Friday, July 20, 2018

‘ક્ષણ-પ્રતિક્ષણ’ - પ્રકરણ 1થી 10નો સારાંશ

‘ક્ષણ-પ્રતિક્ષણ’ નવલકથાનો ઉઘાડ બ્રાઝિલમાં થાય છે. વિવાન શાહ (ઉંમર ૩૪ વર્ષ) પોતાની પ્રેમિકા શલાકા સાથે ખૂબસૂરત રિઓ દ જેનેરો શહેર આવ્યો છે. વિવાન સરકારી જાસૂસ છે. એક સમયે ઇન્ડિયન નેવીમાં મરીન કમાન્ડો રહી ચુકેલો વિવાનની ગણના હાલ ભારતની ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ (રૉ)ના એક તેજતર્રાર એજન્ટ તરીકે થાય છે. શલાકા ભુજમાં એક નાનકડી સંસ્થા ચલાવે છે. રસ્તે રઝળતા પાગલ લોકોેને પ્રેમપૂર્વક પોતાની સંસ્થામાં લાવી એમની સેવા કરે છે. વિવાનનાં મમ્મી દેવયાની શાહ, કે જે મુંબઈનાં જાણીતી પેજ-થ્રી સોશ્યલાઇટ છે, એને અને વિવાનની મોટી બહેન શિખાને સીધીસાદી શલાકા પ્રત્યે અણગમો છે. રિઓના સાઇટ-સીઇંગ દરમિયાન અચાનક મોબાઇલ પર મેસેજ મળતાં શલાકાને હોટલ પર એકલો છોડીને વિવાન ફોર્ટાલેઝા શહેર રવાના થઈ જાય છે. જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા અને ગુપ્તતા વચ્ચે વિવાનને જે વ્યક્તિ પાસે લઈ જવામાં આવે છે એનું નામ છે, જગન્નાથ મહેતા. ભારતના ગુજરાતી વડાપ્રધાન. 

 વિશ્ર્વકક્ષાએ અત્યંત પ્રભાવશાળી નેતા તરીકે ઊભરી ચુકેલા જગન્નાથ મહેતાની રાજકીય કારકિર્દી જેટલી ઘટનાપ્રચુર છે એટલી  વિવાદાસ્પદ પણ છે. એ એક હાઇપ્રોફાઇલ બહુરાષ્ટ્રીય રાજકીય મંત્રણામાં ભાગ લેવા માટે બ્રાઝિલ આવ્યા છે. વિવાનને છેક બ્રાઝિલ બોલાવીને ગુપ્ત મિટીંગ કરવા પાછળ વિશેષ કારણ છે. ડીપ સી ડાઇવિંગના શોખીન વિવાને થોડાં વર્ષ પહેલાં કચ્છ અને પાકિસ્તાનને જુદા પાડતી સિર ક્રીકની વિવાદાસ્પદ દરિયાઇ પટ્ટીમાંથી ખડકના કેટલાક નમૂના એકઠા કર્યા હતા. એના સંશોધક મિત્ર વ્યંકટેશ સુબ્રમણ્યમ આ નમૂનાનું પરીક્ષણ કરીને એવું તારણ કાઢ્યું હતું કે કચ્છના દરિયાના પેટાળમાં અત્યંત દુર્લભ અને અમૂલ્ય કહી શકાય એવી ધાતુના વિરાટ ભંડાર દટાયેલો હોઈ શકે છે. આ ધાતુ ઊર્જાનો જબરદસ્ત સ્રોત બની શકે તેમ છે. ક્રુડ ઓઇલ અને અન્ય ઓલ્ટરનેટિવ એનર્જી રિસોર્સીસ કરતાંય અનેકગણો શક્તિશાળી સ્રોત. જો આ ધાતુના ગુપ્ત ખજાના પર ભારત પોતાની માલિકી પ્રસ્થાપિત કરી દે તો ભારતના અર્થતંત્રને પ્રચંડ વેગ મળી શકે અને ભારતને સુપરપાવર બનવાની દિશામાં મોટી ફલાંગ મારતાં કોઈ રોકી ન શકે. આવો કોઈ અતિ મજબૂત મુદ્દો હાથમાં આવી જાય તો જગન્નાથ મહેતાના ભારતના બીજી વાર પ્રાઇમ મિનિસ્ટર બનવાના ચાન્સીસ પણ અનેકગણા વધી જાય.      
 
વિવાન અને વ્યંકટેશે એમના રિસર્ચની સંપૂર્ણ ફાઇલ તૈયાર કરીને જગન્નાથ મહેતાની અગાઉની સરકારને સબમિટ કરી હતી. દરમિયાન એક કાર એક્સિડન્ટમાં વેંકટનું મૃત્યુ થઈ ગયું. જગન્નાથ મહેતા હવે વિવાનને કહે છે કે વડાપ્રધાન તરીકે મેં શપથ લીધા એના થોડા મહિનામાં જ તમારી ફાઇલ મારી પાસે આવી ગઈ હતી. મેં મારી રીતે નિષ્ણાતો પાસે એના પર કામ પર કરાવ્યું હતું. વ્યંકટેશની થિયરી સાચી છે. કચ્છના દરિયાના પેટાળમાં ખરેખર બહુમૂલ્ય ધાતુનો વિરાટ જથ્થો દટાયેલો છે. જગન્નાથ મહેતા એમ પણ કહે છે કે વ્યંકટેશનું રોડ એક્ટિડન્ટ નહીં, પણ હત્યા થઈ હોઈ શકે છે. વિવાને જે ફાઇલ આગલી સરકારને સબમિટ કરી હતી એનો અત્યંત સંવેદનશીલ ડેટા કોઈએ લીક કરી નાખ્યો છે. જગન્નાથ મહેતા વિવાનને ગુપ્ત મિશન સોંપે છે, જેેમાં એણે ત્રણ કામ કરવાના છે. એક તો, પેલો ડેટા કોણે તફડાવ્યો એ શોધી કાઢવું, ડેટા કોના કોના હાથમાં પહોંચ્યો છે તેની તપાસ કરવી અને સમાંતરે સિર ક્રીકના પેટાળમાંથી કિમતી ધાતુના વધારે નમૂના એકઠા કરી સંશોધન આગળ ધપાવવું. આ મિશન બહુ ખતરનાક નીવડી શકે એમ છે અને એમાં વિવાનનો જીવ પણ જઈ શકે છે! 
 
 આ બાજુ વિવાનનો બ્રાઝિલિયન દોસ્ત ડેનિયલ વાતવાતમાં શલાકાને કહી દે છે કે વિવાનની સગાઈ તો કોઈ સુપર મોડલ સાથે થઈ ચુકી છે. વિવાન પછી શલાકાને સમજાવે છે કે મારી મમ્મીએ એવો પ્રયાસ જરુર કર્યો હતો, પણ મારા જીવનમાં તારા સિવાયની બીજી કોઈ સ્ત્રી માટે કોઈ સ્થાન નથી. વિવાનનાં મમ્મીના વિચિત્ર સ્વભાવને કારણે વિવાનના પિતા ઘર છોડીને જતા રહ્યા છે અને આખો પરિવાર લગભગ વેરવિખેર થઈ ગયો છે. વિવાનને  આ વાતની પીડા છે. 
 
 બ્રાઝિલથી દિલ્હી પાછા ફરતાં જ વિવાનના ઉપરી કૃતાર્થ સ્વામી એને તાબડતોબ રૉના હેડક્વાર્ટર પર બોલાવે છે. એ વિવાનને કેટલીક તસવીર દેખાડે છે, જેમાં શલાકા પાકિસ્તાની જાસૂસ સાથે વાતચીત કરતી દેખાય  છે. કૃતાર્થ સ્વામી વિવાનને ચેતવે છે કે શલાકાથી સંભાળજે. તારી પાસેથી દેશને સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી કઢાવવા અથવા ચોરવા માટે દુશ્મનોએ શલાકાને તારી જિંદગીમાં પ્લાન્ટ કરી હોય તે શક્ય છે! શલાકા જોકે ખુલાસો કરે છે કે હું મારા એનજીઓના કામ માટે એક બાંગ્લાદેશી ડિપ્લોમેટને મળી હતી. એ માણસ પાકિસ્તાની જાસૂસ છે એની મને કેવી રીતે ખબર હોય કેમ કે એ વાત તો પછી જાહેર થઈ. વિવાન અને શલાકાના સંબંધ પહેલાં જેવો મજબૂત છે, કેમ કે બન્નેને એકબીજા પર ભરપૂર વિશ્વાસ છે. 
 
 જગન્નાથ મહેતા ફોન પર વિવાનનો સંપર્ક કરીને એને હિમાચલ પ્રદેશમાં આવેલા બિર નામના ગામે મોકલે છે. અહીં એની મુલાકાત દેવકુમાર શર્મા સાથે થાય છે. દેવકુમાર વડાપ્રધાનના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર (એનએસએ) છે. અત્યંત બાહોશ સરકારી જાસૂસ તરીકે એ ભૂતકાળમાં કંઈકેટલાય ખતરનાક મિશન પાર પાડી ચૂક્યા છે. એ વિવાનને બાતમી આપે છે કે સિર ક્રીકનો સંવેદનશીલ ડેટા લીક કરનાર વ્યક્તિ સંભવત: રૉ હેડક્વાર્ટરમાં કામ કરનાર અજિત ઝા છે. એના પર નજર રાખજે. આ બાજુ અજિત ઝા વિવાન સામે એવો ધડાકો કરે છે કે કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં તને (એટલે કે વિવાનને) હાથો બનાવવામાં આવી રહ્યો છે અને આ ષડયંત્રનો કર્તાધર્તા દેવકુમાર શર્મા છે. અજિત ઝાનો આક્ષેપ છે કે દેવકુમાર વાસ્તવમાં ચીનનો એજન્ટ છે. ચીનનો ઇરાદો ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આંધાધૂંધી મચાવવાનો તેમજ દેશના મુખ્ય ભૂમિભાગથી તેને વિખૂટાં પાડી દેવાનો છે... અને આ ઇરાદાને અંજામ આપવામાં દેવકુમાર ચીનની મદદ કરી રહ્યા છે!    
 
 હવે આગળ વાંચો...        

0 0 0 

No comments:

Post a Comment