Sunday, February 26, 2017

અતીત, આગમન અને ઓસ્કર

Sandesh - Ardh Saptahik Purti - 26 Feb 2017
Multiplex
આ વખતે ઓસ્કરમાં નોમિનેટ થયેલી 'અરાઈવલ'માં પૃથ્વી પર આકાર લેનારા ભાવિ ખતરાની કહાણી છે, તો 'માન્ચેસ્ટર બાય ધ સી'માં અતીતની પીડા વાત છે. બન્ને ફિલ્મો ઢગલાબંધ નોમિનેશન્સ લઈને બેઠી છે.


રાક ફ્લેશબેકમાં જાઓ. ૨૦૧૩માં ‘ગ્રેવિટી’ નામની અદભુત સાયન્સ ફ્કિશન ફ્લ્મિ જોઈને આપણે ચકિત થઈ ગયા હતા. આ ફ્લ્મિને દસ ઓસ્કર નોમિનેશન મળ્યાં હતાં, જેમાંથી સાત એવોર્ડ જીતી લીધા હતા. ૨૦૧૪માં ક્રિસ્ટોફર નોલનની આ જ જોનર એટલે કે પ્રકારની ‘ઇન્ટરસ્ટેલર’ આવી હતી. ઘસાયેલું વિશેષણ વાપરીએ તો ‘માઈન્ડબ્લોઇંગ’ ફ્લ્મિ હતી એ. આપણને હતું કે આ ફ્લ્મિ ઓસ્કરમાં સપાટો બોલાવી દેશે, પણ એને જે પાંચ નોમિનેશન મળેલાં એમાંથી એક જ કેટેગરીમાં તે બેસ્ટ સાબિત થઈ, વિઝ્યુઅલ ઈફેકટ્સમાં. ૨૦૧૫. ઓર એક સાયન્સ ફ્કિશન, મેટ ડેમનવાળી ‘ધ માર્શિઅન’. સાત ઓસ્કર નોમિનેશન. જીત એકેયમાં નહીં. આ વખતે ફરી પાછી એક સાયન્સ ફ્કિશન ઓસ્કરની રેસમાં ઉતરી છે. નામ છે એનું ‘અરાઈવલ’. એને ‘લા લા લેન્ડ’ (૧૪ નોમિનેશન) પછી સેકન્ડ હાયેસ્ટ એટલે કે આઠ નોમિનેશન મળ્યા છે. (ગયા રવિવારે જેની વાત કરી હતી તે ‘મૂનલાઈટ’ પણ આઠ કેટેગરીમાં નોમિનેટ થઈ છે.) જોવાનું એ છે કે આ વખતની સાયન્સ ફ્કિશન ઓસ્કર નાઈટમાં ‘ગ્રેવિટી’ જેવું જોર દેખાડી શકે છે કે પછી ‘ધ માર્શિઅન’ની જેમ માત્ર નોમિનેશન્સ મેળવીને સંતોષ માને છે.
આજે ‘અરાઈવલ’નો પ્રિવ્યૂ કરીશું. રિવ્યૂ નહીં પણ પ્રિવ્યૂ. સાથે સાથે ‘માન્ચેસ્ટર બાય ધ સી’નો પણ પ્રિવ્યૂ કરીશું. આ ફ્લ્મિ ઓસ્કરની છ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. તેના પણ ખૂબ વખાણ સંભળાય છે.
‘અરાઈવલ’ ફ્લ્મિ ‘સ્ટોરી ઓફ યોર લાઈફ્’ નામની એવોર્ડવિનિંગ ટૂંકી વાર્તા પર આધારિત છે. એરિક હીસેરર નામના એક સ્ક્રીનરાઈટર બાપડા કેટલાય વર્ષોથી આ વાર્તા પરથી ફ્લ્મિ બનાવવા માટે હોલિવૂડના મોટા માથાંઓને સાથે મિટીંગો કરતા હતા, પણ કયાંય મેળ નહોતો પડતો. આખરે હારીથાકીને તેઓ આ આઈડિયા પડતો મૂકવાની તૈયારીમાં હતા ત્યાં એક પ્રોડયૂસરે રસ દેખાડયો. પ્રોડયૂસરે ડેનિસ વિલનવ નામના ડિરેકટરને વાત કરી. ડેનિસ લાંબા સમયથી સાયન્સ ફ્કિશન બનાવવા માગતા હતા, પણ જલસો પડે એવી કોઈ સ્ટોરી એમના હાથમાં આવતી નહોતી. ‘સ્ટોરી ઓફ યોર લાઈફ’ વાંચતા જ એમના દિમાગમાં ઘંટડી વાગી ગઈ. કહૃાું: ચલો, કરતે હૈ. કામકાજ શરૂ થયું. નવેસરથી સ્ક્રિપ્ટ લખવામાં આવી. ટાઈટલ બદલીને ‘અરાઈવલ’ કરવામાં આવ્યું. એમી આદમ્સ અને જેરેમી રેનરને મેઈન હીરો-હીરોઈન તરીકે કાસ્ટ કરવામાં આવ્યાં. જે અંતિમ પરિણામ મળ્યું તે ખાસ્સું સંતોષકારક પુરવાર થયું, ફ્લ્મિ બનાવનારાઓ, પ્રેક્ષકો અને  સમીક્ષકો, ત્રણેય માટે.
શું છે ‘અરાઈવલ’માં? અરાઈવલ એટલે આગમન. એક દિવસ પૃથ્વીના જુદા જુદા હિસ્સામાં લોકો અચાનક એક ડઝન જેટલા યુએફઓ (અનઆઈડેન્ટિફઈટ ફ્લાઇંગ ઓબ્જેકટ) એટલે કે બીજા ગ્રહમાંથી આવી પડેલી ભેદી વસ્તુને આકાશમાં ઝળુંબતી જુએ છે. વચ્ચેથી ચીરાયેલા વિરાટ કદના બલૂન જેવો તેનો દેખાવ છે. કોણ છે તેની અંદર? જો એમાં પરગ્રહવાસીઓ હોય તો તેઓ શું કામ વણનોતર્યા મહેમાન બનીને પધાર્યા છે? તેઓ દોસ્ત છે કે દુશ્મન? તેમને શું જોઈએ છે? તેમના આગમનને કારણે પૃથ્વી પર ભયંકર ખતરો તો પેદા નથી થયોને? દુનિયાભરની સરકારો આ સવાલોના જવાબ મેળવવાની કોશિશ કરી રહી છે.
એમી આદમ્સ (ફ્લ્મિમાં એનું નામ લુઈસ છે) મેદાનમાં ઉતારવામાં આવે છે. લુઈસ ઉચ્ચ દરજ્જાની ભાષાશાસ્ત્રી છે. લુઈસની સાથે ઈઆન (જેરેમી રેનર) નામના વિજ્ઞાાનીને પેલા ડઝનમાંની એક અજીબોગરીબ વસ્તુની અંદર મોકલવામાં આવે છે. પરગ્રહવાસીઓ મનુષ્યો કરતાં વધારે એડવાન્સ્ડ છે. તેમનો દેખાવ હાથવાળા ઓકટોપસ જેવો અને અવાજ વ્હેલ માછલી જેવો છે. તેમની આગવી લિખિત ભાષા પણ છે. આ ભાષાના અક્ષરો યા તો શબ્દો ગોળ ગોળ ચકરડા જેવાં દેખાય છે. લુઈસનું કામ આ ભાષાને ઉકેલવાનું છે.
જેમ જેમ લુઈસ ભાષા સમજતી જાય છે તેમ તેમ એને પોતાની દીકરી સપનાંમાં દેખાવા લાગે છે. દીકરી નાનપણમાં જ મૃત્યુ પામી હતી. પરગ્રહવાસીઓ સાથે કમ્યુનિકેટ કરતી વખતે ગેરસમજ પણ ઘણી થાય છે. જેમ કે, તેઓ કહે છે કે તેઓ પૃથ્વી પર ‘વેપન્સ (શસ્ત્રો) ઓફર’ કરવા આવ્યા છે. દુનિયાભરમાં ગભરાટ ફેલાઈ જાય છે કે આ લોકો કયાંક યુદ્ધની વાત તો નથી કરતાંને? લુઈસ સૌને સમજાવે છે કે ડરવાની જરૂર નથી. પરગ્રહવાસીઓની ડિકશનરીમાં ‘વેપન’ શબ્દનો અર્થ ‘સાધન’ કે ‘ટેકનોલોજી’ પણ હોઈ શકે.
આગળ જતાં ખબર પડે છે કે લુઈસને જે સપનાં આવતાં હતાં તે ખરેખર ભૂતકાળના નહીં, પણ ભવિષ્યકાળનાં હતાં. ભવિષ્યમાં લુઈસ એક દીકરીની મા બનશે, જે નાનપણમાં જ ગુજરી જશે એવો પૂર્વાભાસ એને કરાવવામાં આવી રહૃાો હતો. પેલા પરગ્રહવાસીઓ વાસ્તવમાં પૃથ્વીવાસીઓને પોતાની ભાષા ‘આપવા’ માટે આવ્યા હતા, કેમ કે તેઓ જાણતા હતા કે ત્રણ હજાર વર્ષ પછી તેમના પર કશીક મોટી મુશ્કેલી આવી પડવાની છે. તે વખતે તેમને માનવજાતની મદદની જરૂર પડવાની છે. માનવજાત તો જ એમની મદદ કરી શકે જો તેઓ પરગ્રહવાસીઓની ભાષા જાણતા હોય. એક હેપી મોમેન્ટ પર ફ્લ્મિ પૂરી થાય છે.

‘અરાઈવલ’માં ભવિષ્યના સંભવિત ખતરાનો મુદ્દો છે તો ‘માન્ચેસ્ટર બાય ધ સી’માં માણસને પીડા આપતા અતીતની વાત છે. ઈંગ્લેન્ડની જેમ અમેરિકામાં પણ માન્ચેસ્ટર નામનું શહેર છે. મૂળ પ્લાનિંગ પ્રમાણે ‘માન્ચેસ્ટર બાય ધ સી’નું ડિરેક્શન સુપરસ્ટાર મેટ ડેમન કરવાનો હતો, પણ પછી એણે કો-પ્રોડયૂસર બનીને સંતોષ માન્યો અને લેખન-નિર્દેશનની જવાબદારી કેનેથ લેનર્ગન નામના મહાશયને સોંપી દીધી.
ફ્લ્મિના મુખ્ય કિરદારનું નામ છે, લી ચેન્ડલર (આ રોલ નિભાવનાર કેસી એફ્લેકને બેસ્ટ એકટરનું ઓસ્કરનું નોમિનેશન મળ્યું છે). એ સફાઈ કર્મચારી છે. દુભાયેલો છે, અસામાજિક પ્રાણી છે, એકલવાયું જીવન જીવે છે. એ ગાંડાની જેમ દારૂ પીએ અને પીધા પછી લોકો સાથે મારામારી કરે છે. એ જાણે કે સતત કોઈક બોજ લઈને જીવ્યા કરે છે. એક દિવસ એક ફોન આવતાં એ પોતાના વતન માન્ચેસ્ટર ભાગે છે. એના મોટા ભાઈનું અકાળે નિધન થઈ ગયું છે. મરતા પહેલાં એ લખતો ગયો હતો કે મારા ટીનેજર દીકરા પેટ્રિકની જવાબદારી મારા નાના ભાઈ લીને સોંપવામાં આવે. મૃતકની પત્ની તો વર્ષો પહેલાં પતિ અને સંતાનને છોડીને જતી રહી હતી. આથી લીને પોતાની ભાભી પ્રત્યે પહેલેથી જ બહુ રોષ હતો. હવે લી પર એકાએક ભડભાદર થઈ ગયેલા ભત્રીજાને સાચવવાની જવાબદારી આવી પડે છે.
એક વિકલ્પ એ હતો કે લી કાયમ માટે માન્ચેસ્ટરમાં સેટલ થઈ જાય, પણ માન્ચેસ્ટરમાં રહેવાની કલ્પના માત્રથી લી ખળભળી ઉઠે છે. માન્ચેસ્ટરમાં રહેતા ઓળખીતા-પાળખીતા લોકો લીને વિચિત્ર નજરે જોયા કરે છે. તેમને થાય છે કે ભત્રીજાની જવાબદારી લી ઉપાડશે? આ માણસ, જેણે ભૂતકાળમાં…
માન્ચેસ્ટરમાં ખૂબ બરફ્ પડયો છે એટલે ચોકકસ ક્બ્રસ્તાનમાં ભાઈને દફ્નાવવા માટે થોડા દિવસ રાહ જોવી પડે તેમ છે. ડેડબોડીને મોર્ગમાં રાખવામાં આવે છે. અંતિમ વિધિ આટોપી ન લેવાય ત્યાં સુધી કોમ્પ્લિકેટેડ કાકો અને અળવીતરો ભત્રીજો એક ઘરમાં સાથે રહે છે. પછી ઘણું બધું બને છે આ દિવસોમાં.
આ સ્ટોરીમાં મેલોડ્રામેટિક અને રડકુ બની જવાય એવો પૂરો મસાલો છે, પણ રિવ્યુઅરોને મજા એ વાતની આવી ગઈ છે કે ડિરેકટરે ફ્લ્મિને હલકીફૂલકી રાખી છે. ફ્લ્મિનો મેસેજ એવો છે કે ભલે તમારી લાઈફ્માં ગમે તે થયું હોય, ભલે તમારાથી ગમે તેવો અક્ષમ્ય અપરાધ થઈ ગયો હોય, પણ મહેરબાની કરીને જીવવાનું ન છોડો, પોતાનાં સુખ અને ખુશાલીના માર્ગમાં આડા ન આવો. બીજાઓને જ નહીં, પણ પોતાની જાતને પણ માફ કરતા શીખો.
તો આ વખતે ઓસ્કરમાં કઈ ફ્લ્મિ બાજી મારશે? કયા કલાકાર-કસબીઓ ઓસ્કર ટ્રોફી શાનથી ઘરે લઈ જશે? આ સવાલના જવાબ માટે હવે બહુ રાહ જોવાની જરૂર નથી. આવતી કાલે (યેસ, આવતી કલે, ગયો તે સોમવારે નહીં) સવારના પહોરમાં છ વાગ્યામાં ટીવી સામે ઓસ્કર ફંકશનનું લાઈવ કવરેજ જોવા બેસી જજો. આ બધા સવાલોના જવાબ એક પછી એક મળતા જશે.
                                                 0 0 0 

No comments:

Post a Comment