Thursday, May 4, 2017

કબાટ હોય કે કવિતા... સર્જન કરતાં રહેવાનું!

ચિત્રલેખા - એપ્રિલ 2017

વાંચવા જેવું 

 ‘એક જ્યોતિષ મિત્રે અમારી જન્મકુંડળી જોઈને ભાખેલું કે અમે ૭૨ વર્ષે સ્વર્ગારોહણ કરીશું, ત્યારે એ આવતા જુગની વાત લાગેલી, પરંતુ એ આંકડો નજીક આવતો જાય છે તેમ તેમ અમે હજુ બુઢ્ઢા થયા નથી એવો પારો માથામાં સર્ક્યુલેટ થવા લાગે કરે છે તો પણ કશું ક કાંઈક થાય ત્યારે સળેખમ થાય કે પેટમાં ચૂંક આવે કે કાર ખોટો ટર્ન મારે ત્યારે ક્ષણભર અચરજ થાય કે આ હશે? અરે? મરવાની ઘડી આવી ગઈ કે?’
ધુ રાયને વાંચવા એક લહાવો છે એમ કહેવું એટલે ‘સોમવાર પછી મંગળવાર આવે છે’ એવું રુટિન વાક્ય ઉચ્ચારવું. મધુ રાયની કલમ આપણાં દિલ-દિમાગમાં એવી એવી બત્તીઓ ઑન કરી નાખે ને એવાં એવાં કમાડ ખોલી નાખે છે કે આપણને ખુદને નવાઈ લાગે. જો! આ ફરી પાછું રુટિન વાક્ય લખાઈ ગયું. મધુસૂદન ઠાકર ઉર્ફ મધુજી ‘દિવ્ય ભાસ્કર’માં સાપ્તાહિક કોલમ લખે છે એ પણ આમ તો રુટિન જ કહેવાય, પણ એમાંય લેખકશ્રી કેવો જાદુ કરી શકે છે એ જાણવા-માણવા આજે જેની વાત કરી રહ્યા છીએ એ કિશોર દેસાઈ સંપાદિત પુસ્તકમાંથી પસાર થવું પડે. પુસ્તકના શીર્ષકમાં ‘નિબંધો’ શબ્દ વપરાયો છે, પણ વાસ્તવમાં આ ‘નીલ ગગન કે તલે’ કોલમમાં પ્રગટ થયેલા ચુનંદા લેખોનો સંગ્રહ છે.

 સાપ્તાહિક કોલમના લેખને નિબંધ કહેવાય કે નહીં એવી ડિબેટમાં પડવાને બદલે સીધા એ સવાલ પર આવી જઈએ જેનો જવાબ જાણવા ભારતવાસી મધુપ્રેમીઓ નિરંતર આતુર રહે છે. સવાલ એ છે કે ખંભાળિયામાં જન્મીને, કોલકાતામાં ઉછરીને, અમદાવાદમાં થોડાં વર્ષો વીતાવીને અમેરિકા એક્સપોર્ટ થઈ ગયેલા મધુ રાય પુન: વતનગમન કેમ કરતા નથી? ઉત્તર એમના મોઢે જ સાંભળો:

 "વતન’ એ ભૌગોલિક સ્થળ નથી. ‘વતન’ તે મગજની માંસપેશીઓને જે સ્થળ નિરાપદ લાગે તે માનસિક સ્થળ છે. તે સ્થળ કલ્પનાના ગોળા પર વસેલું છે. ગગનવાલાનો પગ જે ગોળાને અડકે છે, તે જ ગોળા ઉપર ખંભાળિયા, ને કલકત્તા ને ન્યુ યોર્ક ને લંડન છે. હમ તો સ્વર્ણિમ  સૌરાષ્ટ્રિયન હંય, ગોલ્ડન ગુજરાતિયન હી હંય, આમ આદમી ઇન્ડિય બી હંય ને સો ટકા શુદ્ધ વિશ્ર્વમાનવિયન હૌ હંય. તકદીરની લગામ જ્યાં ખેંચી જાય ત્યાં ડાબલા બાંધીને દોડિયેં છીયેં, જાણી જાઈને નિર્ધારપૂર્વક લાઈફમાં કશું કરી શક્યા નથી. એકસેપ્ટ ફિકશનમાં ગોડ બનીને હોલ વીકમાં ક્રિયેશન કરીએ છીએ ને સન્ડેના રોજ લોન્ડ્રી કરિયેં છીયેં. મસાલા ઢોસાને બદલે ડોલર બચાવવા સાદો ઢોસો ખાઈએ છીએ ને ટીપે ટીપે ભરેલી બચતમાંથી વિમાનની મૂલ્યપત્રિકા ખરીદી ભૌગોલિક વતનમાં ઊતરિયેં છીયેં જ્યાં કોકકોક વાર રાજકોટ, ને અમદાવાદ, ને ગોંડલ ને સુરત ને મોડાસા ને મુંબઈમાં સાહિત્યનાં જ્ઞાતિભોજન જમીયેં છીયેં ને હરખની ઠેકું મારિયે છીયેં. મીન્સ કે લિટલ બિટ, લિટલ બિટ વતનના સબડકા લઈને ‘વાસી મહેમાન’ થઈયેં ઈ પહેલાં પાછા ફોરેનમાં રિટર્ન પૂગી જઈએ છીયેં.’

 મધુ રાયને વિદેશ મોકલવામાં મૃણાલિની સારાભાઈએ નિર્ણાયક ભુમિકા ભજવી હતી. ‘કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો?’ નાટક કેવળ મધુ રાયની જ સર્વોેત્તમ કૃતિઓમાંની જ એક નહીં, પણ ગુજરાતી સાહિત્યની એક ક્લાસિક કૃતિ છે. મધુ રાયને નાટ્યલેખક બનાવનાર પણ મૃણાલિની સારાભાઈ જ. ‘મૃણાલિની માય વેલેન્ટાઈન’ લેખ વાંચતા આપણને ખબર પડે છે કે આ નાટક જ્યારે ભજવાયું ત્યારે શરુઆતમાં કેટલાક વિવેચકો-લેખકોએ તેને ધીબેડી નાખ્યું હતું. પીતામ્બર પટેલે લખ્યું ‘મૃણાલિનીનું ગંધાતું ફૂલ!’ એક પ્યારા દુશ્મને (નામ છુપાવવામાં આવ્યું છે) લખી નાખ્યું કે, ‘મધુએ મૃણાલિનીને ફૂલ બનાવી છે!’ અમદાવાદમાં તો વધારે શોઝ ન જ થયા, પણ મુંબઈમાં ચાલુ શોએ ચિચિયારીઓ થઈ હતી... પણ શોકાતુર થઈ ગયેલા લેખકને પછી ખબર પડી કે આ નાટકના મુકદ્દરમાં તો ભરપૂર કીર્તિ લખાઈ હતી. પ્રબોધ ચોક્સીએ ‘એનેક્ટ’ મેગેઝિનમાં રિવ્યુ લખ્યો. નાટક નેશનલ પ્રોગ્રામ ઓફ પ્લેયઝમાં આવ્યું, ચૌદ ભાષાઓમાં તે ભજવાયું, નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણાવાયું અને દૂરદર્શન માટે કેતન મહેતાએ તેની ટેલિફિલ્મ બનાવી!

 અમેરિકાવાસી કવયિત્રી પન્ના નાયક વિશેના લેખમાં મધુ રાય બરાબરના ખીલ્યા છે. વાંચો:

 ‘આ છે અમારાં પન્ના આન્ટી. તમે એમને પન્ના નાયકના નામે ઓળખતાં હશો.... અંગતવૃત્તમાં કવિ સ્વયં પોતાને ‘પનુડી’ તરીકે ઓળખાવે છે. ક્યોંકિ તેમની તિલમિલાતી તોફાનવૃત્તિ આહલાદક છે. કુદરત સાથે એમણે એવા ગુપ્ત કરાર કીધા છે કે છેલ્લાં ૪૦ વર્ષથી આન્ટી ‘પનુડી’ જેવાં, યુનો, મોહક દીસે છે. તનથકી, મનથકી, કવનથકી કુદરત તેમને સો વર્ષનાં કરે. જોકે કેટલીક અદેખીઓ કહે છે કે તેવણ સો વર્ષ પાર કરી ચૂકેલાં છે... મંચ પરથી કવિ કાવ્યપાઠ કરે ત્યારે તેમનો સ્વર આંધળાને ડોલાવે છે, ને ઠસ્સો બહેરાને બહેલાવે છે. જે આંધળા પણ ન હોય અને બહેરાયે ન હોય તેવા લલ્લુનો તો ‘ડબલ મરો’.’

 આ પુસ્તકમાં કેવળ હસતા-હસાવતા તોફાની લેખો જ નથી, પણ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગયેલાં બાળકોની દુ:સ્થિતિ વિશે, કમાલની રોમાંચકથાઓ લખતા એલમર રેનર્ડ નામના વિખ્યાત અમેરિકન લેખક વિશે, બિગ બેન્ગ થિયરીને સ્પષ્ટ કરી આપતી ઇન્ફ્લેશનરી કોસ્મોલોજી વિશે અને ઇવન ટામેટાં વિશેનાં લખાણ પણ છે.

 એક જગ્યાએ એ લખે છે:

 ‘એક જ્યોતિષ મિત્રે અમારી જન્મકુંડળી જોઈને ભાખેલું કે અમે ૭૨ વર્ષે સ્વર્ગારોહણ કરીશું, ત્યારે એ આવતા જુગની વાત લાગેલી, પરંતુ એ આંકડો નજીક આવતો જાય છે તેમ તેમ અમે હજુ બુઢ્ઢા થયા નથી એવો પારો માથામાં સર્ક્યુલેટ થવા લાગે કરે છે તો પણ કશું ક કાંઈક થાય ત્યારે સળેખમ થાય કે પેટમાં ચૂંક આવે કે કાર ખોટો ટર્ન મારે ત્યારે ક્ષણભર અચરજ થાય કે આ હશે? અરે? મરવાની ઘડી આવી ગઈ કે?’

 મરવાની ઘડી, બાય ધ વે, ક્યારની જતી રહી છે અને આગામી ૧૬ જુલાઈએ રા. રા. મધુ રાય ૭૫ વર્ષ પૂરાં કરવાના છે. આ જ લેખમાં આગળ કહે છે:

 ‘વૃદ્ધ થવાથી તમારી માનસિક તાકાત કંઈ ઓસરી જતી નથી. અને એ માટેની શરત શી છે? કામ, કામ ને કામ. મગજ સતત ચાલતું રહે તો ઘરડું થતું નથી. ઉદાસ, બેઠાડુ, ચિંતાતુર માણસો હસમુખા, કર્મઠ લોકો કરતાં ઓછું જીવે છે ને જાણે અરધું જીવે છે. જે લોકો કશું સર્જન કરે છે, પછી ભલે તે કબાટ બનાવતા હોય કે કવિતા, તે લોકો સતત કબાટ બનાવ્યા કરતા હોવાને કારણે અને લાગલગાટ લગાલગાલગા લખતા હોવાને કારણે વધુ ને વધુ સરસ કબાટ બનાવી શકે છે ને વધુ ને વધુ શાર્દૂલવિક્રીડા કરી શકે છે. એટલે હવેથી ગગનવાલા તદ્દન સર્જનશીલ નહીં તોયે સેમી સર્જનશીલ કહેવાય એવી કોલમો સતત લખી શકે અને આયુષ્યના બચેલા દાયકાઓ હસમુખા અને કર્મઠ થઈને ગુજારી શકે એવી સાંઈ પાસે દુઆ માગે છે.’

 ટચવૂડ!

 મધુ રાયના ચાહકોને યાદ હશે કે ‘નીલ ગગન કે તલે’ કોલમ બહુ બધાં વર્ષો પહેલાં ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરુ થઈ હતી, જે એનઆરઆઈ-સેન્ટ્રિક નહોતી. અફલાતૂન લેખો છપાયા હતા એમાં. અવિનાશ પારેખ, કે જેઓ એ વખતે ‘અભિયાન’ના પ્રકાશક હતા, તેમણે પછી ‘નીલ ગગન કે તલે’ નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. એ પુસ્તક અને આજના પુસ્તક વચ્ચે ક્ન્ફ્યુઝ ન થવું!  

મધુ રાયનાં કોઈ પણ પુસ્તક વિશે વધારે તો શું કહેવાનું હોય. એને તો બસ, વાંચી કાઢવાનું હોય અને બીજાઓને ધરાર વચાવવાનું હોય. જય પુસ્તક! જય મધુ રાય!  ૦  ૦ ૦
                                                                          

નીલે ગગનવાલાના નિબંધો                             
સંપાદક: કિશોર દેસાઈ
પ્રકાશક: ગૂર્જરી પબ્લિકેશન
 સિમ્પોલી રોડ, બોરીવલી, મુંબઈ
 મુખ્ય વિક્રેતા: અરુણોદય પ્રકાશન, 
 ગાંધીરોડ, અમદાવાદ- 
 ફોન: (079) 2211 4108 
 કિંમત: ૨૦૦  રૂપિયા / યુએસ ૧૨ ડોલર
  પૃષ્ઠ: ૧૫૪


No comments:

Post a Comment