Sandesh - Ardh Saptahik purti - 27 Sept 2017
ટેક ઓફ
જેમ્સ પેટરસન સૌથી પહેલાં સાઠ-સિત્તેર પાનાંમાં આખી નવલકથાનું શરૂઆત-મધ્ય-અંત તેમજ ટ્વિસ્ટ્સ-ટર્ન્સ સહિતનું માળખું લખી નાખે. પછી ઓછા જાણીતા પણ સરસ લખી શકતા કોઈ લેખકને તે આપીને તેની પાસે આખું પુસ્તક લખાવે. અલબત્ત, સહલેખકે જે લખ્યું હોય તે જેમ્સ પેટરસન જરુર મઠારે. પુસ્તક બહાર પડે ત્યારે મુખપૃષ્ઠ પર જેમ્સ પેટરસનનું નામ મોટા અક્ષરોમાં મુકાય અને નીચે નાના અક્ષરમાં સહલેખકનું નામ છપાય. આ સહલેખનવાળી સિસ્ટમને કારણે જ વરસમાં જેમ્સ પેટરસનનાં દસ-દસ પુસ્તકો બહાર પાડીને વર્ષે અબજો રુપિયા કમાઈ શકે છે!
James Patterson |
સૌથી પહેલી સ્પષ્ટતા એ કે લેખના શીર્ષક્માં ભલે વારતા શબ્દ વપરાયો હોય, પણ આ સત્ય હકીકત છે. બીજું, પાંચ અબજ રૂપિયાનો આંકડો કપોળ કલ્પિત નથી, સાવ સાચો છે. પાંચ અબજ રૂપિયા એટલે આશરે ૮૦ મિલિયન ડોલર થાય. આ એક વર્ષની કમાણી છે અને તે પણ કોઈ સફ્ળ બિઝનેસમેનની નહીં, એક લેખકની. જેમ્સ પેટરસન એનું નામ. ઉંમર વર્ષ ૭૦. દેશ અમેરિકા.
જેમ્સ પેટરસનનાં નામે ૧૪૭ નવલકથાઓ બોલે છે. એમાંથી ૬૭ નવલકથાઓ ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના બેસ્ટસેલિંગ લિસ્ટમાં નંબર વન પોઝિશન પર રહી ચૂકી છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. અત્યાર સુધીમાં પેટરસન લિખિત પુસ્તકોની ૧૯ અબજ ૪૪ કરોડ કરતાં વધારે નકલો વેચાઈ ચૂકી છે. સ્ટિફ્ન કિંગ, જોન ગ્રિશમ, ડેન બ્રાઉન આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા સુપરસ્ટાર લેખકોનાં જેટલાં પુસ્તકો વેચાય છે એના સરવાળા કરતાંય પેટરસન એકલાનાં પુસ્તકો વધારે વેચાય છે! એમની કુલ સંપત્તિનો આંકડો લગભગ ૪૫ અબજ ૩૬ કરોડ કરતાંય મોટો છે. ફ્લોરિડામાં દરિયાકાંઠે એમનો મહેલ જેવો બંગલો છે, જેમાં તેઓ પત્ની અને ટીનેજર દીકરા સાથે રહે છે. એક જમાનામાં વિખ્યાત સંગીતકાર જોન લેનન આ ઘરમાં રહેતા હતા. પેટરસને ૧૭.૪ મિલિયન ડોલર એટલે કે લગભગ એક અબજ તેર કરોડ રૂપિયામાં આ ઘર ખરીદ્યું અને બીજા ૧૪ મિલિયન (૯૦ કરોડ રૂપિયા કરતાં વધારે) રિનોવેશનમાં ખર્ચી નાખ્યા. આ સફ્ળતા જેમ્સ પેટરસનને શી રીતે મળી? એમને નાનપણથી લેખક બનવાના અભરખા નહોતા. મૂળ તેઓ એડવર્ટાઇઝિંગના માણસ. કોેલેજ કર્યા પછી તેઓ જે. વોલ્ટર થોમ્પસન નામની એડ એજન્સીમાં કોપીરાઇટર તરીકે જોડાયા હતા. ધીમેધીમે આ એડ એજન્સીના ક્રિયેટિવ ડિરેકટર અને પછી ચેરમેનના હોદ્દા સુધી પહોંચી ગયા. જાહેરાતોની સાથે સાથે તેઓ જેને વા-ર-તા કહી શકાય તેવું પણ સાઇડમાં લખ્યા કરતા. ધીમેધીમે એમને લખવામાંથી આનંદ મળવા લાગ્યો. એક સચ્ચાઈ તેમને તરત સમજાઈ ગઈ કે હું જે કંઈ લખું છું તે પ્રવાહી હોય છે, કદાચ બીજાઓેને વાંચવું ગમે તેવું પણ હોય છે, પણ મારું લખાણ કંઈ મહાન નથી. નોબલ પ્રાઇઝવિનર ગાબ્રિયલ ગાર્સિયા માર્કેઝની ‘વન હંડ્રેડ યર્સ ઓફ્ સોલિટયુડ’ જેવી ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તા ધરાવતી સીમાચિહ્નરૂપ નવલકથા હું જિંદગીમાં કયારેય લખી શકવાનો નથી. હા, હું લોકપ્રિય બની શકે તેવી કમર્શિયલ ચોપડીઓ કદાચ લખી શકીશ…
આ માણસે’ધ થોમસ બેરીમેન નંબર’ નામની થ્રિલર પ્રકારની નવલકથા લખી. એમાં પોલિટિકલ મર્ડરની વાત હતી. એક પછી એક એકત્રીસ પ્રકાશકોએ આ નવલકથા રિજેકટ કરી નાખી. આખરે બત્રીસમો પ્રકાશક ચોપડી છાપવા તૈયાર થયો. ૧૯૭૬માં નવલકથા બહાર પડી. થોડા મહિના પછી એમને કોઈકનો ફેન આવ્યોઃ હું એડગર એવોર્ડ્સના આયોજકો વતી તમારી સાથે વાત કરી રહૃાો છું. અમે દર વર્ષે સૌથી સારી ક્રાઇમ ફ્ક્શિનને એવોર્ડ આપીએ છીએ. ફ્લાણી તારીખે અમારું એવોર્ડ ફ્ંક્શન છે. તમે આવી શકશો? પેટરસન ફ્ંક્શનમાં તો ગયા, પણ તેમને હજુય ભરોસો બેસતો નહોતો. આખરે વિજેતા તરીક્ે ખરેખર એમનું નામ ઘોષિત થયું. પરસેવે રેબઝેબ થતા તેઓ સ્ટેજ પર ગયા. એવોર્ડ સ્વીકારીને માઇક પર માંડ માંડ બોલ્યા કે, ‘હવે મને લાગે છે કે હું કદાચ લેખક બની ગયો છું!’
પછીના પંદર વર્ષમાં જેમ્સ પેટરસને પાંચ નવલકથાઓ લખી, બધી સામાન્ય હતી. પરિસ્થિતિમાં નાટ્યાત્મક પલટો આવ્યો ૧૯૯૨માં, ‘અલોંગ કેમ અ સ્પાઇડર’ નવલકથાથી. જેમ્સ પેટરસને આગ્રહ રાખ્યો કે આપણે આ નવલકથાની એડ્સ ટીવી પર ચલાવીશું. પ્રકાશક અને અન્યોએ બહુ વિરોધ કર્યો કે ચોપડીની જાહેરાત કંઈ ટીવી પર થોડી અપાતી હશે? જેમ્સ પેટરસને કહૃાું કે આમેય બુકના પ્રમોશન માટે આખા અમેરિકામાં ફ્રીને ટૂર કરવા જેટલા પૈસા આપણી પાસે નથી, તો એના કરતાં ત્રણ મોટાં શહેરોમાં સ્થાનિક ટીવી ચેનલો પર એડ્સ આપીએને! ન્યુ યોર્ક, શિકાગો અને વોશિંગ્ટનમાં ટીવી એડ્સ આપવામાં આવી. એનું પરિણામ જેમ્સ પેટરસને ધાર્યું હતું એવું જ આવ્યું. નવલકથાના વેચાણમાં એકાએક ઊછાળો આવ્યો. ઊછાળો એટલો મોટો હતો કે પુસ્તક બેસ્ટસેલર લિસ્ટમાં સ્થાન પામ્યું. કોઈપણ પુસ્તક બેસ્ટસેલર લિસ્ટમાં ચમકે પછી આમેય એને પબ્લિસિટીની બહુ જરૂર રહેતી નથી. આ લિસ્ટ પોતે જ પુસ્તકની સૌથી મોટી પબ્લિસિટી કરવાનું કામ કરે છે.
બસ, પછી પેટરસનની ગાડી પુરપાટ દોડવા લાગી. તેઓ લખવામાં ઝડપી એટલે ધડાધડ એક પછી એક નવલકથાઓ આવતી ગઈ. શરૂઆતની ચોપડીઓને પ્રમાણમાં સારા રિવ્યુઝ મળ્યા, પણ જેમ જેમ જેમ્સ પેટરસનની લોકપ્રિયતા અને ‘પ્રોડકિટવિટી’ વધતાં ગયાં તેમ તેમ મેઇનસ્ટ્રીમ અખબાર-સામયિકોએ એમની નવલકથાઓને હાથ લગાડવાની તસદી લેવાનું બંધ કર્યું. જેમ્સ પેટરસનની નવલકથાઓમાં ઊંડાણ કે શુધ્ધ સાહિત્યિક મૂલ્ય આમેય સાવ ઓછું હોય છે. અમેરિકાના અન્ય બેસ્ટસેલર લેખક સ્ટિફ્ન કિંગે તો એમને જાહેરમાં ‘અ ટેરિબલ રાઇટર’ (કચરપટ્ટી જેવું લખતા ભંગાર લેખક) કહીને ઉતારી પાડયા હતા. જેમ્સ પેટરસન ખૂબ વંચાય અને વેચાય છે એનું એક્ મોટુું કારણ એ કે એમની ચોપડીઓ નાની અને ‘પેજ ટર્નર’ હોય છે, સતત જકડી રાખે એવી હોય છે. ટૂંકા ટૂંકા વાકયો હોય ને ઘટનાઓનું ઘમાસાણ મચ્યું હોય. જેમ કે, જેમ્સ પેટરસનની એક નવલકથાનો ઉઘાડ અથવા તો પહેલું જ વાકય આવું છેઃ
‘તમે કોઈ ઘરના દરવાજે ટકોરા મારો ને તદ્દન નગ્ન યુવતી બારણું ખોલે એવું રોજેરોજ બનતું નથી.’
નવલકથાની શરૂઆત જ આવી ચટપટી હોય તો માણસ આગળ વાંચવાનો જને.
જેમ્સ પેટરસનની નવલકથાઓ, સમજોને, આપણે ત્યાં રેલવે સ્ટેશનો પર મળતી પેલી સસ્તી પોકેટબુકસ જેવી હોય છે. તમે અમદાવાદથી ટ્રેનમાં કે લકઝરી બસમાં ચોપડી વાંચવાનું શરૂ કરો તો રાજકોટ ઉતરો ત્યાં સુધીમાં આખી વંચાય જાય. ખાસ કરીને ખાસ કરીને જેમ્સ પેટરસનની એલેક્સ ક્રોસ સિરીઝનાં પુસ્તકો વિશેષ પોપ્યુલર બન્યાં. એલેક્સ ક્રોસ વોશિંગ્ટનમાં વસતો એક કાલ્પનિક ડિટેકિટવ છે, બ્લેક છે, સાઇકોલોજિસ્ટ પણ છે અને એ જાતજાતનાં પરાક્રમો કરતો રહે છે. જેમ્સ પેટરસનની વીમેન્સ મર્ડર કલબ નામની ઓર એક બેસ્ટસેલિંગ સિરીઝનું ધ્યાનાકર્ષક પાસું એ છે કે એ તેઓ ખુદ નથી લખતા, પણ અન્ય લેખકો પાસે લખાવે છે!
જબરી રસ પડે એવી વાત છે આ. જેમ્સ પેટરસન શું કરે કે સૌથી પહેલાં તેઓ સાઠ-સિત્તેર પાનાંમાં આખી નવલકથાનું શરૂઆત-મધ્ય-અંત તેમજ ટ્વિસ્ટ્સ-ટર્ન્સ સહિતનું માળખું લખી નાખે. પછી ઓછા જાણીતા પણ સરસ લખી શકતા કોઈ લેખકને તે આપે, એની સાથે વિગતવાર ચર્ચા કરે અને કહે કે આ મેં જે સંક્ષિપ્તમાં લખ્યું છે એને તમે વિસ્તારથી લખી આપો! પેલો લેખક દર બે અઠવાડિયે જેટલું લખાયું હોય એટલું જેમ્સ પેટરસનને ઇ-મેઇલમાં મોકલી આપે. જેમ્સ પેટરસન તે જોઈ જાય, જો લખાણ બરાબર હોય તો પેલા લેખકને આગળ વધવાની સૂચના આપે, લખાણ ઠીકઠાક ન હોય તો સૂચના આપે કે તમે જે પ્રકરણ મોકલ્યું છે એમાં ફ્લાણું-ફ્લાણું જામતું નથી, નવો ડ્રાફ્ટ મોકલી આપો! કયારેક જેમ્સ પેટરસન જાતે તે લખાણ મઠારી નાખે, કયારેક આખેઆખું નવેસરથી પણ લખે. તેમની પાસે સહલેખકોની આખી ટીમ છે એટલે આ પદ્ધતિથી
આને કહેવાય કમર્શિયલ રાઇટિંગ! લક્ષ્મીદેવી જ્યારે ચાર હાથે આશીર્વાદ દેતાં હોય ત્યારે સરસ્વતીમાતાની સાધના થોડી થાય તો ચાલે! જેમ્સ પેટરસન થ્રિલર ઉપરાંત રોમેન્ટિક્ નવલક્થાઓ પણ લખે-લખાવે છે અને એમનાં પુસ્તકો પરથી ફ્લ્મિો અને ટીવી સિરિયલો પણ બની છે. હાલ તેઓ અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બિલ કિલન્ટનની સાથે મળીને ‘ધ પ્રેસિડન્ટ ઇઝ મિસિંગ’ નામની નવલકથા લખી રહૃાા છે જે આવતા વર્ષે જૂનમાં પ્રગટ થશે… અને આ વખતે પહેલી વાર એવું બનશે કે પુસ્તકનાં મુખપૃષ્ઠ પર જેમ્સ પેટરસનનું નામ નીચે હશે અને સહલેખકનું નામ ઉપર હશે!
0 0 0
No comments:
Post a Comment