Sunday, October 22, 2017

હવે તમે પુસ્તકોને નહીં, પુસ્તકો તમને વાંચશે!


ટેક ઓફ

ત્યાવીસ વર્ષનો એક સોફિસ્ટિકેટેડ અમદાવાદી યુવાન છે. એમબીએ કર્યા બાદ કોઈ સરસ કંપનીમાં ઊંચા પગારે જોબ કરી રહૃાો છે. આજે એને જૂના અમદાવાદની કોઈ પોળમાં જવાનું છે. સાબરમતીની ‘પેલી બાજુ’ જવાનો એને હંમેશાં કંટાળો આવે છે, કેમ કે આખી જિંદગી એણે સાબરમતીની ‘આ બાજુ’ જ ગાળી છે. સી.જી. રોડ પરથી કારમાં રવાના થતાંની સાથે જ એ પોતાના મોબાઇલમાં ફ્ટાક કરતી જીપીએસ (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ઓન કરી નાખે છે. જીપીએસ-મહિલા મીઠા અવાજમાં દિશા દેખાડતી જાય તે પ્રમાણે એ સ્ટીયરિંગ ઘુમાવતો રહે છે. અમુકતમુક જગ્યાએ પહોંચ્યા પછી જમણી બાજુ વળવાનું છે એવું એને આછુંપાતળું યાદ છે, પણ જીપીએસબેન ‘ટર્ન લેફ્ટ.. ટર્ન લેફ્ટ’ કર્યા કરે છે. યુવાન જોખમ લેવા માગતો નથી. હજુ ગયા અઠવાડિયે બરોડામાં એક જગ્યાએ એ યાદશકિતના આધારે શોર્ટકટ લેવા ગયેલો ને ભયંકર ટ્રાફ્કિમાં ફ્સાઈ ગયો હતો. એની પહેલાં પણ એકાદ-બે વાર એ આ રીતે ખોટી જગ્યાએ અટવાઈ ગયેલો. આથી એણે નક્કી કરી નાખ્યું છે કે યાદશકિતને આધારે ચાન્સ લેવાનો જ નહીં, એને બદલે જીપીએસ કહે તે પ્રમાણે ડાબે-જમણે વળી જવાનું. આ વખતે એ એમ જ કરે છે અને આસાનીથી ગંતવ્યસ્થાન પર પહોંચી જાય છે.
આ જ વાત છે. ઇન્ટરનેટવાળો મોબાઇલ આવી ગયા પછી આપણને હવે રસ્તા યાદ રાખવાની જરૂર નથી. ખુદની યાદશકિત કરતાં આપણને જીપીએસની દોરવણી પર હવે વધારે ભરોસો બેસે છે. યુવલ હરારી નામના લેખકના ‘હોમો ડુસ’ (એટલે કે સુપરહૃાુમન, મહામાનવ) નામના પુસ્તકમાં લેખકે દાખલાદલીલ સહિત આ જ સમજાવ્યું છે કે જીપીએસ તો એક નાનકડી શરૂઆત છે. ત્રીસેક વર્ષમાં એવો સમય આવશે કે જ્યારે દુનિયા પર આલ્ગોરિધમ (અર્થાત્ કમ્પ્યૂટર સમજે તેવી ભાષામાં રચાયેલી ફોર્મ્યુલાઓ, સમીકરણો કે પ્રોગ્રામ્સ)નું રાજ ચાલશે, આલ્ગોરિધમનાં નેટવર્ક સર્વોપરી બની જશે.
પણ કેવી રીતે? આજે તમે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર છૂટથી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા વાપરો છો, યુ-ટયૂબ પર વીડિયો જુઓ છો. મોબાઇલની ટચસ્ક્રીન પર આંગળી ફેરવતાં ફેરવતાં ફ્ટાફ્ટ ટ્રેન કે પ્લેનની ટિકિટો બુક કરો છો. તમે કિંડલ પર કિફાયતી ભાવે ડિજિટલ પુસ્તકો વાંચો છો, ઘરમાં ટેસથી પગ લાંબા કરીને નેટફ્કિકસ કે હોટસ્ટાર જેવાં પ્લેટફોર્મ્સ પર દુનિયાભરની ફ્લ્મિો અને ટીવી શોઝ જુઓ છો. એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવાં ઇ-સુપરસ્ટોરમાંથી જાતજાતની ચીજો ઓનલાઇન ઓર્ડર કરો છો. આ બધું જ – તમારો પર્સનલ ડેટા, તમારી સોશિયલ મીડિયા પરની એકિટવિટી, તમારી પુસ્તકો-વીડિયો-ફ્લ્મિો-ટીવી શોઝની પસંદગી, તમારા ઓનલાઇન ઓર્ડર્સ – આ સઘળો ડેટા રાક્ષસી કદનાં સર્વરોમાં સ્ટોર થતું રહે છે. ભવિષ્યમાં આપણાં તન-મન-વિચાર-વ્યવહાર વિશે કલ્પના કરી શકાય એટલો ગંજાવર ડેટા અલગ-અલગ રીતે સર્વરોમાં જમા થતો રહેવાનો અને અને તેના આધારે વધારે ને વધારે એકયુરેટ આલ્ગોરિધમ્સ તૈયાર થતા જવાના.
આજે ખાસ ગંભીર બીમારીથી પીડાતા ન હોય એવા અમુક લોકો પણ વેરેબલ સેન્સર્સનો ઉપયોગ કરવા લાગ્યા છે, જે કયાં તો કાંડા ઘડિયાળની જેમ અથવા તો અન્ડરવેરની સાથે પહેરાયેલાં હોય અથવા સ્માર્ટફોન સાથે જોડાયેલાં હોય. શરીર સાથે જડાયેલાં રહેતાં આ ઉપકરણ હૃદયના ધબકારા અને બ્લડપ્રેશર જેવી બાયોમેટ્રિક વિગતો નોંધતા રહીને હેલ્થની સ્થિતિ સતત મોનિટર કરતાં રહે છે. વચ્ચે ગૂગલ અને દવા બનાવતી કંપની નોવરાટીસે સંયુકતપણે ખાસ પ્રકારના કોન્ટેકટ લેન્સ બનાવ્યા હતા. આ લેન્સ કીકી પર ચડાવી લો એટલે આંખની સપાટીની ભીનાશ પરથી તમારા શરીરમાં ગ્લુકોઝના લેવલ શી રીતે ઉપર-નીચે થઈ રહૃાું છે તે થોડી થોડી સેકન્ડે નોંધાતું રહે. આ પ્રકારના ડેટા પછી કમ્પ્યૂટરમાં ફીડ કરવામાં આવે, જેના આધારે કમ્પ્યૂટર તમને સલાહ આપે કે જો તબિયત ટનાટન રાખવી હશે તો ખાનપાનમાં અને રોજિંદી એકિટવિટીઝમાં આટલા-આટલા ફેરફાર કરવા પડશે.

હોલિવૂડની સુપરસ્ટાર એન્જલિના જોલીનો કિસ્સો જાણવા જેવો છે. એન્જલિનાની મમ્મી અને નાની બંને બ્રેસ્ટ કેન્સરને લીધે પ્રમાણમાં નાની ઉંમરે મૃત્યુ પામ્યાં હતાં. એન્જલિનાએ ડીએનએ ટેસ્ટિંગ કરાવ્યું તો ખબર પડી કે એના શરીરમાં પણ બીઆરસીએ-વન નામનું ખતરનાક જનીન છે જ. જે સ્ત્રીના જનીનતંત્રમાં બીઆરસીએ-વન નામનું આ જનીન હોય એને સ્તન કેન્સર થવાની શકયતા ૮૭ ટકા જેટલી હોય છે. એન્જેલિનાને જ્યારે આ હકીકતની ખબર પડી ત્યારે એની તબિયત રાતી રાયણ જેવી હતી. ડોકટરોએ કહૃાું કે તને ભલે આજે કેન્સર નથી, પણ તારા જનીનતંત્રમાં પેલું ખતરનાક જનીન બેઠું બેઠું ટિક ટિક કરી રહૃાું છે. ટાઇમબોમ્બની જેમ તે ગમે ત્યારે વિસ્ફોટ કરી શકે તેમ છે. આથી એન્જેલિનાએ ૨૦૧૩માં મોટો નિર્ણય લીધો. એણે સર્જરી કરાવીને બંને સ્તન કઢાવી નાખ્યાં. એક સ્ત્રી માટે, અને એમાંય એન્જેલિના જોલી જેવી હોલિવૂડની સેક્સીએસ્ટ સુપરસ્ટારોમાં સ્થાન પામતી અભિનેત્રી માટે સ્તનહીન બની જવાનો નિર્ણય કેટલો વિકટ હોવાનો! યાદ રહે, એન્જલિનાનાં શરીરમાં કેન્સર હોવાનું હજુ ડિટેકટ સુદ્ધાં થયું નહોતું, છતાંય અગમચેતીના ભાગરૂપે એણે આ પગલું ભર્યું.
આપણા શરીરમાં શું છે, શું નથી ને શું થઈ શકે તેમ છે તે વિશે મશીનો આપણા કરતાં વધારે જાણે છે તેથી જ આપણે મશીનોએ કરેલા નિદાન પર ભરોસો કરીએ છીએ.
યુવલ હરારી પોતાના પુસ્તકમાં લખે છે તેમ, કમશઃ એક એવી સ્થિતિ આવશે જ્યારે તબિયત જ નહીં, બલકે આપણા સ્વભાવ, ઇચ્છાઓ, લાગણીઓ અને વૃત્તિઓ વિશે પણ આપણે જેટલું જાણીએ છીએ એના કરતાં પેલા રાક્ષસી સર્વરોમાં જમા થયેલા ડેટાના આધારે રચાયેલાં આલ્ગોરિધમ વધારે જાણવા લાગશે. આપણાં વર્તન-વ્યવહાર આખરે શંુ છે? દિમાગમાં ઝરતાં જાતજાતનાં રસાયણો અને અંતઃસ્ત્રાવોની ધમાચકડીને કારણે નીપજતું પરિણામ.
નજીકના ભવિષ્યમાં મશીનો આપણા વતી કેવા કેવા નિર્ણયો લેતું થઈ જશે તે સમજાવવા યુવલ હરારીએ માઇક્રોસોફ્ટની કોર્ટાના સિસ્ટમ વિશે વાત કરી છે. બિલ ગેટ્સની માઇક્રોસોફ્ટ કંપની હાલ કોર્ટાના નામની આર્ટિફ્શિયલ ઇન્ટેલિજન્સ ધરાવતી પર્સનલ આસિસ્ટન્સ સિસ્ટમ વિકસાવી રહી છે. બધું સમુસૂતરું પાર પડશે તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના ભાવિ વર્ઝન દ્વારા કોર્ટાના ઘરે-ઘરે, ટેબલે-ટેબલે અને મોબાઇલે-મોબાઇલે પહોંચી જવાનું. સૌથી પહેલાં તો કોર્ટાના તમારા વર્ચ્યુઅલ સેક્રેટરી તરીકે કામ કરશે. તે તમારા મોબાઇલ કે કમ્પ્યૂટરની સ્ક્રીન પર મેસેજ ફ્લેશ કરીને યાદ કરાવશે કે ભાઈ, બે દિવસ પછી તારી વાઇફ્ની બર્થડે આવે છે, ગિફ્ટ લેવાનું ભૂલતો નહીં. તમે ડિનર કરવા બેસો ત્યારે રિમાઇન્ડ કરાવશે કે તારે જમતા પહેલાં ફ્લાણી બીમારી માટેની દવા લેવાની છે તે લઈ લીધી? એ ટકોર કરશે કે રાતનો દોઢ વાગી ગયો છે, હવે તારે વીડિયો જોવાનો બંધ કરીને સૂઈ જવું જોઈએ કેમ કે કાલે સવારે દસ વાગે તારે બહુ જ મહત્ત્વની બિઝનેસ મિટિંગ અટેન્ડ કરવાની છે. બિઝનેસ મિટિંગ શરૂ થાય તેની પંદર મિનિટ પહેલાં કોર્ટાના તમને ચેતવણી આપશે કે અત્યારે તારું બ્લડપ્રેશર બહુ હાઇ છે અને તારું ડોપામાઇન (દિમાગમાં ઝરતું એક કેમિકલ)નું લેવલ ઘટી ગયું છે. ભૂતકાળનો ડેટા બતાવે છે કે આવી સ્થિતિમાં તેં બિઝનેસને લગતા જે નિર્ણયો લીધા છે તેને લીધે તને નુકસાન જ થયું છે. આથી અત્યારની મિટિંગમાં કોઈ મોટું ડિસીઝન ન લેતાે, ડિસ્કશન બને ત્યાં સુધી અધ્ધરતાલ રાખજે!
પછીના તબક્કામાં કોર્ટાના તમારો એજન્ટ બનીને તમારા વતી કામ કરશે. ધારો કે તમારે મિસ્ટર મહેતા સાથે આવતા અઠવાડિયે મિટિંગ કરવાની છે તો તમારે કે મહેતાભાઈએ એકબીજાને ફોન કે મેસેજ કરીને સમય-સ્થળ નક્કી કરવાની જરૂર નથી. તમારું કોર્ટાના અને મહેતાનું કોર્ટાના એકબીજા સાથે કમ્યુનિકેટ કરશે. બંને કોર્ટાના પોતપોતાના માલિકના શેડ્યુલ ચેક કરીને, આપસમાં ડિસ્કસ કરીને સમય-સ્થળ નક્કી કરી લેશેે. ધારો કે તમે કોઈ કંપનીમાં જોબ માટે અપ્લાય કરવા માગો છો. કંપનીનો અધિકારી કહેશે કે તમારે બાયોડેટા મોકલવાની કે ઇન્ટરવ્યૂ આપવાની કોઈ જરૂર નથી. તમે ફ્ક્ત તમારા કોર્ટાનાનો એક્સેસ મને આપી દો. તમારા વિશે મારે જે કંઈ જાણવું છે તે હું તમારા કોર્ટાના પાસેથી જાણી લઈશ! 
વાત હજુય આગળ વધારો. ધારો કે તમે કોઈ યુવતીના પ્રેમમાં છો અને તેને લગ્ન માટે પ્રપોઝ કરવાનું વિચારો છો. કોર્ટાના તમને કહેશેે: મેં છોકરીનો, એના ફેમિલીનો, એના ફ્રેન્ડ્ઝનો અને એકસ-લવરનો ડેટાબેઝ ચેક કર્યો છે. તને ભલે અત્યારે છોકરી પ્રત્યે પ્રેમ હોય, પણ તમારા બંનેની વર્તણૂક, લાઇફ્સ્ટાઇલ અને જિનેટિક સ્ટ્રકચરના ડેટા પરથી હું કહું છું કે જો તમે લગ્ન કરશો તો ડિવોર્સ થઈ જવાના ચાન્સ ૭૪ ટકા જેટલા છે! એવુંય બને કે તમે કોલેજમાં એડમિશન લો તે સાથે જ તમારું કોર્ટાના કોલેજની બધી છોકરીઓના કોર્ટાના ચેક કરી, તમારી જાણ બહાર કેટલીયને રિજેકટ કરી નાખે અને પંદર કન્યાઓને શોર્ટલિસ્ટ કરી તમને સલાહ આપે કે આટલી જ છોકરીઓ તારી ગર્લફ્રેન્ડ બનવા માટે સ્યુટેબલ છે!
2013માં રિલીઝ થયેલી હોલિવૂડની 'હર' ફિલ્મની યાદ આવી ગઈને? હૃદય વલોવી નાખે એવી આ અફલાતૂન રોમાન્ટિક સાયન્સ ફિક્શનમાં એકલવાયો હીરો એની કમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમના પ્રેમમાં પડે છે!  આ લેખમાં વર્ણવી એવી વિજ્ઞાનકથા જેવી વાતોને વાસ્તવમાં પલટાતાં ઝાઝા દસકા પસાર નહીં થાય. માઇક્રોસોફ્ટની કોર્ટાના ઉપરાંત ગૂગલ નાઉ અને એપલની સિરી સિસ્ટમ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ જ દિશામાં આગળ વધી રહી છે. આ પરિસ્થિતિ વધારે રોમાંચક છે કે વધારે ભયાવહ? આનો જવાબ તો સમય આવ્યે જ સમજાશે.
0 0 0 

No comments:

Post a Comment