેઇડ અને ટાઇગર શ્રોફની મારધાડથી ભરપૂર બાગી-ટુને પણ ઓડિયન્સે સ્વીકારી.  

એપ્રિલ મહિનો ઓફ-બીટ ફિલ્મોનો રહ્યો. ઇરફાનની બ્લેક કોમેડી બ્લેકમેઇલ, શૂજિત સરકારના ડિરેક્શનમાં બનેલી અને વરૂણ ધવનના અભિનયવાળી સંવેદનશીલ ફિલ્મ ઓક્ટોબરતેમજ  આંતરરાષ્ટ્રીય સ્તરે જેમનું બહુ મોટું નામ છે એવા ઇરાનીઅર ડિરેક્ટર મજીદ મજિદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સ– આ ત્રણેય ફિલ્મો એપ્રિલમાં આવી. શાહિદ કપૂરના ટેલેન્ટેડ લઘુબંધુ ઈશાન ખટ્ટરે આ ફિલ્મથી અભિનયની કરીઅરનો પ્રભાવશાળી શુભારંભ કર્યો.

મે મહિનો ઇવેન્ટફુલ રહ્યો. શરૂઆત ઉમેશ શુક્લના દિગ્દર્શિત, સૌમ્ય જોશી લિખિત 102 નોટ આઉટથી થઈ. આ ફિલ્મે પૂરવાર કર્યું કે ઘરડા ખખડી ગયેલા બે બુઢાઓ પર પણ આખેઆખી મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મ બની શકે છે ને પ્રેક્ષકો તેને એન્જોય પણ કરી શકે છે. મેઘના ગુલઝારે બનાવેલી રાઝીમાં આલિયા ભટ્ટે કમાલ કરી. આમાં વિકી કૌશલનો રોલ ભલે નાનો હતો, પણ મજાનો હતો. જોન અબ્રાહમની પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરણ એના વિષયવસ્તુને કારણે ધ્યાન ખેંચી શકી.



જૂન મહિનો તો મે કરતાંય વધારે ઘટનાપ્રચુર પુરવાર થયો. આપણે સૌ જેની અધ્ધર શ્વાસે રાહ જોતા હતા એ રાજકુમાર હિરાણીની સંજુ આ મહિનામાં રિલીઝ થઈ. ઘણા લોકોને આ ફિલ્મ સામે સૈદ્ધાંતિક વાંધો પડ્યો (સંજય દત્ત જેવા દેશદ્રોહના આરોપી રહી ચૂકેલા નશાબાજ માણસને શા માટે ગ્લોરીફાય કે જસ્ટિફાય કરવો જોઈએ?’), પણ સંજુ 2018ની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ પૂરવાર થઈ. રણબીર કપૂરે ફરી એક વાર પૂરવાર કરી આપ્યું કે અભિનયના મામલામાં એ પોતાની જનરેશનના બીજા હીરોલોગ કરતાં ક્યાંય આગળ છે. આ જ મહિનામાં ચાર-ચાર જોગમાયાઓને ચમકાવતી વીરે દી વેડિંગ આવી. સરપ્રાઇઝ, સરપ્રાઇઝ! આ ફિલ્મ સફળ રહી. હંડ્રેડ કરોડ ક્લબમાં સ્થાન મેળવીને તેણે સૌને ચમકાવી દીધા. સલમાન ખાનની રેસ-થ્રીને ધીબેડવાની, ટ્રોલ કરવાની અને એના જોક બનાવવાની લોકોને મજા આવી ગઈ. ખૂબ બધી ગાળો ખાઈનેય આ ફિલ્મે 303 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, બોલો.

જુલાઈમાં શ્રીદેવીપુત્રી જ્હાનવીને ચમકાવતી ધડક આવી. ઓરિજિનલ સૈરાટની તુલનામાં આ ફિલ્મ સાવ મોળી હતી, પણ લોકોને જ્હાનવી અને ઈશાન ખટ્ટર બન્ને ગમ્યાં. ઓગસ્ટમાં બે સુંદર ફિલ્મો આવી – કમ્યુનલ આઇડેન્ટિટી જેવો સંવેદનશીલ વિષય ધરાવતી મુલ્ક અને હિટ કોમેડી-હોરર સ્ત્રી. રીમા કાગતીના ડિરેક્શનમાં બનેલી અને દેશપ્રેમના સરસ વઘારવાળી સ્પોર્ટ્સ ફિલ્મ ગોલ્ડ (અક્ષય કુમાર) એક વર્ગને ખૂબ ગમી. ઇરફાન, સાઉથ ઇન્ડિયન સુપરસ્ટાર દુલકર સલમાન અને ચુલબુલી મિથિલા પાલકરને ચમકાવતી રોડ-ટ્રિપ મૂવી કારવાં એક સ્વીટ ફિલ્મ હતી.

સપ્ટેમ્બર પર ફરી એક વાર ઓફબીટ ફિલ્મો છવાયેલી રહી. મનોજ બાજપાઈની ગલી ગુલીયાં, વેશ્યાવાડે વેચાઈ જતી નિર્દોષ છોકરીઓ અથવા કહો કે હ્યુમન ટ્રાફિકિંગ જેવા વિષય પર બનેલી લવ સોનિયા, નંદિતા દાસે ડિરેક્ટ કરેલી નવાઝુદ્દીન સિદ્દીકીવાળી મન્ટો તેમજ વિશાલ ભારદ્વાજની બે ઝઘડાળુ બહેનોવાળી પટાખા આ મહિને રિલીઝ થઈ. એમ તો વરૂણ ધવન-અનુષ્કા શર્માવાળી સ્વીટ સુઈ ધાગા અને અનુરાગ કશ્યપની મનમર્ઝિયાં પણ સપ્ટેમ્બરમાં જ આવી. સંજુમાં આપણને ઓલરેડી પ્રભાવિત કરી ચુકેલો વિકી કૌશલ મનમર્ઝિયાંથી નવેસરથી છવાઈ ગયો. તાપસી પન્નુની તો વાત જ શી કરવી. આ વખતે બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડના દાવેદાર તરીકે આલિયા રાઝી ભટ્ટ અને તાપસી મનમર્ઝિયાં પન્નુ વચ્ચે જોરદાર તાણખેંચ થવાની છે, તમે જોજો.     

ઓક્ટોબરમાં એક નહીં, પણ ત્રણ-ત્રણ સોલિડ ફિલ્મો આવી. એમાંથી બે તો ફક્ત આયુષ્યમાન ખુરાનાની હતી – સસ્પેન્સ થ્રિલર અંધાધુન અને સોશિયલ કોમેડી બધાઈ હો. આ બે ફિલ્મોએ અત્યાર સુધી અમોલ પાલેકરના આધુનિક વર્ઝન જેવા દેખાતા આયુષ્યમાનને ફટાક કરતો ટોપ સ્ટાર બનાવી દીધો છે. જેનો પ્રકાર નક્કી કરવામાં તકલીફ થઈ જાય એવી તુંબાડ જોઈને ફિલ્મપ્રેમીઓ ખુશ થઈ હતા. કાજોલની હેલિકોપ્ટર ઈલાએ જોકે ઓડિયન્સને નિરાશ કર્યા.
  
નવેમ્બર. આ વર્ષનો સૌથી મોટો હથોડો આપણને દિવાળીના શુભ અવસરે જ પડ્યો, ઠગ્સ ઓફ હિંદોસ્તાનના રૂપમાં. ફિલ્મ એટલી બધી ખરાબ નીકળી કે આમિરે જાહેરમાં માફી માગવી પડી. રજનીકાંત-અક્ષયકુમારની 2.0 ટેક્નિકલી હિન્દી ફિલ્મ ન કહેવાય, પણ એના હિન્દીમાં ડબ થયેલા વર્ઝને ઘણી કમાણી કરી છે. સંભવતઃ એ આ વર્ષની સૌથી વધારે બિઝનેસ કરનારી ત્રીજી હિન્દી ફિલ્મ ગણાશે.

ડિસેમ્બરમાં સારા અલી ખાન નામની ક્યુટ અને કોન્ફિડન્ટ કન્યાએ બોલિવૂડમાં ધમાકેદાર એન્ટ્રી કરી. કેદારનાથ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા મળી, પણ સારાને સૌએ એક અવાજે વધાવી લીધી. આ વર્ષનો બેસ્ટ ડેબ્યુ – ફિમેલનો અવોર્ડ કોઈ પણ દલીલબાજી કર્યા વગર સારાને આપી દઈએ? બેસ્ટ ડેબ્યુ - મેલનો અવોર્ડ ઈશાન ખટ્ટરને મળવો જોઈએ.

શાહરૂખ ખાનની અતિ મહત્ત્તવાકાંક્ષી ઝીરો આ શુક્રવારે રિલીઝ થઈ. આ ફિલ્મ ઝીરો પૂરવાર થઈ કે હીરો એ આ લેખ તમે વાંચતા હશો ત્યાં સુધીમાં સ્પષ્ટ થઈ ચુક્યું હશે. આવતા શુક્રવારે તાજ્જા તાજ્જા પરણેલા રણવીર સિંહની ટિપિકલ મસાલા ફિલ્મ સિમ્બા આવશે. આ બે ફિલ્મો ઉપરાંત 2.0ને હાલ પૂરતી ગણનામાં ન લઈએ તો 2018ની સૌથી વધારે કમાણી (નેટ નહીં પણ ગ્રોસ ઇન્કમ) કરનારી ટોપ-ટેન ફિલ્મો ઊતરતા ક્રમમાં આ રહીઃ સંજુ, પદ્માવત, રેસ-થ્રી, ઠગ્સ ઓફ હિંદોસ્તાન, બાગી-ટુ, હિચકી, બધાઈ હો, રાઝી, સ્ત્રી અને પેડમેન.  

દુનિયાભરની ભાષાઓમાં બનતી ફિલ્મો વિશેની જાણકારી માટે એમેઝોનની માલિકીની આઇએમડીબી (ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ) નામની વેબસાઇટ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. એણે સૌથી વધારે રેટિંગ મેળવનાર (એટલે કે ઓડિયન્સે સૌથી વધારે પસંદ કરેલી) 2018ની ટોપ ટેન ઇન્ડિયન ફિલ્મ્સનું લિસ્ટ પાડ્યું છે. એમાં હિન્દી ફિલ્મો ચાર જ છે. નંબર વન પોઝિશન પર અંધાધુન છે. પાંચમા, છઠ્ઠા અને આઠમા ક્રમે અનુક્રમે બધાઈ હો, પેડમેન અને સ્ત્રી છે. બધાઈ હો, આયુષ્યમાન!  

0 0 0

No comments:

Post a Comment