Wednesday, March 28, 2018

મેરી સબસે બડી પૂંજી હૈ મેરી ચલતી હુઈ સાંસ


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 28 માર્ચ 2018

ટેક ઓફ          
            
ટ્રેન્ડસેટર હિન્દી કવિ કેદારનાથ સિંહે કવિતાઓ લખી છે, લખ-લખ કરી નથી. જ્યાં સુધી નવો પ્રવાહ પેદા કરી કરવાનું કૌવત ન દેખાય ત્યાં સુધી તેઓ નવો સંગ્રહ ન આપતા. તેથી જ એમના બીજા અને ત્રીજા કાવ્યસંગ્રહ વચ્ચે વીસ વર્ષનો ગાળો છે.


પણે ત્યાં કોઈ સાહિત્યકાર પોતાની ભાષામાં પંકાયેલો હોય, પણ અન્ય રાજ્યોના રહેવાસીઓએ એનું નામ પણ સાંભળ્યું ન હોય એવું ચોક્કસ બને. ભારત જેવા બહુભાષી દેશની એક વક્રતા છે. રવીન્દ્રનાથ ટાગોરે નોબલ પ્રાઇઝ જીતી લીધું તે બરાબર છે, પણ આજની તારીખે બંગાળના શ્રેષ્ઠ કવિઓમાં કોનું નામ લેવાય છે? કોણ છે તમિલ-તેલુગુ-મલયાલમ-કન્નડ નવલકથાકારો જેને એકાધિક પેઢીઓએ પુષ્કળ પ્રેમ કર્યો છે? મરાઠી ટૂંકી વાર્તામાં  છેલ્લાં વીસેક વર્ષોમાં કયાં નામો સૌથી વધારે ચર્ચાયા છે? કોઈ કહેશે કે લ્યા, પાડોશી રાજ્યોની ક્યાં માંડો છો, ગુજરાતી પ્રજા ગુજરાતી સાહિત્યમાં રસ લે તો પણ ઘણું છે!

હિન્દી ભાષાના સૌથી આદરણીય કવિઓમાં સ્થાન પામતા કેદારનાથ સિંહના મૃત્યુના સમાચાર આવે છે ત્યારે આપણને થાય કે અચ્છા, આ નામના કોઈ હિન્દી કવિ પણ હતા, એમ? કેદારનાથ સિંહને 2013માં અતિ પ્રતિષ્ઠિત જ્ઞાનપીઠ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી ભાષામાં અત્યાર સુધીમાં ચાર સાહિત્યકારોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે - ઉમાશંકર જોશી (1967), પન્નાલાલ પટેલ (1985), રાજેન્દ્ર શાહ (2001) અને રઘુવીર ચૌધરી (2015). કેદારનાથ સિંહે (જન્મઃ 7 જુલાઈ 1934, મૃત્યુઃ 19 માર્ચ 2018) કવિતા લખવાનું શરૂ કર્યું ત્યારે પૂરાં વીસ વર્ષના પણ નહોતા. એમનું સાહિત્યસર્જન છ દાયકા કરતાંય વધારે અંતરાલમાં ફેલાયું. હિન્દી કવિઓની ત્રણ-ચાર પેઢીઓ  કેદારનાથની કવિતાથી પ્રભાવિત થઈ છે. 

એમનું 'મેરી ભાષા કે લોગ' નામનું કાવ્ય જુઓ. સરળ હિન્દીમાં લખાયું છે, અનુવાદની જરૂર નથી:  

મેરી ભાષા કે લોગ
મેરી સડક કે લોગ હૈં
સડક કે લોગ સારી દુનિયા કે લોગ.
પિછલી રાત મૈંને એક સપના દેખા
કિ દુનિયા કે સારે લોગ
એક બસ મેં બૈંઠે હૈં
ઔર હિન્દી બોલ રહે હૈં.

(અહીં અને આગળ કવિતામાં જ્યાં જ્યાં 'હિન્દી' શબ્દ આવે ત્યાં ત્યાં તમે એની જગ્યાએ 'ગુજરાતી' શબ્દ મૂકી શકો છો. ભાષા બદલાશે તો પણ કવિતાનો ભાવ મોટે ભાગે યથાવત રહેશે.)

ફિર વહ પીલી-સી બસ
હવા મેં ગાયબ હો ગઈ
ઔર મેરે પાસ બચ ગઈ સિર્ફ મેરી હિન્દી
જો અંતિમ સિક્કે કી તરહ
હમેશા બચ જાતી હૈ મેરે પાસ
હર મુશ્કિલ મેં.
કહતી વહ કુછ નહીં
પર બિના કહે ભી જાનતી હૈ મેરી જીભ
કિ ઉસકી ખાલ પર ચોટોં સે
કિતને નિશાન હૈં
કિ આતી નહીં નીંદ ઉસકી કઈ સંજ્ઞાઓ કો
દુખતે હૈં અક્સર કોઈ વિશેષણ
પર ઇન સબકે બીચ
અસંખ્ય હોઠોં પર
એક છોટી-સી ખુશી સે થરથરાતી રહતી હૈ યહ!
તુમ ઝાંક આઓ સારે સરકારી કાર્યાલય
પૂછ લો મેજ સે
દીવારોં સે પૂછ લો
છાન ડોલો ફાઇલોં  કે ઊંચે ઊંચે
મનહૂસ પહાડ
કહીં મિલેગા હી નહીં
ઇસકા એક ભી અક્ષર
ઔર યહ નહીં જાતની ઇસકે લિએ
અગર ઈશ્વર કો નહીં
તો ફિર કિસે ધન્યવાદ દે?
મેરા અનુરોધ હૈ-
ભરે ચૌરાહે પર કરબદ્ધ અનુરોધ-
કિ રાજ નહીં - ભાષા
ભાષા - ભાષા - સિર્ફ ભાષા રહને દો
મેરી ભાષા કો.
ઇસ મેં ભરા હૈ
પાસ-પડોસ ઔર દૂર-દરાજ કી
ઇતની આવાઝોં કા બૂંદ બૂંદ અર્ક
કિ મૈં અબ ભી બોલતા હૂં
તો કહીં ગહરે
અરબી તુર્કી બાંગ્લા તેલુગુ
યહાં તક કી એક પત્તી કે
હિલને કી આવાઝ ભી
સબ બોલતા હૂં ઝરા-ઝરા
જબ બોલતા હૂં હિંદી.
પર જબ ભી બોલતા હૂં
યહ લગતા હૈ -
પૂરે વ્યાકરણ મેં
એક કારક કી બૈચેની હૂં
એક તદભવ કા દુખ
તત્સમ કે પડોસ મેં.  
                                                                       
હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની માગણીને કારણે જાગેલા સંઘર્ષનો આ કવિતામાં સંદર્ભ છે. કેદારનાથનો પહેલો કાવ્યસંગ્રહ 'તીસરા સપ્તક' 1959માં આવ્યો. સાડાછ દાયકામાં એમણે કુલ આઠ કાવ્યસંગ્રહો આપ્યા. એમણે કવિતાઓ લખી છે, લખ-લખ કરી નથી. તેઓ ટ્રેન્ડસેટર કવિ તરીકે પંકાયા છે. હિન્દી સાહિત્યના સુજ્ઞ જાણકારો કહે છે તેમ, જ્યાં સુધી નવો ટ્રેન્ડ શરૂ કરવાનું કૌવત ન દેખાય ત્યાં સુધી એમણે નવો સંગ્રહ આપ્યો નથી. તેથી જ એમના બીજા અને ત્રીજા કાવ્યસંગ્રહ વચ્ચે વીસ વર્ષનો ગાળો છે.  કેદારનાથજીની કવિતામાં ગ્રામ્ય જીવન પણ ઝળકે છે અને શહેરી સંવેદના પણ વ્યક્ત થાય છે. એમની  'શહરબદલ' નામની કવિતાના કેટલાક અંશો જુઓ-

વહ એક છોટા-સા શહર થા
જિસે શાયદ આપ નહીં જાનતે
પર મૈં હી કહાં જાનતા થા વહાં જાને સે પહલે
કિ દુનિયા કે નક્શે મેં કહાં હૈ વહ.
લેકિન દુનિયા શાયદ ઉન્હીં છોટે-છોટે શહરોં કે
તાપ સે ચલતી હૈ
જિન્હેં હમ-આપ નહીં જાનતે.

પછી કવિતામાં આગળ કહે છે-

એક દિન
જબ એક દિન થક ગયા
તો અટૈચી ઉઠાઈ
ઔર ચપ્પલ ફટકારતે હુએ
ચલ દિયા પડરૌના - ઉસી શહર મેં
જિસકે નામ કા ઉચ્ચારણ
એક લડકી કો લગતા થા ઊંટ કે કોહાન કી તરહ
અબ ઇતને દિનોં બાદ
કભી-કભાર સોચતા હૂં
મૈં ક્યોં ગયા પડરૌના?
કોઈ ક્યોં જાતા હૈ કહીં ભી
અપને શહર કો છોડકર -
યહ એક ઐસા રહસ્ય હૈ
જિસકે સામને એક શામ ઠિઠક ગએ થે ગાલિબ
લખનઉ પહુંચકર.

ઊંટ કી કોહાન એટલે ઊંટની ખૂંધ. પડરૌના ઉત્તમપ્રદેશનું એક નાનું નગર છે. કવિ આ જ કવિતામાં આગળ કહે છે-

ઔર એક સમય થા કિ આરામ સે પડા રહતા થા
લોગોં કે કંધો પર
એક ગમછે કે તરહ.

કવિતાનો અંત જુઓ -

ઇસ તરહ એક દુર્લભ વાદ્યવૃન્દ-સા
બજતા હી રહતા થા મહાજીવન
ઉસ છોટે-સે શહર કા
જિસકી લય પર ચલતે હુએ
કભી-કભી બેહદ ઝુંઝલા ઉઠતા થા મૈં
કિ વે જો લોગ થે ઉનકે ઘુટનોં મેં
એક ઐસા વિકટ ઔર અથાહ ધીરજ થા
કિ શામ કે નમક કે લિએ
સુબહ તક ખડે-ખડે કર સકતે થે ઇંતઝાર
નમસ્કાર! નમસ્કાર!
મૈં કહતા થા ઉનસે
ઉત્તર મેં સિર્ફ હંસતે થે વે
જિસમેં ગૂંજતા થા સદીયોં કા સંચિત હાહાકાર...

ગામનો સૂર્ય અને શહેરનો સૂર્ય બન્ને અલગ વસ્તુ છે? સૂર્ય વિશેની આ કાવ્યપંક્તિ જુઓ-

મૈં કહીં ભી જાઉં
ચાહે જિસ ભી શહર મેં
મિલ જાતા હૈ વહ દૂર સે હાથ હિલાતા
ઔર મુસ્કુરાતા હુઆ
પહલે પ્રેમ કી પ્રતિદ્વંદ્વી કી તરહ.

સૂર્ય પણ હરીફ હોઈ શકે છે, બહુ ગમી ગયેલી છોકરીનું ધ્યાન આકર્ષિત કરવા માગતા પેલા છેલબટાઉ છોકરાની જેમ! આ પંક્તિ વાંચો -

મેરે શહર કે લોગો
યહ કિતના ભયાનક હૈ
કિ શહર કી સારી સીઢિયાં મિલકર
જિસ મહાન ઊંચાઈ તક જાતી હૈં
વહાં કોઈ નહીં રહતા.

શહેરમાં 'સેટલ' થવા માટે ઘર શોધવું પડે, ખરીદવું પડે, પ્રોપર્ટી ઊભી કરવી પડે, બેન્ક બેલેન્સ બનાવવું પડે. શું આને જ આપણી પૂંજી કહીએ છીએ? કેદારનાથજીનું 'પૂંજી' નામનું કાવ્ય પર નજર ફેરવો-   

સારા શહર છાન ડાલને કે બાદ
મૈં ઇસ નતીજે પર પહુંચા
કિ ઇસ ઇતને બડે શહર મેં
મેરી સબસે બડી પૂંજી હૈ
મેરી ચલતી હુઈ સાંસ
મેરી છાતી મેં બંદ મેરી છોટી-સી પૂંજી
જિસે રોજ મૈં થોડા થોડા
ખર્ચ કર દેતા હૂં
ક્યોં ન ઐસા હો
કિ એક દિન ઉઠૂં
ઔર વહ જો ભૂરા-ભૂરા-સા એક જનબૈંક હૈ-
ઇસ શહર કે આખિરી છોર પર -
વહાં જમા કર આઉં
સોચતા હૂં
વહાં સો જો મિલેગા બ્યાજ
ઉસ પર જી લૂંગા ઠાટ સે
કઈ-કઈ જીવન.

હિન્દી કવિતાના સુજ્ઞ ભાવકો કહે છે તેમ, કેદારનાથ સિંહની કલમમાં અસાધારણને સાધારણ અને સાધારણને અસાધારણ બનાવવાની તાકાત હતી. ઉત્તરપ્રદેશના ચકિયા નામના ગામમાં એમનો જન્મ થયો હતો, જ્યાં ભોજપુરી ભાષા બોલાતી. એમની 'દેશ ઔર ઘર' શીર્ષકધારી કવિતાનો આ અંશ જુઓ-

હિંદી મેરા દેશ હૈ
ભોજપુરી મેરા ઘર
ઘર સે નિકલતા હૂં
તો ચલા જાતા હૂં દેશ મેં
દેશ સે છુટ્ટી મિલતી હૈ
તો લૌટ આતા હૂં ઘર.

કવિને પોતાના વતનનું, પોતાના ગામનું આકર્ષણ હંમેશાં રહ્યું. લખે છે -

ક્યા કરું મૈં?
ક્યા કરું, ક્યા કરું કિ લગે
કિ મૈં ઇન્હીં મેં સે હૂં
ઇન્હી કા હૂં
કિ યહી મેરે લોગ
જિનકા દમ ભરતા હૂં કવિતા મેં
ઔર યહી, યહી જો મુઝે કભી નહીં પઢેંગે.

હું મારું વતન-મારું વતન કરીને ગ્રામ્ય સંવેદનની કવિતાઓ લખતો રહ્યો, ગ્રામ્ય જનતાની તરફેણ કરી, એમના માટે ગૌરવ લેતો રહ્યો, પણ આ જ એ લોકો છે, જે મને ક્યારેય વાંચવાના નથી!
0 0 0

No comments:

Post a Comment