Wednesday, March 21, 2018

જિંદગી ખૂબસૂરત છે


સંદેશ - અર્ધ સાપ્તાહિક પૂર્તિ - 21 માર્ચ 2018


ટેક ઓફ                      

વર્ષોથી દીકરો બિચારો હિજરાયા કરતો હતો. શરાબી પિતાનું આકરું સ્વરૂપ જોઈને એનું વ્યક્તિત્ત્વ કુંઠિત થઈ ગયું હતું. એને મિત્રો બનાવવાનો, લોકો સાથે હળવામળવાનો ડર લાગતો. આખો દિવસ પોતાના રૂમમાં બેસી રહે. કોઈના હાથમાં શરાબનો પ્યાલો જુએ તો કાંપી ઉઠો. એને થાય કે આ માણસ પણ મારા પપ્પા જેવો હશે તો!... પણ હવે પરિસ્થિતિ પલટાઈ છે.  'મારો એકનો એક દીકરો, જેને મેં આખી જિંદગી મારાથી અળગો રાખ્યો, જેનું આખું બાળપણ ફફડાટ અને એકલતામાં વીત્યું એ દીકરો આજે મારા જેવા દારૂડિયાના દિવસમાં બે વખત ફોન કરીને હાલચાલ પૂછે છે. મને કહે છે કે પપ્પા, તમે તમારી તબિયત સાચવજો, ઘરની ચિંતા બિલકુલ ન કરતા, હું છુંને..'

આવું બોલતા બોલતા એ આદમીનો અવાજ તૂટે છે, એની આંખો છલકાઈ ઉઠે છે. મુંબઈ નજીક આવેલી એક શાંત રળિયામણી જગ્યાએ એ ખુલ્લા દિલે અને સંપૂર્ણ નિખાલસતાથી તમારી સામે પોતાના જીવનનાં પાનાં ખોલી રહ્યો છે. એ જગ્યાને ટેક્નિકલી રિહેબિલિટેશન સેન્ટર જ કહેવું પડે.  રિહેબિલિટેશન યા રિહેબ સેન્ટર એટલે એવું સ્થળ જ્યાં દારૂ કે નશીલી દવાના ચુંગાલમાં ફસાઈને પોતાની જિંદગી ખુવાર કરવા બેઠેલા લાચાર માણસોને ત્રણેક અઠવાડિયાં માટે રાખવામાં આવે અને એમને ખતરનાક દૂષણમાંથી છૂટકારો અપાવવા માટે પ્રયત્નો કરવામાં આવે. નામ ભલે રિહેબ સેન્ટર હોય, પણ આ છે તો રીતસર બંગલો જ. ચાર-પાંચ બેડરૂમ, બન્ને માળે મોટો લિવિંગ એરિયા, પૂરેપૂરી સુવિધાવાળું કિચન, વિશાળ બાલ્કની, મસ્તમજાનો સ્વિમિંગ પૂલ. સામાન્યપણે 'રિહેબ સેન્ટર' શબ્દ સાથે એક પ્રકારની ઉદાસીન અને માંદલી ઇમેજ જોડાઈ ગઈ છે. રિહેબ સેન્ટરમાં દર્દીઓને ફરકારવામાં આવે છે અને એ પ્રકારની ઘણી હોરર સ્ટોરી આપણે સાંભળી છે. અત્યારે જેની વાત થઈ રહી છે તે રિહેબ સેન્ટરમાં એમાંનું કશું જ નથી. અહીંની હવામાં આશ્ર્ચર્ય થાય એટલી હદે હળવાશ છે, અનૌપચારિકતા છે, ખડખડાટ હસવાના અવાજો છે, ખાવાની વાનગીઓની ખૂશ્બૂ છે, જાણે પાંચ-છ મિત્રો રજાઓ ગાળવા માટે હોલીડે હોમમાં આવ્યા હોય એવી જીવંતતા છે.

અલબત્ત, સચ્ચાઈ એ છે કે આ તમામ પુરુષો અને એમના પરિવારો ભીષણ યાતનામાંથી પસાર થઈ ચુક્યાં છે અથવા પસાર થઈ રહ્યાં છે. તેઓ કાં તો આલ્કોહોલિક છે યા તો ડ્રગ એડિક્ટ છે. એમનાં જીવનનાં સુખો, સૌંદર્યો અને અપાર સંભાવનાઓ ક્રમશઃ સંકોચાઈને તદ્દન ક્ષીણ થઈ ચુક્યાં છે. નશો કરવાની ભયાનક આદતે એમનાં શરીરોને અંદરથી ખોખલાં કરી નાખ્યાં છે. તેઓ કસમયે મૃત્યુ તરફ ધકેલાઈ ગયા છે અને હવે તેઓ અસ્તિત્ત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહ્યા છે. આ સંઘર્ષ તો જ શક્ય બને જો તેઓ દારૂ કે ડ્રગ્ઝ સાથેનું એમનું સંધાન તૂટે. આ રિહેબ સેન્ટરમાં એમને ભરપૂર મૈત્રીભાવે અને ધીરજપૂર્વક નશામુક્ત જીવન જીવતાં શીખવવામાં આવે છે.

લેખની શરૂઆતમાં જે પુરુષની વાત કરી એમને આપણે હાલ પૂરતું કેતન નામ આપીશું. આ લેખમાં ઉલ્લેખ પામેલી તમામ વ્યક્તિઓનાં નામ અને વિગતો બદલી નાખવામાં આવ્યાં છે તે વાતનું ધ્યાન રહે. કેતનભાઈ અમદાવાદના વતની છે. આર્થિક સ્તરે સમૃદ્ધ છે. સફળ બિઝનેસમેન છે, કરોડોની કિંમતની વિદેશી ગાડીઓ વસાવવાનો અને ચલાવવાનો એમને શોખ છે. એમની વાતો પરથી તમને સતત લાગે કે એ ખૂબ પ્રેમાળ માણસ છે, પત્ની - સંતાનો - માતાપિતા - ભાઈબહેન પ્રત્યે એમને અપાર લાગણી છે, પણ દારૂના વ્યસનને લીધે આ સંબંધો ખાસ્સા ચૂંથાઈ ગયા હતા.

'મારા સગા નાના ભાઈએ દારૂ પી-પીને જ જીવ ખોયો હતો અને એ પણ સાવ નાની ઉંમરે...' કેતનભાઈ કહે છે, 'મારી નજર સામે આ બધું બન્યું હોવા છતાં હું દારૂ છોડી ન શક્યો. મારા પિતાજી એવા માણસ હતા કે જો એમને ખબર પડે કે ફલાણો માણસ છાંટોપાણી કરે છે તો એની સાથે સંબંધ કાપી નાખે! વક્રતા જુઓ. આવા ચોખ્ખા અને નિર્વ્યસની માણસના બન્ને દીકરા દારૂડિયા પાક્યા.'

મસ્તી ખાતર, દોસ્તોની કંપની એન્જોય કરવા માટે ક્યારેક ક્યારેક શરાબ પીવો એક વાત છે. સોશિયલ ડ્રિંકિંગ એક સ્વીકાર્ય સ્થિતિ છે, પણ આલ્કોહોલિક હોવું તે તદ્દન જુદી વાત છે. આ એક બીમારી છે. આલ્કોહોલિક માણસને દારૂની દબાવી ન શકાય એવી ઝનૂની તલબ લાગે છે. દારૂ પીવા બેસે પછી એને અટકતા આવડતું નથી. એ દારૂ પીધા જ કરે છે. આપણે સૌએ જોયું છે કે સામાન્ય સ્થિતિમાં આનંદી, બુદ્ધિશાળી અને વ્યવસ્થિત લાગતો આદમી નશો કર્યા પછી રાક્ષસની જેમ વર્તી શકે છે. ડો. જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ જેવું બેવડું વ્યક્તિત્ત્વ ધરાવતા દારૂડિયા માણસના ઘરમાં સુખ-શાંતિ સતત હાંસિયામાં ઘકેલાતી રહે છે, ઝઘડા અને ઇવન ડોમેસ્ટિક વાયોલન્સ શરાબીના ઘરથી ઝાઝા દૂર રહી શકતા નથી. ઘરની સ્ત્રી મૂંગા મોંએ સહન કર્યા કરે છે. ક્યારેક પ્રેમ અને વફાદારી ખાતર, ક્યારેક સંતાનોને ખાતર, ક્યારેક વિકલ્પના અભાવે. એ માથું ઊંચકે છે ત્યારે ઘરનો માહોલ ઓર ડહોળાય છે.  

'મારો દીકરો હજુ નવ-દસ વર્ષનો હતો ત્યારે મેં એને બોર્ડિંગ હાઉસમાં મોકલી આપ્યો હતો,' કેતનભાઈ વાત સાંધે છે, 'સ્કૂલિંગ કરીને એ આગળ ભણવા માટે વિદેશ જતો રહ્યો. એણે મારું દારૂવાળું રૂપ જોયું છે. એક પિતાએ દીકરાને જીવન માટે તૈયાર કરવાનો હોય, એને તાલીમ આપવાની હોય. આ કામ હું ક્યારેય કરી શક્યો નહીં.'

એવું નહોતું કે દારૂ છોડવા માટે કેતનભાઈએ પ્રયત્ન નહોતા કર્યા. કોશિશ તો થઈ જ હતી, પણ સફળતા નહોતી મળી. ભાઈના મોત પછી દારૂ પીને ગાડી ચલાવવાને કારણે બે વખત કાર એક્સિડન્ટનો ભોગ બન્યા. પહેલા અકસ્માતમાં મામૂલી ઇજા થઈ, પણ બીજા અકસ્માતે એમનો ડાબો હાથ છીનવી લીધો. ભગવાનનો પાડ કે જીવ બચી ગયો. પિસ્તાલીસ વર્ષની ઉંમર મરવા માટે નથી હોતી! અન્ય રિહેબ સેન્ટર્સ પણ અજમાવી જોયા, પણ જમાવટ ન થઈ. સદભાગ્યે અહીં ધાર્યું પરિણામ મળી રહ્યું છે. આ સેન્ટરમાં તેઓ બીજી વાર આવ્યા છે.

આલ્કોહોલિક માણસની સાથે અહીં એના પરિવારના સભ્યોનું કાઉન્સેલિંગ પણ થાય છે. જે દીકરા સાથે કેતનભાઈ કોઈ સંધાન બનાવી નહોતા શક્યા એ હવે શક્ય બન્યું છે. અગાઉ બાપ-દીકરા વચ્ચે અગાઉ માંડ ઉપરછલ્લું કમ્યુનિકેશન થતું. ફોન પર વાત થાય તો પણ 'દીકરા કેમ છે, સારું છે?' 'હા.' 'પૈસા-બૈસાની જરૂર છે?' 'ના.' - બસ, આટલી શાબ્દિક આપ-લે માંડ થતી. આટલાં વર્ષોથી દીકરો બિચારો હિજરાયા કરતો હતો, પાર વગરનું દુખ છાતીમાં દબાવીને બેઠો હતો. નશાની હાલતમાં પિતાનું આકરું સ્વરૂપ જોઈને એનું વ્યક્તિત્ત્વ કુંઠિત થઈ ગયું, ઠીંગરાઈ ગયું હતું. એને બહાર જવાનો, મિત્રો બનાવવાનો, લોકો સાથે હળવામળવાનો ડર લાગતો. આખો દિવસ પોતાના રૂમમાં બેસી રહે. ક્યારેક પરાણે પાર્ટી કે ફંકશનમાં જવું પડે ને કોઈના હાથમાં શરાબનો પ્યાલો જુએ તો એ કાંપી ઉઠતો. એને થતું કે આ માણસ પણ મારા પપ્પા જેવો હશે તો!   

બાપ-દીકરાને એકબીજા માટે પ્રેમ હોય જ, પણ નિષ્ક્રિય પ્રેમ સંબંધને જીવાડી શકતો નથી. સંબંધ કેવળ સંવાદ થકી ખીલે છે. સંવાદનો સેતુ ન રહે ત્યારે સંબંધ કરમાવા લાગે છે, અધમૂઓ થઈ જાય છે. રિહેબ સેન્ટરની કાઉન્સેલિંગ સેશને કેતનભાઈ અને દીકરા વચ્ચે સંવાદનું એક માધ્યમ રચી આપ્યું. કેતનભાઈને પોતાની ભુલ સમજાઈ છે. દીકરાના ઘડતરમાં જે યોગદાન આપવું જોઈતું હતું તે નથી આપી શકાયું તે વાતનો સખત ભયંકર અફસોસ છે. સામે પક્ષે, દીકરાના મનમાં કંઈ ગિલા-શિકવા હતા, જે કંઈ પીડા હતી તે પિતા સામે ઠાલવીને એ હળવો થઈ ગયો છે. વતન પાછો આવી ગયેલો દીકરો હવે માત્ર યુવાન જ નહીં, પરિપક્વ પણ બની ગયો છે. એ જોઈ શકે છે કે પપ્પા દારૂના દૈત્યને હરાવવાની ભરપૂર કોશિશ કરી રહ્યા છે. એ દિવસમાં બે વખતે પપ્પાને ફોન કરે છે, એમને હૂંફ અને સધિયારો આપે છે. બાપ-દીકરાનો સંબંધ જે અવિકસિત અને અધૂરો રહી ગયો હતો તે હવે જોડાઈ ગયો છે, સંપૂર્ણ બની રહ્યો છે. દીકરાને ખોવાયેલો બાપ મળ્યો, બાપને એમનો દીકરો મળ્યો. કેતનભાઈ માટે રિહેબ સેન્ટરની આના કરતાં વધારે મૂલ્યવાન મૂલ્યવાન ફળશ્રુતિ બીજી કઈ હોવાની!

આ રિહેબ સેન્ટરમાં બીજો પણ એક આદમી છે. એને આપણે અમિત કહીશું. અત્યંત બાહોશ, અતિ પ્રમાળ, પરિવાર માટે ખુવાર થઈ જવાની ભાવના ધરાવતો, પણ દારૂની લત એનાં બધાં સમીકરણો ખોટાં પાડી નાખતાં હતાં. આખી જિંદગી દારી પી-પી કરવાથી ત્રસ્ત થઈ ગયેલાં એના શરીરે હવે બળવો પોકાર્યો. અમિતને જીવવું છે, એણે જીવવું પડશે, પોતાની બે નાનકડી મીઠડી દીકરીઓ માટે. આત્મઘાતક વૃત્તિમાંથી બહાર આવીને એ હવે દારૂને તિલાંજલિ આપવાની ભરચક કોશિશ કરી રહ્યો છે, જેમાં એને સફળતા પણ મળી રહી છે.

શરાબી લોકોની કહાણી લગભગ એકસરખી હોય છે. ઘણી વાર દવા કરવાથી દારૂ છૂટતો નથી, પણ આલ્કોહોલિક એનોનિમસ જેવી વિશ્ર્વવ્યાપી સંસ્થા કે આ પ્રકારના વિશિષ્ટ અપ્રોચ ધરાવતાં રિહેબ સેન્ટર ક્યારેક ચમત્કાર કરી નાખે છે. કેતન અને અમિતની અસરકારક પૂરવાર થઈ રહી છે તે વિલ્સન સ્મિથ રિકવરી એજન્સી નામના આ રિહેબ સેન્ટરના મુંબઇવાસી કર્તાહર્તા રોય ટેલિસ ખુદ એક સમયે આલ્કોહોલિક હતા. નશાના બંધાણીઓ એક્ઝેક્ટલી કેવી માનસિકતામાંથી પસાર થતા હોય છે તે તેઓ સ્વાનુભવે જાણે છે. રિકવરી કોચ તરીકે અમેરિકામાં એમણે દારૂ અને ડ્રગ્ઝના કેટલાય બંધાણીઓની જિંદગી પાટા પર ચડાવી છે. હવે તેઓ મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ રિહેબ સેન્ટરો સક્રિય કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.

સાંભળીને ધ્રૂજી જવાય એવા એક્સટ્રીમ કિસ્સા તમને આ પ્રકારના રિહેબ સેન્ટરમાં સાંભળવા મળે. તેના વિશે પછી ક્યારેક.  


No comments:

Post a Comment