Sunday, March 11, 2018

અન્યાય, ઓસ્કર અને ઇજ્જતનાં પાટિયાં


સંદેશ - સંસ્કાર પૂર્તિ - 11 માર્ચ 2018                                            

ટેક ઓફ                      

દીકરીના બળાત્કાર અને હત્યાના વિષયવાળી 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિઝૂરી'ની વાર્તા આપણું લોહી ઉકળી ઉઠે એવી છે... અને આ ફિલ્મમાં ભરપૂર રમૂજ પણ છે!



બિંગ નામનું એક નાનકડું અમથું નગર છે. શાંત અને સુસ્ત. ગામની બારોબાર એક સડક છે, જેના પર થોડા થોડા અંતરે વિરાટ હોર્ડિંગ અથવા બિલબોર્ડ ઊભાં છે. ભાગ્યે જ આ બિલબોર્ડ્સનો જાહેરાત કરવા માટે ઉપયોગ થાય છે, કેમ કે અહીં લોકોનો આવરોજાવરો એટલો બધો ઓછો છે કે વિજ્ઞાપન મૂકવાનો કશો મતલબ નથી... પણ એક સવારે આ ત્રણેય બિલબોર્ડ્સ ભડક લાલ રંગે રંગાઈ જાય છે. ત્રણેય પર તોતિંગ અક્ષરોમાં રાતા રંગ કરતાંય વધારે ભડકામણું લખાણ લખાયું છે. શું આ લખાણ?

પહેલું બિલબોર્ડઃ "એક છોકરીનો જીવ ઉડી ગયો ત્યાં સુધી એના પર બળાત્કાર થતો રહ્યો"
બીજું બિલબોર્ડઃ "સાત મહિનામાં એક પણ ગુનેગાર પકડાયો નથી"
ત્રીજું બિલબોર્ડઃ  "આ બધું શું ચાલી રહ્યું છે, પોલીસ ચીફ?"

બસ, આટલું જ. (મૂળ અંગ્રેજી લખાણ આના કરતાં ઘણું વધારે કોમ્પેક્ટ છે). પત્યું. શહેરમાં ધમાલ મચી જાય છે. આપણે અત્યારે જેના વિશે વાત કરી રહ્યા છીએ તે ફિલ્મની શરૂઆત પણ અહીંથી જ થાય છે. 'થ્રી બિલબોર્ડ્સ આઉટસાઇડ એબિંગ, મિઝુરી' નામની આ અફલાતૂન ફિલ્મે આ વખતે બે ઓસ્કર જીતી લીધા - બેસ્ટ એક્ટ્રેસ અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર. પડદા પાછળની વાતો કરતાં પહેલાં ફિલ્મની વાર્તામાં આગળ શું થાય છે તે જોઈ લઈએ.

પેલાં બિલબોર્ડ્સ મિલ્ડ્રેડ (ઓસ્કરવિનર ફ્રાન્સિસ મેકડોરમન્ડ) નામની આધેડ મહિલાએ ચિતરાવ્યાં છે. બિલબોર્ડ્સવાળા રસ્તા પર જ એની દીકરી પર બળાત્કાર થયો હતો અને એની હત્યા કરી નાખવામાં આવી હતી. સાત મહિના વીતી ગયા છે, પણ પોલીસ હજુ સુધી ગુનેગારને પકડી શકી નથી. તપાસના નામે ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ગામના કાળા (આફ્રિકન-અમેરિકન) લોકોની વચ્ચે વચ્ચે મારપીટ થયા કરે છે, પણ એમાંથી એકેય ગુનેગાર હોવાનું જણાયું નથી. મહિલાની ધીરજ હવે ખૂટી ગઈ છે. સાતસાત મહિના પછીય પોલીસને ગુનેગારનું પગેરું ન મળે તે કેવું? આખરે ગિન્નાઈને એ સીધા પોલીસ ચીફ વિલિયમ વિલબીને ઉદ્દેશીને આ ત્રણ હોર્ડિંગ મૂકાવે છે. મહિલાનું માનવું છે કે જ્યાં સુધી લાસરિયા પોલીસ ડિપાર્ટમેન્ટને જાહેરમાં ભોંઠા નહીં પાડીએ ત્યાં સુધી એ સાલા સીધા નહીં થાય.  

મહિલા જબરી છે. એના ચહેરો જોઈને જ આપણને લાગે કે આણે જિંદગીમાં બહુ ચડઉતર જોઈ હશે. એના બાહ્ય વ્યક્તિત્ત્વમાંથી કુમાશ સાવ જતી રહી છે. તદન બરછટ  થઈ ગઈ છે એ. ડિવોર્સ થઈ ગયા છે તોય એનો પતિ ક્યારેક ઘરે આવીને એના પર હાથ ઉપાડી લે છે. એક ટીનેજર દીકરો છે જે મહિલા સાથે રહે છે. મહિલા વાતે વાતે ભૂંડાબોલી ગાળો બોલે છે. એને હવે કોઈની પડી નથી, કોઈનો ડર નથી. શા માટે હોય? જે ગુમાવવાનું હતું તે ગુમાવી ચુકી છે, જે નુક્સાન થવાનું હતું તે થઈ ચૂક્યું છે. દીકરી ભયંકર રીતે મરી તોય લોકોની સહાનુભૂતિ ઉઘરાવવી, રોદણાં રડવાં, બિચારી બનીને રહેવું એ આ સ્ત્રીના સ્વભાવમાં નથી. બહારથી એ સાવ પથ્થર જેવી લાગે છે, પણ તોય આપણે જોઈ શકીએ છીએ કે ભીતરથી એ નાજુક છે. બીજાઓની સામે એ આંસુ વહાવતી નથી, પણ એકલી પડે ત્યારે ક્યારેક ભાંગી પડે છે.

એના મનમાં ગિલ્ટ પણ  છે. જે દિવસે દીકરી કમોતે મરી તે સાંજે એણે કશેક પાર્ટી-બાર્ટીમાં જવા માટે મા પાસેથી એની કાર માગી હતી. સ્ત્રીએ કહ્યું હું કાર નહીં આપું, તું ટેક્સીમાં જા. આ મામલે બન્ને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. દીકરી ક્રોધમાં આવીને એવા મતલબનું બોલી હતી કે 'મારા પર રેપ થઈ જવો જોઈએ... ત્યારે જ તને ખબર પડશે.' આની પ્રતિક્રિયારૂપે મહિલા પણ ગુસ્સામાં આવીને બોલી ગયેલી કે 'હા, હા, તારા પર રેપ થઈ જવો જોઈએ...'

એવું જ થયું. દીકરીનો રેપ જ નહીં, મર્ડર પણ થઈ ગયું. મહિલા અંદરથી સોસવાયા કરે છેઃ મારા મોઢેથી આવા અશુભ વેણ નીકળ્યા જ કેમ? એનો ડિવોર્સી પતિ પણ એનો ટોણો મારે છેઃ દીકરી તારાથી ત્રાસી ગઈ હતી અને તને છોડીને એ મારી પાસે રહેવા આવવા માગતી હતી. જો એ મારી પાસે વેળાસર આવી ગઈ હોત તો આજે જીવતી હોત...    
   
ખેર, જે થયું તે થયું. સ્ત્રીને હવે ન્યાય જોઈએ છે. માત્ર ન્યાય જ નહીં, એને બદલો પણ લેવો છે. પેલો પોલીસ ચીફ ખરેખર તો ભલો માણસ છે. પોતાની આબરુના ધજાગરા ઉડાડતાં બિલબોર્ડ્સ જોયાં પછી એ મહિલાના ઘરે આવીને કહે છે કે તને શું એવું લાગે છે કે અમે તારી દીકરીના હત્યારાને શોધવા પ્રયાસ નહીં કર્યો હોય? ભેગાભેગું પોલીસ ચીફ એને એવુંય પૂછે છેઃ તને ખબર છે કે મને કેન્સર થયું છે? આ સાંભળીને સ્ત્રીના પથ્થર જેવા ચહેરાની એક રેખા સુધ્ધાં હલતી નથી.



ફિલ્મમાં ઓર એક પાત્ર છે - ચીફનો જુનિયર, પોલીસ ઓફિસર જેસન ડિક્સન (આ વખતનો ઓસ્કરવિનર સેમ રોકવેલ). એક નંબરનો જડભરત છે એ. લોકોને ધીબેડવાનો આનંદ લેવા માટે જ જાણે એ પોલીસમાં ભરતી થયો છે. પછી તો ઘણું બધું બને છે ફિલ્મમાં. પોલીસ ચીફ કેન્સરથી રીબાઈ રીબાઈને મરવાને બદલે આત્મહત્યા કરીને જીવ ટૂંકાવી નાખે છે. મરતાં પહેલાં એ જેસન માટે એક ચિઠ્ઠી મૂકતો જાય છે. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે જેસન, તું દિલથી સારો માણસ છે. તારા મગજમાંથી નફરત કાઢી નાખ, જરા સંવેદનશીલ બન, લોકો પ્રત્યે કરૂણા રાખ. પોલીસ ચીફનું અપમૃત્યુ અને એમણે લખેલી આ ચિઠ્ઠી જેસનમાં ગજબનું પરિવર્તન લાવે છે. આ બાજુ આત્યંતિક અને ઝનૂની બની ગયેલી મહિલા એક રાતે આખું પોલીસ સ્ટેશન સળગાવી મારે છે. એમાં જેસન દાઝી જાય છે તોય એ મહિલાને આઉટ-ઓફ-ધ-વે જઈને મદદ કરવાનું નક્કી કરે છે.

પછી શું થાય છે? દીકરીનો બળાત્કારી હત્યારો જડ્યો કે નહીં? સ્ત્રીની બદલાની આગ શાંત થઈ કે નહીં? આ સવાલના જવાબ તમારે જાતે ફિલ્મ જોઈને મેળવી લેવાના છે, જો હજુ સુધી ફિલ્મ ન જોઈ હોય તો.
દીકરી કૂકર્મ થયું હોય, એની હત્યા થઈ હોય અને મા એનો બદલો લેવા મેદાને પડે એવી સ્ટોરીલાઇનવાળી ફિલ્મો આપણે ઘણી જોઈ છે. શ્રીદેવીની અંતિમ ફિલ્મ 'મોમ'માં પણ આ જ કથાનક હતું. પ્રમાણમાં જરાય નવા ન કહેવાય એવા કથાવસ્તુને કેટલી હદે બહેલાવી શકાય છે, એને કઈ રીતે તદ્દન જુદી જ ભ્રમણકક્ષામાં મૂકી શકાય છે તે સમજવા માટે પણ 'થ્રી બિલબોર્ડસ...' ફિલ્મ જોવી જોઈએ. કમાલની ફિલ્મની છે આ. વાર્તાનો મૂળ તંતુ આમ તો સીધો ને સટ છે તોય આપણે કલ્પના કરી ન હોય એવી અણધારી ઘટનાઓ સતત બનતી રહે છે અને આપણે ડિરેક્ટર-રાઇટર માર્ટિન મેકડોનાએ પડદા પર ઊભાં કરેલી દુનિયામાં રમમાણ રહીએ છીએ. આ ફિલ્મનું સૌથી ચમકાવી દેતું તત્ત્વ છે એની અનપ્રેડિક્ટિબિલિટી. દીકરીના બળાત્કાર અને હત્યાની થીમવાળી ફિલ્મની વાર્તા તો અત્યંત ઇન્ટેન્સ છે, આપણું લોહી ઉકળી ઉઠે એવી, આપણને ઉદાસ કરી દે તેવી છે, પણ તોય આ ફિલ્મમાં ભરપૂર રમૂજ છે! ઓચિંતા એવો કશોક સીન કે શોટ કે ડાયલોગ કે જેશ્ચર આવી જાય કે તમે ખડખડાટ હસી પડો. બીજી જ ક્ષણે તમે વિચારમાં પડી જાઓ કે આવી ગંભીર સ્ટોરીવાળી ફિલ્મમાં મને હસવું કેવી રીતે આવી શકે? અને તમે પછી આખી ફિલ્મને એન્જોય તો કરો જ છો, પણ સાથે સાથે ખુદને ઓબ્ઝર્વ પણ કરતા રહો છો કે પડદા પર થતી ઘટનાઓ જોઈને મારાં દિલ-દિમાગમાં કેવી પ્રતિક્રિયા જાગે છે? બહુ ઓછી ફિલ્મો દર્શકને આ પ્રકારનો અનુભવ કરાવી શકતી હોય છે.

એબિંગ શહેર તો કાલ્પનિક છે, પણ લેખક-દિગ્દર્શક માર્ટિન મેકડોનાને આ ફિલ્મની પ્રેરણા એક સત્યઘટના પરથી મળી હતી. 1991માં કેથી પેજ નામની 34 વર્ષીય મહિલા ટેક્સાસમાં રેપ અને મડર્રનો ભોગ બની હતી. પોલીસ જે રીતે આ કેસ સોલ્વ કરવામાં ઠાગાઠૈયા કરતી હતી તે જોઈને ક્રોધે ભરાયેલા મહિલાના પિતાએ આ રીતે બિલબોર્ડ્સ ચિતરાવ્યા હતા. માર્ટિનના દિમાગમાં આ વાત ત્યારની ઘર કરી ગયેલી.  મનમાં રોપાયેલું તે બીજ છવીસ-સત્યાવીસ વર્ષ પછી ઓસ્કરવિનિંગ ફિલ્મ બનીને ઊગ્યું.

ફિલ્મ લખતી વખતે જ માર્ટિને મનોમન નક્કી કરી નાખ્યું હતું કે માતાના રોલમાં હું ફ્રાન્સિસ મેકડોરમન્ડને જ લઈશ. ફ્રાન્સિસે સ્ટોરી સાંભળીને પહેલાં તો એમ કહીને ધડ દઈને ના પાડી દીધી હતી કે હું સત્તર વર્ષની છોકરીની દાદીની ઉંમરની છું, માની ઉંમરની નહીં, હું કેવી રીતે આ રોલમાં ફિટ થઈ શકું? માર્ટિને વિચારી જોયું કે ચાલો, હું સ્ટોરીમાં ફેરફાર કરું ને માની જગ્યાએ દાદી પોતાની પૌત્રીના મોતનો બદલો લેતી હોય એવું બતાવું, પણ આ વર્ઝનમાં જમાવટ થતી નહોતી. દીકરી માટે સગી માને જે હદે જઈ શકે એટલી હદે દાદી ન જઈ શકે. એક વર્ષ સુધી ફ્રાન્સિસ ના-ના કરતી રહી. આખરે એના ફિલ્મમેકર પતિ જોએલ કોએને વઢવું પડ્યુઃ ખોટાં નખરાં ન કર! રાઇટર-ડિરેક્ટર ખુદ તને માના પાત્રમાં કલ્પી શકે છે એનો મતલબ એ કે તું આ પાત્ર માટે યોગ્ય છે. એને ફટાફટ હા પાડી દે અને કામ શરૂ કર!

આ ભુમિકાએ ફ્રાન્સિસ મેકડોરમન્ડને એની કરીઅરનો બીજો ઓસ્કર અપાવ્યો. 1996માં પતિએ જ ડિરેક્ટ કરેલી 'ફાર્ગો' નામની ફિલ્મ માટે એને બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કર મળ્યો હતો. બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર જીતનાર સેમ રોકવેલને અગાઉ આપણે 'આયર્નમેન-ટુ' અને 'ચાર્લિઝ એન્જલ્સ' જેવી ફિલ્મમાં જોયા છે. ઓસ્કર જીત્યા પછી હવે એ વર્લ્ડ-ફેમસ એક્ટર બની ગયા છે.

ફિલ્મ જોજો. સબટાઇટલ્સ ઓન રાખજો કે જેથી એકેય ડાયલોગ મિસ ન થઈ જાય.
  
0 0 0         
   
 

No comments:

Post a Comment