Tuesday, July 3, 2018

વર્લ્ડ-ક્લાસ ડોક્યુમેન્ટરી બનાવવાની કળા


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 1 જુલાઈ 2018
મલ્ટિપ્લેક્સ
'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' ડોક્યુ-સિરીઝનો કેન્દ્રિય ભાવ 'ફિઅર ઓફ અધર્સ' છે. જે પોતાના જેવા નથી એવા અજાણ્યા લોકો તરફથી ઊભો થતો કલ્પિત કે વાસ્તવિક ભય. રજનીશના અનુયાયીઓ અને સ્થાનિક અમેરિકનો એમ બન્ને જૂથના લોકો દઢપણે માનતા રહ્યા કે પોતે  સાચા અને નિર્દોષ છે, બદમાશ તો સામેની પાર્ટી છે. બન્નેમાંથી કોઈએ છેક સુધી નમતું ન જોખ્યું. પરિણામે કલ્પી ન શકાય એવો મોટો કાંડ થઈ ગયો.  
બિલકુલ. રાજકુમાર હિરાણી-રણબીર કપૂરની 'સંજુ' અત્યારે જોરદાર ન્યુઝમાં છે તે કબૂલ, પણ આપણે ગયા રવિવારે ઓશો રજનીશના 'અમેરિકન' જીવન પર બનેલી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' નામની અદભુત ડોક્યુમેન્ટરી વિશે વાત માંડી હતી તે પહેલાં પૂરી કરીએ. નેટફ્લિક્સ પર આ અંગ્રેજી ડોક્યુ-સિરીઝના એક-એક કલાકના છએ છ તબલાતોડ એપિસોડ્સ અવેલેબલ છે અને દુનિયાભરના લોકો જેને અધ્ધર શ્વાસે જોઈ ગયા છે અથવા જોઈ રહ્યા છે. જેની ગુણવત્તા સો ટચના સોના જેવી છે એવી આ ડોક્યુ-સિરીઝમાં છે શું તે થોડું રિવાઇન્ડ કરીને જોઈ લઈએ.
1980ના દાયકા પ્રારંભમાં રજનીશ (તે વખતે તેઓ ઓશો નહીં પણ 'ભગવાન' હતા) અને એમના અનુયાયીઓ માનવજાત માટે આદર્શ કહી શકાય એવી દુનિયાનું સર્જન કરવા માગતા હતા. આ માટે એમણે અમેરિકાના ઓરેગોન રાજ્યની 64 હજાર એકરમાં ફેલાયેલી ઉજ્જડ જમીન પસંદ કરી. અહીં તેમણે શાનદાર રજનીશપુરમ નામનું નગર ઊભું કર્યું. એમનો શુભ આશય તો એવો હતો કે અહીં માત્ર પ્રેમ, કરૂણા, મૈત્રી, સદભાવના અને આઝાદીનું રાજ ચાલતું હોય. હકીકતમાં થયું એનાથી બિલકુલ ઊલટું. સેક્સ કલ્ટ તરીકે બદનામ થઈ ગયેલા આ સમુદાયના કેટલાક લોકો પર સેમી-ઓટોમેટિક હથિયારો ધરાવવા, સ્થાનિક અમેરિકનોને, ખાસ કરીને એન્ટેલોપ નામના પાડોશમાં આવેલા ટચુકડા ગામના રહેવાસીઓને નુક્સાન પહોંચાડવા માટે વોટર પોઇઝનિંગ, ફૂડ-પોઇઝિનંગ, સ્થાનિક ચૂંટણીમાં ઘાલમેલ, ઇવન હત્યાનો પ્રયાસ વગેરે જેવા સંગીન અપરાધો કરવાનો આરોપ લાગ્યો. રજનીશીઓ અને સ્થાનિક અમેરિકનો વચ્ચે જંગ ફાટી નીકળ્યો. અદાલતમાં કેસ ચાલ્યા.  સરવાળે રજનીશે પોતાના નિકટના અનુયાયીઓ સાથે રાતોરાત જીવ બચાવીને નાસવું પડ્યું. રજનીશપુરમ હતું ન હતું થઈ ગયું. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'માં આ સમગ્ર ઘટનાક્રમ કમાલની અસરકારકતાથી પેશ કરવામાં આવ્યો છે. શ્રેષ્ઠ બાબત એ છે કે રજનીશપુરમવાસીઓ અને સ્થાનિક અમેરિકનોમાંથી કોણ કેટલું સાચું હતું કે ખોટું હતું એનો નિર્ણય કરવાનું કામ ઓડિયન્સ પર છોડી દેવામાં આવ્યું છે.
આ ડોક્યુ-સિરીઝ ચેપમેન વે અને મેક્લેઇન વે નામના પચીસ-ત્રીસ વર્ષના બે સગા અમેરિકન ભાઈઓએ બનાવી છે. એમને આ વિષય પર કામ કરવાનું શી રીતે સૂઝ્યું? બન્યું એવું કે 2014માં તેઓ 'ધ બેટર્ડ બાસ્ટર્ડ્સ ઓફ બેઝબોલ' નામની ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા, જે અમેરિકાના ઓરેગોન રાજ્યના પોર્ટલેન્ડ શહેરની 1970ના દાયકાની એક બેઝબોલ ટીમ પર આધારિત હતી. આ ડોક્યુમેન્ટરી માટે જરૂરી રિસર્ચ કરવા બન્ને ભાઈઓ ફિલ્મ આર્કાઇવ્ઝમાં જઈને તે જમાનાનું ફૂટેજ શોધવા ખાંખાંખોળા કરતા. આ સમયગાળા દરમિયાન એમની નજરે 'ભગવાન રજનીશ', 'રજનીશપુરમ' વગેરે જેવાં મથાળાંવાળી ચિક્કાર ટેપ્સ નજરે ચડી. ચેપમેન અને મેક્લેઇને જિંદગીમાં અગાઉ ક્યારેય રજનીશનું નામ સુધ્ધાં નહોતું સાંભળ્યું.
Dicector duo: Chapman Way and Maclain Way
એક વાર એમણે એમ જ કોઈ ટેપ પ્લે કરી.  એમને થયું કે કોણ છે આ પોતાને સંન્યાસી કહેડાવતા લાલ કપડાંવાળા વરણાગી લોકો? ઓરેગોનના ઉજ્જડ રણમાં તેઓ શું કરી રહ્યા છે? ભાઈઓને કુતૂહલ થયું એટલે તેઓ વધુ ને વધુ ટેપ્સ જોતા ગયા. રજનીશ એટલે કોણ, એમના અનુયાયીઓ કોણ છે, રજનીશપુરમ એટલે શું અને આ બધો હોબાળો શા માટે છે એ ધીમે ધીમે એમને સમજાતું ગયું. એમણે પામી લીધું કે આના પરથી જબરદસ્ત ડોક્યુમેન્ટરી બની શકે તેમ છે0 એમને નવાઇ એ વાતની લાગી રહી હતી કે માન્યામાં ન આવે એટલી હદે ટ્વિસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ ધરાવતી આ સત્યઘટનાને આજનું અમેરિકા ભૂલી કેવી રીતે ગયું?
ભાઈઓએ સારા માંહ્યલો પ્રોડ્યુસર શોધી કાઢ્યો. બેઝબોલવાળી ડોક્યુમેન્ટરીનું કામ પૂરું થતાંની સાથે જ તેમણે 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' બનાવવાનું કામ શરૂ કરી દીધું. છ એપિસોડની આ ડોક્યુ-સિરીઝ બનાવતાં એમને ચાર વર્ષ લાગ્યા! જૂના ફૂટેજના મામલામાં તેઓ ખરેખર લકી પૂરવાર થયા. 1980ના દાયકામાં, બીટાકેમ પ્રચલિત બન્યા એની પહેલાં સ્થાનિક ટીવી સ્ટેશનો યુ-મેટિક ટેપ્સ પર શૂટિંગ કરતાં. ખર્ચ બચાવવા માટે એકની એક ટેપ ઉપર વારે વારે રેકોર્ડિંગ કર્યા કરતા. આગલા દિવસના ન્યુઝ જૂના થઈ જાય એટલે એની ટેપ પર નવા દિવસનું ફૂટેજ 'છાપવામાં' આવતું. સદભાગ્યે ટીવી સ્ટેશનવાળાઓને તે વખતે રજનીશપુરમની સ્ટોરી રુટિન કરતાં ઘણી વેગળી અને મહત્ત્વની લાગી. આથી રજનીશપુરમવાળું ફૂટેજ ધરાવતી યુ-મિટક ટેપ્સ પર કશુંય ઓવરરાઇટ કરવાને બદલે એમણે એ સઘળી ટેપ્સ જાળવી રાખી. આને લીધે ચેપમેન અને મેક્લેઇનને જુદા જુદા લોકલ ટીવી સ્ટેશનોએ રજનીશપુરમની અંદર જઈને શૂટ કરેલું કુલ 300 કરતાં વધારે કલાકનું કિમતી ફૂટેજ મળી ગયું. રજનીશપુરમની સાવ અડીને રહેલા સ્થાનિક અમેરિકનો સાથે ટીવી પત્રકારોએ કરેલી વાતચીતનું ફૂટેજ પણ ખરું. રજનીશપુરમ વિશે પચાસેક જેટલાં પુસ્તકો લખાયાં હતાં તે અને એ સિવાયના રજનીશ વિશેના બને એટલાં વધારે પુસ્તકો આ ડોક્યુમેન્ટ્રીમેકર ભાઈઓએ વાંચી કાઢ્યા.
તમે ડોક્યુ-સિરીઝ જોશો તો સમજાશે કે એમાં બે પ્રકારનાં દશ્યો વારાફરતી આવ્યાં કરે છે. એક, 1980ના દાયકામાં બનેલી દિલધડક ઘટનાઓનું એક્ચ્યુઅલ ફૂટેજ. બીજું, આ બધું જ જોઈ-અનુભવી ચુકેલા અને સમગ્ર ઘટનાક્રમનો હિસ્સો રહી ચુકેલાં માનવપાત્રોના અત્યારના ઇન્ટરવ્યુઝ. આ ડોક્યુ-સિરીઝ માટે ભૂતપૂર્વ રજનીશીઓ અને સ્થાનિક અમેરિકનોમાંથી કોઈ આસાનીથી ઇન્ટરવ્યુ આપવા માટે તૈયાર નહોતું થયું. સૌને ખૂબ મનાવવા પડ્યા હતા.

રજનીશપુરમના આખા કાંડમાં સૌથી શક્તિશાળી પાત્ર તરીકે મા આનંદ શીલા ઉપસે છે. મા આનંદ શીલા એટલે વધારે પડતા આત્મવિશ્વાસથી છલછલતી, કોઈ પણ સંજોગોમાં હાર ન માનવાવાળી, ગજબની ભારાડી એવી રજનીશની પર્સનલ સેક્રેટરી. સમજોને કે રજનીશપુરમનો સમગ્ર કારભાર રજનીશે એને જ સોંપી દીધો હતો. આ ડોક્યુમેન્ટરીનો એક મોટો પ્લસ પોઇન્ટ એ છે કે મા આનંદ શીલાને શોધીને એમની પાસેથી સ્ફોટક વાતો કઢાવવામાં ચેપમને અને મેક્લેઇન વે સફળ રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા એના બીજા જ દિવસે બન્ને ભાઈઓએ મા આનંદ શીલાને મળવા યુરોપની ફ્લાઇટ પકડી હતી. એમને મળતાંની સાથે જ મા આનંદ શીલાએ બન્નેને રીતસર ધમકાવી નાખેલાઃ તમને અમેરિકનોને શું થઈ ગયું છે? તમારામાં સેન્સ-ઓફ-કલ્ચર જેવું કશુંય બચ્યું નથી? સાવ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસને તમે દેશનો પ્રેસિડન્ટ કેવી રીતે બનાવી શકો?
મા આનંદ શીલા સાથે ચેપમેન અને મેક્લેઇને પાંચ દિવસ ગાળ્યા. પહેલો એક-દોઢ દિવસ તો મા આનંદ શીલા ખાસ ખુલ્યાં કે ખીલ્યા નહીં. સદભાગ્યે ચેપમેન અને મેક્લેઇને વૃદ્ધ બની ગયેલા સ્થાનિક ઓરેગોનવાસીઓના તાજા ઇન્ટરવ્યુઝ ઓલરેડી કરી નાખ્યા હતા. એમાં એમણે રજનીશીઓ પર નવેસરથી બેફામ આરોપો લગાવ્યા હતા. આ ફૂટેજ મા આનંદ શીલાને બતાવવામાં આવ્યું. એક સમયના જાની દુશ્મન એવા સ્થાનિક અમેરિકનોની તાજી આક્ષેપબાજી સાંભળીને મા આનંદ શીલા સખત  ભડક્યાં... અને પછી જે એમની વાચા ફૂટી છે!        
રજનીશપુરમનો ભલે ફિયાસ્કો થયો, બાકી મોટા ભાગના સંન્યાસીઓ આજની તારીખે પણ રજનીશપુરમમાં એમને જે આંતરિક સમૃદ્ધિનો અનુભવ થયેલો તે બદલ ધન્યતા અનુભવે છે. ડિરેક્ટરોને ભાગ્યે જ એવો કોઈ સંન્યાસી મળ્યો (અથવા મળી) જે રજનીશ માટે ઘસાતું બોલતું હોય. હા, અમુક સંન્યાસીઓને મા આનંદ શીલા પ્રત્યે ગુસ્સો જરૂર છે. રજનીશની ફિલોસોફી અને વિઝનમાં આજની તારીખે પણ એમને ભરપૂર શ્રદ્ધા છે. રજનીશે જાહેરમાં મા આનંદ શીલાને ખૂબ ખરીખોટી સંભળાવી હતી, પણ મા આનંદ શીલા આજે પણ એમને પોતાના ગુરૂ ગણે છે અને એમને યાદ કરીને રડી પડે છે.
આ ડોક્યુ-સિરીઝનો કેન્દ્રિય ભાવ ફિઅર ઓફ અધર્સ છે. જે પોતાના જેવા નથી એવા લોકો તરફથી ઊભો થતો કલ્પિત કે વાસ્તવિક ભય. એવું કશું મટીરિયલ ખરું જે આ છ એપિસોડમાં સમાવી ન શકાયું હોય? હા, ઘણું બધું. એમાં 'ધ ડે ઇન લાઇફ' નામનું સેક્શન મુખ્ય છે. રજનીશપુરમમાં રહેતો સરેરાશ સંન્યાસી દિવસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો એ દર્શાવતી એક આખી સિકવન્સ તૈયાર કરવામાં આવેલી, જે એડિટિંગ ટેબલ પર ઉડાવી દેવી પડી. 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી'ની ડીવીડી બહાર પડશે ત્યારે એકસ્ટ્રા ફિચર યા તો ડિરેક્ટર્સ કટમાં 'ઘ ડે ઇન લાઇફ' જરૂર સામેલ કરવામાં આવશે.    
સો વાતની એક વાત. નેટફ્લિક્સની 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' ડોક્યુ-સિરીઝ જો હજુ સુધી ન જોઈ હોય તો જોઈ કાઢજો. ગુડ ન્યુઝ એ છે કે જો સઘળું સમુસૂતરું પાર પડશે તો આપણને વહેલા-મોડી 'વાઇલ્ડ વાઇલ્ડ કન્ટ્રી' સિક્વલ પણ જોવા મળશે. ટચવૂડ! 

000



No comments:

Post a Comment